Rudra ni Premkahani - 26 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 26

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 26

રાજકુમારી મેઘના ની અંગૂઠી અગ્નિરાજ ને સુપ્રત કર્યાં બાદ કુંભમેળામાં એક બેકાબુ બનેલો હાથી હડદંગ મચાવતાં ગજરાજથી મેઘના નો જીવ તો બચાવે જ છે પણ સાથે-સાથે ગુસ્સેલ ટોળાંથી ગજરાજ નો પણ જીવ બચાવે છે.. રુદ્ર અને મેઘના ધીરે-ધીરે એકબીજા તરફ આકર્ષાય છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો વાનુરા નાં મેદાનમાં થનારી લડાઈ જોવાં સૌને આવવાનું આમંત્રણ આપે છે.. સમગ્ર પૃથ્વીલોકનાં રાજાઓનાં આગમન બાદ અસુરા નામનાં એક યોદ્ધા નો ઉલ્લેખ થાય છે અને લોકો અસુરા કોણ છે એ જાણવાની રાહ જોઈ રહ્યાં હોય છે.

લોખંડનો બનેલો દરવાજો હજુ અર્ધખુલ્લો થયો હતો ત્યાં તો એક વિશાળકાય વાઘ દરવાજામાંથી બહાર નીકળ્યો.. આ સાથે જ બધાં ની આંખો એ જોઈ પહોળી થઈ કે અસુરા કોઈ મનુષ્ય નહીં પણ એક જંગલી વાઘ છે.. મેદાનમાં આવતાં જ એ વાઘે ચારે તરફ નજર ઘુમાવી.. બે અંગારા જેવી ચમકતી આંખો એ ત્યાં હાજર લોકો તરફ એક અપલક નજર ફેંકી અને ત્યારબાદ કોઈ મોટો યોદ્ધો જેમ રણમેદાનમાં સ્થિતિનો તાગ મેળવવાં ચક્કર લગાવે એમ થોડો સમય મેદાનનાં વર્તુળાકાર ચક્કર લગાવવાં લાગ્યો.

અસુરા નાં આગમન સાથે જ વાનુરામાં હાજર લોકોનાં ચહેરા પર પથરાયેલાં વિસ્મય અને બદલાયેલાં હાવ-ભાવ ને જોઈને ઝરૂખાનાં એક ખૂણામાં ઉભેલાં ઉદઘોષક ભરતે અસુરા નો વિસ્તૃત પરિચય આપતાં કહ્યું.

"આ શાર્દુલનું નામ અસુરા એટલે રાખવામાં આવ્યું કેમકે આને સુંદરવનનાં જંગલોમાં જે આતંક અને ભયનો માહોલ પેદા કર્યા હતો એ કોઈ અસુરથી ઓછો નહોતો.. મહારાજ હુબાલીનાં સેનાપતિ માનસિંહ દ્વારા સકંજો ગોઠવીને આ માનવભક્ષી વાઘ ને પાંજરે ના પુરવામાં આવ્યો ત્યાં સુધી આ અસુરા સો થી વધુ લોકોનું ભક્ષણ કરી ચુક્યો હતો.. આને પાંજરે પુરવાનાં પ્રયાસમાં પણ રાજા હુબાલીનાં સાત સૈનિકો મોત ને ભેટી ચુક્યાં છે.. આ શાર્દુલ પોતાનાં આ રક્તરંજીત ભુતકાળનાં લીધે 'અસુરા' નામથી ઓળખાય છે.. "

"તો રાજા હુબાલી દ્વારા અહીં હાજર દરેક રાજા ને ખુલ્લો પડકાર ફેંકવામાં આવે છે કે પોતપોતાનાં રાજ્યનો મલ્લ કે કોઈ યોદ્ધો આ દૈત્ય સમાન શાર્દુલ ની સમક્ષ મેદાનમાં ઉતારી શકે છે.. "

ઉદઘોષક ની આ ઘોષણા એ વાનુરામાં મોજુદ લાખો લોકોને ફરીથી આનંદની ચિચિયારીઓ કરવાનો મોકો આપી દીધો.. આ પડકાર કોણ કબુલશે એ જાણવાની બેતાબી સાથે બધાં એકીટશે ઝરૂખામાં હાજર રાજાઓનાં મુખ તાકી રહ્યાં હતાં.

આ બધાં વચ્ચે પર્વતરાજ રાજા અમોલીનાં પુત્ર મિરાજે ઉદઘોષક ને પોતાની નજીક બોલાવીને એનાં કાનમાં કંઈક કહ્યું અને પુનઃ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.. મિરાજનાં બેસતાં ની સાથે જ ઉદઘોષક કે જેનું નામ ભરત હતું એને રાજા મિરાજ અસુરા સામે કોને મેદાનમાં ઉતારવાં માંગતાં હતાં એ વિશેની જાહેરાત કરતાં કહ્યું.

"પર્વતરાજ મિરાજ દ્વારા આ ખૂંખાર દૈત્ય સમાન અસુરા નામનાં શાર્દુલ ની સામે મેદાનમાં પર્વત પ્રદેશમાં જેમનાં ડરનાં લીધે રાતે લોકો સરખી રીતે સુઈ પણ નથી શકતાં એવાં વરુઓ ને ઉતારવામાં આવી રહ્યાં છે.. વરુ એવું પ્રાણી છે જે ટોળામાં જ શિકાર કરતું હોય છે આથી અસુરા ને રણમેદાનમાં ટક્કર આપવાં આવી રહ્યું છે છ વરુઓનું ટોળું.. "

ઉદઘોષક ભરતનાં આમ બોલતાં ની સાથે રાજા મિરાજનાં સૈનિકોએ દીવાલની ઉપરથી જ એક અન્ય દરવાજો ખોલી દીધો.. અને એમ થતાં જ સફેદ રંગનાં છ વરુઓ એ દરવાજામાંથી નીકળી મેદાનની મધ્યમાં આવીને ઉભાં રહી ગયાં.. આ સાથે જ અસુરા ની નજર એ છ વરુઓ ઉપર પડી.. સામે વરુઓનું ટોળું ઉભું હોવાં છતાં અસુરા પોતાની આગવી લયમાં આમ-તેમ ઘુમી રહ્યો હતો.

પહાડી પ્રદેશમાં પોતાનાં સંગઠીત રહેવાનાં લીધે અને બુદ્ધિનાં જોરે પોતાનાંથી વધુ શક્તિ ધરાવતાં જીવનો શિકાર કરવામાં પણ સરળતાથી સફળ થતાં એ પહાડી વરુઓ પણ સાક્ષાત અસુર સમાન એ મસમોટાં વાઘ ને જોઈ ડર નહોતાં અનુભવી રહ્યાં.. જો એક વરુ એકલું હોય તો એ આ વાઘ સામે થોડી ક્ષણોમાં જ પરાસ્ત થઈ જાય અને પોતાનો જીવ પણ ગુમાવી બેસે એ સામાન્ય વાત હતી.. પણ જ્યારે પોતાનાં સાથીદારો જોડે હોય ત્યારે આ વરુઓ કોઈપણ જાતનાં શિકારી જાનવર ને પણ મોતનાં મુખમાં ધકેલવામાં મહારથ ધરાવતાં હતાં.

આ સાથે જ કુલ સાત જંગલી જાનવર વાનુરાનાં મેદાનની મધ્યમાં મોજુદ હતાં.. જ્યારે સવા લાખથી વધુ લોકોની ભીડ જંગલી બની એ જાનવરો ને લડતાં જોવાં ઉત્સાહિત હતી.. રુદ્રને આ બધું એ મુક પશુઓ જોડે અન્યાય લાગતું હતું પણ એ અત્યારે આ બધું રોકવા અસમર્થ હોવાથી રુદ્ર મનોમન આંસુ સારી રહ્યો હતો.

હવે મેદાનમાં કંઈ મનુષ્યો વચ્ચે તો લડાઈ હતી નહીં કે એમને જરૂરી ઔપચારિકતા પુરી કરવી પડે.. વરુઓનું ટોળું ચાલાકીથી ધીરે-ધીરે અસુરા નામનાં એ વાઘની ફરતે ગોઠવાઈ ગયું એ સાથે જ એ જંગલી જાનવરો વચ્ચે મરવા-મારવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ.. અસુરા એ પોતાનો ચહેરો ઊંચો કર્યો અને પોતાની ફરતે ચક્કર લગાવી રહેલાં એ હિંસક વરુઓ તરફ જોયું.. અને આ સાથે જ એક જોરદાર ત્રાડ નાંખી.. આ ત્રાડ એટલી ભયંકર હતી કે એ વરુઓ એકાદ ડગલું પાછળ હટી ગયાં.

એ વરુઓનું આમ પાછળ હટવું અસુરા માટે માનસિક જીત હોય એમ એને એક નાનું ઘુરકિયું કર્યું.. અસુરા નાં વધતાં શ્વાસોશ્વાસનાં લીધે એનાં મુખ જોડેની જમીન પરથી માટી થોડી-ઘણી ઉડી રહી હતી.. અસુરા ની નજર હજુપણ એ વરુઓનાં ટોળાં પર કેન્દ્રિત હતી.. કેમેકે એને આ વરુઓ ગમે ત્યારે હુમલો કરશે એની જાણ થઈ ચૂકી હતી.

અસુરા ની આ ગણતરી સાચી પાડતાં એક સાથે બે વરુઓએ અસુરા ઉપર છલાંગ લગાવી દીધી.. પણ અસુરા સાવધ હતો એટલે જેવું પહેલું વરુ કુદયું એ સાથે જ એ થોડોક ખસી ગયો જેથી એ વરુ ગડથોલિયા ખાઈને જમીન પર પડ્યું.. જ્યારે બીજાં વરુને પોતાનાં મજબૂત પંજાનાં એક જ ઘા એ ઈજાગ્રસ્ત કરી ભોંયભેગુ કરી દીધું.

આમ થતાં જ અન્ય ચાર વરુઓ એકસાથે અસુરા પર ટુટી પડ્યાં.. ચાર-ચાર વરુઓ નાં ઓચિંતા હુમલાથી અસુરા થોડો બઘવાઈ જરૂર ગયો પણ એને જુસ્સાભેર એ વરુઓનો સામનો કરવાનું ચાલુ રાખ્યું.

આ દરમિયાન પહેલાં હુમલો કરનારાં બંને વરુઓ પણ ઉભાં થઈને પોતાનાં સાથીદારોની મદદે આવી ગયાં. હવે ખરો જંગ જામ્યો હતો.. એક તરફ જ્યાં મહાશક્તિ શાર્દુલ અસુરા હતો તો બીજી તરફ છ પહાડી વરુઓનું ટોળું.. ઘણો સમય સુધી એ વરુઓ એક પછી એક હુમલો કરીને અસુરાને પજવતાં રહ્યાં.. પણ એ કોઈ સામાન્ય વાઘ નહોતો જે આ વરુઓનાં પજવવાથી પીછેહઠ કરવાનો હતો.. અત્યાર સુધી સો જેટલાં મનુષ્યોની લોહી ચાખી ચુકેલાં અસુરાને આ દ્વંદ્વ માટે જાણીજોઈને ચાર દિવસથી ભૂખ્યો રાખવામાં આવ્યો હતો.. જે કારણથી અસુરા પસાર થતી દરેક પળ સાથે વધુ આક્રમક બની રહ્યો હતો.

બે વરુઓ ને તો અસુરાએ મોત ને ઘાટ ઉતારી દીધાં હતાં અને બાકીનાં ચારેય વરુઓને પણ જીવલેણ ઈજાઓ પહોંચાડી ચુક્યો હતો.. સાક્ષાત યમને સામે ઉભેલો જોઈ એ વધેલાં બાકીનાં વરુઓ પોતાનો જીવ બચાવવા આમથી તેમ દોડવા લાગ્યાં.. અને આમ થતાં જ એ વરુઓની સૌથી મોટી શક્તિ એટલે કે એમનું સંગઠન તૂટી ગયું.. જેનો ભરપૂર લાભ ઉઠાવતાં અસુરાએ ઘાતકી રીતે બાકીનાં ચારેય વરુઓનો એક પછી એક અંત આણી દીધો.

એકતરફ જ્યાં અસુરા દ્વારા એ બધાં જ વરુઓનાં મૃતદેહ ને આરોગવામાં આવી રહ્યો હતો ત્યાં ઝરૂખામાં બેસેલાં રાજા મિરાજે રાજા હુબાલી તરફ જોઈ અસુરા નામનાં એ શાર્દુલની શક્તિની આંખોનાં ઈશારાથી જ પ્રશંસા કરી.. આ દ્રશ્ય એ દર્શાવતું હતું કે આ મેદાનમાં થઈ રહેલાં દ્વંદ્વ માં હાર કે જીત જેની પણ થાય એનાંથી એ રાજાઓ વચ્ચેનાં સંબંધમાં જરા અમથો પણ ફરક નહોતો પડવાનો.

છ-છ પહાડી વરુઓને એકલાં હાથે પરાજય આપીને સ્વધામ પહોંચાડવાનું જે કરતબ અસુરાએ કરી બતાવ્યું હતું એને વાનુરાનાં મેદાનમાં મોજુદ લોકોને હર્ષોલ્લાસ કરવાં મજબુર કરી દીધાં.. શતાયુ એ રુદ્ર ની સમક્ષ અસુરાની શક્તિનાં વખાણ કર્યાં જેનાં પ્રતિભાવમાં રુદ્ર ફક્ત મૌન ધારણ કરીને બેઠો હતો.. રુદ્રનું ધ્યાન ઝરૂખામાં બેસેલી રાજકુમારી મેઘના ઉપર પણ હતું.. જેનાં ચહેરાનાં ભાવ જોઈને રુદ્રને અંદાજો આવી ચુક્યો હતો કે મેઘના ને પણ અહીં થઈ રહેલી આ હિંસા પસંદ નથી.

અસુરાનાં આ વિજય સાથે જ ઉદઘોષક ભરતે ત્યાં મોજુદ લોકોને સંબોધતાં કહ્યું.

"તો જોયું તમે કે આ વાઘ હકીકતમાં અસુર છે... જીવતો જાગતો દૈત્ય.. તો હવે આ દૈત્ય સમાન જીવ નો મુકાબલો કરવાં આવી રહ્યાં છે રાજા યદુવીર નાં પુત્ર જયવીર નાં તાલીમબદ્ધ ત્રણ યોદ્ધાઓ.. જેમનો ચહેરો આજ સુધી કોઈએ જોયો નથી એવાં આ યોદ્ધાઓને ત્રિપુરા તરીકે ઓળખવમાં આવે છે.. "

ભરત નાં આ સંબોધન નાં પૂર્ણ થતાં જ રાજા જયવીર નાં ત્રિપુરા નામનાં ચહેરા પર મુખોટું પહેરેલાં ત્રણ યોદ્ધાઓ એક અન્ય દરવાજો ખોલી રણમેદાનમાં આવ્યાં.. એ લોકોએ મેદાનની મધ્યમાં આવીને ઝરૂખામાં બેઠેલાં રાજાઓ અને મેદાનમાં આવેલાં દર્શકોનું અભિવાદન કર્યું અને એકબીજા સાથે હસ્તધુનન કરી પોતાની જાતને એ ખૂંખાર શાર્દુલ અસુરા સામે રણમેદાનમાં ઉતારવા તૈયાર કરી.

આ ત્રણેય યોદ્ધાઓ નિઃશસ્ત્ર હોવાં છતાં કોઈ જાતનાં ડર વગર અસુરા ની સંમુખ આવીને ઉભાં રહી ગયાં.. વરુઓ સામે મુકાબલો કર્યાં બાદ અસુરાનું રક્ત લાવાની માફક ગરમ થઇ ચૂક્યું હતું.. ચહેરા પર મુખોટું પહેરીને પોતાની સામે ઉભેલાં આ ત્રણેય યોદ્ધાઓને જોઈ અસુરાએ એમની ઉપર છલાંગ લગાવી દીધી.. પણ એ ત્રણેય યોદ્ધાઓ એટલાં મુત્સેદ હતાં કે એમને અસુરાનાં હુમલાથી પોતાની જાતને બચાવી લીધી.

પોતાનો પ્રયાસ નિષ્ફળ જતાં અસુરા રઘવાઈ ગયો.. અને પુનઃ એને એક યોદ્ધા ઉપર કુદકો લગાવી દીધો.. આ વખતે પણ એ યોદ્ધો સાવધ હતો એટલે એને પુનઃ અસુરાનાં હુમલાને ખાળી દીધો.. આમને આમ અસુરાનાં ડઝનેક હુમલાનાં પ્રયાસોને ત્રિપુરા યોદ્ધાઓ કુનેહપૂર્વક ટાળતાં રહ્યાં.. હા એકવાર એવું જરૂર બન્યું કે એમાંથી એક યોદ્ધાનાં બાજુ ઉપર અસુરાનાં નહોર વાગતાં લોહીની શેર ફૂટી જરૂર નીકળી પણ આ ઈજા એ બહાદુર યોદ્ધાઓ માટે સામાન્ય હતી.

એ લોકો ની વિચારધારા આ સાથે સ્પષ્ટ સમજાઈ રહી હતી કે એ લોકો પહેલાં અસુરા ને થકવી દેવાં માંગતા હતાં જેથી એની શક્તિ ક્ષીણ થઈ જાય અને યોગ્ય સમયે લાગ લઈને અસુરા નામનાં એ શાર્દુલ નો વધ કરી શકાય.. એમની આ યુદ્ધ કુશળતા ઝરૂખામાં બેઠેલાં બધાં રાજાઓ ધ્યાનપૂર્વક નિહાળી રહ્યાં હતાં.. અગ્નિરાજે તો રાજા જયવીર ની સામે જોઈ આંખોનાં ઈશારાથી જ એમનાં આ ત્રિપુરા યોદ્ધાઓની પ્રશંસા કરી.

પોતાનાં એક પછી એક હુમલા નિષ્ફળ જતાં અસુરા થાકી ગયો હતો.. જે એનાં હાવભાવ પરથી સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું.. અત્યાર સુધી સેંકડો લોકોની હત્યા કરનારાં એ માનવભક્ષી શાર્દુલને અત્યારે એ ત્રિપુરા યોદ્ધાઓ દ્વારા ખરાખરીની સ્પર્ધા મળી રહી હતી.. આખરે અસુરા એક જાનવર હતો જે ફક્ત એક જ વસ્તુથી યુદ્ધ કરતો જે હતી એની શક્તિ.. જ્યારે સામે પક્ષે વર્ષોની સખત તાલીમ પછી તૈયાર થયેલાં ખાસ ત્રણ ત્રિપુરા યોદ્ધાઓ હતાં.

અસુરાનાં શ્વાસ હવે ધામણની માફક ચાલી રહ્યાં હતાં.. સતત અસફળ કોશિશો બાદ એ દૈત્યકાર વાઘ થાક અનુભવી રહ્યો હતો. એની આ હાલત જોઈ ત્રિપુરા યોદ્ધાઓએ એકબીજાની તરફ જોયું અને હવે છેલ્લો ઘા કરવાનું એકબીજાને ઈશારાથી ગરદન હલાવી સૂચન કર્યું.. આ સાથે જ ત્રણેક ડગલાં ત્રાંસા એકબીજાથી અલગ દિશામાં ચાલીને એ લોકોએ અસુરાની ફરતે પોતાનું સ્થાન જમાવી દીધું.. આ ત્રણ યોદ્ધાઓ પોતાની ઉપર જીવલેણ હુમલો કરવાનાં છે એનો આભાસ અસુરાને આવી ચુક્યો હતો.. એને પણ હવે છેલ્લે મરણીયા થઈને લડવાનું મન બનાવતાં એક જોરદાર ત્રાડ નાંખી પોતે હજુ હાર સ્વીકારી નથી એવો સંકેત ત્યાં મોજુદ બધાં લોકોને આપી દીધો... !

★★★

વધુ નવાં અધ્યાયમાં.

ત્રિપુરા યોદ્ધાઓ અસુરાનો વધ કરવામાં સફળ થઈ શકશે. ? રુદ્ર આ વાનુરાનાં મેદાનમાં દ્વંદ્વ માટે ઉતરશે..? રુદ્રનું મેઘના ની પ્રેમકહાની કઈ દિશામાં આગળ વધશે..? શું રુદ્ર અને એનાં મિત્રો મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એ જાણી શકશે. ? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થઈ શકશે? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED