Vaidehi ma vaidehi - 4 books and stories free download online pdf in Gujarati

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-4)

પ્રકરણ - 4
ટ્રેન જ્યારે બરાબર વેગ ધારણ કરી લે છે ત્યારે એવું લાગે છે કે તે મદમસ્ત બનીને ઝૂમી રહી છે! નિઃસંદેહપણે, એની અસર મુસાફરોને પણ થાય છે. બધાં ડોલવા લાગે છે. શરીર જેટલું ઊંચાઈ પર હોય તેટલું વધારે ડોલે છે. જો અપર-બર્થ પર સૂઈ જઈએ અને ટ્રેનનો વેગ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે હોય તો એવું લાગે કે આપણે ઘોડિયામાં સૂતાં છીએ અને સાવ ધીમે ધીમે મમ્મી ઝૂલાવી રહી છે.
“અહીં ઊભા ઊભા જ બ્યોહારી જવું છે?” મારી અંદર ઘર કરી ગયેલી અવની બોલી- “આયોજકને આવી જાણ હોત તો સ્લિપર-ટિકિટનો ખર્ચ બચી જાત ને, યાર!”
હું અંદર આવ્યો. બર્થ નં-૧ આ બાજુ છે. ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં આવીને અટક્યો. આ રહી બર્થ નં-૨૫, ૨૬, ૨૭. મુસાફરો લાઈટ્સ બંધ કરીને ઊંઘી ગયેલાં છે. છતાં બર્થક્રમાંક દર્શાવતી નાની તકતીઓ સહેજ ચળકી રહી છે. આ કમ્પાર્ટમેન્ટની ચારેય બારીઓ બંધ છે. બૅગમાંથી પાણીની બોટલ કાઢીને ‘મારી’ બર્થ પર મૂકી. ૨૫ નંબરની બર્થ-લૉઅરબર્થ નીચે મારી બૅગ સરકાવીને હું ઉપર ચડ્યો. શૂઝ ઊતારીને આડો પડ્યો. માથા પર જ પંખો ફરી રહ્યો છે. સારો એવો અવાજ કરી રહ્યો છે. એક મારા પગ પાસે અને એક ૩૨ નંબરની બર્થ પાસે, એમ બીજા બે પંખાઓ પણ છે. તેમનો અવાજ પણ આમાં ભળી રહ્યો છે. હું ઊભો થયો. બોટલમાંથી પાણી પીધું. એમ જ બેસી રહ્યો. ફરી આંતરિક અવનીનો અવાજ સંભળાયો- “સૂઈ નથી જવું?”
‘પ્રભાવિત થયો નથી અને થઈશ પણ નહિ’, કેવા ફાંકા મારતો હતો હું! ને હજીય અવનીની અસરમાંથી બહાર નથી આવી શકતો. તેનો દેખાવ છે શાંત સરોવરમાં ઊગેલા કમળ જેવો સુંદર અને મગજ છે વીર યોદ્ધાની તલવારની ધાર જેવું! પણ તે આવી હતી કેમ એ મોટો પ્રશ્ન છે. તેને ક્યાંય જવાનું નહોતું. તે મારી સાથે વાતો કરીને પાછી જતી રહી હતી. મને પ્રભાવિત કરીને કે મને વિશ્વાસમાં લઈને તે શું કરવા માંગે છે? અવની જેવા માણસો મને ભમરાહ લઈ જવા માટે રોકાયેલા છે.... તો, ભમરાહમાં શું થશે? પણ આ પ્રશ્નોનું સમાધાન હું અત્યારે નથી કરી શકવાનો. અવનીએ કહ્યું હતું કે મારા પ્રશ્નોનાં જવાબ આપવા તે મને ફરીથી મળશે.
મેં બર્થ પર લંબાવ્યું. આંખો બંધ કરી. ટ્રેન પૂરપાટ વેગથી દોડી રહી છે. મારું શરીર મંદ દોલનો કરી રહ્યું છે. કાયદેસર તો હું ‘સાયન્સ’નો વિદ્યાર્થી છું પણ સાહિત્યમાં મને ઘણો રસ છે. હા, પપ્પા ગુજરાતીના શિક્ષક છે. ઘરમાં પુસ્તકોનો કોઈ પાર નથી. મને કવિતાઓ લખવાનો શોખ ખરો. હા, ફક્ત શોખ જ! હજી સુધી એકેય કવિતા લખાઈ નથી. એટલે, આમ તો મેં પુષ્કળ કવિતાઓ લખી છે પણ મારા સિવાય કોઈ એને ‘કવિતા’ તરીકે સ્વીકારતું જ નથી ને! આ ગઈકાલે જ એવું થયેલું. ‘વરસાદ પછી’ નામની કવિતા વાચ્યા પછી એવી ‘પાતળી’ કવિતા બનાવવાનો મહાસંકલ્પ કર્યો. બહુ મથ્યો પણ કવિતા થઈ નહિ. અરે, એમ કંઈ મેં હાર નહોતી માની. છેવટે મેં મારું ‘સાયન્ટિફીક’ ભેજું કામે લગાડ્યું હતું. સૌપ્રથમ તો એક સાદું પણ લાંબું વાક્ય લખ્યું. પછી, તેનો અર્થ ન બદલાય એ રીતે તેનાં શબ્દો આડાઅવળાં કરી દીધા. અંતે, એક લીટીમાં બે કે ત્રણ શબ્દો જ આવે એ રીતે એ વાક્યને ‘ઊભું’ કરી નાંખ્યું. વાહ, બની ગઈ ‘કવિતા’! જાણે સાહિત્યનો નોબૅલ જીતી લાવ્યો હોઉં એમ મેં એ કવિતા પિતાજીને ધરી. બોલ્યો-
“પપ્પા, મેં લખી આ કવિતા.”
પપ્પાએ ‘કવિતા’ વાંચીને અભિપ્રાય આપ્યો હતો-
“આ કવિતા છે એવું તેં મને પહેલેથી જણાવ્યું ન હોત તો મને લાગત જ નહિ કે આ કવિતા છે.”
અલબત્ત, મારું ‘ગૅપ-યર’ કંઈ ‘કાવ્યરચના’ને સમર્પિત નથી. ‘સમજવા’ માટે મેં એક વર્ષ રોક્યું છે. એકથી બાર ધોરણ અને B.Sc. ના ત્રણ વર્ષમાં મને એટલું તો ભાન થઈ ગયું કે આ શિક્ષણ ‘ભણાવે’ છે, ‘સમજાવતું’ નથી. આ શિક્ષણ ‘કામ કરવાનું’ શીખવે છે, ‘જીવવાનું’ નહિ. આ શિક્ષણથી હું જીવનજરૂરી ‘સુવિધાઓ’ પામવા સમર્થ બનીશ, ‘સુખ’ પામવા માટે નહિ. હું એ તો સમજી શક્યો છું કે ‘સુખપૂર્વક’ જીવવા માટે ‘સમજણપૂર્વક’ જીવવું અનિવાર્ય છે. એ ‘સમજણ’ની અપેક્ષા આજના શિક્ષણ પાસેથી ન જ રાખી શકાય! મારે ‘સ્વ’ની સમજ મેળવવી છે, ‘સંબંધો’ની, ‘પરિવાર’ની, ‘સમાજ’ની, ‘માનવીય મૂલ્યો’ની અને ‘સમગ્ર’ની સમજ મેળવવી છે. એ હેતુથી મેં એ ‘ગૅપ-યર’નો નિર્ણય કર્યો છે.
એક અવનીને હું ઓળખું છું. એ તો પણ મારાથી નાની છે, જ્યારે આ અવની મારાથી થોડી મોટી હશે. મારા પપ્પા જે શાળામાં આચાર્ય છે એ શાળામાં તે ભણતી. ૨૦૧૨માં તે અવની આઠમા ધોરણમાં હતી. અત્યારે ૨૦૧૫ ચાલે છે. એ અવની અત્યારે ૧૧મા ધોરણમાં હશે. અવનીનો ભાઈ અત્યાતે કોલેજનાં ફર્સ્ટ યરમાં હશે, જેનું નામ અભય છે. તે બન્ને ભાઈબહેન અને આશુતોષ સાથે ઘનિષ્ઠ મિત્રતા છે. ત્રણેય હોશિયાર છે. હા, હું જે અવનીને ઓળખું છું એ તો સાવ ભોળી છોકરી છે, આના જેવી નથી! આશુતોષ, અવની અને અભયની ત્રિપુટી સૌ શિક્ષકોને ગમતી. રજાઓમાં હું ઘરે આવતો ત્યારે એ ત્રણેય મારી સાથે બેઠક જમાવતા. અમે જાતજાતનાં વિષયો પર ખૂબ ચર્ચા કરતાં.
હા, ગુજરાત બહાર પ્રવાસ કરવાનું હું ઘણાં સમયથી વિચારતો હતો. લ્યો, આ થઈ ગયો પ્રવાસ, કોઈ પણ આયોજન વગર! અલબત્ત. મેં કોઈ આયોજન નથી કર્યું, બાકી પત્ર લખનારે તો આયોજન કર્યું જ છે. એટલે જ તો તેને ‘આયોજક’ કહું છું. પણ ભમરાહ કેટલું દૂર હશે? પેન્ટના ખીસામાંથી મોબાઈલ કાઢ્યો. Mobile Data ઓન કરીને Googleમાં ટાઈપ કર્યું- Distance between Ahmedabad and Beohari…. Searching........... આવ્યું.... બાપ રે! લગભગ ૧૧૫૦ કિલોમીટર! બીક લાગી! Mobile Data બંધ, મોબાઈલ બંધ અને આંખો પણ બંધ! બ્યોહારી મધ્યપ્રદેશના છેક પેલા છેડે છે. ‘પેલો છેડો’ એટલે છત્તીસગઢ તરફનો છેડો. વળી, આ તો અમદાવાદથી બ્યોહારી સુધીનું અંતર છે. હું તો શંખેશ્વરથી ભમરાહ જઈ રહ્યો છું! શંખેશ્વરથી અમદાવાદ ૧૨૦ કિલોમીટર થાય. પત્રમાં લખ્યું હતું કે બ્યોહારીથી માહગાઢ સવા સો કિલોમીટર દૂર છે. ત્યાંથી જે દોઢેક કિલોમીટરનું અંતર છે એ તો હવે અવગણ્ય થઈ ગયું! પણ ટોટલ કરો..... ૧૪૦૦........ એક હજ્જાર ને ચારસો....... અધધધ!! આટલે બધે દૂર? કેવું હશે ત્યાં? મને કંઈક થઈ જશે તો? ક્યાંક ભૂલો પડી જઈશ તો? હું ૧૪૦૦ કિલોમીટર દૂર જઈ રહ્યો છું...... એક અનામી પત્રને ભરોસે!!..... અલ્લાહ તેરોઓ નામ.... ઈ..શ્વર તેરો નાઆઆમ...... પણ.... હું ભમરાહ કેમ જઈ રહ્યો છું? વૈદેહી પ્રત્યેનું આકર્ષણ મને ત્યાં ખેંચી રહ્યો છું? વૈદેહીની શારીરિક સુંદરતા પ્રત્યે હું ખરેખર આકર્ષાઈ ગયો છું?
કેટલું ઝડપથી પરિવર્તન આવી ગયું છે! હમણાં, સાંજે તો હું ઘરે હતો. આવતી કાલે દશમાં ધોરણામાં ‘વન અપોન એફ ઈઝ ઈક્વલ ટુ વન અપોન વી પ્લસ વન અપોન યુ’ ફોર્મ્યુલાની સાબિતી ભણાવવાનું નક્કી કર્યું હતું. આવતીકાલે તો હું ભમરાહમાં હોઇશ! કોણ જાણે, શું થશે કાલે? હા, મોસ્ટ IMP થીઅરી છે. પરીક્ષાઓ તો આવે અને જાય, બાકી આ વિશ્વ છે અદ્‌ભૂત! અણુ-પરમાણુથી લઈને ગેલેક્ષીઓ સુધીનું બધું જ કેટલું સુંદર રીતે ગોઠવાયું છે! કેટલી અદ્‌ભૂત વ્યવસ્થા છે!
આવાં વિચારો વચ્ચે ક્યારે મને ઊંઘ આવી ગઈ એ ખબર જ રહી....
*****
જાગ્યો.....
આંખો ખોલી. માથા પર લાઈટ બળી રહી છે. આંખો અંજાઇ ગઈ. બે-ત્રણ વખત આંખો પટપટાવી. અવાજ સંભળાયો-
“લાઈએ, ટિકટ દીખાઈએ...”
હું બેઠો થયો. સફેદ શર્ટ પર કાળો કોટ પહેરીને ઉભેલા, મોટી ફાંદવાળા, ટિકિટ-ચૅકર દેખાયા. બાકી સૌ મુસાફરો પણ જાગ્યા છે અને ટિકિટ કાઢવા લાગ્યા છે. જૅકેટના ખીસામાંથી મેં ટિકિટ કાઢીને આપી. તેઓ રજિસ્ટરમાં મારું નામ શોધવા લાગ્યા. મળ્યું. એક-બે જગ્યાએ કંઈક લીટા કર્યાં અને ટિકિટ પાછી આપી. મેં ટિકિટ જોઈ. બાકીના મુસાફરોએ પણ ટિકિટ દેખાડવા માંડી.
ટ્રેન લેટ તો નથી ચાલતી ને? ટી.સી.ને પૂછી લઉં. મેં પૂછ્યું-
“ટ્રેન કલ સુબહ દશ બજે બ્યોહારી પહુંચા દેગી ન?”
“બ્યોહારી?” તેમણે પૂછ્યું.
“હા, બ્યોહારી.”
તેમને જાણે શૉક લાગ્યો. ફક્ત તેમને જ નહિ, આખાય કમ્પાર્ટમેન્ટમાં વીજળી પડી. શું થયું બધાંને? ઊજાગરાને કારણે લાલ થયેલી ટી.સી.ની આંખો મારી સામે મંડાઈ રહી. નીચેની બર્થમાંથી કોઈક સહેજ હસ્યું અને અને તેનો ચેપ ખૂબ જ ઝડપથી બધાંને લાગી ગયો. ટી.સી. સિવાય બધાં હસ્યાં.
“ક્યા હુઆ?” મેં પૂછ્યું.
“અબે, અકલ કે અંધે!” તેઓ બરાડ્યા- “ પઢા-લીખા નૌજવાન હો કે ઐસા કરતા હૈ?”
“ક્યા?” મને હજી કંઈ સમજાતું નહોતું.
“યે ટ્રેન બ્યોહારી નહિ જાતી....”
“ક્યાઆઆ.....?” હું ઊછળ્યો અને માથુ ટ્રેનની છત સાથે અથડાયું.
“નહિ તો ક્યા?” તેમનો ગુસ્સો હજી હેઠો નથી બેઠો- “ક્યા દેખ કે તુ ટ્રેનમેં ચઢા.... લેકિન.... અરે, ટિકટ તો ઇસી ટ્રેન કા લીયા હૈ તુને! કમાલ હૈ..... અબે કિયા ક્યા તુને યે?”
“પતા નહિ....” મારાથી બોલાઈ ગયું.
“પતા નહિ?” તેઓ બીજા એક મુસાફરને સંબોધીને બોલ્યા- “કમાલ કા આદમી હૈ યે!”
“સર, અબ મૈં ક્યા કરુ?”
“હં.....” થોડું વિચારીને તેમણે મને પૂછ્યું- “રિટર્ન ટિકટ કહાં સે કહાં કા નીકલવાયા હૈ?”
“પ....પતા નહિ....”
“અબે તેરી-” તેઓ ગાળ બોલતા અટક્યા- “જો કરના હૈ વો કર.....”
તેઓ આગળ ચાલ્યા અને આ કમ્પાર્ટમેન્ટમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. મેં એ સૌને અવગણ્યાં. પણ હવે હું શું કરું? આ બધું શું કર્યું આયોજકે?..... ભયંકર ભૂલ?.... એક મુસાફરે લાઈટ બંધ કરી. મારી સામેની બર્થ પરનો મુસાફર બોલ્યો-
“અબ ઈન્જન મેં જા કે ડ્રાઈવર કો બોલ કી તુઝે છોડને કે વાસ્તે ટ્રેન બ્યોહારી લે જાયે!”
બધાં ફરીથી હસ્યાં.
પત્રમાં તો લખ્યું હતું કે વિરમગામ રેલવે-સ્ટેશન પરથી, રાતનાં ૮.૪૦ કલાકે, ટ્રેન ઉપડશે, જે બીજા દિવસે દશ વાગ્યે બ્યોહારી પહોંચાડી દેશે. હું એ ટ્રેનમાં તો બેઠો છું. હા, ટિકિટ પણ આ જ ટ્રેનની છે. પણ આ ટ્રેન તો બ્યોહારી જતી જ નથી. તો, આયોજકે આ ટ્રેનની ટિકિટ કેમ કઢાવી? મોબાઈલની ફ્લૅશ-લાઈટનું અજવાળુ કરીને મેં ટિકિટ જોઈ. વિરમગામથી ખાંડવા.... ખાંડવા? બીજા પ્રશ્નો એટલાં વધારે પ્રમાણમાં હતાં કે ટિકિટ જોવાનું મને સૂઝ્યું જ નહોતું..... પણ હવે? ખાંડવા જઈને હું શું કરીશ? આયોજકે આ શું કર્યું, યાર?
હું બર્થ પરથી નીચે ઉતર્યો. ડબ્બાના છેડા તરફ ચાલવા લાગ્યો.
બાજુના કમ્પાર્ટમમેન્ટમાં ટી.સી. ઊભા છે. હું આગળ ચાલ્યો. ડબ્બાનો અંત ભાગ આવ્યો. વોશ-બેઝિન આગળ ઊભો રહ્યો. સામે લગાવેલા અરીસામાં મારું મુખ દેખાયું. ફક્ત હું જ.... સાથે કોઈ નહિ. વોશ-બેઝિનનો નળ ચાલુ કર્યો. ખોબો પાણી ભરીને મોં પર છાંટ્યું. બીજી બે-ત્રણ છાલક મારીને નળ બંધ કર્યો. હું સૂતો હતો એ દરમિયાન ટ્રેન અમુક સ્ટેશનોએ ઊભી રહી હશે. અત્યારે તે પૂરા વેગથી દોડી રહી છે. દરવાજામાંથી ઠંડો પવન આવી રહ્યો છે. ચહેરા પણ જાણે બરફ મૂક્યો હોય એવું ઠંડુ લાગી રહ્યું છે.
આયોજક મને છેતરી રહ્યો છે. તેનો હેતુ ભલે ગમે તેટલો સારો હોય પણ મને આ રીતે વારંવાર ચિંતામાં નાંખવો ન જોઈએ. તેણે મને કહ્યું હતું કે ટ્રેન સવારે દશ વાગ્યે બ્યોહારી પહોંચાડશે. ટ્રેન બ્યોહારી જતી જ નથી. વળી, તેણે મારી ટિકિટ ખાંડવા સુધીની કઢાવી છે. મારે ત્યાંથી ટ્રેન બદલવાની થશે? પણ એવું હોય તો એણે મને પહેલેથી જાણ કરવી જોઇએ કે નહિ? આવું તે કંઈ હોતું હશે! મેં તેના પર વિશ્વાસ કર્યો છે. તેણે મને પૂરતી વિગતો આપવી જોઈએ. તેણે મને અવની વિશે પણ કંઈ નહોતું જણાવ્યું. એ આવી રીતે વર્તન કરે તો હું તેના પર કઈ રીતે વિશ્વાસ મૂકી શકું? ટ્ર્રેન અંગેની તેની વાત ખોટી નીકળી છે, શક્ય છે કે આખોય પત્ર એક જુઠ્ઠાણું હોય. શક્ય છે કે મને કોઈ કાવતરામાં ફસાવવામાં આવતો હોય. પણ મારી સાથે આવું કોણ કરે? ખેર, આયોજક કોણ છે એ અગત્યની વાત નથી. અગત્યની વાત એ છે કે હવે મને તેની વાતો સાચી નથી લાગતી. હવે હું એ પત્ર પર વિશ્વાસ નથી કરી શકતો.
તો, હું હવે પાછો વળું છું. હા, હવે આવનાર સ્ટેશને હું ઊતરી જઈશ. ગમે તેમ કરીને અમદાવાદ તો પહોંચી જઈશ. અમદાવાદથી ઘરે જવામાં તો કોઈ વાંધો છે જ નહિ! શક્ય છે કે ટ્રેન હજી ગુજરાતની બહાર ન નીકળી હોય. એવું હશે તો તો અમદાવાદ પહોંચવું બહુ સરળ છે. બસ, થઈ ગયો નિર્ણય. હવે જે સ્ટેશન આવે ત્યાં ઊતરી જઈશ. અમદાવાદ જતી ટ્રેનનો સમય પૂછી લઈશ. એ સ્ટેશનથી અમદાવાદ જતી ટ્રેન દશેક કલાક પછીની હશે તો, ત્યાંથી નજીક હોય તેવા મોટા સ્ટેશને કોઈપણ રીતે પહોંચી જઈશ. ત્યાંથી અમદાવાદ જતી ટ્રેન તો નજીકના સમયમાં જ હશે. તેના જે ક્લાસમાં ટિકિટ મળશે એ ચાલશે. છેક અમદાવાદ સુધી બેસવા પણ ન મળે તો ય ચાલશે. મારે અહીંથી આગળ નથી જવું.
અરીસામાં જોયું. મારી પાછળ કોઈક છે. કાળા કપડાથી તેનો ચહેરો ઢંકાયેલો છે, ફક્ત આંખો દેખાય છે. હું કંઈ નિર્ણય લઉં એ પહેલા તેનો જમણો હાથ આગળ આવ્યો અને મારા નાક પર દબાયો. તેના હાથમાં ફૂલની ડિઝાઈનવાળો, નાનકડો હાથરૂમાલ છે. હું તરત સમજી ગયો કે એ રૂમાલ પર ક્લોરોફોર્મ છાંટેલું હશે. એ રૂમાલ પરનું ક્લોરોફોર્મ શ્વાસમાં ન જાય એ માટે મેં શ્વાસ રોકી લીધો.
તેનો હાથ મારા નાક પર દબાય એ પહેલાં મેં શ્વાસ ભર્યો હતો. હું શ્વાસ રોકીને ઊભો છું પણ ક્યાં સુધી રોકી શકીશ? મેં બંને હાથે તેનો હાથ પકડ્યો. અરીસામાં દેખાય છે કે કાળા કપડાથી બનેલા તેનાં વસ્ત્રની બાંય તેનાં કાંડા સુધી પહોંચે છે. તેનો હાથ મારા હાથ કરતાં પાતળો છે. મેં બંને હાથથી તેનો હાથ પકડ્યો ત્યારે ખ્યાલ આવી ગયો હતો કે આ કોઈ છોકરી છે. તેના હાથની ચામડી સુંવાળી છે પણ આંગળીઓના હાડકાં ખૂબ મજબૂત અને તીખાં છે. તેણે નખ લાલ રંગથી રંગેલાં છે. પહેલી આંગળીમાં વીંટી પહેરી છે, જે ટ્રેનની છત પર બળતી લાઈટના પ્રકાશમાં પોતાના પરનાં હિરા ચળકાવી રહી છે.
તેનો ડાબો હાથ મુક્ત છે. તેણે ડાબા હાથ વડે મારો ડાબો હાથ પકડ્યો અને મારી પીઠ પાછળ વાળ્યો. જમણા હાથથી હું તેનો જમણો હાથ મારા નાક પરથી ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ શ્રમના કારણે મારો શ્વાસ ઝડપથી ખૂટી રહ્યો છે. તેણે વધુ બળ વાપરીને મને પાછો ખેંચ્યો. હું પાછળ ખેંચાયો. મારો ચહેરો તેના ચહેરાની નજીક આવ્યો. મારી ગરદન તેના ખભા પર અને મારી પીઠ તેની છાતી પર આવી. હવે તેની પકડ વધુ મજબૂત બની છે. આ સામાન્ય છોકરી નથી લાગતી. તેના પાતળા શરીરમાં અપાર બળ છે.
હતું એટલું બળ વાપરીને મેં મારા ડાબા હાથને ઝાટકા સાથે તેના ડાબા હાથમાંથી છોડાવ્યો. મારો ડાબો હાથ છટક્યો કે તરત જ તેણે મારા નાક પરથી હાથ લઈ લીધો. તે સમજી ગઈ હશે એ હવે હું બંને હાથ તેના જમણા હાથ પર લાવવાનો છું. મારા નાક પરથી તેનો હાથ ખસ્યો કે તરત જ મારાથી ઊંડો શ્વાસ ખેંચાયો. જીવમાં જીવ આવ્યો. તે એક ડગલું પાછળ ખસી.
તેનો ચહેરો કાળા કપડાંથી સંપૂર્ણ ઢંકાયેલો છે, ફક્ત તેની આંખો જ દેખાય છે. તેની આંખો નમણી અને સુંદર છે. તેની કીકી ભૂરી છે. કદાચ, તેણે બુરખો પહેર્યો છે. દરવાજામાંથી આવતો ઠંડો પવન તેના ચહેરાને ઢાંકતા કપડાંને સાવ ધીમે ફરફરાવી રહ્યો છે.
મેં તરત જ આ છોકરીને અવની સાથે સરખાવી. નિર્ણય આવ્યો કે આ અવની નથી. અવનીની કીકી કાળી હતી, ભૂરી નહોતી. કદાચ, તેની પહેલી આંગળીમાં વીંટી પણ નહોતી. મેં અવનીનું એટલું બધું નિરીક્ષણ નહોતું કર્યું. અવનીનાં જે ચિત્રો મારા સ્મૃતિપટલ પર અંકિત છે તેને આધારે અનુમાન લગાવું છું. અવનીના નખ લાલ રંગે રંગેલા હતાં પણ એ કોઈ વિશિષ્ટ નિશાની ન કહેવાય. આ છોકરી કોણ છે? તે કેમ મને બેભાન કરવા માંગે છે?
આ પ્રકારની પરિસ્થિતિઓમાં આપણાં વિચારો ખૂબ જ ગતિશીલ બની જાય છે. આપણે સામાન્ય કરતાં ઘણી જ વધુ ઝડપથી તર્ક કરવા લાગીએ છીએ. અત્યારે એવું જ થઈ રહ્યું છે. મેં આ બધાં વિચારો એક કે બે સેકન્ડમાં જ કરી લીધાં!
હું અરીસામાંથી તેની સામે જોતો રહ્યો અને તે મારી સામે. હું પાછળ ફરીશ તો તેટલા સમયમાં તે મારા પર હુમલો કરી દેશે. કદાચ, એ જ તકની રાહ જોતી તે ઊભી છે. અમારી ટ્રેનની ગતિ અમને બંનેને જરાક જરાક ડોલાવી રહી છે. દૂરથી આવતી બીજી ટ્રેનની વ્હિસલ સંભળાઈ.
અહીં જ ઊભા રહીને મેં તેને જમણા પગની લાત મારી. તે મારી પાછળ ઊભી છે એટલે મેં મારો જમણો પગ પાછળની તરફ ધકેલ્યો. તે ખૂબ જ ચપળ છે. તેણે સહેજ નમીને મારો પગ બંને હાથથી પકડી લીધો. તેણે એક હાથના આંગળા મારા પગ ફરતે વીંટાળ્યા છે અને બીજા હાથની મુઠ્ઠી વાળેલી છે. તે મુઠ્ઠી તેણે મારા પગ પર દબાવી રાખી છે. મારો પગ તેની પકડમાં આવી ગયો એનો તેણે પૂરો લાભ ઉઠાવ્યો. તેણે મારો પગ ઊંચો કર્યો. હું આગળની તરફ નમ્યો. બંને હાથ મેં વોશ-બેઝિન પર ગોઠવી દીધાં. હું એક પગે ઊભો છું. મારો જમણો પગ તેના હાથમાં છે. એ પગ તેની નાભિ સુધી તેણે ઊંચો કર્યો છે. હું આગળની તરફ નમી ગયો છું અને વોશ-બેઝિન પર બંને હાથ ટેકવીને ઊભો છું. હવે હું કંઈ કરી શકું તેમ નથી. તેની પકડમાંથી છોડાવવા માટે મેં જમણો પગ બળપૂર્વક હલાવ્યો. તેની પકડ મજબૂત છે.
વોશ-બેઝિન સહેજ નમ્યું. આ ડબ્બો જૂનો હશે. વોશ-બેઝિન લાકડાની જે દીવાલ પર ફીટ છે તે નરમ થઈ ચૂકી છે. વોશ-બેઝિનને લાકડાની દીવાલ સાથે જકડી રાખતાં સ્ક્રૂ વધારે સમય સુધી દીવાલમાં ખૂંચેલા રહી શકે તેમ નથી. એક તરફનો સ્ક્રૂ તો સહેજ બહાર આવી ગયો છે. વધારે આઘાત સહન કરવાની શક્તિ વોશ-બેઝિનના ફીટીંગમાં રહી નથી. વોશ-બેઝિન પણ જૂનું છે. તેના ખૂણાં કટાઈ ગયાં છે. ખૂણાંના ભાગે પતરું ધારદાર છે. મારો હાથ તે ભાગ પર પડ્યો હોત તો હથેળી ચીરાઈ હોત.
મારો પગ પકડેલો રાખીને તેણે પોતાનો પગ પાછો ખેંચ્યો. તે જે કરે એ મારે સહન કરવાનું છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તેણે મારા ડાબા પગ પર લાત ઠોકી. હું માંડ માંડ બચ્યો. તેણે ફરીથી પગ પાછો ખેંચ્યો અને કચકચાવીને, ફૂટબોલ-પ્લેયર ફૂટબોલને કીક મારે એ રીતે, મારા ડાબા પગ પર લાત ઠોકી. મારો પગ લપસ્યો. હું આગળની તરફ પડ્યો. બેઝિન પર ટેકવેલા મારા હાથ ઓચિંતા નમેલા મારા શરીરને રોકી ન શક્યાં. મારું માથું ઘણાં વેગથી બેઝિનને અથડાયું. લગભગ આખા શરીરનાં વજન સાથે માથુ બેઝિન પર પડ્યું. એ આઘાતથી બેઝિનના સ્ક્રૂ દીવાલમાંથી બહાર આવી ગયાં અને બેઝિન દીવાલથી અલગ થઈ ગયું. બેઝિનને સાથે લઈને હું ટ્રેનની ભોંય પર પટકાયો. છોકરીએ મારો જમણો પગ હાથમાંથી છોડી દીધો.
હમણાં જે ટ્રેનની વ્હિસલ સંભળાતી હતી એ ટ્રેન અત્યારે બાજુના પાટા પરથી પસાર થઈ રહી છે. તેના અવાજમાં, મારું માથુ વોશ-બેઝિન સાથે અથડાયું તેનો અને બેઝિન સાથે લઈને હું નીચે પટકાયો એનો અવાજ દબાઈ ગયો. પરિણામે, અહીંથી સૌથી નજીકના કમ્પાર્ટમેન્ટમાં સૂતેલાં મુસાફરોના કાન સુધી પણ અહીંની ધમાલનો અવાજ પહોંચ્યો નહિ હોય. ટી.સી. તો હજી ખૂબ દૂર હશે.
તો, મારું માથુ એકવાર દીવાલ સાથે જડેલા વોશ-બેઝિનને અથડાયું અને પછી બેઝિન સહિત ટ્રેનની ભોંય પર પટકાયું. પહેલી અથડામણ વખતે કે બીજી વખતે એ ચોક્કસ ખબર નથી, પણ બેઝિનના ખૂણાના ભાગના પતરાંથી મારો ડાબો કાન સહેજ ચીરાયો છે. બબ્બે અથડામણોને કારણે ચહેરા પર ઘણી જગ્યાએ દુખાવો થઈ રહ્યો છે અને ચીરાયેલા કાનમાંથી લોહી ટપકવા લાગ્યું છે.
બંને હાથના ટેકાથી હું જરા ઊંચો થયો કે તરત પાછળથી પીઠ પર લાત પડી. તેની સૅંડલની હિલ બરડામાં વાગી. હું પડ્યો. ફરીથી બેઝિન સાથે અથડાયો. આ વખતે ધારદાર પતરાંએ ગાલ પર લસરકો પાડ્યો. જડબા પર બેઠો માર વાગ્યો. ચીરાયેલો કાન લોહી ટપકાવી રહ્યો છે અને ગાલ પર લોહીની ટીશીઓ ફૂટી આવી છે. શું કરવું એની સમજ નથી પડતી. હા સૌપ્રથમ તો આ બેઝિનથી દૂર જવું જોઈએ.
ઝડપથી આળોટીને હું બેઝિનથી દૂર થયો. બેઠો થયો. હું બેઠો થઉં ન થઉં ત્યાં તો એણે અર્ધવર્તુળાકારે લાત વીંઝી. હું હજી બેઠો થયો જ છું ત્યાં તો તેની જોરદાર લાત મને જડબા પર વાગી. હું એક તરફ નમી ગયો. તેની સૅંડલનો આગળનો ભાગ મને સખત રીતે જડબા પર વાગ્યો. હું ફરી બેઠો થયો કે તરત જ તેણે ક્લોરોફોર્મવાળો રૂમાલ મારા નાક પર દબાવી દીધો. આ વખતે શ્વાસ લેવાઇ ગયો....
અત્યાર સુધી તેણે એ રૂમાલ એક હાથની મુઠ્ઠીમાં દબાવી રાખ્યો હતો, જેથી તેમાંનું ક્લોરોફોર્મ ઊડી ન જાય.
ક્લોરોફોર્મ શ્વાસમાં જવાને કારણે હું નિશ્ચેતન બની રહ્યો છું..... આંખો ઘેરાઈ રહી છે..... દ્રષ્ટિ ધૂંધળી થતી જાય છે..... બુરખો પહેરીને ઊભેલી એ છોકરી પણ હવે સ્પષ્ટ દેખાતી નથી..... એક-બે ઝોકાં ખાધાં..... હું ભાન ગુમાવી રહ્યો છું..... ફરી એક ઝોકું આવ્યું..... આંખો મીંચાઈ ગઈ......
(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED