લાઇમ લાઇટ
-રાકેશ ઠક્કર
પ્રકરણ- ૪૨
રસીલીએ પોલીસ સાથેની મિલીભગતથી સુજીતકુમારને પકડાવી દીધો હતો. તેને ખબર હતી કે તે પોતાની માનો પતિ છે. પણ તે ખોટું કામ કરી રહ્યો હતો. અને પોતાની પાસે ખોટું કામ કરાવી રહ્યો હતો. પોર્ન ફિલ્મમાં કામ કરવા તે એટલે જ રાજી થઇ હતી કે તેનો ખોટો ધંધો બંધ કરાવી શકે. રસીલીને શંકા હતી જ કે જે રીતે તેને બ્લેકમેલ કરીને પોર્ન ફિલ્મ કરવા મજબૂર કરી રહ્યો છે એ રીતે માને પણ તેણે કોઇ રીતે પોતાના વશમાં રાખી હશે. સુજીતકુમારને પોલીસ લઇ ગઇ પછી મા સુનિતાએ તેની કથની કહેવાની શરૂઆત કરી.
"બેટા, તારી માએ ઘણાં દુ:ખ સહન કર્યા છે. તારા પિતા કેવા હતા એ તું જાણે છે. હું તેમનાથી કંટાળી હતી. દરમ્યાનમાં એક બંગલામાં કામ કરતી હતી ત્યારે તેના માણસ સુજીતકુમાર સથે મારો પરિચય થયો. તેના પ્રેમમાં પડી ગઇ. એક સ્ત્રીને જે જોઇએ એ બધું જ તેની પાસેથી મને મળતું હતું. સુજીતકુમારને તેના મિત્રએ કહ્યું કે મુંબઇમાં મોટી તક મળશે. આખરે મેં ભાગીને તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. અને એક દિવસ હું તેની સાથે મુંબઇ ભાગી ગઇ. મને ખબર હતી કે લોકો ચાર દિવસ વાત કરીને મને ભૂલી જશે પણ મારી ચાર દિનની જિંદગી સુખથી વીતશે. મારું માનવું સાચું ના નીકળ્યું મને કલ્પના ન હતી કે મારા પર શું વીતશે. હું સુજીતકુમાર સાથે મહાનગર મુંબઇ આવી. શરૂઆતમાં મને ખબર જ ન હતી કે તે શું કામ-ધંધો કરે છે. તેણે એક દિવસ મને હીરોઇન બનાવવાની વાત કરી ત્યારે હું ખુશ થઇ ગઇ. પણ જ્યારે ફિલ્મના શુટિંગમાં પહોંચી ત્યારે ખબર પડી કે એ પોર્ન ફિલ્મ છે. સુજીતકુમારે મારી ઇચ્છા વિરુધ્ધ મને પોર્ન ફિલ્મમાં કામ કરવા મજબૂર કરી. હું પાછી ઘરે ફરવા માગતી ન હતી. મારી નિયતિ આ જ છે એમ સમજી મેં પોર્ન ફિલ્મો કરવાનું શરૂ કર્યું. થોડા વર્ષો બધું બરાબર ચાલ્યું. પછી અચાનક એક અકસ્માત થયો અને હું મારા પગ ગુમાવી બેઠી. એટલું સારું છે કે તેણે મને કાઢી ના મૂકી. તેણે મને એક નિર્જીવ સામાનની જેમ ઘરમાં રાખી મૂકી. મને જ્યારે તારી વાત કરી ત્યારે મોટો આંચકો લાગ્યો હતો. પણ હું એના અહેસાન તળે દબાયેલી હતી. તેનો વિરોધ કરી ના શકી. મને માફ કરજે બેટા!"
સુનિતા આટલું કહીને રડવા લાગી. રસીલી બોલી:"મા, મને માફ કરજે, મારો ઇરાદો એમને પકડાવી દેવાનો ન હતો. મારી કારકિર્દી અને તારી જાન બચાવવા જ તેને પોલીસના હવાલે કરવો પડયો...."
"બેટા, જેવું એનું નસીબ...હું ઘર છોડીને મુંબઇ આવ્યા પછી એવું કામ કરવા લાગી હતી કે તને કે તારા પિતાને મોં બતાવવાને લાયક ન હતી." સુનિતાએ આંખ લૂછતા કહ્યું. પછી પૂછ્યું:"તારા પિતા ક્યાં છે? કેવી સ્થિતિમાં છે? અને તું અહીં કેવી રીતે આવી?"
રસીલી પણ મનોમન બોલી રહી:"મારે પણ પહેલાં એવું કામ કરવું પડ્યું હતું કે કોઇને મોં બતાવવાને લાયક ન હતી. રસીલીને સમજાયું નહીં કે માને શો જવાબ આપવો?
**
અજ્ઞયકુમારના વર્તનથી રીંકલ ડઘાઇ ગઇ હતી. અજ્ઞયકુમાર પર રસીલીના પ્રેમ કે શરીરનું ભૂત સવાર થઇ ગયું હોવાનું તેને સમજાઇ રહ્યું હતું. રીંકલે 'લાઇમ લાઇટ' માં રસીલીનું માંસલ શરીર જોયું હતું. મોન્ટુ સાથેના ઇન્ટીમેટ દ્રશ્યોમાં તેણે કોઇપણ પુરુષના મોંમાંથી આહ નીકળી પડે એવું શરીર બતાવ્યું હતું. અજ્ઞયકુમાર પણ એની સાથે કામ કરી પાગલ થઇ ગયો લાગે છે. બાકી તેણે ઘણી હીરોઇનો સાથે કામ કર્યું છે. કોઇની પાછળ આવો ગાંડો થયો નથી. કાલે તેની સાથે સરખી રીતે વાત પણ કરી ન હતી. અને સવારે તેને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. તેને ખબર પડી કે અજ્ઞયકુમાર સવારે છ વાગે જ શુટિંગ માટે નીકળી ગયો છે ત્યારે તેના મનની વાત જાણવા કોને પૂછવું તે વિચારવા લાગી. એક જ માણસ હતો જે અજ્ઞયકુમાર વિશે કોઇ સાચી માહિતી આપી શકે. અને એ હતો તેનો સેક્રેટરી રાજ. રિંકલે પરવારીને બપોરે બાર વાગે રાજને ફોન કર્યો ત્યારે તે વ્યસ્ત હતો. રીંકલ પર તેણે દસ મિનિટમાં જ વળતો ફોન કર્યો. અને હાલચાલ પૂછ્યા:"ભાભી કેમ છો?"
રિંકલે પોતાના મનની વાતને તરત જ હોઠ પર લાવી દીધી:"તને શું લાગે છે? હું મજામાં હોઇશ?"
"જી... હું કંઇ મદદ કરી શકું?" રાજને ખ્યાલ આવી ગયો કે મિડિયામાં અજ્ઞયકુમારના રસીલી સાથેના સંબંધની વાતોથી રીંકલ અપસેટ છે. તેણે પોતાની હમદર્દી બતાવીને કહ્યું.
રીંકલે તક ઝડપી જ લીધી:"રાજ, જે હોય એ સાચું કહેજે...તારા સાહેબ અને રસીલી વચ્ચે કશું છે? બંનેના અફેરની ખબર બહુ આવી રહી છે. તું તો જાણે જ છે કે આગ હોય તો જ ધૂમાડો ફેલાય. અને તેમાં તારું કોઇ યોગદાન છે કે નહીં?"
"ભાભી, હવે તમારાથી શું છુપાવવાનું?" કહી રાજે પોતાને ખબર હતી એ વાત કહી દીધી:"સાહેબની રસીલી સાથેની ફિલ્મ 'પતિ, પત્ની ઔર મોબાઇલ" નું શુટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. બંને પતિ-પત્નીની ભૂમિકામાં છે. અને બંને એકબીજા સાથે હળીમળીને કામ કરી રહ્યા છે. બંને એમની ભૂમિકામાં ડૂબી ગયા છે. અને એકબીજાને પતિ-પત્ની માનીને વર્તન કરી રહ્યા છે. આજ સુધીની ફિલ્મોમાં અજ્ઞયકુમાર સાહેબ પ્રોફેશનલી પોતાની હીરોઇન સાથે સંકળાતા રહ્યા છે. પણ પહેલી વખત મને લાગી રહ્યું છે કે તેમને રસીલી માટે વિશેષ લાગણી જન્મી છે. આ વાત હું તમારું ઘર ભાંગે એ માટે નહીં પણ તમે જો ઘર તૂટતું હોય તો બચાવી શકો એટલા માટે જ કહી રહ્યો છું. પહેલી વખત તે પોતાની હીરોઇનના નામની માળા જપી રહ્યા છે....."
રીંકલને રાજનો ઇશારો સમજાઇ ગયો:"રાજ, તારો આભાર!" કહી રીંકલે ફોન મૂકી દીધો. તેને ખ્યાલ આવી ગયો કે અજ્ઞયકુમાર રસીલીના પ્રેમમાં પાગલ છે. તેણે રસીલીનો નંબર મેળવી ફોન લગાવ્યો. રસીલીનો ફોન લાગ્યો નહીં એટલે રીંકલને હતાશા થઇ. તેણે ફરી પ્રયત્ન કરવાનું નક્કી કરી પોતાનું મન કામમાં પરોવવાનો પ્રયત્ન કર્યો. પણ મનમાં રસીલી સાથે શું વાત કરવી એના વિચારો ચાલુ જ હતા.
**
મિડિયામાં હવે સાકીર ખાન વિશે ઓછું આવતું હતું. સાકીરને પોલીસ રીમાન્ડ મળ્યા પછી તેના વિશે વધુ માહિતી મળવાની હતી. ત્યારે સાકીરને ખબર ન હતી કે રસીલી તેને મળવા પોલીસ અધિકારીને વિનંતી કરી રહી હતી. રસીલીએ સાકીર સાથે મુલાકાત કરવા ડીએસપીને એક અરજી આપી હતી. ડીએસપીને તેણે બાતમી આપી હોવાથી રસીલીને આશા હતી કે સાકીર સાથે મુલાકાત થઇ શકશે. રસીલીનો સાકીરને મળવાનો મકસદ એ જ હતો કે સાકીરના મનમાં તેના માટે શંકા તો નથી ને? કેમકે તે એની સૌથી નજીક હતી. આમ તો તેના આ ધંધામાં સંકળાયેલા લોકો પર પણ સાકીરને શંકા હશે જ. પણ પોતાના માટે શંકા હોય તો એ દૂર કરવાનું જરૂરી હતું. અને તેની સાથે મુલાકાત કરી પોતાને તેની હિતેચ્છુ સાબિત કરવાની હતી. સાકીર રીમાન્ડ પર હતો એટલે તેની સાથે મુલાકાત માટે કોઇને પરવાનગી આપવામાં આવતી ન હતી. તેને પકડાવવામાં રસીલીનું યોગદાન હતું એટલે પોલીસ તેને ના પાડી શકે એમ ન હતી. અને આ વાત એકદમ ખાનગી રાખવાની હતી. કેટલીક કાર્યવાહી પછી રસીલીને સાકીર સાથે થોડી મિનિટો માટે મળવાની પરવાનગી મળી ગઇ.
તે સાકીરને મળી ત્યારે એમના માટે ખાસ એકાંત આપવામાં આવ્યું. સુરક્ષામાં રહેલા પોલીસ કર્મચારીઓ તેમનાથી થોડા દૂર ઊભા રહ્યા. તેઓ બંનેને જોઇ શકે પણ તેમની કોઇ વાત સાંભળી ના શકે એટલા દૂર હતા. રસીલી સાકીરને મળીને ભાવુક થઇ ગઇ. તેની આંખમાં ઝળઝળીયાં તગતગી રહ્યાં. રસીલીએ સાકીરનો હાથ પોતાના હાથમાં લઇ લીધો અને એક પ્રેમિકાની અદાથી બોલી:"સાકીરજી, કેમ છો? હું બહુ દુ:ખી છું. આ રીતે તમારી ધરપકડ થશે એ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું....પણ તમે ચિંતા ના કરશો. હું તમને બહાર લાવવા કંઇક કરીશ...."
સાકીરનો ચહેરો કરમાયેલો હતો. બે દિવસમાં જ તેનું મોં નિરાશાથી લીંપાયેલું હતું. રસીલીની વાત સાંભળી તેની આંખોમાં લાલાશ ધસી આવી:"રસીલી, તું મને મળવા આવી એ સારું કર્યું. પણ હું એને છોડીશ નહીં જેણે મને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. લોકોએ મારું રોમેન્ટિક રૂપ જ જોયું છે, મારો ગુસ્સો જોયો નથી. આ કોઇનું ષડયંત્ર છે. હું ડ્રગ્સનો ધંધો કરતો હોવાની વાત સ્વીકારવાનો નથી. કોઇએ મને ફસાવ્યો છે. જેણે પણ મારી વાટ લગાડી છે એના બૂરા દિવસો શરૂ થઇ જશે. પડદા પર હું હીરો તરીકે વધુ રહ્યો છે. પણ એના માટે ખરાબ વિલન બનીશ...."
"સાકીરજી, એવું તો કોણ હશે? જેને તમારી સાથે દુશ્મની હોય?" રસીલીએ મનમાં રમતું નામ જાણવા સવાલ કર્યા.
"રસીલી, ક્યારેક દુશ્મન નહીં દોસ્ત દગો આપતા હોય છે..." સાકીર કડવાશથી બોલ્યો.
"શું વાત કરો છો? કોણ છે એ દોસ્ત જેણે પીઠમાં છરો ભોંક્યો?" રસીલી નામ જાણવા ઉત્સુક બની ગઇ હતી.
સાકીર ભયંકર લાગે એવું અવાજ વગરનું હસ્યો. તે ઇચ્છતો ન હતો કે પોલીસવાળાનું તેના તરફ ધ્યાન ખેંચાય. ખંધુ હસતાં –હસતાં તેણે રસીલીના હાથ ઝનૂનથી જોરથી દબાવ્યા અને કહ્યું:"રસીલી, એ દોસ્ત તું જ છે...."
એટમબોમ્બ ફૂટે અને કાન થોડી ક્ષણો બધિર થઇ જાય એમ સાકીરની વાત સાંભળી રસીલીના કાનમાં ફફડાટ પેઠો. એ ડર આખા શરીરમાં ફરી વળ્યો.
**
રીંકલે ફરી એક વખત રસીલીનો ફોન નંબર ડાયલ કર્યો. હવે સ્વીચ ઓફનો મેસેજ આવ્યો. રીંકલનું મન છટપટવા લાગ્યું. તેણે મનને બીજી તરફ વાળવા ટીવી ચાલુ કર્યું. એક પછી એક ચેનલો ફેરવતાં તેની નજર એક ફિલ્મી કાર્યક્રમમાં આવી રહેલી અજ્ઞયકુમાર અને રસીલીની તસવીરો પર ચોંટી ગઇ. ચેનલના કાર્યક્રમ ''ફિલ્મી ગપશપ" ની એન્કર બોલી રહી હતી:"આ તસવીરો છે આગામી ફિલ્મ "પતિ, પત્ની ઔર મોબાઇલ" ના સેટ પરની. આ ફિલ્મના શૂટિંગનો એક વિડિયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. તમે પણ આ જોડીની અદભૂત કેમેસ્ટ્રી જુઓ..."
ટીવી સ્ક્રીન પર તરત જ એક વિડિયો પ્લે થયો. જેમાં ફિલ્મના શુટિંગ માટે તૈયારી ચાલી રહી હતી તેના દ્રશ્યો હતા. ડાયરેકટર લાઇટીંગની સૂચના આપી રહ્યા હતા. માણસો આમતેમ દોડભાગ કરી રહ્યા હતા. રસીલી અને અજ્ઞયકુમાર અલગ-અલગ ઊભા પોતાના ડાયલોગનું રિહર્સલ કરી રહ્યા હતા. થોડીવારે રસીલીએ ગરમીને કારણે હાથના કાગળને પંખો બનાવી પવન મેળવવાનો પ્રયત્ન કર્યો. એસી ચાલુ હતા પણ મોટી લાઇટોને કારણે વધારે ગરમી લાગતાં તે એક ખૂણામાં નાનો ટેબલફેન હતો ત્યાં જઇને ઊભી રહી. તેને જતાં જોઇ અજ્ઞયકુમાર પણ એ તરફ ગયો. અને પોતાના જીન્સના ખિસ્સામાંથી એક રૂમાલ કાઢી પંખા સામે ઉડતા વાળ સાથે ઊભેલી રસીલીની સામે જઇ ઊભો રહ્યો. અજ્ઞયકુમારે રસીલીની ઝુલ્ફ હટાવી તેના કપાળ પરનો પરસેવો પોતાના રૂમાલથી લૂછ્યો અને તેના માટે એક ખુરશી ખેંચી લાવ્યો. રસીલી તેના પર બેઠી એટલે તેની સામે પ્રેમથી જોતો ઊભો રહ્યો. અને વિડિયો પૂરો થયો. આ વિડિયોથી ટીવી ચેનલ એવું જણાવી રહી હતી કે અજ્ઞયકુમાર પોતાની હીરોઇનને ખૂબ સાચવે છે. બંને એકબીજા સાથે કેટલા અંગત સંબંધ રાખે છે એ વાત મલાવી મલાવીને કહેવામાં આવી રહી હતી. આ વિડિયો જોઇ રીંકલને અજ્ઞયકુમારની સાથે રસીલી ઉપર પણ ગુસ્સો આવ્યો. તેણે ફરી તેનો નંબર લગાવ્યો. હજુ તેનો ફોન બંધ આવતો હતો. રીંકલ રસીલી સાથે વાત કરવા બેબાકળી બની રહી હતી.
**
મિત્રો, સાકીર ખાને રસીલીનું નામ લીધા પછી તેના કેવા આઘાત-પ્રત્યાઘાત આવશે? અજ્ઞયકુમારની પત્ની રીંકલે કયો નિર્ણય લીધો હતો? તે રસીલીને મળીને શું કહેવાની હતી? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!
*
મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથે વાત છે. દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર આ વાર્તા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.
આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ" અને બાળવાર્તાઓ તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.
***