વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-1) Vandan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-1)

પ્રકરણ – 1

ટન..... ટન..... ટન..... ટન..... ટન..... ટન..... ટન..... ટન..... ટન..... ટન..... ટન.....
શાળા છૂટી.
દસમાં ધોરણના વર્ગમાંથી હું બહાર નીકળ્યો. દરેક વર્ગમાંથી વિદ્યાર્થીઓ બહાર નીકળવા લાગ્યા. બાજુના વર્ગમાંથી નીકળેલા શિક્ષક મારા ખભા પર હાથ મૂકીને બોલ્યા-
“કેવું રહે છે ભણાવવાનું?”
“સારું...” મેં કહ્યું- “મજા આવે છે!”
“વિદ્યાર્થીઓને પણ મજા આવે છે.” તેમણે કહ્યું.
“ભટ્ટ સાહેબને કેવું છે હવે?”
તેમણે ભટ્ટ સાહેબના સ્વાસ્થ્ય વિશે મને માહિતી આપી. પછી પૂછ્યું-
“કાલે રાત્રે આતંકવાદ વિશે જે ચર્ચા થઈ હતી એમાં તું કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો?”
“હજી અવઢવમાં છું!”
ગઈ કાલે રાત્રે અમે અમુક લોકો વાતોએ વળગ્યા હતા. આતંકવાદના મુદ્દે વાત પહોંચી ત્યારે હું મારામાં અસ્પષ્ટતા જોઈ શક્યો હતો. વિશ્વનું સમગ્ર તંત્ર શુભ તરફ ગતિત છે એમ હું મક્કમપણે માનું છું. લગભગ તમામ લોકો એમ કહે છે કે વહેલી તકે આતંકવાદીઓનો સફાયો કરી નાખવો જોઈએ. અત્યારે તો મને પણ એમ જ લાગે છે કે વિશ્વની શુભ તરફની ગતિમાં આતંકવાદ મોટો અવરોધ છે. એ અવરોધ કઈ રીતે દૂર થવો જોઈએ એ બાબતે હું કંઈ કહી નથી શકતો.
જરા હસીને તે શિક્ષક સ્ટાફ-રૂમમાં ગયા અને હું ગૅટ તરફ ચાલ્યો. ભટ્ટ સાહેબ અહીં વિજ્ઞાનશિક્ષક છે. તેઓ સખત બીમાર પડી ગયા છે. મારા પપ્પા આ શાળાના આચાર્ય છે. વિદ્યાર્થીઓના પ્રવાહની સાથે હું શાળાની બહાર આવ્યો. આખીય સંસ્થા પર મારી નજર ફરી. અમારા ક્વાર્ટર તરફ મેં ડગ માંડ્યા.
મેં ભૌતિકવિજ્ઞાનમાં B.Sc. પૂરું કર્યું છે. અમદાવાદમાં રહીને ભણ્યો. હવે, M.Sc. શરૂ કરતાં પહેલાં એક વર્ષ ‘ગૅપ-યર’ તરીકે પસાર કરવાનો મેં નિર્ણય કર્યો છે. ભટ્ટ સાહેબની તબિયત લથડી અને પપ્પાએ મને ઓફર કરી-
“અમારી શાળામાં વિજ્ઞાન ભણાવીશ? ભટ્ટજી ન આવે ત્યાં સુધી બાળકોનો અભ્યાસ ન બગડે અને તારે એક સારી પ્રવૃત્તિ થાય.”
ભટ્ટ સાહેબની તબિયત સારી થાય ત્યાં સુધી હું સેવારૂપે આ શાળામાં અમુક વર્ગો લઈ રહ્યો છું.
આવી ગયું અમારું ઘર. અંદર પ્રવેશ્યો. દરવાજો ખોલવાનો અને બંધ કરવાનો જે અવાજ થયો એના અનુસંધાનમાં રસોડામાંથી અવાજ આવ્યો-
“આવી ગયો, બેટા!”
“હા, મમ્મી!”
બાથરૂમમાં જઈને મોં-હાથ-પગ ધોયાં અને પછી રસોડામાં જઈને પાણી પીધું. બેઠકખંડમાં બેઠો.
“હજી તારા પપ્પા ન આવ્યા?” મમ્મીએ રસોડામાંથી પૂછ્યું.
“એમને વાર લાગશે. કોઈ મળવા આવ્યું છે એમને.” મેં કહ્યું- “મોહનભાઈએ મને એવું કહ્યું હતું.”
“આજે એક ટપાલ આવી છે.” મમ્મી કહ્યું- “ત્યાં ટિપોઈ પર મૂકી હતી મેં.”
“પપ્પાની હશે.”
“તારા નામે આવેલી છે.”
“જોઈ લઉં.”
મને કોણે ટપાલ મોકલી હશે એ અંગે જાતજાતના તર્ક ચાલ્યા. ટિપોઈ પરથી એ પરબીડિયું ઉઠાવીને હું બૅડરૂમમાં ગયો. પંખો ચાલુ કરીને બૅડ પર બેઠો. કવર પર નામ વાચીને હું સહેજ ચોંકી ગયો. કવર પર ‘વેદમોહન’ લખેલું છે. એમાં નવાઈ પામવા જેવી વાત એ છે કે ગણ્યાગાંઠ્યાં લોકો જ એ જાણે છે કે મારું સાચું નામ વેદમોહન છે, બાકી લોકો મને ‘વેદ’ નામથી જ ઓળખે છે.
હવે એમાં થયું હતું એવું કે મારાં જન્મ વખતે નાના-નાનીએ મારું નામ ‘કાનુડા’ના નામ પરથી રાખવની પ્રબળ ઈચ્છા દર્શાવેલી. મારી રાશિ આવી વૃષભ. ‘વ’ પરથી કૃષ્ણના અમુક નામ પપ્પાને ધ્યાનમાં હતાઃ વનવિહારી, વનમાળી, વ્રજકિશોર, વ્રજનંદન, વેદમોહન, વ્રજેશ, અને વેણુગોપાલ. ‘મારા દીકરાને સાધુ નથી બનાવવાનો’ એમ કહીને મમ્મીએ ‘વનવિહારી’ તો સાંભળતાવેંત જ ‘રિજેક્ટ’ કરી નાખ્યું હતું. અલબત્ત, ‘વેદમોહન’ પણ મમ્મીને નહોતું ગમ્યું. આપણે એને ‘વેદ’ કહીને જ સંબોધીશું અને સરકારી કાગળિયાં સિવાય કોઈ એને ‘વેદમોહન’ નહિ કહે એવું પપ્પા તરફથી આશ્વાસન મળતાં મમ્મી ‘વેદમોહન’ નામ માટે સંમત થઈ હતી.
વધારે તર્ક કરવાને બદલે મેં પરબીડિયું ખોલ્યું. અંદરથી પાંચ વસ્તુઓ નીકળી. દરેક વસ્તુ પર ક્રમ લખેલો છે. વસ્તુઓ આ પ્રમાણે છે-
૧. પત્ર ૨. નાનું કવર ૩. પત્ર ૪. પત્ર ૫. નાનું કવર
મેં ‘૧’ નંબરનો કાગળ ઉઠાવ્યો. ખોલ્યો. પત્ર ગુજરાતીમાં લખાયેલો છે. અક્ષરો ખરાબ છે. પત્ર વાચવાનું શરૂ કર્યું –
વેદમોહન,
તું નથી જાણતો કે હું કોણ છું પણ હું તને બહુ સારી રીતે ઓળખું છું. તારે મારા વિશે જાણવાની જરૂર પણ નથી. મારે તને ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવી છે.(પત્રમાં ‘મહત્વપૂર્ણ’ની જોડણી ખોટી કરેલી છે.) વૈદેહી બહુ મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. મને ખબર છે કે તું વૈદેહીને નથી ઓળખતો અને વૈદેહી તને નથી ઓળખતી. પણ હું તમને બન્નેને સારી રીતે ઓળખુ છું.
વૈદેહીને તારી મદદની જરૂર છે. જો તેને તારી મદદ નહિ મળે તો તે ન કરવાનું કંઈક કરી બેસશે. (પત્રમાં આ વાક્યની રચનામાં ગોટાળા કર્યા છે.) તે આત્મહત્યા પણ કરી નાંખશે. (અહીં ‘આત્મહત્યા’ પણ ખોટું લખ્યું છે.) બીજા નંબરના કવરમાં વૈદેહીનો ફોટો છે.


ગજબ કહેવાય! જે છોકરી મને ઓળખતી જ નથી તેને મારી મદદની જરૂર છે! ને આ પત્ર કોણે લખ્યો છે? જોડણીમાં અને વાક્ય રચનાઓમાં ભૂલો કરી છે. કોણ છે એ? એ મને કેવી રીતે ઓળખે છે? એને મારા ઘરનું સરનામુ પણ ખબર છે. એને મારું સાચું નામ પણ ખબર છે. મેં ‘૨’ નંબરબું પરબીડિયું ખોલ્યું. અંદરથી કલર ફોટોગ્રાફ નીકળ્યો. વાહ..... આ જ વૈદેહી... આડાઅવળાં અક્ષરો, વ્યાકરણના ગોટાળા તથા જોડણીની ભૂલોવાળો પત્ર વાચતા જેટલો સમય લાગ્યો હતો તેથી પણ વધુ સમય સુધી એ ફોટો હું જોતો રહ્યો. એ ફોટો મેં કવરમાં પાછો મૂક્યો અને ‘૩’ નંબરનો કાગળ લીધો....
• નામ – વૈદેહી
• પિતાનું નામ – વશિષ્ઠકુમાર (પત્રમાં આ જોડણી પણ ખોટી છે.)
• માતાનું નામ- વનિતાબેન
• ગામ – ભમરાહ
• તાલુકો – બ્યોહારી
• જિલ્લો – શહડોલ
• રાજ્ય - મધ્યપ્રદેશ
• દેખાવ – હમણાં જોયો તેવો
• ઊંચાઈ – ૧૬૪ સે.મી.
• વજન – ૫૩ કિ.ગ્રા.
• શોખ – ગાયન-સંગીત
• ભાષાઓ – ગુજરાતી, હિન્દી, અંગ્રેજી

અરેરે! આ વૈદેહી તો મધ્યપ્રદેશની છે. એટલે મારે છેક મધ્યપ્રદેશ જવાનું? આ પત્ર લખનારને બુદ્ધિ જેવું કશું છે કે નહિ? હા ભાઈ, કોઈકને મદદરૂપ થવું આપણને ગમે, પણ એનો અર્થ તો નહિ ને કે આખા દેશમાં ક્યાંય પણ, કંઈ પણ થાય એટલે આપણે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી જવાનું!
દુનિયા ઘણી સારી છે. અન્યને મદદરૂપ થનારાં ઘણા માણસો પડ્યાં છે આ દુનિયામાં. તો આને હું જ જડ્યો આખા દેશમાંથી? વળી, વૈદેહી નામની એ છોકરી તો મને ઓળખતી પણ નથી. મારે ત્યાં જઈને તેને શું કહેવાનું? ‘હાય, વૈદેહી! હું ગુજરાતથી આવ્યો છું, તમારી મદદ કરવા. બોલો, શું તકલીફ છે?’ વૈદેહી મૂળ ગુજરાતની હશે? તો એ મધ્યપ્રદેશ કેમ ગઈ? વૈદેહી એવી તે વળી શું તકલીફમાં મૂકાઈ છે કે મને અહીં-શંખેશ્વરથી છેક ભમરાહ લાંબો કરે છે? અરે, પણ એની મદદ કરવા માટે હું જ કેમ? શું કરું? હજી ‘૪’ અને ‘૫’ બાકી છે. ‘૪’ નંબરનો પત્ર હાથમાં લીધો. આ વખતે ભૂલો ધ્યાનમાં નહિ લઉ....
વૈદેહી વિશે આનાથી વધારે જાણવાની હાલ કંઈ જરૂર નથી.
મને ખબર છે કે તારા મનમાં કેટલાંય પ્રશ્નો ઉઠ્યાં છે. એ બધાં પ્રશ્નોના જવાબ તને ભમરાહમાં મળશે. હા, તારે વૈદેહીને કઈ રીતે મદદ કરવાની છે તે જાણી લે. તારે વૈદેહીને આટલી વાત કહેવાની છે-
‘તારી સમસ્યાનું નિવારણ એ જગ્યાએ છે, જે જગ્યા વિશે તારા અને તારા પરિવાર સિવાય કોઈનેય જાણ નથી.’

પત્ર હજી પૂરો નથી થયો. પણ પત્ર લખનાર સાવ ડફોળ માણસ છે, યાર! આટલી વાત કહેવા માટે શંખેશ્વરથી ભમરાહ જવાતું હશે? અક્કલનો છાંટોય નથી આનામાં તો! અને એય પાછું મારે જ જવાનું? મારા મોઢે જ એ વાત વૈદેહીને સંભળાવવી પડે? બીજું કોઈ, અરે આ પત્ર લખનારો પોતે જ એ વાત વૈદેહીને કહી દે તો ન ચાલે? મેં આગળ વાચ્યુ.....

વેદ, હવે તું જાણે છે કે જો વૈદેહીને મદદ ન મળી તો તે કંઇક આડુંઅવળું કરી બેસશે. તે નદીમાં કૂદી પડશે અથવા તો ગમે તેમ કરીને પોતાનું જીવન ટુંકાવી દેશે. તેને બચાવવી કે નહિ તે તારે નક્કી કરવાનું છે.
બાકી વધેલા પરબીડિયામાં ટ્રેનની ટિકિટ છે. હું તને આખું આયોજન સમજાવું છું.
૨૭મી નવેમ્બર, ૨૦૧૫ની રાત્રે, આઠને ચાળીસે, વિરમગામથી ટ્રેન ઉપડશે. સ્લિપરકૉચની ટિકિટ છે. સવારે દશ વાગ્યે તું બ્યોહરી પહોંચી જઈશ. ત્યાં એક કલાક ફ્રેશ થવા માટે મળશે. સ્ટેશનની બહાર આવીશ એટલે સામે જ બસ-સ્ટેન્ડ દેખાશે. ત્યાંથી અગિયાર વાગ્યે માહગાઢની બસ મળશે. બ્યોહારીથી માહગાઢ લગભગ સવા સો કિલોમીટર દૂર છે. માહગાઢ ઊતરીને કોઈકને ભમરાહનો રસ્તો પૂછી લેજે. માહગાઢથી ભમરાહ દોઢેક કિલોમીટર દૂર છે. તેટલું તારે ચાલવું પડશે. માહગાઢથી ભમરાહના રસ્તે વચ્ચે એક પર્વત આવશે, જે ફરીને જવું પડશે. પર્વત પછી તરત જ નદી આવશે. પુલ પાર કરીને સામે જઈશ એટલે તું ભમરાહની ભૂમિ પર ઊભો હોઈશ.
શંખેશ્વરથી વિરમગામ સુધીનું બસભાડુ, બ્યોહારીથી માહગાઢ સુધીનું બસભાડુ અને બ્યોહારી સ્ટેશન પર ચા-નાસ્તાનો જે ખર્ચ થશે તેના રૂપિયા પણ પાંચ નંબરના પરબીડિયામાં છે.
અગત્યની સૂચનાઓ –
• આ પત્ર વિશે કોઈનેય કંઈપણ કહેતો નહિ.
• ટ્રેનની ટિકિટ અને રૂપિયા સિવાય જે કંઈ છે તે બધું જ સળગાવી દેજે.
• શંખેશ્વરથી વિરમગામ સુધીની સફરમાં કોઈ ઓળખીતું મળી જાય તો તેને એમ જ કહેજે કે તું કોલેજના કામે અમદાવાદ જાય છે.
• ઘરેથી એવું વિચારીને ન નીકળતો કે એક વાક્ય વૈદેહીને કહીને પાછા આવવાનું છે. ભમરાહ ગમે તેટલાં દિવસ રોકવાનું થઈ શકે છે. ત્રણેક જોડી કપડાં સાથે લેજે.
• ઘરે શું બહાનું બતાવવું એ તારે વિચારવાનું છે.
• ભમરાહમાં તને ડૉ.વિનયકુમારની દીકરી-વૃંદા મળશે. તેને આ બધી બાબત વિશે કંઈ જાણ નથી. હા, તું ભમરાહ પહોંચે તે પહેલાં તેને થોડીઘણી જાણ થઈ ગઈ હોય એ શક્ય છે. વૃંદા તારાંથી એક વર્ષ નાની છે. તે આ બધી ધમાલમાં સપડાઈ ન જાય એ ધ્યાન રાખવાની જવાબદારી તારી છે. વૃંદા પણ ગુજરાતી જાણે છે. ભમરાહમાં હરવા-ફરવામાં તે તને મદદરૂપ થઈ શકશે.
• સૌથી વધુ અગત્યની વાત- મારા વિશે જાણવાનો પ્રયત્ન ન કરતો. તેમાં તારો સમય વેડફાશે!

વેદ, વૈદેહીને તારી જરૂર છે.....

મગજ બરાબરનું ફેરવી નાખ્યું આણે.... લાગી રહ્યું છે કે જાણે સંયુક્ત રાષ્ટ્રસંઘનો તમામ કાર્યભાર મારાં માથે આવી ગયો...... પણ હું શું કરું હવે?....
(ક્રમશઃ)