Lime light - 9 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ - ૯

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૯

પ્રકાશચંદ્રએ રસીલીને "લાઇમ લાઇટ" ના પ્રચારમાં પોતાના વિશે કંઇ પણ ના કહેવાની તાકીદ કરી એ રસીલીને યોગ્ય લાગ્યું હતું. એકમાત્ર પ્રકાશચંદ્રને જ તેના ભૂતકાળની ખબર હતી. ફિલ્મ લાઇનમાં રસીલીનું ભવિષ્ય ઉજજવળ બને એવું પ્રકાશચંદ્ર ઇચ્છતા હતા. પણ રસીલી પોતાના ભૂતકાળને ભૂલી શકવાની ન હતી. વળગાડની બીમારીની જેમ વારેઘડીએ ભૂતકાળ મનના વૃક્ષની એક ડાળી પર આવીને બેસતા પંખીની જેમ યાદ આવી જતો હતો. પ્રકાશચંદ્રના ગયા પછી ફરી તે જીવનના એ કાળમાં સરી પડી જ્યાંથી અહીં સુધીની નિસરણી બની હતી. હોસ્પિટલમાં અકસ્માતને કારણે ઘાયલ પિતા પાસે રાત્રે રોકાયેલી રસીલીને વોર્ડબોય રાઘવે બાજુની ખાલી રૂમમાં આરામ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. તે રૂમમાં આડી પડી કે તરત જ ઘસઘસાટ ઊંઘવા લાગી હતી. અચાનક પોતાના હાથ પર કોઇનો હાથ ફરતો હોવાનું તેણે અનુભવ્યું. ધીમેધીમે કોઇ તેનો હાથ હલાવતું હતું. તેની ઊંઘ ઊડી ગઇ. તેણે આંખો ખોલીને જોયું અને ચોંકીને બેઠી થઇ ગઇ. બાજુમાં રાઘવ બેઠો હતો. રસીલીએ ઓઢણીનો છેડો છાતી પર વીંટી લીધો. તે કબૂતરની જેમ ફફડવા લાગી. હજુ સૂરજ ઊગ્યો ન હતો. રૂમમાં અંધારું હતું. તે ચીસ પાડવા જતી હતી ત્યાં રાઘવે તેના મોં પર હાથ મૂકી કહ્યું:"ગભરાઇશ નહીં. હું તારી મદદ માટે આવ્યો છું..."

રસીલીને પહેલાં તો વિશ્વાસ જ ના બેઠો. તે ગભરાઇ ગઇ હતી. એકલી અને યુવાન છોકરીનો લાભ લેવા રાઘવ આવ્યો હોવાની શંકા ઊભી થઇ હતી. પણ રાઘવે તેની શંકા દૂર કરવા તરત જ દૂર ખસી ખુરશી પર બેસતાં કહ્યું:"હું તને કામ આપવા આવ્યો હતો. મેં તમારી ગરીબી વિશે જાણ્યું છે. તારા કાકાએ સોનાની બંગડી ગિરવે મૂકી તારા પિતાનું ઓપરેશન કરાવ્યું છે. અને હજુ બીજું ઓપરેશન કરવાનું છે. આ હોસ્પિટલનો ખર્ચ પણ ચુકવવાનો થશે. હું સમજી શકું છું કે એ તારા માટે મુશ્કેલ બનશે. હું તને વધારે પૈસા મળે એવું કામ અપાવી શકું છું....જો તું તૈયાર હોય તો...અત્યારે કોઇ નથી એટલે તને એ વિશે જણાવવા જ આવ્યો છું..."

રસીલીને હવે રાઘવ પર વિશ્વાસ બેઠો. તે કોઇ અડપલું કરી રહ્યો ન હતો. તેને જગાડવા હાથ લગાવ્યો હતો. રસીલીનો જીવ હેઠો બેઠો. તે તનમનથી સ્વસ્થ થઇ બોલી:"પણ કામ શું કરવાનું રહેશે?"

"તારી પાસે કઇ લાયકાત છે?" રાઘવે પૂછ્યું.

"હં..." રસીલીને સમજાયું નહીં.

"તું વધારે ભણેલી છે? ના. તારી પાસે કોઇ ડીગ્રી છે? ના. તું કોઇ કામમાં નિપુણ છે? ના. કોઇ કામનો અનુભવ છે? ના. તેમ છતાં તારી પાસે મારા કામ માટે બધી જ લાયકાત છે બોલ!" કહી પોતાના જ પ્રશ્નોના જવાબા આપી રાઘવ ફુલાઇને હસવા લાગ્યો.

રાઘવે "લાયકાત" શબ્દ પર ભાર મૂક્યો હતો. રસીલી બાઘી બનીને તેને જોઇ રહી.

"જો, હમણાં કોઇ આવી જશે. આ ફોન નંબર રાખી લે...આ શહેરમાં જ એ રહે છે..." કહી તેણે ખિસ્સામાંથી એક ચબરખી કાઢી તેના હાથમાં પકડાવી દીધી.

રસીલીએ વાંચ્યું તો ભારતીબેન નામ સાથે એક મોબાઇલ નંબર લખ્યો હતો.

રસીલીએ જાણે કંઇક સમજાયું હોય એમ કહ્યું:"ઓહ! પાપડ વણવાનું કે એવું કોઇ ગૃહઉદ્યોગનું કામ કરવાનું છે?"

રાઘવ હસી પડ્યો:"તારે પાપડ વણવાની જરૂર નથી. અને પાપડ વણીને આ હોસ્પિટલના પૈસા ચૂકવીશ તો અડધી ઘરડી થઇ જઇશ. પછી આ જુવાની શું કામની?"

રસીલીને હવે રાઘવની વાતનો અંદાજ આવી ગયો હતો. તે મનોમન સાવધ થઇ ગઇ. અને ડર સાથે બોલી:"મતલબ...?"

"અરે! તું સમજતી જ નથી. વગર અનુભવનો ધંધો છે. તારી પાસે આ છલકાતી જવાની છે એનો ઉપયોગ કરવાનો છે. બે કલાકના બારસો મળી જશે. અને જો તું ચાલી ગઇ તો ભારતીબેન તને એક રાતના પાંચ હજાર અપાવશે. બોનસ તો જુદું...!"

"જો ભાઇ, મારે આ ધંધો કરવો નથી. અને આવી વાત કરતાં તમને શરમ આવવી જોઇએ..."

"લે! સામે ચાલીને કમાવાની વાત લઇને આવ્યો અને આવું કહે છે? કેટલીય છોકરીઓની જિંદગી મેં બનાવી દીધી છે...." કહી પોતાના પર પોરસાતા રાઘવે રૂમની બારી અને દરવાજા તરફ જોઇ કોઇ જોતું નથી એવી ખાતરી કરી હોય એમ ધીમા સ્વરે બોલ્યો:"આ હોસ્પિટલની બે નર્સ પણ ભારતીબેનને ત્યાં જાય છે. આજે એ કેવા ઠાઠથી રહે છે. એના પરિવારના માથા પર દેવું હતું એ બધું ઉતરી ગયું છે. તું પણ તારા પર આ જવાની ચઢી રહી છે ત્યારે જ કામ કરી લે. તારા ઠેકાણે તો ચાહકોના ઉતારા વધી જશે...."

રસીલી જાણતી હતી કે તેનું રૂપ જોઇ કોઇપણ પુરુષ તેની સામે પાણી ભરે એમ હતો. તેને પામવા અત્યાર સુધી ન જાણે કેટલા પુરુષો પાછળ પડ્યા હતા. એ બધાંથી સિફતપૂર્વક તેણે જાતને બચાવી હતી. રાઘવ પણ તેના રૂપથી અંજાઇને આમ કહી રહ્યો હતો. તેને કમિશન મળતું હશે.

"જો ભાઇ! હું આ વાતમાં પડવા માગતી નથી. મહેનત-મજૂરી કરીને હું થાય એટલું કમાઇશ પણ આ અંધારી દુનિયામાં પડવા માગતી નથી...." કહી રસીલીએ બારી બહાર નજર નાખી. પૂર્વમાં સૂરજ ઊગી રહ્યો હતો. તેના કોમળ કિરણો રૂમના અંધકારને ગાયબ કરી રહ્યા હતા.

"જેવી તારી મરજી. પણ આ નંબર રાખી મૂકજે. ક્યારેક કામ આવી શકે...." કહી રાઘવ નિરાશ થઇને બહાર નીકળી ગયો.

રસીલીનું મગજ કામ કરતું ન હતું. માંડ ત્રણ કલાકની ઊંઘ થઇ હતી. તેણે કપડાં ઠીક કર્યા અને મોઢું ધોઇ તાજગી અનુભવતી પિતા સૂતા હતા ત્યાં ગઇ.

તે જશવંતભાઇના ખાટલાની બાજુમાં ખુરશી પર બેસી ગઇ. થોડીવારમાં પિતાનું શરીર સળવળ્યું. અને તેમના મોંમાંથી ઊંહકારો નીકળી ગયો. પગ જરાક હાલ્યો અને પીડા થઇ. તેમનો હાથ પગ ઉપર ગયો. અને જાણે પગની પીડાને પકડી રહ્યા. આંખ ખોલી અને સામે બેઠેલી દીકરી રસીલીને જોઇ બોલ્યા:"હું ક્યાં છું બેટા?"

"પપ્પા, તમે હોસ્પિટલના ખાટલામાં છો. રાતે તમને કોઇ ટ્રકવાળો ટક્કર મારી ગયો હતો. ઘાયલ હાલતમાં રાજુભાઇ સારવાર માટે અહીં લઇ આવ્યા હતા..."

"ઓહ..." જશવંતભાઇને પરિસ્થિતિનું ભાન થયું અને તેમના ચહેરા પર ગભરામણ વધી ગઇ. રસીલી હવે તેમને વઢવાની હતી એનો ડર વધુ હતો.

"આ તમારા પીવાની આદતે આખું ઘર બરબાદ કર્યું છે...."

"મને બચાવી લે રસીલી..."

"તમારે બીજાનું જીવન બરબાદ કરવું છે અને પછી એને કહેવું છે કે મારું જીવન બચાવી લે. તમારે શોખથી દારૂ પીને મજા કરવાની અને અમારે ગમ પીને જીવવાનું. આ ક્યાંનો ન્યાય છે? મા, તમને કહી કહીને મરી ગઇ... સાચું કહું તો તમને છોડીને જીવી ગઇ... તમારી જોડે રહી હોત તો એ વહેલી મરી ગઇ હોત...."

"હવે છોડી દઇશ દારૂને..."

"તમે તો ઘણી વખત આવી રીતે છોડી દીધો હોવાનું કહ્યું છે. શું દારૂ તમને છોડતો નથી?"

"મને માફ કરી દે રસીલી, હું વચન આપું છું..."

"મારી માને પણ તમે લગ્ન વખતે વચન આપ્યા હતા એ ક્યાં પૂરા કર્યા? તમારી આમદની તો આઠ આની પણ નથી અને ખર્ચો રૂપિયાનો છે. હું જ મૂરખી છું કે તમને નભાવી રહી છું. હવે આ હોસ્પિટલનો ખર્ચ કોણ ચૂકવશે? તમને ખબર છે? રાજુભાઇએ ભાગીરથીકાકીની સોનાની બંગડી અહીં ગિરવે મૂકીને તમારો જીવ બચાવ્યો છે... હવે બાકીના પૈસા ક્યાંથી લાવીશું?"

"તું જ બોલને..."

"આપણી પાસે તો સોનું કહેવા પૂરતું પણ નથી. હવે એક જ રસ્તો છે. આપણું ઘર ગિરવે મૂકવું પડશે..."

"હેં? પણ? હં..."

"શું આમ ગાંડા કાઢો છો? ઘરના કાગળ ક્યાં મૂક્યા છે એ કહો તો આજે જ રાજુભાઇને કહી પૈસાની વ્યવસ્થા કરીએ. તો જ તમારું પગનું ઓપરેશન થશે. નહીંતર દારૂ પીને લથડતા આ પગથી હવે ચાલી પણ નહીં શકો..." રસીલીએ પિતા સમક્ષ કરુણ વાસ્તવિક્તા રજૂ કરી દીધી.

"ઘર? ઘર તો ગિરવે જ છે..."

"શું.....?" રસીલીનો અવાજ ફાટી ગયો. તેને રાઘવે આપેલો ભારતીબેનનો મોબાઇલ નંબર દેખાવા લાગ્યો.

એ જ સમયે રૂમમાં પ્રવેશતા રાજુભાઇના પગ જશવંતભાઇની વાત સાંભળી જમીન પર ચોંટી ગયા.

***

"લાઇમ લાઇટ" નું ટ્રેલર લોન્ચ કરવાની તારીખ જાહેર થઇ ગઇ હતી. પ્રકાશચંદ્ર ઉત્સાહમાં હતા. કામિની છેલ્લા એક સપ્તાહથી પ્રકાશચંદ્રનું અવલોકન કરી રહી હતી. તે ઘણા ખુશ દેખાતા હતા. જાણે ફરી યુવાની ફૂટી રહી હોય એમ એ રંગમાં દેખાતા હતા. પણ પોતાનાથી જે દૂરી હતી એમાં એટલું જ અંતર હતું. તેમના શરીરમાં થનગનાટ વધી ગયો હતો. થોડા દિવસમાં તેમનામાં આવેલું પરિવર્તન કામિનીને લગ્નજીવનના પરમ આનંદ માટે આશા જગાવી રહ્યું હતું. તે પ્રકાશચંદ્રને આકર્ષવાનો અને પોતાની સાથે સાથ માણવાનો પ્રયત્ન વર્ષોથી કરી રહી હતી. પણ સફળતા મળી રહી ન હતી. કામિનીને સમજાતું ન હતું કે પ્રકાશચંદ્રને હજુ તેના શરીરમાં રસ કેમ પડતો ન હતો. કામિનીને ખુશી એ વાતની હતી કે "લાઇમ લાઇટ" કોઇને કોઇ કારણે ચર્ચામાં રહેતી હોવાથી તેની સફળતાની શક્યતા વધી ગઇ હતી. પોતે પણ ફિલ્મ માટે કરેલી મહેનત ફળે એવી પ્રાર્થના કરતી હતી. પ્રકાશચંદ્રએ પોતાની બધી મૂડી આ ફિલ્મ પાછળ લગાવી દીધી હતી તો પોતે પણ જોખમી દાવ ખેલ્યો હતો. તે એમની ચિંતા સમજી શકતી હતી.

અને ટ્રેલર લોન્ચ કરવાનો એ દિવસ આવી ગયો. પ્રકાશચંદ્રનું બજેટ ઓછું હતું એટલે તેમણે મુંબઇનું એક મલ્ટિપ્લેક્ષ પસંદ કર્યું હતું. તેમાં ચાલતી અજ્ઞયકુમારની એક ફિલ્મ દરમ્યાન ઇન્ટરવલમાં ટ્રેલર લોન્ચ કરવાના હતા. તેનું કારણ એ હતું કે પબ્લિકને શોધવાની જરૂર પડવાની ન હતી. તેમણે "લાઇમ લાઇટ" ના હીરો મોન્ટુ અને બીજા બે કલાકારને આમંત્રણ આપ્યું હતું.

મલ્ટિપ્લેક્ષમાં જેવો ઇન્ટરવલ પડ્યો કે ફટાફટ "લાઇમ લાઇટ" નો સ્ટાફ આવી ગયો. પ્રકાશચંદ્રએ ઉત્સાહથી બધાને આવકાર આપ્યો. અને સૌપ્રથમ રસીલીને બોલાવી. રસીલીએ જ્યારે સ્ટેજ પર એન્ટ્રી મારી ત્યારે આખો હોલ સીટીઓથી ગુંજી ઊઠ્યો. તેની કાતિલ અદાઓ કોઇને પણ ઘાયલ કરે એવી હતી. ચણિયા ચોળીમાંથી છલકાતું જોબન, તેની લટક-મટક ચાલ, ચોળીમાંથી ડોકિયાં કરતાં ભરાવદાર ઉભારની હલચલ અને ચહેરા પરના લાલચટક હોઠનું સ્મિત જોઇ ઘણા પુરુષ દર્શકોના મોંમાંથી સીસકારા નીકળી ગયા. ઘણા ઉન્માદમાં નાચવા લાગ્યા. અને "રસીલી...રસીલી..." ની બૂમો પડવા લાગી. લોકોનો ઉત્સાહ જોતાં પ્રકાશચંદ્ર જોશમાં આવી ગયા. ત્યાં એક ખુણામાંથી "રસીલી....રસીલી...." ની સાથે "રસુ...રસુ..." ની બૂમ પણ ભળી. એ સાંભળી રસીલીએ એ તરફ અછડતી નજર નાખી. અને તે ચોંકી ગઇ.

વધુ આવતા શનિવારે ૧૦ મા પ્રકરણમાં...

***

"લાઇમ લાઇટ" ના ટ્રેલર લોન્ચિગમાં "રસુ" નામની બૂમથી રસીલી કેમ ચોંકી ગઇ? એ કોઇ સામાન્ય દર્શક હતો કે બીજું કોઇ? પિતાએ ઘરને ગિરવે મૂકી દીધું હોવાથી રસીલી પૈસા માટે શું કરશે? સાકીર ખાનને શરીર સોંપીને ફિલ્મ મેળવનાર સ્ટાર કિડ ધારાને આ ભૂલ કેટલી મોંઘી પડશે? સાકીર ખાન પ્રકાશચંદ્રના ડાયરેક્શનમાં કામ કરવા તૈયાર થયો એની પાછળ કયા બે કારણ હતા? "લાઇમ લાઇટ" નું ટ્રેલર લોન્ચ કર્યા પછી પ્રકાશચંદ્ર પર કઇ મુસીબત આવવાની છે? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પ્રકાશચંદ્ર સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો છે જે તમને આગળના પ્રકરણમાં ચોંકાવી દેશે. એ બધા જ સવાલ અને તેના રહસ્યના ઉદઘાટન માટે "લાઇમ લાઇટ" ના હવે પછીનાં રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં. અને રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવી ગમશે. તેના માટેનો આપનો પ્રેમ સતત વધી રહ્યો છે. તેના માતૃભારતી પરના ૧.૭ લાખથી વધુ ડાઉનલોડ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક સ્વરૂપવાન છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે અને રાજીબહેનને માત આપે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે. "રેડલાઇટ બંગલો" વાંચીને આપનું રેટીંગ જરૂરથી આપશો. એ ઉપરાંત મારી લઘુનવલ "આંધળોપ્રેમ" અને ટૂંકી વાર્તાઓ પણ માતૃભારતી પર વાંચી શકશો.

બીજા રસપ્રદ વિકલ્પો