Rudra ni Premkahani - 2 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 2

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 2

પોતાનાં ભોગ-વિલાસ ની જીંદગી ને છોડવાનાં બદલે બકાર તરફ ઈર્ષા નાં ભાવનાં લીધે ઈન્દ્ર દેવ સમેત અન્ય દેવતાગણ મળીને બકાર ને સ્વર્ગમાંથી હડધૂત કરીને કાઢી મુકવાનો વિચાર કરે છે. એમની આ મનોકામના ને પૂર્ણ કરવામાં દેવર્ષિ નારદ પણ એમને સાથ આપવાં તૈયાર થાય છે.. આ મુજબ નારદ મુનિ મહાદેવનાં કાન ભંભેરણી કરવાં કૈલાશ પર્વત તરફ પ્રસ્થાન કરે છે. એમનાં જતાં જ દેવગણ બકારનાં આવવાંની રાહ જોતાં બેઠો હોય છે.

"આવી ગયાં બકાર દેવ.. "બકાર નાં સ્વર્ગમાં આગમન થતાં જ વરુણદેવ કટાક્ષમાં બોલ્યાં.

સાત હાથ ઊંચો ખડતલ દેહ, ચહેરા પર ચંદ્ર સમાન તેજ, આંખોમાં ગજબની શાંતિ અને દેખાવમાં જાણે કામદેવ સમા અવતાર એવાં બકારે વરુણદેવ દ્વારા આમ બોલાતાં આશ્વર્ય સાથે એમની તરફ જોતાં કહ્યું.

"હા હવે અહીં મારું સ્થાન છે તો આવવું તો પડે ને વરુણદેવ.. પણ હું એક યક્ષ છું અને મને તમે દેવ કહીને સંબોધો એનું કોઈ વિશેષ પ્રયોજન..? "

"અરે આમ પણ તમે હવે નજીકમાં મનુષ્યજાતિ દ્વારા પૂજાતાં થઈ જશો.. તમારાં પણ મંદિરો બનશે.. એટલે તમને દેવ તરીકે જ સંબોધવા રહ્યાં.. "પવનદેવે સ્મિત સાથે કહ્યું.

"અરે તમે આ બધું શું કહી રહ્યાં છો મને તો કંઈપણ સમજાતું નથી..? "પવનદેવની વાત સાંભળી અકળાઈને બકાર બોલ્યો.

"તમે શું માનો છો કે અમને ખબર નહીં પડે કે તમે પોતાની માયાવી શક્તિ વડે સમગ્ર મનુષ્યજાતિ ને અમારી વિરુદ્ધ ભડકાવી રહ્યાં છો.. એમની સેવા કરવાનો ઢોંગ કરી પોતાની કીર્તિ અને યશ ની તમે જે ખેવના કરી રહ્યાં છો એ બધી અમને ખબર છે.. અને આ તમારું કાર્ય નિંદનીય છે.. "અગ્નિદેવે આક્રોશ સાથે કહ્યું.

"અરે હું તો બિચારાં અને લાચાર મનુષ્યો ની સેવા અને મદદ અર્થે પૃથ્વીલોક પર જતો હોઉં છું.. એમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી.. તમારાં સમસ્ત દેવગણ વિરુદ્ધ મનુષ્યો ને ભડકાવવાનું કાર્ય કરવાનું તો ઠીક એ વિશે વિચારવું પણ મારાં માટે પાપ છે.. "બકાર નતમસ્તક થઈને વિનમ્રતા સાથે બોલ્યો.

"હવે તું કોઈપણ જાતનાં ઢોંગ કરીશ અમે તારી વાત માનવાનાં નથી.. સત્ય જે છે એ જ રહેવાનું છે.. અને એ સત્ય છે કે તું પોતાની ભગવાનની માફક પૂજા થાય એ મહેચ્છા સાથે પ્રપંચ ભર્યાં ખેલ રચી રહ્યો છે.. "સૂર્યદેવે પણ બકાર ની ઝાટકણી લેતાં કહ્યું.

"પ્રભુ, જો તમારી વાત સત્ય હશે તો હું કોઈપણ સજા ભોગવવાં તૈયાર છું.. તમે ઇચ્છો તો મને મૃત્યુદંડ ની સજા પણ આપી શકો છો.. "દેવતાઓ પોતાની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યાં છે એ વાતથી બેખબર બકાર સ્પષ્ટતા કરતાં બોલ્યો.

બકારની આ વાત સાંભળી એકવાર તો દેવરાજ ઈન્દ્ર ને એમ જ થયું કે હમણાં જ બકાર ની હત્યા કરી ને સદાયને માટે એનો ખાત્મો કરી દે.. પણ ઈન્દ્ર ને ખબર હતી કે બકાર નિર્દોષ છે અને એક નિર્દોષની હત્યાનું પાપ પોતાનાં માથે લેવાની ઈન્દ્ર ની કોઈ ઈચ્છા નહોતી.. એટલે થોડું સમજી વિચારીને ઈન્દ્ર એ કહ્યું.

"જો બકાર, તું એક યક્ષ છે.. અને એથી અમારાં દેવલોક નો જ એક સભ્ય છે.. માટે તારાં આ જઘન્ય અપરાધ નાં બદલામાં અમે ઈચ્છવા છતાં પણ મૃત્યુદંડ ના આપી શકીએ.. પણ હવે તું અહીં સ્વર્ગમાં રહે એ અમને પોષાય એમ નથી.. "

"હવે તમે આ અસત્ય ને સત્ય માની જ લીધું છે તો કૃપયા જણાવવાની તસ્દી લેશો કે મને કઈ સજા તમે આપવાં ઈચ્છો છો..? "શીશ ઝુકાવી શાંતિ સાથે બકાર બોલ્યો.

"અમે તને સ્વર્ગનિકાલ ની સજા ફટકારીએ છીએ.. આજથી તારું સ્વર્ગમાં પગ મુકવું વર્જિત છે.. તું હવેથી પાતાળલોકમાં જ રહીશ.. "દેવરાજ ઈન્દ્ર એ આવેશમાં આવી પોતાનાં સ્થાને ઉભા થઈ બકારની તરફ આંગળી કરતાં કહ્યું.

"જેવી આપની આજ્ઞા.. તમે મને જે કારણ નાં બદલામાં સજા આપી છે એ કારણ ખોટું છે.. છતાં હું આ સજાનો સ્વીકાર કરું છું અને સ્વર્ગનો સદાય ને માટે ત્યાગ કરું છું.. "નત મસ્તક થઈને આટલું કહી બકાર ત્યાંથી ચાલી નીકળ્યો.

એનાં જતાં ની સાથે જ ત્યાં હાજર સમસ્ત દેવગણમાં હર્ષોલ્લાસ અને આનંદનું મોજું ફરી વળ્યું.. !

****

બકાર ને સ્વર્ગમાંથી એને કરેલાં ખરાબ કાર્ય નાં લીધે ઈન્દ્રદેવ સમેત સર્વ દેવગણ દ્વારા સજા આપી હાંકી કઢાયો હોવાની વાત ભગવાન શંકર ને માલુમ પડી એ સાથે જ આક્રોશમાં આવી એ સ્વર્ગ ભણી જવાં હજુ પ્રસ્થાન કરતાં હતાં ત્યાં નારદમુનિ કૈલાશ પર્વત આવી પહોંચ્યા.

"નારાયણ.. નારાયણ.. દેવાધિદેવ મહાદેવ ને મારાં પ્રણામ.. "પોતાનાં આગવા અંદાજ માં નારદમુનિ એ કહ્યું.

"દેવર્ષિ નારદ ને પણ મારાં નમસ્કાર.. "અચાનક દેવર્ષિ નારદ ને ત્યાં આવી પહોંચેલા જોઈ ભગવાન શિવ પોતાનાં આવેશ ને થોડો સમય કાબુમાં લઈ બોલ્યાં.

"આટલી શીઘ્રતાથી કઈ તરફ ચાલ્યાં છો પ્રભુ.. કોઈ ચિંતાનું કારણ..? "હાથ જોડી નારદજી એ પુછ્યું.

"નારદજી હું સ્વર્ગ તરફ પ્રસ્થાન કરતો હતો.. મને જાણવાં મળ્યું છે કે મારાં પરમ ભક્ત યક્ષરાજ બકારને ઈન્દ્રદેવે સ્વર્ગમાંથી કાઢી મુક્યો છે.. "આ બોલતાં સમયે મહાદેવ નો ક્રોધ જોતાં જ બનતો હતો.

"પ્રભુ, હવે જેવું કરો એવું ભરો.. બકારે જે કર્યું એની સજા તો એને મળવાની જ હતી.. આ તો તમારો પરમ ભક્ત હોવાનાં લીધે દેવરાજે બકાર ને ફક્ત સ્વર્ગમાંથી પાતાળલોકમાં જવાની સલાહ આપી છે.. બાકી એને જે કર્યું એની સજા મૃત્યુદંડ થી ઓછી તો ના જ ખપે. "નારદજી પોતાની વાકછટા અને ચાતુર્ય નાં જોરે ઉપજાવી કાઢેલી વાત મહાદેવ સમક્ષ રજુ કરતાં બોલ્યાં.

"શું કહો છો આપ એ સ્પષ્ટ નથી સમજાતું.. આપ મહેરબાની કરી સાફ શબ્દોમાં જણાવવાનો કષ્ટ લેશો કે મારાં પરમભક્ત બકાર નો વાંક શું હતો..? "ભગવાન શંકરે નારદજી ને સવાલ કર્યો.

"મહાદેવ, બકાર હમણાં થી સ્વર્ગલોકમાં રહેવાનાં બદલે પૃથ્વીલોક ઉપર જ રહેતો હતો.. આમ કરવાં પાછળ એની મંછા હતી કે પોતાની માયાવી શક્તિઓનાં બળ ઉપર મનુષ્યોનાં મનમાં દેવતાઓની ખરાબ છબીનું નિર્માણ કરવું અને પોતાને ભગવાનની જેમ પ્રસ્થાપિત કરવું.. આ માટે તો બકારે દેવતાઓનાં મંદિરો તોડવા માટે પણ મનુષ્યો ને ઉકસવ્યાં હતાં.. હવે તમે જ કહો પ્રભુ એક યક્ષ પોતાની માયાવી શક્તિઓનો ઉપયોગ કરી પોતાની જાતને દેવતાઓથી વધુ સર્વોપરી સાબિત કરવાની ચેષ્ટા કરે તો એને કઠોરમાં કઠોર સજા મળવી જોઈએ કે નહીં..? "નારદમુનિ પોતાની બનાવેલી યોજના અનુસાર શબ્દશઃ વાત મહાદેવ સમક્ષ રજુ કરતાં બોલ્યાં.

દેવર્ષિ નારદની વાત સાંભળી થોડો સમય ચિંતન કર્યાં બાદ મહાદેવ નો ક્રોધ વિલીન થઈ ગયો અને એ નારદમુનિને ઉદ્દેશીને બોલ્યાં.

"દેવર્ષિ, જો તમે કહ્યું એ સત્ય હોય તો પછી દેવરાજે બકારને જે સજા આપી છે એ યથાયોગ્ય જ છે... આ બાબતમાં મારું સ્વર્ગમાં જઈને દેવરાજ ઈન્દ્ર પર ક્રોધ કરવું અયોગ્ય છે.. "

પોતાની વાત ભોળા મહાદેવને ગળે ઉતરી ગઈ છે એ સમજતાં નારદમુનિ ને અધિક સમય ના લાગ્યો.. થોડીવાર અહીંતહીં ની વાતો કર્યાં બાદ નારદજી એ શિવજી જોડે ત્યાંથી જવાની સહમતી માંગી.. જે મળતાં જ નારાયણ.. નારાયણ.. નો જાપ કરતાં કરતાં પ્રફુલ્લિત ચહેરે નારદજી કૈલાશમાંથી નીકળી ગયાં.

દેવર્ષિ નારદ દ્વારા પોતાને કહેવામાં આવેલાં સફેદ જુઠ ને સત્ય માની મહાદેવે બકાર સાથે સુસંગત કોઈપણ વાત અંગે વિચાર્યા વગર મનને શાંત કર્યું અને પુનઃ સમાધિમાં લિન થઈ ગયાં.. આ સાથે જ મહાદેવનાં મુખેથી નીકળતાં "ૐ નમઃ શિવાય.. ૐ નમઃ શિવાય.. "નાં મંત્રોચ્ચારે સમગ્ર કૈલાશ પર્વતનું વાતાવરણ મનભાવન અને અતિપાવન કરી દીધું.

આમ પણ આ મંત્ર એ ખાલી મંત્ર નથી.. પણ બ્રહ્માંડ ની ઉત્તપત્તિ સાથે પેદા થયેલો જીવનમંત્ર છે.. પ્રકૃતિ નાં પ્રમુખ પાંચ તત્વોને સમાવિષ્ટ કરતો આ મૂળ મંત્ર સમગ્ર મનુષ્ય જાતિ માટે લાભદાયક છે. બધાં જ પ્રકારની મોહમાયાથી તમને દૂર કરી તમારી આત્મા નું પરમાત્મા સાથે મિલન કરાવતો આ દેવાધિદેવ મહાદેવ ને પ્રસન્ન કરવામાં ઉપયોગી મંત્ર પોતાની અંદર જ અખૂટ શક્તિનો ભંડાર છે. કોઈપણ અટકેલું કે અશક્ય કામ પણ ફક્ત આ મંત્ર ને ખરાં હૃદય અને સાફ મન દ્વારા ઉચ્ચારવાથી શક્ય બને છે. બસ તો પછી હવે જ્યારે પણ કોઈ સંકટ ઘેરી વળે ત્યારે આંખો બંધ કરી મહાદેવનાં દિવ્ય સ્વરૂપને આંખો સમક્ષ લાવીને બોલવું.

"ૐ નમઃ શિવાય... ૐ નમઃ શિવાય.. ૐ નમઃ શિવાય"

****

સ્વર્ગમાંથી પોતાને વિના કોઈ કારણે આમ હડધૂત કરીને કાઢી મુકાયો હોવાં છતાં બકાર એવું માનતો હતો કે આ બધામાં દેવતાઓનો કોઈ વાંક નથી.. એમને કોઈએ ખોટી માહિતી આપી હશે એટલે એમને ઉતાવળમાં આ નિર્ણય લઈ લીધો. બકાર ને એ વાતની ખબર નહોતી કે એનાં સેવાકાર્ય નાં લીધે પોતાની પ્રતિષ્ઠા જોખમવાનાં ભયનાં લીધે જ દેવતાઓએ મળીને પોતાની વિરુદ્ધ આ ષડયંત્ર રચ્યું હતું.

સ્વર્ગલોકમાંથી નીકળી બકાર પોતાને મળેલી સજા ને સહર્ષ સ્વીકારી પાતાળલોક જઈ પહોંચ્યો.. હવે અહીં પોતે ક્યાં રહેશે અને શું કરશે એ વાતથી બેખબર બકાર પાતાળલોકમાં આવેલાં માં ભૈરવી નાં પવિત્ર સ્થાનકે જઈ પહોંચ્યો. માં ભૈરવીનાં આ મંદિરની સ્થાપના દેવોનાં સ્થપ્તિ એવાં વિશ્વકર્મા એ કરી હતી.. નિમ લોકો દ્વારા બ્રહ્માજીનું આહવાન કરી એમનાં માટે માં ભૈરવીનું મંદિર બનાવવાની અરજ કરવામાં આવી તો વિશ્વકર્મા ને બ્રહ્માજીએ આ મંદિર બનાવવાનું કામ સોંપ્યું.

બ્રહ્માજી ની વિનંતી ને આદેશ માની આ મંદિર ને વિશ્વકર્મા એ વાસ્તુશાસ્ત્રનાં દરેક નિયમ નું યથાયોગ્ય પાલન કરીને હિમાલય પર્વતમાળાનાં શિવાલીક નામનાં એક પર્વતમાંથી કોતરીને બનાવ્યું હતું. આ મંદિર ને જોતાં સહેજ એવું લાગે કે વર્ષો નાં વર્ષો વીત્યાં બાદ આ મંદિર બન્યું હશે પણ ભગવાન વિશ્વકર્મા એ શિવજી નું આહવાન કરી ફક્ત સાત દિવસમાં આ મંદિર નું નિર્માણ કર્યું હતું.. આ મંદિર માં પ્રવેશવાનાં પણ સાત દ્વાર હતાં એટલે આ પાવન સ્થાનને નિમ લોકો સપ્તક તરીકે પણ સંબોધતાં.

માં ભૈરવી નું આ મંદિર નિર્માણ પામ્યું ત્યારે બધાં જ નિમ લોકો પ્રથમવાર એકઠાં થયાં હતાં. નિમ લોકોનાં ગુરુ એવાં પરમપૂજ્ય ગેબીનાથ મહારાજ આ મંદિરનાં કર્તા-હર્તા અને પુજારી હતાં. ગુરુ ગેબીનાથ નો જન્મ એક ઝાકળનાં બિંદુમાંથી થયો હતો.. આકરાં સૂર્ય પ્રકાશમાં પણ જે રીતે એક ઝાકળનું બિંદુ પોતાની જાતને ટકાવીને બેઠું હતું એ દ્રશ્ય એકવાર જંગલમાં ભ્રમણ કરતાં ભગવાન પરશુરામ નાં નજરે ચડ્યું.

એક ઝાકળની બુંદ દ્વારા સૂર્ય દેવ ને પડકાર ફેંકવાનાં આ વિચિત્ર દ્રશ્યને જોઈ ભગવાન પરશુરામને વિસ્મય થયું.. એમને આ ઝાકળની બુંદ પર અપાર પ્રેમ અને માન ઉપસી આવ્યું.. એટલે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરનારાં અને પોતાનાં ક્રોધનાં લીધે જાણીતાં શ્રી પરશુરામ ભગવાને પ્રસન્ન થઈ પોતાનાં પરશુનાં સ્પર્શ થકી આ ઝાકળની બુંદમાં જીવ રેડયો અને એ ઝાકળની નાની બુંદમાંથી ગુરુ ગેબીનાથની ઉત્તપત્તિ થઈ.

ભગવાન પરશુરામે ગેબીનાથ ને એની મરજી મુજબ જ્યાં પણ વસવાટ કરવો હોય એની છૂટ આપી.. પણ પૃથ્વીલોક પર થતાં કોલાહલ અને યુદ્ધો નાં લીધે પોતે પોતાનાં આરાધ્ય દેવ એવાં ભગવાન પરશુરામ અને દેવાધિદેવ મહાદેવ ની આરાધના નહીં કરી શકે એમ વિચારી ગેબીનાથે પાતાળલોકમાં જ રહેવાનું નક્કી કર્યું.

પાતાળલોકમાં તપ કરતાં ગેબીનાથમાંથી આવી રહેલો દિવ્ય પ્રકાશ અને એમની ચોતરફ પ્રગટ થયેલું તેજ જોઈ સમસ્ત નિમ લોકો અચંબામાં પડી ગયાં.. નિમ લોકોનાં કોઈ કુળગુરુ નહોતાં એટલે એમને ગુરુ ગેબીનાથ ને અરજ કરી કે એ એમનાં કુળગુરુ બની જાય. આ તરફ ગુરુ ગેબીનાથ ને પણ લાગ્યું કે કોઈ જાતનાં જ્ઞાન અને સમજણ વગર જીવતાં નિમ લોકોનાં ભલા માટે એમની આ અંતઃકરણથી કરેલી અરજ સ્વીકારી લેવી જોઈએ. એ દિવસથી ગુરુ ગેબીનાથ નિમ લોકોનાં કુળગુરુ બની ગયાં અને પોતાનું સમસ્ત જીવન અહીં પાતાળલોકમાં રહી નિમ લોકોનાં ભલા માટે વ્યથિત કરવાનું નક્કી કરી લીધું.

પોતાનાં માટે ગુરુ ગેબીનાથે જે કંઈપણ કર્યું હતું એનાં ઋણ સ્વરૂપે નિમ લોકોએ જ્યારે માં ભૈરવી નું મંદિર નિર્માણ પામ્યું ત્યારે એનાં પૂજારી તરીકે ગુરુ ગેબીનાથ ને નીમ્યા.. અને એ દિવસથી જ ગુરુ ગેબીનાથ માં ભૈરવી નાં મંદિર માં રહી મંદિરમાં પૂજા અને આરતી નું કાર્ય કરતાં. આ સાથે જ એમને મંદિર ની લગોલગ એક આશ્રમ બનાવ્યો હતો જ્યાં નિમ લોકોનાં બાળકોને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય પણ ગુરુ ગેબીનાથ કરતાં.

સ્વર્ગમાં જ પોતાનું સ્થાનક હોવાં છતાં બકાર પાતાળલોકમાં આવેલ માં ભૈરવીનાં આ પવિત્ર સ્થાનક વિશે જાણતો હતો. એટલે જ બકાર કંઈપણ ના સૂઝતાં માં ભૈરવી નાં આ મંદિરે આવી પહોંચ્યો.. જાણે કોઈ રથ ઉપર બન્યું હોય એમ બંને બાજુ કલાત્મક પથ્થરનાં પૈડાં ધરાવતું આ મંદિર જોઈને બકારની આંખો પહોળી થઈ ગઈ. સ્વર્ગલોક અને પૃથ્વીલોક ની ઘણી બેનમૂન જગ્યાઓ જોઈ હોવાં છતાં માં ભૈરવીનાં આ મંદિર ને જોઈને બકાર મનોમન આ મંદિર નાં સર્જન ને જોઈ આફરીન પોકારી ગયો.

મંદિર નાં અઠવાડિયાનાં સાત વાર ને સમર્પિત સાત પગથિયાં ચડતી વખતે બકાર ને એક ગજબની શાંતિ અને સુકુનની પ્રાપ્તિ થઈ રહી હતી.. માં ભૈરવીનાં મંદિરનાં ગર્ભગૃહ તરફ આગળ જતું દરેક પગલું બકારને દિવ્ય અનુભૂતિ આપી રહ્યું હતું.

પોતાનાં વાંક-ગુના વગર બકારને સ્વર્ગમાંથી કાઢી મુકાયાની નિરાશા માં ભૈરવીનાં મંદિરમાં પગ મુકતાં ની સાથે જ સમાપ્ત થઈ ગઈ.. બકાર માં ભૈરવી ની દિવ્ય પ્રતિમા સામે આંખો બંધ કરી નતમસ્તક થઈ સમગ્ર સંસારની સુખાકારી માટે યાચના કરવાં લાગ્યો.. થોડો સમય જ માં ની આગળ શીશ ઝુકાવ્યા બાદ બકારે જેવી આંખો ખોલી એ સાથે જ એનાં કાને અવાજ સંભળાયો.

"યક્ષરાજ.. તમારું માં ભૈરવીનાં મંદિરમાં સ્વાગત છે.. "

બકારે પોતાને અવાજ આપનારાં વ્યક્તિનો ચહેરો જોવાં ગરદન ઘુમાવી તો કેસરી રંગનાં પીતાંબર માં સજ્જ, સફેદ દાઢીધારી અને ચહેરા પર દિવ્ય પ્રકાશ ધરાવતાં વ્યક્તિને જોતાં જ બકારનું શીશ અનાયાસે એમની સામે ઝૂકી ગયું.

"ગુરુવર, આપનાં ચરણોમાં બકાર નાં પ્રણામ સ્વીકાર હો.. "

"ચિરંજીવ થજો.. "બકારનાં માથે હાથ મૂકી એ સાધુ પુરુષે કહ્યું.

"ગુરુવર, આપનો પરિચય જાણી શકું..? "બકારે વિનમ્ર સ્વરે પૂછ્યું.

"મારું નામ ગેબીનાથ છે.. પાતાળ લોકમાં મોજુદ નિમ લોકોનો હું કુળગુરુ છું.. હું તમારી જોડે તમારો પરિચય નહીં માંગુ કેમકે મને જ્ઞાત છે કે તમે સેવાભાવી અને મહાદેવનાં પરમભક્ત યક્ષરાજ બકાર છો... "એ વ્યક્તિ ગુરુ ગેબીનાથ હતાં.. એમને પોતાનો તો પરિચય આપ્યો પણ બકાર ને એનું નામ જણાવી ચોંકાવી મુક્યો.

"ગુરુવર, આપ મને જાણો છો..? "વિસ્મય સાથે બકારે કહ્યું.

"હા યક્ષરાજ મને તમારી ઉત્તપત્તિથી લઈને તમારાં દરેક સેવાકાર્ય ની ખબર છે જે તમે મનુષ્યલોક ઉપર કર્યું છે.. અને હું તો એ પણ જાણું છું કે તમને સ્વર્ગ છોડવા મજબુર કરવામાં આવ્યાં છે.. "શાલીન સ્વરે ગેબીનાથે કહ્યું.

"હા તમારી વાત સાચી છે.. દેવરાજ ઈન્દ્ર અને અન્ય દેવગણ ને સમજફેર થઈ એટલે એમને મને સજારૂપે સ્વર્ગમાંથી કાઢી મુક્યો.. હવે સમજફેર તો મનુષ્ય ને પણ થાય અને દેવતાઓને પણ.. એનું મને કોઈ મનદુઃખ નથી.. "પોતાનાં શાંત અને વિવેકી સ્વભાવ મુજબ બકારે કહ્યું.

બકારની વાત સાંભળી ગુરુ ગેબીનાથનાં ચહેરા પર રહસ્યમયી સ્મિત પ્રગટી ગયું.. આ સ્મિત કેમ પ્રગટ થયું એનું કારણ જ્યારે બકારે પૂછ્યું ત્યારે ગુરુ ગેબીનાથે જવાબ આપતાં કહ્યું.

"યક્ષરાજ, તમને સ્વર્ગમાંથી હાંકી કઢાયા એનું કારણ કોઈ સમજફેર નથી.. આ બધું એ દ્યુત ઈન્દ્ર નું તમારી વિરુદ્ધ ષડયંત્ર છે.. "

"શું કહ્યું દેવરાજનું ષડયંત્ર..? "ગુરુ ગેબીનાથ ની વાત સાંભળી આશ્ચર્ય સાથે બકાર બોલી ઉઠ્યો.

"હા દેવરાજ ઈન્દ્ર નું ષડયંત્ર... "આટલું કહી ગુરુ ગેબીનાથે કઈ રીતે ઈન્દ્ર અને સમસ્ત દેવગણે નારદમુનિ ની સહાયતાથી બકારને કઈ રીતે સ્વર્ગમાંથી કાઢી મુકાયો એનો સઘળો વૃતાંત કહેવાનું શરૂ કર્યું.

★★★

વધુ નવાં અધ્યાયમાં.

પોતાની સાથે થયેલાં અન્યાય ની વાત સાંભળ્યાં પછી બકારનો પ્રતિભાવ શું હશે..? બકાર આગળ જતાં દેવતાઓ સાથે બદલો લેશે કે નહીં. ? આ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે.. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી.. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED