હવે કિનારો દૂર નથી Vaidehi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવે કિનારો દૂર નથી

           હું નમીતા છું.હા, આમ તો હું ખૂબ બહાદુર છું.ન્યાય માટેની જોરદાર લડત ઉપાડી છે ને છતાંય ભૂતકાળ યાદ કરું છું, ત્યારે ઢીલી પડી જાઉં છું.લોકોના સુખી લગ્નજીવન જોઉં ત્યારે લાગી આવે છે.મારા કોઈ વાંક ગુના વિના મારું લગ્નજીવન અત્યારે તો નંદવાય ગયુ છે.
          આજે મારા લગ્નની પાંચમી વર્ષગાંઠ છે ને હું છેલ્લાં ચાર વર્ષથી અહીં પિયરમાં છું.જ્યારે મારા લગ્ન થયાં ત્યારે, ઘર આખું હિલોળે ચડ્યું હતું.લગ્નગીતોની તાલે જાણે અનેરું આનંદઝરણું વહ્યુ હતું.આ આનંદમાં વિષાદની એક કાળી લકીર પણ હતી ને તે એ કે મારા લગ્નનો પ્રસંગ જોવા મારા દાદા દાદી હયાત નહતાં.મારા લગ્ન પહેલાં, બે વર્ષ પહેલાં તેઓ હૃદયરોગનાં હુમલામાં અવસાન પામ્યા હતાં. જો કે તેમ છતાંય રીતરિવાજ મુજબ મારા લગ્ન પ્રમાણમાં સરસ રીતે થયાં હતાં.મારી વિદાય વખતે મમ્મી, અને પપ્પા હૈયાફાટ રડ્યા હતાં, ને મારી સ્થિતિ...
                દીવાલ પર કંકુનાં થાપા આપતી વખતે જ હું તો સાવ ભાંગી પડી હતી.આજે આટલે વર્ષે વિચાર કરું છું તો, પ્રશ્ન થાય છે કે, મારા નસીબમાં જ કેમ સુખ નથી?
           આર્થિક રીતે મધ્યમવર્ગ હતાં તો પણ મમ્મી-પપ્પાએ મને સરસ રીતે ભણાવી. બી.એ.કર્યું ને પછી બી.એડ. પણ કર્યું.
       ના, સાસરિયાઓએ રીતસરનું દહેજ માંગ્યું નહતું, પણ મારી પસંદગી તેઓએ કરી, એનું કારણ મારી મારી જોબ, અને સારી આવક હતી, એ તો પછી મને સમજાયું.
        યૉગેન અને સાસરિયા મારા પર ખૂબ પ્રેમ રાખતાં એમ મને શરુ શરુમાં લાગ્યું હતું. પણ એ મારી ભ્રમણા પછી ભાંગી ગઇ.મારો બધો જ પગાર ઘરમાં જ આપી દેતી. મહિને બસ્સો, ત્રણસો રૂપિયા માંડ વાપરવા મળતાં. અરે, પહેલી પ્રસૂતિ પહેલાં દૂધ પીવાનું ડોક્ટરે કહેલું, તે પણ હું પી ન શકતી. ન છુટકે શાળામાં પટાવાળા પાસે દૂધ મંગાવીને પીવું.પ્રેગનન્સી દરમ્યાન નોકરી ઉપરાંત ઘર નું કામ પણ કરવું જ પડતું.મારા સાસુ કહે: "હવે આ નવા જમાનાનાં ડોક્ટરો આરામ કરવાનું કહે છે. જાણે કેમ નવી નવાઈની ડિલીવરીઓ થવાની હોય, ને છોકરાંય જાણે નવી નવાઇના જણવાના હોય? આ અમારાં જમાનામાં તો અમે છેક સુધી કામ કરતાં, ફરતા રહીએ તો જ, ડીલીવરી સરળતાથી થાય.મા ને બાળક તો જ તંદુરસ્ત રહે.અરે, દુઃખાવો શરૂ થાય, ત્યાં સુધી અમે કામ કરતા ને કામ અધૂરું મૂકી, ચાલીને દવાખાને જતાં, ન કદી ઓપેરશનની જરુર પડી, કે ન કદી કોઈ ફોરસ્કેપ કે કશુ કરવું પડયું."
          એમની આ દલીલોનો મારી પાસે કોઈ જવાબ નહતો.ને મારે જીભાજોડી કરી તનાવ વધારવો નહતો.મારા બાળક પર તનાવની અસર પડે એ મને મંજુર નહતું.થાય એટલું કામ કરતી. મારા આવનાર બાળકનો પણ મારે વિચાર કરવાનો હતો.પ્રેગનન્સી પછી જેટલા વહેલા ઉભા થવાય એટલું વહેલું કામ કરાય.ને આપણી હેલ્થ સારી રહે તો પરવશ ઓછું રહેવું પડે...
          ઓહ! ને આજે કેવી પરવશ થઈ ગઇ છું.
          લગ્ન પહેલા મને જ્યારે મારા સાસુ, નણંદ જોવા આવ્યાં ત્યારે સંસ્કારની, ને ખાનદાનની મીઠી મીઠી બહુ વાતો કરી હતી.દિકરા-દિકરી વચ્ચે ભેદભાવ ન હોવાં જોઈએ, એ વિશે મારાં સાસુ એ મોટું ભાષણ આપ્યું હતું.લગ્ન પછી પણ પિયરમાં મદદની જરૂર હોય તો કરવી પડે...
           જોકે મારા પીયરયાં ખૂબ સ્વમાની છે. ને આમ પણ, 'દિકરીનાં ઘરનું પાણી પણ ના પીવાય' એવા આદર્શમા માનનારા મારા મમ્મી મારી પાસે કશી અપેક્ષા તો રાખે જ શાના? તેઓ હમેશાં એમ જ કહેતા, 'દિકરીને અપાય તો આપવું, પણ એનું કશું લેવાય તો નહીં જ' એમ કહેતી મમ્મી, જ્યારે જ્યારે પિયરે જાઉં ત્યારે કાંઇક એની શક્તિ પ્રમાણે મને આપતી, ના પાડું તોય કહે 'એ તને ન સમજ પડે, આતો વ્યવહાર કેહવાય.તારે કાંઇ સાંભળવું પડે એ અમને ન ગમે, ને ત્યારે મારી આંખમાં આંસુ આવી જતાં, હું કહેતી, 'મમ્મી! તેં તો મને કેટલું બધું આપ્યું છે. ઋણ અનેક જન્મોમાં ન ચૂકવી શકું, એટલું તે આપ્યું છે.આ ભણતર એ ઓછી મૂડી છે?' મારે બીજું શુ જોઈએ.મહિને આટલુ કમાઉ છુ, એ તારા અને પપ્પાના પ્રતાપે જ.
              ને મમ્મી કહેતી ' એ તો અમારી ફરજ હતી.દરેક મા-બાપ સંતાનને શક્ય એટલું વધું ભણાવવા પ્રયત્ન કરે જ. ને અમે કર્યો, તુ હોશિયાર હતી. તો સારુ ભણી, ને વળી નોકરીયે સારી મળી ગઇ.હવે મારે કેવી નિરાંત. '
           મમ્મીના આવા શબ્દો આજે યાદ કરુ છું, ત્યારે હૈયું ભરાય આવે છે એમને ક્યાં ખબર હતી કે એમનાં નસીબમાં કદી નિરાંત ન હતી.

                                 *********

નમીતાને શું થયું હતું?તે કેમ પરવશ થઈ ગઇ હતી? જાણવા માટે વાંચતા રહો હવે કિનારો દુર નથી નો નવો ભાગ.

     Well Friends, I'm Vaidehi 
     આ કહાની એક હકીકત છે જે મારી પોતાની લાઈફ સાથે થોડા અંશે મળતી આવે છે.લગ્ન પછી એક છોકરી કેટલા અરમાન, સપના લઇને સાસરીમા જાય છે અને તેને ત્યાં જે વીંધી નાંખે એવી પરિસ્થિતિ, પીડા સહેવી પડે છે એની વાત કહેવાની કોશિષ કરી છે. I hope તમે આ સફરમા મારો સાથ આપો અને નમીતાનું દર્દ સમજી શકો.
Happy reading!☺️