લાઇમ લાઇટ ૪ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઇમ લાઇટ ૪

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪

"લાઇમ લાઇટ" નો પ્રચાર વેગ પકડી રહ્યો હતો ત્યારે રસીલી સાથેના નિર્દેશક પ્રકાશચન્દ્રના ચુંબન દ્રશ્યએ તેમના ઘરમાં ગ્રહણ સર્જી દીધું હતું. રસીલી સાથેનો એ ફોટો જોયા પછી પત્ની કામિનીને શું જવાબ આપવો એ પ્રકાશચન્દ્રને સમજાતું ન હતું. કામિનીને જવાબ આપતાં પહેલાં તેમણે સાગર સાથે ચર્ચા કરી લીધી હતી. તે દુનિયાને એ ફોટો બનાવટી હોવાનું કહેવાના હતા પણ કામિનીને શું ખુલાસો કરવો એ સમજાતું ન હતું. અને કામિની અચાનક ક્યાંક જતી રહી એટલે પ્રકાશચન્દ્રની ચિંતા બેવડાઇ હતી. આટલા વર્ષોમાં પહેલી વખત આ સ્થિતિનો તે સામનો કરી રહ્યા હતા. પહેલી વ્યવસાયિક ફિલ્મ માટે અંગત જીવનમાં મોટી કિંમત ચૂકવવી પડશે કે શું? એવા ડર સાથે તે આખા ઘરમાં કામિનીને શોધી ચૂક્યા હતા. કામિનીએ તેમને દરેક ફિલ્મ વખતે બધી રીતે સાથ સહકાર આપ્યો હતો. એક પત્ની ઉપરાંત મિત્ર અને સહાયકની ભૂમિકા ભજવી હતી. તે રિસાઇ જાય તે પ્રકાશચન્દ્રને કબૂલ ન હતું. તેમનું મન એક તરફ કહેતું હતું કે કામિનીને બધું જ સાચું કહી દેવું. એક દ્રશ્ય માટે તેમણે બંને નવા કલાકાર હોવાથી ટિપ્સ આપી હતી. અને નિર્દેશકની એ ફરજ હતી. તો બીજું મન કહેતું હતું કે સચ્ચાઇનો એકરાર કરવાથી કામિની તેના પર ખિજવાશે તો? તે રસીલી સાથેના મારા સંબંધ વિશે બીજું કંઇ વિચારશે તો? વિચારોને બાજુ પર રાખી પ્રકાશચન્દ્રએ ફરી કામિનીનો નંબર ડાયલ કર્યો. તેનો ફોન હજુ બંધ જ આવતો હતો. તે ભયાનક કલ્પના કરીને વધુ ડરી રહ્યા હતા. કામિનીને ક્યાં શોધવી એમ વિચારતા તેની બહેનપણીઓના નંબર તે મોબાઇલમાં શોધવા લાગ્યા. પણ તેમને એવો કોઇ નંબર ના મળ્યો જેને તે પૂછી શકે. કામિનીએ લગ્ન પછી બહારના લોકો સાથે ખાસ કોઇ સંબંધ રાખ્યા ન હતા. તેના સમયની એક-બે હીરોઇનો કે નિર્માતા સાથે પ્રસંગોપાત મળવાનું થતું હતું એ જ. એમને પૂછવાનો અર્થ ન હતો. અને આ તબક્કે ઘરની વાત ઘરમાં રહે તે જરૂરી હતું. તે કામિનીનો સંપર્ક કેવી રીતે કરવો? એવું વિચારતા હતા ત્યાં હિંચકાનો કિચૂડાટ સંભળાયો. તે બંગલાની પાછળ આવેલા નાનકડા ગાર્ડન તરફ દોડ્યા. તેમના ચહેરા પર ખુશીના અને રાહતના ભાવ આવી ગયા.

કામિની હિંચકામાં આંખો બંધ કરીને ઝૂલી રહી હતી. તે કોઇ બીજી જ દુનિયામાં ઘૂમી રહી હોય એવું તેના ચહેરા પરના સંતોષના ભાવ જોઇને લાગી રહી હતું. હજુ થોડીવાર પહેલાં તેને સખ્તાઇથી રસીલી સાથેના ઘાઢ ચુંબનવાળા ફોટા વિશે પૂછનાર કામિની એ બધી જ વાતોથી અલિપ્ત થઇને પોતાનામાં ખોવાયેલી દેખાતી હતી. પ્રકાશચન્દ્રને પહેલાં તો થયું કે તેને ડિસ્ટર્બ કરવી નથી. પણ તે વાત કર્યા વગર રહી શક્યા નહીં. તે કામિની પાસે જઇ તેને ઢંઢોળતા હોય એમ સહજ અવાજે બોલ્યા:"કામિની...કામિની ડાર્લિંગ! તું અહીં છે?"

પ્રકાશચન્દ્રના અવાજથી તેણે હિંચકો અટકાવી દીધો. સાથે મનમાં ચાલતી એક ફિલ્મ પણ અટકી ગઇ. જીવનની એક રીલ તે આંખો બંધ કરીને જોઇ રહી હતી. હળવેકથી પ્રકાશચન્દ્ર તરફ જોતાં કામિની બોલી:"પ્રકાશ, શું કહેવું છે?"

પ્રકાશચન્દ્રને ખબર ના પડી કે તેણે રસીલી સાથેના ફોટા વિશે પૂછ્યું છે કે બીજી કોઇ વાત માટે મને પૂછી રહી છે. તેમણે પણ વાતને લંબાવી. "હું ક્યારનો તને અંદર શોધું છું..."

"હું મારી અંદર ઊતરી ગઇ હતી.." એમ કહેવાને બદલે કામિનીએ કહ્યું:"હું વાતાવરણ બદલવા અહીં આવી છું. સારું લાગે છે..."

પ્રકાશચન્દ્રને ખ્યાલ આવી ગયો કે ઘરમાં તણાવ હતો. તેના સવાલથી તે પોતે તણાવમાં હતા. અહીં ખરેખર વાતાવરણ અલગ છે. ખુશનુમા વાતાવરણનો લાભ લઇ પ્રકાશચન્દ્રએ માફી માગતા હોય એમ કહી દીધું:"સોરી કામિની! એ ફોટો કોઇ વિરોધીએ ફેલાવ્યો છે. એ દ્રશ્ય વખતે મારો ઇન્ટેન્સ ફક્ત કલાકારોને માર્ગદર્શન આપવાનો હતો..."

પ્રકાશચન્દ્રને ખ્યાલ પણ ના રહ્યો કે તે પરિણામની પરવા કર્યા વગર સાચું બોલી ગયા હતા. તે કામિનીના પ્રતિભાવની રાહ જોવા લાગ્યા.

કામિનીએ સહજ રીતે જવાબ આપ્યો:"પ્રકાશ, હું સમજી શકું છું. તમે ઘણા દ્રશ્યોમાં ઇનપુટ આપો છો. મેં સેટ ઉપર તમને દ્રશ્ય માટે મહેનત કરતા જોયા છે. કોઇ અન્ય દ્રશ્યને બદલે કિસના સીનનો ફોટો બહાર મૂકવાનું કારણ ચર્ચા જગાવવાનું જ હોય શકે. મેં થોડું વિચાર્યા પછી મને પણ ખ્યાલ આવ્યો કે તમારો કોઇ વાંક લાગતો નથી. આજ સુધી મેં તમને રસીલી સાથે ખાનગી રીતે વાત કરતા પણ જોયા નથી....!"

કામિની હજુ બોલી રહી હતી ત્યાં પ્રકાશચન્દ્રના મોબાઇલની રીંગ વાગી. તેમણે નજર કરી તો રસીલીનો નંબર હતો. તે અસમંજસમાં પડી ગયા. ફોન ઉપાડવો કે નહી? તેમણે તરત જ નિર્ણય લઇને એક આગ ઓલવાઇ રહી છે તેને ઠારવાનો પ્રયત્ન ચાલુ રાખવા રસીલીનો ફોન કાપી નાખ્યો. પણ ન જાણે કેમ રસીલીનો ફોન તેમના શરીરમાં એક લાગણીનો સંચાર કેમ કરી ગયો? તે વધારે વિચાર કર્યા વગર કામિનીને સાંભળી રહ્યા. "હં...બોલ..."

કામિનીએ વાત આગળ ચલાવી:"મને ખ્યાલ છે કે તમારી આર્ટ ફિલ્મો રજૂ થઇ ત્યારે ક્યારેય ખાસ કોઇ ચર્ચા મીડિયામાં થઇ ન હતી. "લાઇમ લાઇટ"ની વાત અલગ છે. તમે વ્યવસાયિક ફિલ્મ કરી રહ્યા છો ત્યારે આવું બધું થવાનું. હું પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી ચૂકી છું....."

પ્રકાશચન્દ્રને ખ્યાલ આવી ગયો કે રસીલી સાથેના ચુંબનને કામિનીએ સહજ રીતે સ્વીકારી લીધું છે. કોઇ શંકા કરી નથી.

"પણ તારો ફોન કેમ બંધ આવે છે?" પ્રકાશચન્દ્રએ ચિંતાથી પૂછ્યું

"કંઇ નહીં બેટરી પૂરી થઇ ગઇ હતી. ચાર્જિંગમાં મૂક્યો છે..."

"ઓહ! ઠીક છે! સાંભળ હું ફિલ્મના કામથી બહાર જઉં છું. મને મોડું થશે..."કહી પ્રકાશચન્દ્ર ઘરની બહાર નીકળી ગયા. પણ તેમનું દિલ તેમને પૂછી રહ્યું હતું:"ફિલ્મના કામથી કે...?"

પ્રકાશચન્દ્રના ગયા પછી કામિની ફરી એ સમયને યાદ કરવા લાગી. તે નવીસવી ફિલ્મી દુનિયામાં આવી હતી અને પ્રકાશચન્દ્રના પ્રેમમાં પડી ગઇ હતી. આજે તેમની સાથે એક દાયકાની સફર પૂરી કર્યા પછી એક અધૂરપ તે જરૂર અનુભવી રહી છે પણ દામ્પત્ય જીવન નદીના શાંત પ્રવાહની જેમ ચાલી રહ્યું છે ત્યારે તેણે કાંકરીચાળો કરવાની જરૂર હતી? પ્રકાશચન્દ્રના ચુંબનના દ્રશ્યને જોઇને થોડીવાર પહેલાં ક્રોધમાં આવી ગયેલી કામિનીને પોતે કપડાં ઉતાર્યા એ વાત યાદ આવતાં પતિનો દ્રોહ કર્યો હોવાની લાગણી ઊમટી આવી. પણ તેનું મન તેને કહેવા લાગ્યું:"કામિની, તેં જે કંઇ કર્યું એ એમના ભલા માટે કર્યું છે. લોકો પોતાના માણસ માટે પોતાનો જીવ આપી દેતા હોય છે. તેં એમની ડૂબતી નાવને બચાવવા જ આ પગલું ભર્યું છે. કામિનીને એ દિવસ યાદ આવી ગયો જ્યારે પ્રકાશચન્દ્ર "લાઇમ લાઇટ" પર થયેલા વધુ પડતા ખર્ચથી ભીડમાં આવી જવાથી પરેશાન હતા. પ્રકાશચન્દ્રએ કહી દીધું કે જો બે દિવસમાં પૈસાની વ્યવસ્થા નહીં થાય તો આપણી "લાઇમ લાઇટ" અંધારા ડબ્બામાં બંધ થઇ જશે. અને માથા પરનું દેવું ચૂકવવા ઘરબાર વેચવાની નોબત આવશે. ત્યારે કામિનીએ પોતે ફિલ્મો કરી હતી એના ફાઇનાન્સર પાસે વાત કરવાનું આશ્વાસન આપ્યું હતું. પ્રકાશચન્દ્રએ જાતે તેમને મળવા આવવાની વાત કરી ત્યારે કામિનીએ કંઇક વિચારીને પોતે એકલી જઇ આવશે એમ કહ્યું હતું. અને તે ફાઇનાન્સર રાજીવ ગોયલને મળવા ગઇ હતી. ત્યારે તેણે જે વાત કરી એ સાંભળી કામિનીને થયું કે પોતે એકલી આવીને ભૂલ કરી છે કે યોગ્ય કર્યું છે?

***

સાગર ફરી "લાઇમ લાઇટ" ના પ્રચાર માટે તૈયારી કરવા લાગ્યો. તેણે વિચાર્યું કે પ્રકાશચન્દ્રના રસીલી સાથેના ચુંબનનો ફોટો જેણે પણ વાઇરલ કર્યો હોય તેણે પોતાનું કામ ઓછું કરી દીધું હતું. એ ફોટો ભલે બનાવટી હોય પણ કોઇ એવી વ્યક્તિ છે જેને પ્રકાશચન્દ્રના પ્રચારમાં કે પછી ઇમેજ બગાડવામાં રસ છે. જે હોય તે મારે હવે આ જ થીમને પકડી રાખવી પડશે. રસીલીના કમરના ઝટકાવાળા ટીઝર અને પ્રકાશચન્દ્રના તેની સાથેના ચુંબનના ફોટાએ સારી ચર્ચા જગાવી દીધી છે. રસીલીનું ફિગર જ આ ફિલ્મના હુકમના એક્કા જેવું છે. તે બધાંના દિલની રાણી બની રહી છે. આ લાઇન પર જ ફોકસ કરવું પડશે. તેનું ટીઝર પસંદ આવ્યું છે એટલે ટ્રેલર પણ દમદાર તડકતું-ફડકતું બનાવવું પડશે અને એને જોઇને જ લોકો થિયેટર તરફ દોટ મૂકશે.

સાગરે ફરી એક વખત પ્રકાશચન્દ્રએ આપેલા ફિલ્મના કેટલાક ફૂટેજ જોયા અને ગીતો સાંભળ્યા. ફિલ્મની વાર્તા રસપ્રદ હતી. કલાકારોનો અને ખાસ કરીને રસીલીનો અભિનય જાનદાર હતો. લોકોને રસીલીમાં રસ પડી રહ્યો હતો. સતત વિચાર કર્યા પછી તેણે રસીલીના કેટલાંક દ્રશ્યો, સંવાદ અને ગીતના ટુકડા પસંદ કરી એડિટર પાસે કામચલાઉ ટ્રેલર તૈયાર કરાવ્યું અને તેને લોન્ચ કરવાની જાહેરાત તૈયાર કરી. તારીખ નક્કી કરવા તેણે પ્રકાશચન્દ્રને કાલે મળવાનું નક્કી કર્યું. તેણે ટ્રેલરમાં રસીલીના ટુપીસ કપડાંવાળા ફોટા સાથે લખ્યું હતું. "આ રહી હૈ મચાને ખલબલી....એક નઇ હીરોઇન જિસને નહીં કરવાઇ હૈ લિપ્સ ઔર બ્રેસ્ટ કી સર્જરી...આપ કે દિલમેં પ્યાર કા રસ ઘોલને આ રહી હૈ રસીલી!"

સાગરે અત્યાર સુધી ઘણી ફિલ્મોનો પ્રચાર કર્યો હતો જેમાં નવી હીરોઇન હતી. અને મોટાભાગે હીરોઇનોને જ હાઇલાઇટ કરી હતી. પણ રસીલીની વાત જ કંઇક અલગ છે. કોઇપણ પુરુષના દિલમાં કંઇ કંઇ અરમાન જગાવે એવું તેનું રૂપ છે. રસીલીની કાતિલ અદાઓ પરિણીત પુરુષોને વધુ ઘાયલ કરે એવી હતી. સાગરને થયું કે નવયુવાનો કરતાં પરિપકવ પુરુષોને ટાર્ગેટ બનાવવાના હતા. રસીલીની કામણગારી કાયા પુરુષોની રાતોની નીંદ ઊડાવી દે એવી હતી. ત્યારે સાગરને ખબર ન હતી કે તેની ટ્રેલર લોન્ચ કરવાની આ જાહેરાત પછી તેની ઊંઘ ઊડી જવાની છે.

***

કામિનીએ રાજીવ ગોયલ પાસે એકલી જઇને ભૂલ કરી છે કે યોગ્ય કર્યું છે? ટ્રેલર લોન્ચ કર્યા પછી કઇ મુસીબત આવવાની છે? સુપરસ્ટાર સાકીર ખાનનું હીરોઇન રસીલી સાથે ફિલ્મ કરવાનું એક રહસ્યમય કારણ કયું હતું ? રસીલીના જીવનના કયા પહેલું વિશે જાણીને બધા ચોંકી જશે? શું સ્ટાર કિડ ધારા રસીલીને સાકીરની ફિલ્મ નહીં કરવા દે? એ બધા જ સવાલ અને રહસ્યના ઉદઘાટન માટે "લાઇમ લાઇટ" ના હવે પછીનાં પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. અને રેટીંગ જરૂરથી આપશો.

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના ૧ થી ૪૮ રસપ્રદ પ્રકરણ તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી પરના ૧.૪ લાખથી વધુ ડાઉનલોડનો વાચકોનો અનુભવ કહી રહ્યો છે. "રેડલાઇટ બંગલો" વાંચીને રેટીંગ જરૂરથી આપશો.