વત્તે - વત્તે, વત્તા.
ઓછે - અોછે, વત્તા.
વત્તે - ઓછે, ઓછા.
ઓછે - વત્તે, ઓછા.
પાંચમાં ધોરણમાં અમારાં ગણિતના શિક્ષકે એમને આ ગાણિતિક સિદ્ધાંત સમજાવ્યો હતો. આજે પણ શબ્દશ: યાદ છે. વિજ્ઞાન અને ગણિત વિષય સૈધાંતિક વિષયો છે અને એક બીજાનાં પૂરક છે. ગણિત વગર વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતો તારવી શકતાં નથી એવી જ રીતે વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણ વગર ગાણિતિક સંકલ્પના સિદ્ધ થતી નથી.
વર્ષ ૨૦૦૬ માં એક પુસ્તક પ્રકાશિત થયું જેનું નામ છે "the Secret." આ પુસ્તક એ જ શીર્ષક વાળી એક ફિલ્મના બાદમાં લખાયું છે. આ ફિલ્મ પણ ૨૦૦૬માં આવી હતી. પુસ્તકનાં લેખક છે રોંડા બર્ન (Rhonda Byrne). આ પુસ્તકની ત્રણ કરોડ પ્રતો વેચાઈ ચૂકી છે જે અલગ અલગ પચાસથી વધુ ભાષાઓમાં અનુવાદ પણ પામેલ છે. આ પુસ્તક વૈલેસ વોટ્ટલેસની વિચારધારાથી પ્રભાવિત છે જેણે ૧૯૧૦ માં એક પુસ્તક લખ્યું હતું " The science of getting rich."
"The secret" પુસ્તકમાં આકર્ષણનો સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે. દુનિયાની કોઈપણ વસ્તુ મેળવવાની ઈચ્છા કરો તો એ વસ્તુ તમને મળ્યા વગર રહેતી નથી. આ ઈચ્છાશક્તિ પર આધારિત સિદ્ધાંત છે. જે હકારાત્મક વિચારોથી કોઈપણ વસ્તુ, પદ, પ્રતિષ્ઠા, ધન, સ્વાસ્થ્ય કે કોઈ વ્યક્તિને પણ પામી શકાય છે. એ બાબતનું રહસ્ય આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે. થિયરી જબરજસ્ત છે અને રજૂઆત ઉત્તમ. હવે પ્રશ્ન આવે છે પણ... પણ... પણ... શક્ય છે? હા શક્ય છે. પણ માત્ર સૈધાંતિક રીતે. પ્રાયોગિક રીતે તો નહિ જ. જો પ્રાયોગિક રીતે શક્ય હોત તો.. ???
પુસ્તકમાં જણાવેલ આકર્ષણના નિયમને મુજબ હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો સબંધિત ઊર્જાને વિચાર કરનાર તરફ આકર્ષે છે. જો તમારા વિચારો પોઝિટિવ હોય તો પોઝિટિવ ઊર્જા તમારા તરફ આકર્ષાશે પણ જો નેગેટિવ વિચાર હશે તો નેગેટિવ ઊર્જા તમારા તરફ આકર્ષાશે. ઉપર ટાંકેલો ગાણિતિક સિદ્ધાંત અહીં પણ લાગુ પડે છે. પોઝિટિવ વિચારો સાથે પોઝિટિવ વિચારો ભળશે તો પરિણામ પણ હકારાત્મક મળે છે તેવીજ રીતે નકારાત્મક વિચારો સાથે નકારાત્મક વિચારો ભળશે તો પરિણામ પણ નકારાત્મક જ રહેવાનું. એવી જ રીતે હકારાત્મક વિચારો સાથે નકારાત્મક વિચારો મળશે તો પરિણામ નકારાત્મક આવશે અને નકારાત્મક વિચારો સાથે હકારાત્મક વિચારો ભળશે તો પરિણામ નકારાત્મક જ આવશે. અહીં નકારાત્મકતાને પ્રાધાન્ય મળેલું છે. નકારાત્મક વિચારો વધુ પ્રભાવશાળી દર્શાવ્યા છે જે નેગેટિવ પરિણામ તરફ દોરી જાય છે.
આપણાં મનની ત્રણ અવસ્થા છે. જાગ્રત મન, અર્ધ જાગ્રત મન અને અજાગ્રત મન. મનની પ્રથમ બે અવસ્થામાં વિચારોની કાર્યદક્ષતા સક્રિય ભૂમિકા ભજવે છે જ્યારે અજાગ્રત મન વિચાર રહિત છે. કોઈપણ વ્યક્તિનો સ્વભાવની ઘડામણમાં મનની આ ત્રણ અવસ્થા જવાબદાર છે. જાગ્રત અવસ્થામાં આપણા આસપાસના વાતાવરણમાં ઘટતી ઘટનાઓ આપણે જોઈએ અને અનુભવીએ છીએ. આપણી સમજણ શક્તિ મુજબ આપણે તેનું અર્થઘટન કરીએ છીએ. અર્ધજાગ્રત મનમાં આ ઘટનાઓ વગોળાય છે. જે ઘટનાઓનું અનાયાસ ચિંતન મનમાં ઘૂમ્યા કરે છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન અને ત્યારબાદનું અનાયાસ ચિંતન આ ઘટનાઓને આપણાં અજાગ્રત મન પર અંકિત કરી દે છે જે આપણાં સ્વભાવમાં ઘડાય જાય છે.
આ પુસ્તકમાં વાત કરી છે આ અજાગ્રત અને અર્ધજાગ્રત મન પર નિયંત્રણ કરવાની. જે જાગ્રત અવસ્થામાં સામાન્ય માણસ માટે લગભગ નહીં પણ સંપૂર્ણ અશકય છે. જો આપણને કહેવામાં આવે કે વાંદરાને યાદ કર્યા વગર પાંચ વખત તમારું પોતાનું નામ બોલો.. શું થશે? વાંદરો યાદ આવ્યાં વગર રહેશે જ નહીં. એવી રીતે આ પુસ્તકમાં વાત કરી છે નેગેટિવ વિચાર કર્યા વગર માત્ર પોઝિટિવ વિચારો. અને ભાર આપવામાં આવે છે કે નેગેટિવ વિચાર કરવાનો જ નથી જો એક નકારાત્મક વિચાર આવ્યો તો પરિણામ નકારાત્મક આવશે.
આ રહસ્ય એ કેટલાય લોકોને દિવાસ્વપ્ન માં રચાતા કરી દીધાં છે. માત્ર પોઝિટિવ વિચારોમાં લીન રહેવાનું. પોઝિટિવ વિચારોનો અતિરેક!! આ અતિરેક એક પ્રકારના માનસિક રોગનું પણ કારણ બની રહે છે. આવા લોકો સાથે સહજ રીતે પણ કંઇક નકારાત્મક બોલાય જાય તો પણ રીતસરના ઉશ્કેરાય જાય છે. બસ પોતાની કાલ્પનિક દુનિયામાં રચ્યા પચ્યા રહે છે અને દુનિયા એમનાથી ક્યાંય આગળ ચાલી જાય છે. આ પુસ્તક જે લોકો સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે એમના માટે ઘાતક સાબિત થાય એમ છે. મારી આ વાત કદાચ કોઈકને વિપરીત લાગે પણ હકીકત એ જ છે કે આકર્ષણનો જે સિદ્ધાંત આ પુસ્તકમાં વર્ણવામાં આવ્યો છે એનું ખોટું અર્થઘટન થવાની શક્યતા અહી સો ટકા રહેલી છે.
આ પુસ્તક સાથે documentary પણ ઉપલબ્ધ છે. જે સતત નિષ્ફળતાનો સામનો કરનાર લોકોનું બ્રેઇનવોશ કરવા માટે પૂર્ણતઃ સક્ષમ છે. આકર્ષણનો સિદ્ધાંત અને તેમાં દર્શાવેલા તથ્યો આમ જોઈએ તો સાચા ઠરે એવાં છે પણ જાગ્રત અવસ્થામાં એનું અનુસરણ કરવું સમય, શક્તિ અને સમજણનો વેડફાટ છે. આ વાત શાહરૂખ ખાને પણ તેના એક ફિલ્મમાં કહી દીધી છે.
इतनी सिद्दत से तुम्हे पाने की कोशिश की है,
की हर झर्रे ने तुमसे मिलाने की साज़िश की है।
આકર્ષણનો આ સિદ્ધાંત કામ કરે છે પણ અજાગ્રત અવસ્થામાં.
- મોનાર્ક