અર્ધ અસત્ય. - 24 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 24

અર્ધ અસત્ય.

પ્રકરણ-૨૪

પ્રવીણ પીઠડીયા

ભયાનક કિચૂડાટનાં અવાજ સાથે ભારેખમ તોતિંગ દરવાજો ખૂલ્યો અને ધૂળનો એક ભભકો બહાર ફેલાયો. બંસરીએ સાવધાનીથી અંદર નજર નાંખી. ’શેડ’ ખરેખર બહું મોટો હતો અને ખાલી જણાતો હતો. તેની ઉપર લગાવેલાં પતરામાંથી આછી પાતળી રોશની અંદર રેળાતી હતી જેનાથી અંદરનું દ્રશ્ય ઉજાગર થતું હતું. એ સીવાય ક્યાંય કશી હલચલ દેખાતી નહોતી. ફોનમાં સુરાએ તેને અંદર આવવા જણાવ્યું હતું એટલે તે અંદર પ્રવેશી. કોઇ બંધ પડેલી ફેકટરીની ખાલી જગ્યા હોય એવું લાગતું હતું કારણ કે થોડીક મશીનરી એક ખૂણામાં પડેલી દેખાતી હતી. બંસરીને આશ્વર્ય થતું હતું કે સુરાએ તેને અહી શું કામ બોલાવી હશે? તેણે કહ્યું હતું કે કાળીયાનો પત્તો મળી ગયો છે અને તે ત્યાં જ ઉભો છે. જો એમ હોય તો ક્યાંય તે દેખાતો જોઇએ ને! અને આવી રમત તે શું કામ રમી રહ્યો હતો?

“સુરા, સુરા ભાઇ!” પહેલા ધીમા અવાજે અને પછી થોડે ઉંચેથી તેણે સાદ પાડયો. તેનો અવાજ ખામોશીમાં પ્રસરાઇ ગયો પણ સામે કોઇ હલચલ થઇ નહી. બંસરી વિસામણમાં મૂકાઇ કે કેમ સુરો સામે નથી આવતો? તે થોડી વધું અંદર ચાલી અને શેડની ખુલ્લી જગ્યામાં બરાબર વચ્ચે જઇને ઉભી રહી અને ફરીથી બૂમ પાડી. છતાં કોઇ જવાબ ન મળ્યો ત્યારે તેણે સુરાને ફોન લગાવ્યો. તેનાં ભયાનક આશ્વર્ય વચ્ચે હવે સુરાનો ફોન ’સ્વિચ-ઓફ’ આવતો હતો. કંઇક અકળ લાગણીઓ બંસરીને ઘેરી વળી. અચાનક તેને અહીથી ભાગી જવાનું મન થયું. મનમાં એક અજંમ્પો જનમ્યો અને કંઇપણ વિચાર્યા વગર પાછી ફરીને તે બહાર તરફ ભાગી. તે એક ’ટ્રેપ’માં ફસાઇ ચૂકી હતી એની સમજ ઉદભવે એ પહેલાં તેણે અહીંથી ભાગી જવાનું મુનાસિબ માન્યું હતું. સુરો તેના સાદનો કોઇ જવાબ નહોતો આપી રહ્યો એનો મતલબ સાફ સમજાતો હતો કે ક્યાંક કશુંક ખોટું છે. પાછા પગે જ તે ઝડપથી બહાર દોડી અને દરવાજા નજીક પહોંચી જ હતી કે અચાનક તેને લાગ્યું કે પાછળ કોઈક છે. એ અહેસાસે તેની છાતીના ધબકારા તેના જ ગળામાં આવીને અટવાઇ ગયા. ગભરાહટમાં પાછળ ફરીને જોવા ગઇ કે કોણ છે! પરંતુ… તે થોડીક ક્ષણો પૂરતી મોડી પડી હતી. એકાએક તેના માથાનાં પાછળનાં ભાગે કોઇ બોથડ પદાર્થ ભારે વેગથી અથડાયો. તેની આંખોમાં પહેલા તો આશ્વર્ય અંજાયું, પછી આપોઆપ મોં ખૂલ્યું અને જમણો હાથ માથા તરફ વળ્યો. હાથની આંગળીઓના ટેરવે કશુંક ગરમ-ગરમ, ભીનું-ભીનું અનુભવાયું અને કંઇ સમજાય એ પહેલાં તો તેની આંખો સમક્ષ અંધારું છવાઇ ગયું. તે બેહોશ થઇને ઢળી પડી હતી અને કોઈકના મજબુત હાથ તેને ઉંચકીને અંદરની દિશામાં ચાલવા લાગ્યાં હતા. ઘડીનાં છઠ્ઠા ભાગમાં એ બની ગયું હતું અને બંસરીને કંઇ સમજાય એ પહેલાં તો તે ફસાઇ ચૂકી હતી.

@@@

લગભગ કલાકેક બાદ કિરણ પટેલ આવ્યો. તે એકદમ ઉંચો, પાતળો અને જૂવાન વ્યક્તિ હતો. પોલીસની વર્દીમાં તે સોહામણો લાગતો હતો. આવીને તેણે એક ટેબલ પર બેસેલા કોન્સ્ટેબલ સાથે કશીક મસલત કરી અને પછી અભય જ્યાં બેઠો હતો એ તરફ નજર નાંખી. પછી એ અભય તરફ આગળ વધ્યો અને તેની સમિપ આવીને ઉભો રહ્યો.

“બોલો, શું કામ હતું?” તેણે સીધું જ અભયને પૂછયું. લગભગ બધા જ પોલીસમેનમાં આપોઆપ ઉદભવતો હોય એવો એક સામાન્ય રૂઆબ તેના અવાજમાં પણ ભળેલો હતો. અભય બેન્ચ પરથી ઉભો થયો અને કિરણ પટેલની સન્મૂખ થયો.

“રાજપીપળાનાં પ્રતાપ બારૈયાને ઓળખો છો? એમણે મને તમારી ભલામણ કરી છે.” અભયે અનંતસિંહનું નામ અધ્યાહાર જ રાખીને કહ્યું. અનંતસિંહને વચ્ચે લાવીને તે કહાની લાંબી કરવાના મૂડમાં બિલકુલ નહોતો. જો કે બારૈયાનાં નામની તેની ધારી અસર પડી હોય એવું તેને લાગ્યું.

“અરે બારૈયા સાહેબ, એમને કેમ ન ઓળખું! તેઓ મારા ગુરૂનાં સ્થાને છે. એમનાં માર્ગદર્શન અને સહકારથી જ તો હું અહીં સુધી પહોંચ્યો છું. બોલો બોલો, શું કામ હતું?” એકાએક કિરણ પટેલના અવાજમાં નરમાશ અને ઉમળકો બન્ને છલકાવા લાગ્યાં હતા. અભયને એ જ જોઇતું હતું. હવે તેની આગળની રાહ આસાન થઇ પડવાની હતી.

“આજથી લગભગ બે વર્ષ પહેલા રાજપીપળા પોલીસ ચોકીમાં આગ લાગી હતી. એ આગમાં આખી ચોકી તબાહ થઇ ગઇ હતી અને જે કંઇ બાકી બચ્યું હતું એને અહીં શિફ્ટ કરવામાં આવ્યું હતું. મારે એ ચીજો જોવી છે.” અભય બહું સાચવીને બોલ્યો. તેની વાત સાંભળીને કિરણ પટેલ વિચારમાં પડયો.

“હમમમ્… મને કેમ એ યાદ નથી આવતું! ઉભા રહો, હું કોઇને પૂછી જોઉં.” તે બોલ્યો અને સામે બેસેલાં આધેડવયના દેખાતા એક કોન્સ્ટેબલ તરફ ગયો. તેણે એ કોન્સ્ટેબલ સાથે થોડિક મસલત કરી. કોન્સ્ટેબલે એ વાતચીત દરમ્યાન બે-ત્રણ વખત અભય તરફ જોયું હતું અને પછી કિરણ પટેલને કંઇક જણાવ્યું હતું. થોડાવાર પછી કિરણ પટેલ પાછો આવ્યો હતો.

“જૂઓ, તમે જે કહ્યું એવું બન્યું તો હતું પરંતુ તેના માટે આપણે જૂની જગ્યાએ જવું પડશે. આ પોલીસ સ્ટેશન નવું છે એટલે કામનાં હોય એવા રેકોર્ડ્સ જ અહીં લાવવામાં આવ્યાં છે. બાકીનું બધું જૂની જગ્યાએ જ પડયું છે. અને વળી તમે જે રેકોર્ડ્સની વાત કરો છો એ તો અત્યંત ખરાબ હાલતમાં છે એવું આ અમારા કોન્સ્ટેબલ દાદાનું કહેવું છે.” કિરણે પેલા કોન્સ્ટેબલ તરફ ઈશારો કરીને કહ્યું.

“મારે ફક્ત એ રેકોર્ડ્સ જોવા છે. ગમે તેવી હાલત હશે એ ચાલશે પરંતુ એક વખત નજર નાંખવી જરૂરી છે. જો આપ એ પરમિશન મેળવી આપો તો હું આભારી રહીશ.” અભય અત્યંત શાલીનતાથી બોલ્યો. કિરણ પટેલ વિચારમાં ખોવાયો.

“તમે બારૈયા સાહેબનો હવાલો આપ્યો છે પછી તમારું કામ ન થાય તો મને ઠપકો મળે. તમે ઉભા રહો, હું મોટા સાહેબની પરમિશન લઇ આવું. મને ખાતરી છે કે સાહેબ પણ એની અનુમતી આપશે. આખરે એ લબાચામાં હવે જોવા જેવું કંઇ બચ્યું હશે તો ને.” કહીને તે સાહેબની પરમિશન લેવા ચાલ્યો ગયો.

@@@

બંસરીની આંખો સામે તારલિયા નાંચતા હતા અને માથામાં ભયાનક સણકાં ઉઠતાં હતા. તે ક્યાં હતી અને તેની સાથે શું થયું હતું એ યાદ આવતું નહોતું. ઉપરાંત તેના ચશ્મા પણ ક્યાંક ગાયબ થઇ ગયા હતા. તેના બન્ને હાથ કોઇ સખત વસ્તું સાથે બંધાયેલા હતા અને નાકમાં એક વિચિત્ર પ્રકારની દૂર્ગંધ આવતી હતી. તેની આંખોનાં પોપચા ઉપર જાણે મણ-મણનાં વજનિયા લટકાવવામાં આવ્યાં હોય એવો ભાર વર્તાતો હતો. માથાનાં પાછળના ભાગેથી કશુંક ચીકણું-ચીકણું રગડીને તેની ગરદન સુધી રેળાતું હતું.

મહા-મુસીબતે તેણે આંખો ખોલી અને આજું-બાજું નિરખ્યું. તે લાકડાની એક ખુરશી સાથે મુશ્કેટાટ બંધાયેલી હતી અને તેની બરાબર સામે બીજી એક ખુરશીમાં કોઈક આદમી બેઠો હતો. બંસરીએ નજરો સ્થિર કરીને એ આદમીને ઓળખવાની કોશિશ કરી. અને… તેના મોતિયા મરી ગયાં. એ વ્યક્તિ બીજું કોઇ નહી પરંતુ ખુદ રઘુભા હતો. બંસરીની અર્ધ બિડાયેલી આંખોમાં ખૌફનું મોજું ફરી વળ્યું. રઘુભા તેની સામે બેઠો હતો એનો મતલબ સાફ હતો કે સુરાએ તેની સાથે ગદ્દારી કરી હતી અટવા તો તે ખુદ મુશ્કેલીમાં હતો.

“છોરી તું તો બહું પહોંચેલી માયા નીકળી. થોડિક સરખી રીતે તારી સાથે વાત શું કરી લીધી એમાં તું માથે બેસી ગઈ.” રઘુભાના અવાજમાં ભારોભાર કટાક્ષ હતો. “પણ રઘુભાને તું બરાબર ઓળખી ન શકી. જે વ્યક્તિ તેના પોતાના માણસને ગાયબ કરી શકે એ તારી સાથે કેવો વ્યવહાર કરશે એ વિચારી તો જો જરા.” તેના ચહેરા ઉપર કૂટિલ હાસ્ય ફરક્યું. બંસરી તેની વાત સાંભળીને સહમી ગઇ. તેને પોતાનો આખરી સમય એકદમ નજર સામે તરવરતો દેખાતો હતો. પણ એમ હિંમત હારવાથી કોઇ હલ નિકળવાનો નહોતો. તેણે મન મક્કમ કર્યું.

“સુરો ક્યાં છે?” તેણે સીધું જ પુછી લીધું. સુરાએ તેને દગો કર્યો હોય એ વિશ્વાસ તો નહોતો છતાં તે સચ્ચાઇ જાણવા માંગતી હતી.

“અહીં જ છે, મેળવીશ તેને થોડીવારમાં. પહેલાં તારે શું કહેવાનું છે એ કહાની તો સાંભળી લઉં.” રઘુભાનાં અવાજમાં એક ન કળાય એવી ધાર હતી.

“પહેલા સુરો, પછી બીજું બધું.” બંસરીને એકાએક સુરા સાથે કશુંક અમંગળ થયાની આશંકા જન્મી હતી. રઘુભા જે રીતે બોલ્યો હતો એ ખતરનાક હતું. ક્યાંક સુરાને પણ તેણે..? આગળ તે વિચારી ન શકી. તેની આંખો આગળ ફરીથી અંધારું છવાવા લાગ્યું હતું.

(ક્રમશઃ)