Chita books and stories free download online pdf in Gujarati

ચિતા

?સગળતી ચિતા?

ખુલ્લા મેદાનમાં રાખેલ ફોલાદી મજબૂત ખાટલામાં લાકડા ગોઠવવામાં આવ્યા, ફરતે લોકો ઉભા રહ્યા હતા. એક ગમગીન વાતાવરણ વચ્ચે થોડો ધીમો અવાજ સંભળાય રહ્યો હતો. ડાઘુઓ એ નનામીને ગોઠવેલ લાકડા પર રાખી. પગના અંગુઠાને છોડી નિસ્તેજ દેહ પર લાકડા ગોઠવવામાં આવ્યા. અને જેમ જેમ લાકડા શરીર પર ગોઠવાતા ગયા તેમ તેમ કફનને માથાના ભાગથી ખેંચતા ગયા. પૂરો દેહ લાકડાથી ઢંકાય ગયો.

મૃતકના દીકરાએ પગના અંગુઠા પર અગ્નિ આપી, ઘી અને તલના કારણે આગ ઝડપી લાગી, જોત જોતામાં આખી ચિતા સળગવા લાગી, શરીરની નશો માંથી પાણી નીકળવા લાગ્યું અને એ પાણી નીચેના અંગારા પર પડતા છમછમ જેવો અવાજ આવવા લાગ્યો. હાકડા સીધા થઈ ઉભા થવા લાગ્યા એને દાબવા માટે વધુ મોટા લાકડા નાખ્યા.

પવનનું જોર વધવા લાગ્યું નજીક ઉભેલા લોકો થોડા દૂર જવા લાગ્યા હતા. દીકરો પણ દૂર જઈ ઉભો હતો. આ જ્વાળા છે, એક નિસ્તેજ દેહની, જ્યાં કોઈ સંબંધ નથી રહેતો. આ આગ પોતાનાકે પરિચિતને ઓળખતી નથી. જીવનભર સાથે રહેનાર પણ એ જ્વાળાથી બચવા દૂર જતા રહેતા હોય છે. ધુમાડાના ગોટા નીકળતા હતા. અમુક લોકો પોતાના ઘર તરફ જવા લાગ્યા હતા. માણસ મરે પછી એને શબ્દોથી નવાજવાની આ સ્થૂળ સમાજની આદત રહી છે. એ આદત અનુસાર લોકોમાં ધીમી ધીમી વાતો થવા લાગી હતી.

જે માણસ પૂરું જીવન પોતાના પરિવારનો વજન ઉપાડી ફરતો હોઈ છે, પરિવારના નાનામાં નાના પ્રસંગમાં પોતાનું નાનુંમાં નાનું બલિદાન આપતો હોય છે, વહાલ, વૈભવ, વૈવિધ્ય, વિશ્વાસ, વિસાદ, વ્યોગ, વ્યાધિ થી બંધાયેલ માણસ જ્યારે સુતળના દોરાથી નનામીમાં બંધાય છે ત્યારે તમામ સંબંધ જીવંત આંખોમાંથી આંસુ મારફતે ટપકી પડતા હોય કે વહી જતા હોય છે. એ આંસુ શુ છે ? સ્વાર્થના આંસુ છે, એ માણસ જોડે કોઈ સ્વાર્થ જોડાયેલ હોઈ છે.

જાંઘનો ગોળો મજબૂત હોઈ છે. એને બળવામાં ખૂબ વાર લાગતી હોય છે. વધુ આગ લાગી અને તાપના કારણે એકાએક એ ગોળો ફૂટ્યો અને હવામાં આગના તણખા ઉડવા લાગ્યા. માથાની ખોપડીનો ભાગ પણ ફૂટી ગયો હતો. ત્યાં જ એક ભાઈએ બીડી સગલાવી અને થોડી કશ ખેંચી એ બીડીને સળગતી ચિતમાં નાખી દીધી. એ ઠુઠા જેવો જ આ દેહ રહ્યો છે. જે દેહને લોકો ગળે લગાવે છે, એ જ દેહને બીડીની જેમ સળગાવી દે છે.

એક પચાસ 60 કિલોનો માણસ અંતે રાખરૂપી એક નાની લોટીમાં સમાઈ જાય છે. બસ આ જ છે એક સફર એક મુસાફરની જ્યાં તમામ મેળવી ને ખુલ્લા હાથે જતું રહેવાનું છે. એ સ્મશાનની જમીન ક્યારેય પોતીકાપણું રાખતી નથી. જે કોઈ આવે એ બધાને પોતાની અંદર સ્વીકારી સમાવી લે છે.

મૃત્યુ ને કઈ રીતે સ્વીકાર કરવો એ આપણે વિચાર કરવાનો છે. તંદુરસ્ત મૃત્યુ એ ભગવાનની એક મોટી દયા છે. કોઈ એવું નથી ઇચ્છતો કે એ પોતાના અંત સમયે, જ્યારે પ્રાણ અંગોમાંથી છૂટતા જતા હોય છે, ધીરે ધીરે શરીર પીડામાં ફેરવાઈ જતું હોય છે, પરિવારના લોકો નિસ્તેજ દેહને ટકાવી રાખવા લાઈફ સ્પોર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા રહે છે. શુ આવા મોતને તમે સ્વીકારવા તૈયાર છો? પરિવાર પર દેવાનો બોજ નાખી ચંદ શ્વાસ મેળવવા, એ પણ કુદરતની નહિ જ મશીનો દ્વારા પ્રાણવાયુને શરીરમાં નાખવામાં આવે એવા શ્વાસ, શરીરમાં જીવ નથી હોતો અને દિલને ધબકાવવાના થતા પ્રયાસ, કોઈ આવું મોત ઈચ્છે ખરું? મારા જીવનના અંતમાં હું કોઈ જ મારા પરિવારજનને હેરાન કરવા નથી માંગતો, મૃત્યુને એક ઉત્સવ સમજી એનો સ્વીકાર કરીશ, અને જો એ છૂટે તો જૈન ધર્મની જેમ સંથાળો કરી આ દેહનો ત્યાગ કરી નાખીશ.

✍️મનોજ સંતોકી માનસ✍️

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED