Vaidehi ma vaidehi - 6 books and stories free download online pdf in Gujarati

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-6)

પ્રકરણ – 6

“અરે, હા! હું ઝટ વાત પતાવું.” વધેલી ચા એક જ સડાકે પૂરી કરીને તેમણે વાતની પુનઃશરૂઆત કરી- “કાલે બપોરે હું ઘરે બેઠો હતો અને ટપાલી આવ્યો હતો. તે મને એક મોટું પરબીડિયું આપી ગયો. મેં પરબીડિયું ખોલ્યું. અંદરથી પાંચ વસ્તુઓ નીકળી. કેટલી?........ કેટલી?”
“પાંચ.”
“હં, સરસ! તેમાં ત્રણ પત્રો હતાં. ત્રણેયનો સારાંશ એમ નીકળતો હતો કે વૈદેહી નામની છોકરી મરવા પડી છે. એને મારી મદદની જરૂર છે.”
હું ચમક્યો. કદાચ, ડૉ.પાઠકને આયોજક વિશે કંઈ જાણ થઈ હોય. મેં વચ્ચે જ પૂછી લીધું-
“આવો પત્ર કોણે મોકલ્યો હતો?”
“એ જ સમસ્યા હતી, ભૈ! પત્ર અનામી હતો. અનામી એટલે-”
“અરે, મને ખબર પડે, યાર!”
“શું? બોલ, અનામી એટલે શું?”
“નામ વગરનો.” હું સહેજ ગરમ થઈને બોલ્યો- “હવે વાત આગળ સાંભળવા મળશે?”
“કેમ નહિ?” તેઓ સહેજ મલકીને આગળ બોલ્યા- “તો, એ છોકરી મરવા પડી છે અને એને મારી મદદની જરૂર છે. મરવા પડી છે એટલે એને કોઈ રોગ નથી થયો, એને કોઈ સમસ્યા સતાવી રહી છે. એ આપઘાત કરી નાંખે એવી શક્યતાઓ છે, બોલ....... આ... આપણે..... શું નામ?”
“વૈદેહી.”
“અલ્યા, તારું નામ પૂછું છું, લલ્લુ!”
“વેદ.”
“હા, વેદ! તો આવું થયું બોલ ,વેદ!”
“પણ આગળ તો બોલો હવે!”
“છેલ્લા પત્રમાં કેટલીક સૂચનાઓ લખી હતી. એક નાનાં પરબીડિયામાં ટ્રેનની ટિકિટ હતી અને થોડાં રૂપિયા પણ હતાં. રૂપિયા અને ટિકિટ રાખીને બાકીનું બધું સળગાવીને હું તો નીકળી પડ્યો. કાલુપુરથી ટ્રેનમાં બેઠો. રાત્રે સાડા આઠે ટ્રેન વિરમગામ પહોંચી હતી. વિરમગામ વટ્યું પછી મને તો ઊંઘ આવી ગઈ. રાત્રે ટી.સી.એ મને જગાડ્યો. મેં ટી.સી.ને બ્યોહારી વિશે પૂછ્યું. એ તો ભડક્યો! મને તો ઘઘલાવી નાંખ્યો! કહે, ‘આવાં કેટલાં ચઢ્યાં છો બ્યોહારીવાળાં? આ ટ્રેન બ્યોહારી નથી જતી, નથી જતી, નથી જતી. હમણાંય એક છોકરો બ્યોહારીનું પૂછતો’તો.’ હવે ‘છોકરો’ કોણ અને ટી.સી. ‘નથી જતી’ ત્રણ વાર કેમ બોલ્યો એ તો મને ખબર નહિ પણ મારી ઊંઘ તો.... ભાઈ, વેદ..... શું થઈ, મારી ઊંઘ? હેં? ઊડી ગઈ. શું થઈ?”
“ઊડી ગઈ.” અને મેં આગળ અનુમાન લગાવ્યું- “તમે મોં ધોવા માટે વોશ-બેઝિન આગળ ગયા. ત્યાં એક છોકરી આવી.”
તેમની આંખો છે તેનાં કરતાંય વધુ પહોળી થઈ! ચાની ખાલી પ્યાલી નીચે મૂકીને તેઓ ઊભા થઈ ગયા. હું બોલતો રહ્યો-
“તેણે બુરખો પહેર્યો હતો. તેની આંખો જ દેખાતી હતી. તેણે તમને બેભાન કરવાનો પ્રયત્ન કર્યો. તમે બચવા માટે તેની સામે લડવાની વ્યર્થ કોશિશ કરી. એ લડાઈમાં તમને આ વાગ્યું.... આ.... તમારા જમણા હાથની પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે ઈજા થઈ. આખરે તો તમે બેભાન થઈ ગયા. તમે જાગ્યા ત્યારે તમે ટ્રેનમાં જ હતાં.”
તેઓ બિહામણા ચહેરે મારી વાત સાંભળી રહ્યાં છે. ચાનો છેલ્લો ઘૂંટડો પીને મેં વાત આગળ વધારી-
“જાગ્યાં ત્યારે તમે જોયું કે તમારા હાથ પર બેન્ડ-એઈડ લગાવેલી હતી. તમને નવાઈ લાગી. તમને એ પ્રશ્ન થયો કે પેલી છોકરી કેમ આવી હતી. એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. કોઈકે તમને પ્લૅટફોર્મ પર ઉતરવા માટે વિવશ કર્યા. નીચે ઊતરીને તમે જોયું..... ગજબ થઈ ગયો હતો! પછી તમે મારી જો-”
હું છેલ્લું વાક્ય પૂરું કરું એ પહેલાં જ તેઓ મારા પર ત્રાટક્યા. તેમણે મને બોચીમાંથી પકડ્યો અને હોય એટલું જોર લગાવીને મને આમતેમ ધૂણાવવા માંડ્યા. મારું ગળુ દબાઈ રહ્યું છે. તેઓ બરાડી રહ્યા છે-
“નાલાયક, તેં જ કર્યું આ બધું. મને કેટલો હેરાન કર્યો તેં? આજે તો હું તારો જીવ લઈ લઈશ, દુષ્ટ!”
“અરે.... સાંભળો તો ખરા...” હું આટલુંય માંડમાંડ બોલ્યો.
“આજે તો તું ગયો.....તું..... આપણે..... શું નામ તારું?” વિચારવાને કારણે તેમની પકડ સહેજ ઢીલી પડી. મેં એ તકનો લાભ ઉઠાવ્યો. તેમનાં બંને હાથ પકડીને ઝાટકા સાથે મારા ગળા પરથી દૂર કર્યા.
“તારે લડવું જ છે, મારી સામે?” તેઓ વધુ ગુસ્સે થયા- “ચાલ, જોઈ જ લઈએ, કેટલાઓની કેટલી થાય છે.....”
“ચૂ........પ!” બૂમ પાડીને મેં તેમને બોલતાં બંધ કર્યા. ઊભો થયો. બોલ્યો- “મેં આ બધું નથી કર્યું, પાઠક સાહેબ!”
“તો? મારી સાથે શું થયું હતું એ તને કેવી રીતે ખબર?”
“કારણ કે એ બધું જ મારી સાથે થયું હતું..... થઈ રહ્યું છે. મારા નામે પણ પત્ર આવ્યો હતો. ટી.સી. જે છોકરાની વાત કરતા હતા એ હું જ. હું એ ટ્રેનમાં વિરમગામથી ચડ્યો હતો. મેં જ ટી.સી.ને બ્યોહારી વિશે પૂછ્યું હતું. પેલી છોકરીએ મને પણ ટીચ્યો હતો. મારા ડાચાં પર જે પટ્ટીઓ ચોંટાડી છે એ એણે જ ચોંટાડી હતી. બ્યોહારી ઊતરીને...... મારી સાથે પણ ગજબ થઈ ગયો છે!” મેં તેમની નજીક જઈને કહ્યું- “હા, હું પણ વૈદેહીની મદદ માટે જ અહીં જ આવ્યો હતો.”
“આવ્યો હતો કે આવ્યો છે?” તેમણે નરમ અવાજે પૂછ્યું.
“મેં કહ્યું તો ખરું. હું પાછો જવાનો છું.”
પાઠક સાહેબ વિચારમગ્ન છે. હું ખાલી પ્યાલીઓ કાઉન્ટર પર મૂકી આવ્યો. લે.... પાઠક સાહેબ ક્યાં ગયા? એ રહ્યા... તેઓ રૉડની પેલી બાજુની એક દુકાનમાં પ્રવેશી રહ્યાં છે. હું ત્યાં ગયો.
“હાં, વો ભી.... ઔર વો ક્યા હૈ? ઠીક હૈ, વો ભી ડાલો.” તેઓ નાસ્તો ખરીદી રહ્યા છે. મને જોઈને તેઓ બોલ્યા- “સોરી, દોસ્ત!”
“અરે, કંઈ વાંધો નહિ! હું તમારી મનોદશા સમજી શકું છું. મારી હાલત તો અતિશય ખરાબ થઈ ગઈ હતી.”
મને લાગી રહ્યું કે મારે આ ડોક્ટરને પણ ભમરાહ ન જવા દેવા જોઈએ. તેઓ આમ પાગલ લાગે છે પણ તેઓ ભોળા છે. આ આખુંય આયોજન બહુ મોટું ષડયંત્ર લાગે છે. મને ક્યાં ખબર હતી કે મારા સિવાય આ ડૉ.પાઠકને પણ બોલાવ્યાં છે. શક્ય છે કે હજી કેટલાંક લોકોને તેડાવ્યાં હોય. પણ આ આયોજકે શું કરવા ધાર્યું છે? ગુજરાતથી ટોળેટોળાં ભેગા કરવાના છે કે શું?
એ જે હોય તે, અમારે ભમરાહ નથી જવું. અમે નહિ જઈએ તો ત્રીજું કોઈક વૈદેહીની મદદ કરી લેશે.
“આપણે ભમરાહ ન જવું જોઈએ.” મેં કહ્યું.
“નાસ્તો તો લેવાઈ ગયો.” તેઓ નાસ્તાની થેલી હાથમાં લઈને બોલ્યાં- “હજી તો અગિયાર વાગવામાં બાર મિનિટની વાર છે.”
તેમણે બિલ ચૂકવ્યું. મને કહે- “ચાલ!”
“તમને સંભળાયું નહિ?”
“શું?”
“આપણે નથી જવું, સાહેબ!”
“ક્યાં?”
“અરે! મારા લગનમાં!” હું ચિડાયો છું.
“તારા લગનમાં તું જ ન જાય એ કેમ ચાલે, યાર?” નાસ્તાની થેલી ખભે નાંખીને તેઓ બોલ્યા- “મૂરતિયાએ તો જવું જ પડે! નહિંતર કન્યા કોની જોડે પર-”
“અરે......” મેં કપાળે હાથ દીધો- “આપણે ભમરાહ નથી જવું, મારા ડોકટર સાહેબ!”
“લે..... ભમરાહમાં તારા લગનિયાં છે? કે’તોય નથી તું તો, યાર! ખરો છે ને.....”
“હું ખરો હોઉં કે ખોટો, તમે પાગલ છો.”
“એ.....ય...” નાસ્તાની થેલી એક ખભેથી ઉલાળીને બીજે ખભે નાંખીને, મારી સામે આંગળી કરીને તેઓ બોલ્યા- “હું નહિ, તું પાગલ છે.”
“હું પાગલ છું?”
“બિલકુલ, તું જ પાગલ છે. ગુજરાતનો નંબર વન પા-”
“આપ બાહર જા કર બહસ કીજિએ, પ્લીઝ!” દુકાનદારે અમને કહ્યું.
“આવ, તું બહાર આવ!” કહેતાં પાઠક સાહેબ બહાર નીકળ્યા.
હું પણ દુકાનની બહાર આવ્યો.
“તું ડફોળ છે.” તેઓ બોલ્યાં- “સાવ લબાડ છે તું, લબાડ.”
“ઓ ડૉક્ટર સાહેબ!”
“તો બીજું શું? જરા વિચાર કર. જે માણસ તારી કલ્પના બહારનું આયોજન કરીને તને ચૌદસો કિલોમીટર દૂર લાવી શકે છે એ શું તને આ રીતે પાછો જવા દેશે?”
હું ઠરી ગયો!
“વેદ, ત્યાં જવામાં જોખમ છે એ વાત તારી સાચી છે.” તેઓ અકલ્પનીય રીતે ગંભીર થઈ ગયા- “તું જે વિચારે છે એ હું વિચારી ચૂક્યો છું. પણ તું આયોજકની મરજીની વિરુદ્ધ કામ કરીશ તો તારી હાલત કેવી થશે એ મારે તને સમજાવવાની જરૂર નથી. ભમરાહ જવામાં ડર તો મને પણ લાગે છે. પણ શું કરી શકીએ? વેદ, ભમરાહ પહોંચ્યા સિવાય આપણો છૂટકો નથી!”
પાઠક સાહેબની વાત તો સો ટકાની છે. તેઓએ આગળ ચલાવ્યું-
“વેદ, ગમે તેમ કરીને ભમરાહ જવાનું જ છે તો પછી રાજી-ખુશીથી જ ન જઈએ? એવી રીતે ભમરાહ ન જઈએ કે આપણો ઉત્સાહ જોઈને જ વૈદેહીમાં તેની સમસ્યાઓ દૂર કરવાની હિંમત આવી જાય? બોલ, શું કહેવું છે તારું?”
“ચાલો..... જઈએ ભમરાહ!” મેં કહ્યું.
અમે બસ-સ્ટેન્ડે આવ્યાં.
હા, હું વૈદેહી પાસે જઈ રહ્યો છું. ભમરાહ જઈ રહ્યો છું હું. એવું નથી હવે મને ત્યાંના સંભવિત જોખમોની ચિંતા નથી! પણ મને પાઠક સાહેબની વાત સાચી લાગી છે. આયોજક મને પાછો નહિ વળવા દે. એક રીતે જોતાં તો હું ફસાઈ ગયો છું. ફક્ત હું જ નહિ, પાઠક સાહેબ પણ. મને એ નથી સમજાતું કે વૈદેહીની મદદ માટે ડૉ.પાઠકને કેમ બોલાવ્યા? ડૉક્ટર સાહેબને જોઈને તો લાગે છે કે તેઓ વૈદેહીની સમસ્યાઓ વધારી દેશે! અલબત્ત, પાઠક સાહેબે મને પ્રેરણા પણ આપી છે. પચાસ વટાવી ચૂક્યા હોવા છતાં તેઓ હિંમત હારતાં નથી, તો મારે તો ભમરાહ જવું જ જોઈએ.
બસ આવી.... ब्योहारी - माहगाढ
હું સૌ પ્રથમ બસમાં ચડ્યો. મેં ટેવ મુજબ બારી પાસેની સીટ પસંદ કરી. બાજુમાં ડૉક્ટર સાહેબ પણ ગોઠવાયા. મેં આખી બસમાં ત્રણેક વાર નજર ફેરવી.
“મધ્યપ્રદેશની બસ એકદમ અલગ છે, નહિ?”
“હા, આપણી બસો કરતાં બહુ અલગ છે.” પાઠક સાહેબ બોલ્યા.
દશેક મિનિટ પછી બસ ઉપડી.
“ટિકિટ બોલીએ...” કંડક્ટર અમારી પાસે આવ્યા.
“દો, માહગાઢ.” કહીને પાઠક સાહેબ મારી તરફ ફર્યાં- “ભાડુ તારાં રૂપિયામાંથી ચૂકવવું પડશે. મારી પાસેના રૂપિયાનો તો નાસ્તો લેવાઈ ગયો છે.”
મેં ભાડુ ચૂકવ્યું. ટિકિટ જૅકેટનાં ખીસામાં મૂકી. અમે નાસ્તો શરૂ કર્યો.
“તમે કંઈ સામાન નથી લાવ્યા?” મેં પૂછ્યું.
“લાવ્યો હતો.” નાસ્તો કરતાં કરતાં તેમણે જવાબ આપ્યો- “પેલી લઈ ગઈ, ભૂરી આંખોવાળી.” વધુ એક કોળિયો ભરીને તેઓ બોલ્યા- “ફોન પણ.”
“તમને અવની મળી હતી?”
જવાબ આપવાને બદલે તેઓ મારી સામે જોઈ રહ્યાં. ચાવવાનું બંધ કર્યું. ઘડીક વિચાર્યું. પૂછ્યું-
“કોણ?”
“અવની.”
“કોણ અવની?”
“તમને નહિ મળી હોય.” મેં કહ્યું- “મને મળી હતી.” અને મેં વિરમગામ રેલવે-સ્ટેશનની ઘટના ટૂંકમાં વર્ણવી. પછી પૂછ્યું- “શું લાગે છે તમને?”
“ઠંડી.” તેઓ બોલ્યાં- “ઉતાવળમાં સ્વેટર લેવાનું ભૂલી ગયો છું.”
“લો, મારું જૅકેટ પહેરી લો.”
“ના ભાઈ, ના! હવે તો સૂરજ માથે ચડી રહ્યો છે. હું સવારે જોરદાર ઠર્યો હતો! પણ જ્યારથી બ્યોહારીનું પાટિયું વાચ્યુ છે ને ત્યારથી બધી ઠંડી ઊડી ગઈ છે!”
“સાચી વાત છે! પણ હું તમને આયોજક વિશે પૂછતો હતો.”
“એ વિશે મારે કંઈ વિચારવું જ નથી.” નાસ્તાનો છેલ્લો ફાકડો મોંમાં ઠાંસીને તેઓ બોલ્યા- “મારે ગાંડા નથી થવું.”
“મને એ ખબર નહોતી કે તમને પણ ભમરાહ બોલાવ્યા છે અને તમને એ ખબર નહોતી કે વેદ નામનાં કોઈ છોકરાને ભમરાહ બોલાવવામાં આવ્યો છે. તો, એ શક્ય નથી કે આપાણા બે સિવાય પણ અમુક વ્યક્તિઓને બોલાવવામાં આવી-
“ચૂપ!” તેમણે ગુસ્સાભેર પણ ધીમા અવાજે મને ધમકાવ્યો- “એકવાર કહ્યે તને વાત સમજાતી નથી? ના પાડીને મેં ચર્ચા કરવાની? તમે મજા આવે છે મગજ ખરાબ કરવાની, હેં? વૈદેહી કોઈ મોટી રાજકુંવરી છે તે તેની સેવામાં દૂર-દૂરથી હજારો પ્રજાજનો હાજર થાય? વાત કરે છે તે! આ મુદ્દા સિવાય તને બીજી કોઈ વાત આવડતી હોય તો બોલ. ના આવડતી હોય તો મૂંગો બેસી રહે. બાકી મારું મગજ ગયું ને તો તને ઉપાડીને બારીની બહાર ઘા કરી દઈશ.”
મેં નાસ્તાનાં ખાલી પડીકાં એક મોટી થેલીમાં ભર્યાં. બૅગમાંથી પાણીની બૉટલ કાઢીને પાઠક સાહેબને આપી. તેમણે પાણી પીવાનું શરૂ કર્યું. પાણી પીવાની તેમની સ્પીડ જોઈને મને લાગ્યું કે મારા માટે પાણી નહિ વધે!
“રાખજો...” મેં કહ્યું.
બધું જ પાણી ગટગટાવીને ખાલી બૉટલ મને પાછી આપતાં તેમણે પૂછ્યું-
“શું રાખું? બસ ઊભી રખાવવી છે? પીપી કરવી છે? કહુ કંડક્ટરને?”
કંઈ જવાબ આપ્યા વિના મેં બૉટલ પાછી લીધી.
“બોલ, શરમમાં ના રહીશ! આમાં શરમ ન રાખવાની હોય! કંડક્ટરને કહુ?”
“ના ડૉક્ટર સાહેબ, ના!” બોલીને હું હસવું રોકી ન શક્યો.
વાતાવરણ હવે ગરમ થતું જાય છે. બાર વાગીને પાંચેક મિનિટ થઈ છે. મેં જૅકેટની ચેઈન ખોલી. અમે બ્યોહારીથી ઘણાં દૂર આવી ચૂક્યાં છીએ. આછાં આછાં પર્વતો દેખાવા લાગ્યાં છે.
“તમે શાનાં ડૉક્ટર છો?” મેં પૂછ્યું.
“હું તબીબ નથી!” સહેજ હસીને તેમણે જવાબ આપ્યો.
“તો?”
“હું Ph.D. થયેલો છું.”
“એ હય! શેમાં?”
“ફિઝિક્સ, Theory of Relativity.”
“ના હોય!” મારાથી સીટ પરથી સહેજ ઊભા થઈ જવાયું- “ખરેખર?”
“હું ગપ્પા મારું છું?”
“સોરી!” મેં વ્યવસ્થિત બેસીને કહ્યું- “સર, મેં ફિઝિક્સમાં B.Sc. કર્યું છે.”
“અચ્છા!” તેઓ ખુશ થઈને બોલ્યા- “ભૌતિકવિજ્ઞાન ગમે છે?”
“અતિશય!” મેં ઉત્સાહથી કહ્યું.
“વાહ!” કહીને તેમણે મારા ખભા પર હાથ મૂક્યો. થોડું વિચારીને તેમણે મને પૂછ્યું- “બ્રૉગ્લીના અધિતર્ક વિશે તું શું કહીશ?”
“પ્લાન્ક કોન્સ્ટન્ટ અપોન મોમેન્ટમ ઓફ ધ પાર્ટિકલ ગીવ્સ વૅવલેન્થ ઓફ ધેટ પાર્ટિકલ.”
“નોટ ધ વૅવલેન્થ...”
“ધ બ્રોગ્લી વૅવલેન્થ!” મેં ભૂલ સુધારી.
“યસ, ધેટ્સ રાઈટ!” તેઓ બોલ્યા- “શ્રોડિન્જર ઈક્વેશન?”
“હં....” થોડું વિચારીને મેં જવાબ આપ્યો- “ડેલ સ્ક્વૅર સાય અપોન ડેલ એક્સ સ્ક્વૅર પ્લસ ડેલ સ્ક્વૅર સાય અપોન ડેલ વાય સ્ક્વૅર પ્લસ ડેલ સ્ક્વૅર સાય અપોન ડેલ ઝેડ સ્ક્વૅર પ્લસ એઈટ પાઈ સ્ક્વૅર એમ અપોન એચ સ્ક્વૅર ઇન્ટુ ઈ માઇનસ વી ઇન્ટુ સાય ઈક્વલ્સ ટુ ઝીરો, વ્હેર સાય ઈઝ શ્રોડિન્જર વૅવ-ફન્ક્શન.”
“વેરી ગુડ! પરફેક્ટ!” તેઓ ખુશ થઈ ગયા.
અમે ફિઝિક્સની વાતોએ વળગ્યાં.
પાઠક સાહેબ અંગેનો મારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. હા, તેઓ ધૂની માણસ તો છે જ! પણ તેઓ ભૌતિકવિજ્ઞાનના વિદ્વાન છે. પણ..... માણસોને હું ‘ડિફરન્શીએટ’ કેમ કરી દઉં છું? આ ગરીબ ,આ અમીર, આ ઠોઠ, આ હોંશિયાર, આ નીચા હોદ્દા પરનો, આ ઊંચો હોદ્દો ધરાવનાર, આ આપણા ગામનો, આ બીજા ગામનો, આ આપણા દેશનો, આ વિદેશનો, આ અમારા ડિપાર્ટમેન્ટનો, આ અન્ય ડિપાર્ટમેન્ટનો, આ અમારા વિષયનો, આ તો બીજા વિષયનો, આ આપણી જ્ઞાતિનો, આ આપણા ધર્મનો, આ તો આપણા ધર્મનો નથી........ કેટકેટલાં ભાગ પાડી નાખ્યાં છે! આવી જ દ્રષ્ટિ આવનારી પેઢીને પણ ‘સંસ્કાર’ સ્વરૂપે અપાય છે! આટલો બધો કચરો મનમાં ગોંધી રાખીએ તો પછી માનવને ‘માનવ’ સ્વરૂપે ક્યાંથી જોઈ શકીએ? ને વાતો તો वसुधैव कुटुम्बकम्થી નીચે કરવાની જ નહિ!!
સવા સો કિલોમીટરની વિજ્ઞાનમય યાત્રાનો અંત આવ્યો.... માહગાઢ આવ્યું.
અમે ઊતર્યા.
ગામનાં પાદરે બસ-સ્ટેશન છે. ચારે તરફ વૃક્ષો અને પર્વતો જ નજરે ચડે છે. ડાબી બાજુએથી ગામ શરૂ થાય છે. પાકું બાંધકામ અને પાકી છત હોય તેવા મકાનો ચાર-પાંચ જ છે. મેં મારી ઘડિયાળમાં જોયું- ૧.૦૪. સૂરજ બરાબર માથે છે. બપોરના એક વાગ્યે પણ અહીંયા વાતાવરણ સમશીતોષ્ણ છે. રાત્રે તો સારી એવી ઠંડી પડતી હશે. નવેમ્બર પૂરો થવામાં છે. પરિણામે ગુજરાતમાં પણ ઠંડીએ જોર પકડવા માંડ્યું હતું. આજનો દિવસ ૨૮મી નવેમ્બર,૨૦૧૫ છે.
“યહાં સે ભમરાહ કીસ ઔર હૈ?” પાઠક સાહેબે કંડક્ટરને પૂછ્યું.
“ભમરાહ?” બારીમાંથી ડોકું બહાર કાઢીને તેણે પૂછ્યું- “વહાં કયોં જાના હૈ?”
મારી સામે જોઈને પાઠક સાહેબ બોલ્યા- “આ વિચિત્ર છે.”
“દેખો જી....” મેં બારીમાંથી બહાર કાઢેલા તેના માથા નજીક જઈને કહ્યું- “મેરે લિયે લડકી દેખને જાના હૈ!”
“લેકિન બ્યોહારી સે માહગાઢ લડકી દેખને?.... અરે હા, ઉ બૈદેહી કી બાત તો નહી કર રહે હો?”
“એ લ્લે!” મારાથી બોલાઈ ગયું- “આપ જાનતે હો ઉસે?”
“અરે, ઉસે કૌન નહિ જાનતા? સમજ મેં નહીં આ રહા કી, મલાઈ જૈસી ગોરી લડકી ભમરાહમેં ક્યા રહી હૈ? ઉસે તો ફિલ્લ્મ બનાની ચાહિએ. હિરોઈન લગતી હૈ! ઈતની સુંદ-”
“ઔર ક્યા જાનતે હો?” મેં વધારે માહિતી કઢાવવા પૂછ્યું.
“અરે ભાઈ, મૈંને યે સબ સૂના હુઆ હૈ. લોગ બસમેં બૈઠકર બાતેં કીયા કરતે હૈ. બૈદેહી યહાં કી નહિ હૈ. આજ સે તકરીબન એક સાલ પહલે વો યહાં આયી થી, ઈસી બસ મેં.”
“અકેલી?” મેં મહત્વનો પ્રશ્ન કર્યો.
“ઉસકી અમ્મા ભી થી સાથમેં.”
“ઔર બાપ?”
“વહી તો બવાલ હૈ ના, ભૈ!” બોલીને તે જરાક હસ્યો.
“મતલબ?”
“કીસિ કો માલૂમ નહી હૈ ઉસકે બાપ કે બારે મેં.”
“કીસિને ઉનસે કુછ પૂછા નહિ?”
“વો મા-બેટી કિસિ સે બાત કરે તબ ના!” કંડક્ટર બરાબર રંગમાં આવીને બોલવા લાગ્યો- “દેખો, બૈદેહી ઔર ઉસકી અમ્મા એક પરિવાર કો છોડકર કીસિ કે બાત નહિ કરતે. વો પરિવાર ભી બૈદેહી ઔર ઉસકી અમ્મા કો છોડકર કીસી સે બાત નહિ કરતા.”
“વો કૌન સા પરિવાર હૈ?”
“હૈ એક ડાક્ટર.”
“ડૉક્ટર?” મને નવાઈ લાગી- “ભમરાહ મેં?”
“હાં, વો ભી ઉસી અરસે મેં ભમરાહ આયા થા જબ બૈદેહી આયી થી.”
“ઠીક.” પત્રમાં લખેલી વાત યાદ આવતાં મેં પૂછ્યું- “ડૉક્ટર કી કોઈ બેટી હૈ?”
“સૂના તો હૈ કી ઉનકી ભી એક બેટી હૈ.” કંડક્ટરે કહ્યું- “વો ભી સુંદર હૈ! લેકિન બૈદેહી જિતની નહિ! ગાંવવાલે કહતે હૈ કી વો દોનો કભી કભી સાથમેં જંગલમેં ઘૂમને જાતી રહતી હૈ.”
“ઔર કોઈ તાજા ખબર?”
“સૂના હૈ કી કુછ દિનોં સે બૈદેહી કી અમ્મા કા ભી કોઈ અતા-પતા નહિ. બૈદેહી કભી રોતી હુઈ તો કભી બહુત ગુસ્સા કરતી હુઈ દીખાઈ પડતી હૈ.”
“યહાં કે લોગ હમે કુછ બતા પાયેંગે?” મેં પૂછ્યું.
“પતા નહિ.” તે બોલ્યો- “યહાં કે કુછ પરિવાર બુંદેલખંડી બોલી બોલતે હૈ, વો શાયદ આપ કો સમજ મેં ન આયે. બૈદેહી ઔર ડાક્ટર સાહબ કે પરિવાર કે લોગ તો હિન્દી હી બોલતે હૈ.”
“તો, અબ ભમરાહ કા રાસ્તા ભી દીખા દીજિએ!” મેં કહ્યું.
“ભમરાહ જાના હૈ?” મારી પાછળથી કોઈકનો અવાજ આવ્યો. હું પાછળ ફર્યો.
એક ઉંમરલાયક પુરુષ. લગભગ પંચાવનની ઉંમર. વાળ વ્યવસ્થિત ઓળેલાં છે. ચશ્માના કાચ બરાબર સાફ કરેલાં છે. જમણા ખભે ખાસો મોટો થેલો ભરાવેલો હોવાથી તેઓ જમણી બાજુ નમી ગયેલા છે. આછાં રાખોડી રંગની પૃષ્ઠભૂમિમાં શિરોલંબ દોરેલી, અનુક્રમે ઘેરા રાખોડી અને પોપટી રંગની, પાતળી પટ્ટીઓવાળો શર્ટ તેમણે પહેર્યો છે. ઘેરા રાખોડી રંગનું પેન્ટ છેડેથી માટીવાળું થયું છે. શર્ટની બાંયનાં બટન ખુલ્લાં છે. ખીસામાં પેન ભરાવેલી છે. માથે આવેલા સૂર્યને કારણે તેમની આંખો અડધી જ ખુલે છે.
“જી, ભમરાહ જાના હૈ.” મેં કહ્યું.
“મૈં દીખાતા હું રાસ્તા.” તેઓ અવળાં ફરીને બોલ્યા- “દેખીએ.....” તેમણે આંગળી ચીંધી.
મેં તે દિશામાં જોયું.
“વહાં જો શેતુર કા પેડ દીખ રહા હૈ.....”
“શેતુર કા પેડ?” મેં પૂછ્યું- “વો કૈસા હોતા હૈ?”
“કોઈ બાત નહિ...” તેઓ એમ જ ઊભેલા રહ્યાં અને બોલ્યા- “ઉસ ઘને પેડ કે નીચે આદમી ખડા હૈ.”
“હાં, વો રહા.” મેં કહ્યું.
“ઉસ પેડ કે બગલ મેં સે જો કચ્ચા રાસ્તા જાતા હૈ વો આપકો ભમરાહ પહુંચાયેગા.”
“ઠીક હૈ.” મેં કહ્યું.
“યે જો પહાડ દીખ રહા હૈ ના?” તેઓ હજી એ તરફ ફરીને જ બોલી રહ્યા છે- “યહીં સે બિલકુલ પાસ મેં હી હૈ. ભમરાહ જાને કે લિયે આપકે યે પહાડ ઘુમ કે જાના હોગા. પહાડ કે બાદ તુરંત હી એક નદી આયેગી. ઉસ પર પુલ બના હુઆ હૈ. વો પાર કરને પર આપ ભમરાહ હોગે.”
“જી, બહુત આભાર આપકા!” મેં કહ્યું.
“પર આપકો ભમરાહ જાના ક્યોં હૈ?” હવે તેઓ મારી સામે ફર્યા.
“મૈં બોટની કા સ્ટુડન્ટ હું.” મેં ગપ્પુ માર્યું.
“ઓહ! સમજ ગયા!”
“ચલીએ....... બસ ચલને કો હૈ.” કંડક્ટરે બૂમ મારી.
મારી સામે ઊભેલ વ્યક્તિએ બસમાં પ્રવેશ કર્યો.
“થેંક યુ!” મેં કંડક્ટરને કહ્યું- “આપ ને બહોત કુછ બતા દીયા.”
“અરે ઉસમેં ક્યા! આપ જાઈએ, શુભકામને હૈ હમારી! વૈસે આપ ભી અચ્છે-ખાસે સુંદર દીખતે હો!”
અમે ભમરાહ તરફ ચાલ્યાં. શેતુરના વૃક્ષ તરફ જઈએ છીએ. અત્યાર સુધી એ વૃક્ષ નીચે ઉભેલો હ્યુષ્ટપુષ્ટ માણસ હવે બસ તરફ ચાલ્યો. તે મારી બાજુમાંથી પસાર થયો. તેણે વિચિત્ર ભાવ સાથે મને જોયો. તે મારી બાજુમાંથી પસાર થયો ત્યારે તેના શરીરની ઊંચાઈનો ખ્યાલ આવ્યો. માથે વાળનો જથ્થો વધારે છે અને દાઢી પણ ખાસી વધારેલી છે. તેણે ઑલિવ ગ્રીન રંગનું પેન્ટ અને તેવા જ રંગની ટી-શર્ટ પહેરી છે. તેનું શરીર ખડતલ છે. તેના પર વધારે ધ્યાન આપ્યા વિના અમે આગળ ચાલ્યા.
પગદંડી કહી શકાય તેવા રસ્તા પર અમે ચાલી રહ્યા છીએ. સૂરજ બરાબર માથે આવ્યો છે અને અમે ચાલી રહ્યાં છીએ એટલે મને ગરમી થવા માંડી છે. મેં જૅકેટની ચેઈન ખોલી નાંખી.
હવે, અહીંથી આગળ જતો રસ્તો પૂરો થાય છે. પર્વત આવી ગયો. પર્વતની જે તરફ અમ ઊભાં છીએ તેની સામેની બાજુએ નદી છે અને નદીને પેલે પાર ભમરાહ. મેં ઊંચે જોયું. અહીં વૃક્ષો ખૂબ જ ગીચ છે. પર્વત કેટલો ઊંચો છે હું જોઈ ન શક્યો. જાણે મારી અંદરથી અવાજ આવ્યો- ‘આમ તો એવી શક્તિ નથી પણ જો વૈદેહીનો ટહુકો સંભળાય તો જરૂર તોડી નાંખુ આ પર્વતને!’
“શું વિચારે છે, અલ્યા?” અત્યાર સુધી મૂંગા રહેલા પાઠક સાહેબ બોલ્યા- “આ પર્વત ફરીને જવાનું છે. એને તોડીને ગુફા નથી બનાવવાની!”
જમણી તરફથી પર્વત ફરવાનું અમે શરૂ કર્યું. રસ્તો ઘણો કપરો છે. આ કંઈ સીધો અને સમતલ રૉડ નથી! ક્યારેક ચઢાણ આવે છે તો ક્યારેક સહેજ ઉતરવાનું આવે છે. ક્યારેક વચ્ચે મોટો પથ્થર આવી જાય છે તો તેને પણ ફરીને જવું પડે છે. પણ વૃક્ષો બહુ જ સરસ રીતે છવાયેલાં છે.
આ છે અમારી યાત્રાનો છેલ્લો ભાગ. હવે અમે વૈદેહીની ખૂબ જ નજીક છીએ. કંડક્ટરની વાતો પરથી વૈદેહીની સમસ્યાનો આછો અંદાજ લગાવી શકાય છે. પણ હું એ બધી સમસ્યાઓ કઈ રીતે દૂર કરીશ? અલબત્ત, મારે તો એક વાક્ય જ તેને સંભળાવવાનું છે! પણ.... છોડ ને, ભાઈ! હવે વૈદેહી વધારે દૂર નથી. તેની પાસે જઈને બધું જાણી લઈશું. પણ તે મને ઓળખતી હશે? તે મને નહિ ઓળખતી હોય તો? તે મારી મદદ શું કામ સ્વીકારે? અરે, મેં એની મદદ કરવા માટે કેટલું સહન કર્યું! એ મારી મદદ કેમ ન સ્વીકારે? એણે મને આવકારવો જ પડશે. આમેય, તે ફસાયેલી છે અને હું તેની એ તકલીફો દૂર કરવા માટે આવ્યો છું. તે ચોક્કસ મને આવકારશે. પણ હું એની સમસ્યા કઈ રીતે દૂર કરીશ? મને નથી લાગતું કે એક વાક્ય કહેવાથી બધું બરાબર થઈ જાય. જો એવું હોત તો આયોજકે મને વધારે દિવસ સુધી રોકાણની સંભાવના કેમ બતાવી હોય? મારે અહીં રોકાવાનું છે. મારે વૃંદાને સાચવવાની છે. એટલે કે બધી માથાકૂટ લાંબી ચાલવાની છે. પણ કેટલી લાંબી? હું આ બધું કેવી રીતે કરીશ?
લગભગ વીસેક મિનિટ પછી પાઠક સાહેબ એક નાનાં પથ્થર પર બેસી ગયા. તેઓ હાંફી ગયા છે. આખી રાતની મુસાફરી ઉપરાંત બ્યોહારીથી માહગાઢ અને હવે આ...... થાક તો મનેય લાગ્યો છે. ભમરાહ હવે નજીક જ છે એ વિચારથી હું થાકને અવગણી શકું છું. અમે ફરી ચાલવાનું શરૂ કર્યું. મેં કાંડા-ઘળિયાળમાં જોયું- ૧.૨૫
...... ૧.૪૫. પાઠક સાહેબને વચ્ચે ત્રણ વખત બેસવું પડ્યું એટલે આટલી વાર લાગી. નહિંતર અત્યારે તો અમે વૈદેહીની સાથે બેઠાં હોત! હા, નદીનો અવાજ કર્ણપટલ પર ઝીલાઈ રહ્યો છે. અમારી ઝડપ વધી. પણ હવે અમે અટક્યાં. એક મોટાં પથ્થરે અમારો માર્ગ રોક્યો છે. લગભગ એક ઝૂંપડી જેટલા કદનો એ પથ્થર પર્વત અને એક વૃક્ષની વચ્ચે સરસ ગોઠવાઈ ગયો છે.
“શું લાગે છે, સાહેબ?” મેં પૂછ્યું- “આ પથ્થર આ સ્થિતિમાં કઈ રીતે ગોઠવાયો હશે?”
“અલ્યા, તું પથરાં જોવા આવ્યો છે?” તેઓ ગુસ્સે થયા- “આડુંઅવળું વિચાર્યા વિના આગળ વધ. બરાબરનો થાક લાગ્યો છે.”
“ભલે!” મેં કહ્યું- “આ ઝાડની પેલી બાજુએથી જવું પડશે.”
અમે એ ઝાડ ફરીને પથ્થરની બીજી બાજુએ આવ્યાં.....
“વાહ!.....” મારાથી બોલાઈ ગયું.
અમે નદીની સન્મુખ છીએ. શું દ્રશ્ય છે!
સામે નદી વહી જાય છે. નદીના સામેના કિનારે બીજો એક પર્વત છે. તેની આ તરફની સપાટી પર નાનાં-મોટાં ઝાડવાં છવાયેલાં છે. એ પર્વતની વચ્ચે બખોલ જેવી એક જગ્યા છે. પુલનો સામેનો છેડો ગુફા જેવી એ જગ્યાના આરંભ આગળ પૂરો થાય છે. સામે પણ વૃક્ષોથી ઢંકાયેલો પર્વત અને આ તરફ પણ તેવો જ પર્વત અને બંનેની વચ્ચેથી એક નદી પસાર થાય છે, જેના પર લાકડાનો પુલ બાંધેલો છે. અદ્ભૂત દ્રશ્ય છે. એવું થાય છે કે કલાકો સુધી અહીં જ બેસી રહું અને આ સૌંદર્યના ઘૂંટ ભરતો રહું. આ પુલ ઓળંગીને સામે જઈએ અને આ તરફ ફરીએ તો પણ આવું જ દ્રશ્ય દેખાતું દેખાતું હશે? પુલ.....
પુલ પર કોણ છે?
કોણ છે એ કન્યા?
આટલે દૂરથી તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. વળી, તે એક બાજુ ફરીને ઊભી છે. હા, તેણે માથુ સહેજ ફેરવ્યું તેની દ્રષ્ટિ આ તરફ તો નથી પડી. પણ મને તેનો ચહેરો દેખાયો..... ઓળખાયો....
વૈદેહી.......
હ્યદય જોરજોરથી ધબકવા માંડ્યું. જાણે શરીરમાંથી બહાર નીકળીને વૈદેહી પાસે પહોંચી જવા માંગતું ન હોય!
ડુંગરાઓ વચ્ચેથી ખળખળ વહેતી નદી ડાબી બાજુથી આવે છે અને જમણી બાજુ જાય છે. તેના જળથી ભીંજાયા વિના તેને પાર કરીને ભમરાહ પહોંચવા માટે બંધાવેલો પુલ અમારી સન્મુખ છે. અહીંથી પચીસેક ડગલાં દૂરથી પુલ શરુ થાય છે. પુલ ઊંચો નથી, નદી ઘણી નીચે વહી રહી છે. એ પચ્ચીસ ડગલાં, વત્તા, પુલના ચઢાણના પાંચ-સાત ડગલાં, વત્તા, પુલ પર દસેક ડગલાં ચાલો એટલે...... આ સફરનો અંત.... વૈદેહી સાથે મેળાપ!
અહીંથી જ મેં તેને જોઈ.
નદી જે દિશામાંથી આવે છે તે તરફ પીઠ અને જાય છે તે તરફ મુખ રાખીને ઊભેલી તેને મેં જોઈ.
વાદળી રંગની અનારકલી કુર્તી અને તેવા જ રંગની લેંગીગ્સથી ઢંકાયેલા અનુપમ શરીરની માલકણ એવી તેને મેં જોઈ.
વાદળી અનારકલી કુર્તી પર પહેરેલી, લાલ રંગની અંદર ઝીણાં અને કાળા રંગનાં ટપકાં ધરાવતી કોટીને કારણે વધારે આકર્ષક લાગતી તેને મેં જોઈ.
રત્નાકરની વિશાળ જળરાશિમાં સમાઈ જવા માટે ઉતાવળી બનીને દોડતી સરિતાની આસપાસ અડીખમ ઊભેલા અચલોની સપાટી પર વસ્ત્રની જેમ લપેટાયેલાં તરુઓ આ માદક હવાના જોરે જે લયમાં લહેરાય છે એ જ લયમાં લહેરાઈ રહેલા ઘેરવાળી કુર્તીની ધારિણી એવી તેને મેં જોઈ.
જો ખુલ્લાં મૂકી દે તો આ મસ્તીભર્યો પવન તેને ચોમેર ફરકાવીને તેની અંદર છુપાયેલા ગાઢ અંધકારને મુક્ત કરી દેશે અને ભરબાપોરે રાત થઈ જશે એ ભયને કારણે એક સેરમાં ગૂંથી રાખેલા કેશ જેના ચહેરાને વધુ મનોહર બનાવી રહ્યાં છે તેને મેં જોઈ.
પુલની રેલિંગ ઉપરથી એક પગ પસાર કર્યા બાદ બીજો પગ પસાર કરી રહેલી...... નદીમાં કૂદી પડવાની તૈયારી કરી રહેલી તેને મેં જોઈ.....
એ જ ક્ષણે મેં બૅગ ખભા પરથી ઉતારી...... બૅગ જમીનને અડકે એ પહેલાં જ પગ પોતાનું કામ કરવા માંડ્યા.... હું દોડ્યો.....
આજ સુધી ક્યારેય નહોતો દોડ્યો એટલી ઝડપે હું દોડી રહ્યો છું. હમણાં તો થાકેલો હતો! બિલકુલ ‘ફ્રેશ’ હોઉં તો પણ આટલી ઝડપે ન દોડી શકું અને અત્યારે ભયંકર ગતિથી દોડી રહ્યો છું. શરીર જોરદાર ઊર્જા વાપરી રહ્યું છે. હમણાં લાગતું હતું કે શરીરમાં ઊર્જા નથી રહી. અચાનક આટલી બધી ઊર્જા ક્યાંથી આવી ગઈ?
‘વઈઈઈ...... દેએએએ..... હીઈઈઈઈઈઈ.....’ એવી બૂમ પાડવાનો વિચાર આવ્યો. મોં સહેજ ખૂલ્યું પણ... અવાજ જ ન નીકળ્યો! પુલ અને કિનારાનું સંગમસ્થાન મેં વટાવ્યું.
કોઈક કારણોસર જીવનને કંટાળાજનક માની બેઠેલી, જીવનમાં આવેલાં પરિવર્તનો અસહ્ય લાગવાથી થાકી ગયેલી તેને મેં નદીમાં પડતું મૂકતાં જોઈ..... જાણે મારો જીવ તેની સાથે ખેંચાઈ ગયો.....
વૈદેહી જ્યાંથી કૂદી તે જગ્યાએ હું આવ્યો. અટક્યો.
ભફાંગ......
તે પાણીમાં પડી.
ક્ષણનો પણ વિલંબ ન થવા દીધો કોઈ અજ્ઞાત શક્તિએ મને પુલની રેલિંગ પર ચડાવવામાં. આજુબાજુ ખડકાયેલાં બહેરા-મૂંગા પહાડો જેનાથી લપેટાયેલાં છે એ અજાણ્યાં વૃક્ષોના પર્ણો ફરફરવાથી ઉત્પન્ન થતો અવાજ, એ પહાડોની વચ્ચેથી આડાઅવળાં વળાંકો લઈને પુરપાટ ગતિએ દોડતી તટિનીની જળરાશિની સપાટીથી આ પુલની ઊંચાઈ અને એ તટિનીના માર્ગમાં આવતી શિલાઓ સાથે તેનું નીર અફળાવાથી ઉત્પન્ન થતા બિહામણા નાદથી સર્જાતા દ્રશ્યની દારુણતા મને એ હદે ડરાવી ન શકી કે હું અહીંથીં કૂદકો ન મારું.
થોડીવાર હવામાં...... ને પછી...... ભફાંગ.......

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED