Vaidehima vaidehi - 12 books and stories free download online pdf in Gujarati

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-12)

પ્રકરણ – 12

“પિસ્તોલ પહેલી જશે કે છરી?”તેણે પૂછ્યું.
“બંને સાથે જશે.” મેં કહ્યું.
અમે બંનેએ એકબીજાની સામે જોયું. મેં ઊંડો શ્વાસ લીધો.
અમે પ્રવેશ્યા......
કુખોઝૂ.... વિશાળ ગુફા....
બંને બારીઓમાંથી સારો એવો પ્રકાશ ગુફામાં રેલાઈ રહ્યો છે. મેં ગુફામાં નજર દોડાવી. કોઈ ત્રીજો મનુષ્ય નથી..... પણ.... જાનવર છે.... જંગલી જાનવર..... ઝરખ કે વરૂ?... જે હોય તે... છે ખતરનાક....
અમારાથી પંદરેક ફૂટ દૂર છે. એ જમીન પર કઈંક સૂંઘી રહ્યું છે. તેણે નજર ઉઠાવી. અમને જોઈ રહ્યું. સહેજ ઘૂરક્યું. તેની ચામડી સહેજ થથરી. ચામડી પરના ભરચક વાળમાં જાણે એક તરંગ પ્રસર્યું. તેની મોટી આંખો અમારી સામે મંડાયેલી છે. તેની પૂંછડી સહેજ હલી. તેણે મજબૂત પગ જમીન પર બરાબર માંડ્યા. ફરી તેણે ઘૂરકાટ કર્યો. હું થથરી ગયો! આ ઘૂરકાટ વખતે તેના તીક્ષ્ણ દાંત સ્પષ્ટ દેખાયા.
“વૃંદા.....”
“મારા પર વિશ્વાસ છે?”
“ઝરખ છે.”
“વિશ્વાસ છે મારા પર?”
“હા.”
“હાથ પકડ મારો.” કહીને તેણે હાથ ધર્યો.
મેં તેનો હાથ પકડ્યો- “હવે?”
“ઊભો રહે!”
“શું?”
“તને કંઈ નહિ થવા દઉં, વેદ!” તેણે મક્કમતાથી કહ્યું.
ઝરખ અમારી તરફ દોડ્યું..... પૂરપાટ ગતિથી તે અમારી તરફ ધસી રહ્યું છે...
હું દોડવા ગયો પણ વૃંદાએ મને અટકાવ્યો-
“ઊભો રહે, વેદ!”
“એ ફાડી ખાશે!”
“હું તારો હાથ ખેંચુ ત્યારે મારી બાજુ કૂદજે.” તેણે કહ્યું.
ઝરખ અતિશય વેગથી આ તરફ આવી રહ્યું છે. મારા ધબકારા વધી અતિશય વધી ગયાં છે. એ સાવ નજીક આવી ગયું..... જાણે મારું શરીર લકવો મારી ગયું..... હવે બે જ સેકન્ડમાં મારું શરીર તેના તીક્ષ્ણ દાંતોની વચ્ચે કપાતું હશે..... એ સાવ નજીક આવ્યું કે વૃંદાએ મારો હાથ ખેંચ્યો..... હતું એટલું જોર કરીને હું એ તરફ કૂદ્યો...... વૃંદા પણ સહેજ દૂર ખસી.
ઝરખ ખૂબ જ વેગથી અમારી બાજુ ધસી રહ્યું હતું. અમે ગુફાની દીવાલને અઢેલીને ઊભા હતા. ઝરખ સાવ નજીક આવ્યું કે તરત જ વૃંદાએ મને ઝરખના રસ્તામાંથી દૂર કર્યો. પૂરપાટ વેગે આવતું ઝરખ પોતાની ગતિ પર કાબુ ન રાખી શક્યું અને ધડામ્કરતું ગુફાની પથરાળ દીવાલને અથડાયું. તેનું માથુ ઘણાં વેગથી આ મજબૂત દીવાલને અફળાયું. ઝરખ લથડિયા ખાવા લાગ્યું.
“બહાર આવ.” વૃંદાએ વધુ એક સૂચના આપી.
અમે ગુફાની બહાર આવ્યા.
“આ તરફ.” કહેતી વૃંદા સીધી જવાને બદલે ડાબી બાજુ વળી.
અમે એ તરફ થોડું દોડ્યાં અને એક વૃક્ષ આગળ આવીને અટક્યા. વૃંદા વૃક્ષ પર ચડી ગઈ. મને હાથ આપ્યો- “આવ.”
અમે એ વૃક્ષમાં સંતાઈ ગયા. વૃંદાએ કહ્યું-
“ઝરખ બેભાન નહિ થાય. અમુક સમય પછી એ ગુફાની બહાર આવશે. આપણને શોધી નહિ શકે.”
“એ આપણી ગંધ પારખીને અહીં સુધી પહોંચી જશે.”
“માથામાં જોરદાર ફટકો વાગવાને કારણે એની ઘ્રાણેન્દ્રિયો અમુક સાય સુધી બરાબર કામ નહિ કરે.”
હું વૃંદા સામે જોઈ રહ્યો. તે ગુફા સામે જોઈ રહી છે. મેં કહ્યું-
“વૃંદા, તું ન હોત તો હું એ ઝરખનો શિકાર બની ગયો હોત.”
તેણે મારી સામે જોયું. હું તેની સામે હસ્યો. તે એમ જ તાકી રહી.
થોડો સમય વીત્યો. ઝરખ ગુફામાંથી બહાર આવ્યું.
“સહેજ પણ હલતો નહિ.” વૃંદાએ સૂચના આપી.
અમે સ્થિર બેસી રહ્યા. ઝરખ ગુફાના દરવાજા પાસે ઊભું રહ્યું. તે અન્ય દિશામાં ચાલ્યું ગયું. અમે ઝાડ પરથી નીચે ઊતર્યાં.
ફરી ગુફામાં પ્રવેશ્યા. તપાસ શરૂ.....
આ ખૂણામાં દસ-બાર લીટરનું એક કૅન પડ્યું છે. તે અર્ધપારદર્શક છે. તેની અંદર રંગીન પ્રવાહી ભરેલું છે. જોઈ શકાય છે કે કૅન અડધા કરતાં વધારે ખાલી છે. તેનું ઢાંકણું ખોલ્યું. તીવ્ર ગંધ આવી. હા, પેટ્રોલની વાસ છે આ. મેં ઢાંકણું બંધ કર્યું. એક સમયે આ કૅન આખું ભરેલું હશે. તો પાંચ લીટર કરતાં વધુ પેટ્રોલ ક્યાં વપરાયું હશે? પેટ્રોલનો ઉપયોગ તો બળતણ તરીકે જ થાય! પ્રશ્ન એ છે કે પેટ્રોલ કઈંક બાળવા માટે વપરાયું હતું કે બાઈક કે કોઈ અન્ય વાહનમાં?
ગુફાની દીવાલ પર અમુક ખાંચામાં લાકડાના દંડાઓ ભરાવેલા છે. નજીક ગયો. એ દંડાઓના ઉપરના છેડા પર બળેલા કપડાનાં લીરા વીંટળાયેલા છે. આ દંડા મશાલ માટે વપરાયેલા છે. કાલ રાત્રે આ ગુફા મશાલોથી પ્રકાશિત કરવામા આવી હશે. આ પેટ્રોલ મશાલો માટે હશે? એવું જ હશે. પણ યાર, કોઈ પણ માણસ પેટ્રોલથી મશાલ ન સળગાવે. પેટ્રોલ તો ખૂબ જ ઝડપથી બળી જાય. પેટ્રોલથી સળગાવેલી મશાલો અમુક સેકંડો સુધી જ અજવાળું આપી શકે. એટલે, પેટ્રોલ અને મશાલો વચ્ચે કોઈ કનેક્શન ન હોવું જોઈએ. મશાલ સળગાવવા માટે કંઈક અલગ પ્રવાહી વપરાયું હશે અને આ પેટ્રોલ અન્ય હેતુસર વપરાયું હશે.
ત્યાં એક તૂટેલો દંડો નીચે પડેલો છે. ત્યાં ગયો. આ દંડો તૂટેલો કેમ છે? જેટલી ઊંચાઈ પર આ દંડાઓ ભરાવેલા છે એટલે ઊંચેથી પડવાથી આ દંડો તૂટે નહિ. તો આ તૂટ્યો કઈ રીતે? આ દંડાથી ક્યાંક બળપૂર્વક ફટકો મરાયો હશે.
પેલો થેલો..... થેલા પાસે ગયો.
મોટી સાઈઝના આ થેલાની બધી જ ચેઈન ખુલ્લી છે. એક સમયે થેલામાં વ્યવસ્થિત પૅક થયેલી વસ્તુઓ અત્યારે અહીંતહીં ફેંકાયેલી છે. આ થેલો મેં પહેલા ક્યાંક જોયો હતો. ક્યાં જોયો હતો? અત્યારે યાદ નથી આવતું..... થેલાની બહાર અસ્તવ્યસ્ત ફેંકાયેલી વસ્તુઓ તપાસી. જાડા કપડાં, લાંબા કોટ, મફલર, સ્વેટર, શર્ટ, પેન્ટ, સાબુ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ અને ટુવાલ. આ વ્યક્તિ ક્યાંક લાંબા પ્રવાસે જવાની હશે.
એક પેન્ટના લીરેલીરાં ઊડી ગયા છે! હા, મશાલો માટે આ પેન્ટ ફાડ્યું હશે. થેલો ફંફોળ્યો. અમુક કાગળિયા અને આ.... પાસપોર્ટ.... આ માણસનું નામ છે.... વશિષ્ઠકુમાર....!
વશિષ્ઠકુમાર કાલે રાત્રે અહીં હતા? તેઓ તો IUPAPમાં જવાના હતા ને! મેં તેમને માહગાઢથી બ્યોહારીની બસમાં બેસતા જોયા હતા. મુખ્ય પ્રશ્ન તો એ છે કે વશિષ્ઠકુમાર પોતે અહીં આવ્યા હતા કે તેમને લાવવામાં આવ્યા હતા? એ પણ શક્ય છે કે વશિષ્ઠકુમાર પોતો અહીં આવ્યા ન હોય, તેમનો થેલો ચોરાઈ ગયો હોય અને અહીં થેલો ચેક કરાયો હોય. એવું હોય તો પણ વશિષ્ઠકુમાર IUPAPમાં ન જઈ શકે. તેમનો પાસપોર્ટ તો અહીંયા છે. હજી કાલ રાતની ઘટમાળ અંગે કોઈ અનુમાન બાંધી નથી શકાયું.
અરે, આ ચશ્મા....
મેં ચશ્મા હાથમાં લીધા. તૂટી ગયેલા છે. વૃંદાએ જણાવ્યું કે આ ચશ્મા વશિષ્ઠકુમારના જ છે. એ તો સિદ્ધ થઈ ગયું કે કાલે રાત્રે વશિષ્ઠકુમાર અહીં હતા. પણ કેમ? તેઓ તો પોતાની શોધ રજૂ કરવા જવાના હતા. તેઓ વિશ્વપ્રસિદ્ધ થવા માટે જઈ રહ્યા હતા. તેઓ અહીં કેમ આવે? તેમને બળજબરીથી અહીં લાવવામાં આવ્યા હશે?
અરે.... એવું ન બની શકે કે વશિષ્ઠકુમાર વૈદેહી આગળ જૂટ્ઠુ બોલ્યા હોય? વૈદેહીએ મને જણાવ્યું હતું કે વશિષ્ઠકુમાર વીસેક દિવસથી કંઈક વિચિત્ર રીતે વર્તતા હતા. તેઓ ખરેખર ખોટું બોલ્યા હતા? તેઓ IUPAPમાં જવાના જ નહોતા? તો તેઓ શું કરવા માંગતા હતા? તેઓ મારી નજર સમક્ષ બ્યોહારીની બસમાં બેઠા હતા. પછી શું થયું હતું? તેઓ કુખોઝૂ કેવી રીતે આવ્યા?
વશિષ્ઠકુમારના ચશ્મા તૂટી ગયા છે અને તેમનો થેલો ફંફોળવામાં આવ્યો છે. એનો અર્થ તો એ જ થાય કે વિરોધીપક્ષના લોકો વશિષ્ઠકુમાર પાસેથી કંઈક માંગતા હતા.
અહીં વૈદેહીની અને વૃંદાની શું જરૂર હતી? વિનયકુમારની ભાગીદારી શું હતી?
વશિષ્ઠકુમાર પોતાની મરજીથી અહીં નહોતા આવ્યા. ત્યાં પડેલા દોરડાના ટુકડાં એ સૂચવે છે કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ કામ વિરોધીપક્ષ દ્વારા જ કરવામાં આવ્યું હશે. પણ એ લોકોએ અપહરણ ક્યારે કર્યું? કેવી રીતે એ કામ પાર પાડ્યું? કાલે બપોરે મેં વશિષ્ઠકુમારને બસમાં બેસતા જોયા હતા. તેઓ બ્યોહારી પહોંચ્યા પછી તેમનું અપહરણ થયું હતું કે રસ્તામાં? આ લોકો ખરેખર ખતરનાક છે!
પણ... દોરડાના આ ટુકડાં..... હા,..... વૃંદાના ઘરમાં જોયા હતા. વૃંદા કુખોઝૂ જવાની હઠ કરતી હતી અને શયનખંડમાં પોતાની બૅગ ભરવા માટે ગઈ હતી ત્યારે તે પગથી આવા જ ટુકડાં દૂર ખસેડતી હતી. વીણામાસીના નિષ્પ્રાણ શરીરના હાથ-પગના કાંડા પર પણ કાળા નિશાન હતા. અર્થાત્, પોતાના જ ઘરમાં વીણામાસીને બાંધી રખાયા હતા. અહીં ટુકડાંની સંખ્યા જોતા લાગે છે કે બે વ્યક્તિઓના હાથ-પગ બંધાયા હશે. એ બે વ્યક્તિ કોણ?
થોડે દૂર એક છરો પડ્યો છે.... લોહિયાળ છરો....
છરો ઘણો મોટો છે. છરો કોઈકના લોહીથી રંગાયેલો છે. લોહી સૂકાઈ ગયું છે. અહીં પથરાળ ભોંય પર પણ સૂકાયેલું લોહી સ્પષ્ટ દેખાય છે. પેલું વરૂ આ લોહી સૂંઘી રહ્યું હશે.
પણ આ છરાએ કોઈનો જીવ લીધો હશે? એ પણ શક્ય છે કે માણસ મરે નહિ એવી જગ્યાએ ઊંડો પ્રહાર કરવામાં આવ્યો હોય. એ માણસ મર્યો નહિ હોય તો પણ એ ઘા એના માટે ખૂબ પીડાદાયક રહ્યો હશે. કોઈનો જીવ ન હણાયો હોય તો સારું.
વીણામાસીના ગળા પર પણ એક કાપો હતો, જેના કારણે જ તેમનું મૃત્યુ થયું હશે. પણ એ કાપો ખાસ ઊંડો નહોતો. છરો તો શરીરમાં ખૂબ ઊંડો ગયો હોય એવું લાગે છે. આમેય, મને લાગતું નથી કે વીણામાસીને અહીં લાવવામાં આવ્યા હોય. અહીં માથાના વાળ ખરેલા છે. વાળ લગભગ બે ઈંચ લાંબા છે અને સંપૂર્ણ સફેદ છે. મેં વિનયકુમારનો ફોટો જોયો હતો. તેમના વાળ સાવ ટૂંકા છે અને હજી સફેદ નથી થયા. આ વાળ વશિષ્ઠકુમારના જ છે.
તો, ખરેલા વાળ, તૂટેલા ચશ્મા અને ફંફોળાયેલો થેલો એ સૂચવે છે કે વશિષ્ઠકુમાર ને કોઈ કારણોસર ટોર્ચર કરાયા હતા.
હજી ત્યાં તપાસ બાકી છે.
ઓહ ગોડ! ઓપરૅશનના સાધનો.... નાની-મોટી કાતરો, બ્લૅડ્સ, ચીપિયા, ટાંકા લેવાની દોરી, એનેસ્થેસિયાની શીશી અને ઈન્જેક્શન. બ્લૅડ્સ અને કાતરોની ધાર પર લોહી ચોંટેલું છે. કાલે રાત્રે કોઈકનું ઓપરૅશન થયુ હતું? કોનું? કેમ? કોના દ્વારા? વિનયકુમાર દ્વારા? વૃંદાએ એ સાધનો ધ્યાનથી જોયા. એ સાધનો તેના પપ્પાના જ છે. વિનયકુમારે કોઈકનું ઓપરૅશન કર્યું હતું. પોતાની મરજીથી કે બળજબરીથી? અરે યાર, વાત વધુ ગૂંચવાતી જાય છે!
ત્યાં ભોંય પર કાળા લિસોટા શેના છે? પાંચેક સેન્ટિમીટર જાડા અને વર્તુળની ચાપ જેવા બે લિસોટા છે. હા, બાઈક સ્લીપ થાય ત્યારે જમીન સાથે ટાયર ઘસાવાથી આવા લિસોટા પડે. આ એનાં જ લિસોટા છે? હા, બાઈકના જ લિસોટા છે. વૃંદા કહે છે કે તેમના પરિવારમાં કોઈની પાસે બાઈક નથી. વિરોધીપક્ષ કુખોઝૂથી ભમરાહ સુધી અવરજવર કરવા માટે બાઈકનો ઉપયોગ કરે છે? પેલું પેટ્રોલ એના માટે જ હશે. પણ, એક વાત તો સ્પષ્ટ છે કે આ બાઈકની સગવડને કારણે કાલ રાતથી અત્યાર સુધીમાં વિરોધીપક્ષે ઘણા કામ કરી નાખ્યા હશે.
આ ડબ્બો.... ઘીનો ડબ્બો છે. હા, આ લોકોએ મશાલો સળગાવવા માટે ઘી વાપર્યું હતું. એ લોકોએ આ બધી તૈયારી પહેલેથી જ કરી રાખી હશે. રાત્રે ગુફામાં પ્રકાશ પાથરવા માટે કંઈક સગવડ કરવી પડશે એવો સામાન્ય તર્ક તો તેમને કર્યો જ હોય. એના અનુસંધાનમાં મશાલોની પૂર્વતૈયારી થઈ ગઈ હશે.
છેલ્લે, સિગારેટના ઠૂંઠા અને બાળેલા કાગળિયા મળ્યા. વૃંદા કહે છે કે તેના પપ્પા કે કાકા સિગારેટ નથી પીતા. વિરોધીપક્ષના માણસો સિગારેટ પીતા હશે. બળીને રાખ થઈ ગયેલા આ કાગળિયા અમને કંઈ જ માહિતી નહિ આપી શકે.
.....તપાસ પૂરી.
ગુફાની બહાર આવ્યા. સમય જોયો- 4.24
“આપણે ઝડપથી ઘરે પહોંચી જવું જોઈએ.” વૃંદાએ કહ્યું- “અંધારુ થઈ જશે તો પર્વતોના આકાર જોઈ નહિ શકાય. ઘરે નહિ પહોંચી શકીએ તો આખી રાત જંગલમાં રોકાઈને સવાર પડવાની રાહ જોવી પડશે. આખી રાત જંગલમાં વીતાવીએ તો આપણે સવાર જોઈ શકીશું કે કેમ એ પ્રશ્ન રહેશે!”
“નીકળીએ.”
“ફટાફટ!”
અમે ઉપડ્યા. વૃંદાએ પૂછ્યું-
“કુખોઝૂમાં આપણે તપાસ કરી તેના પરથી કેટલી સ્પષ્ટતા થઈ?”
“કાલે રાત્રે કંઈ એવી ગરમાગરમી થઈ હતી કે જેથી કોઈ બળવાન વ્યક્તિએ મશાલના દંડાનો જોરદાર ફટકો માર્યો.”
“બીજું?”
“વશિષ્ઠકાકા IUPAPમાં નથી જઈ શક્યા.”
“તેમનું અપહરણ થયું હશે.”
“બિલકુલ.” મેં કહ્યું.
“કાકાના અપહરણનું કારણ?”
“તેમની શોધ.”
“હં. ત્રીજું?”
“શોધ અંગે માહિતી કઢાવવા માટે વશિષ્ઠકાકાને ટોર્ચર કરાયા હતા.”
“ચોથું?”
“છરા દ્વારા કોઈક ઘાયલ થયું છે.”
“અથવા મર્યું છે.” તેણે કહ્યું.
“હું એવી અપેક્ષા નથી રાખતો.”
“અપેક્ષા નથી, શક્યતા છે. તેનો સ્વીકાર કરવો જ રહ્યો. ‘એ છરા પર ટૉમેટો-કૅચપ લગાડ્યો હશે’ એવું બોલવાથી મરેલો માણસ જીવતો નહિ થઈ જાય.”
“પાંચમું, તારા પપ્પાએ કોઈકનું ઓપરૅશન કર્યું હતુ.”
“ઓપરૅશન કરાવવામાં આવ્યું હતું.”
“વાક્યમાં કર્તાને નિમિત્ત બનાવવાથી ક્રિયાની અસર બદલાઈ નહિ જાય.”
“છટ્ઠું?”
“વિરોધીપક્ષ કુખોઝૂથી ભમરાહની યાત્રા માટે બાઈક વાપરે છે.” મેં કહ્યું.
“સાતમું, વશિષ્ઠકાકાના રિસર્ચપેપર્સ સળગાવી દેવાયા છે.” તેણે કહ્યું.
અમે ઝડપથી ચાલીએ છીએ. સૂર્ય ડૂબે એ પહેલાં અમે ભમરાહ પહોંચવા માંગીએ છીએ. મેં કહ્યું-
“કાલ રાતની ઘટના સ્પષ્ટ થતી નથી, વૃંદા!”
“આપણે ક્યાં કાબેલ જાસૂસ છીએ, યાર!”
“પણ આપણે જે તારણો કાઢ્યા એમાં વૈદેહીની તો ક્યાંય વાત જ ન આવી.”
“મારી મમ્મીની પણ વાત ન આવી.”
હું ઊભો રહી ગયો. વૃંદાને તો હજી ખબર જ નથી કે વીણામાસી હવે નથી રહ્યા. વૃંદા હજી તેના મમ્મીને મળવાની આશા રાખે છે. હું ક્યાં સુધી તેને આ વાતથી અજાણ રાખી શકીશ? મારે તેને કહી દેવું જોઈએ? હું વૃંદાને સંભાળી નહિ શકું, જ્યારે તે તેની માતાના મૃત્યુના સમાચર સાંભળીને રડતી હશે. પણ..... વૃંદા રડશે? એ જે હોય તે, મારે તેને અત્યારે તો એ વાત નથી જ જણાવવી.
“ઊભો કેમ રહી ગયો, વેદ?” જરા આગળ નીકળી ગયેલી વૃંદાએ મને બોલાવ્યો.
અમે ઝડપથી ચાલવા લાગ્યા.
ઘણું ચાલ્યા. અમે હાંફી ગયા છીએ.
“વૃંદા , હવે તો બેસવું જ પડશે.” મેં કહ્યું.
“દશ મિનિટ.” કહીને તે બેઠી.
હું બેઠો. બોટલમાં વધેલું પાણી અમે પીધું. બંનેની બોટલ ખાલી થઈ.
સૂર્ય સાવ નરમ તડકો વરસાવી રહ્યો છે. પવન ઠંડો થતો જાય છે. જંગલના પક્ષીઓનો વૈવિધ્યપૂર્ણ કલરવ સંભળાઈ રહ્યો છે. આ એ સમય છે જ્યારે જંગલી જાનવર નદીએ પાણી પીવા જતાં હશે. પેલા ઝરખથી તો અમે માંડ બચ્યા. વૃંદાએ ખરેખર ‘પરાક્રમ’ કર્યું કહેવાય! જ્યારે ઝરખને સામે ઉભેલું જોયું ત્યારે હું તો હોય એટલું જોર કરીને દોડવા સિવાય બીજું કંઈ જ વિચારી નહોતો શકતો.
“વશિષ્ઠકાકને તો તેં જોયેલા છે ને, વેદ?”
“હા.”
“પપ્પાને?”
“વૈદેહીએ ફોટો દેખાડ્યો હતો.”
“પપ્પા સામે આવે તો તું ઓળખી જાય?”
“હા.”
“એમના જેવો જ દેખાતો કોઈ માણસ સામે આવે તો?”
“તો કદાચ હું થાપ ખાઈ બેસું.” મેં કહ્યું.
“પપ્પાને ડાબા કાનની બૂટ પર તલ છે.”
“બરાબર.” મેં ઊભા થઈને કહ્યું- “ચાલ, નીકળીએ...”
“હજી સાત મિનિટ જ થઈ છે.”
“આપણે કોઈ જંગલી પ્રાણીનું ડિનર નથી બનવું.”
“માણસ જીવનની ટેવ જ ન પાડે તો મોતનો ભય રહે જ નહિ.” કહીને તે ઊભી થઈ.
“વાસ્તવિકતાના સંદર્ભે ટેવ પાડવા કે ન પાડવાનો વિકલ્પ જ ન હોય.”
અમે ભમરાહ તરફ ચાલ્યા.
“માણસ નાની અમથી બાબતોમાં પણ સુખ શોધવા માંડે છે. સુખના આવેશમાં જીવવું તેને ગમે છે. તેને નિરંતર સુખ જોઈએ છે. પણ એ તો મળવાનું નથી. વાસ્તવિકતા એ છે કે આ વિશ્વ દુઃખ તરફ ગતિ કરી રહ્યું છે. ‘દુઃખ જ વાસ્તવિકતા છે’ એમ સ્વીકારી લેવાથી, સુખની કોઈ જ આશા ન રાખવાથી જીવનમાં વારંવાર ઝાટકા ન ખાવા પડે.”
“સુખ આવેશ નથી, સહજ સ્થિતિ છે.” મેં કહ્યું- “માણસ અત્યારે અમુક પ્રકારના આવેશને સુખ માની બેઠો છે એ બહુ મોટી ભૂલ છે.”
“હું તો એકદમ સરળ વાત કરું છું, વેદ.” તેણે કહ્યું- “ફુગ્ગો ફૂલે તો ફૂટે. બિલકુલ માણસની જેમ જ. માનવ પણ સુખ નામના ભ્રમથી ફૂલાતો જાત અને પછી વાસ્તવિકતા તેને શૂળની જેમ ખૂંચે ત્યારે તે ધડાકાભેર ફાટે. વાસ્તવિકતાથી કોઈ ભાગી શકવાનું નથી. તો શું કામ ફૂલાવું? ફાટવા માટે? એટલે જ તો કહું છું, ફૂગ્ગો ફૂલે તો ફાટે. ફૂગ્ગો ફૂલે જ નહિ તો?”
“તો પડ્યો-પડ્યો કોહવાઈ જાય.”
તેણે ઝાટકા સાથે મારી સામે જોયું. બોલી- “કષ્ટ સહન કરીને ફાટવા કરતા કોહવાઈ જવું બેહતર છે.”
થોડો સમય અમે મૌન બની ચાલતા રહ્યા.
વૃંદા બોલી-
“ફૂલતી વખતે તો ફૂગ્ગાને પણ મજા આવે. પોતાનું કદ વધતું જોઈને એનેય પોતાના પર ગર્વ થાય. પછી તેનો રંગ આછો પડવા લાગે. તેનું રબર તણાવા લાગે. અસહ્ય તણાવ. એ સ્થિતિમાં તેને ક્યાંય સુધી રહેવું પડે, રહેવું જ પડે. લોકો એની સાથે રમત કરે. જરૂર હોય ત્યાં સુધી ઉપયોગ કરે તેનો.”
વૃંદા ખૂબ જ ગંભીરતાથી બોલી રહી છે. જાણે અંતરના ઊંડાણમાંથી શબ્દો શોધી લાવે છે અને મારી સમક્ષ રજૂ કરી રહી છે. તેણે આગળ ચલાવ્યું-
“વેદ, તારી પરિસ્થિતિ અત્યારે એવી જ છે. કોઈક ફૂલાવી રહ્યું છે તને.... શરૂઆતમાં તો તને પણ મજા આવી હશે.... રોમાંચ અનુભવાયો હશે..... પછી.... અત્યારે..... રંગ આછો પડવા લાગ્યો છે..... રબરની જાડાઈ ઘટવા લાગી છે..... તણાવ ઉત્પન્ન થવા લાગ્યો છે...... પછી... શું થશે..... વધુને વધુ તણાવ.... કોઈ મજા લેશે તારી..... રમાડશે તને.... જરૂર હશે ત્યાં સુધી તારો ઉપયોગ કરશે..... અને છેલ્લે.....”
તે ઊભી રહી ગઈ. મારા તરફ ફરી. તાકી રહી. જાણે તે આ ચહેરાને નથી જોઈ રહી. જાણે તે આ શરીરની મર્યાદાઓથી પાર જઈને મને જોઈ રહી છે. તેના હૈયામાં દબાયેલા મારા પ્રત્યેના સ્નેહભાવમાં તરબોળ થઈને શબ્દો તેના મુખમાંથી ટપકી રહ્યાં છે-
“ધડાકાભેર ફાટી જઈશ તું..... બધી જ હવા વાતાવરણમાં મુક્ત કરીને તું રબરનો ટુકડો બની જઈશ.... નકામું રબર... જેનું કોઈ મૂલ્ય નહિ.... જેને ગમે ત્યાં ફેંકી દેવાશે..... જે કચરા સાથે સડતું રહેશે.... લોકો તેની સામે નજર પણ નહિ કરે..... એ ફૂગ્ગો એક ઈતિહાસ બની જશે અને અમુક સમય પછી એ ઈતિહાસ ભૂલાઈ જશે.... જાણે કંઈ હતું જ નહિ.... કોઈ ફૂગ્ગો નહોતો.... તું ઉકરડામાં પડ્યો પડ્યો સડતો રહીશ અને આ દુનિયા તો ચાલતી જ રહેશે.... એટલે કહું છું, વેદ.... ન ફૂલાઈશ.... મારી વાત માની લે.... સ્વીકારી લે કે દુઃખ જ વાસ્તવિકતા છે....”
“ફૂટવાની બીકે ફૂલાવું જ નહિ એ કાયરતા છે, વૃંદા!”
વૃંદા મૌન રહી. મારી વાત તેને સ્પર્શી હોય તેવું લાગ્યું.
“ફૂગ્ગો ફૂલે કે ન ફૂલે રબર તો એક દિવસ કોહવાશે જ.” મેં કહ્યું- “પણ હવા નિરંતર છે, વૃંદા, સુખ નિરંતર છે જ. તેને ઓળખવાની જરૂર છે. ફૂગ્ગો હવાને પોતાની અંદર ન સ્વીકારે તો પણ એ હવાથી ઘેરાયેલો તો રહેશે જ. સુખથી તેનું વિલગીકરણ શક્ય જ નથી. ને રબર તો નશ્વર છે જ! પણ એ નિરંતર અને અનંતને પોતાનામાં અનુભવીને ફૂલાવું એ ફૂગ્ગાનો ધર્મ છે.”
“એ ધર્મનું પાલન કરનાર ફૂગ્ગાને શું મળે છે?”
“સુખ. એ નિરાકારનો સ્વયંમાં અનુભવ કરવો એ જ તો સુખ છે.”
વૃંદા ફરી મૌન રહી. મેં કહ્યું-
“વિવિધ રંગના ઘણાં બધાં ફૂગ્ગાઓ એક જગ્યાએ ભેગા થાય તો કેવું સુંદર લાગે?”
“એ માટે ફૂગ્ગાઓ ભેગા થવા જોઈએને!”
“એક ફૂગ્ગો પણ પોતાનું કામ કરી શકે. કોઈ નાના બાળકને એ ખુશ કરી શકે.”
“એ જ તો....” તે બોલી- “ફૂલેલા ફૂગ્ગા સાથે તો ટેણિયાં પણ રમત કરી શકે. ન ફૂલેલા ફૂગ્ગાને ફૂલાવવા માટે તો તાકાત જોઈએ.”
“તેને પણ ફૂલાવી તો શકાય.....”
મારું આ વાક્ય... ન ફૂલેલા ફૂગ્ગાને ફૂલાવી તો શકાય જ.... હા, વૃંદાને સુખ તરફ લઈ જઈ શકાય....
“આગળ વધીશું?” તેણે પૂછ્યું.
“વધવું જ પડશે...”
હા, હકારાત્મકતા વિશે મેં જેટલું ચિંતન કર્યું છે તે બધું હું હજી આચરણમાં નથી લાવી શક્યો. અર્થાત્, હું હજી પૂર્ણતા સુધી નથી પહોંચ્યો. મારાથી ભૂલો થઈ જાય છે. બ્યોહારી રેલવે-સ્ટેશન પર હું હતાશ થઈ ગયો હતો. વૈદેહીને બચાવવા કૂદ્યો ત્યારે હું તેના પ્રત્યે આકર્ષાઈ હયો હતો. તેણે મારી મદદ લેવાની ના પાડી ત્યારે હું ગુસ્સે થઈ ગયો હતો. તેની આપવીતી સાંભળતી વખતે હું તેના પર ચીડાયો હતો. ઝરખ જોઈને હું ભયભીત થઈ ગયો હતો. અવનીએ પણ આ વાત પ્રત્યે મારું ધ્યાન દોર્યું હતું. મારા વિચારો મને સંતોષકારક લાગી રહ્યાં છે પણ મારું આચરણ હજી અપરિપક્વ હોય તેવું દેખાય છે. પણ હું સાચા રસ્તે જઈ રહ્યો છું એવો મને વિશ્વાસ છે. સ્વયંના સતત મૂલ્કાંયકને આધારે હું કહી શકું છું કે, ‘મારામાં જે પરિવર્તનો આવી રહ્યાં છે તે જોતાં મને લાગે છે કે એક સમય એવો આવશે કે જ્યારે મારું આચરણ સંપૂર્ણપણે માનવીય હશે’.
વૃંદા સાથેનો મારો સંબંધ કંઈક અલગ છે. અમે આજે સવારે જ મળ્યા. અમે સાત-આઠ કલાકથી એકબીજાની સાથે છીએ. છતાંય એવું લાગે છે કે અમે વર્ષોથી સાથે છીએ. અમે એકબીજાની વિચારધારા બદલવા માટે આટલી મહેનત કેમ કરીએ છીએ? મારે જીવનસાથી તરીકે કેવી છોકરી પસંદ કરવી એ અંગે હું સ્પષ્ટ છું. જેની સાથે મળીને હું આદર્શ પરિવાર રચી શકું, જે આ સમજણયાત્રામાં મારી સહયાત્રી બનવાને લાયક હોય અને જે મને પોતાનો સહયાત્રી બનાવવા માંગતી હોય તેવી છોકરીને હું પરણીશ. કોલેજમાં ભણતી ઘણી છોકરીઓ પ્રથમ નજરે લગ્નને લાયક લાગેલી. જરા વધારે પરિચય થતાં જ સમજાઈ જતું કે આ સંબંધ ‘મિત્રતા’ સુધી સિમિત રાખવામં જ ભલાઈ છે. પણ વૃંદા..... જેમ જેમ તેની વધુ નજીક જતો જઉં છું તેમ તેમ તે મને વધુને વધુ યોગ્ય લાગતી જાય છે. વૃંદા એવી પહેલી છોકરી છે, જેનામાં હું આ હદે ઓતપ્રોત થયો હોઉં. ને હા, વૃંદા એવીય પહેલી છોકરી છે, જે આ હદે મારામાં રસ લેતી હોય! સૌથી વધુ અગત્યની વાત એ છે કે આ સંબંધ શારીરિક આકર્ષણ આધારિત નથી. આ સંબંધ સમજણ આધારિત છે. એટલે જ તો અમે હજી સુધી એકબીજાના રૂપ કે કપડાં અંગે કોઈ ટિપ્પણી નથી કરી. અમે એકબીજાના ભાવ અને વિચારો અંગે જ સંવાદ કર્યો છે. ભલે અમારા વિચારો તદ્દન વિરુદ્ધ છે પણ અમે એકબીજાને સ્વીકારીએ છીએ. એટએ જ તો અમે એકબીજાને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ.
મુખ્ય પ્રશ્ન એ છે કે વૃંદા ભ્રમમાં કેમ જીવે છે? અલબત્ત, એ મને ભ્રમ લાગે છે, એને તો એ જ સાચું લાગે છે! તેને એમ લાગે છે કે હું ભ્રમમાં જીવું છું. બંને એકબીજાના જીવનમાં પ્રકાશ પાથરવા માટે મથી રહ્યાં છીએ..... પ્રકાશ પથરાયો..... પાછળથી પીળો પ્રકાશ ફેંકાયો.... આછા અજવાળામાં અમારા લાંબા પડછાયા રચાયા... અમે ઊભા રહી ગયા. પાછળ ફર્યા.
એક બાઈક આ તરફ આવી રહ્યું છે.
“વૃંદા.....” મેં બાઈક તરફ જ નજર રાખીને પૂછ્યું.
“હં?...”
“ભમરાહમાં કોઈના ઘરે બાઈક છે?”
“સાઈકલ પણ નથી.”
“તો....”
“બરાબર વિચારી રહ્યો છે તું...”
“ભાગીશું?”
“પૂછવાનું હોય?”
અમે અવળાં ફર્યા....
“પ્લીઝ, સ્ટોપ!” પાછળથી બૂમ આવી.
અમે બાઈક તરફ ફર્યા. અમારાથી ચાર-પાંચ ફૂટ દૂર બાઈક ઊભું રહ્યું. હેડલાઈટને કારણે બાઈકસવાર દેખાતો નથી. બાઈક બંધ કરાયું. હવે જોઈ શકાય છે કે બાઈક પર બે માણસો છે. પાછળ બેઠેલ માણસ ઉતર્યો અને મારી તરફ દોડ્યો. ફોર્મલ પેન્ટ-શર્ટ અને મોટી ફાંદવાળો એ માણસ મારી નજીક આવી ગયો.
“વેદ...” કહેતો તે મારા પર કૂદ્યો.
હું બચી શકું તે પહેલા જ તે મારા પર આવી પડ્યો. મને તેના જાડા શરીરનો ધક્કો વાગ્યો. હું સંતુલન ન જાળવી શક્યો. હું પાછળની તરફ પડ્યો. પીઠ પર બૅગ ભરાવેલી હોવાથી હું અવ્યવસ્થિત રીતે પછડાયો. તે મારી ઉપર પડ્યો છે. મેં તેનો ચહેરો જોયો..... શ્યામ ચહેરા પર ગોઠવાયેલી મોટી લાલ થઈ ગયેલી છે.... જાડા હોઠ અને જાણે ચીમળાઇ ગયા હોય તેવા કાન પર પણ નજર ફરી...... માથાના વચ્ચેના ભાગે ટાલ છે.....
“પપ્પા...” વૃંદાનો અવાજ આવ્યો.
હા, આ વિનયકાકા જ છે. પણ તેઓ મને કેમ પોકારતા હતા? વિનયકુમારે તેમની દીકરીને ભેટવું જોઈએ! તેઓ મને કેમ....? તેઓ મને ઓળખે જ કઈ રીતે?
“પપ્પા...” વૃંદા અમારી બાજુમાં આવીને ઘુંટણિયે બેઠી.
“તમે ડૉ.વિનય છો?” મારાથી પૂછાઈ ગયું.
“તું છેતરાઈ રહ્યો છે, વેદ!” તેમણે કહ્યું.
“શું કહો છો? મને કંઈ સમજાતું નથી.” મેં કહ્યું- “અને મને ભાર લાગે છે તમારો!”
“તમે શું બોલો છો, પપ્પા?” વૃંદાએ વિનયકાકાને ઢંઢોળ્યા.
“તું આઘી મર....” કહેતાં વિનયકુમાર મારા પરથી ખસ્યા અને અવળા હાથે એક લાફો વૃંદાને ઠોકી દીધો!
“અરે, આ તમે શું કરો છો?” પૂછતો હું બેઠો થયો.
“તું છેતરાઈ રહ્યો છે, દીકરા!” તેમણે ફરી એ જ રટણ ચાલુ કર્યું.
“તમને શું થઈ ગયું છે, પપ્પા?” કહીને વૃંદાએ તેમને ઢંઢોળ્યા.
“છોડ મને, નાલાયક!.... છોડ!” તેઓ બૂમો પાડતા રહ્યા.
“પપ્પા.... તમે આ બ-” વૃંદા વાક્ય પૂરું કરે એ પહેલાં બીજી એક ઝાપટ વિનયકુમારે તેને મારી.
વૃંદા ડાબી બાજુ પડી ગઈ. આ દરમિયાન મારું ધ્યાન બાઈક પાસે ઊભેલા માણસ પર ગયું. તે માણસ ખાસો ઊંચો અને પડછંદ છે. તે વૃંદા તરફ દોડ્યો. દરમિયાન વિનયકુમારે મને બંને ખભેથી પકડ્યો અને જરા ધૂણાવ્યો. પેલો પડછંદ માણસ વૃંદાની પાસે ગયો અને તેને બેઠી કરી. વિનયકુમારે મને ફરી એ જ વાક્ય ઉચ્ચાર્યું-
“તું છેતરાઈ રહ્યો છે, વેદ!”
“તમે કંઈ સ્પષ્ટતા કરશો?”
તેઓ બે ઘડી મૌન રહ્યા અને પછી કાનના પડદા ફાડી નાંખે તેવી રાડ નાંખી-
“આ.... વૃંદા..... નથી.....
“શુંઉંઉંઉંઉં.....?” જાણે મારા માથે વીજળી પડી......
“હા, આ આતંકવાદી છે.......”
જાણે આખું જંગલ ભડકે બળવા લાગ્યું છે અને હું એમાં હોમાઈ ચૂક્યો છું....
“મારે કોઈ દીકરી છે જ નહિ....” વિનયકુમાર બોલતા રહ્યા- “હું નિઃસંતાન છું. આ લોકો તને છેતરી રહ્યા છે. આ છોકરી આતંકવાદી છે. એનું નામ મૅર્વિના છે. આ બાઈકવાળો પણ આતંકવાદી જ છે. તને છેતરી રહ્યા છે આ લોકો.”
મને કંઈ સૂઝતું જ નથી. જાણે હું અહીં હાજર જ નથી. આ બધું થઈ રહ્યું છે અને નીરખી રહ્યો છું... મને મારી હાજરીનું કંઈ ભાન નથી રહ્યું.
“વૃંદા....” કોઈ નવો અવાજ.
યાંત્રિક રીતે જ મારું માથું એ અવાજ તરફ ફર્યું. પેલો મહાકાય માણસ વૃંદાને બાવળેથી પકડીને સહેજ ઢંઢોળી રહ્યો છે. વૃંદા મારી સામે ફાટી આંખે જોઈ રહી હતી. હવે તેણેએ એ માણસ સામે જોયું. એ માણસ અંગ્રેજીમાં બોલ્યો-
“વૃંદા, હું વેદ.”
“હેં?” હું અને વૃંદા એકસાથે બોલી ઉઠ્યાં.
“હું ગુજરાતથી આવ્યો છું.” તેણે ચાલુ રાખ્યું- “મને ખબર નહોતી કે ટ્રેન આટલી મોડી પડશે.”
અરે, આ શું બકી રહ્યો છે? વિનયકુમારે મારું માથુ પકડ્યું અને પોતાની તરફ ફેરવ્યું. બોલ્યા-
“તું એની વાત ન સાંભળીશ, વેદ. એ બંને નાટક કરી રહ્યા છે. હું વિનયકુમાર છું અને તું વેદ છે. આ બંને આતંકવાદીઓ છે. આ પઠ્ઠો ગપ્પાં મારે છે. આ છોકરી પણ નાલાયક છે.”
“વૃંદા, હું વેદ છું.” પઠ્ઠા એ અંગ્રેજીમાં વાત ચાલુ રાખી- “હું તારી અને વૈદેહીની મદદ કરવા આવ્યો છું. આ ડોસો તારો બાપ નથી. એ આતંકવાદી છે. પોતાને વેદ ગણાવતો આ છોકરો પણ આતંકવાદી છે. તેનું નામ અશફાક છે. આ લોકો તને છેતરે છે, વૃંદા!”
“ખોટી વાત.” વિનયકુમારે કહ્યું- “આ બંને મહાભયંકર આતંકવાદીઓ છે, વેદ. તું ચાલ મારી સાથે. આપણે અહીંથી ભાગી જઈએ. નહિંતર આ લોકો આપણને મારી નાંખશે.”
“આ ડોસો ખતરનાક છે, વૃંદા” પઠ્ઠાએ અંગ્રેજીમાં કહ્યું- “આ છોકરો પણ લુચ્ચો છે. તું ચાલ મારી સાથે. હું તને અને વૈદેહીને બચાવી લઈશ.”
“આ એમની ચાલ છે, વેદ.” વિનયકુમારે કહ્યું- “તને એમના રસ્તેથી દૂર રાખવા માટે એ લોકો આ બધું કરી રહ્યા છે.”
બંને બોલતા રહ્યા.
મેં વૃંદા સામે જોયું. તેણે મારી સામે જોયું. અમે એકબીજા સામે બે ઘડી જોઈ રહ્યા. જાણે ભાષા વિના જ કંઈક વાત થઈ. અમે એકબીજાની વાત સાંભળી પણ લીધી. એટલે જ મને યાદ આવ્યું કે વિનયકુમારના ડાબા કાન પર તલ છે. વૃંદાને પણ આવો જ કોઈ વિચાર આવ્યો. તેણે પઠ્ઠા સામે જોયું અને કંઈક વાત શરૂ કરી. મેં વિનયકુમાર સામે જોયું અને બોલ્યો-
“તમારી વાત સાચી લાગે છે, કાકા. સારું થયું તમે મને ચેતવી દીધો.”
“સરસ!” તેઓ ખુશ થઈને બોલ્યા- “ચાલ, ભાગીએ અહીંથી.”
“પણ એક મિનિટ.... આ તમને કાન પર શું થયું?”
“ક્યાં?” તેમણે તેમનો ડાબો હાથ કાન પર મૂક્યો અને કાન તપાસવા લાગ્યા.
એ દરમિયાન મેં ટૉર્ચ કાઢી.
“અહીંયા...” કહેતો હું તેમના ડાબા કાનની નજીક ગયો અને ટૉર્ચનો પ્રકાશ પાડ્યો.
“શું થયું છે?” તે બોલ્યા- “જલદી કર, આ લોકો આપણને મારી નાંખશે.”
કાન પર તલ નથી.
(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED