લાઇમ લાઇટ - ૪૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઇમ લાઇટ - ૪૩

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૩

રસીલી સાકીરને મળીને તેની હિતેચ્છુ સાબિત થવા માગતી હતી. તેને ખબર હતી કે પોલીસે સાકીર સાથે કોઇને મુલાકાત કરવા દીધી નથી. તેની પત્ની સાથે પણ નહીં. પોતાને જોઇને સાકીર ખુશ થઇ જશે. પોતે એની સૈયાસંગિની જ નહીં હૈયાસંગિની પણ છે એવું પ્રતિત કરાવી તેની ધરપકડમાં પોતાનો હાથ હોય શકે એવું વિચારવાનો મોકો આપશે નહીં એવા હેતુથી ગઇ હતી. રસીલીએ મુશ્કેલીથી પોલીસ પાસેથી મુલાકાત માટે સમય મેળવ્યો હતો. હવે જ્યારે સાકીરે તેની ડ્રગ્સના આરોપમાં થયેલી ધરપકડ માટે પોતાને જ આરોપીના કઠેડામાં મૂકી દીધી છે એ સાંભળી એક ક્ષણ તો એને ચક્કર જેવા આવી ગયા. પણ એ ક્ષણને રસીલીએ સંભાળી લીધી. તે એક સારી અભિનેત્રી હતી. તેની આવા સવાલ અને આક્ષેપ માટે થોડી માનસિક તૈયારી પણ હતી. સાકીર આ રીતે સીધું તેના તરફ જ તીર તાકશે એવી તેની ગણતરી ન હતી. રસીલીએ સાકીરની વાતને હળવાશથી લીધી:"સાકીર, હું તમારી દોસ્ત નથી. તમારી પ્રેમિકા છું, તમારા દિલની ધડકન છું...હું શા માટે તમારી દુશ્મન બનું? ખરું ને?" રસીલી બોલતી હતી ત્યારે તેના દિલની ધડકન વધેલી તો હતી જ. એની અસર અવાજ પર ના આવે એનું ધ્યાન રાખીને તે હસીને બોલી હતી.

સાકીરે પણ તરત જ વાતને હળવાશથી લઇને જવાબ આપ્યો:"હા, રસીલી, હું મજાક કરતો હતો. તું તો મારી જાન છે. તું મારા જીવ પાછળ પડી જ ના શકે. મને તો આમાં રાજકારણ જ લાગે છે....ખેર, તું આવી તો મારા દિલમાં ચેન આવ્યું. એડવોકેટ તો મારા જામીન માટે પ્રયત્ન કરી જ રહ્યા છે. તું એમને કોઇ મદદની જરૂર હોય તો કરજે...."

"હું મદદ જરૂર કરીશ, પણ પોલીસને..." એમ મનોમન બબડી રસીલી સાકીરના હાથ પંપાળતી બોલી:"જરૂર સાકીરજી, તમે જલદી બહાર આવી જશો...."

બીજી થોડી વાત કરી ત્યાં પોલીસે સમય પૂરો થયાની બૂમ પાડી એટલે બંને હાથ છોડી અલગ થયા. સાકીરની આંખમાં ઉદાસી જોઇને રસીલી મનોમન ખુશ થઇ રહી હતી. સાકીરે તેની ધરપકડ માટે પોતાને જવાબદાર ગણી નથી એ જાણ્યા પછી તેના દિલમાં ખુશીની માત્રા સતત વધી રહી હતી.

સાકીરને મળીને રસીલી ડીવાયએસપી દેવરેને મળી. દેવરેએ કટાક્ષમાં પૂછ્યું:"મેડમ, તમારા દોસ્ત મજામાં છે ને..."

"એ તો તમે જાણો! તમારા મહેમાન છે!" હસીને રસીલી અવાજ ધીમો કરી બોલી:"લાંબા સમય સુધી એમને મહેમાન બનાવી રાખજો. બીજા પુરાવાની જરૂર હોય તો આપીશ..."

ડીવાયએસપી દેવરે રસીલીનો ઇશારો સમજી ગયા. "એની ચિંતા ના કરો મેડમ, પણ અમારું એક કામ કરજો... અમારા પોલીસ વિભાગની ડોનેશન ભેગું કરવા યોજાનારી એક મ્યુઝિકલ નાઇટમાં તમારું પેલું ભોજપુરી ગીત રજૂ કરવા જરૂર આવજો..."

"નેકી ઔર પૂછ પૂછ? તમે તારીખ અને સમય જણાવજો. હાજર થઇ જઇશ..હું નીકળું મારે શુટિંગમાં પહોંચવાનું છે...." બોલતી રસીલી ચાલવા લાગી.

"આવજો..." કહી દેવરે સાકીરને જામીન ના મળે એ માટે રીપોર્ટ તૈયાર કરવા લાગી ગયા.

રસીલી જેલની બહાર આવી અને કારમાં બેસી મોબાઇલ ચાલુ કર્યો. એ સાથે જ અનેક મિસકોલ દેખાયા. નંબર નવો હતો. તેણે ટ્રુકોલર પર જોયું તો કંઇ જ જાણવા ના મળ્યું. જે હશે તે ફરી કરશે. અત્યારે તો 'પતિ, પત્ની ઔર મોબાઇલ' ના છેલ્લા શુટિંગ શિડ્યુલમાં પહોંચવાનું છે. રસીલીએ મોં પર બાંધેલો દુપટ્ટો હટાવ્યા વગર કારને સ્ટુડિયો તરફ હંકારી મૂકી. તેણે સ્ટુડિયોના કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરી ત્યાં ફિલ્મનો સહાયક આવી પહોંચ્યો. અને તેને મેકઅપ રૂમમાં દોરી ગયો. મેકઅપ રૂમમાં પહોંચીને તે ખુરશી પર બેસી ગઇ. સહાયકે તેને આજના દ્રશ્યોની સ્ક્રિપ્ટ પકડાવી દીધી. મેકઅપમેન તેને તૈયાર કરવા લાગ્યો. થોડીવારમાં રસીલીને પરસેવો થવા લાગ્યો. તેણે પૂછ્યું તો ખબર પડી કે પાવર ન હોવાથી જનરેટર પર બધું ચાલી રહ્યું છે એટલે એસી બંધ રાખ્યું હતું. તેણે સહાયકને વિકલ્પ પૂછ્યો. તેણે અજ્ઞયકુમારની એસી વેનિટિ વાનમાં થોડો સમય આરામ કરવાની સલાહ આપી. રસીલીને થયું કે ખરેખર તો હીરોઇનોને વેનિટિ વાનની વધુ જરૂર હોય પણ હીરો જેટલી ફી હીરોઇનોને મળતી ન હોવાથી આવી વાન રાખવાનું પોસાય નહીં. એક-બે હીરોઇનોએ સમાન વેતનની ચળવલ ચલાવી હતી પણ એમને વધારે ફી મળવા લાગી એટલે વિરોધ બંધ કરી દીધો હતો.

રસીલી એસી વાનમાં પ્રવેશી ત્યારે અજ્ઞયકુમાર આરામ કરતો હતો. અંદર અંધારું હતું. બહારથી આવતા થોડા અજવાળામાં તેણે ધીમા પગલે આગળ વધીને લાઇટની સ્વીચ શોધવાનો પ્રયત્ન કર્યો. અને તે મેટ પર ઊંચી હિલ્સને લીધી ગબડી. તેનું નસીબ સારું હતું કે અજ્ઞયકુમાર પર જ પડી. કદાચ અજ્ઞયકુમારનું નસીબ સારું હતું! રસીલી પડતાં અજ્ઞયકુમાર ઝબકીને જાગી ગયો. પોતાના પર રસીલીને ફેલાયેલી જોઇ તે હસી પડ્યો. રસીલી તેને જોઇ જ રહી. અજ્ઞયકુમારની છાતી પર તેના ભરાવદાર સ્તન દબાયેલા હતા. માત્ર હાફપેન્ટ સાથે સૂતેલા અજ્ઞયકુમારના આખા શરીરમાં વીજળીની જેમ ઉત્તેજનાની એક લહેર ફરવા લાગી. તે બોલ્યો:"આ તો બગાસું ખાતાં પતાસું આવ્યા જેવું થયું!"

"તમને અત્યારે મજાક સૂઝે છે? મને વાગ્યું હોય તો?" રસીલી રોમેન્ટિક અંદાજમાં બોલી.

"અરે વાગ્યું તો મારા દિલ પર છે!" કહી અજ્ઞયકુમારે આંખ મારી.

રસીલીને અચાનક ખ્યાલ આવ્યો કે તેના નાજુક અંગોનો ભાર અજ્ઞયકુમારની છાતી પર છે. તેને અજ્ઞયકુમારની ઉઘાડી મર્દાના છાતીનો સ્પર્શ ગમી રહ્યો હતો. તે જાણે નાછૂટકે ઊભી થઇ અને અજ્ઞયકુમાર બેઠો થયો એટલે તેની બાજુમાં બેઠી.

આજે આ ફિલ્મના શુટિંગનો છેલ્લો દિવસ હતો. બંનેને જુદા પડવાનો રંજ હતો. છેલ્લા ઘણા મહિનાથી બંને પતિ-પત્નીની ભૂમિકામાં હતા. પણ જાણે સાચેસાચ દંપત્તિ હોય એવું જોડાણ થઇ ગયું હતું. તેનું કારણ બંનેએ પ્રેમના અને લડાઇના ઘણા દ્રશ્યો એકબીજા સાથે ભજવ્યા નહીં પણ જાણે જીવ્યા હતા. એમાં પ્રેમના –રોમાન્સના દ્રશ્યો બંનેની આંખ સામે તરી રહ્યા હતા. એક દ્રશ્ય તો રસીલી કદાચ જીવનભર ભૂલી નહીં શકે. અજ્ઞયકુમારે પ્રેમથી તેના ગાલ અને હોઠ પર બટકું ભરવાનું હતું. અને દાંત ના વાગી જાય એનું ધ્યાન રાખવાનું નિર્દેશકનું ખાસ સૂચન હતું. દ્રશ્ય શરૂ થયું અને અજ્ઞયકુમારે ઘરમાં આવી ઓફિસની બેગ સોફા પર ફેંકી સ્કર્ટ પહેરેલી રસીલીની અડધી ઉઘાડી કમરને બંને હાથથી પકડી તેના હોઠને ઉત્તેજનાથી ચૂમવાનો પ્રયત્ન કર્યો. રસીલીએ મોં ફેરવી લીધું. એટલે તેના ગોરા ગાલે હળવેથી ચુંબન કર્યું અને બટકું ભર્યું. પછી ધીમેથી મોંને રસીલીના ગુલાબી હોઠ પાસે લઇ ગયો ત્યારે રસીલી ફરી મોં ફેરવવા ગઇ એટલે દાંતથી તેના હોઠ પકડી લીધા. પણ તેનાથી રસીલીના કોમળ હોઠ પર સહેજ વધારે દાંત દબાઇ ગયા. અને રસીલીના હોઠ પર લોહીનું એક બુંદ ઉપસી આવ્યું. એ જોઇ અજ્ઞયકુમારને ચિંતા થઇ અને શું સૂઝ્યું કે લાગણીથી તેના હોઠને ચાટી લીધા. રસીલી શરમાઇને મેકઅપ રૂમમાં જતી રહી હતી. પછી એ દ્રશ્ય બાબતે અજ્ઞયકુમારે રસીલીને સોરી કહ્યું હતું. સાથે એમ પણ કહ્યું હતું કે એમાં મારો વાંક ના હતો! તારી કમનીય કમરને હાથમાં લેતાં જ કોણ જાણે ક્યાંથી એક્સાઇટમેન્ટ વધી ગયું હતું! ત્યારે રસીલીને કહેવાનું મન થયું હતું કે આ કમરના કામણથી જ પ્રકાશચંદ્રના પ્રેમનો બંધ તૂટી ગયો હતો. ભલભલા આ કમરના જાદૂથી બેકાબૂ બની ગયા છે. તેણે ક્યાંક વાંચ્યું હતું કે પહોળા નિતંબવાળી સ્ત્રીઓ તરફ પુરુષો વધુ આકર્ષાય છે. તે પોતાને ખુશનસીબ માની રહી.

બે પ્રેમીઓ વિખૂટા પડવાના હોય એવો માહોલ હતો. રસીલીનું માદક શરીર અને તેની અદા ઇજન આપી રહ્યા હતા. અજ્ઞયકુમારને થયું કે તે લાગણીના પૂરમાં તણાઇ જશે. તેણે તરત જ પોતાના પર કાબૂ મેળવ્યો અને લાઇટની સ્વીચ પાડી અહીં આવવાનું પ્રયોજન પૂછ્યું. રસીલીએ બધી વાત કરી એટલે તેણે તરત જ પોતાના સહાયકને બોલાવી રસીલીના મેકઅપનું કામ પોતાની એસી વાન્નમાં કરાવવા સૂચના આપી બહાર નીકળી ગયો. રસીલી એક અજીબ ખેંચાણ તેના તરફ અનુભવી રહી.

રસીલી વાનમાં તૈયાર થતી હતી ત્યારે મોબાઇલની રીંગ વાગી. જોયું તો એ જ નંબર હતો. તેણે ફોન રીસીવ કર્યો. સામેથી રીંકલ હોવાનું કહેવાયું ત્યારે રસીલી ચમકી. તેણે મેકઅપ મેનને બહાર જવાનો ઇશારો કર્યો. અને વાત શરૂ કરી.

રીંકલે રસીલી સાથે મુલાકાત માટે સમય માગ્યો. રસીલીને નવાઇ લાગી. રીંકલ ગંભીરતાથી વાત કરી રહી હતી. તે કોઇ મહત્વની વાત કરવા માગતી હોય એવું લાગ્યું. રસીલીને જાણવાની ઉત્કંઠા વધી ગઇ. તેણે કહ્યું કે પોતે આખું અઠવાડિયું બીઝી હોવાથી જે વાત કરવી હોય એ ફોન પર કરી દો. રીંકલ પહેલાં તો ખચકાઇ પણ પછી કહી જ દીધું:"રસીલી, મારા પતિને છોડી દે..."

"શું?" રસીલીએ નવાઇથી પૂછ્યું.

"હવે નાટક કરવાનું રહેવા દે. ફિલ્મમાં તું એની પત્ની હશે. અસલ જીવનમાં હું એની પત્ની છું. તારા આકર્ષણને લીધે એ મને છોડવા માગે છે. તેં અમારા દામ્પત્ય જીવનમાં આગ લગાવી છે. મિડિયામાં તમારા રોમાન્સની ચર્ચા વધી ગઇ છે. અને અજ્ઞયકુમાર હવે તારી સાથે લગ્ન કરવા માગે છે. મને છૂટી કરવા માગે છે. એક સ્ત્રી થઇને બીજી સ્ત્રીના લગ્નજીવનમાં ખલેલ પહોંચાડવાનું યોગ્ય નથી...." રીંકલનો સ્વર ઊંચો થઇ રહ્યો હતો.

રસીલીએ સહેજ વિચારીને કહ્યું:"અને અજ્ઞયકુમારને ના છોડું તો...."

"તો હું તને છોડીશ નહીં..." કહી રીંકલ ફોનમાં જ જાણે હાથાપાઇ પર ઊતરી આવતી હોય એમ બોલી.

રસીલીએ ફોન કટ કરી દીધો. તે થોડીવાર વિચારતી રહી. તેણે અજ્ઞયકુમારને ફોન કર્યો અને બોલાવ્યો.

"એ સાચું છે કે રીંકલને તમે છોડી રહ્યા છો?" રસીલીએ નવાઇથી પૂછ્યું.

"તો શું કરું? એ પત્નીના નામ પર બોજ છે. પ્રેમથી બોલતી નથી. જ્યારે ઘરે જાઉં ત્યારે શંકા અને ઝઘડા જ કરે છે. હું એની કેર કરવા માગું છું પણ તે કાળો કેર વર્તાવે છે. હવે વધારે સમય એની સાથે રહી શકાય એમ નથી. હું એને છૂટાછેડા આપી રહ્યો છું..." કહી અજ્ઞયકુમારે તેને બીજી ઘણી વાતો જણાવી.

રસીલીને અજ્ઞયકુમારનો નિર્ણય યોગ્ય લાગ્યો. તે મનોમન અજ્ઞયકુમારને ચાહવા લાગી હતી. એક પતિના રૂપમાં તે આદર્શ પુરુષ હતો. આ ફિલ્મી દુનિયામાં નસીબદાર સ્ત્રીને જ અજ્ઞયકુમાર જેવો પતિ મળે. પત્નીની જ નહીં તેની સાથે કામ કરતી દરેક સ્ત્રીની તે કેર અને કદર કરે છે.

રસીલી રાત્રે ઘરે પહોંચી. તેને યાદ આવ્યું કે માને સુજીતકુમારના બંગલામાંથી પોતાની સાથે લાવવી કે નહીં તેનો નિર્ણય હજુ કરવાનો બાકી હતો. તેની સાથે શાંતિથી બેસીને ઘણી વાત કરવાની હતી. અત્યારે અજ્ઞયકુમારે મન અને દિલ પર કબ્જો લઇ લીધો છે! અને તે અજ્ઞયકુમાર સાથેના પતિ-પત્ની તરીકેના દ્રશ્યો વાગોળી રહી હતી ત્યાં મોન્ટુનો ફોન આવ્યો.

"હાય મોન્ટુ!" કહી રસીલીએ બેડરૂમમાં કપડાં બદલતાં તેનો ફોન રીસીવ કર્યો.

"હાય! હું તમને મળવા માગું છું..." મોન્ટુના અવાજમાં કોઇ અજબ ઉત્સાહ હતો.

પોતાની ગોરી અનાવૃત કાયાના સેક્સી કર્વને અરીસામાં જોઇ રસીલી મનોમન બોલી:"રસુ, તારી આ કાતિલ જવાનીના ઘાયલોની સંખ્યા વધતી જાય છે!"

રસીલીએ કોઇ જવાબ ના આપ્યો એટલે મોન્ટુ જ બોલ્યો:"હું હમણાં તમારે ત્યાં આવી જઉં? મારે એક ખાસ વાત કરવી છે..."

"વાત તો તું ફોન ઉપર કરી શકે છે. મારે પણ તને મળવું તો છે. તને પોર્ન ફિલ્મ માટે કામ કરવા આવેલો જોઇ મને બહુ નવાઇ લાગી હતી..."

"એ બધું હું કહીશ. પણ બીજી એક વાત મારે તમને અત્યારે કહેવી છે...." મોન્ટુ વાત કહેવા ઉતાવળો થઇ રહ્યો હતો.

રસીલીને થયું કે એવી કઇ વાત હશે જે કહેવાની મોન્ટુને આટલી ઉતાવળ છે?

***

મિડિયામાં સમાચાર શરૂ થઇ ગયા હતા. અને ગોસિપ કોલમોમાં તેને બઢાવી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહ્યા હતા. "જાણીતા અભિનેતા અજ્ઞયકુમાર તેમની પત્ની રીંકલને છૂટાછૂડા આપી રહ્યા છે. સૂત્રોની વાત માનીએ તો અજ્ઞયકુમારના એડવોકેટે પત્ની રીંકલને છૂટાછેટા માટે નોટીસ મોકલાવી દીધી છે. જેના રીંકલ તરફથી આકરા પ્રત્યાઘાત સાંભળવા મળી રહ્યા છે. રીંકલે આ માટે અભિનેત્રી રસીલીને જવાબદાર માની છે. તેણે અમારા મહિલા પ્રતિનિધિને જણાવ્યું છે કે તેનો પતિ સીધોસાદો છે. તેને રસીલીએ પોતાની માયાજાળમાં સપડાવ્યો છે. તે અજ્ઞયકુમારને છૂટાછેડા આપવાની નથી. તે આ માટે કોર્ટમાં લડી લેશે. અને રસીલીને પોતાનું ઘર તોડવાના પ્રયત્નમાં સફળ થવા નહીં દે એમ પણ જણાવ્યું છે. અજ્ઞયકુમારે જ્યારથી રસીલી સાથે 'પતિ, પત્ની ઔર મોબાઇલ'માં કામ શરૂ કર્યું ત્યારથી તેનું નામ રસીલી સાથે જોડાઇ રહ્યું છે. અને ફિલ્મ પૂરી થતા સુધીમાં બંને પતિ-પત્ની તરીકે વર્તવા લાગ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. આગામી મહિને અજ્ઞયકુમારની આ વર્ષની આ ત્રીજી ફિલ્મ રજૂ થઇ રહી છે. તેની આઠ ફિલ્મો રૂ.૧૦૦ કરોડની અને બે ફિલ્મો રૂ.૨૦૦ કરોડની ક્લબમાં આવી ચૂકી છે. 'પતિ, પત્ની ઔર મોબાઇલ' ને પણ તગડું ઓપનિંગ મળવાની ટ્રેડ પંડિતોની આગાહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અનેક નવા વિક્રમ બનાવી શકે છે..."

ફિલ્મી વેબસાઇટો ઉપર પણ 'પતિ, પત્ની ઔર મોબાઇલ' ના હીરો અજ્ઞયકુમારના છૂટાછેડાની વાતો જ વધુ છવાયેલી હતી. પણ રીંકલનો વિરોધ રંગ લાવી રહ્યો હતો. તેણે નક્કી કર્યું હતું કે કોઇ કાળે તેના પતિને છીનવવા નહીં દે. તેણે મદદ માટે એક જણને ફોન કર્યો.

**

મિત્રો, મોન્ટુ રસીલીને કઇ વાત કહેવા ઉતાવળો બન્યો હતો? અજ્ઞયકુમારની પત્ની રીંકલે કોને અને શા માટે ફોન કર્યો ? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથે વાત છે. દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ-બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***