અર્ધ અસત્ય. - 23 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 23

અર્ધ અસત્ય.

પ્રકરણ-૨૩

પ્રવીણ પીઠડીયા

ત્રણ માળનું પોલીસ હેડ-ક્વાટર હાલમાં જ નવું બન્યું હોય એવું લાગતું થતું હતું. એકદમ વ્યવસ્થિત અને સુઘડ દેખાતાં પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ નવા રંગો-રોગાનથી સુશોભિત હતું. અભય પગથિયા ચઢીને અંદર દાખલ થયો અ કિરણ પટેલના નામની પૃચ્છા કરી. આ નામ તેને અનંતસિંહે જણાવ્યું હતું. અનંતસિંહ તેના દાદાની ભાળ મેળવવા અર્થે રાજપીપળા ગયો હતો ત્યારે ત્યાંના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રતાપ બારૈયાએ કિરણ પટેલનો હવાલો આપ્યો હતો કે ભરૂચ જાવ તો કિરણને મળજો, એ તમને બધી રીતે હેલ્પ કરશે. અભયને થોડીવાર બેસવા કહેવાયું કારણ કે કિરણ પટેલ કોઇક કામસર બહાર ગયો હતો અને તેને આવતાં સમય લાગે એમ હતો. અભયે ત્યાં મુકાયેલા લાકડાનાં બાંકડા ઉપર બેઠક લીધી અને સ્ટેશનની ગતિવિધીઓ નીહાળવા લાગ્યો. તેણે પોતાની ઓળખાણ આપવાનું મુનાસિબ માન્યું નહોતું. રખે ને વળી બીજી કોઇ મુસીબત ઉભી થાય એવું તે નહોતો ઇચ્છતો. અહીં કોઇ ઓળખિતો અફસર મળી જાય એની પણ તેને ચિંતા હતી.

@@@

રેડ કલરની લોંગ કૂર્તીમાં ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન કરેલી હતી. તેની નીચે યલ્લો રંગનું પટિયાલા પહેર્યું હતું અને માથે ગ્રીન કલરની ઓઢણી ઓઢી હતી. તે રૂપાળી તો હતી જ તેમાં ઉપરથી મેકઅપનાં આછાં ટચ-અપમાં તેની ખૂબસૂરતી ઓર નિખરી આવતી હતી. તેને તૈયાર થવું ગમતું, ઈનફેક્ટ તે રોજ આવી રીતે જ તૈયાર થતી અને કામે જતી. આજે પણ બંસરી તૈયાર થઇને ઘરની બહાર આવી. હમણાં થોડીવાર પહેલાં જ તેની ઉપર સુરાનો ફોન આવ્યો હતો. તે ઘણો ઉત્સાહમાં લાગતો હતો અને બંસરીને તેણે સુરતથી બહાર નીકળીને હાઇવે ઉપર કોસંબા આવવાં જણાવ્યું હતું. સુરાએ ફોનમાં જ કહ્યું હતું કે કાળીયાને ક્યાં સંતાડી રખાયો છે એ ઠેકાણું તેને મળ્યું છે અને તે ત્યાં જ ઉભો છે. જો તેનો શક સાચો સાબિત થયો તો તેનો દોસ્ત જીવિત મળશે જ, સાથોસાથ અભયનો કેસ પણ સોલ્વ થઇ જશે. એ સાંભળીને બંસરી એકદમ જ ઉત્તેજીત થઇ ગઇ હતી અને સુરાએ આપેલા સરનામે જવા તૈયાર થઇ હતી. ઘરની બહાર નીકળીને તેણે એકટિવાનો સેલ માર્યો અને તેની ઉપર સવાર થઇને સુરતથી બહાર તરફ જતાં હાઇવે ભણી સ્કૂટરને ભગાવી મૂકયું.

ખરેખર તો તેણે એ ફોન કોલની સચ્ચાઈ જાણી લેવી જોઇતી હતી. કાળીયાનો પત્તો મળ્યો છે એ ઉત્સાહમાં તેણે બહું મોટી ભૂલ કરી નાંખી હતી અને એકલી જ સુરાએ બતાવેલાં સરનામે જવા રવાના થઇ હતી. કમસેકમ તેણે તેનાં મોટાભાઈ રમણ જોષી સાથે આ બાબતે મસલત કરી હોત તો તે એક બહું મોટી મુસીબતમાં ફસાતા બચી ગઇ હોત. પણ ખેર, આખરે જે થવાનું માંડયું હોય છે એ થઇને જ રહે છે. એમાં કોઇ મીનમેખ થતો નથી. બંસરીની કિસ્મત પણ તેને તેનાં અંજામ તરફ લઇ જઇ રહી હતી.

બંસરી હાઇવે સુધી આવી અને કામરેજ ચાર રસ્તે તેણે એકટિવા થોભાવી હતી. સુરાએ ફોનમાં સરનામું મોકલ્યું હતું, એ સરનામું તેણે વાંચ્યું. કામરેજ ટોલ-નાંકુ વટાવીને લગભગ પચ્ચીસેક કિલોમિટર દૂર કોસંબા ગામની સીમમાં કોઇક જગ્યાનું એ સરનામું હતું. એ સ્થળ ઘણું આઘું હતું. બંસરીએ ગણતરી માંડી. એકટિવા ચલાવીને ત્યાં સુધી પહોંચતા લગભગ ચાલિસથી પિસ્તાલિસ મિનિટ લાગે. તે અસમંજસમાં પડી. હાઇવે ઉપર આટલો લાંબો ’રન’ કાપવો સલામત રહેશે? કે પછી તે કોઇકને સાથે લેતી જાય તો સારું પડે? ઘડિક એ વિચારમાં જ તે અટવાઇ પડી. નહીં, આ કેસ સોલ્વ કરવાનું તેણે એકલીએ જ બીડૂં ઝડપ્યું છે તો હવે તે પાછી નહી પડે. અત્યાર સુધી તો બધું બરોબર ચાલતું આવ્યું છે તો આગળ પણ વાંધો નહી આવે એમ મનને મનાવ્યું. વળી સુરાની વાત ઉપર તેને ભરોસો બેઠો હતો કે એ વ્યક્તિ કશું ખોટું નહી કરે એટલે આખરે મન મક્કમ કરીને તેણે સ્કૂટરને ડાબી દિશામાં હાઇવે ઉપર વાળ્યું હતું અને કોસંબાની વાટ પકડી હતી. એ પહેલાં… તે કોસંબા જઇ રહી છે એ મતલબનો એક મેસેજ તેણે ભાઇ રમણ જોષીને મોકલી આપ્યો હતો.

છેલ્લા થોડા દિવસોથી આવતાં ધોધમાર વરસાદે સમગ્ર દક્ષિણ ગુજરાતને ધમરોળી નાંખ્યું હતું. અત્યારે વરસાદ રોકાયો જરૂર હતો પણ સવારથી જ વાદળો ઘેરાયેલાં હતા અને ક્યારેક ક્યારેક બૂંદા-બાંદી થઇ રહી હતી. એવું લાગતું હતું કે હમણાં ધોધમાર વરસાદ તૂટી પડશે. પરંતુ સાથો-સાથ પવનનું જોર પણ એટલું જ હતું. પશ્ચિમ દિશામાંથી સૂસવાટાભેર વાતા પવનો આકાશમાં ઘેરાયેલા વાદળોને પોતાની સાથે ખેંચી જતા હતા. કોસંબા જવા નીકળેલી બંસરી હજું સુરતનું ટોલનાકું વટી હશે જ ત્યાં એ પવનનાં કારણે કંટાળી ગઇ. ભારે વેગથી આવતાં પવનમાં તેનું એકટિવા રીતસરનું એકબાજું ખેંચાતું હતું. તેના કપડામાં પવન ભરાતો હતો અને હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેનાં લાંબા ખૂલ્લા વાળની લટો વારંવાર ચહેરા ઉપર ધસી આવતી હતી. મુશ્કેલીથી સ્કૂટરને અને પોતાની જાતને સંભાળતી તે આગળ વધી રહી હતી.

લગભગ કલાકેકનાં ડ્રાઇવ બાદ તે કોસંબા પહોંચી હતી. સુરતથી નીકળી ત્યારનું એક વાતનું આશ્વર્ય તેના મગજમાં ઘોળાતું હતું કે રઘુભાએ સુરતને બદલે છેક કોસંબામાં કાળીયાને કેમ છૂપાવ્યો હશે? જો કે એનો ઉત્તર પણ તે જાણતી હતી. સુરતમાં કાળીયાને રાખવામાં ભારોભાર જોખમ હતું કારણ કે અત્યારે આ કેસ એકદમ ગરમ હતો. રખેને કાળીયો કોઇનાં હાથે ચડી જાય તો રઘુભા મુશ્કેલીમાં મુકાયા વગર રહે નહી એટલે જ તેણે સુરતથી ઘણે દૂર આવેલું કોસંબા પસંદ કર્યું હતું. તે પહોંચેલી માયા હતો એટલે અહી સુધી તેની પહોંચ હોય એમાં કોઇ નવાઇની વાત નહોતી.

કોસંબા ચોકડી ઉપર ઓવરબ્રિઝ બનેલો હતો. પ્રોપર કોસંબામાં જવા માટે એ ઓવરબ્રિઝની બાજુમાં જતાં સર્વિસ રોડ ઉપર ઉતરવું પડે. બંસરીએ એકટિવાને એ રસ્તે લીધી અને ચોકડીએ આવીને ઉભી રહી. તેણે ફોન કાઢયો અને સુરાએ મોકલાવેલું સરનામું વાંચ્યું. કોઇ માધવ ઈન્ડસ્ટ્રિઝમાં ચોથી ગલી અને છેલ્લું મકાન એવું લખ્યું હતું. તેણે ત્યાં ઉભેલી ફ્રૂટની લારીએ એ સરનામું પૂછયું. લારીવાળાએ તેને કોસંબાની બહાર નીકળતા હાઇવેનો રસ્તો ચિંધ્યો. એ તરફ હાઇવે રોડને સમાંતર જ માધવ ઈન્ડસ્ટ્રિઝનું બોર્ડ તેને જોવા મળશે એવું કહ્યું એટલે બંસરી એ તરફ આગળ વધી. લગભગ અડધા કિ.મિ. પછી તેને એ બોર્ડ જોવા મળ્યું. “માધવ ઈન્ડસ્ટ્રિઝ” તેણે વાંચ્યું. એ કોઇ અંડર કંન્સ્ટ્રકશન સાઇડ હતી. ઘણાં મકાનો તેમાં નિર્માણાધીન હતાં એ સ્પષ્ટ દેખાઇ આવતું હતું. તેણે માધવ ઈન્ડસ્ટ્રિઝનાં ગેટની અંદર એકટિવા લીધું અને ચોથી શેરીમાં આવીને ઉભી રહી. આ તરફ કોઇ નહોતું. ઈનફેક્ટ આખી ઈન્ડસ્ટ્રિઝમાં કોઇ નહોતું. આમ તો ગેટની અંદર ઘુસી ત્યારનું તેનું માથું ઠનક્યું હતું કારણ કે આ આખી સાઈડ બંધ હોય એવુ લાગતું હતું. જાણે બાંધકામનું કામ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું હોય એવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું. બંસરી ગભરાઇ ગઇ. આવી સાવ નધણિયાત અવાવરૂં જગ્યામાં તે આવી તો ગઇ હતી પરંતુ હવે તેનાં જીગરમાં અજીબ વિચારો ઉદભવવા લાગ્યાં હતા. ક્યાંક આ તેને ફસાવવાની ચાલ તો નથી ને? સુરતથી ઘણે દૂર, સાવ અજાણ્યાં ઇલાકામાં, અને એ પણ સાવ એકાંત વિસ્તારમાં તેને કશુંક થઈ ગયું તો બીજા કોઇને ખબર પણ કેમ પડે! અહીથી પાછા ફરી જવાની તિવ્ર ઈચ્છા તેના જહેનમાં ઉદભવી. પણ… સામે જ ગલીનો અંતિમ છેડો દેખાતો હતો અને એ ગલીમાં છેલ્લું મકાન નજરે ચડતું હતું. અજીબ-સી કશ્મકશ અનૂભવતી આખરે તે એ મકાન તરફ આગળ વધી અને શેરીના છેડે આવીને એકટિવા થોભાવી.

સંપૂર્ણપણે સન્નાટો ઓઢીને ઉભેલું ઈન્ડસ્ટ્રિઝ પ્લોટનું આ છેલ્લું મકાન શિકાર કરવા માટે બિછાવેલી એક જાળ સમાન હતું જેમાં બંસરી સામે ચાલીને ફસાવા આવી હતી. તેણે ખબર નહોતી કે સુરાની કનપટ્ટી ઉપર ગન રાખીને તેને અહીં બોલાવામાં આવી હતી. સુરો પોતાનાં દોસ્ત કાળીયાનો પત્તો મેળવવા એટલો ઘાંઘો થયો હતો કે તેને એ પણ ખ્યાલ નહોતો રહ્યો કે ક્યારે તે રઘુભાની નજરમાં આવી ગયો છે. રઘુભાએ આબાદ રીતે તેને ઝડપ્યો હતો અને પછી તેની પાસેથી બંસરીની વિગતો મેળવી તેને અહી બોલાવી હતી.

નવું જ બાંધકામ હોવા છતાં ઈન્ડસ્ટ્રિનો આ ’શેડ’ એક અજીબ પ્રકારની મનહુસિયત, એક અજીબ પ્રકારનો ડર પેદા કરતો હતો. અનેરી તેના બંધ દરવાજે આવીને ઉભી રહી અને સુરાને ફોન લગાવ્યો. સામે છેડે રીંગ વાગી અને ફોન ઉઠાવાયો.

“દરવાજાને ધકેલીને અંદર આવતી રહે.” બસ એટલું જ કહેવાયું અને ફોન કટ થઇ ગયો. બંસરી અપાર વિસ્મયથી ફોન સામું જોઇ રહી. તેનું હદય જોર-જોરથી ધડકવા લાગ્યું હતું. તેની ભીતરમાં કશુંક થતું હતું જે તેને સમજાતું નહોતું, જે તેને અહીથી જ પાછા ફરી જવાનો હુકમ કરતું હતું. પણ, આખરે ડર ઉપર વિસ્મયે કબ્જો જમાવ્યો હતો અને બન્ને હાથે તેણે દરવાજાને ધક્કો માર્યો.

( ક્રમશઃ)