Vaidehi ma vaidehi - 9 books and stories free download online pdf in Gujarati

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-9)

પ્રકરણ – 9

“કેમ છે, વેદ.....” પાછળથી અવાજ આવ્યો.

ચમક્યો. પાછળ ફરી જવાયું. ફાનસનાં અજવાળે એક ચહેરો દેખાયો..... હું હેબતાઈ ગયો.... જાણીતો ચહેરો..... મલકાતો ચહેરો..... મોહક ચહેરો...... અજબ છટાઓ..... ગજબ વ્યક્તિત્વ...... બીજું કોઈ નહિ.... એ જ...... અનન્ય.... અનુપમ..... અદ્ભૂત..... અવની.......
“અવની..... તું?”
“હા....” માથું એક તરફ ઢાળીને મીઠા લ્હેકા સાથે તેણે જવાબ આપ્યો.
હું ડઘાઈ ગયો છું. એટલાં બધાં પ્રશ્નો એકસાથે પુનઃજાગૃત થયાં છે કે કયો પ્રશ્ન અવનીને પૂછું એ જ નક્કી થતું નથી. માંડ-માંડ એક પ્રશ્ન બહાર ટપક્યો-
“તું અહીં ક્યાંથી?”
“વેદ, ભમરાહમાં આવવા માટે કંઈ વીઝાની જરૂર ન પડે!”
“આવી ભયંકર સ્થિતિમાં મજાક ન કરીશ, પ્લીઝ!”
“ભયંકર? ના, એટલી બધી પણ ઠંડી નથી પડતી ભમરાહમાં!”
હું મૌન રહ્યો. અવનીની સામે ઘૂરતો રહ્યો.
“કેવી લાગી વૈદેહી?” તેણે પૂછ્યું.
“સુંદર અને.....”
“અને?”
“ડોબી પણ.”
અવની હસી. હસી રહી. બોલી-
“એ ડોબી છે કે આપશ્રીની અપેક્ષાઓ ઊંચી છે?”
અવનીની વાત તો સો ટકા સાચી છે. મેં આવું તો વિચાર્યું જ નહોતું. સંબંધો અપેક્ષાઓ આધારિત બની જતાં હોય છે. અપેક્ષાઓ નીચી તો હોતી જ નથી! સામેની વ્યક્તિ મારી કેટલી અપેક્ષાઓ સંતોષે? અપેક્ષાઓ અધૂરી રહી જાય એટલે એને નકામો કે નકામી ગણવા લાગીએ છીએ અને સંબંધોમાં ભંગાણ પડે છે. વૈદેહી બાબતે પણ એવું જ થઈ રહ્યું હતું. અવનીએ મારું ધ્યાન દોર્યું. થેંક્સ, અવની! તે આગળ બોલી-
“વેદ, તારા જીવન પ્રત્યે તું સભાન છે એ વાત ખરેખર સારી છે. તારાં વિચારો ઘણાં સારા અને વ્યવસ્થિત માર્ગ પર ગતિ પામી રહ્યા છે. મારે તને એક સૂચન એ કરવું છે કે તું તારા આચરણ પર પૂરતું ધ્યાન આપવાનું શરૂ કર. કાલ સાંજ સુધી વાતાવરણ અનુકૂળ હતું, જેથી તું વ્યવસ્થિત જીવી શકે. કાલ સાંજે તને પત્ર મળ્યો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તું અમુક વખત ગુસ્સે થયો, અમુક વખત નિરાશ થયો અને વૈદેહીને બચાવ્યાનો અહમ્‌ પણ અજાણતાં તેં અપનાવી લીધો છે. ખરું કહ્યું ને? હું તને વઢતી નથી! તારી ઉંમરનાં મોટાભાગના યુવાનોના પ્રમાણમાં તારી સમજણ ઘણી સારી છે. એમાં એક પગલું આગળ વધવાની વાત હું તને સૂચવી રહી છું.”
મેં જરા વિચારીને કહ્યું- “બિલકુલ સાચી વાત કહી... મારે આ બાબતે જાગરૂકતા કેળવવી પડશે.”
“ચાલો, હવે બીજી વાત....” તે બોલી- “વેદ, તારે વૈદેહીની મદદ કરવાની છે.”
“હુકમ કરે છે?” મેં વટથી પૂછ્યું.
“હાસ્તો! તને બીજું કંઈ લાગ્યું?”
“ભલે!” મેં તેની આજ્ઞા સ્વીકારતાં કહ્યું- “પણ કઈ રીતે મદદ કરું?”
“એ તો તારો પ્રશ્ન છે!” માથુ પેલી તરફ ફેરવીને તેણે જવાબ આપ્યો.
“એ હેલો....”
“હા, બોલો.....” મારી સામે ફરીને તેણે કહ્યું.
“...... જબરી છે તું!”
“થેંક્સ!” આંખ મીંચકારીને તે બોલી.
હવે હું હસ્યા વિના રહી ન શક્યો. અમે બંને સહેજ હસ્યાં. પછી મેં ગંભીર થઈને કહ્યું-
“જો અવની, તારી આગળ ખોટું નહિ બોલું પણ-”
“બોલી પણ નહિ શકે!”
“એકાદ વાત તો કાપ્યા વગરની રાખ, અવની!”
તે સહેજ મલકી. હું બોલ્યો-
“તું આ બધું કઈ રીતે જાણે છે એ હું નથી જાણતો પણ તું બધું જાણે છે એ હું જાણું છું.”
“વાહ!” એક હાથ ઊંચો કરીને તેણે દાદ આપી!
“અવની, તું જાણે છે કે મારા મનમાં કેટલાં પ્રશ્નો વંટોળની જેમ ઘૂમરાઈ રહ્યાં છે. મને અંદાજ છે કે પ્રશ્નોનો આ જથ્થો હજી વધવાનો છે. પ્રશ્નોના જથ્થામાં કેટલો વધારો થવાનો છે એ તું તો જાણતી જ હોઈશ. હું એકસાથે આટલો બધો ભાર ન સહી શકું. શક્ય હોય તેટલાં પ્રશ્નોનાં જવાબ આપી દે ને, પ્લીઝ!”
અવની ચૂપ રહી. સહેજ બાજુમાં તેની નજર સ્થિર છે. તે કંઈક વિચારી રહી છે. એમ વિચારતી હશે, ‘વેદને કંઈ કહેવું જોઈએ? કેટલું કહેવું જોઈએ?’
હું એક કામ કરું? ટ્રેનમાં મને બેભાન કરનાર બુરખાવાળી કન્યા અવની નહોતી તેની ખાતરી કરી લઉં. પણ કેવી રીતે? મેં એ છોકરીની ત્રણ બાબતો નોંધી હતીઃ એક, લાલ રંગે રંગેલા નખ; બે, જમણા હાથની પ્રથમ આંગળીમાં વીંટી; ત્રણ, ભૂરી કીકી. ફાનસના આછા અજવાળામાં અવનીની કીકીનો રંગ સ્પષ્ટ દેખાતો નથી. માથુ તેના જમણા હાથની નજીક લઈ જઈ શકું તો બાકીની બંને બાબતોની ચકાસણી થઈ શકે. અવનીને ખબર ન પડવી જોઈએ. કઈ રીતે તેનાં જમણા હાથની નજીક જઈશ?
હા, મને ઘુંટણ પાસે ખંજવાળ આવે એ એવો ઢોંગ કરીને નીચો નમું અને તેનો જમણો હાથ જોઈ લઉં. મેં અમુક પ્રશ્નોના જવાબ અવની પાસેથી જાણવાની અપેક્ષા વ્યક્ત કરી છે. અવની તે વિશે વિચારે છે. તે વિચારોમાં મગ્ન છે ત્યાં સુધી મારી પાસે સારી તક છે. આ તકનો લાભ લેવો જોઈએ.
હું ઝાટકા સાથે નીચો નમ્યો અને ઘુંટણ પાસે ખંજવાળવા લાગ્યો. મારા બીજા હાથમાં ફાનસ છે. એ હાથ સહજ રીતે નીચે આવ્યો. ફાનસ અવનીના હાથ પર પ્રકાશ ફેંકે છે. મેં જોયું. અવનીના નખ લાલ રંગે રંગેલા છે અને પહેલી આંગળીમાં વીંટી છે. તેના ડાબા હાથ પર નજર ફેંકી લીધી. તે હાથની મુઠ્ઠી વાળેલી હોવાથી નખ દેખાતા નથી. હું સીધો થયો. અવની મારી સામે જોઈ રહી છે. તેને સંદેહ ન થાય માટે બોલ્યો-
“નદીમાં કૂદ્યો હતો ને..... ત્યારથી શરીરે ખંજવાળ આવવા લાગી છે.”
“ફાનસ મારા ચહેરાની નજીક લાવ, વેદ!” સહેજ મલકીને તે બોલી- “જો, મારી કીકી ભૂરી નથી!”
હચમચી ગયો! હોઠ સીવાઈ ગયાં.
એક મિનિટ.... અવનીને એ કેવી રીતે ખબર કે હું તેની સરખામણી ટ્રેનમાં આવેલી છોકરી સાથે કરું છું? અવનીને એ કઈ રીતે જાણ છે કે એ છોકરીની કીકી ભૂરી હતી? અવની એને ઓળખે છે?
“જો સહન કરવાની તૈયારી હોય...” તે બોલી- “તો વધુ એક ઝાટકો આપું?”
“ચોક્કસ આપ!” હું અધીરો થયો- “સહન થાય કે ન થાય, જિજ્ઞાસા સંતોષાશે.”
“આ જો!” કહીને તેણે ડાબો હાથ મારી સામે ધર્યો. હમણાં સુધી એ હાથની મુઠ્ઠી બંધ હતી. એ હાથ મારી સામે ધરીને તેણે મુઠ્ઠી ખોલી. એક નાનકડી ડબ્બી છે. મેં ખાલી હાથે એ ડબ્બી લીધી.
“લાવ, ફાનસ પકડું.”
એમાં શું છે એ જોવા હું અધીરો બન્યો છું. વધુ એક આઘાત સહન કરવા હું અધીરો બન્યો છું. તેને ફાનસ આપીને મેં એ ડબ્બી ખોલી..... ....આઈ-લેન્સ... ભૂરા રંગનાં આઈ-લેન્સ... ખરેખર, જબ્બર ઝાટકો વાગ્યો...
“એટલે.... એ... તું જ?” હું નીચે બેસી પડ્યો.
“હા....” એમ જ ઊભી રહીને માથુ એક તરફ ઢાળીને મીઠા લ્હેકા સાથે તે બોલી.
“શું હા?” હું નીચે બેઠો-બેઠો તેની સામે દયામણા ચહેરે જોઈને બોલ્યો- “કેવો માર્યો’તો મને? બીજા દિવસે સવારે બગાસું પણ નહોતો ખાઈ શક્યો.”
“જો વેદ..” તે મારી સામે બેસીને બોલી- “હું તને મારવા માટે નહોતી આવી. હું તેને બેભાન કરવા માટે આવી હતી. તું શૂરવીરતા દેખાડવા લાગ્યો. એટલે જરાક અમથો ફટકારવો પડ્યો!”
“જરાક અમથો?”
“હાસ્તો!” તે ચાળા કરતી બોલી- “જરાક અમથો જ કહેવાય ને? તારું એકેય હાડકું ભાંગ્યું?”
હું ફરીથી તેને ઘૂરતો રહ્યો. સહેજ આગળ નમીને તે પોતાનો એક હાથ મારી નજીક લાવી. ગાલ પર ચૂંટલો ભરીને મારું માથુ સહેજ હલાવતાં બોલી- “સોઓ....રીઈઈઈ!”
હું હસવું રોકી ન શક્યો, સહેજ મલક્યો. મારો ગાલ છોડીને તે પાછી ગઈ અને વ્યવસ્થિત બેઠી. તેણે પણ મારી સામે સ્મિત વેર્યું. મારા મનમાં જૂનાં પ્રશ્નો તાજાં થયાં. મેં પહેલો પ્રશ્ન પૂછ્યો-
“કાલે રાત્રે તારી સાથે બીજું કોણ હતું? મને એ ખ્યાલ છે કે બે માણસો મને ઉંચકીને લઈ જતાં હતાં. એ બીજી વ્યક્તિ કોણ?”
“પાઠક સાહેબ.” એ બોલી- “અમે બંનેએ તને બીજી ટ્રેનમાં ખસેડ્યો હતો.”
“ખૂબ જ અગત્યનો પ્રશ્ન..” કહીને મેં પૂછ્યું- “શંખેશ્વરથી ભમરાહ પહોંચવાનું સંપૂર્ણ આયોજન પત્રમાં લખેલું હતું. પત્રમાં એવું ન લખાય કે રાત્રે ટ્રેન બદલવાની છે? બીજી ટ્રેનની ટિકિટ પણ પત્ર સાથે મોકલી ન દેવાય? મને જાતે ટ્રેન બદલતા આવડે! મને બેભાન કરવાની શું જરૂર પડી? તારે અને પાઠક સાહેબને મહેનત કરવી પડી. મને તો તકલીફ થઈ જ! આવું કેમ કર્યું?”
“બહુ સરસ પ્રશ્ન કર્યો!” તે ખુશ થઈને બોલી.
“આભાર!” મેં કહ્યું- “શીખી રહ્યો છું!”
“શીખતો રહે!”
“હવે તું જવાબ પણ સારો આપજે, અવની! પ્રશ્નનું માન રાખજે.”
“ચોક્કસ! એવું એટલા માટે કર્યું...” તેણે જવાબ આપ્યો- “પત્ર લખનારને એ ખબર નહોતી કે વૈદેહી બપોરે આપઘાત કરવાની છે. એટલે આયોજન એવું બન્યું હતું.”
“કેવું?”
“તને જે ટ્રેનમાં બેસાડ્યો હતો એ ટ્રેનની સંપૂર્ણ વિગતો અમે મેળવી હતી. અમને અંદાજ હતો જ કે ટી.સી. આવશે પછી તારી ઊંઘ ઊડી જશે. સ્પષ્ટ હતું કે કોઈ પણ માણસ આવી સ્થિતિમાં એક જ નિર્ણય લે, ‘હવે આગળ નથી જવું.’ અમે એ માહિતી પણ લાવ્યા હતાં કે ટી.સી. ક્યારે ટિકિટ ચેક કરવા આવશે. ટી.સી. આવે એ પછીના સ્ટેશને તું ઊતરી જઈશ એ નક્કી હતું. એ સ્ટેશને તને એક માણસ મળવાનો હતો અને આગળની વિગત કહેવાનો હતો. ત્યાંથી બ્યોહારીની ટ્રેનમાં તારે બેસવાનું હતું. આવું આયોજન હતું. પણ એ ટ્રેન તને આજે સાંજે સાડા આઠ વાગ્યે બ્યોહારી પહોંચાડવાની હતી. વિચાર, તું ભમરાહ ક્યારે પહોંચે? હજીય તો બ્યોહારીથી માહગાઢની બસમાં બેસીને નીકળ્યો હોત. રાતના અંધારામાં તારે પર્વત ફરીને આવવું પડત. મારા અંદાજ પ્રમાણે તું રાતનાં બાર વાગ્યે ભમરાહ પહોંચત. વૈદેહી તો ક્યારનીય તણાઈ ગઈ હોત! એટલે મેં આયોજનમાં ફેરફાર કર્યો.”
“પણ.....” હું વિચારોમાં જ ડૂબેલો રહ્યો અને પૂછ્યું- “પણ તને એટલી વહેલી કેવી રીતે ખબર પડી ગઈ કે વૈદેહી આજે બપોરે બે વાગ્યે આપઘાત કરશે? અને તેં એવી તે કેવી ટ્રેન બદલી કે હું રાતના સાડા આઠને બદલે સવારના દશ વાગ્યે, સાડા દશ કલાક પહેલાં, બ્યોહારી પહોંચી ગયો? ને પત્ર લખનારનું આયોજન મને રાતના સાડા આઠ વાગ્યે બ્યોહારી પહોંચાડવાનું હતું તો, પત્રમાં બ્યોહારી પહોંચવાનો સમય દશ વાગ્યાનો કેમ લખ્યો હતો?”
“વેદ, મેં તને પહેલેથી જ તો કહ્યું છે....” પોતાની ગરદન પર હાથ ફેરવીને તે બોલી- “મારા વિશે વધારે ન વિચારીશ. હું એક સમયે તારાં બધાં જ પ્રશ્નોનું સમાધાન કરી દઈશ. તું અત્યારથી એ વિશે ના વિચારીશ, ગાંડો થઈ જઈશ.”
“જબરી છે તું ય!” હું સ્વસ્થ થઈને બોલ્યો- “ગાંડા કરી નાખે છે માણસોને!”
તે ખડખડાટ હસી. ભમરાહની શાંતિમાં તેનું મધુર હાસ્ય ચોમેર ફેલાયું હશે.... કોઈ પર્વત પરથી વહેતા ઝરણાંના કર્ણપ્રિય ધ્વનિની જેમ. મેં પૂછ્યું-
“આ બધું આયોજન છે કોનું?”
તે મોં પર આંગળી રાખીને બેસી ગઈ!
“પત્ર કોણે લખ્યો છે?”
તે એમ જ બેસી રહી!
“તું વિરમગામ રેલવે-સ્ટેશન પર કેમ આવી હતી?”
હવે આંગળી મોં પરથી ખસેડીને તે બોલી.
“ત્યારે હું કેમ આવી હતી એ પ્રશ્ન તને થાય છે પણ.... હું અત્યારે કેમ આવી છું..... એ પ્રશ્ન......”
“ક.....કેમ?” હું ગભરાયો.
તે મારી તરફ નમી. મને આગળ આવવા ઈશારો કર્યો. હું આગળ નમ્યો. અમારા ચહેરા નજીક આવ્યાં. તે સાવ ધીમા અવાજે બોલી-
“વેદ, વૈદેહી ક્યાં ગઈ?....”
હું ટટ્ટાર થયો. અવની પણ ટટ્ટાર થઈ. હું ઊભો થયો. ફાનસ લઈને બેઠકખંડમાં આવ્યો. વૈદેહી અહીં નથી. રસોડામાંથી ઝાંખો પ્રકાશ આવી રહ્યો છે. હું રસોડામાં ગયો.....
પેલા ખૂણામાં વૈદેહી ઊભી છે. તેના એક હાથમાં અન્ય એક ફાનસ છે અને બીજા હાથમં એક કાગળ. વૈદેહી ફાનસના અજવાળે એ કાગળ વાંચી રહી છે.
“વૈદેહી....” હું તેની તરફ ધીમી ગતિએ ચાલ્યો.
વૈદેહીએ મારી સામે જોયું. તે મને ઓળખતી જ ન હોય તેમ મારી સામે જોઈ રહી છે. હું અટક્યો. વૈદેહીના ભાવશૂન્ય ચહેરા સામે તાકી રહ્યો. બંનેના હાથમાં ફાનસ છે. તેથી અજવાળું બેવડાઈ ગયું છે. તેનાં હાથમાં જે કાગળ છે તેના પર મારી નજર ગઈ. કાળા અક્ષરે હિન્દીમાં કંઈક લખેલું છે. બહારની તરફનાં બારણામાંથી કોઈક અંદર પ્રવેશ્યું. મેં તે વ્યક્તિને ઓળખી..... ડૉ.પાઠક....
“ડૉક્ટર સાહેએએઆઆ-” પાછળથી માથામાં ફટકો વાગવાને કારણે હું આગળ બોલી ન શક્યો.
બંને હાથ માથાનાં પાછળના ભાગે દબાયા..... બધું અંધકારમય લાગવા માંડ્યું છે... વૈદેહી એમ જ ઊભી છે.... પાઠક સાહેબ પણ..... તે બંનેના ચહેરાની એકેય રેખા બદલાઈ નથી.....મેં લથડિયાં ખાધાં..... ઢળી પડ્યો.... આંખો બંધ.....
*****
આંખ ખૂલી.
ગાદલામાં સૂતો છું. જાડી રજાઈ ઓઢેલી છે. હું ક્યાં છું?
આજુબાજુ નજર ફેરવી. લંબચોરસ ઓરડો છે. ઓછી લંબાઈ ધરાવતી સામસામેની દીવાલોમાં એક એક બારી છે. બારીમાં સળિયા નથી. બારીની બહાર બહુ મજાનું દ્રશ્ય દેખાય છે. પર્વતો અને વૃક્ષો સૂર્યના તાજા તડકામાં મનોહર લાગી રહ્યાં છે. વધુ લાંબી છે તે સામસામેની દીવાલોમાંની એકમાં બે બારણાં છે અને બીજીમાં એક જ દરવાજો છે. એક દરવાજો છે તે અંદરથી બંધ છે. બે દરવાજા છે તે ખુલ્લાં છે તે બંને અલગ ઓરડામાં પ્રવેશ અપાવે છે. મેં આજુબાજુ નજર ફેરવી. શરીર પરથી ચાદર સરકી ગઈ. અહીં મારી બૅગ પણ પડી છે.
હું ઊભો થયો. આ તો વૈદેહીનુ ઘર છે. કાલે રાત્રે હું અને વૈદેહી વાતો કરવા બેઠાં હતાં એ જ ગાદલું છે આ. ત્યારે ચાદર નહોતી આરી પાસે. મને બેભાન કરવામાં આવેલો. ત્યાંથી મને અહીં લાવ્યાં હશે. ચાદર પણ ઓઢાડી હશે. દીવાલ ઘડિયાળ પર દ્રષ્ટિ પડી- ૯.૩૫
ઓહોહો! બહુ ઊંઘ્યો!
વૈદેહી ક્યાં? આ ઓરડામાં તો વૈદેહી નથી. રસોડામાં ગયો. અહીં પણ નથી. બહારનાં દરવાજેથી ડોકિયું કર્યું. બહાર પણ નથી. પાછો આવીને શયનખંડમાં ગયો, જ્યાં અવની મળી હતી. વૈદેહી અહીં સૂતી છે. ભોંય પર પથારી કરીને સૂતી છે. પગથી માથા સુધી ચાદર ઓઢીને પોઢેલી છે. જગાડું? કદાચ, કાલે રાત્રે તેને મોડે સુધી જાગવું પડ્યું હશે. ભલે સૂતી. એ જાગશે એટલે ગઈકાલ રાતનું રહસ્ય ઉકલી જશે. ત્યાં સુધી હુંપ્રાતઃવિધિ પૂર્ણ કરી લઉં. આજનો દિવસ કેવો રહેશે?
બૅગમાંથી ટૂથબ્રશ અને ઊલિયું લઈને રસોડામાંથી બહાર આવ્યો. શું વાતાવરણ છે! શિયાળાની સવારની આછી ઠંડી, કૂણો તડકો તાજા ઊગેલાં સૂર્યનો, માદક પવન આ પહાડી વિસ્તારનો અને કલરવ પહાડી પંખીઓનો...... આહ્લાદકતા!
કૂવામાંથી ડોલ ભરી. બ્રશ કરી રહ્યો છું અને આમતેમ આંટા મારી રહ્યો છું. મારું ધ્યાન વાતાવરણ પરથી ખસીને કાલે રાત્રે બનેલી ઘટના પર ગયું છે. મને અવની એ બેભાન કર્યો? વૈદેહી અને ડૉ.પાઠક તો મારી સામે ઊભાં હતાં. પ્રહાર પાછળથી થયો હતો. પાછળ અવની સિવાય બીજું કોણ હોય? હા, એ શક્ય છે કે અવની અને ડૉ.પાઠક જે રીતે અચાનક ઘરમાં આવી ગયાં એ રીતે અન્ય કોઈ પણ આવ્યું હોય. એ જે હોય તે, અવની ત્યાં હાજર હતી. તે મને બચાવી શકતી હતી- જો તે મને બચાવવા માંગતી હોત તો. અવની શું કરી રહી છે? તે ખરેખર મારી મિત્ર છે? મિત્રતા આવી પણ હોય? મિત્રતા એટલે શું?
પરમદિવસે રાત્રે પણ તેણે મને બેભાન કર્યો હતો. અરે, મારે રોજ રાત્રે ફટકા ખાઈને જ સૂવાનું? મને મારી મરજી મુજબ સૂવા દેવામાં કંઈ વાંધો છે અવનીને? આમાં મારું હિત છે? અલબત્ત, અવની તો કહે છે કે તેણે પત્ર નથી લખ્યો. તો અવની કોઈકની મરજી પ્રમાણે કામ કરી રહી છે? પણ કોની? અવની કોઈકના માટે કામ કરતી હોય એ માન્યામાં ન આવે એવી વાત છે. સાચું પૂછો તો એ આપણને પોસાય નહિ!
પરમદિવસે રાત્રે મને બેભાન કરીને અવનીએ ખૂબ જ મહત્વનું પગલું ભર્યું હતું. એ રાત્રે તેણે એ પગલું ન ભર્યું હોત તો વૈદેહી જીવતી ન હોત. તો કાલે રાત્રે શું બન્યું હશે? ડૉ.પાઠક કેમ આવ્યા હતાં? એક રીતે જોતાં તો આ પ્રકારની પરિસ્થિતિ મારા માટે એકદમ નવી છે, જયાં મારે એક ડિટેક્ટિવની જેમ વિચારવું પડે છે. મારી સાથે કે મારી આસપાસ જે કંઈ બની રહ્યું છે બધું મને ખૂબ જ અવનવું લાગી રહ્યું છે. ફિલ્મો અને નવલકથાઓમાં જે પ્રકારની રોમાંચક વાર્તા વાચક સમક્ષ રજૂ થતી જોય છે તેવું હું સાક્ષાત્ અનુભવી રહ્યો છું. પણ આ કોઈ ફિલ્મ નથી કે જેની સ્ક્રીપ્ટ પહેલેથી લખાઈ ગઈ હોય અને હિરો દુનિયાને બચાવવા દુષ્ટ માનવોનો સંહાર કરી નાખતો હોય! આ કોઈ જાસૂસી નવલકથા નથી કે જેનો પ્લોટ પહેલેથી રચાઈ ગયો હોય અને તેનો નાયક પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી તમામ રહસ્યોનો પર્દાફાશ કરી નાંખે! આ વાસ્તવિકતા છે. અહીં શું થવાનું છે એ કોઈનેય ખબર નથી-મને તો નથી જ! મારે આમાંથી જીવતાં નીકળવાનું છે.
વૈદેહી એક કાગળ વાચતી હતી. એ કાગળ શેનો હતો? કાલ રાત્રે શું કામ કરવાનું હતું? એ કામ મને બેભાન કર્યા વિના થાય તેમ નહોતું? મને બેભાન કરવો અનિવાર્ય હતો? મને જો એ કાગળ મળી જાય તો કાલ રાત વિશે હું ઘણાં અનુમાન લગાવી શકું. મારે એ કાગળની તપાસ કરવી જોઈએ.
બ્રશ પતાવીને હું અંદર આવ્યો. રસોડામાંથી તપાસ શરૂ કરી. અવાજ ન થાય તેવી રીતે વાસણો અને બરણીઓ આઘીપાછી કરી. કાગળ ન જડ્યો. બેઠકખંડમાં તપાસ કરી. શયનખંડમાં પણ કાગળ ન મળ્યો. અરે, અવની હાજર હતી કાલે રાત્રે! કાગળ ક્યાંથી મળે?
બૅગ પાસે આવ્યો. ટુવાલ અને બીજી એક જોડ કપડાં કાઢ્યાં. વૈદેહીને જગાડું? ના. આ અગાઉ ઘણાં ઉજાગરાં કર્યાં હશે તેણે. ભલે સૂતી. બહાર આવ્યો. ભમરાહમાં સૌપ્રથમ આ ઘરમાં શૌચાલય બન્યું હશે! મેં શૌચક્રિયા અને સ્નાનની વિધિ પતાવી. કાલે ધોયેલાં કપડાં સૂકાઈ ગયાં છે. તે લઈને અંદર આવ્યો. એ કપડાં બૅગમાં મૂક્યાં. માથુ ઓળ્યું, કાંડા-ઘડિયાળ પહેરી. ટુવાલ સૂકવવા માટે બહાર આવ્યો. દોરી પર ટુવાલ સૂકવીને પાછો વળ્યો. અટક્યો. આ દોરી છે કે વાયર છે? છતના ખૂણા પાસેથી શરૂ થઈને છેક જમીનમાં ઘૂસે છે. હું તેની નજીક ગયો. ભીંતના ખૂણે ખૂણે એ વાયર કે દોરી ગુંદરપટ્ટીથી ચોંટાડેલી છે. અડક્યો. આ વાયર જ છે! કેટલાંય પ્રશ્નો ઉદ્ભવ્યાં. મુખ્ય પ્રશ્ન આ વાયરનાં હેતુનો છે.
જમીનમાં આ વાયર જ્યાં અંદર જાય છે ત્યાં સહેજ ખોદીને તપાસ કરું. ત્યાં ઉભડક બેઠો. ચૂલા પાસે પડેલા લાકડાંના ઢગમાંથી એક અણીદાર લાકડું લીધું. વાયર જ્યાં જમીનમાં દાખલ થાય છે ત્યાં ખોદવાનું શરૂ કર્યું. બંને હાથે લાકડું પકડીને તેનો અણીદાર છેડો જમીનમાં ભોંકું છું અને પછી હાથથી ખોદાયેલી માટી બહાર કાઢું છું. લગભગ એક વેંત જેટલું ખોદાઈ ગયું છે. વાયરનો અંત જ નથી આવતો. વધારે ખોદવા કરતાં હવે છત પર તપાસ કરવી વધુ યોગ્ય છે એમ લાગી રહ્યું છે. બંને હાથે માટી પૂરી, થપથપાવીને પહેલાં જેવું સમતલ કરી નાંખ્યું.
રસોડામાં આવ્યો. લાકડાનું એક સ્ટૂલ અહીં પડ્યું છે. એ લઈને બહાર આવ્યો. વાયર પાસે મૂક્યું. ચડ્યો. છત સુધી માથુ પહોંચ્યું. જોયું...... ઓહ માય ગોડ!..... સોલર પ્લેટ્સ! આખીય છત સોલર પ્લેટ્સથી ઢંકાયેલી છે. આ વાયર તેનો જ છે. આ બધી સોલર પ્લેટ્સ આ વાયર વાટે ઊર્જા ક્યાંક મોકલે છે. પણ ક્યાં? આખા ઘરમાં એકેય ઈલેક્ટ્રોનિક ઉપકરણ નથી. આ ઊર્જા વપરાય છે ક્યાં?
કંઈ અવાજ આવી રહ્યો છે..... ધ્યાન આપ્યું... આગળના દરવાજે કોઈ ટકોરા મારી રહ્યું છે. હું ઝડપથી બેઠકખંડમાં આવ્યો. દરવાજે દ્રષ્ટિ પહોંચી...... તેનાં કાળાં ભમ્મર કેશની નીચેના ઉજ્જ્વળ ભાલની નીચે ગોઠવાયેલી તેજસ્વી આંખોની મધ્યમાંથી ઉદ્‌ભવતાં નમણાં નાકની નીચેના નાનકડાં અને કૂમળાં હોઠ પર દ્રષ્ટિ ક્ષણવાર અટકી. તાજી જન્મેલી હરણીની ડોક સમી એની સુંવાળી ગરદન પરથી નજર જાણે લપસી અને ડાર્ક રેડ કલરની, આખી બાંયની, શોર્ટ, સિમ્પલ કુર્તીના કોલર પર આવીને ઘડીક સ્થિર થઈ. આખીય કુર્તીમાં ક્યાંય કોઈ ડિઝાઈન નથી. પાતળી અને નાજુક કમરની સહેજ નીચેથી કુર્તીનાં આગળ-પાછળનાં બે છેડાં અલગ પડે છે અને ઘુંટણથી સહેજ ઉપર પૂરાં થાય છે. ઠંડા પવનમાં એ છેડાં સહેજ લહેરાઈ રહ્યા છે. એનાં પર ઘડીક હીંચકા ખાધા પછી નજર બ્લૅક નૅરો જીન્સ પર સરકતી ગઈ અને હીલ વિનાની બ્લેક સેન્ડલ પર આવીને અટકી.
તેણે મને નખશીખ જોયો. હું દરવાજા પાસે ગયો- તેની પાસે ગયો. જાણે કોઈ દૈવી તેજના પ્રબળ પ્રભાવી ક્ષેત્રમાં પ્રવેશ્યો. સ્ત્રી-સૌંદર્યનાં જે માપદંડ વિશ્વભરમાં પ્રચલિત છે તેનાં સંદર્ભમાં આ કન્યા મધ્યમ કક્ષાની સુંદર ગણાય. પણ મને એવું અનુભવાય છે કે તેના ચહેરા પરથી તેજસ્વિતા ઝરી રહી છે. તેનાં અંગેઅંગમાંથી કોઈ અજીબ લાગણી, કોઈ અકળ ભીનાશ નીતરી રહી છે. તે મારી સામે જોઈ રહી છે. અમાપ અવકાશમાં કોઈ સ્થાને રચાયેલાં વિશાળ બ્લૅકહોલનાં વમળમાં કંઈક તણાતું હોય, શોષાતું હોય તેમ હું તેની એ દ્રષ્ટિમાં ખેંચાઈ રહ્યો છું.
ના, આ ફક્ત શરીરિક આકર્ષણ નથી. તેનાં દેહ પ્રત્યે મારામાં જાગેલો આવેશ નથી આ. આ કંઈક અલગ છે, અકળ છે.... શું છે? આ ભાવ જે કંઈ છે, શરીરની મર્યાદાઓથી પર છે. સમગ્ર ભૌતિકજગત આ ભાવને સમજી નહિ શકે. ભૌતિકતા કે જાતીયતાથી ક્યાંય ઉપર....
કેટલો સમય વીત્યો તેનું ભાન નથી.
“આપ કૌન?” તેણે પ્રશ્ન કર્યો.
“આપ કૌન?” મેં સામે પૂછ્યું.
“પહલે આપ બતાઈએ.”
“પહલે આપ બતાઈએ!”
પહેલાં તો તે મારી સામે કોઈ અજીબ ભાવે જોઈ રહી અને પછી બોલી-
“માફ કરના! મુઝે યે પૂછના તો નહિ ચાહિએ મગર....” થોડું અટક્યાં બાદ તે બોલી- “આપ ઈન્સાન હૈ તા તોતા? મેં જો બોલ રહી હું ઉસકી નકલ ક્યોં કર રહે હો?”
હું ભોંઠો પડ્યો. જવાબ આપ્યો-
“વેદ. અબ બતાઈએ આ-”
“વેદ? આપ કો પહલે-”
“આપ પહલે અપના નામ તો-”
“વૃંદા.”
“......” થીજી ગયો હું....
તે મારી સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી છે અને મારા મનમાં પ્રશ્નોનો ટોર્નેડો જાગ્યો છે. વૃંદા? અહીં? અચાનક? વૈદેહી કહેતી હતી કે વૃંદા તો મુંબઈમાં છે. તે અહીં ક્યારે આવી? એ તો બધું તો ઠીક, પણ હવે હું શું કરુ? મારો શું પરિચય આપું? ભમરાહ આવવાનો મારો શું હેતુ જણાવું? મારે વૃંદાને આ બધી બાબતોથી દૂર રાખવાની છે. હું ભમરાહ કેવી રીતે પહોંચ્યો એ વૃંદાને કહીશ તો તેને ખ્યાલ આવી જશે કે વૈદેહીના માથે કોઈ મોટી મુશ્કેલી છે. વૃંદાને એમ તો કહેવાય નહિ કે હું વૈદેહીનો સંબંધી છું! કેમ કે, વૈદેહીના સંબંધીઓને વૃંદા બહુ સારી રીતે ઓળખતી હશે. હું તો કોઈનેય ઓળખતો નથી. વૃંદાને આ બધી બાબતોથી દૂર કઈ રીતે રાખવી? વેદ, કઈંક વિચાર! વૃંદા અચાનક ક્યાંકથી આવીને તારી સામે રહી ગઈ ઊભી છે, વેદ!
“હેલો....” તે બોલી.
“હા, બોલો....”
“આપકો પહલે કભી દેખા નહિ!”
“હેં..... હા..... ઓહો.... મૈંને ભી આપકો પહલે કભી ...... દેખા જ નહિ ને...... હાહાહા..... પહલી બાર જ દેખ રહા હું ગણોને.....”
ડાબી આંખ જરા ઝીણી કરીને તેણે અદબ વાળી. વગર બોલ્યે ઘણું બધું સંભળાવી ગઈ! પણ હું શું કરું? વૈદેહીને જગાડુ? અરેરે! એવું કરાતું હશે? એ તો બાફે બધું! એનાં પપ્પાએ લાડ જ લડાવ્યાં લા........ એનાં પપ્પા.... યસ.....
“મૈં વશિષ્ઠસર કા સ્ટુડન્ટ હું.” મેં ગપ્પું માર્યું.
“ગુજરાતનાં છો તમે?”
“હા.”
“અહીં કેમ આવ્યા?”
“પ્રોફેસર સાહેબે બોલાવ્યો હતો મને.”
“વશિષ્ઠકાકાને તો વિદ્યાર્થીઓ સાથે સારું બનતું જ નહિ.”
“.......”
“મેં કંઈક પૂછ્યું તમને.”
“ક્યારે?” ખબર હોવા છતાં, જવાબ ન જડ્યો હોવાથી મેં ઢોંગ કર્યો.
“વાક્ય પ્રશ્નાર્થ નહોતું પણ વાક્યમાં પ્રશ્ન હતો.”
“ઓહ, આઈ સી....”
“ગુડ! કેન યુ ગિવ મી આન્સર ઓફ માય ક્વેશ્ચન?”
“સોરી!” મેં કહી દીધું.
“વ્હાય?”
“એ....”
અરે, આ તો ધડાધડ પ્રશ્નો પૂછ્યે જ જાય છે! પકડાઈ ન જતો, વેદ!
“એની પ્રોબ્લેમ?”
“ના...રે!” મેં કહ્યું- “એ તો મને સરે ના પાડી છે, કોઈને કહેવાનું નથી.”
“ઓકે!” કહીને તેણે અદબ છોડી.
હા....શ!
“તમે અહીંયા કોઈ કામે આવ્યાં....” હવે મેં પૂછ્યું!
“ઓહ! એ તો ભૂલી જ ગઈ.” તેણે કહ્યું- “વૈદેહીને મળવા.”
“એ તો સૂતી-સૂતા છે.”
“હજી સુધી?” કાળા રંગના પાતળા પટ્ટા અને નાનાં ડાયલવાળી પોતાની કાંડા-ઘડિયાળમાં જોઈને તે બોલી- “સાડા દશ થવા આવ્યાં છે!”
“હા... એ ગઈ રાત્રે મોડે સુધી જાગ્યા હતા.”
“તમને કઈ રીતે ખબર?”
આજે આ મારા બધાં સ્ક્રૂ ઢીલાં કરી નાંખશે!
“એમાં થયું’તું એવું ને....” મેં વાર્તા બનાવવાની શરૂ કરી- “હું ગઈકાલે સાંજે અહીં આવ્યો હતો. સર તો નીકળી ગયા હતા. તેઓ ક્યાંક બહાર ગયા છે. સરના દીકરીએ મને જમાડ્યો. અહીં જ પથારી કરી આપી. હું તો સૂઈ ગયો. તેઓ અંદરનાં રૂમમાં સૂતા. રાત્રે એમણે મને જગાડીને કહ્યું- ‘સવારે મને જગાડતા નહિ. મને હજી સુધી ઊંઘ નથી આવી. હવે આવશે એવું લાગે છે.’ એ વખતે મેં સમય જોયેલો, ત્રણ વાગ્યા હતાં. હું તો વહેલો છ વાગ્યે જાગ્યો હતો. એમને હજી સુધી નથી જગાડ્યા.” મેં કેવી સરસ વાર્તા બનાવી નાંખી, નહિ!
“છ વાગ્યાથી અત્યાર સુધીમાં તમે કર્યું શું?”
કર્યું..... કલ્યાણ! છ વાગ્યે જાગ્યો હતો..... બડાઈ હાંકવા જતાં હતાં!
“એક્ચ્યુઅલી....” હું ખચકાટ સાથે બોલ્યો- “સાડા નવે જાગ્યો હતો.”
“ચા-નાસ્તો કર્યો હતો?”
“ના.”
“ચાલો, મારા ઘરે.”
“અરે, ચાલશે.....”
“આવોને, તમે મહેમાન છો ભમરાહના!”
“ચાલો ત્યારે....” આમેય ભૂખ તો લાગી જ છે!

અમે ચાલ્યાં. વૃંદા ચાલતી થઈ. ઘરનો દરાવાજો બંધ કરીને. હું તેની પાછળ દોરવાયો. હું શૂઝ વગર જ ચાલી રહ્યો છું. મારા શૂઝ તો ગઈકાલે નદીમાં તણાઈ ગયાં! તે ઝડપથી ચાલી રહી છે. તેનું શરીર ટટ્ટાર રહે છે. વ્યવસ્થિત ઓળેલાં તેનાં વાળ માથાના પાછળના ભાગમાં લાલ રંગની હેર-રિબનથી બંધાયેલાં છે અને પછી સહેજ છૂટાં પડીને પીઠની શરૂઆત સુધી પહોંચે છે. અમે કમ્પાઉન્ડની બહાર નીકળ્યાં. તે ઊભી રહી. હું બહાર નીકળ્યો પછી તેણે કમ્પાઉન્ડનો ઝાંપો બંધ કર્યો.
રોયલ-ચોકડી તરફ ચાલ્યા.
“વૈદેહી?” તેણે પૂછ્યું.
“મારી બૅગ પડી છે ત્યાં.”
કેવું સરસ! ‘હું વૃંદાના ઘરે હોઉં એ દરમિયાન કદાચ વૈદેહી જાગી જાય તો? મારી ગેરહાજરીને કારણે વૈદેહીને ઘણાં પ્રશ્નો થાય. પણ મારી બૅગ એ ઘરમાં પડી છે. એ બૅગ જોઈને વૈદેહીને એ આશ્વાસન મળે કે વેદ પાછો તો આવશે જ, આટલે જ ક્યાંક આંટો મારવા ગયો હશે. એટલે વૈદેહીને જણાવ્યા વિના વૃંદાના ઘરે જવામાં વાંધો નથી.’ આટલી લાંબી વાત અમે કેટલાં ઓછા શબ્દોમાં પૂરી કરી! અમારી ફ્રિક્વન્સી મેચ થાય છે એટલે અનુનાદ સર્જાશે! વશિષ્ઠકુમારનાં વિદ્યાર્થી હોવાનું જુઠ્ઠાણું હું ક્યાં સુધી ચલાવી શકીશ? અરે, વશિષ્ઠકુમાર કઈ કોલેજમાં પ્રોફેસર હતાં એ પણ મને ખબર નથી!
રોયલ-ચોકડી આવી. અહીંથી અમે જમણી બાજુ વળ્યાં. સામે જે ઘરની ટોચ પર લાલ વત્તાકાર દેખાય છે એ વિનયકુમારનું ઘર છે. વૈદેહી એ કાલે રાત્રે મને બધું જણાવ્યું હતું. કંઈ ન જાણતો હોઉં એવો ઢોંગ કરતો મેં પૂછ્યું-
“પેલો રેડ ક્રોસ દેખાય છે એ દવાખાનું છે?”
“હા. દવાખાનું પણ છે અને અમારું ઘર પણ.”
“તમે ડોક્ટરી શરૂ કરી દીધી?” મેં નાટક ચાલુ રાખ્યું.
તે ઊભી રહી ગઈ. મારી સામે ફરી. અદબ વાળીને એકધારું મારી સામે જોઈ રહી. શું થયું પાછું? હું તેની સામે તાકી રહ્યો. તેણે પ્રશ્ન કર્યો-
“હું ડોક્ટર બનવાની છું એવું તમને કોણે કહ્યું?”
રડું કે હસું? વૃંદા સામે બહુ નાટક ન કરાય, ખબર પડી? પડી. પણ આ પ્રશ્નનો શું જવાબ આપું?
“હેહેહે.... એ તો હવે.....” થોડાં વલખાં માર્યાં બાદ મને જવાબ સૂઝ્યો- “ઘર તમારું હોય તો ડોક્ટર પણ તમે જ હોવ ને! તમે કંઈ ઘર ભાડે તો ન આપ્યું હોય ને- ડોકટરને?”
“પપ્પા અને મમ્મી પણ ઘરમાં છે.”
“હું એમને મળ્યો નથી ને! એટલે મેં એમને ધ્યાનમાં લીધાં જ નહોતા.”
“એવું? તો તમારાં કોલેજ-ફ્રેન્ડ્સને તમે અનાથ માનતા હશો!”
“ભૂલ થઈ ગઈ.” મેં વાત પૂરી કરવા કહ્યું- “સોરી!”
“પપ્પા ડોક્ટર છે.” કહીને તેણે અદબ છોડી...... હા.....શ!
અમે તેના ઘર તરફ ચાલવા લાગ્યા. બે-ત્રણ ઘરની બાજુમાંથી અમે પસાર થયાં. એક ઘરની બહાર ત્રણેક બાળકો રમી રહ્યાં છે. વૃંદા બોલી-
“પપ્પાનું નામ છે વિનયકુમાર.”
“........” હવે બિનજરૂરી એક શબ્દ પણ નથી બોલવો!
“નામ પહેલાં ક્યારેય સાંભળ્યું નથી?”
“હં.....હા...” હવે બોલવું પડશે- “અમદાવાદમાં જીવવિજ્ઞાનના એક નિષ્ણાત પ્રોફેસર છે. તેમનું નામ પણ વિનયકુમાર જ છે.”
“એ જ પપ્પા!”
“લે.... કેમ અહીંયા?”
“વશિષ્ઠકાકાની સાથે જ આવ્યા હતા.”
“કારણ?” વૈદેહી પાસેથી ન મળેલી માહિતી કદાચ વૃંદા પાસેથી મળી જાય!
“.......”
નહિ મેળ પડે!
વિનયકુમાર અને વશિષ્ઠકુમારની શોધ વિશે વૃંદા જાણતી જ હશે. વૈદેહી કહેતી હતી કે શોધની થીઅરી સમજવામાં વૃંદાનું મગજ પણ ભમી જતું હતું. અર્થાત્, વૃંદા શોધ વિશે જાણે છે. એવું બન્યું હશે કે શરૂઆતમાં વૃંદાને શોધ બાબતે કંઈ ખબર ન પડતી હોય અને પાછળથી પપ્પા કે કાકા સાથે ચર્ચા કરીને આખીય થીઅરી તે સમજી ગઈ હશે. વૃંદા જિજ્ઞાસુ છે એ બાબતે કોઈ સંદેહ નથી. પણ વૃંદા મને શોધ વિશે એકેય વાત ત્યાં સુધી નહિ કહે જ્યાં સુધી તેને મારા પર વિશ્વાસ ન બેસે.
આવી ગયું ઘર. વશિષ્ઠકુમારનાં ઘર જેવું જ છે આ ઘર. વૃંદાએ ઝાંપો ખોલ્યો. અમે અંદર આવ્યાં. મેં ઝાંપો બંધ કર્યો. બંને તરફ ઉગાડેલાં શાકભાજીની વચ્ચેથી પસાર થતી પાતળી પગદંડી પર થઈને ઘરનાં પ્રવેશદ્વાર સુધી આવ્યાં. વૃંદાએ તાળું ખોલ્યું. આખુંય ઘર પસાર કરીને અમે રસોડાની પાછળના ભાગે આવ્યાં. આ ઘરમાં એક પલંગ અને બે ખુરશીઓ છે, જે ડોક્ટરી માટે અનિવાર્ય છે. વૃંદાએ મને કહ્યું-
“આ પથ્થર પર બેસતાં ફાવશે કે ખુરશી આપું?”
“ફાવશે.” કહીને હું ઈંટ જેવા પથ્થર પર બેઠો.
વૃંદા રસોડામાં ગઈ. થોડીવારે પાછી આવી. એક તપેલું, ચા-ખાંડની બરણી મૂકીને ફરીથી રસોડામાં ગઈ. એક ગ્લાસ દૂધ અને એક ડિશ લઈને બહાર આવી. ડિશ મને ધરી. મેં એ નાસ્તાની ડિશનો સ્વીકાર કર્યો. બીજા એક પથ્થર પર તે બેઠી. ચૂલો પેટાવ્યો. ચા ઉકળવા મૂકી.
“વશિષ્ઠકાકાને ભૌતિકવિજ્ઞાનમાં અતિશય રસ છે. તેઓ એ વિષયમાં વિદ્વાન પણ છે.”
“ખરું કહ્યું.”
“પણ તેઓ શિક્ષક તરીકે ..... એટલે, એમને વિદ્યાર્થીઓ પ્રત્યી કોઈ જ જાતનો લગાવ નથી. વિદ્યાર્થીઓમાં પણ તેઓ અપ્રિય બને છે. તમે એમની આટલી નજીક જઈ શક્યાં એ ખરેખર આશ્ચર્યની વાત છે!”
“એમાં થયું હતું એવું......” મેં વાર્તા બનાવવાની શરૂ કરી- “મને સૌરઊર્જાના ઘરેલુ ઉપયોગ માટે સોલર-પ્લેટ્સને ઘરની છત પર પાથરવાનો વિચર આવ્યો હતો. મેં આ વિચાર વશિષ્ઠસરને જણાવ્યો. તેઓ ખુશ થઈ ગયાં. તેમણે એ પ્રયોગ કરવાનું નક્કી કર્યું. પણ તેઓએ કોઈક કારણોસર અમદાવાદ છોડવું પડ્યું. તેમણે મારો મોબાઈલ નંબર લીધો હતો. તેમણે મને ફોન કરીને જણાવ્યું કે તેમણે એ પ્રયોગ કર્યો છે. એટલે તેમણે મને અહીં બોલાવ્યો. હું આવી ગયો.”
“તો તમારા વિચારનું પ્રાયોગિક સ્વરૂપ જોવા માટે તમને અહીં બોલાવ્યાં છે?”
“હં..... બહુ સરસ!” કહીને મેં પૂછી લીધું- “એ સોલર-પ્લેટ્સની ઊર્જા ક્યાં વપરાય છે? એમનાં ઘરમાં એકેય એવું ઉપકરણ નથી, જેને એ ઊર્જાની જરૂર પડે. તમને ખ્યાલ છે કે એ ઊર્જા ક્યાં વપરાય છે?”
“એ અંગે તમે કાકા સાથે જ વાત કરી લેજો ને!”
“પણ એ પાછા ક્યારે આવશે?”
“એ ક્યાં ગયા છે એ જ મને ખબર નથી!”
શાંતિ. ચા ઉકળવાનો અવાજ. વૃંદાએ ચા ચૂલા પરથી ઊતારી. એક રકાબીમાં ચા કાઢી. મેં ચા ઠરે તેની રાહ જોવાનું નક્કી કર્યું. ગરમાગરમ ચા પીવી મને નથી માફક આવતી. વૃંદા પલાંઠી વાળીને બેઠી. બોલી-
“તમારી વાતોમાં ક્યાંય મેળ બેસતો નથી.”
ગભરાયો. ચાની વરાળમાં શેકાઈ જઈશ! રકાબી ઉઠાવી. વૃંદા બોલી-
“મારા ચાર પ્રશ્નોના જવાબ આપો તો તમારી વાત સાચી માનું.”
હું સડાકાભેર ચા પી ગયો! રકાબી નીચે મૂકી. વૃંદાએ પ્રશ્નોનો પ્રહાર શરૂ કર્યા-
“ભૌતિકવિજ્ઞાનમાં Ph.D. થયેલા વિજ્ઞાનીને ઘરનાં છાપરાં પર સોલર-પ્લેટ્સ પાથરવાનો વિચાર નવાઈ પમાડે? પોતાના એક પણ સંબંધીને જાણ ન થાય તેવી રીતે ભમરાહ આવી ગયેલા વશિષ્ઠકાકા, સોલર-પ્લેટસ ઘરનાં છપરાં પર પાથરવાનો સામાન્ય વિચાર લાવેલા વિદ્યાર્થીને, પોતે ભમરાહમાં રહે છે એવું જણાવી દે? તમને આટલે દૂર બોલાવીને, તમે આવવાનાં હોય એ જ દિવસે, વશિષ્ઠકાકા ક્યાંક જતાં રહે? વિજ્ઞાન અત્યારે સૌર-ઊર્જાથી ચાલતી કાર બનાવવા લાગ્યું છે ત્યાં ભૌતિકવિજ્ઞાનના વિદ્યાર્થીને, એટલે કે તમને, ઘરનાં છાપરે સોલર-પ્લેટ્સ પાથરવાનો વિચાર નવીન લાગે છે?”
છોતરાં વેરી નાખ્યાં!
(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED