લાઇમ લાઇટ ૧ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઇમ લાઇટ ૧

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના ૧ થી ૪૮ પ્રકરણ તમને એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી પરના ૧ લાખ ડાઉનલોડનો અનુભવ કહી રહ્યો છે. હવે નવી નવલકથા "લાઇમ લાઇટ" ને આથી વધુ પસંદ કરવામાં આવશે એવી આશા છે. એક રહસ્યમય રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની વાતો કરતી અને આ ક્ષેત્રના રાજકારણ, કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને જકડી રાખશે એવી મને ખાતરી છે. અને તમારા પ્રતિભાવ થકી "લાઇમ લાઇટ" બ્લોકબસ્ટર નવલકથા બનશે એનો મને વિશ્વાસ છે.

પ્રકરણ- ૧

પ્રકાશચન્દ્ર છેલ્લા ચાર દિવસથી પરેશાન હતા. તેમના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ વધી રહી હતી. એ વાત તેમની અર્ધાંગિની કામિનીથી છૂપી રહી ન હતી. તેમને કારણ તો સમજાઇ ગયું હતું પણ તે કહેવા માટે આગ્રહ કરી રહ્યા ન હતા. આજે જ્યારે તેમનાથી ના રહેવાયું ત્યારે પૂછી જ લીધું અથવા કહી જ દીધું કે,"તમારી નવી ફિલ્મની કોઇ ચર્ચા નથી એટલે બેચેન છો ને?"

પ્રકાશચન્દ્ર જાણી ગયા કે કામિનીના સવાલમાં જ જવાબ છે. તે ચિડાઇને બોલ્યા:"હા..."

"ચિંતા શું કામ કરો છો. હજુ તો તમે માત્ર ફિલ્મ અંગે એક ટ્વિટ કર્યું છે. પહેલો લુક પણ બાકી છે. રોજ હજારો ટ્વિટ થતા હોય ત્યારે કોઇના ધ્યાન ઉપર એ ના આવ્યું હોય એવું બની શકે."

"અરે પાંચ-પચ્ચીસનો પ્રતિભાવ હોત તો પણ એમ થાત કે વાંધો નહીં આવે. માત્ર બે જ જણના રિટ્વિટ છે. એમાં એક તો તારું છે. અને આ ટ્વિટ સામાન્ય ફિલ્મની જાહેરાતનું ન હતું. કોઇપણ પુરુષની ઉત્તેજના વધારી દે એવું હતું."

"તમે ફિકર ના કરો, સમય આવશે એટલે આપોઆપ લોકો તમને પૂછવા આવશે. હજુ તો ટીઝર અને ટ્રેલર સાથે ખરી પબ્લિસિટી બાકી છે. આ વખતે તો લોકો તમારી ફિલ્મની રાહ જોવાના છે. લખી રાખો..." બોલ્યા પછી તેને પતિના છેલ્લા શબ્દો મનમાં ખૂંચ્યા હતા એ વિશે વિચારવા લાગી. કામિનીએ ટ્વિટ વાંચ્યું હતું. એ તેને બોલ્ડ લાગ્યું હતું. એ વિશે તે ચર્ચા કરવાની હતી પણ અત્યારે પ્રકાશચન્દ્રનો મૂડ જોતાં ઠીક લાગ્યું ન હતું. તેમણે ઉત્તેજના વધવાની વાત કરી ત્યારે નવી કમર્શિયલ ફિલ્મ "લાઇમ લાઇટ" ની હીરોઇન વિશે વિચાર કરીને પતિ પર શંકા થવા લાગી.

ત્યારે અભિનેત્રી રહી ચૂકેલી પત્ની કામિનીનું અનુભવના આધારે અપાયેલું આશ્વાસન પ્રકાશચન્દ્રને થોડી રાહત આપી ગયું હતું. પણ દિલમાં એ વાત ખટકી રહી હતી કે તેમણે પહેલી વખત એક કમર્શીયલ ફિલ્મ બનાવી છે અને કોઇનું તેના પર ધ્યાન જઇ રહ્યું નથી. પ્રકાશચન્દ્રના નામ પર ચાર આર્ટ ફિલ્મ બોલતી હતી. અને એ બધી જ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં ભારતનો ડંકો વગાડવામાં સફળ રહી હતી. જોકે, ભારતમાં વ્યવસાયિક રીતે એકમાત્ર "સફેદ અંધેરા" જ તેમનો ખર્ચ કાઢી શકી હતી. બાકીની દરેક ફિલ્મને સરકારી સહાય મળી હતી એટલે રજૂ થઇ શકી હતી. સરકારના અધિકારીઓને પણ આવા એક-બે નિર્દેશકોની જરૂર હતી. જેમની ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં મોકલી શકાય અને ભારતનું નામ ત્યાં લેવાતું રહે. એમના માટે તો પ્રકાશચન્દ્રની ફિલ્મો બગાસું ખાતાં પતાસું આવ્યા જેવી સાબિત થતી હતી. વિદેશના કોઇને કોઇ સમારોહમાં એ ફિલ્મ ઇનામ જીતીને જ આવતી હતી. પ્રકાશચન્દ્રની અગાઉની દરેક ફિલ્મના વિષય અલગ હતા. તેમની આર્ટ ફિલ્મોમાં વાર્તા ખાસ હોતી ન હતી. તે દેશની કોઇને કોઇ સમસ્યાને ઉજાગર કરતા હતા. ક્યારેક ભારતનું વિદેશોમાં ખોટું ચિત્રણ થતું હોવાનો પણ તેમના પર આક્ષેપ થતો હતો. તેમણે દરેક ફિલ્મમાં દેશની એ સમસ્યાનો ઉકેલ બતાવી વાતને વાળી લીધી હતી એટલે એ કારણ પર તેમની સામેનો વિરોધ સમી જતો હતો.

પ્રકાશચન્દ્રએ ઘણાં મહિનાઓ પછી પોતાના ઓફિશ્યિલ ટ્વિટર હેન્ડલ પરથી "લાઇમ લાઇટ" આવી રહી હોવાની જાહેરાત કરતું ટવિટ ખાસ્સા ઉત્સાહથી કર્યું હતું. એમાં એક સ્ત્રી જેવી યુવતીનું ચિત્ર હતું. ચિત્રકારે તેનો ચહેરો ના કળાય એ રીતે તેના ફિગરના દરેક વળાંક બતાવ્યા હતા. આ ચિત્રના ચહેરાને બદલે તેના વાઇટલ સ્ટેટસ્ટીક પર બધાનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો હતો. અને લખ્યું હતું કે હવે ૩૬-૨૪-૩૬ ને બદલે નવા વાઇટલ સ્ટેટસ્ટીક ફિગર સાઇઝવાળી હીરોઇનને જોવા તૈયાર રહો. પ્રકાશચન્દ્રએ આ ફિલ્મ પાછળ ઘણી મહેનત કરી હતી. અગાઉની ફિલ્મોની સરખામણીએ વધુ રોકાણ કર્યું હતું. કામિનીએ તેની ઓળખ વાપરીને એક ફાઇનાન્સર મેળવી આપ્યો હતો. અને હવે ફિલ્મ તરફ કોઇનું ધ્યાન જ ના ખેંચાતું હોય તો આ બધા રોકાણનું શું થશે?

સવારથી સાંજ સુધી તેમને એક જ ચિંતા કોરી ખાતી હતી. તેમણે ફરીથી ટ્વિટર ખોલ્યું. રોજ એક-બે જણ તેને લાઇક કરતા હતા. આજે તેમણે નામ જોયા અને આંખોમાં ચમક આવી ગઇ. બોલીવુડના જાણીતા પત્રકાર કરણ નાહટાએ તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમને થયું કે હવે કરણની જ આ માટે મદદ લેવી પડે. તેને પોતાની ફિલ્મોના પ્રદર્શન વખતે વિદેશ લઇ ગયો હતો એની શરમ તો હશે જ એટલે કંઇક મદદ કરશે. તેમણે તરત જ મોબાઇલમાં કરણનો નંબર ડાયલ કર્યો. પણ અફસોસ! તેણે ફોન ના ઉપાડ્યો. પહેલાં તો થયું કે મારા જેવા આર્ટ ફિલ્મોના નિર્દિશકોની એમને શું ગરજ હોય. મોટા નિર્માતાઓ તેમને સાચવતા હોય ત્યારે અમારા તરફ જોવાનો એમની પાસે ક્યાં સમય હોય? પછી મન મનાવ્યું કે તે વ્યસ્ત હશે એટલે સમય મળશે ત્યારે જવાબ જરૂર આપશે. અને એનો ફોન ના આવે તો હું જ ફરી પ્રયત્ન કરીશ. પ્રકાશચન્દ્રની આશા ફળી. કરણ નાહટાનો સામેથી જ ફોન આવ્યો.

"પ્રકાશચન્દ્રજી ! અભિનંદન નવી ફિલ્મ માટે! ક્યારે રજૂ કરો છો?"

"બસ શુટિંગ હમણાં જ પૂરું કર્યું છે. પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ કર્યું છે. બહુ જલદી રીલીઝની તારીખ જાહેર કરીશ..."

"સરસ! મને જાણ કરજો..."

કરણની વાત પરથી લાગ્યું કે તેણે પણ આ ટ્વિટને સામાન્યતાથી જ લીધું છે. એટલે પ્રકાશચન્દ્રએ તક ઝડપી લીધી:"કરણજી, આ ફિલ્મ વિશે મારે થોડી વાત કરવી હતી..."

"તમે તારીખ જાહેર કરો ત્યારે કહેજોને! આપણે એકાદ મુલાકાત ગોઠવી દઇશું. હવે તો ઘણી નવી ટીવી ચેનલો સાથે પણ આપણું સારું ટ્યુનિંગ છે. અને તમે તો દેશનું વિદેશોમાં નામ રોશન કરો છો. આ ફિલ્મ પણ ઇન્ટરનેશનલ ફિલ્મોમાં સ્થાન પામે એવી મારી શુભેચ્છા છે..." કહી કરણ ફોન મૂકવા જતો હતો. એટલે પ્રકાશચન્દ્રએ તેને અટકાવ્યો:"કરણજી... કરણજી, એક મિનિટ..."

"હા, બોલોને..." કરણને પણ ખ્યાલ આવ્યો કે પ્રકાશચન્દ્ર કંઇક કહેવા માગે છે.

"વાત એમ છે કે આ નવી ફિલ્મ "લાઇમ લાઇટ" કોઇ આર્ટ ફિલ્મ નથી. બોલીવુડના મસાલાથી ભરપૂર અને વળી બોલીવુડની જ વાત કહેતી ફિલ્મ છે."

"ઓહો! શું વાત છે! તમે ઝોનર બદલવાની હિંમત કરી ખરી! પણ હજુ પ્રચાર શરૂ કર્યો નથી એટલે કોઇને ખ્યાલ આવ્યો નહીં હોય. એની વે મારી શુભેચ્છા છે..."

"કરણજી, માત્ર શુભેચ્છાથી આ વખતે નહીં ચાલે. તમારે મને પ્રચારમાં મદદ કરવી પડશે...."

"હં... પ્રકાશચન્દ્રજી, હું તો આ આખું વરસ બીઝી છું. પણ મારા મિત્ર સાગરનો તમે સંપર્ક કરો. એ તમારી ફિલ્મને તેના નામની જેમ જ લાઇમ લાઇટમાં લાવી દેશે. હું એને ભલામણ કરીશ તો થોડું સસ્તામાં પતશે. હું તમને એનો નંબર મોકલું છું. ઓકે? હું એને ફોન કરી દઉં છું. મારે અત્યારે સુપરસ્ટાર સાથે મુલાકાત છે. તમે તારીખ આવે ત્યારે મને યાદ કરવાનું ભૂલતા નહીં!" કહી કરણ નાહટાએ ફોન મૂકી દીધો.

પ્રકાશચન્દ્રએ ફોન મૂકી થોડી રાહત અનુભવી. ત્યાં મેસેજનો ટોન વાગ્યો. તેમણે જોયું તો કરણે સાગરનો નંબર મોકલ્યો હતો.

પ્રકાશચન્દ્ર વિચાર કરવા લાગ્યા. કરણ અનુભવી પત્રકાર છે. તે ઘણી ફિલ્મોના પ્રચાર પાછળ હોય છે. તેનો મિત્ર પણ સારો જ હશે. હવે તો પ્રચારનું ગોઠવવું જ પડશે. જો પ્રચાર નહીં થાય અને ફિલ્મ રજૂ થઇ જશે તો મને ખોટ જશે. મારી હીરોઇન પહેલી ફિલ્મ પછી ગુમનામીના અંધારામાં ચાલી જશે. અને એમ કોઇપણ કાળે ના થવું જોઇએ. એની સુંદરતા અને પ્રતિભા દુનિયા સામે આવવી જ જોઇએ. જો એને યોગ્ય એક્સ્પોઝર મળશે તો હની લિયોની કે વિભા બાલનને લોકો ભૂલી જશે. તેમને "લાઇમ લાઇટ"ની હીરોઇન રસીલી સાથેનો એ દિવસ યાદ આવી ગયો જ્યારે તેમણે એક દ્રશ્યના ફિલ્માંકન વખતે તેને ટિપ્સ આપી હતી. અને તેમના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ હતી અને દિલમાં હલચલ મચી ગઇ હતી.

***

બીજા દિવસે પ્રકાશચન્દ્રએ સાગરને ફોન કર્યો.

"સાગરજી, હું પ્રકાશચન્દ્ર બોલું છું...."

"હં..હા "સફેદ અંધેરા" ફેમ પ્રકાશચન્દ્રજીને? કાલે જ કરણજીનો ફોન હતો. હું તમારા ફોનની જ રાહ જોતો હતો. બોલો ક્યારે મળીએ?" સાગરે ફિલ્મના પ્રચાર માટે તૈયારી બતાવી એ જાણી પ્રકાશચન્દ્રને ખુશી થઇ. તેમણે બે કલાક પછી પોતાની જ ઓફિસમાં મળવાનું ગોઠવ્યું. સાગરને કદાચ કોઇ હોટલમાં મીટીંગની આશા હતી. પણ પ્રકાશચન્દ્ર પાસે એટલું મોટું બજેટ ન હતું કે તે સેવનસ્ટાર હોટલમાં સ્યુટ લઇ મળવા બોલાવી શકે.

બે કલાક પછી સાગર તેમની ઓફિસમાં હાજર હતો.

"બોલો સાગરજી, શું લેશો?"

"સર, મને સાગર જ કહેવાનું રાખો. હું બહુ નાનો છું..."

"પણ તમે બીજાને મોટા બનાવો છો.."

"એ તો મારો ધંધો છે..."

પ્રકાશચન્દ્રએ તેની સાથે ભાવતાલની થોડી રકઝક કરીને "લાઇમ લાઇટ"ના પ્રચારની ડિલ નક્કી કરી દીધી. પ્રકાશચન્દ્રને સાગર ઉત્સાહી યુવાન લાગ્યો. તેમને આશા જાગી કે હવે ફિલ્મનો જોરદાર પ્રચાર શરૂ થશે. તેમણે ફિલ્મને લગતી બધી ડિટેઇલ એને આપી દીધી. ફિલ્મના કેટલાક ફૂટેજ પણ બતાવ્યા. તેના ચહેરા પર હાસ્ય આવ્યું.

"જુઓ, હવે હું કહું એ પ્રમાણે તમારે પ્રચાર શરૂ કરવાનો છે. સૌથી પહેલાં તો તમે જે ટ્વિટ કરી છે એ ડિલિટ કરી નાખો..."

સાગરની વાત સાંભળી પ્રકાશચન્દ્ર ચોંકી ઊઠયા. "એ રહે તો શું ફરક પડે છે?"

"જુઓ, તમે બાજી મારા હાથમાં સોંપી છે. મને ખ્યાલ આવી ગયો છે કે શું કરવું પડશે. તમે હવે નિશ્ચિંત થઇ જાવ. હું કહું એમ કરતા જાવ." કહી સાગરે ફટાફટ એક ડ્રાફ્ટ તૈયાર કરી તેમને આપ્યો.

ડ્રાફ્ટનું લખાણ વાંચી તે નવાઇથી સાગર સામે જોઇ રહ્યા. તેની શરૂઆત જ આવી ધમાકેદાર છે તો આગળ એ શું કરાવશે? એમ વિચારતાં પ્રકાશચન્દ્રને ખુશ થવું કે ચિંતા કરવી એ સમજાયું નહીં.

***

કામિની પતિ પ્રકાશચન્દ્રના દુ:ખમાં દુ:ખી હતી. છેલ્લા દોઢ વર્ષથી તે આ ફિલ્મ માટે દોડધામ કરી રહ્યા હતા. કાયમ આર્ટ ફિલ્મ બનાવતા પ્રકાશચન્દ્ર પોતાનું દળદર ફિટે એ માટે કમર્શિયલ ફિલ્મ બનાવી રહ્યા હતા એ કામિની જાણતી હતી. આર્ટ ફિલ્મો બનાવવામાં તેમની મૂડી ખર્ચાઇ ગઇ હતી. કામિનીએ અભિનય છોડી દીધા પછી તેમના પર જ ઘર ચાલતું હતું. અને આ ફિલ્મની પાછળ વધતા જતા ખર્ચાથી બંગલો ગીરવી મૂકવાના દિવસો આવી ગયા હતા. પ્રકાશચન્દ્રની આર્ટ ફિલ્મોના નિર્દેશકની છાપને કારણે ફાઇનાન્સરો "લાઇમ લાઇટ" માટે ધિરાણ કરવા તૈયાર થતા ન હતા. પણ જ્યારે પ્રકાશચન્દ્ર એકદમ જ ભીડમાં આવી ગયા ત્યારે કામિનીએ આગળ આવવું પડ્યું હતું. પતિના કપડાં પણ કોઇ ઉતારી જાય એટલી આર્થિક સ્થિતિ નબળી થઇ ગઇ ત્યારે પોતે કપડાં ઉતારવા મજબૂર બની હતી એની જાણ પ્રકાશચન્દ્રને નથી એ સારું છે એમ વિચારતી કામિની એ દિવસને યાદ કરી રહી.

વધુ બીજા પ્રકરણમાં...

***

"લાઇમ લાઇટ"ની હીરોઇન રસીલી સાથે એક દ્રશ્યના ફિલ્માંકન વખતે પ્રકાશચન્દ્રએ તેને કઇ ટિપ્સ આપી હતી? "લાઇમ લાઇટ" ના પ્રચાર માટે સાગરનો કયો વિચાર જાણી પ્રકાશચન્દ્ર ચોંકી ગયા હતા? કામિનીએ કોની સામે કપડાં ઉતારવાની મજબૂરી ઊભી થઇ હતી? એ બધા જ સવાલ અને રહસ્યના ઉદઘાટન માટે "લાઇમ લાઇટ" નું હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. અને રેટીંગ જરૂરથી આપશો.