અર્ધ અસત્ય. - 25 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 25

અર્ધ અસત્ય.

પ્રકરણ-૨૫

પ્રવીણ પીઠડીયા

કિરણ પટેલ પહોંચેલી માયા હતો. મોટા સાહેબની પરમિશન તે ચપટી વગાડતામાં લઈ આવ્યો હતો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટેભાગે એક પ્રકારની પ્રોસિઝરને અનૂસર્યા વગર આવી રીતે કોઈ પોલીસ રેકોર્ડ જોઈ શકે નહી પરંતુ અભયે બારૈયા સાહેબનો હવાલો આપ્યો હતો એટલે કિરણ પટેલે તેનું કામ અસાન કરી આપ્યું હતું.

તે અભયને જૂના પોલીસ સ્ટેશનનાં રેકોર્ડરૂમમાં લઈ આવ્યો. રાજપીપળાથી જે પોટલાઓ ભરીને રેકોર્ડસ્ આવ્યાં હતા તેને એક અલાયદી રૂમમાં રાખવામાં આવ્યાં હતા. કિરણે રૂમનો દરવાજો ખોલ્યો અને તેઓ અંદર દાખલ થયા. રૂમની અંદર લાઇનબંધ લોખંડના ઘોડાઓ હતા અને એ ઘોડાઓમાં ઢગલાબંધ પોટલાઓ ઠૂસી-ઠૂસીને ભર્યા હતા. બે વર્ષ પહેલા રાજપીપળા પોલીસ ચોકીમાં આગ લાગી હતી અને એ આગમાં જે રેકોર્ડસ્ બચ્યાં હતા તેને અહીં રિ-સ્ટોર અર્થે લાવવામાં આવ્યાં હતા. એ તમામ કાગળિયાઓનાં ઢગમાંથી અભયે પૃથ્વીસિંહજીનાં કેસને લગતાં પેપર્સ ખોળવાના હતા. જો કે અભય ધારતો હતો એટલું આસાન કામ તો નહોતું જ. રૂમમાં હતા એ પોટલાઓ ખોલીને જોતાં જ તેનો દમ નીકળી જવાનો હતો. આ કામમાં અથાગ મહેનત અને ધીરજની જરૂર હતી કારણ કે તે ખુદ નહોતો જાણતો કે તેને અહીથી કોઇ સબૂત મળશે કે નહી! કદાચ આ બધું તપાસતા તેને દિવસો લાગવાનાં હતા.

“હું કોઈ મદદ કરી શકું? તમારે શું જોઈએ છે એ જણાવો તો કદાચ વધું સરળતા રહેશે.” કિરણે અભયને હેલ્પ કરવાનાં ઈરાદાથી કહ્યું.

“મદદ માટે આભાર દોસ્ત, પણ સાચું કહું તો મને ખુદને ડાઉટ છે કે મારે જે જોઈએ છે એ ચીજ અહીંથી મળશે કે નહી! જો એ રેકોર્ડ આગમાં નષ્ટ પામ્યાં હશે તો અહી સુધી આવવાની મારી મહેનત પણ પાણીમાં જશે.”

“કોઈ ખાસ કેસ પેપરની તલાશ છે?”

“એવું જ સમજ.”

“મને જણાવી શકાય એમ હોય તો કહેજો. અને વિશ્વાસ રાખજો કે વાત બહાર નહીં જાય.” કિરણ પટેલ ખરેખર સારો માણસ જણાતો હતો.

“ચોક્કસ દોસ્ત, પણ અત્યારે તો હું મારી રીતે ટ્રાય કરવા માંગુ છું. કોઈ જગ્યાએ અટકીશ તો તને જરૂર જણાવીશ.” અભયે તેનાં ખભે હાથ મૂકયો અને આભારવશ નજરોથી તેની સામું જોયું. કિરણ પટેલનાં ચહેરા ઉપર પહોળું સ્મિત ઉદભવ્યું.

“ટેક યોર ટાઈમ બ્રો, થોડીવાર પછી હું ચા-પાણી મોકલાવી આપું છું. અને બીજી કોઈ મદદ જોઈતી હોય તો બેધડક મને ફોન કરજો. હું આખો દિવસ હવે ચોકી પર જ છું.” કિરણ બોલ્યો અને પછી રજા લઇને બહાર નીકળી ગયો.

અભય તેને જતો જોઈ રહ્યો. પછી એક નજર ગોદામ જેવા દેખાતાં સ્ટોર રૂમમાં નાંખી. સફેદ અને લાલ કલરનાં કપડામાં વિંટાળેલા પોટલાઓનો જાણે અંબાર લાગેલો હતો. આમાંથી પૃથ્વીસિંહની ફાઈલ ક્યાં હશે? તેણે સ્ટોરરૂમમાં એક સરાસરી નજર નાંખી અને પછી કામે વળગ્યો. પોતાના જમણાં હાથ તરફના પહેલા રેકમાં ગોઠવાયેલા પોટલાઓથી તેણે શરૂઆત કરી.

@@@

રમણ જોષીએ બંસરીનો મેસેજ વાંચ્યો હતો અને કોણ જાણે કેમ પણ એક અજીબ પ્રકારની અકળ લાગણી તેને ઘેરી વળી હતી. બંસરીને એકાએક વળી કોસંબા જવાની શું જરૂર પડી હશે એ તેની સમજમાં આવ્યું નહી. એક વખત તો ફોન કરીને પુંછી લેવાનું મન થયું પરંતુ પછી કઇંક વિચારીને માંડી વાળ્યું. જો કોઈ અગત્યનું કામ હોત તો બંસરીએ તેને મેસેજને બદલે ફોન કર્યો હોત એમ મન મનાવીને તે કામે વળગી ગયો હતો. એ તેની ભયંકર ભૂલ હતી. જો તેણે એ સમયે જ બંસરીને ફોન કર્યો હોત તો બંસરી એક ભયાનક મુસીબતમાં ફસાતી બચી ગઇ હોત. પણ તેની કિસ્મતમાં કઇંક અલગ જ લખાયું હતું.

@@@

અંધારું થવા આવ્યું ત્યાં સુધી અભય એ નાનકડા અમથા રૂમમાં પોટલાઓ ખોલીને ફાઈલો અને છૂટા કાગળીયાઓ ફંફોસતો રહ્યો હતો. એટલું કરવામાં પણ જાણે વર્ષો વિતિ ગયા હોય એમ તેં હાંફી ગયો હતો. ઘણાં લાંબા સમયથી આ રૂમ બંધ પડી રહ્યો હતો એટલે પોટલાઓ ઉપર ઝીણી ગિરદ જેવી ધૂળ જામી ગઇ હતી. એ ધૂળને ખંખેરતો અભય ધ્યાનપૂર્વક એક પછી એક ફાઇલો તપાસતો ગયો હતો. ફાઈલો ઉપરથી ઉડતી ધૂળની રજકણો સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ હતી. થોડીવારમાં તો અભય એ ધૂળ અને રૂમની અંદરની ગરમીથી કંટાળી ગયો હતો. વળી જે ફાઈલની તેને તલાશ હતી એ હજું સુધી જડી નહોતી એટલે નિરાશા પણ ઉપજતી હતી. લગભગ સાંજનાં સાત વાગ્યાં સુઘી તે મહેનત મશક્કત કરતો રહ્યો હતો અને પછી કંટાળીને બધું એમને એમ જ છોડીને બહાર નીકળી આવ્યો હતો. પૃથ્વીસિંહની ફાઈલ મળી નહી એની નિરાશા સ્પષ્ટ પણે તેના ચહેરા ઉપર ઝલકતી હતી. જો એ ફાઇલ બે વર્ષ અગાઉ આગમાં બળી ગઈ હશે તો તેના તમામ પ્રયાસો નિષ્ફળ જવાનાં હતા. લગભગ અડધાથી વધારે પોટલાઓ તેણે ખોલી નાંખ્યાં હતા અને તેમાં જે ફાઈલો ઉપરાંત બીજી ચીજો હતી એ બધું જોઈ લીધું હતું. હજું ઘણુંબધું જોવાનું બાકી હતું પરંતુ હવે તે કંટાળ્યો હતો. એક તો હવેલીમાં સવારે જે ધમાસાણ ખેલાયું હતું એનો આછાયો હજું પણ મન ઉપર સવાર હતો તેમાં અહીથીં કંઈ મળ્યું નહી એની નિરાશા ભળી હતી. ઘડીક તો થયું કે આ બધી પળોજણ મુકી દે. આખરે શું મળવાનું હતું તેને! અનંતે તેને હેલ્પ કરવાનું વચન જરૂર આપ્યું હતું પરંતુ જ્યારે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ જ તેની સામે હોય ત્યારે અનંત એકલો શું કરી શકવાનો હતો! પણ… તેની રગોમાં દોડતા લોહીમાં એક પોલીસ અફસર તરીકેના ગુણધર્મો તેને પાછી પાની કરતાં રોકતા હતા. વળી તેણે કોઈ અપરાધ કર્યો જ નહોતો તો પછી પીછેહઠ કરવાનો સવાલ જ નહોતો. કમરાનાં દરવાજા બહાર ઉભા રહીને તે અજબ કશ્મકશ અનુભવતો હતો. આખરે મનમાં ચાલતાં વિચારોને ખંખેરી નાંખવા માંગતો હોત એમ તેણે જોરથી માથું ધૂણાવ્યું અને બાકીનું કામ આવતીકાલ ઉપર છોડીને તે પાછો કિરણ પટેલ પાસે આવ્યો અને તેનો આભાર માનીને રાજગઢ તરફ જવા રવાના થઈ ગયો.

હજું તેણે અનંતસિંહને પૃથ્વીસિંહજીની હવેલીમાં ઘટેલી ઘટના વિશે જણાવવાનું હતું અને એ શખ્સની તલાશ કરાવાની હતી જેણે તેની ઉપર હુમલો કર્યો હતો. એ સાવ અન-અપેક્ષિત ઘટના હતી અને તે એ શખ્સને એમ જ છોડી દેવાના મૂડમાં બિલકુલ નહોતો. આખરે તેણે હુમલો શું આશયથી કર્યો હતો એ જાણવું જરૂરી હતું.

@@@

સાંજ પડવા છતાં બંસરી ઓફિસે આવી નહોતી. ઓફિસ ક્લોઝ થવાનો સમય તો ક્યારનો વિતિ ચૂકયો હતો. મોટે ભાગે બહારનું ફિલ્ડ વર્ક પતાવીને સાંજનાં છ વાગ્યાં સુધીમાં તે પાછી આવી જતી હતી અને પછી બન્ને ભાઈ-બહેન સાથે જ ઘરે જતા હતા. એ વ્યવસ્થા આજે તૂટી હતી અને રમણ જોષી ચિંતિત અવસ્થામાં ઓફિસમાં જ બેસીને બંસરીની રાહ જોઈ રહ્યો હતો. છ, સાત, આંઠ નો સમય થયો. અત્યાર સુધીમાં કેટલીય વખત તે બંસરીનો ફોન ટ્રાય કરી ચૂકયો હતો અને તેનો ફોન સતત ’સ્વિચ ઓફ’ જ આવતો હતો. રમણ જોષી સખત ચિંતા અને ઉચાટમાં આમથી તેમ આંટા મારતો હતો. એક વખત મનમાં વિચાર આવી ગયો કે તે પોલીસ સ્ટેશને જઈ આવે. અરે તેની ઓળખાણ એટલી ઉંચે સુધી હતી કે ફક્ત એક ફોન કોલથી પણ તેનું કામ થઇ શકે તેમ હતું છતાં કોણ જાણે કેમ તેણે થોડો વધું સમય રાહ જોવાનું મુનાસિબ માન્યું હતું.

થોડીવાર રાહ જોઈને પછી તેણે ફરીથી બંસરીને ફોન જોડવાની કોશિશ કરી. ફરીથી એ જ રિઝલ્ટ… નો કનેકશન. હવે તે ખરેખર મુંઝાયો હતો. કશુંક અકળ, અમંગળ થવાની આશંકાએ તેના મન ઉપર કબ્જો જમાવ્યો. તે ઉભો થયો અને કઇંક વિચારીને એક નંબર ધુમાવ્યો.

“દિક્ષિત, રમણ બોલું છું. એક કામ હતું.” રમણ જોષીએ સુરતનાં એસીપી કમલ દિક્ષિતને ફોન જોડયો હતો.

“બોલ ને જોષી, કેમ યાદ કર્યો?” કમલ દિક્ષિત તેનો ઘણો અંગત કહી શકાય એવો મિત્ર હતો અને સુરત પોલીસમાં એસીપી ની પોસ્ટ ઉપર હતો.

“બંસરી હજું સુધી ઓફિસે નથી પહોંચી. તેનો નંબર મોકલું છું તને. મારે તેનું લોકેશન અને કરંટ સ્ટેટસ જાણવું છે. કાશ, એ કોઈ મુસીબતમાં ન ફસાઈ હોય.” રમણ જોષીનાં સ્વરમાં સખત ચિંતા વર્તાતી હતી. અને… તેની ચિંતા સાચી પણ હતી. બંસરી ખરેખર ભયાનક મુસીબતમાં હતી.

(ક્રમશઃ)