રાની બેઠી રાજ કરેગી SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાની બેઠી રાજ કરેગી

કોઈની પણ દ્રષ્ટિ એક ક્ષણ થંભી જાય તેવા સૌન્દર્યપાન કરાવતા ફોટા સાથે ફેસબુક સ્ટેટસ - 'ફીલિંગ લવ્ડ', 'ફેન્ટાસ્ટિક' કે 'કુલ'.


સખીઓ, મિત્રો સાથે તેમના અજાણ્યા મિત્રોની પણ ભરપૂર લાઇક્સ.


લાઈફ ઇવેન્ટ અપડેટ - પોતાનાં ધ્યાનાકર્ષક રૂપ અને જોબનવંતા ફોટો સાથે- 'સજ ગઈ રે મેં તો તન તન કે.. બાણ ચલાઉ મેં તો નૈનન કે.. મેં તો સજ ગઈ રે સજના કે લીએ'..


કૉમેન્ટ્સ નો ધોધ. 'નસીબ વાળી છો.', 'મીર માર્યો', 'ના. મીરા મારી', 'મેંદીની ડિઝાઇન મસ્ત છે' વગેરે.


વળી નવું સ્ટેટસ, પોતાના ચુસ્ત શોર્ટ ડ્રેસ સાથે - 'ફીલિંગ રિલેક્સડ' .


કૉમેન્ટ્સમાં બે આંગળીઓની 'ટોપ' સાઈન, અગણિત લાઇક્સ.


અને નવું સ્ટેટસ 'ફીલિંગ ચિલ્ડ..સ્વિગીથી ફૂડ આવશે, કલીનિંગની જવાબદારી એની. રાની બેઠી રાજ કરેગી.'


નવપરિણીત યુગલનો વળગીને ઉભેલો ફોટો.


પ્રી-વેડિંગના રોમેન્ટિક ફોટાઓ અને લગ્નના ફોટાઓના ફેસબુક આલ્બમ - Feeling Loved અપડેટ. પોતાની આ શાહરૂખ - કાજોલ જેવી કેમિસ્ટ્રી આખો દિવસ સ્ક્રોલ કરતા અને લાઈક ગણતાં ગણતાં બહેનપણીઓને Thank You ? કહેતી કૉમેન્ટ્સને રીપ્લાય આપતાં દિવસો ક્યાં જવા લાગ્યા તે ખબર ન પડી. મિત્રોની વાહ સાથે નવાઈ બતાવતાં ઇમોજી દેખાવા લાગ્યાં. કોઈ કોઈ ફ્રેન્ડ્સ ની 'એન્વી યુ' જેવી કૉમેન્ટ્સ પણ. અને સુખી લગ્નજીવનની પુરી દુનિયામાં જાહેરાત.


ચકો-ચકી માળો બાંધતાં સાતમા આસમાનમાં ઊડતાં હતાં.


રાજા પોતાની રાણીને રવિવાર જ નહીં, ગુરુવારે પણ ગુલાબજાંબુ લઈ આપતો. બુધવારે પિકચર પર પપ્પા પરીને લઈ જતા તો રાજાએ રાણીને લઈ જવી પડી.

બહેનપણીઓની ઈર્ષ્યા ભરી કૉમેન્ટ્સ દેખાવા લાગી.

'અલી, તેં તો પાંચ નહીં, દસ આંગળીએ ગોર પૂજ્યા હશે.'


સુખના દહાડા સો. ફરીથી નોકરીની માથાકુટ શરૂ થઈ.

એકલતા હટવાની ખુશી સાથે હવે ખાલી થતા એકાઉન્ટની અકળામણ આવી.


છ મહીના વીત્યા. રાણીની ઝોમાટો ચોઇસની અપડેટ પર કૉમેન્ટ પતે એ પહેલાં 'feeling sick' નો મેઈલ નાખવો પડ્યો. મિત્રોના 'ગેટ વેલ સુન' મેસેજ દેખાવા લાગ્યા.. વારાફરતી પેટની બીમારીની અપડેટ મુકાવા લાગી.. 'ટેઈક કેર' સાથે અમુક દવાઓ, શું ખાવું કે ન ખાવું અને આસનો કે જિમ રેકમેન્ડ કરતી કૉમેન્ટ્સ આવવા લાગી. નવી પેઢી ફેસબુક કૉમેન્ટસથી એ જ કહે જે વડીલો ફેસ ટુ ફેસ કહે.


આઠ મહિના વીત્યા. લાઈફઇવેન્ટમાં નવાં ભાડાંનાં ઘરના ફોટા. 'ઘર હુતોહુતી કા' સ્ટેટસ સાથે મેસેજમાં ખૂબ ઊંચું ભાડું પણ લખ્યું.


રંગે ચંગે પ્રથમ એનિવર્સરી ના સાથે, એકબીજાને વળગીને રોમેન્ટિક પોઝમાં ઉભેલા, બેઠેલા, બેયના એક એક પગ ઊંચા કરી ઉભેલા ફોટાઓ. બિચારા રાજાનું ખાલી થતું ખિસ્સું તેના મોં પર આછેરું દેખાતું હતું પણ રાજા રાણી બેય તબિયતને અને સાથે હવે ખિસ્સાને પરવડે તેવું ખાઈ પી ને રાજ કરતાં હતાં અને પુરી તાકાતથી વિશ્વને એ શેર કરતાં હતાં, લાઇક્સ ગણતાં, બેડરૂમમાં એકમેકના ટેકે બેસી કૉમેન્ટ્સ વાંચતાં હતાં.


સવા થી દોઢ વરસ. સ્વિગી કે ઝોમેટોના બદલે 'ટ્રાઇડ … રેસિપી'ના ફોટા આવવા લાગ્યા. હવે ભાડું અને ઘરખર્ચ વધતાં ફરવાની જગ્યાઓ લોકલ સ્થળોની પોસ્ટ્સ આવવા લાગી અને ગોવાના પ્લાન પોળો ફોરેસ્ટમાં બદલાયા.


ઝોમટો ચોઈસની જગ્યા યુટ્યુબની રેસીપીએ લેવી પડી. સ્ટેટસમાં ડોમેસ્ટિક હેલ્પના ત્રાસની હૈયાવરાળ દેખાવા લાગી.


આખરે અમુક કામ કોણ કરે તેની શરૂઆતની મીઠી ચકમક તીખી, કડવી દલીલોમાં પરિવર્તિત થઈ ગઈ.


સાથે વળગીને ઉભેલા ફોટા બંધ થઈ ગયા. પુરુષની સ્ત્રી-વિષયક ઉતારી પાડતી પોસ્ટ મુકાવા લાગી. રાણી દ્વારા મુકાતી, સ્ત્રીને પડતી મુશ્કેલીઓની પોસ્ટ દેખાવા લાગી. Feeling Loved ની પોસ્ટ હવે Feminism અને equality debate પર આવી ગઈ.


મિત્રો, બહેનપણીઓને તો જે મનોરંજન મળ્યું!


વોટ્સએપમાં 'મારી રાણી શું કરે છે?' હવે " કઈંક તો કામ કર!" બન્યું. અંગત વોટ્સએપમાં 'તેને ઘરકામ આવડતું નથી' જેવા રાજાના બળાપા શરૂ થઈ ગયા. 'તમારે ત્યાં બે કામના કેટલા લે છે?' તેવા રાણીના પ્રશ્નો પરિચિતોને પૂછાવા લાગ્યા.


થોડો સમય ટાઇમલાઈન કોરી ધાકોર. વળી બેયનાં અલગ જગ્યાએથી સ્ટેટસ દેખાયાં. થોડો લાંબો સમય ગયો પણ સ્ટેટસ હજુ કોઈનું 'સિંગલ' નહોતું થયું.


રાજાએ રાણીને ફરી એક 'મેલોડી' થી મનાવી. બેય, ક્યાં જાય? બધે આખરે આ જ ગતિ થવાની!


'રાણી' અને 'રાજા'ના ઝાડુ લઈ ઘર સાફ કરતા ફોટા મુકાવા લાગ્યા. રાણી બેઠી પોતું કરતી ને વાસણ માંજતી દેખાવા લાગી.


'રાણી' અને 'રાજા' હજી એ Loved તો feel કરે છે પણ ઝાડુ અને વાસણની સાથે.


વળી થાક્યાપાકયા આવી રાત્રે સાથે ચા પીતા, રાંધતા, વાસણ માંજતા, બાવાંઝાળાં પાડતા ફોટાઓ શરૂ થઈ ગયા. બાઇક લૂછયા પછી એ બાઇક પર, રાજા સાથે, શાકભાજી અને ગ્રોસરીના થેલાઓ પકડી અડોઅડ પાછળ 'રાની બેઠી રાજ કરે' સ્ટેટસ દેખાવા લાગ્યાં.

***

-સુનીલ અંજારીયા