થોડા સમય પહેલાં હું એક ફ્રેન્ડ સાથે બજાર ગયો હતો ત્યાં શોપ પર પોપટ જોયો, જે પોતાની શુગરી વાતોથી ગ્રાહકોને આકષૅતો હતો.બસ પછી શું..આપણે પણ શોખ માટે એક પોપટનાં બચ્ચાંને લઇ આવ્યા.ઘરે લાવીને મેં તેને પિંજરામાં બંધ કરી દીધું. તેનાં ખાવા-પીવા માટે બે વાટકા પણ અંદર મુકી દીધાં.નવો નવો કેદી હતો એટલે મોટાભાગે ચુપ જ બેસી રહેતો.કોઈ કોઈ વાર તેનું ટેંં ટેંં સંભળાય જતું.
ઘરનાં લોકો બે-ત્રણ દિવસનાં અંતરે તેને પિંજરાની બહાર કાઢી ખુશ થતા.જમવાના સમયે જમવાનું આપતાં પણ તે અડધી ચાંચ મારી ખાધું ન ખાધું કરી દેતો કાં તો ટેં ટેં ચાલુ કરી દેતો.
અમે રોજ તેને માનવભાષા શીખવવાનો પ્રયત્ન કરતાં.શરૂઆતમાં તો એ હં.. હં. અવાજ કરીને બધાં સામે પ્રશ્નભરી નજરે જોઇ રહેતો જેનાથી તેને કાંઈ સમજાયું નથી એ સાબિત થતું.ધીમે ધીમે એ એકાદ શબ્દ બોલવામાં સફળ થયો.
હવે તે રોજ જમવાનાં સમયે ચાંચથી વાટકાને ધક્કો મારી બહાર ફેંકી દેતો એટલે પોતાની ભૂખ જાહેર થાય.પણ, થોડા સમયથી એ ખૂબ ઉદાસ રહેતો.તેને કઇ પણ પુછો તો એટલો પ્રતિરોધ કરતો જાણે કોઈ ઋષિ મુનિની તપસ્યા ભંગ થઈ ગઇ હોય.
****
એવામાં એક સવાર પોપટનું ટોળું ફરતું ફરતું અમારાં આંગણાનાં ઝાડ પર આવીને બેઠું.આખુ ઘર એમનાં ટેં ટેંથી ગુંજી ઉઠ્યું.બસ પછી તો પિંજરામાં પણ ભૂકંપ આવી ગયો.પોપટનાં બચ્ચાએ ઉધમપાત ચાલુ કરી મુક્યો.પોતાની પાંખો એક શ્વાસમાં ફફળાવા માંડયો ને જેટલું જોર હતુ બધું ભેગુ કરી પિંજરાનાં સળિયામાં ચાંચ મારવા લાગ્યો ત્યાં સુધી કે તેમાંથી લોહી વહેવા ન માંડયું. પીંછા પણ પાંખોનાં અસ્તવ્યસ્ત થઈ ગયા.કહેવામાં કોઈ શંકા નથી કે તેને મુકત થવું હતુ.હા, તે બળવો પુકારી રહ્યું હતુ ને પોતાની આઝાદી માટે કાકલુદી કરી રહ્યું હતું.
ટોળાનાં ગયા બાદ તે શાંત જરુર પડી ગયું પણ તેની આંખો એની લાચારી બયાન કરી રહી હતી.ઘરનાં સદસ્યો આ જોઇ વિચલિત થઈ ગયા.બધાંએ ભેગા મળી ચર્ચા કરી કે, હવે શું કરવું?અંતે નકકી થયુ કે હવે તેને થોડો સમય પછી મુકત કરી દેવો જોઈએ.
એ વાતને પાંચેક દિવસ થયાં ને મને વિચાર આવ્યો કે લાવ થોડુ બહાર ઉડાવી લાવું ક્યાંક તે ઉડવાનું ન ભુલી જાય.રૂમમાં જઇ તરત પિંજરુ ખોલ્યું પણ તે અંદર જ બેસી રહ્યુ.બે ત્રણ મિનીટ પછી તે પિંજરાનાં દ્વાર પર આવી ને ઉભુ રહયું ને વળી વળીને પાછળ જોવા લાગ્યું, હું અસમંજસમાં આવી ગયો કે આને શું થયું..?.પણ વધારે વિચારું એ પહેલાં મારા આશ્ચર્ય વચ્ચે તે બહાર ગયું.સૌપ્રથમ તે ચોગાનનાં પગથિયાં પર જઇને બેઠું.ત્યારબાદ ઘરની બહારનાં ઝાડ પર ગયું.
ખુલ્લા આકાશમાં વિહરવાનાં ઉત્સાહમાં તે આગળ ને આગળ ઉડવા લાગ્યું પણ મેઁ ધ્યાનથી જોયું તો તેનાં ઉડવામાં એ સ્ફૂર્તિ નહતી જે એક પોપટમાં હોવી જોઈએ, તેનો ડાબો પગ સહેજ લથડાતો હતો.હવે મને ચિંતા થવા લાગી કે આ ક્યાંક દુર જતુ રહેશે ને હું પકડી નહીં શકુ તો?..તેની હાલત એટલી સારી નથી કે પોતાના માટે દાણા ભેગા કરી શકે, કે પોતાના મિત્રો સાથે ઝડપથી ઊડી શકે.કદાચ તેને પોતાની કમજોરી સમજમાં આવી ગઇ હશે એટલે તે એક ડાળી પર બેસી ગયું.હું દોડતો તેની પાસે ગયો, ને તેણે પોતાની જાતને મારા હવાલે કરી દીધી.મેઁ તેને સાચવીને પિંજરામાં બેસાડી દીધું.તે ગુમસુમ બની દુર દુર ખેતરોને જોતું રહયું.
જો તેણે તે દિવસ પોતાની કમજોરીને ધ્યાનમાં ન લીધી હોત તો આજે એ નીલા આકાશનો મુસાફર હોત, પણ તે પોતાની કમજોરીથી હિમ્મત હારી ગયો...પછી તો હું પણ તેને આઝાદ કરવાવાળી વાત ભૂલી ગયો.
****
લગભગ એક વર્ષ બાદ તેની ઉડવાની ક્ષમતા તપાસવા તેની કેદ ખોલવામાં આવી.ગઇ વખતે તેની સાથે જે થયુ એ ધ્યાનમાં રાખતાં આ વખતે તેને ઘરમાં જ ખુલ્લી ઉડાન ભરાવવી નક્કી કર્યું હતું.તે શું પ્રતિભાવ આપશે તે જોવા હું ને ઘરનાં તમામ સભ્યો રૂમના ખૂણે જઇ જોવા લાગ્યા.તે બહાર આવ્યુ ને રૂમના દરવાજે કેટલીય વાર સુધી બેસી રહ્યુ.કદાચ અમારાં ત્યાં ઉભા રહેવાના કારણે તે આવુ કરતું હશે તેમ માની અમે ચોગાનમાં આવી ગયા.
તેણે પોતાની પાંખો સહેલાવી ને ચારે બાજુ જોયું ને ઉડાન ભરી પણ ચોગાનમાં આવતાં પહેલાં અધરસ્તે જ બેલેન્સ ગુમાવી નીચે પટકાયું.ફરી પ્રયત્ન કરી તેણે ઉડાન ભરી પગથિયે આવા કર્યું પણ કિનારા પર પોહચતાં પહેલાં જ જમીન સાથે ભેગું થઈ ગયું.તેનાં નાનાં મગજમાં સમજમાં નહતું આવતું કે તેની સાથે આ શું થઈ રહયું છે.અંતમાં થાકી હારીને તેણે એક અથડતી નજર પિંજરાની ફરતે નાંખી અને કેદમાં જતું રહ્યુ.અંદર જઇ પોતાની ચાંચને પાંખોમાં સંતાડી આંખો બંધ કરી નિરાશ વદને બેસી ગયું.કદાચ તે પાછળનું યાદ કરી અફસોસ કરતું હશે કે જો એ દિવસ હિમ્મત કરી ઊડી ગયું હોત તો આ દિવસ જોવો ના પડત.હવે મારું ઉડવાનું સપનું.. સપનું જ રહી જશે ને મારી જોડે આ કેદમાં જ દફન થઈ જશે.
મને લાગ્યું કે આજે એનું રોમરોમ રડી રહ્યું છે ને આખી માનવજાત ને કહી રહ્યું છે કે,
આ માણસની જાત કેટલી સ્વાર્થી છે પોતે તો આઝાદ રહેવા માંગે છે પણ આઝાદ ફરતાં પક્ષીઓને કેદ કરી રાખે છે જેથી એ મહાન દેખાય કે કોઈ એની વાત માને છે, એના ઈશારા પર નાચે છે.મને કેદ કરી દીધું ઉપરથી હુકમ ચલાવે છે કે આ બોલ, ફલાણું બોલ.બોલતા આવડ્યું તો લાલ ફળ આપે ને ના આવડે તો ગુસ્સે થાય.
મારે તમારી ભાષા શીખવી નથી.પોતે બોલા-બોલ કરીને કોઈ જોડે સારા સંબંધ રાખ્યા નથી.. ને આખી માણસાઈનો સત્યાનાશ કરી દીધો છે ઉપરથી મને શીખવાડે છે ક્યાં શું બોલવું, કોની સામે બોલવું..!એટલી અક્કલ એમનાંમાં હોત તો કોઈ અત્યારે દુઃખી નાં હોતા.
મારી ચુપ્પી જોઈને પણ કંઇ શીખતાં તો સારું હતું કે આ દુનિયામાં પોતાનું દુઃખ જાતે જ વેઠવું પડે છે તો ખોટી આટલી રાડો નાં પાડવી પડત એમને..પણ ખેર માણસ આવું ક્યાં સમજે છે!! શોખના નામ પર પશુપક્ષી ને કેદ કરે છે ને કહે પાલતું છે...
કુતરા બિલાડીને કદાચ એટલે રાખતા હશે કે બધાં ને બતાવી શકે જુવો કેવું મારું કહ્યું માને છે, મારા ઈશારા પર જીવે છે, મરે છે. ખબર નહીં માણસ જાત બીજા પર અધિકાર જમાવવાની જીદ ક્યારે છોડશે??
જો ફક્ત અધિકાર કરવા કે રોફ જમાવા બીજાની જરૂર હોય તો એ શું ધૂળ હળીમળીને રહેવાનો હતો..?એમને તો બસ રાજ કરવું છે માણસ હોય કે જાનવર! માણસ માણસને એવું કહી શકતો હોય કે જેવા સાથે તેવા! તો એમનો કોઈ હક નથી અમને કેદ કરવાનો..
ઘણું બધું વિચાર્યા પછી હું મારી જાતને એને કેદમાંથી બહાર કાઢવાના નિર્ણયને રોકી ના શક્યો. મેં તરત એનું પિંજરું લીધું અને ફરી એ જ ખેતરો તરફ ચાલવા લાગ્યો, બચ્ચું પણ વાત સમજી ગયું હોય એમ કેદમાં આમથી તેમ આંટા મારવા લાગ્યું.બસ આ છેલ્લી ક્ષણ હું અટક્યો ને તેને ખોલીને જોઈ રહ્યો..
"માફ કરજે દોસ્ત!!
અજાણતા જ તને ના દેવાનું દુઃખ આપી દીધું પણ હવે હું તને આઝાદ કરું છું, આ પાંખો, આ ઉડાન, આ આકાશ..બધું તારું છે હું એમાં કોઈ અધિકાર નહી કરું ફક્ત એક વાત કહીશ, તારું ધ્યાન રાખજે અને ઘર તરફ એકાદ આંટો મારતો રહેજે..ચાલ બાય..!"
એ પણ મારી સામે જોઈ રહ્યું પછી આજુબાજુ ઉડતા ટોળાને જોઈને હિંમત આવી હોય એમ જોર કરી ઉડ્યું..
હા.. આ વખત એનો પગ ના લથડયો, કદાચ મુક્તિની અસર એનો ઈલાજ કરી ગઈ.
*****