મોનાર્ક - ચેતના Bharat Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોનાર્ક - ચેતના

ચેતના

ચેતના હંમેશા કુતુહલતા અને રસનો વિષય રહ્યો છે. ચેતના શું છે એ સમજવા ઘણાં ચિંતકો, વિચારકો, બૌદ્ધિકો, દર્શનિકો વગેરે એ ખૂબ ચિંતન મંથન કર્યું છે અને પોત પોતાની સમજણ અને અનુભવના આધારે ચેતનાને વ્યાખ્યાયિત કરી છે.

ચેતના એટલે સરળ અર્થમાં ભાન. જીવ. પ્રાણ. જો કે મે અહી ફક્ત સમાનાર્થી શબ્દો જ લખ્યાં જેનાથી આપણે પરિચિત છીએ. આ ચેતના શું છે સમજવું ખૂબ અઘરું છે. તેના માટે આ આયખું ઓછું પડે ભાઈ. જન્મોના જન્મો ચાલ્યા જાય પણ આ રહસ્ય પામી શકાતું નથી. અને જે પામી ગયા એ મોક્ષને પ્રાપ્ત થઈ ગયા. લાખ ચોરાશી માંથી મુક્ત અને પરમાત્મામાં વિલીન થઈ ગયા. એવું લોકો માને છે.

ચેતનાને કેટલાક અધ્યાકમિક લોકો ( કેટલાંક નહિ લગભગ બધાજ) આત્મા નામ આપે છે જે આત્મા પરમાત્માનો એક અંશ માત્ર છે. એટલે જ એમની વચ્ચે "આત્મા એ જ પરમાત્માનો" ખ્યાલ પ્રચલિત છે. ખ્યાલ સારો છે એકાકાર કે સમાનતાનો. પણ અહી આ આત્મા પણ સૃષ્ટિમાં આવતાં ભેદભાવનો ભોગ બનતા બચી શકી નથી! કેટલીક બ્રહ્મ આત્મા, દેવ આત્મા, ઉચ્ચ આત્મા, પવિત્ર આત્મા, અપવિત્ર આત્મા, દુષ્ટ આત્મા વગેરે વગેરે.. સારું ચાલો પણ અહી મારે એ ચર્ચામાં નથી ઉતરવું. મારે આ ચેતના વિશે મારો મત મૂકવો છે.

વિશ્વમાં કે જ્ઞાત બ્રહ્માંડમાં અત્યાર સુધીમાં કુદરતી રીતે મળી આવતા કે પ્રયોગશાળામાં સંયોજન કરી મેળવેલા કુલ ૧૧૮ જેટલાં તત્વો જ્ઞાત છે. અને આ તત્વોની હાજરી સમસ્ત સૃષ્ટિમાં છે. સૃષ્ટિનું કોઈપણ બંધારણમાં આ તત્વો સિવાય શું મળશે? કઈ નહિ. સૃષ્ટિના દરેક પદાર્થો આજ ૧૧૮ તત્વોના રાસાયણિક સંયોજનો છે.

આપણાં કે સંસારના દરેક સજીવોના શરીરનો નાનામાં નાનો એકમ કોષ છે. આ કોષના બંધારણમાં પણ આમાંના જ તત્વોની હાજરી છે. આ કોષોનો સમૂહ પેશીની રચના કરે છે. પેશીઓ અંગોની અને અંગો શરીરની રચના કરે છે. આવી પ્રક્રિયાથી શરીર અસ્તિત્વમાં આવે છે. હવે આ શરીરની અંદર ચેતના ક્યાંથી આવી. આ શરીરમાં જીવ કે પ્રાણ ક્યાંથી આવ્યો? ચેતના માટે એક પર્યાય ઊર્જા પણ પ્રચલિત છે. અને ઊર્જા શબ્દ સમજવામાં પણ સરળ છે કેમકે ઊર્જા વિષેની સંકલ્પના સ્પષ્ટ છે. સુષ્ટીમાં ઊર્જા સર્વત્ર વ્યાપ્ત છે અને ઊર્જા અલગ અલગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ ઊર્જા સ્વતંત્ર રીતે કાર્યક્ષમ નથી. આ ઊર્જાની કાર્યદક્ષતા પરિસ્થિતિ આધીન છે.

આ સૃષ્ટિની રચના પરિસ્થિતિ જન્ય છે. પરિસ્થિતિ અને અનુકૂલન
ના પરિણામે સૃષ્ટિ રચાઈ છે. આ ઉદભવની ઘટના સ્વયંભૂ છે. બિગ બેંગ માટેની પરિસ્થિતિ સર્જાતા મહાવિસ્ફોટના કારણે સૃષ્ટિ અસ્તિત્વમાં આવી એવી અત્યારની પ્રચલિત વૈજ્ઞાાનિક અવધારણા છે. અવધારણાનું ખંડન ના થાય ત્યાં સુધી એ જ અવધારણા સ્વીકાર્ય છે. જેથી એ અવધારણાને પાયો બનાવી આગળના સંશોધનો હાથ ધરી શકાય.

ચેતનાનું પ્રાગટ્ય પણ આવી જ પરિસ્થતિ જન્ય ઘટના છે. અમુક પ્રકારના તત્વો અમુક માત્રામાં મળે અને અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા જે તે કોષની રચના થાય છે. જેમ કે સૌપ્રથમ એક સ્વતંત્ર કોષની રચના પાણીમાં થઈ. અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા એ એક સ્વતંત્ર કોષમાં ચેતના આવી અને એ અમીબા તરીકે જીવ અસ્તિત્વમાં આવ્યો. અમીબા એક કોષીય જીવ છે જે કોષની સરળ રચના છે. આવી રીતે પરિસ્થિતિ અનુકૂળ આવતા સરળ માંથી જટિલ કોષીય રચનાઓ અસ્તિત્વમાં આવી. સમય જતાં તેમની ઉત્ક્રાંતિના પરિણામે અલગ અલગ શરીર રચના વાળા જીવો અસ્તિત્વમાં આવ્યા.

આ ચેતનાનું સ્વતંત્ર કાર્ય નથી. પરિસ્થિતિ સાનુકૂળ ના રહેતા આ ચેતનાની કાર્યદક્ષતા જોખમાય છે અને ચેતના વિલય પામે છે. ચેતનાની કાર્યદક્ષતાની ગેરહાજરીમાં શરીર અને કોષ પણ ધીરે ધીરે મૂળ તત્વોમાં વિઘટિત થાય સૃષ્ટિમાં ફરી મળી જાય છે. ચેતનાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એટલે એનું પુનઃ પ્રાગટ્ય પણ શક્ય નથી. દરેક ચેતના અનન્ય છે. અપૂર્વ છે.

- મોનાર્ક