વિચાર વિમર્શ - કર્મ Bharat Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિચાર વિમર્શ - કર્મ

કર્મ.

આજે ચર્ચામાં એક વિષય મળ્યો , કર્મ. કર્મ વિશે લોકોમાં ઘણી કુતુહલતા છે. લોકોને કર્મ વિશે વાતો કરતાં ઘણીવાર સાંભળ્યા હશે. શું છે આ કર્મ? કર્મને ગીતામાં શ્રી કૃષ્ણએ ખૂબ વગોળ્યું છે. કર્મના સિદ્ધાંતની બારીક થી બારીક છણાવટ ગીતામાં કરાયેલ છે. કર્મની ગતિ અપરંપાર છે. સિદ્ધાંત અગમ્ય છે. છતાં હરિભક્તોના કલ્યાણ માટે કૃષ્ણએ ગીતામાં કર્મના સિદ્ધાંતને સમજાવ્યો છે.

કર્મ વિશે કહેવાયું છે કે કર્મનું ફળ મનુષ્યને મળે જ છે. ગીતા પોતાના ભક્તોને ઉદેશે છે કે, " કર્મ કરવું એ તારો અધિકાર છે પરંતુ એ કર્મના ઈચ્છિત ફળની વિશે વિચારવું એ તારા અધિકાર ક્ષેત્રમાં નથી." જેવા કર્મો કરશો એવા ફળ મળશે. ગીતામાં આત્મા વિશે પણ કહેવાયું છે કે, આત્માને બળી શકતો નથી, પાણીથી ભીંજવી શકતો નથી કે શસ્ત્ર થી હણી શકતો નથી. આત્મા અમર છે. આત્મા અજન્મો છે, અજર છે, અવિનાશી છે. શરીર માત્ર જન્મે છે, ઝિર્ણ થાય છે અને મૃત્યુ પામે છે. આત્માને કોઈ બંધનો નથી છતાં આત્મા માત્ર કર્મથી બંધાયેલો છે. અને આ કર્મના લીધે જ નક્કી થાય છે કે આત્મા ફરી શરીર ધારણ કરશે કે પરમાત્મામાં વિલીન થશે!

સૃષ્ટિના દરેક પ્રકારના જીવોમાં આત્મા છે. આત્માને પ્રતાપે જ સૃષ્ટિનો પ્રત્યેક જીવ અસ્તિત્વમાં છે. એકે એક પ્રાણી, જંતુ, વૃક્ષ કે સૂક્ષ્મજીવો માં આત્મા છે. આ આત્મા એ એ જ પરમાત્માનો અંશ છે જેમાંથી જ આ પ્રત્યેક જીવોની આત્મા પૃથક થાય છે અને અંતે પરમાત્મામાં જ વિલીન થાય છે.

ઉપરની આખી વાતથી દરેક આઘ્યાત્મિક કે ધાર્મિક વ્યક્તિ સંમત થશે એવું હું દ્રઢ પણે માનું છું કેમ કે ઉપરના વિધાનો શાસ્ત્રોનો અંશ છે. જે સ્વયં કૃષ્ણનાં મુખારવિંદ માંથી થયેલો ઉદ્દગાર છે. વિચારશીલ લોકો એટલાથી અટકતાં નથી. એમને સત્ય સુધી જવું છે. સત્ય કે જે અંતિમ છે. જ્યાં શંકાને કોઈ સ્થાન નથી. અને બધાં જવાબો મળી જાય છે.

મારે અહીં પ્રશ્ન કરવાનો છે કે આ કર્મ સારું કે ખરાબ કેમ નક્કી થાય છે? સારું કોને કહેવાય અને ખરાબ કોને કહેવાય? સારા અને ખરાબ ની સંકલ્પના શું છે? સારા અને ખરાબ નો ખ્યાલ કેવી રીતે ઉદભવ્યો? કયા માપદંડો છે જે સારા અને ખરાબ નો ભેદ પાડે છે? આ માપદંડો કોણે બનાવ્યા? માપદંડો બનાવવાના આધારો કયા કયા ઉપયોગમાં લીધાં? આ આધારો કયા સિદ્ધાંતોથી તારવ્યા?

પ્રશ્નો સમજવામાં તથા સમજાવવામાં પણ અઘરાં છે તો પછી એનાં જવાબો પણ જટિલ હોવાના જ! સમજવામાં અઘરાં શા માટે? અઘરાં એટલાં માટે કેમ કે આ પ્રશ્નો સીધાં વિદ્રોહના છે. વિદ્રોહ સીધો ધર્મ સામે. ધર્મને પ્રશ્ન પૂછતાં વિદ્રોહ થયાં વિના રહેતો નથી પછી એ વિદ્રોહ વ્યક્તિનો આંતરિક હોય કે સમાજમાં બાહ્ય રીતે. વિદ્રોહને લીધે પ્રશ્નોની જટિલતા ગંભીર બને છે.

આ પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તો જ થઈ શકે જ્યારે આપણે સહજ થઈ શકીએ. પોતાના અંતરને પ્રશ્ન કરવાની હિંમત કરી શકીએ. જો આવી શંકા ઉત્પન્ન થાય તો પ્રશ્ન પૂછવા જોઈએ. પ્રશ્નોના ઉકેલ મેળવવા પ્રયત્નો કરવા જોઈએ તો જ ધર્મની ભ્રામક માન્યતાઓ માંથી મુક્ત થઈ શકાય કે જે માન્યતાઓ આપણને અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે અને વ્યક્તિનું માનસિક અધ:પતન આણે છે.

અત્યારે હું અહી માત્ર એટલું જ કહીશ કે કર્મ સારા કે ખરાબ હોતાં નથી. કર્મ કર્મ જ હોય છે. કરેલ કર્મ સારું છે કે ખરાબ એ આપણે જાતે બનાવેલાં માપદંડોથી નક્કી થાય છે. તમારા કરેલાં કર્મનું કોઈ પરમાત્મા કે ઈશ્વર દ્વારા મૂલ્યાંકન થવાનું નથી કેમ કે આવું મૂલ્યાંકન કરવા કોઈ ઈશ્વર અસ્તિત્વમાં જ નથી. આપણાં કર્મોનું વળતર આપણને આ જ જીવન દરમિયાન મળી રહેવાનું છે જે પ્રકૃતિનાં સિદ્ધાંતોથી નિયત છે. પ્રકૃતિનાં સિદ્ધાંતો સૃષ્ટિના દરેક જીવો માટે સમાન છે.

પ્રકૃતિનો સિદ્ધાંત એટલો જ છે કે આઘાતની સામેનો પ્રત્યાઘાત આઘાતની તિવ્રતા પ્રમાણે જ મળવાનો. અને મળવાનો જ. આ પ્રત્યાઘાત આવતાં જન્મ માટે મુલવતી રહેવાનો નથી. કેમ કે આવતો જન્મ, પહેલાંનો જન્મ, લાખ ચોરાશી વગેરે જેવું પ્રયોજન પ્રકૃતિ પાસે નથી. માણસ એ સૃષ્ટિના અન્ય જીવની જેમ જ એક જીવ છે. વિકસિત બુધ્ધિને લીધે "સભ્ય" સમાજ અને સમજ ધરાવે છે. અન્ય જીવો વિકસિત બુધ્ધિને અભાવે અસભ્ય અને જંગલી છે. એટલે સારા અને ખરાબ ની સમજ એમનામાં વિકસિત નથી. છતાં કર્મ એમનું પણ છે.

હું એવા લોકોના વિચારોને છંછેડવા માગુ છું જે આ લેખ વાંચીને કહેશે કે, "પ્રાણીઓમાં સારા ખરાબ ની સમજણ નથી એટલે જ તેઓ કર્મની ગતિ સમજી શકતાં નથી અને યોની દર યોની ભટક્યા કરે છે. પણ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે એનો ઉપયોગ સમજણ વિકસાવી સારા ખરાબનો ભેદ કરી સારા કર્મો કરી લાખ ચોરાશી માંથી મુક્ત થઈ પરમાત્મામાં વિલિન થઈ મોક્ષ મેળવી લેવો એ આપણો ધ્યેય હોવો જોઈએ." પણ મારે એમને એટલું કહેવું છે કે સારા કે ખરાબ કર્મોની મુલવણી ના આધારે જ જો અવતાર મળ્યો હોય તો આપણાં આ મનુષ્ય તરીકેના અવતાર પહેલાના અસભ્ય પ્રાણી તરીકે આપણે કયા સત્કર્મો કર્યા હશે કે આપણને આપણાં એ કર્મોને લીધે આ મનુષ્ય દેહ મળ્યો!? કેમ કે મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં સારા અને ખરાબ વિશેનાં માપદંડો તો છે જ નહીં! આપણે મનુષ્ય એટલે છીએ કેમ કે આપનું પ્રાકૃતિક બંધારણ આપણને મનુષ્ય દેહ આપે છે એવી રીતે અન્ય પ્રાણી દેહ. કર્મોને આધારે શરીર પ્રાપ્ત થાય છે એ માત્ર એક ભ્રમણા છે. વધુમાં, આત્મા જેવું કઈ છે જ નહીં. જે છે તે ઊર્જા છે જે બ્રહ્માંડમાં સમગ્રતયા પથરાયેલી છે. પરિસ્થિતિ જન્ય જીવ તરીકે પ્રકટ થાય છે એમ પરિસ્થિતિ મુજબ ફરી ઊર્જામાં વિલીન. આ સમગ્ર ઊર્જાનું નિયમન પ્રકૃતિ દ્વારા થાય છે નહિ કે કોઈ ઈશ્વર દ્વારા. એટલે પ્રકૃતિના સિદ્ધાંતોથી વાકેફ થવું આપણાં માટે જરૂરી છે. અને પ્રકૃતિને સમજવા વિજ્ઞાન એક જ ધર્મ છે.

પ્રકૃતિને ઈશ્વર નામ આપી પ્રકૃતિની સર્વોપરિતાને લલકારવાનો તુચ્છ પ્રયાસ ના કરતાં કેમ કે ગીતામાં જ કોઈક જગ્યાએ (શ્લોકમાં) ખુદ ઈશ્વરે જ કહેલું છે કે, "હું ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિને આધીન છું."

- મોનાર્ક