લાઇમ લાઇટ ૫ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઇમ લાઇટ ૫

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૫

રસીલી પ્રકાશચન્દ્રની ઘણીવાર સુધી રાહ જોયા પછી એકલી બેઠી હતી. તે ભૂતકાળમાં સરવા લાગી. એક નાનકડા ગામમાં જન્મેલી રસીલીની મા સુનિતા તે તેર વર્ષની હતી ત્યારે જ ઘર છોડીને જતી રહી હતી. પિતા જશવંતભાઇ દારૂના રવાડે ચઢી ગયા પછી તેને કામ કરવા મોકલતા હતા અને પૈસા માટે મારઝૂડ કરતા હતા. દસ વર્ષની રસીલી માની વેદના સમજતી હતી. પણ કંઇ બોલી શકે એમ ન હતી. સુંદર અને ઘાટીલા શરીરવાળી મા ધીમે ધીમે ફિક્કી પડી રહી હતી. એક દિવસ સુનિતા તક મેળવીને ભાગી ગઇ હતી. તે કોઇની જોડે ભાગી ગઇ હતી એ આખું ગામ જાણતું હતું. પણ જશવંત એવું જ કહેતો હતો કે તે ખોવાઇ ગઇ છે. હવે ઘરની બધી જવાબદારી એકમાત્ર પુત્રી રસીલી પર આવી ગઇ હતી. સુનિતા ગયા પછી જશવંતને તકલીફ પડવા લાગી. તેણે થોડા દિવસો તો ઉધાર કે ચોરીચપાટીથી પોતાના દારૂની વ્યવસ્થા કરી લીધી પણ તેને ખ્યાલ આવી ગયો કે હવે કામે ગયા વગર તેનું પેટ ભરાશે નહીં અને તરસ પણ બુઝાશે નહીં. કામ કરવું હવે તેના માટે મુશ્કેલ હતું. શરીરમાં આળસ ઘૂસી ગઇ હતી. હવે તેના માટે રસીલી જ સહારો બને એમ હતી. જશવંતે રસીલીને સ્કૂલમાંથી ઉઠાડી લીધી અને તેના માટે મજૂરીકામ શોધી કાઢ્યું. રસીલી પિતાનો વિરોધ કરી શકે એમ ન હતી. મન મારીને તે કામે જવા લાગી. તેને ખબર ન હતી કે યુવાનીના ઉંબરે તેણે કઇ સમસ્યાનો સામનો કરવો પડશે. મકાન્ બનાવવાના કામે રેતી ઉંચકવાનું કામ કરતી રસીલીની ચઢતી જવાની ઉપર સાથે આવતા પુરુષ કામદારોની જ નહીં ઠેકેદારની નજર પણ ફરવા લાગી. રસીલીના શરીરે સારું કાઢું કાઢ્યું હતું. ચૌદ વર્ષે જ નશાથી છલકાતા જામ જેવી રસીલી હતી. તેને લલચાવવા ફોસલાવવા કામદારો અને ઠેકેદાર પ્રયત્ન કરવા લાગ્યા હતા. રસીલીએ પણ તેમની કામલોલુપતાનો ફાયદો લેવાનું શરું કરી દીધું હતું. તે બધાં જોડે હસીને વાત કરવા લાગી. એ બધા 'લડકી હંસી તો ફસી' જ માનતા હતા. પણ રસીલી ઉસ્તાદ હતી. તે પોતાની કાયાથી ઇજન આપતી હતી. ક્યારેક જરાતરા સ્પર્શી લેવા દેતી હતી પણ શરીર સોંપતી ન હતી. પુરુષો તેનો સુંવાળો સાથ મળવાની લાલચમાં તેને ભેટસોગાદ આપવા લાગ્યા. શહેરથી આવતો ઠેકેદાર તો ક્યારેક હાથમાં આવશે એવી ગણતરી સાથે બેગણો પગાર આપતો હતો. રસીલીને જ્યારે લાગતું કે હવે કોઇ તેના પર જબરદસ્તી હાથ નાખશે એટલે તે કામ પર જવાનું જ બંધ કરી દેતી અને પિતાને કહેતી કે ત્યાં ફાવતું નથી. એટલે જશવંત પોતાના દારૂડિયા દોસ્તારોની મદદથી બીજી કોઇ જગ્યાએ તેને નોકરીએ કે કામે લગાવી દેતા. અને પેલા લોકો હાથ ઘસતા રહી જતા. રસીલીએ આમ કરીને બે વર્ષ પૂરાં કર્યા. તે ષોડસી બની હતી. યૌવનની વસંત બેસી ગઇ હતી. હવે તેનું રૂપ વધારે ખીલ્યું હતું. જશવંતને આસપાસના ગામોમાંથી રસીલી માટે માંગા આવવા લાગ્યા હતા. કેટલાક યુવાનો તો તેને જોઇ પણ ગયા હતા. રસીલી આનાકાની કરતી હતી. તેને ખબર હતી કે લાંબો સમય તે ના પાડી શકવાની ન હતી. જશવંતને રસીલીના લગ્ન કરાવવામાં રસ ન હતો. તે પરણીને જતી રહે તો તેણે ભૂખે મરવાનો વારો આવે એમ હતું. તે દારૂના નશામાં કોઇ યોજના વિચારવા લાગ્યો હતો. તે દૂધ અને દહીં બંનેમાં પગ રહે એવું વિચારતો હતો. રસીલી તેના માટે સોનાની મરઘી હતી.

એક દિવસ રસીલી ઘરમાં કપડાં બદલતી હતી અને રાત્રે દરવાજા પર ટકોરા પડયા. પિતા તો દારૂની મહેફિલ જમાવીને વહેલી સવારે આવતા હતા. અત્યારે કોણ હશે? દરવાજો ખોલવો કે નહીં? રસીલી એમ વિચારતી હતી અને દરવાજા પર ટકોરા સતત વધતા જતા હતા.

જોરજોરથી દરવાજાની કડી ખખડી રહી હતી. ક્યાંકથી "રસીલી....રસીલી...." નો અવાજ આવી રહ્યો હતો. રસીલી અચાનક તંદ્રામાંથી જાગી. આ તો પ્રકાશચન્દ્રજીનો અવાજ છે. તે ફ્લેશબેકમાંથી બહાર આવી. તેને નવાઇ લાગી. તે પ્રકાશચન્દ્રજીના ફોનની રાહ જોતી હતી અને એ જાતે આવી પહોંચ્યા હતા. આ ફ્લેટ બતાવવા આવ્યા પછી તે ક્યારેય આવ્યા નથી. આજે અચાનક તેમને પોતાના બારણે જોઇ તે ખુશ થઇ ગઇ. રસીલીએ તરત જ દરવાજો ખોલ્યો અને આવકાર આપ્યો. પ્રકાશચન્દ્રને પણ કલ્પના ન હતી કે તે રસીલીને મળવા જશે. ઘરેથી તે કામિનીને ફિલ્મના કામે જવાનું કહીને નીકળ્યા હતા. રસીલીનો ફોન આવ્યો ત્યારે રોંગ નંબર કહી વાત કરી ન હતી એ યાદ આવ્યું અને તેમની કાર એકાએક રસીલીના ઘર તરફ વળી ગઇ હતી. તે પોતાની હીરોઇન રસીલીને ત્યાં ફિલ્મ "લાઇમલાઇટ" ની ચર્ચા કરવા આવ્યા હતા. એ કારણ સાચું હતું કે નહીં એ પ્રકાશચંદ્રને જ સમજાતું ન હતું.

પ્રકાશચન્દ્રએ પહેલો સવાલ કર્યો:" સોરી! હું તારી સાથે વાત કરી શક્યો ન હતો. અહીં બરાબર ફાવે છે ને?"

રસીલીએ હસીને કહ્યું:"વાંધો નહીં. એક નાનકડી ખોલીમાં રહી ચૂકી છું એટલે આ ઘર તો ઘણું મોટું – તમારા દિલ જેવું લાગે છે!"

પ્રકાશચન્દ્ર કહે,"આ તો તારો હક છે. તેં ફિલ્મ માટે મહેનત કરી છે. આ ફિલ્મ ચાલશે તો તારી તો લાઇફ બની જ જશે અને મારી કારકિર્દી પણ આગળ વધી શકશે. અત્યારે ફિલ્મને જે રીતે હાઇપ મળી રહી છે એ પરથી તો બોક્સ ઓફિસ પર ચાલશે એવી આશા છે..."

"તમારી મહેનત જરૂર ફળશે...પણ પેલો... ફોટો બબાલ ઊભી કરી રહ્યો છે..." રસીલીએ ફોટાની વાત કાઢીને પ્રકાશચન્દ્રનો મત જાણવાનો પ્રયાસ કર્યો.

"હા, ખબર નથી પડતી કે એ ફોટો બહાર કેવી રીતે આવ્યો? ચુંબનના એ દ્રશ્યના શુટિંગ વખતે ઘણા મેમ્બર હતા એટલે કોણ હશે એ કહેવું મુશ્કેલ છે. સારું છે કે એમાં તારો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી...."

"મને તો તમારી ચિંતા હતી. કામિનીને એ નહીં ગમ્યું હોય..."

"ના ના, કામિની પણ હીરોઇન રહી ચૂકી છે. તેણે સહજતાથી વાતને લીધી છે. અને સાગર હવે પ્રચારનો નવો મુદ્દો મુકશે એટલે એ ચુંબન જલદી ભૂલાઇ જશે...."

"દુનિયા ભૂલી જશે પણ મારાથી નહીં ભૂલાય..." કહી રસીલી પ્રકાશચન્દ્રને ભેટી પડી.

પ્રકાશચન્દ્રના શરીરમાં ઉત્તેજનાની એક લહેર દોડી ગઇ. તેમને થયું કે તે પણ એવું જ કહી દે. પણ તે બોલી શક્યા નહીં. તેમને હજુ રસીલીના હોઠની મધુરસ જેવી ભીનાશ યાદ હતી. એ કારણે જ તો તે અહીં સુધી ખેંચાઇ આવ્યા હતા ને? તેમનું મન પ્રશ્ન કરી રહ્યું. તે કંઇ વિચારે એ પહેલાં તેણે પોતાના નાજુક રસીલા હોઠ પ્રકાશચન્દ્રના હોઠ પર મૂકી દીધા. પ્રકાશચન્દ્રને સમજાયું નહીં કે તે કેવો પ્રતિસાદ આપે. રસીલીના હોઠ ચિનગારી હતા. તેમના તનબદનમાં આગ લાગવાની શરૂઆત થઇ ચૂકી હતી. દૂર સાગર ઘૂઘવતો હતો. શાંત સાગરમાં અચાનક ભરતી આવે અને મોજાં ઉછળવા લાગે એમ તેમના શરીરમાં લોહી વેગથી ફરવા લાગ્યું. અનાયાસ તેમના હાથ રસીલીની કમર પર પહોંચી ગયા. રસીલીનો સાડીનો છેડો સરકી ગયો. ધીમે ધીમે પ્રકાશચન્દ્રના હાથ રસીલીના ગોરા લીસ્સા બદન પર ફરવા લાગ્યા. ક્યારે બટન, ક્લિપ, લેસ, ચેઇન ખુલતા ગયા અને વસ્ત્રોના આવરણ હઠી ગયા તેનો પ્રકાશચન્દ્રને ખ્યાલ જ ના રહ્યો. તે પ્રેમના વરસાદમાં ભીંજાતા રહ્યા. સાગર કિનારે હિંચકામાં બેસીને હિલોળા લેતા હોય એમ આનંદ લેતા રહ્યા. ન જાણે કેટલો સમય વીતી ગયો. પ્રકાશચન્દ્ર જ્યારે હોશમાં આવ્યા ત્યારે બહાર રાત થાકીને લોથપોથ થઇ જાણે સૂતી હતી. તે રંગીન સપનામાંથી જાગ્યા હોય એમ જોવા લાગ્યા. રસીલીનો સંગેમરમરની મૂર્તિ જેવો અનાવૃત દેહ તેમની આંખોમાંથી હટતો ન હતો. પોતે આ શું કર્યું? એવો પ્રશ્ન તેમના મનમાં થયો અને તે ચમકી ગયા. તેમને પોતાની બીમારી યાદ આવી ગઇ.

***

સાકીર ખાનને રસીલી સાથે ફિલ્મ કરવાની ચટપટી વધી ગઇ હતી. સાકીરે આટલા વર્ષોમાં ઘણી નવી અને પરિપકવ અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. ઘણી હીરોઇનોએ તેના બેડરૂમના રસ્તે તેની સાથેની ફિલ્મમાં સ્થાન મેળવ્યું હતું. પણ રસીલીની એક ઝલકથી તે તેના પર મોહિત થઇ ગયો હતો. તેની ફિલ્મો ફ્લોપ થઇ રહી હતી. તે કોઇ તિકડમ ચલાવવા માગતો હતો. રસીલી બધી રીતે એ માટે અનુકૂળ હતી. તેની એકપણ ફિલ્મ રજૂ થાય એ પહેલાં તેને સાઇન કરવાથી તેના પર લોકોનું ધ્યાન વધી જશે. મારા જેવા સુપરસ્ટાર સાથે તે કામ કરવા તરત જ તૈયાર થઇ જશે. તેણે કલ્પના પણ કરી નહીં હોય કે સાવ નવા હીરો સાથે કારકિર્દી શરૂ થાય એ પહેલાં મોટા સ્ટાર સાથે ફિલ્મની ઓફર મળશે. પરિપકવ યુવતી જેવી દેખાતી રસીલી સાથે એક અલગ પ્રકારની રોમેન્ટિક ફિલ્મથી દર્શકોનું ધ્યાન વધારે ખેંચી શકાશે. અને તેની સાથે શુટિંગ વખતે રોમાન્સ કરવા મળશે એ નફામાં. પછી તેના રોમરોમમાં વસી શકાશે. સાકીર મીઠી મધુર કલ્પનાઓમાં ખોવાઇ રહ્યો હતો. સાકીરને થયું કે રસીલી અત્યારથી જ તેની રાતોની નીંદ ખરાબ કરવા લાગી છે. તેને વહેલી તકે સાઇન કરીને શુટિંગ શરૂ કરી દેવું જોઇએ. સાકીર ખાને સેક્રેટરી આલોકને ફોન લગાવ્યો. અને સીધો જ સવાલ પૂછ્યો:"આલોક, રસીલી સાથેની ફિલ્મનું શું થયું?"

"સર, પહેલાં આપણી તારીખો જોવી પડશે.."

"એની કોઇ જરૂર નથી. એક શિફ્ટ વધારે કરીશ..."

"પણ સર સ્ટાર કિડ ધારા સાથેની તમારી ફિલ્મ ફલોર પર જઇ રહી છે એની તારીખો પણ જોવી પડશે ને?"

"ધારા સાથેની ફિલ્મ હમણાં અટકાવી દે....આ મુકામ પર રસીલી સાથેની ફિલ્મ પહેલાં કરવી પડશે. માર્કેટમાં વેલ્યુ વધારવી પડશે."

"પણ..."

"આલોક હું કહું છું એમ કર..."

સાકીર ખાનના અવાજમાં હવે ગુસ્સો ભળી ચૂક્યો હતો. આલોક પરિસ્થિતિ પામી ગયો.

"જી સર, હું રસીલીનો સંપર્ક કરું છું..."

"ગુડ! મને આજે જ રીપોર્ટ આપ..."

"જી, સર."

આલોકે પોતાની ઓળખાણનો ઉપયોગ કરી જોયો પણ રસીલીનો સંપર્ક નંબર તેને મળ્યો નહીં. તેની ચિંતા વધી ગઇ. અચાનક તેને ખ્યાલ આવ્યો કે "લાઇમ લાઇટ" ના ડાયરેક્ટર પ્રકાશચંદ્ર પાસે રસીલીનો નંબર હશે. તેણે પ્રકાશચંદ્રને ફોન લગાવ્યો.

"સર, હું સાકીર ખાનનો સેક્રેટરી બોલું છું..."

"હા, બોલો..."

"વાત એમ છે કે મારે રસીલી મેડમનો નંબર જોઇએ છે...."

"શું કામ છે?"

"અમારા સાહેબ વાત કરવા માગે છે."

"કારણ તો હશે ને ભાઇ?"

"જી, તેઓ રસીલી મેડમ સાથે એક ફિલ્મ કરવા માગે છે."

"એ માટે રસીલી સાથે વાત કરવાની જરૂર નથી..."

પ્રકાશચંદ્રની વાતથી આલોકને નવાઇ લાગી. "તો પછી એમના સેક્રેટરીનો નંબર આપો."

"રસીલીનો કોઇ સેક્રેટરી નથી."

"તો પછી..."

"મારી સાથે જ વાત કરવી પડશે..."

આલોક ચમકી ગયો. પ્રકાશચંદ્રએ આગળ કહ્યું:"રસીલીનો મારી સાથે કરાર છે. મારી સાથે ત્રણ ફિલ્મો કર્યા પછી જ તે બહારની ફિલ્મ સ્વીકારી શકશે..."

"ઓહ.." આલોક ગભરાયો. સાકીર ખાનને જવાબ આપવાનું મુશ્કેલ બની શકે છે. તેણે ફરી પ્રયત્ન કર્યો:"સર, સાકીર ખાન સાથે ફિલ્મ કરવાથી મેડમનો ફાયદો થશે. આવી તક તેને ફરી મળે ના મળે..."

"રસીલી સાકીરની ફિલ્મ કરી શકે છે... પણ એક શરત છે..."

પ્રકાશચંદ્રની વાત સાંભળી આલોક ગૂંચવાયો.

***

પ્રકાશચંદ્ર રસીલીનો સાથ માણ્યા પછી કેમ ચમકી ગયા? તેમને કઇ બીમારી હતી? પ્રકાશચંદ્ર રસીલી સાથે કામ કરવા સાકીર સમક્ષ કઇ શરત મૂકશે? કામિનીએ રાજીવ ગોયલ પાસે એકલી જઇને ભૂલ કરી છે કે યોગ્ય કર્યું છે? ટ્રેલર લોન્ચ કર્યા પછી કઇ મુસીબત આવવાની છે? રસીલીના જીવનના કયા પહેલું વિશે જાણીને બધા ચોંકી જશે? શું સ્ટાર કિડ ધારા રસીલીને સાકીરની ફિલ્મ નહીં કરવા દે? એ બધા જ સવાલ અને રહસ્યના ઉદઘાટન માટે "લાઇમ લાઇટ" ના હવે પછીનાં પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. અને રેટીંગ જરૂરથી આપશો.

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવી ગમશે. આ નવલકથાના માતૃભારતી પરના ૧.૫ લાખથી વધુ ડાઉનલોડ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. ૪૮ પ્રકરણ સુધી જકડી રાખતી "રેડલાઇટ બંગલો" વાંચીને રેટીંગ જરૂરથી આપશો.