viratvdhari viren books and stories free download online pdf in Gujarati

શૌર્ય અને સાહસ - વિરત્વધારી વિરેન

?વિરત્વધારી વિરેન?

સિગારેટનો એક લાંબો કશ ખેંચી ધુમાડો હવામાં છોડી, ટેબલ પર પડેલા વિસ્કીથી ભરેલા પ્યાલાને હાથમાં લઈ ધીરેથી એને પીવા લાગ્યો. આ તો રોજ નો સમય હતો, એ જ બિયરબાર, એ જ ટેબલ, એ જ સિગારેટ અને એ જ વિસ્કી, બદલાય જતા હતા ફક્ત દિવસો, યાદોના કાળા આવરણો અનંત સુધી પથરાયેલા એમના એમ જ હતા. બીજા ટેબલ પર લોકો બદલાતા રહેતા, આ સાત વર્ષમાં અનેક વેઈટર પણ બદલાય ગયા હતા. બસ રહી ગયું હોય તો એક જીવન જે શરાબથી વધુ યાદોમાં ડૂબેલું હતું. હાથમાં થોડું કંપન આવી ગયું હતું, શરીર થોડી કૃશ થઈ ગયું હતું, આંખો ઊંડી ઉતરી ગઈ હતી, જવાની પછી પૌઢ અવસ્થા નહિ પણ વૃદ્ધત્વ શરીરમાં વ્યાપી જવા થનગનાટ કરી રહ્યું હતું. છેલ્લો આજનો ગ્લાસ હોઠોથી ગલે અને ત્યાંથી પેટમાં સમાવી વિરેન થોડા ધ્રુજતા પગે ઉભો થયો અને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો.

કોણ હતો આ વિરેન અને શું એનો ભૂતકાળ હતો કોઈ જ જાણતું ન હતું, સાત વર્ષથી જે બારમાં એ શરાબ પી રહ્યો હતો એ બારના લોકો અને માલિકને પણ વિરેન વિશે કોઈ જ માહિતી ન હતી. બસ એટલું જ કે એ આઠ વાગે આવતો અને અગિયાર વાગે જતો રહેતો, કોઈ દિવસ બારમાં કોઈ જોડે ઝઘડો નથી કર્યો કે કોઈ જોડે કશું કામ સિવાય બોલ્યો પણ નથી, ઘણીવાર બારના મેનેજરે એની જોડે વાત કરવાની કોશિશ કરી પણ એ ખૂબ ટૂંકા જવાબ આપતો જે મેસેજર માટે પણ કંટાળા જનક લાગતા હતા. જે વિસ્તારમાં રહેતો એ વિસ્તારના ઘણા લોકો એને ઓળખતા પણ ન હતા, એ રહેવા આવ્યો એ પછીના લગભગ એક મહિને પડોશમાં રહેતા ભરતભાઈએ એને જોયો હતો. એક ખુદની દુનિયામાં રહેનાર માણસ, આજુબાજુ વાળા એને મૂંગો કહેતા તો કોઈ રહસ્યમય કહેતા, 6 વર્ષથી એ ભરતભાઇ સામે રહે છે છતાં કોઈ ખાસ વાત થઈ ન હતી. પરિવારમાં કોણ છે, શુ કામધંધો કરે છે, લગ્ન થયા છે કે બાકી છે, આ તમામ પ્રશ્નના જવાબ ફક્ત વિરેન પાસે જ હતા. મુંબઈમાં આવ્યા એનો સાડા સાત વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. વિરેન શરાબના ભારથી ભૂતકાળ અને અમાસિયા સમયને દબાવવા માંગતો હતો. આ વિરેન હતો કોણ? શુ હતો એનો ભૂતકાળ? ક્યાંથી આવ્યો છે? આ તમામ પ્રશ્ન એને દરરોજ જોતા લોકોને થતા જ, પણ પારકી પંચાયત કરવાની એ લોકો ટાળતા આવ્યા હતા.

આવી જ એક રાત હતી, સાત વર્ષથી અજાણ્યો માણસ બનીને ફરતા વિરેનને કોઈ ઓળખીતું મળી ગયું હતું. વિસ્કીનો ઓર્ડર લેવા આવેલ વેઈટર આજ એને જાણીતો લાગ્યો હતો, ઝાટકો તો ત્યારે લાગ્યો જ્યારે વેઇટરે કહ્યું,'વિરુભાઈ તમે મુંબઈમાં છો? ગામના લોકો તો સમજે છે કે તમે...."
વિરેન એના અધૂરા વાક્યને પૂરો કરતો હોય એમ એક નિશાસો નાખી બોલ્યો, "મને નથી ખબર તું કોણ છે , ગામના લોકોએ એવું હશે કે એ બળતા કાર્યાલયમાં હું પણ બળી ગયો..."

વેઈટર: વિરુભાઈ હું માવજી પગીનો છોકરો, તમે કહ્યું હતુ ને મારા બાપા ને કે આ છોકરો ખૂબ આગળ જશે તમે આને મજૂરી ન કરાવતા ભણાવજો.

વિરેન આતુરતાથી બોલ્યો, "હા, યાદ આવ્યું તું નૈતિકને...! કેટલું ભણ્યો તું અને અહીંયા કઈ રીતે આવ્યો, એ પણ વેઈટરનું કામ કરે છે.."

નૈતિક: મોટા ભાઈ તમારા સાથે બનાવ બન્યા પછી, ગામની હિંમત તૂટી ગઈ હતી, બધા જાણે છે કે રઘુએ તમારી સામે આ કાવતરું ઘડ્યું હતું, અને એને અંજામ આપ્યો હતો, તમારા પ્રયત્નથી જે સ્કૂલ ચાલતી હતી એ સ્કૂલ તમારા ગયા પછી દારૂનો અડ્ડો બની ગઈ છે, ગામના છોકરાવને નશાની લત લગાવી એમનો ગુંડા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ગામની તમામ ખેતીવાળી પર રઘુનો કબજો થઈ ગયો છે, મારા બાપાએ મને સંતાળીને રાતે ગામની બહાર કાઢી કહ્યું કે, "જા દીકરા તું તારું ભવિષ્ય બનાવ, અમારે તો ઉંમર થઈ હવે જીવવું પણ કેટલા દિવસ, વિરેનભાઈ કહી ગયા હતા કે આ છોકરાને ભણાવજો, લે બેટા તારા બાપ પાસે બચાવેલા 200 રૂપિયા છે અને આ ઠેલામાં થોડું ખાવાનું છે, જા સુખી થજે દીકરા, હવે આ ગામને કોઈ ઉગારી શકે એમ નથી, બધા ઓસીયાળા બની ગયા છે."

આટલા શબ્દો સાંભળતા જ વિરેન ધ્રુજી ઉઠ્યો હતો, ગામના લોકો ત્યારે પણ કાયર હતા અને અત્યારે પણ ગુલામ જ છે, એને પોતાની જાત પર આઝાદ થતા આવડ્યું જ ન હતું. એ બીજાના દમ પર પોતાનું અસ્થિત્વ ટકાવી રાખવા તરફડીયા મારતા હતા. જે ગામને એક કર્યું હતું, એ ગામના લોકોમાંથી ડરને કાઢ્યો હતો એ જ ગામ ફરી ડરપોક બની ગુલામીના હારને... ના..ગુલામીની બેડીઓ પહેરી પરાધીન બની ગયું હતું. જ્યારે મારા સાથીઓને સળગતા જોઈ આ લોકોના દિલમાં એક ચિનગારી પણ ન લાગી...! જ્યાં ગુલામી ને જ સ્વીકારી લીધી હોય અને બીજાના પગ પર પોતાને ઉભા કરવાની ચેષ્ટા રાખતી પ્રજાને સહાનુભૂતિ આપવી કે મદદ કરવી હવે મને વ્યર્થ લાગી રહી છે.

ત્યાં વચ્ચે જ નૈતિક બોલી ઉઠ્યો ક્યાં ખોવાય ગયા વિરેનભાઈ, મેં કઈ ખોટું તો નથી કહી દીધું ને , માફ કરજો ભાઈ તમારા જેટલી મને સમજદારી નથી, હજુ તો પોતાના પગ પર ચાલતા શીખું છું...

જરાક સ્મિત સાથે વિરેન બોલ્યો
"સળગાવી ખુદને, મેં જે ચિનગારી આપી હતી, એ નૈતિક હવે ઠરી ગઈ છે, એ પ્રજાને ગુલામી જ પસંદ છે, ખુદનો અવાજ નથી રહ્યો એ પ્રજામાં હવે, મારા જેવા અનેક ત્યાં આવશે તો પણ એ પ્રજા ક્યારેય પોતાના પગ પર લડાઈ નહિ કરી શકે, મને એવું હતું કે મારા ગયા પછી એ લોકોમાં આઝાદીની આગ ભભૂકતી રહી હશે, પણ કદાચ એ લોકોનો જન્મ ગુલામ રહેવા જ થયો છે."
વિરેન આ તમામ શબ્દો બોલતો હતો ત્યારે એમના શબ્દો અને ચહેરા પર દુઃખ હતું, એ માણસ પથ્થર બનવાની નકામી કોશિશ કરતો હતો.

(ક્રમશ:)

✍️મનોજ સંતોકી માનસ✍️

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED