સત્ય
મોટા મોટા ચિંતકો, દર્શનિકો, વિચારકો, સંતો લગભગ દરેક જેઓ આઘ્યાત્મિકતા પર પોતાના વિચારો ધરાવે છે સત્ય વિશે કઈક ને કઈક મત જરૂર રાખતા હશે. સત્ય એક એવી સંકલ્પના છે કે જેને સિદ્ધ કરવી મતલબ કે બુધ્ધત્વને પામવું. સત્ય એક ખોજ નો વિષય બની રહ્યો છે. કોઈ કહે છે સત્ય કડવું હોય છે. તો કેટલાક કહે છે સત્ય નિર્મળ છે. શાંત હોય છે. સત્યની પરિભાષા સ્પષ્ટ રીતે કોઈ કરી શક્યું છે કે કેમ!!
" સત્ય ક્યારેય કહી શકાતું નથી" શું આ વાક્ય સત્ય છે? ઘણાં કહેશે કે હા આ વાક્ય સત્ય છે. સત્ય ક્યારેય વર્ણવી શકાય જ નહીં. સત્ય તો સત્ય છે. અનુભવ કરવાનો વિષય છે. સત્ય ને માત્ર અનુભવી શકાય. તે શબ્દો દ્વારા કહી શકાય જ નહિ.
આ વિધાન સ્વિકારી શકાય એમ નથી. જે વિધાન સત્ય હોવાનું માની લેવાયું છે એ બોલાયેલું તો છે જ. "સત્ય ક્યારેય કહી શકાતું નથી" જો સત્ય ક્યારેય વર્ણવી શકતું ના હોય તો અત્યાર સુધી આપણે ભણ્યા, જે વર્ણનો વાચ્યા, સભળ્યાં શીખ્યાં શું એ બધું અસત્ય.? આપણને અત્યાર સુધી અસત્ય જ પીરસવામાં આવ્યું?
અધ્યાત્મિક માણસો કહેશે અરે આ વિધાન એ સત્ય માટે નથી કે જે અહી ઉલ્લેખ થયેલો છે. જે સત્ય અકથિત છે એ સત્ય પરમસત્ય છે. અને એ જ સત્ય કહી શકાતું નથી. જોકે એમને ફરી એ જ પ્રશ્ન કે તમારી આ વાત સત્ય છે? જો હા, તો તમે તો કહો છો!
સત્ય અકથિત કે અવ્યક્ત કે અવ્યાખ્યાયિત નથી. સત્ય કહી જ શકાય છે. જરૂર છે એને જાણવાની. જો તમે સત્ય જાણો છો તો એને કહી જ શકો. અને જો ના કહી શકો તો એનો સીધો અર્થ એ છે કે તમે સત્ય જાણતા નથી. સત્ય કહી જ શકાય છે બસ કોઈને કહેવું નથી. સ્વાર્થ સાધવા. જો બધા ધર્મના કહેવાતા ઠેકેદારો, ધર્મગુરુઓ, મહંતો આ બધા ને સત્ય ખબર જ છે કે ઈશ્વર નથી પણ કહેવું નથી.
ઘણા સંતો સત્ય જાણી કહી પણ દીધું છે કે આ બધું પાખંડ છે. ત્યાગ કરો. પણ આપણને આ પાખંડ ની આદત પડી ગયેલી છે. અને એમાં મજા આવે છે. ધર્મ એક વ્યસન જેવું છે. ખબર છે કે નુકશાનકારક છે પણ નશાની પોતાની એક મજા છે. મજા આવે છે. એટલે પરાણે તેની પાછળ ઢસડાતા જઈએ છીએ. બુદ્ધ સત્ય જાણ્યા અને કહ્યું કે આ સંસારમાં કોઈ ઈશ્વર નથી. પણ ધર્મ બુદ્ધનો વિરોધ કરશે જ. કેમ કે દુકાનો બંધ થઈ જાય એમ છે.
સત્ય અકથિત નથી. નથી કહી શકતા કારણ કે સત્ય થી અજાણ છે. અને નથી કહેતા કારણ સ્વાર્થ છે. સૃષ્ટિની રચનાની સંભવિત વૈજ્ઞાાનિક થિયરી છે જ. તો પછી કાલ્પનિક અને અવૈજ્ઞાનિક ઉત્પત્તિ કે જે ધર્મગ્રંથોમાં વર્ણવેલ છે એને માનવા ને કારણ શું? જો સત્ય અકથિત છે તો વેદોમાં અને અન્ય ધર્મગ્રંથો માં કહેવાયેલું છે એ સત્ય છે એ સૈધાનિક રીતે કેમ સ્વિકારી શકાય?
હું કોઈપણ વાત ના કહી શકું ત્યાં સુધી જ્યાં સુધી હું એ જાણતો નથી. જાણતો હોવ તો કહી જ શકું.
જ્યારે કોઈ એમ કહે કે " સત્ય ને કહી શકાતું નથી કે સત્યને શબ્દોમાં વર્ણવી શકાતું નથી" ત્યારે માનવું કે એ અસત્ય કહી રહ્યો છે.
( ગઇકાલે જ મારા એક મિત્રએ મને કહ્યું કે, "તમે અસ્પષ્ટ છો." જો ઉપરનું લખાણ ન સમજાય તો એ સજ્જન ની વાત સત્ય માનજો)
- મોનાર્ક