વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-13) Vandan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-13)

પ્રકરણ – 13

“અહીંયા...” કહેતો હું તેમના ડાબા કાનની નજીક ગયો અને ટૉર્ચનો પ્રકાશ પાડ્યો.
“શું થયું છે?” તે બોલ્યા- “જલદી કર, આ લોકો આપણને મારી નાંખશે.”
કાન પર તલ નથી.
“મને ખબર પડી ગઈ કે કોણ આતંકવાદી છે.” મેં તેમને કહ્યું.
“સરસ!”
“તમે બંને આતંકવાદી છો. તું અને આ પટ્ઠો.”
“શું કહે છે તું, દીકરા?” કહેતો તે ઊભો થઈ ગયો.
“હવે નાટક ન કરીશ.” કહીને હું પણ ઊભો થયો
તે મારી સાવ નજીક આવીને ધીમેથી બબડ્યો- “તું ભૂલ કરી રહ્યો છે, વેદ!”
હું કંઈ કરું એ પહેલાં જ તેણે મને ધક્કો માર્યો. હું પાછળની તરફ લથડ્યો. તે ભાગ્યો. હું માંડ સંતુલન જાળવી શક્યો. અહીં થયેલી ધડાધડીને કારણે વૃંદા અને પઠ્ઠાએ આ તરફ જોયું. ડોસાને ભાગતો જોઈને પઠ્ઠો ઊભો થયો. તે ડોસાની પાછળ ભાગવા માટે બે ડગલા દોડ્યો કે મેં તેના પર તરાપ મારી. તેને લઈને હું નીચે પડ્યો. તે નીચે અને હું તેની ઉપર. તેની ભરચક અને અણીદાર દાઢી મને ગાલ પર ખૂંચી. વૃંદા ઊભી થવા ગઈ કે તરત જ પઠ્ઠાએ તેન હાથ પકડી લીધો. હું બંને હાથ પઠ્ઠાના ગળાની બાજુમાં ટેકવીને જરા ઊંચો થયો. બંને હાથ પઠ્ઠાના ગળા પર દબાવ્યા. તેના ડોળા સહેજ પહોળા થઈ ગયા. હું વટથી બોલ્યો-
“હુ આર યુ?”
જવાબમાં તેણે સખત લાફો ઠોક્યો. તેના ગળા પરથી મારી પકડ ઢીલી પડી ગઈ. તેણે એક હાથે વૃંદાના બંને હાથ પકડી રાખ્યા છે અને બીજા હાથે મને લાફો માર્યો. તરત જ તેણે એક હાથે મારું ગળુ પકડ્યું. મારી જીભ બહાર નીકળી ગઈ. તેણે મને આઘો નાખ્યો. હું તેની બાજુમાં પટકાયો. તે બેઠો થયો. બેઠા થતી વખતે તેની પકડ ઢીલી પડી અને વૃંદા છટકી શકી. વૃંદા ઘણી ચપળતાથી ઊભી થઈ ગઈ અને બે ડગલાં પાછી ખસી ગઈ.
હું પણ ઊભો થયો. પઠ્ઠો ઊભો થાય એ પહેલાં વૃંદાએ તેની બૅગ મારી તરફ ફેંકી. મને યાદ આવ્યું કે વૃંદાની બૅગમાં એની પિસ્તોલ છે. એટલે જ વૃંદાએ બૅગ મારી તરફ ફેંકી હશે. પઠ્ઠો ઊભો થયો કે તરત જ વૃંદાએ તેને પેટમાં મુક્કો માર્યો. વૃંદા મને પિસ્તોલ કાઢવાનો સમય આપી રહી છે. મેં બૅગની ચેઈન ખોલી. પઠ્ઠાએ વૃંદાનું ગળું દાબ્યું. વૃંદા પોતાના ગળા પરથી પઠ્ઠાના હાથ છોડાવવા માટે મથી રહી છે. પઠ્ઠાએ બળ અજમાવ્યું અને વૃંદા જમીનથી અધ્ધર ઉંચકાઈ. મારે ઝડપથી પિસ્તોલ કાઢવી પડશે. અમારે આનું ખૂન નથી કરી નાંખવાનું પણ પિસ્તોલને કારણે અમે તેની પાસેથી માહિતી કઢાવી શકીશું. હા, પિસ્તોલ હાથમાં આવી ગઈ.
“હેન્ડ્સ અપ!” કહેતો હું ઊભો થયો.
પઠ્ઠાએ વૃંદાને છોડી. તે નીચે પડી. તે બંને હાથ ગળા પર પંપાળવા લાગી.
પઠ્ઠો આ તરફ ફર્યો.... હસ્યો... શું થયું?... ભૂલ... મેં પિસ્તોલનું નાળચું હાથમાં પકડ્યું છે અને હાથો પઠ્ઠા સામે તાક્યો છે! પિસ્તોલ સીધી કરવા માટે મેં પિસ્તોલ પરની પકડ ઢીલી કરી ત્યાં જ પઠ્ઠાએ મારા હાથ પર લાત મારી. તે મારાથી વધુ દૂર નથી ઊભો. તેની લાત મારા હાથ પર વાગી અને પિસ્તોલ દૂર ફેંકાઈ ગઈ.
પિસ્તોલ સિવાય તો અમારો બચાવ શક્ય નથી...
હું પિસ્તોલ તરફ દોડ્યો. પઠ્ઠાએ મારો હાથ પકડ્યો. તેણે મને પાછળ ખેંચ્યો. તેના અમાપ બળ આગળ મારું કંઈ ન ચાલ્યું. હું પાછળ ખેંચાયો. મને પાછળ ધકેલીને તે આગળ દોડ્યો. તે પિસ્તોલ સુધી પહોંચી ગયો. વૃંદા ઊભી થઈ. મારી બાજુમાં આવીને ઊભી રહી. પઠ્ઠાએ અમારી સામે પિસ્તોલ તાકી. મર્યા......
હું અને વૃંદા સ્તબ્ધ બનીને ઊભા રહ્યા.
અમે ભમરાહની નજીક પહોંચી ગયા છીએ.
હવે એકેય પર્વતને અનુસરવાનું બાકી નથી રહ્યું. હવે ભમરાહને જ અનુસરવાનું છે. કુખોઝૂ જતી વખતે સૌથી પહેલાં અમે જે પર્વતને અનુસર્યા હતા તે પર્વત અમે વટાવી ચૂક્યા છીએ. પણ હવે અમારી સામે પિસ્તોલ તકાઈ છે.....
અમે કુખોઝૂ જઈ આવ્યા. આ બધું શું બની રહ્યું છે એનો આછો-પાતળો ખ્યાલ આવ્યો. હજી વૈદેહી મળી નથી, તેના મમ્મી-પપ્પા મળ્યા નથી, વૃંદાના પપ્પા મળ્યા નથી અને આ આખીય મથામણ શું છે એ ખબર પડી નથી..... વૃંદાની નકારાત્મક માનસિકતાનું કારણ શોધવાનું છે....... પણ હવે એ બધું શોધવા માટે અમે જીવતાં બચીશું?
અંધારુ વધી રહ્યું છે. અત્યારે મને પઠ્ઠો સ્પષ્ટ દેખાતો નથી, જે મારાથી સાતેક ફૂટ જ દૂર હશે. જંગલ એકદમ શાંત થઈ ગયું છે. પણ શાંતિ ભયંકર લાગી રહી છે..... કેમ કે પિસ્તોલ અમારી સામે તકાયેલી છે.....
“દુનિયાને ધિક્કારવા બદલ મને કોઈ સજા મળવી જોઈએ, વેદ?” વૃંદાએ ધીમેથી પૂછ્યું.
હું વૃંદાના પ્રશ્ન વિશે કંઈ વિચારું એ પહેલાં જ પઠ્ઠાએ પિસ્તોલનો ઘા કર્યો....
અમે ચોંકી ગયા. પઠ્ઠાએ પિસ્તોલ દૂર ફેંકી દીધી અને બાઈક તરફ દોડ્યો.
હું તેની પાછળ દોડ્યો..... વૃંદા પિસ્તોલ શોધવા માટે દોડી......
હું પૂરતા વેગથી દોડ્યો. પઠ્ઠો આગળ અને હું તેની પાછળ. પઠ્ઠો બાઈક પર બેસશે ત્યારે તે તરત જ રવાના નહિ થઈ જાય. બાઈક સ્ટાર્ટ કરતાં તેને સમય લાગશે જ. ત્યારે હુ તેને રોકવા માટે કંઈક કરી શકીશ. ત્યાં સુધીમાં વૃંદાને પિસ્તોલ મળી ગઈ હશે.
અચાનક પઠ્ઠો રોકાયો અને પાછળની તરફ એક પગ ઊંચો કર્યો. હું જોરદાર વેગથી તેની તરફ દોડું છું. હું મારી ગતિ પર બ્રેક લગાવું તે પહેલાં તેનો પગ મારા પેટમાં ભરાયો..... રાડ નીકળી ગઈ.... ભરપેટ જમેલો હોત તો ઊલટી થઈ જાત..... પઠ્ઠો બાઈક તરફ આગળ વધ્યો. હું પેટ પકડીને બેસી પડ્યો. હવે તેની પાછળ દોડવાની તાકાત નથી મારી.
પઠ્ઠો બાઈક પર સવાર થયો. બાઈક સ્ટાર્ટ કર્યું અને તેનો સાથીદાર જે દિશામાં ભાગ્યો હતો તે દિશામાં બાઈક મારી મૂક્યું. વૃંદા પિસ્તોલ શોધી લાવી. તેણે અંધારામાં બાઈકની દિશામાં બે ધડાકા કર્યા.
વૃંદા મારી પડખે બેઠી.
“વેદ, વધારે નથી વાગ્યું ને?”
મેં નકારમાં માથુ હલાવ્યું અને કહ્યું-
“મેં પિસ્તોલ ઊંધી ન પકડી હોત તો આપણે કંઈ કરી શક્યા હોત.”
“તેં જીવનમાં એકેય વખત પિસ્તોલ પકડેલી છે? પહેલી વાર પિસ્તોલ પકડવાની આવી અને એ પણ આવી પરિસ્થિતિમાં! તારાથી ભૂલ થાય, વેદ!”
હું વ્યવસ્થિત બેઠો. અમે ઘડીક મૌન બેસી રહ્યા. પલાંઠી વાળીને બેઠા છીએ. બાઈક ભમરાહથી વિરુદ્ધ દિશામાં ગયું છે. અમે બાઈકની દિશામાં મોં રાખીને બેઠા છીએ. વૃંદાએ પિસ્તોલ ખોળામાં મૂકી છે. અંધારું વ્યાપી ગયું છે. આકાશ સંપૂર્ણપણે કાળું થઈ ગયું છે અને તેમાં તારાં દેખાવા લાગ્યા છે. ઠંડો પવન ધીમી ગતિએ ફૂંકાઈ રહ્યો છે. એ પવનમાં લહેરાતાં વૃક્ષોના પર્ણોનો ફરફરાટ ચારેતરફ રલાઈ રહ્યો છે. એ અવાજ સિવાય જંગલ તદ્દન શાંત છે.
“તું વૃંદા નથી એ સાંભળીને મારો જીવ તાળવે ચોંટી ગયો હતો.” મેં ધીમા અવાજે કહ્યું.
“હું પણ ઘડીભર તો મૂંઝાઈ ગઈ હતી.” તેણે કહ્યું.
“પણ.... તું જ વૃંદા છે!”
“ને તું વેદ!”
અમે એકબીજાની સામે જોયું. હું સહેજ મલક્યો. તેના હોઠ સહેજ હલ્યા..... ચહેરા પર સ્મિત આવતાં અટક્યું. મેં કહ્યું-
“હસી લે, વૃંદા!”
“જરૂરી નથી.” તેનો ચહેરો ફરી તંગ બન્યો.
“તારા આ તેજસ્વી મુખ પર સ્મિત લાવવા બદલ મને નોબેલ પ્રાઈઝ મળી શકે છે!”
તે ન મલકી. ઊભી થઈ. બોલી-
“હવે ઘરે જઈએ?”
“અરે વેદ...” હું બબડ્યો- “નોબેલ પ્રાઈઝ એમ સરળતાથી નહિ મળે, ભૈલા!”
ટૉર્ચના અજવાળે અમે ભમરાહ તરફ ચાલ્યા.
“આ આતંકવાદીઓ શા માટે આવ્યા હતા?”
“કંઈ સમજાતું નથી.”
“છેલ્લે તો પેલા પઠ્ઠાના હાથમાં પિસ્તોલ આવી ગઈ હતી.” મેં કહ્યું- “તે ધારત તો આપણને બંનેને વીંધી શકત. તેણે એવું ન કર્યું. વિનયકાકા જેવો લાગતો પેલો સાથીદાર કેમ ભાગી ગયો? એને તો ગુજરાતી આવડતું હતું! આ બધું....”
“વેદ, મારી સ્થિતિ તારા જેવી જ છે.” વૃંદાએ મને અટકાવ્યો- “આ બધાં જ પ્રશ્નો મને પણ સતાવે છે. એમાંના એક પણ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી.”
વૃંદાનું ઘર આવી ગયું.
સખત થાકી ગયાં છીએ.
ઝાંપા આગળ આવ્યા.
“હવે શું કરીશું?” વૃંદાએ પૂછ્યું.
“હું વૈદેહીના ઘરે જઈ આવું.”
“ત્યાં કેમ જવું છે?”
“વૈદેહીની કોઈ નિશાની મળે, કદાચ.”
“હું આવું?”
“તું અહિં તપાસ કર.”
“સારું.”
“આપણે શરીરને આરામ પણ આપવો પડશે.”
“મમ્મી-પપ્પાનું શું થયું હશે, વેદ?”
“આપણે શોધી કાઢીશું.”
તે ઘડીક મારી સામે જોઈ રહી.
“આપણે ત્રીસેક મિનિટ પછી તારા ઘરે મળીએ. પછી ચર્ચા કરીએ કે હવે શું કરવું.”
“બરાબર.”
“હવે જઉં?”
“જા.”
હું અવળો ફર્યો. રોયલ ચોકડી તરફ ડગ ભર્યાં. થોડું ચાલ્યો.
“વેદ, સાચવીને જજે......” વૃંદાએ બૂમ પાડી.
હું તેની તરફ ફર્યો. મારા હાથમાંની ટોર્ચનો પ્રકાશ તેના પર પડ્યો. તેની આંખો અંજાઈ ગઈ..... વિશાળ નભ પર ચંદ્રમાંનો પ્રવેશ થઈ ચૂક્યો છે.... ભમરાહની આ શાંત અને ઠંડી રાતનો પ્રારંભ થઈ ચૂક્યો છે..... આંખો આગળ એક હાથ આડો રાખીને ઊભેલી વૃંદા.... હજી આજે સવારે મેં તેને પ્રથમ વખત જોઈ... તે મને એક અજાણી છોકરી સ્વરૂપે મળી હતી અને અત્યારે..... અત્યારે તે વૃંદા છે..... મારી ચિંતા કરનારી વૃંદા..... મારી સાથે ચાલનારી વૃંદા.... ઝરખથી અને આતંકવાદીઓથી બચવામાં મારી સાથે-મારા માટે લડનારી વૃંદા..... મને પોતાના જેવો બનાવવા માંગતી વૃંદા..... કદાચ, મને પોતાનો બનાવવા માંગતી વૃંદા..... વેદની વૃંદા.......
“તું ટૉર્ચ બીજી દિશામાં રાખે તો સારું!” તેણે કહ્યું.
“હું જઉં જ છું!” કહીને હું રોયલ ચોકડી તરફ ચાલ્તો.
હું ફક્ત વૈદેહીની તપાસ કરવા તેના ઘરે નથી જતો. કુખોઝૂ જવા નીકળ્યા ત્યારે હું વીણામાસીનો મૃતદેહ બે ગાદલાં વચ્ચે મૂકીને આવ્યો હતો તેનું પણ કંઈક કરવું પડશે.
રોયલ ચોકડીએથી વૈદેહીના ઘર તરફ વળ્યો.
હું સખત થાકી ગયો છું. આખું શરીર દુઃખી રહ્યું છે. પગની તો જાણે કઢી જ થઈ ગઈ છે. હા, આજનો દિવસ તો મને મૃત્યુ સુધી યાદ રહેશે. આજની પ્રત્યેક ક્ષણ અભૂતપૂર્વ હતી..... હજી દિવસ પૂરો નથી થયો! જોઈએ વૈદેહીના ઘરે શું થાય છે...
આવી ગયું વૈદેહીનું ઘર.
શાકભાજીની વાડીની વચ્ચે થઈને ઘરના દરવાજે પહોંચ્યો. દરવાજો ખુલ્લો જ છે. હું તો દરવાજો બંધ કરીને ગયો હતો. અવાજ ન થાય એ રીતે અંદર ગયો. શૂઝ ઉતાર્યા. બૅગ ઉતારી. શયનખંડમાંથી ફાનસનો પ્રકાશ આવી રહ્યો છે. અંદર કોણ હશે? વૈદેહી? કોઈ આતંકવાદી? કોણ?
હું શું કરું? વૃંદાને બોલાવી આવું? તેને બોલાવવા જઉં ત્યાં સુધીમાં અંદરની વ્યક્તિ ક્યાંક જતી રહી તો? મારે શું કરવું જોઈએ? અંદર વૈદેહી હશે તો કોઈ સમસ્યા નથી. બીજું કોઈ હશે તો? કોઈ આતંકવાદી હશે તો?
હું દબાતાં પગલે શયનખંડ તરફ ચાલ્યો. ગભરાઈ રહ્યો છું.
શયનખંડના દરવાજાની બાજુમાં લપાઈને ઊભો રહ્યો. અંદરથી કંઈ અવાજ આવે છે કે કેમ સાંભળવા માટે કાન સરવાં કર્યા. એક મિનિટ આમ જ વીતી. અંદરથી જરાય અવાજ નથી આવતો. કદાચ, કોઈક ફાનસ ચાલુ મૂકીને જતું રહ્યું હોય.....
હું અંદર પ્રવેશ્યો....
સામેના ખૂણામાં ફાનસ ચાલુ છે. સામેની ભીંતને અડીને બંને ગાદલાં એમ જ પડ્યા છે, જેમ હું મૂકીને ગયો હતો. એ ગાદલાં પર એક પુરુષ પલાંઠી વાળીને બેઠો છે. માથે બરછટ વાળ છે. આંખો ઊંડી ઉતરી ગઈ છે. લંબગોળ ચહેરો લાંબા કપાળને લીધે વધારે લાંબો લાગે છે. પોપટની ચાંચ જેવા નાક પર ફાનસનો પ્રકાશ ચળકી રહ્યો છે. બરછટ હોઠ મંદ હાસ્ય વેરે છે. પોપટી અને કાળા રંગના આડા પટ્ટાઓ વાળી ટી-શર્ટ ભાઈના પાતળા શરીર પર ખુલ્લી લાગી રહી છે. રાખોડી રંગનું પેન્ટ જરા મેલું થયેલું છે. ગોખલામાં મૂકાયેલી કોડીઓ જેવી તેની આંખો મારી સામે મંડાયેલી છે.
“વેલકમ બૅક!” તે બોલ્યો.
“હુ આર યુ?”
જવાબમાં તે ફિક્કુ હસ્યો. હું અંગ્રેજીમાં બોલ્યો-
“તને એક સ્ત્રીના મૃતદેહ પર બેસતાં સંકોચ ન થયો.”
“આઈ વોન્ટ ટુ શૉ યુ સમથિન્ગ...” કહેતો તે ઊભો થયો.
બંને ગાદલાંની એક તરફ જઈને તે ઊભો રહ્યો. બોલ્યો-
“વોચ કૅરફુલી!”
તેણે ઉપરના ગાદલાની એક કિનાર પકડી. “થ્રી.... ટુ.... વન... ઢેન્ટેણેન્...” કહેતાં તેણે ઝાટકા સાથે તે ગાદલું ત્યાં જ ઊછાળ્યું. ગાદલું જરા સમય હવામાં રહીને પાછું મૂળ સ્થિતિમાં ગોઠવાયું. નીચે મૃતદેહ નથી!
“ઈટ્સ મેજિક!” બોલીને તે હસ્યો.
“મૃતદેહ ક્યાં છે?” મેં અંગ્રેજીમાં પૂછ્યું.
“ધૅટ્સ થ મેજિક!” તે ફરી હસ્યો.
“વૈદેહી અને તેનાં માતાપિતા અને વૃંદાના પિતા ક્યાં છે?”
“અલ્યા, હું ઈન્ટરવ્યુ દેવા આવ્યો છું?” તે ગાદલા પર બેસીને બોલ્યો- “પ્રશ્નો પૂછ્યે જાય છે તે!”
હું જીવનમાં પહેલી વખત કોઈ આતંકવાદી સાથે વાતચીત કરી રહ્યો છું! હમણાં એક આતંકવાદી સાથે લડાઈ પણ થઈ હતી, જે પણ પ્રથમ વખત જ હતી!
પણ હવે મારે શું કરવું જોઈએ? મારા પ્રશ્નોના જવાબ આ આપશે નહિ. હું આની સાથે વ્યવસ્થિત વાત કરીશ તો એ મને ગણકારશે જ નહિ અને મારઝૂડ કરતાં મને આવડતું જ નથી. આ ભાઈ અહીં આવ્યો છે કેમ?
“તું અહીં કેમ આવ્યો છે?” મેં અંગ્રેજીમાં પૂછ્યું.
“તને મળવા.”
“એક આતંકવાદી મને મળવા આવે એ મારા માટે સૌભાગ્યની વાત કહેવાય.”
“કેમ, તને માર ખાવાની મજા આવે છે?”
“આતંકવાદીઓને મારામારી સિવાય બીજું કંઈ નથી આવડતું?”
“એ સિવાય કોઈ અમારી વાત સાંભળે છે?”
“હું સાંભળીશ.”
“એનાથી અમને કંઈ ફરક પડશે?”
“તમારે વાત ક્યાં સુધી પહોંચાડવી છે?”
“અમારે ફક્ત વાતો નથી કરવી.”
“તો?”
“પરિવર્તન જોઈએ છે.”
“કેવું પરિવર્તન?”
“તને નહિ સમજાય.”
“એ તારી માન્યતા છે.”
“એમ? શું સમજે છે તું?” તે નજીક આવ્યો.
હું એની સામે જોઈ રહ્યો. તે મારી સામે આવીને ઊભો રહ્યો છે. ગુસ્સાથી તેની આંખો તગતગી રહી છે. ગુસ્સાભેર તે બોલ્યો-
“તમે અમને માણસ ગણો છો?”
“તમે કયું કામ માનવતાનું કર્યું?” મેં નીડરતાથી પ્રશ્ન કર્યો.
“અમે કેમ આ રસ્તો અપનાવ્યો હશે એ કદી વિચાર્યું છે?” કહીને તેને એક હાથે મારું ગળું દબાવ્યું.
તે ઘણો ગુસ્સે થયેલો છે. તેણે જોરથી મારું ગળું દબાવ્યું છે. મારા માટે એ અસહ્ય બનતું જાય છે. બંને હાથે હું તેનો હાથ છોડાવવા માટે મથવા લાગ્યો છું. અમુક સેકન્ડોમાં આણે મારું ગળું ન છોડ્યું તો હું મરી જઈશ. હું આડેધડ હાથ વીંઝવા લાગ્યો. તેના હાથ પર મેં કેટલીય મારા હાથ પછાડ્યા. એક લાફો તેના ગાલ પર મરાઈ ગયો.
તેણે મારા પગમાં તેનો પગ ભરાવ્યો અને મને જોરથી ધક્કો માર્યો. એ જ સમયે તેણે મારું ગળું છોડ્યું. સંતુલન જાળવવા કરતાં ઊંડો શ્વાસ લેવાનું કામ શરીરને વધુ યોગ્ય લાગ્યું અને હું પડ્યો. પડતી વખતે હું ફરી ગયો અને ઊંધા માથે પડવાને બદલે નાક જમીનને અથડાય એ રીતે પડ્યો. આંખો બંધ થઈ. હું શું કરું? આ આતંકવાદી તો બરાબર ગુસ્સે થયો છે. તેની સામે મારું જોર નથી ચાલવાનું. મારે એને શાંત પાડવો જોઈએ. પાંચેક સેકન્ડ પછી શરીર સ્વસ્થ થયું. આંખો ખોલી.
કોઈ મારા માથા આગળ આવીને ઊભું છે. કોઈ છોકરીના સુંવાળા પગ. નખ રંગેલા નથી. ઝાંઝર પણ નથી. મેં માથુ જરા ઉંચક્યું. બ્લૅક જીન્સ પેન્ટ. હું વધારે ઊંચો થયો. લાલ રંગની કુર્તીના લહેરાતાં છેડાં. માથું ઊંચું કર્યું.... વૃંદા.... તેના હાથમાં પિસ્તોલ છે, જે પેલા આતંકવાદી સામે તકાયેલી છે.
હું ઉત્સાહ સાથે ઊભો થયો. આતંકવાદી પાંચેક ડગલાં દૂર ઊભો છે. તેના ચહેરા પર સ્મિત છે.
“ખરા સમયે આવી ગઈ તું, વૃંદા!” મેં કહ્યું.
તે ચૂપ રહી. તેણે સહજતાથી પિસ્તોલ પકડી છે છતાંય તેની પકડ મજબૂત છે.
“મને ગોળી મારીશ તું?” પોપટની ચાંચ જેવા નાકવાળા એ આતાંકવાદીએ અંગ્રેજીમાં પૂછ્યું.
“યસ.” મેં કહ્યું.
“તને નથી પૂછતો, યાર! પિસ્તોલ તારા હાથમાં છે?”
વૃંદા હજી મૌન છે. હું બોલ્યો-
“અમારા પ્રશ્નોના જવાબ આપ! વૃંદા તને ગોળી મારતાં ખચકાશે નહિ.”
“ઓહો! હું તો બહુ ડરી ગયો!” કહેતો ખડખડાટ હસ્યો.
હું કંઈ ન બોલ્યો. તે ગાદલા પર બેઠો. બોલ્યો-
“ચાલ છોકરી, બહુ થયું નાટક!”
“વૃંદા નાટક નથી કરતી.” મેં કહ્યું- “વૃંદા ખરેખર તને ગોળી મારી દેશે.”
“કોણ ગોળી મારશે?” પોપટની ચાંચ જેવા નાકવાળા આતંકવાદીએ મને પૂછ્યું.
“વૃંદા.”
“કોણ વૃંદા?”
“આ ઊભી છે એ.”
પેલો ફરીથી હસ્યો. બોલ્યો-
“પાગલ, એ વૃંદા નથી.” તે હસતો હસતો ગાદલા પર સૂઈ ગયો.
“અને તું વેદ છે ને?” તેને કટાક્ષમાં એ પ્રશ્ન કરીને હું વૃંદા સામે ફર્યો- “આ લોકો હજી નાટક બંધ નથી કરતાં. હદ કરે છે!”
“ખરેખર કહું છું, છોકરી!” પેલો પડ્યો-પડ્યો બોલ્યો- “નાટક બંધ કર!”
“ઓ.કે., સર!”
“વૃંદા......” જાણે હું ઊંચી ઈમારત પરથી ભોંય પટકાયો.....
વૃંદાએ પિસ્તોલ નીચી કરી. મારી સામે ફરી. બે ઘડી મારી આંખોમાં તાકી રહી. બોલી-
“હું વૃંદા નથી, વેદ....”
તેણે પિસ્તોલનો હાથો મારા માથામાં ઠોક્યો....
મને તમ્મર ચઢ્યાં.... વૃંદા સાવ ધીમે બબડી-
“સોરી, વેદ...”
હું એક લથડિયું ખાઈને વૃંદાના પગમાં ઢળી પડ્યો....
*****
ઊંઘમાં જ... બંધ આંખે... વિનયકાકા દેખાયા....
જંગલ... આછું અંધારું.... વિનયકાકા... એમનાં શબ્દો... આ વૃંદા નથી.... હું નિઃસંતાન છું.... આ છોકરી આતંકવાદી છે..... આતંકવાદી છે એ..... તને છેતરી રહી છે એ....
વિનયકાકા જંગલમાં દૂર જતાં જાય છે.... પેલાં ઝાડ પાછળ ઊભા છે... માથુ સહેજ નમાવીને મને જોઈ રહ્યા છે..... કહી રહ્યાં છે- તું છેતરાઈ રહ્યો છે, દીકરા..... તેઓ વધુ દૂરના એક વૃક્ષની પાછળ લપાયા.... આ લોકો ખતરનાક છે..... આતંકવાદીઓ છે આ..... વિનયકાકા દૂર ગયા.... છેક દૂર.... તેમના શબ્દો મને સંભળાતા નથી.... તેઓ.... દેખાતા બંધ થઈ ગયા....
વૃંદા નામની એ સુંદર પરી પાંખો ફફડાવીને ઊડી ગઈ....
આ ઘોર જંગલમાં હું એકલો ઊભો છું....
ક્યાંક દૂરથી મારી મમ્મી મને બોલાવી રહી છે... પપ્પા મને પોકારી રહ્યા છે....
મને પાછા જવાનો રસ્તો નથી મળતો...
અટવાઈ ગયો છું... આ ભયંકર જંગલમાં હું એકલો જ છું.... અંધારું વધતું જાય છે.... મારી આંખો કામ કરી શકતી નથી..... હું આમથી તેમ દોડી રહ્યો છું... ઠેસ ખાઈને પછડાઉં છું.... ઊભો થઈને ફરીથી દોડી રહ્યો છું.... દોડી રહ્યો છું....
*****
કોઈક સમતલ અને કઠણ જગ્યા પર મૂકાયો.
સખત થાકી ગયો છું.... તમામ રીતે......
ઊંઘતો રહ્યો...
*****
અર્ધજાગૃત છું.
રગેરગમાં વ્યાપી ગયેલી વૃંદા સાથે સંવાદ ચાલી રહ્યો છે....
તું વૃંદા નથી??
ના.
વૃંદા.....
હું વૃંદા નથી.
તો હું વેદ નથી.
તું વેદ જ છે.
તો તું વૃંદા જ છે.
પાગલ ન બનીશ.
બની ગયો છું.
વૃંદાને ભૂલી જા.
અશક્ય છે.
હું હજી આજે સવારે જ તો તારા જીવનમાં પ્રવે-
પ્રવેશી ગઈ છે તું, વ્યાપી ગઈ છે, સર્વત્ર....
પણ હવે હું જાઉં છું.
નહિ જવા દઉં.
મને છોડવી પડશે તારે, ભૂલવી પડશે મને.
કેમ?
તું શાંતિથી જીવનારો એક ડાહ્યો છોકરો છે.
તો?
મારી દુનિયા અલગ છે, વેદ.
વિશ્વ એક જ છે, વૃંદા!
મારી માનસિકતા તારાથી ભિન્ન છે.
તો છોડી દે એ માનસિકતા.
કેમ છોડું?
આપણા માટે.
આપણા માટે?
હાસ્તો! આ સંબંધ એકપક્ષીય થોડો છે? તું મને પ્રેમ નથી કરતી?
........
જવાબ આપ, વૃંદા!
તું કરે છે?
પૂર્ણ.
તું ગાંડો થઈ ગયો છે, વેદ!
તું વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં ડરે છે, વૃંદા!
કેવી વાસ્તવિકતા.
તારામાં મારા પ્રત્યે જે ભાવ છે એ.
એવું કશું ન....
નથી?
........
છે ને?
મારે વાત નથી કરવી.....
*****
જાગ્યો.
જમીન પર સૂતેલો છું, ડાબા પડખે. ઘરમાં છું. મને રજાઈ ઓઢાડેલી છે, જેની એક કિનાર મારા ગાલ પરથી પસાર થાય છે. રજાઈ ખસેડીને હું બેઠો થયો. આ વૃંદાનું ઘર છે. સૂર્ય ઊગી ગયો છે. ડાબી બાજુની બારીમાંથી સૂર્યપ્રકાશ અંદર પ્રવેશી રહ્યો છે.
“ઊંઘ બરાબર આવી હતી ને?”
બેઠાં બેઠાં જ હું પાછળ ફર્યો. ઘરની બહાર નીકળવાના દરવાજાની પડખે પાથરેલા પલંગ પર તે બેઠી છે. હમણાં સુધી તે પલંગ પર પાથરેલી વસ્તુઓ સાથે કંઈક કામ કરતી હતી, હવે તેણે મારી તરફ જોયું. હમણાં સુધી તે મારી જમણી દિશામાં મોં રાખીને પલાંઠી વાળીને પલંગ પર બેઠી હતી, હવે તે મારી તરફ ફરી અને પગ જમીનને અડાડ્યા. પર્પલ કલરની કુર્તી અને બ્લૅક નેરો જીન્સ પેન્ટમાં તે સજ્જ થયેલી છે. તેના ચહેરા પર નવી ચમક તરવરી રહી છે. મારી સામે નજર સ્થિર કરીને બોલી-
“હું તો મારી ટેવ મુજબ વહેલી જાગીને તૈયાર થઈ ગઈ હતી. મારા કપડાં પણ ધોઈ નાખ્યા.”
હું મૌન રહ્યો. વૃંદા ભાવશૂન્ય નજરે મારી સામે તાકી રહી છે. તેને જોતો રહ્યો, સાંભળતો રહ્યો....
“તને જગાડવાનું મન ન થયું. ગઈકાલે તને બહુ રખડાવ્યો હતો મેં.”
તે ક્ષણભર અટકી. બોલી-
“અત્યારે કોઈ પુસ્તક છે નહિ મારી પાસે, નહિંતર વાંચત. મિશન પર હોઈએ ત્યારે મને પુસ્તકો સાથે રાખવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવે છે. મારો ઘણો સમય ચિંતનમાં વીતે છે. પણ આજે સવારે એ શક્ય ન બન્યું. કેમ કે તારા સિવાય બીજો કોઈ વિચાર આવતો જ નથી. એટલે આ પિસ્તોલ લઈને બેઠી. ત્રણ વાર ખોલીને પાછી ફીટ કરી. આ ચોથી વખત બધાં પાર્ટ્સ અલગ કર્યાં. રાહ જોતી હતી કે તું ક્યારે જાગે.”
“વૃંદા-”
“ના.” તેણે મને અટકાવ્યો- “મૅર્વિના.”
“હં?”
“હું વૃંદા નથી, મૅર્વિના છું.”
હું આગળ ન બોલી શક્યો.
(ક્રમશઃ)