Rudra ni Premkahani - 7 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 7

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 7

બકારનાં વધ બાદ એનાં દેહનાં ટુકડાઓ જ્યાં જઈને પડ્યાં એ બધી જગ્યાએ વસતાં નિમ લોકો એક રીતે શક્તિશાળી તો થયાં પણ એમની અંદરની એકતા કાયમ ના રહી શકી.. પૃથ્વી પર રાજા રત્નરાજ ની આગેવાનીમાં અન્ય ચાર રાજાઓ હુબાલી, અમોલી, યદુવીર અને શશીધર પાતાળલોકમાં આવેલાં હેમ જ્વાળામુખીમાં મોજુદ સુવર્ણ ભંડાર ની લાલચમાં આવી વગર કારણે નિમ લોકો વિરુદ્ધ યુદ્ધ કરવાનું આયોજન કરે છે.

રત્નનગરી માં યોજેયેલી સભા બાદ પૃથ્વી પર રાજ કરતાં પાંચેય રાજાઓ પોતપોતાનાં લશ્કર સાથે રત્નનગરીનાં શાસક રત્નરાજ ની આગેવાનીમાં પાતાળલોકમાં વસતાં નિમ લોકોની વિરુદ્ધ યુદ્ધની તૈયારી રૂપે વીંધ્યાચળ ની પહાડીઓમાં એકત્રિત થયાં હતાં. આ લશ્કર માં આશરે અઢી લાખ યોદ્ધાઓનો સમાવેશ થતો હતો.. અલગ-અલગ અસ્ત્રો અને શસ્ત્રો સાથેનાં આ યોદ્ધાઓ સંપૂર્ણ રીતે સજ્જ હતાં નિમ લોકોની સામે બાથ ભીડવાં માટે.

વીંધ્યાચળ નાં ત્રિમૂર્તિ પર્વત ની ઘાટીમાં એક રસ્તો હતો જે સીધો પાતાળલોક સુધી જતો હતો.. આ રસ્તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા પાતાળવાસીઓની સુવિધા માટે બનાવાયો હતો.. એટલે જ આ પર્વત નું નામ ત્રિમૂર્તિ રાખવામાં આવ્યું હતું.. નિમ લોકો આમ તો પૃથ્વી પર જરૂર વગર આવતાં જ નહોતાં.. પણ કુંભમેળામાં ભાગ લેવાં માટે મોટી સંખ્યામાં નિમ લોકો આ રસ્તાનો ઉપયોગ કરી પૃથ્વી પર આવતાં અને જે-તે સ્થાને યોજાતાં કુંભમેળામાં ભાગ લઈને ધન્યતા અનુભવતાં.

યુદ્ધ નાં નિયમ મુજબ તમે જેની સામે યુદ્ધ કરો એને પહેલાં સૂચિત કરવું જોઈએ.. એટલે રત્નરાજે નિમ લોકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતાં રાજા વિરભદ્ર ને યુદ્ધ માટે નું કહેણ મોકલાવ્યું. રત્નરાજ નો આમ અચાનક યુદ્ધ નો સંદેશ સાંભળી વિરભદ્ર નું મગજ ચકરાવે ચડી ગયું અને આવેશમાં આવી વિરભદ્ર એ રત્નરાજ નો સંદેશો લઈને આવેલ દૂત ની હત્યા કરી દીધી.

યુદ્ધનીતિ મુજબ તમે કોઈ સંદેશો લઈને આવેલાં દૂત ને હાથ પણ ના લગાડી શકો.. જ્યારે આ તો વિરભદ્ર એ દૂત ની હત્યા કરી નાંખી હતી.. વિરભદ્ર નાં આમ કરતાં જ રત્નરાજ ને વધુ સમય વ્યથિત કર્યાં વગર પાતાળલોક પર સીધું જ આક્રમણ કરવાની જાણે રજા મળી ગઈ.

આ સાથે જ રત્નરાજ, અગ્નિરાજ, હુબાલી, અમોલી, યદુવીર અને શશીધર ની આગેવાનીમાં છ અલગ અલગ ભાગમાં વહેંચાયેલી સેનાઓએ વિરભદ્ર, સુબાહુ અને વાનુકી નાં રાજ્ય પર આક્રમણ કરી દીધું.. વિરભદ્ર ચિત્ર પ્રદેશ અને વિચિત્ર પ્રદેશ એમ બે રાજ્ય પર શાસન કરતો હોવાથી એને હરાવવા ખુદ રત્નરાજે સેનાની આગેવાની લઈને વિરભદ્ર ની સામે યુદ્ધ નો યલગાર કરી દીધો.

વાનુકી અને સુબાહુ તો આમ અચાનક પોતાનાં રાજ્ય પર થયેલાં આક્રમણ ને લીધે વિસ્મય પામી ગયાં.. હજુ એ બંને કંઈક વળતો જવાબ આપવાનું વિચારે એ પહેલાં તો માનવો ની સેના એમનાં વિસ્તારમાં ઊંડે સુધી પ્રવેશી ચુકી હતી.

અચાનક હુમલો કરીને પોતે નિમ લોકોને હરાવી દેશે એવી પૃથ્વી પર શાસન કરતાં પાંચેય અધિપતિઓની ગણતરી ત્યારે ખોટી પડતી જણાઈ જ્યારે વાનુકી નાં આધિપત્ય નીચેનાં સર્પદેશ નાં નિમ લોકોએ પોતાની અંદર મોજુદ વિષ નો ઉપયોગ હજારો મનુષ્યો ને મોત ને ઘાટ ઉતારી મૂક્યાં... આતો સારું થયું કે મનુષ્યોની સેનાનું સંખ્યાબળ વધુ હોવાથી આ ખુવારી ની અસર ઝાઝી ના થઈ.. અને જોરદાર યુદ્ધ પછી માનવો એ સર્પદેશ પર વિજયી ધ્વજ ફરકાવી દીધો.

સુબાહુનાં આધિપત્ય નીચેનો દુમલ દેશ વિસ્તાર અને નિમ લોકોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી નાનો હતો.. એટલે જ સુબાહુ એ પોતાનાં લોકો નાં જીવ ની રક્ષા માટે યુદ્ધ ની જગ્યાએ શરણાગતિ નો વિકલ્પ સ્વીકારી લીધો.

આ તરફ રત્નરાજ અને અગ્નિરાજે પણ વિરભદ્ર ની સામે બરોબરીનું યુદ્ધ કરીને ચિત્ર પ્રદેશ અને વિચિત્ર પ્રદેશ ઉપર રત્નનગરી નો વિજય ધ્વજ ફરકાવ્યો.

માનવો એ ધાર્યું હતું એનાં કરતાં પણ વહેલી તકે અને સરળતાથી એમને નિમ લોકોને યુદ્ધમાં માત કરી દીધાં.. પાતાળલોકમાં રાજ કરતાં ત્રણેય રાજાઓને યુદ્ધ કેદી બનાવીને પંચરાજ સમક્ષ હાજર કરવામાં આવ્યાં. સત્તાલાલસા માં આવી એકજુટ ના થવાનું પરિણામ અત્યારે પાતાળલોકનાં ત્રણેય રાજા ભોગવી રહ્યાં હતાં.. પંચરાજ ની મહાસેના સામે હારી જવાનો રંજ અને પીડા અત્યારે વિરભદ્ર, સુબાહુ અને વાનુકી નાં ચહેરા પર સાફ-સાફ દેખાઈ રહી હતી.. પોતાને યુદ્ધમાં હારવાની શું સજા મળશે એ વિચારી ત્રણેય કેદી અવસ્થામાં મોજુદ રાજાઓ પંચરાજ ની તરફ જોઈ રહ્યાં હતાં.

"બોલો મહારાજ રત્નરાજ, આ ત્રણેય રાજાઓને શું સજા આપીશું..? "રત્નરાજ ની તરફ જોઈને શશીધરે કહ્યું.

"અરે એમાં પૂછવાનું શું હોય.. આ ત્રણેય ને મૃત્યુદંડ થી ઓછી સજા આપવી પોષાય જ નહીં.. "ગુસ્સામાં આવી હુબાલી એ કહ્યું.. સર્પદેશ નાં રાજા વાનુકી સામે કરેલાં યુદ્ધ માં વિષનાં લીધે જે માનવ યોદ્ધાઓ માર્યાં ગયાં એમાં મોટાંભાગ નાં યોદ્ધાઓ હુબાલી નાં હતાં. એટલે જ અત્યારે એ ક્રોધિત ભાસતો હતો.

"હું જાણું છું કે તમે કેમ આમ ક્રોધમાં છો.. પણ તમે કહો છો એમ મૃત્યુદંડ ની સજા આપવી પણ યોગ્ય નથી.. "આટલું કહી રત્નરાજે હાથનાં ઈશારાથી હુબાલીને સ્થાન ગ્રહણ કરવાનો ઈશારો કર્યો એટલે હુબાલી પોતાની જગ્યાએ પુનઃ ગોઠવાઈ ગયો.

"તો પિતાજી આમનું શું કરીશું..? "અગ્નિરાજે પોતાનાં પિતાજી રત્નરાજ ભણી જોતાં કહ્યું.

અગ્નિરાજ ની વાત સાંભળી રત્નરાજે થોડું વિચાર્યા બાદ પોતાનાં મનમાં ચાલતો વિચાર રજૂ કરતાં કહ્યું.

"સૌ પ્રથમ તો એક સંધિ કરવામાં આવે જેની ઉપર આ ત્રણેય રાજાઓનાં રાજ્ય ની મહોર લગાવવામાં આવે અને એ સંધિમાં લખવામાં આવે કે.. હેમ જ્વાળામુખી માં મોજુદ બધો સુવર્ણ ભંડાર માનવો લઈ જઈ શકશે.. અને યુદ્ધમાં હાર ની સજા રૂપે અમુક આકરાં નિયમો આપણે નિમલોકો પર લાગુ કરીએ જેથી માનવો ની સર્વોપરિતા હંમેશા અકબંધ રહે.. "

"એ નિયમો મુજબ પ્રથમ તો નિમલોકો આજ પછી કુંભમેળામાં ભાગ લેવાં આવી શકશે નહીં.. એ સિવાય પાતાળલોકમાં જ્યાંથી પણ સૂર્ય પ્રકાશ આવે છે એ બધાં જ પૃથ્વીનાં સ્થાનકો પરથી એ પ્રકાશ રોકવાની સર્વસત્તા મનુષ્યો જોડે રહેશે.. એ સિવાય નિમલોકો જ્યારે કોઈપણ મનુષ્ય ને જોશે એટલે પોતાનું મસ્તક ઝુકાવી એને માન આપશે.. "

રત્નરાજ ની આ સંધિ વાળી વાત તો મૃત્યુદંડ કરતાં પણ નિમલોકો માટે વધુ આકરી હતી.. અને એટલે જ પંચ રાજમાં મોજુદ અન્ય રાજાઓ અને અગ્નિરાજે રત્નરાજ નો પ્રસ્તાવ પૂર્ણ થતાં જ પોતાનાં પગ જમીન પર પછાડી અને હાથને પોતે બેઠાં હતાં એ બેઠક પર પછાડી રત્નરાજનાં આ પ્રસ્તાવ ને એકસુરમાં વધાવી લીધો.

"પણ રાજન તમે સુવર્ણ ભંડાર લઈ જાઓ એનાંથી અમને કોઈ નિસ્બત નથી.. પણ આમ સૂર્ય પ્રકાશ ને પાતાળલોકમાં આવતો રોકવો તથા કુંભમેળામાં જતાં નિમલોકો પર પાબંધી મુકવાની વાત તો અસહ્ય છે.. "યુદ્ધ કેદી તરીકે મોજુદ વિરભદ્ર એ હાથ જોડી રત્નરાજ ને વિવેકસભર રીતે કહ્યું.

વિરભદ્ર ની વાત નો રત્નરાજ કોઈ જાતનો પ્રત્યુત્તર આપે એ પહેલાં તો અગ્નિરાજ પોતાનાં સ્થાન પરથી ઉભો થયો અને વિરભદ્ર ની વાત નો પોતાનાં સ્વભાવ મુજબ તીખો જવાબ આપતાં બોલ્યો.

"તમે હવે યુદ્ધ કેદી છો.. અને એક યુદ્ધકેદી તરીકે વિજેતા રાજવી ની દરેક સજા ને કબુલ કર્યાં સિવાય તમારી પાસે અન્ય કોઈ માર્ગ વધતો જ નથી.. એટલે ચૂપચાપ પિતાજી એ કહ્યું એ મુજબ ની સંધિ ઉપર તમારાં રાજ્યચિહ્નન ની મુદ્રા પ્રસ્થાપિત કરીને પોતાનો અને બાકીનાં પકડાયેલાં નિમ લોકોનો જીવ બચાવી લો.. "

અગ્નિરાજ નાં શબ્દોમાં રહેલી આક્રમકતા જોઈ વિરભદ્ર, સુબાહુ અને વાનુકી હાલ પૂરતાં તો નિરુત્તર થઈ ગયાં.. અને નતમસ્તકે રત્નરાજ નો પ્રસ્તાવ કબુલવાની પોતાની સહમતી દર્શાવી. આ સાથે જ એક ચર્મપત્ર ઉપર રત્નરાજે કહ્યાં મુજબની શરતો લખવામાં આવી અને એની ઉપર ત્રણેય રાજવીઓનાં રાજ્યની રાજમુદ્રા નું ચિહ્નન લઈને એક એવી સંધિ તૈયાર કરવામાં આવી જે દરેક નિમ લોકો માટે મૃત્યુદંડ કરતાં પણ વધુ કઠોર હતી.

હેમ જ્વાળામુખી માં રહેલો ખૂબ મોટો સુવર્ણ ભંડાર લઈને રત્નરાજ ની સેના પૃથ્વીલોક તરફ પાછી વળી.. અહીં આવી પંચરાજ વચ્ચે થયેલી શરત મુજબ રત્નરાજ ને અડધાં સુવર્ણ ભંડાર ની માલિકી સોંપવામાં આવી.. જ્યારે બાકીનાં અડધાં સુવર્ણ ભંડાર ને યદુવીર, અમોલી, હુબાલી અને શશીધરે સરખાં ભાગે વહેંચી લીધો.

*****

પૃથ્વીલોક પર રાજ કરતાં પંચરાજ ની મુરાદ તો પુરી થઈ ગઈ હતી પણ માનવો દ્વારા પોતાની લાલચ નાં લીધે હજારો નિર્દોષ નિમલોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.. યુદ્ધ બાદ કરવામાં આવેલી સંધિ બાદ તો નિમ લોકો સંપૂર્ણપણે ભાંગી ચુક્યાં હતાં.. એમને હવે પોતાનું ભવિષ્ય પણ ધૂંધળું દેખાવાં લાગ્યું હતું.. જીવવા માટે પણ હવે હજારો મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એવું વિચારીને નિમ લોકો માનસિક રીતે હારી ચુક્યાં હતાં.

પંચરાજ ની જે સુવર્ણ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી એ તો પૂર્ણ થઈ ચૂકી હતી.. પણ એમને તો નિમ લોકો ને પોતાનાંથી નિમ્ન બતાવવાની જે મેલી મુરાદ હતી એ પૂર્ણ કરવાં એમને પાતાળલોકમાં જે સ્થાનેથી સૂર્ય નો પ્રકાશ દાખલ થતો હતો એ દરેક જગ્યાઓ ને મોટાં પથ્થરો વડે બંધ કરવામાં આવી. નિમ લોકો ઓછાં સૂર્ય પ્રકાશમાં જીવવા માટે આમ તો ટેવાયેલાં હતાં પણ સાવ સૂર્યપ્રકાશ વીનાં અંધકારમાં કઈ રીતે જીવી શકાય એ નિમ લોકો માટે જીવન-મરણ નો સવાલ બની ચૂક્યું હતું.

આ કપરી પરિસ્થિતિમાં નિમ લોકો ને એક વ્યક્તિ યાદ આવ્યું.. એનું નામ હતું ગુરુ ગેબીનાથ.. ત્રણેય રાજાઓ મોટી સંખ્યામાં નિમ લોકોની સાથે હાથમાં મશાલ લઈને માં ભૈરવી નાં પવિત્ર સ્થાનકે જઈ પહોંચ્યા જ્યાં ગુરુ ગેબીનાથ વસવાટ કરતાં હતાં.

"માં ભૈરવીનાં આંગણે આપ સૌ નિમલોકોનું સ્વાગત છે.. "મશાલ ની રોશનીમાં ત્યાં મોજુદ ત્રણેય રાજાઓ અને નિમ લોકો તરફ જોઈ ગુરુ ગેબીનાથે કહ્યું.

"પરશુરામ પ્રિય, મહા જ્ઞાની, મહા વિદ્વાન એવાં ગુરુવર ગેબીનાથ ની ચરણોમાં સમસ્ત નિમલોકો નાં પ્રણામ.. "બધાં વતી બોલતાં સુબાહુ એ મસ્તક ઢાળીને કહ્યું.

"મારાં આશીર્વાદ સદાય આપ સૌ ની સાથે છે.. બોલો અહીં આવવાનું કોઈ ખાસ કારણ..? "ગુરુ ગેબીનાથે હાથ ની હથેળીઓ ને ટોળાં તરફ કરી આશીર્વાદ આપતાં કહ્યું.

"ગુરુવર, આપ જાણો તો છો કે માનવો સામે કરેલાં યુદ્ધમાં અમે સઘળો સુવર્ણ ભંડાર તો હારી ગયાં એનો રંજ નથી.. પણ એમને જે સંધિ કરાવી એ મુજબ કુંભમેળામાં પ્રવેશવા માટે નિમ લોકોને મનાઈ ફરમાવી દીધી.. તથા સૂર્યપ્રકાશ જે સ્થાનેથી પાતાળલોકમાં પ્રવેશતો એ સ્થાનને પણ મોટી ચટ્ટાનોથી ઢાંકીને સમગ્ર પાતાળલોકને સદાય ને માટે અંધકારમય બનાવી દીધો.. "ગેબીનાથ નાં સવાલનો જવાબ આપતાં સુબાહુ બોલ્યો.

"હું પોતે મનુષ્યો ની વિરુદ્ધ જઈને એ સંધિ તોડવાનું દબાણ તો મનુષ્યો પર ના કરી શકું પણ સૂર્ય નાં પ્રકાશનાં બદલામાં એક એવી વસ્તુ તો તમને લાવી આપું જે દિવસે સૂર્યની જેમ જ પ્રકાશ આપશે અને સાથે રાત્રી દરમિયાન ચંદ્ર ની શીતળતા પણ રેલાવશે.. "ગેબીનાથે આંખો બંધ કરીને મનોમન કંઈક મંત્રોચ્ચાર કરતાં કહ્યું.

ગેબીનાથ એવી તે કઈ દિવ્ય વસ્તુની વાત કરી રહયાં હતાં જે સૂર્ય અને ચંદ્ર બંનેની ગરજ સારે એવી હતી એ જોવાં નિમ લોકો આશ્ચર્ય સાથે ગેબીનાથ ભણી જોઈ રહયાં.. જેવા જ ગુરુ ગેબીનાથે મંત્રોચ્ચાર અટકાવ્યો એ સાથે જ એમનાં હાથમાં એક સુવર્ણ દંડ પ્રગટ થયો.. આ દંડ ની ઉપર નાં ભાગે એક વિશાળ રત્ન જડેલું હતું.. પોતાનાં હાથમાં દંડ પ્રગટ થતાં જ ગુરુ ગેબીનાથે પોતાની આંખો હળવેકથી ખોલી અને ત્યાં હાજર નિમલોકો ને ઉદ્દેશીને કહ્યું.

"આ સૂર્યદંડ છે.. આ સૂર્યદંડ મને ભગવાન પરશુરામ દ્વારા આપવામાં આવ્યો હતો.. આ સૂર્યદંડ ની અંદર સૂર્યની દરેક શક્તિ સામેલ છે જે તમને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ પૂરો પાડશે.. "આટલું કહી ગેબીનાથે પોતાની શક્તિ વડે સૂર્યદંડ ને હવામાં ઊંચો કર્યો અને હાથનાં ઈશારા વડે સૂર્યદંડ ને માં ભૈરવીનાં શિખર ઉપર સ્થાપિત કરી દીધો.

આમ થતાં જ સૂર્યદંડ ની અંદરથી પ્રચંડ સૂર્ય કિરણો નીકળ્યાં અને એનાંથી આખું પાતાળલોક પ્રકાશિત થઈ ઉઠ્યું.. આ દિવ્ય વસ્તુ જોઈ ત્યાં હાજર બધાં નિમલોકોએ માથું ઝુકાવી ગુરુ ગેબીનાથ ને પ્રણામ કરી એમને આદર આપ્યો અને ગુરુ ગેબીનાથ નાં જય જયકારથી વાતાવરણ ગુંજવી દીધું.

જેવો લોકોનો પ્રચંડ ધ્વનિ અટક્યો એ સાથે જ વાનુકી એ માનસભર અવાજે ગુરુ ગેબીનાથ ને કહ્યું.

"આપ નો અમે બધાં નિમ લોકો ખરાં અંતઃકરણ થી આભાર માનીએ છીએ.. આ વિકટ પરિસ્થિતિમાં માં તમે જે રીતે અમારી સહાયતા કરી છે એ બદલ આપ અમારાં માટે ભગવાન તુલ્ય છો.. "

"રાજન.. તમે બધાં મને માન આપો એટલું ઘણું છે પણ મને ભગવાન ના બનાવશો.. જો તમે કોઈકનો આભાર માનવા જ માંગતા હોય તો આભાર માનો ભગવાન પરશુરામ અને દેવાધિદેવ મહાદેવ જો.. એમનાં થકી જ હું તમારી આ વિકટ સમયે મદદ કરી શક્યો છું.. તો બોલો ભગવાન પરશુરામ ની જય... દેવાધિદેવ મહાદેવ ની જય.. "ગુરુ ગેબીનાથે કહ્યું.

ગેબીનાથનાં સુરમાં સુર પરોવતાં ત્યાં આવેલાં નિમલોકોએ પણ ભગવાન પરશુરામ અને મહાદેવ ની જય જયકારથી વાતાવરણ ગુંજવી દીધું.. જેવાં એ લોકો શાંત થયાં એ સાથે જ ગુરુ ગેબીનાથે ઊંચા સાદે કહ્યું.

"હાલ પૂરતાં તો તમારી ઉપર આવેલી આ મુસીબતમાંથી મેં તમને ઉગારી લીધાં છે.. પણ ભવિષ્યમાં તમારાં ઉપર જો કોઈ નવી મુસીબત ના આવે તો એ માટે તમારે મારી એક વાત માનવી જ પડશે.. "

"બોલો ગુરુવર તમારી વાત તો અમારાં માટે આદેશ સમાન હશે.. "ત્રણેય રાજાઓ માનપૂર્વક બોલ્યાં.

આ સાથે જ ગુરુ ગેબીનાથે નિમ લોકોનાં ઉદ્ધાર માટેનો ઉપાય સુચવતાં વિરભદ્ર, વાનુકી અને સુબાહુ તરફ જોઈને પોતે શું વિચારી રહ્યાં હતાં એ જણાવવાનું શરૂ કર્યું.

★★★

વધુ નવાં અધ્યાયમાં.

ગેબીનાથ નાં મનમાં શું ચાલતું હતું..? ગેબીનાથ નો આદેશ નિમલોકો નાં ત્રણેય રાજાઓ માન્ય રાખશે..? ગુરુ ગેબીનાથ ની વાત માન્યા બાદ નિમલોકો નો ઉદ્ધાર હકીકતમાં થઈ શકશે..? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે.. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી.. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED