અભિનવ Pravin Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભિનવ

ગઝલ સંગ્રહ- અભિનવ – પ્રવીણ શાહ

અર્પણ- મારા પરિવાર જનોને

1.

શ્રી ચરણ પાસે

હાશ મનને મળે સ્મરણ પાસે,

જેમ કોઈ મીઠાં ઝરણ પાસે.

માનવીનો સ્વભાવ એવો છે,

આદતે જાય અનુકરણ પાસે.

જિન્દગી તો ઉતાવળે ચાલી,

અંતે આવી ઉભો મરણ પાસે.

થઇ હયાતી વિરુધ્ધની સ્થિતિ,

લઇ ગયું ભાગ્ય વિસ્મરણ પાસે.

છે પુનર્જન્મ એમ શાસ્ત્ર કહે,

બે ઘડી બેસ શ્રી ચરણ પાસે.

દોડવું ભાગ્યમાં સતત આપ્યું,

કોઈ બહાનું નથી હરણ પાસે.

2.

જામ આવે છે

એક પછી એક જામ આવે છે,

જામ, અક્સર બેનામ આવે છે.

આજ લીધું ગુલાબ માંગીને,

સૂંઘવા સારું કામ આવે છે.

યાદ એની દિવસભર પજવે, ને

સ્વપ્નમાં એનું ગામ આવે છે.

ચિત્રપટ જેવી જિન્દગી જાણે,

વચમાં થોડો વિરામ આવે છે.

એકધારી હશે પ્રતિક્ષા જો,

શબરી કહે છે કે રામ આવે છે.

પાક ને શદ્ધ જેનું મન, એના

હર કદમ પ્રભુનું ધામ આવે છે.

3.

સાંજ આવે છે

મોડી મોડી સાંજ આવે છે,

લઈને તારી યાદ આવે છે.

હું વિવશ થઇ સાંભળી લેતો,

નિત્ય એવા સાદ આવે છે.

માંડ થોડા હોશમાં આવું,

જામ લઈને રાત આવે છે.

સ્હેજ આ આંખો મીંચાઈ છે,

ત્યાં પજવવા ખ્વાબ આવે છે.

તાલ દેવા ધડાકનો આવી,

બેસુરા થઇ શ્વાસ આવે છે.

મનના મંદિરે પહોચું ત્યાં,

નીરવે પ્રતિસાદ આવે છે.

4.

તો કહે જો

માણસ અમસ્તો પણ હસે તો કહે જો,

જે હોય મનમાં તે કહે તો કહે જો.

આ સાદ અંતે જઈ હવામાં ડૂબે,

એકાદ પડઘો જો પડે તો કહે જો.

ઘોંઘાટિયા વાતાવરણથી તોબા,

જો સાવ નીરવ સ્થળ જડે તો કહે જો.

સંકેલી લઉં છું પ્યાસ પણ મારી હું,

ટીપું જો ગંગાજળ મળે તો કહે જો.

વાણી ઉપર મારો રહ્યો છે સંયમ,

આ બોલવું મારું કઠે તો કહે જો.

પ્રાત: થતાં પૂરી કરી નાખીશું,

જો વારતા બાકી રહે તો કહેજો.

5.

ભાવે પણ ખરું

કડવું લીમડા જેવું ભાવે પણ ખરું,

પાણી જેવું મોંમાં આવે પણ ખરું.

હોય સામે તો સતાવે પણ ખરું,

સ્વપ્નમાં આવી હસાવે પણ ખરું.

સત્ય થઈને સાવ ફિક્કું અવતર્યું,

જૂઠ એમાં રંગ લાવે પણ ખરું.

એક પછી એક સૌ ગયા ઘર છોડીને,

રિક્તતાને ઘર નિભાવે પણ ખરું.

કોઈ પૂરા ને સવાયા છે અહીં,

કોઈ હા માં હા પુરાવે પણ ખરું.

હર ઘરે સીધો મળે ના આવકાર,

કોઈ ઘરનું દ્વાર તાવે પણ ખરું.

6.

તારું શરણ

સ્વપ્ન છે ના જાગરણ છે,

કેવું આ વાતાવરણ છે.

અહીં સમેટાઈ જવાનું,

ક્યાંક પાછું વિસ્તરણ છે.

ખાલી ખાલી સાંજ વચ્ચે,

એક તારું સાંભરણ છે.

મોસમે પણ ચાલ બદલી,

આજ કોનું અવતરણ છે ?

સર ઝૂકે ના ક્યાંય બીજે,

કે મને તારું શરણ છે.

દુખમાં પણ સુખ મેળવીશું,

જેમ જીવનમાં મરણ છે.

7.

હસતા રહ્યા.

તેજથી અંજાઈને હસતા રહ્યા.

છાંયમાં છુપાઈને હસતા રહ્યા.

સુખ હમેશાં બે કદમ આગળ રહ્યું,

દુઃખથી ટેવાઈને હસતા રહ્યા.

ના રહ્યા ઘરના રહ્યા ના ઘાટના,

મન હી મન મુંઝાઈને હસતા રહ્યા.

રાસ ના આવી શિશિર, વર્ષા, વસંત,

પતઝડમાં ઝુરાઈને હસતા રહ્યા.

રંગ બીજો આ બદન પર ના જચ્યો,

રાખમાં રંગાઈને હસતા રહ્યા.

વહેલું-મોડું મોત આવવાનું હતું, પ્રવીણ

ભૂલી જઈ ચતુરાઈ, ને હસતા રહ્યા.

8.

જો તું કહે

સૌની સામે આવશું જો તું કહે,

જાતને છુપાવશું જો તું કહે.

તું કહે તો રણ વટાવી આવશું,

મોસમો બહેકાવશું જો તું કહે.

આ સમય પાછો ફરે કે ના ફરે,

તક ફરી અજમાવશું જો તું કહે.

સ્વપ્ન સોનેરી કે તરસ્યાં ઝાંઝવાં,

જે મળે નિભાવશું જો તું કહે.

માનથી સૌ ઢાઈ અક્ષરને જુએ,

એ જમાનો લાવશું જો તું કહે.

તું કહે તો ચૂપ રહીશું બે ઘડી, પ્રવીણ

હર સજા અપનાવશુ જો તું કહે.

9.

આઉં છું ક્યારે ?

કોઈની નજરે આઉં છું ક્યારે ?

હોશ મારા ગુમાઉં છું ક્યારે ?

આ તમારી પાસેથી શીખ્યો છું,

કહો હું ગરદન ઝુકાઉં છું ક્યારે ?

હું લડી લઉં છું મારા હક માટે,

શસ્ત્ર એકે ઉઠાઉં છું ક્યારે ?

જ્યાં હું જઉં પ્રેમની મળે રોકડ,

કહો હું હુંડી લખાઉં છું ક્યારે ?

મળતું રહે છે જે જોઈએ છે તે,

કોઈનું દિલ દુભાઉં છું ક્યારે ?

સત્ય તો વહે છે મારી નસ નસમાં, પ્રવીણ

ખોટે ખોટું નિભાઉ છું ક્યારે ?

10.

સારું નથી

અર્થ વિનાનું ભ્રમણ સારું નથી,

કોઈનું લેવું શરણ સારું નથી.

બેફિકરને લોક પાગલ સમજે છે,

કોણ કહે છે શાણપણ સારું નથી.

છાશવારે એ મદદ લઇ આવશે,

દોસ્તોનું આ વલણ સારું નથી.

કંઇ ન કરવાને બહાનું જોઈએ,

કહી દો કે વાતાવરણ સારું નથી.

સારું જોવા રાખજો સારી નજર,

નહીં તો કહેશો કંઇ જ પણ સારું નથી.

મનથી જીવી ગયા તો તો સારું છે, પ્રવીણ

અધવચે આવે મરણ, સારું નથી.

11.

ઉડાન રાખે છે

આંખમાં આસમાન રાખે છે,

મસ્ત-મોજી ઉડાન રાખે છે.

સૃષ્ટિને બેસુમાર ચાહે છે,

જીવ-નિર્જીવનું માન રાખે છે.

સમજી લો આંખના ઈશારાઓ,

શબ્દને બેજુબાન રાખે છે.

દૂરના લક્ષ્ય પર નજર રાખે,

ના કશું દરમિયાન રાખે છે.

શ્વાસને સ્થિર રાખી જાણે છે,

મન-ગતિ વેગવાન રાખે છે.

ઉમ્ર વધતી જશે સમય જાતા, પ્રવીણ

દિલ સદા એ જુવાન રાખે છે.

૧૨.

બજાવી રાખજો

ચાંદને કુરનિસ બજાવી રાખજો,

દીપ આંગણના બુઝાવી રાખજો.

ભૂલથી મોંમાં મૂકાઈ જાય તો...

ઝેર જેવું કંઇ પચાવી રાખજો.

આંખમાં ના આવવા દેશો કદી,

દર્દને દિલમાં સમાવી રાખજો.

ઔષધી ત્યારે જરૂરી હોય છે,

થોડી દુવા પણ મગાવી રાખજો.

લઇ જશે એને પવન આકાશમાં,

મન કનકવાને ચગાવી રાખજો.

કોઈ કાળે કામ એ પણ આવશે, પ્રવીણ

એક ફોટો તો મઢાવી રાખજો !

13.

બદલાયા

સંજોગો ત્યારે બદલાયા,

પથરીલા રસ્તે ફંટાયા.

ખરીદવાને ટોળા જામ્યા,

બારોબાર અમે વેચાયા.

પર્વત પરથી નદીઓ આવી,

ત્યારે તો સાગર સચવાયા.

સૂરજ ડૂબ્યો પશ્ચિમે જઈ,

પૂરવમાં ઊગ્યા પડછાયા.

એક થયા મન બેઉ જ્યારે,

જીવનના મતલબ સમજાયા.

સઘળું દુષિત થયું છે, જ્યારે પ્રવીણ

શહેરોના પાયા નંખાયાં.

14.

ગાળી આપો

ધુમ્મસ થોડું ગાળી આપો,

અંધારું અજવાળી આપો.

મૃગજળ પાછળ મન દોડે છે,

મનને બીજે વાળી આપો.

ના તોડો આ ફૂલ સુગંધી,

લીલી લીલી ડાળી આપો.

દર્દ-દવાને એક જ સમજો,

પાણીમાં ઓગાળી આપો.

દિલનું માની થાક્યો છું હું,

એક સલાહ સુંવાળી આપો.

સંતો જીવે બેફીકર થઇ, પ્રવીણ

એવું જીવન ઢાળી આપો.

15.

નજર જાગે

રાતભર કોઈની નજર જાગે,

એક વિશ્વાસ રાતભર જાગે.

આજ આવી ચડ્યા સ્મરણ પાછા,

મન બિચારું આઠે પ્રહર જાગે.

લે મુસાફર ઘડીક વિસામો,

હર ડગર, હર પળ, રાહબર જાગે.

જાગવાનું મંજુર છે અમને,

મારી સાથે જો મારું ઘર જાગે.

શાલ શબ્દોની ઓઢી જગ સુતું,

આ ગઝલ મારી દરબદર જાગે.

નીંદ આજે તો વેરણ થઈ ગઈ, પ્રવીણ

દર્દ છે દર્દની અસર જાગે.

16.

જેવું રાખ્યું છે

ક્યાંક અંગાર જેવું રાખ્યું છે,

ક્યાંક દિલ ઠાર જેવું રાખ્યું છે.

છોડીને ઘર અમે ગયા વનમાં,

ત્યાં ય સંસાર જેવું રાખ્યું છે.

આ જગત અમને છો તિરસ્કારે,

હા, અમે તો પ્યાર જેવું રાખ્યું છે.

ધરતી નીચે, ઉપર ગગન જેવું-

ઘર, છતાં દ્વાર જેવું રાખ્યું છે.

જિંદગી છે, તો મોત સાથે પણ,

કંઈક વહેવાર જેવું રાખ્યું છે.

તકલીફો બાજુ પર મૂકી જીવન, પ્રવીણ

વાર-તહેવાર જેવુ રાખ્યું છે.

- પ્રવીણ શાહ

મો. 9428761846

www.aasvad.wordpress.com