Madhumalti books and stories free download online pdf in Gujarati

મધુમાલતી.....


મધુમાલતી...વાર્તા..(દિનેશ પરમાર' નજર' )
********************************
ઉદાસી આ સુરજની આંખે ચઢી છે
તમારા વિના સાંજ ધ્રુસકે ચઢી છે.
તમે નામ મારું લખ્યું તુ કદી જયાં
મધુમાલતી એજ ભીંતે ચઢી છે.
-ભગવતીકુમાર શર્મા
------------------------------------------------
બંગલાની કમ્પાઉન્ડ વોલના ઝાંપા પાસે ઉગેલા ગુલમહોર પાસેજ મ્હોરીને સ્હેજ ઉપર ચઢેલી વેલને ,ફરી પાછી મૂળસોતી ખેંચતા બહારના ભાગે ઘા કરતા પગ પછાડતો ગુલશન અંદર આવતા જ બોલ્યો,"મધુ...સમજણ નથી પડતી આ વેલ વારેવારે ઉખાડુ છું તે ફરી ફરી કેમ ફુટી નિકળે છે?"
દરવખતની જેમજ સ્હેજ ઝંખવાઇને મધુ બોલી,"વેલ આવતી હોય તો આવવા દો ને?"
"શું તુ યે? ,અેકતો વેલ મને ગમતી નથી તે મેં તને કહ્યું તો છે! ,હું નાનો હતો ને શાહઆલમ સરકારી વસાહતમાં રહેતો હતો ત્યારે પાછળના ભાગે વરંડામાં ઉગેલી જુઇના માંડવામાંથી , રાત્રે વાેશરુમ જતો ત્યારે કેટલાય મંકોડા મારી પર પડતા ,કયારેક તો ચટકતા પણ ખરા,રાડ નીકળી જતી,બીજું આ ગુલમહોરના થડ પર વિંટળાઇ હાવી થઇ જશે ને શોભા બગાડશે તે નફામાં..એકતો બીજા પર નિર્ભર રહેવાનું ને વળી નુકશાન પણ કરવાનું તે કેમ ચાલે?"
મધુના હોઠ પર આવી જતું, " કે વેલ શોભા વધારે કે ઘટાડે?" તે પોતે આખેઆખી ઉખડી ગયાની લાગણી અનુભવતી ,પણ તે ચુપ રહેતી.

**********

આમતો ગુલશન મધુને ખુબ પ્રેમ કરતો ,મધુ પણ તેને તેટલો જ ચાહતી હતી.
વર્ષો અગાઉ ગુલશનના પિતાશ્રીએ બોપલમાં ખરીદેલા , બેઠાઘાટના વન બીએચકે ના ટેનામેન્ટમાં લગ્ન પછી તેઓ રહેવા આવી ગયેલા.
મધુને ફુલ ઝાડનો શોખ હોવાથી ,ટેનામેન્ટના આગળના ભાગે કંમ્પાઉન્ડ વાળેલી ખુલ્લી જગ્યામાં ,કેટલાય કુંડા જુદાજુદા છોડના ગોઠવી સુશોભન કરતી રહેતી ત્થા તેની કાળજી લેતી.ઝાંપા પાસે ગુલમહોર અને ખુણામાં , પારિજાત ત્થા ગરમાળો પણ વાવી ને કાળજીથી ઉછેરેલો.
પિયરનું તેનુ નામ મધુમાલતી પણ ગુલશન તેને વ્હાલથી " " મધુ " કહેતો તો ,દેખાવમાં સ્માર્ટ ગુલશનને લાલ શર્ટ ખુબ ગમતો એટલે જ્યારે તે પહેરતો ત્યારે મધુ પણ લાડમાં "ઓ ...મારા..ગુલમહોર .." તેવું કહીને હસી નાખતી.
ગુલશનની , સી.જી.રોડ પર આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી હતી.બંન્નેનો સંસાર ઓછા પગારમાં પણ સારી રીતે ચાલતો હતો.

**********

સવારે ગુલશન નોકરી જવા નિકળ્યો ને મધુ કચરા પોતુ કરી જેવી ,પાછળના ભાગે ચોકડીમાં વાસણ કરવા બેઠી ને ટેલીફોનની રીંગ વાગી.
તે સાડીથી હાથ લુછતા લુછતા ડ્રોઇંગરુમ તરફ ગઇ.
" હેલો..કોણ...?
" તમે મધુબેન બોલો છો?"
" હા , તમે કોણ બોલો છો?"
" બેન ગભરાયા વગર શાંતિ થી સાંભળો ,હું ને તમારા મિસ્ટર ગુલશન કુમાર , એકજ કંપનીમાં સાથે નોકરી કરીએ છીએ. સ્વસ્તિક ચાર રસ્તા પાસે તેમને એક્સિટેન્ટ થતા વાડિલાલ હોસ્પિટલ લઇને આવ્યો છું."
"પગમાં વાગ્યું છે પણ ચિંતા કર્યા વગર તમતમારે શાંતિથી આવો." આટલુ બોલીને ફોન મુકી દીધો.
એક્સિટેન્ટ શબ્દ સાંભળતા જ મધુબેનના મોતિયા મરી ગયા.શરીરમાં એક પ્રકારની ધ્રુજારી થવા લાગી.આંખોમાં જળજળિયા ધસી આવ્યા .કશુજ સુઝતુ નહતું.
ત્યાંજ બાજુવાળા રમિલાબેન મેળવણ લેવા આવતા,ને મધુબેનને આવી હાલતમાં જોતા ત્થા તેમની પાસેથી હકિકત જાણતા તે ત્થા તેમના મિસ્ટર હોસ્પિટલ જોડે આવવા તૈયાર થઇ ગયા.

**********

ગુલશનકુમારને પગમાં ફ્રેકચર થયું હતુ. પગના ઢિંચણની નીચેની નળી ટુટી ગઇ હતી.ઓપરેશન કરી સળિયો નાખ્યો હતો.ડોકટરે સ્ટ્રીકલી બેડ રેસ્ટ જ કરવાની સલાહ આપી હતી.ઓછામાં ઓછો ત્રણેક મહિના આરામ કરવાનો હતો નહિતર ખોડ રહી જવાની પુરેપુરી શક્યતા હતી.
ગુલશનને પ્રાઇવેટ નોકરી હતી ,તેને ત્રણ મહિના પગાર નહી આવે તો ઘર કઇ રીતે ચાલશે? તે ચિંતા કોરી ખાતી હતી.
તેના ચહેરાના હાવભાવ જોઇ સમજી ગયેલી મધુ બોલી,"ચિંતા ના કરશો ધ્યાન રાખવા વાળો તો ઉપરવાળો છે!..એક વાત કહું ગુસ્સેના થતા પણ બે દિવસ પહેલા
" ક્યુ ટીવી " માં રસોઇ સ્પર્ધાના આયોજનની જાહેરાત આવેલી , તમને તો ખબર છે આપણા સમાજ તરફથી ત્થા અગાઉ લાયન્સ કલબ તરફથી યોજાયેલી સ્પર્ધામાં હું ઇનામ લઇ આવી છું."
ગુલશન પ્રશ્નાર્થ ચહેરે મધુ સામે જોઇ રહ્યો.
" મેં તે જ દિવસે જાહેરાતમાં બતાવેલ નંબર પર
એસ.એમ. એસ. કરી રજીસ્ટ્રેશન કર્યું છે.પ્રથમ ઇનામ એકાવન હજાર,બીજું પચ્ચીસ હજાર ને ત્રીજુ પંદર હજાર નું છે.તમે જો જો હું એવી જુદી જ વાનગી બનાવીસ કે જજ આંગળા ચાટતા રહી જશે."
"ક્યારે છે સ્પર્ધા ?"ગુલશન ના ચહેરા પર આશા તરી આવી.
"પરમદિવસે છે ,જરાય ચિંતા નૈ આપણું ઇનામ પાકુ જ છે." જે વિશ્વાસથી ને શ્રધ્ધાથી મધુ બોલતી હતી તે જોઇ ને ગુલશનનું મન ભરાઇ આવ્યું.

**********

ધરમાં દાખલ થતાજ આવેશમાં હર્ષોલ્લાસ સાથે મધુ ગુલશન પાસે દોડી ગઇ ,"મેં કહેલું ને ?? મારો જ પ્રથમ નંબર આવ્યો.જજ તો જબ્બર ખુશ થઇ ગયા ને ખુબ ખુબ વખાણ કર્યા." બોલતાની સાથેજ એકાવન હજારનો ચેક ગુલશનના હાથમાં મુકી દીધો.
ગુલશન ક્યાંય સુધી ચેકને ,ને મધુને જળજળિયા ભરી આંખે જોતો રહ્યો,ને " હાશ" કહેતો ઉદ્ગાર તેના મોંમાથી સરી પડ્યો.

**********

ત્રણ મહિના થવા આવ્યા હતા. હવે ગુલશન ઘરમાં ઘોડી લઇને ધીરે ધીરે ચાલતો હતો.રવિવારના દિવસે મધુ બહાર કુંડાને સરખા કરતી હતી.ગુલશન ઘોડીના સહારે ધીરે ધીરે બહાર આવ્યો.તેને મહિનાઓ પછી પોતાના ઘરનો આગળનો પ્લોટ વર્ષો પછી જોતો હોય તેવું ફીલ થયું.તે , મધુએ સજાવેલા નવા નવા રંગીન છોડના કુંડાઓને જોઇ રહ્યો.
અચાનક કુંડા સરખા કરતી મધુનુ ધ્યાન તેની તરફ જતા તે બોલી,"અરે! તમે બહાર ક્યારે આવ્યા?"
" બસ હમણાં જ ..." બોલતા જ ગુલશનનું ધ્યાન ઉગી નિકળેલી ,ને થોડી ઉપરની તરફ આગળ વધી ગુલમહોરને વિંટળાઇ ગયેલી મધુમાલતી વેલ તરફ ગયું .
મધુનુ ધ્યાન તે તરફ જતા જ મધુ ,તેને મુળ સાથે ખેંચી નાખવા તે તરફ ઘસી.
પણ. આ...શું???
ગુલશને સ્હેજ ઉચા અવાજે કહ્યું," મધુ...વેલને કાઢતી ના ...રહેવા દેજે.."ને તે પીઠ ફેરવી ઘરમાં જવા લાગ્યો.
મધુ આનંદ સાથે આશ્ચર્ય અનુભવતી પાછળને પાછળ ઘરમાં પ્રવેશી ને ગુલશનને વ્હાલથી વિંટળાઇ ગઇ.
બહાર આછા પવનની મંદ લહેરમાં ગુલમહોરને વિંટળાઇને મધુમાલતી ડોલતી હતી ને ,આજે ગુલમહોર ,
મધુમાલતીના કારણે શોભી રહ્યો હતો...... .

___________________________________
દિનેશ પરમાર "નજર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED