Vaidehi ma vaidehi - 5 books and stories free download online pdf in Gujarati

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-5)

પ્રકરણ – 5

ક્લોરોફોર્મ શ્વાસમાં જવાને કારણે હું નિશ્ચેતન બની રહ્યો છું..... આંખો ઘેરાઈ રહી છે..... દ્રષ્ટિ ધૂંધળી થતી જાય છે..... બુરખો પહેરીને ઊભેલી એ છોકરી પણ હવે સ્પષ્ટ દેખાતી નથી..... એક-બે ઝોકાં ખાધાં..... હું ભાન ગુમાવી રહ્યો છું..... ફરી એક ઝોકું આવ્યું..... આંખો મીંચાઈ ગઈ......
*****
અર્ધજાગ્રત અવસ્થામાં આવ્યો.
આંખો બંધ છે. શરીર પર કોઈ કાબુ નથી. શરીરમાં થતી અમુક સંવેદનાઓ પરખાય છે.....
આખું શરીર ક્યાંક લટકી રહ્યું હોય એવું લાગે છે. બંને હાથ ખેંચાયેલાં છે અને પગ પણ ખેંચાયેલાં છે. બાકીનું શરીર હવામાં લટકી રહ્યું છે, સહેજ સહેજ હીંચકા ખાઈ રહ્યું છે. મને ક્યાંક મૂકવામાં આવ્યો. હવે હું સ્થિર છું. ફરી ભાન ગુમાવી બેઠો.....
અડધોપડધો જાગ્યો...
ફરીથી એ જ સ્થિતિમાં છું, મને ક્યાંક લઈ જાય છે. બે માણસોએ મને ઊંચક્યો છે. એક માણસે પગ અને બીજાએ હાથ પકડીને મને ઊંચક્યો છે. તેઓ મને ક્યાંક લઈ જાય છે. હા, કંઈક અવાજ આવી રહ્યો છે. કંઈ સ્પષ્ટ સંભળાતું નથી.
“અરે, કૌન હૈ યે?” કોઈ રુક્ષ અવાજ આવ્યો.
“અરે, ક્યા હુઆ?” બીજા અવાજો આવવા લાગ્યા- “કૌન હો તુમ લોગ?..... ઇસકો ક્યા હુઆ હૈ?.... ક્યા કર રહે હો?...... કહાં લે જા રહે હો ઇસકો?.....”
મને ક્યાંક સૂવડાવવામાં આવ્યો. કોઈ સપાટ જગ્યા પર હું સૂતો છું.
મારા શરીરમાં ચેતન આવ્યું.... હું સહેજ હલ્યો..... કંઈક બબડ્યો.... સહેજ આંખ ખોલી......
નાક પર મુલાયમ કપડું મુકાયું.... માદક સુવાસ મારા શરીરમાં પ્રવેશી.... હું ફરી ભાન ગુમાવવા લાગ્યો..... કોઈ પુરુષનો અવાજ કાને પડ્યો-
“ક્યા સૂંઘા રહે હો ઉસે?”
“ચૂપ!” કોઈ છોકરીનો અવાજ- “કીતને સવાલ પૂછતે હો તુમ લોગ! નીંદ નહિ આ રહી ક્યા કીસી કો? બકબક કીયે જા રહે હો!”
“યે લડકા કૌન હૈ? સચ બતા હમકુ. વરના હમ પુલિસ કુ બુલાયેગા.”
“યે દેખો ઇસકા ટિકિટ.” કોઈ નવા પુરુષનો અવાજ આવ્યો- “યે લડકા બ્યોહારી જા રહા હૈ.”
હવે હું સંપૂર્ણપણે ભાન ગુમાવવાની તૈયારીમાં છું. હવે મને કશું જ સ્પષ્ટ સંભળાતું નથી. એવું લાગી રહ્યું છે જાણે દૂરદૂરથી અવાજો આવી રહ્યાં છે.....
“હમ ..... સ્ટેશન પર....” છોકરીનો અવાજ- “ યે..... કીસીને... પીટા..... હમ..... યે.... દેખા....... ઔર.... હૈના..... તો તુમ...... યે....... કલ......”
મેં ભાન ગુમાવ્યું........
*****
જાગ્યો....
આંખો ખોલી. બેઠો થયો.
લે..... હું તો ટ્રેનમાં જ છું!
હા, હું ટ્રેનમાં જ છું. પણ હું લૉઅર-બર્થ પર સૂતો છું. ઉપર પંખા ચાલુ છે. લાઈટ્સ બંધ છે. પૂરતા પ્રમાણમાં અજવાળુ થઈ ગયું છે. બારીઓ ખુલ્લી છે. ખેતરો ખૂબ જ ઝડપથી પાછળ સરકી રહ્યાં છે. ખુલ્લી બારીઓમાંથી સુસવાટા મારતો પવન અંદર પ્રવેશી રહ્યો છે. આ આખો કમ્પાર્ટમેન્ટ ખાલી છે. મારા સિવાય કોઈ મુસાફર આ કમ્પાર્ટમેન્ટમાં નથી. શું થયો સમય? મેં કાંડા-ઘડિયાળમાં જોયું- ૯.૩૫
ઓહ! ઘણું ઊંઘ્યો. મિડલ-બર્થ અત્યારે નીચી પાડેલી છે. એટલે જ હું લોઅર-બર્થ પર બેસી શકું છું. હું ટ્રેનની દીવાલ તરફ સરક્યો. દીવાલને ટેકો દઈને બેઠો. જૅકેટની ચૅઈન ખુલ્લી છે. બારીમાંથી આવતો પવન મને ઠંડીની અનુભૂતિ કરાવી રહ્યો છે. મેં ચેઈન બંધ કરી. બગાસુ ખાધું..... પણ..... આ.....હ!
બગાસુ ખાવા માટે મેં જેવું મોં પહોળું કર્યું કે તરત જ ગાલ પર પડેલા ઘામાં પીડા થઈ. વેદનાને કારણે મારો હાથ ગાલ પર પહોંચી ગયો..... આશ્ચર્ય! ગાલ પર બૅન્ડ-એઈડ લગાવેલી છે! ડાબા કાન પર હાથ લઈ ગયો. ત્યાં પણ પટ્ટી લગાવેલી છે. કપાળ પર પહેલી આંગળીથી સહેજ ટકોરો માર્યો... દુખાયું! પલાંઠી વાળી. બંને હાથ ખોળામાં મૂકીને બેઠો.
સદ્‌નસીબે અત્યાર સુધીની જિંદગીમાં મારી આસપાસ રહેનારાં લોકો અહિંસક હતાં. પરિણામે, અત્યાર સુધી કોઈની સાથે ઝપાઝપી પણ નહોતી થઈ. હા, પ્રાથમિક શાળાની વાત અલગ છે! ત્યાં તો સાહેબે બહુ ધીબેલાં અમને! પણ હાઈસ્કૂલમાં આવ્યો ત્યારથી મેં કોઈનો લાફો પણ નથી ખાધો અને કોઈને મારવાનો તો વિચાર સુધ્ધાં નથી કર્યો. કાલે રાત્રે ઇતિહાસ બદલાઈ ગયો! મેં માર ખાધો. એવો માર ખાધો કે ટ્રેનનું વોશ-બેઝિન તૂટી ગયું. અજાણી છોકરીએ મને માર્યો. મને કદી આવું સપનું પણ નહોતું આવ્યું!
એ ન આવી હોત તો અત્યારે હું અમદાવાદ પહોંચી ગયો હોત. એ છોકરીના કારણે હું હજી સુધી ટ્રેનમાં છું. અત્યાર સુધીમાં તો હું ગુજરાતથી ઘણો દૂર આવી ગયો હોઈશ. કદાચ, ખાંડવા હવે નજીક હશે. એટલે જ તો ટ્રેનમાં કોઈ નવા મુસાફરો ચડ્યાં નથી. ખાંડવા ઉતરવાનું છે એ લોકો જ ટ્રેનમાં બેઠાં હશે. તો, ખાંડવા પહોંચીને આગળનો નિર્ણય લઈશ.
હું ઊભો થયો. બર્થની નીચેથી મારી બેગ કાઢી. ટૂથબ્રશ, ટૂથપેસ્ટ અને ઉલીયું કાઢીને બેગ પાછી નીચે સરકાવી. કાલે રાત્રે ગયો હતો તેનાથી વિરુદ્ધ છેડા તરફ ચાલ્યો. પેલી બાજુ તો વોશ-બેઝિન નીચે પડેલું હશે! છેડા પર પહોંચ્યો. બંને તરફનાં દરવાજા ખુલ્લાં છે. એક તરફના દરવાજે બે યુવાનો બેઠાં છે. વોશ-બેઝિનના નળ પર ઉલીયું ભરાવ્યું. બ્રશ પર થોડી પેસ્ટ લગાવી. અરીસામાં જોયું. ચહેરો બેન્ડ-એઈડ્સથી સુશોભિત છે! નળ ચાલુ કર્યો. ધીમે ધીમે પાણી આવી રહ્યું છે. બ્રશ સહેજ ભીનું કરીને નળ બંધ કર્યો. બ્રશ કરી રહ્યો છું અને અરીસામાં જોઈ રહ્યો છું.
આમ ઊભો હતો હું કાલે રાત્રે અને તે આવી હતી. અરીસામાં જ મેં તેને મારી પાછળ ઉભેલી જોઈ હતી. તે બુરખો પહેરીને આવી હતી. એમ ન કહી શકાય એ મુસ્લિમ હતી. કોઈ તેનો ચહેરો કે તેનાં કપડાં જોઈ ન જાય એ હેતુથી તેણે બુરખો પહેર્યો હશે. હું તેની ત્રણ બાબતો જ નોંધી શક્યો હતોઃ ભૂરી આંખો, પહેલી આંગળીમાં વીંટી અને લાલ રંગે રંગાયેલાં નખ. તે અવની નહોતી. અલબત્ત, એ તો મારું અનુમાન જ છે. પણ તે હતી કમાલની. પહેલી નજરે નાજુક લાગતાં તેનાં શરીરમાં અપાર બળ હતું. તેની ચપળતા ગજબની હતી. ખરેખર, આવી છોકરી પહેલી વાર જોઈ!
આજ સુધી મને એવી એકેય છોકરી નથી મળી, જે મને પોતાની અંદર ઓતપ્રોત કરી નાંખે. કોલેજમાં આવ્યાં પછી ઘણી ‘ગર્લ’ મારી ‘ફ્રેન્ડ’ બની છે પણ ‘ગર્લફ્રેન્ડ’ એકેય નથી બની! હા, પહેલી નજરમાં ઘણી છોકરીઓ મને મારા યોગ્ય લાગેલી. થોડાં પરિચય બાદ સમજાતું કે બસ, હવે આ સંબંધ મિત્રતા સુધી સીમિત રાખવામાં જ ભલાઈ છે. જીવનસાથી તરીકે મારે એવી છોકરી જોઈએ છે કે જેની સાથે મળીને હું એક આદર્શ પરિવાર રચી શકું, જીવનને અને ‘સમગ્ર’ને સમજવામાં તથા સમજણપૂર્વક જીવવામાં અમે બંને એકબીજાને ઉપાયોગી અને એકબીજાનાં પૂરક થઈ શકીએ. બસ, મારી જીવનસાથી બનવા ઈચ્છતી છોકરી પાસેથી આટલી જ અપેક્ષા છે. તેના રૂપ-રંગ, નાત-જાત, ધર્મ, ભણતર કે નોકરી સાથે મારે કોઈ જ નિસ્બત નથી. પણ સામે એ છોકરીની અપેક્ષાઓનું શું? મને વિશ્વાસ છે કે જે છોકરી મારી જીવનસાથી બનવા યોગ્ય હશે એ તેના જીવનસાથી પાસેથી આ જ અપેક્ષા રાખતી હશે. એટલે જ તો અમે એકબીજાને ગમીશું! પણ...... આવી કોઈ જડી જ નથી હજી સુધી......
પાટણમાં ૧૧-૧૨ સાયન્સ કરતો ત્યારે એક વિચિત્ર ઘટના બનેલી. ત્યાં પણ હોસ્ટેલમાં જ રહેતો. શાળા સવારની રહેતી. બપોરથી સાંજ સુધી ટ્યુશન્સ રહેતાં. એ વખતે હું બારમાં ધોરણમાં હતો. હોસ્ટેલથી ટ્યુશન જતો હતો. એક નાનાં છોકરાએ મને રોક્યો. તેના હાથમાં ચોકલૅટ હતી. બીજો હાથ તેણે મારી તરફ લંબાવ્યો. એક ચિઠ્ઠી તેણે મારી સામે ધરી. મેં એ ચિઠ્ઠી લીધી.
“મારા માટે છે?” મેં પૂછ્યું હતું.
“હા, પેલા દીદીએ મને ચોકલૅટ આપી અને કહ્યું કે પેલ-”
“કયા દીદી?” મેં વચ્ચે જ પૂછી લીધેલું.
“એ ત્યાં હતાં.” કહીને તેણે એક દિશામાં આંગળી ચીંધી.
મેં ત્યાં જોયું. કોઈ ‘દીદી’ દેખાઈ નહિ.
“સારું, થેંક યુ!” મેં એ ટેણિયાને કહ્યું.
તે જતો રહ્યો. મેં કાગળ ખોલ્યો. અંગ્રેજીમાં ચિઠ્ઠી લખાયેલી હતી. મેં કાગળ વાંચ્યો.-
વેદ,
હું તને પ્રેમ કરું છું. તેં મને જોઈ નથી. પરંતુ, હું તને રોજ જોઉ છું. અત્યાર સુધી કોઈનાય પ્રત્યે ન જાગેલી ભાવનાઓ તારા પ્રત્યે, તને જોઈને, જાગવા માંડી છે. હું ક્યાંક ખોવાઈ ગઈ છું, જાણે પરી બનીને હવામાં ઊડવા લાગી છું! તને ખબર છે વેદ, તારી આજુબાજુ ગજબનું રેડિએશન ફેલાય છે, પ્રેમનું રેડિએશન. જેની ‘રૅન્જ’માં આવતાં જ હું મારામાં વિચિત્ર સળવળાટ અનુભવું છું. તને સમર્પિત થઈ જવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે. વેદ, હું તને મળવા માંગુ છું. આવતી કાલે રવિવાર છે. કાલે સાંજે આપણે આંનંદ સરોવરના મિડ-પોઈન્ટ પર મળીશું. તું ત્યાં આવજે. હું તારી પાસે આવીને બોલીશ- ‘વેદ, હું એ જ છું.’
વેદ, આપણે નવી જિંદગીની શરૂઆત કરીશું. હા, મને પામીને તારા જીવનમાં કોઈ ફરક પડે કે ન પડે, મારી જિંદગી તને પામ્યા બાદ ચોક્કસ બદલાઈ જશે.
ત્યારે તો મને હસવું આવેલું અને એ પત્ર મેં ત્યાં જ ફાડી નાંખેલો. એ પછી હું લાંબા સમય માટે એ ઘટનાને ભૂલી ગયો હતો. અત્યારે મને એ ઘટના આટલી તીવ્રતાથી યાદ કેમ આવી રહી છે?
એ વખતે હું ભણવામાં એકાગ્ર હતો. છોકરીઓ સાથેની મારી મિત્રતા ‘ડિફિકલ્ટિ સોલ્યુશન’ કે ‘હોમવર્કના ચોપડા માંગવા’ સુધી જ સીમિત હતી. ને એ સમયે તો ‘આદર્શ પરિવાર’ કે ‘સમજણના ક્ષેત્રમાં ઉપયોગિતા-પૂરકતા’ જેવો કોઈ કોન્સેપ્ટ વિચાર્યો જ નહોતો. પછી બીજે દિવસે તો તેને મળવા જવાનું યાદ જ નહોતું રહ્યું.
બ્રશ પતાવીને હું મારી બર્થ પર પાછો આવ્યો.
હજી સુધી એ સમજાયું નથી કે કાલે રાત્રે પેલી છોકરી કેમ આવી હતી. તેણે મને બેભાન શા માટે કર્યો? ત્યાંથી મને બર્થ પર પાછો લાવી દીધો! તે કોણ હતી? મારી સારવાર કોણે કરી? તેણે જ કરી? મને અહીં સુધી તે એકલી તો લાવી ન શકે. તેની સાથે કોણ હશે? મને અહીં લાવવા માટે તેણે કોઈકની મદદ માંગી હશે કે તે વ્યક્તિ તેનો સાથી હશે? તે એકલી નહોતી? તો પછી મને બેભાન કરવા તે એકલી કેમ આવી હતી? કદાચ, તેમનું અનુમાન એમ હોય કે હું રૂમાલ સૂંઘીને બેભાન થઈ જઈશ. તેમણે એવી ધારણા નહિ કરી હોય કે હું એ છોકરીનો સામનો કરીશ. પણ મેં તેનો સામનો કર્યો ત્યારે તેનો સાથી ક્યાં હતો? એ સમયે તે સાથી ત્યાં હાજર જ નહોતો કે પછી એ છોકરીની આવડત પર તેને પૂરો વિશ્વાસ હતો? મને બેભાન કરીને એ લોકોએ શું કર્યું હતું? એ છોકરીને ખબર હતી કે હું મોઢું ધોવા આવીશ? કે પછી તે મારી બર્થ સુધી આવવાની હતી પણ હું સામે ચાલીને તેનાં સુધી પહોંચી ગયો? તો તે મને બધાં મુસાફરોની વચ્ચે બેભાન કરવાની હતી? તે એવું જોખમ તો ન જ લે. મને પરત મૂકવા આવી હતી ત્યારે મુસાફરો સાથે લમણાંઝીક થઈ હતી. તેણે મુસાફરોને શું સમજાવ્યું હતું? અરે.... આ મામલો હતો શું?
કંઈ અનુમાન નથી લગાવી શકાતું.
ઘડિયાળમાં સમય જોયો- ૯.૫૬
મારે ઘરે ફોન કરવો જોઈએ. પપ્પાને તો એમ હશે કે વેદ બ્યોહારી પહોંચવાની તૈયારીમાં હશે! પત્રમાં બ્યોહારી પહોંચવાનો જે સમય લખ્યો હતો એ સમય થવા આવ્યો છે. પણ હું ઘરે શું કહીશ? ખાંડવા આવવામાં કેટલી વાર છે? ખાંડવા ઊતરીને ફોન કરીશ. પણ પપ્પાએ મને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હશે તો? હું તો ઘસઘસાટ ઊંઘી ગયો હતો- પેલી છોકરીના હાથરૂમાલ પરના ક્લોરોફોર્મને કારણે.
મેં પેન્ટનાં ખીસામાં હાથ નાંખ્યો. નથી. જૅકેટના ખીસાં તપાસ્યાં. બેગ ફંફોળી. મોબાઈલ ક્યાં ગયો? ઉપરની બર્થ પર ચડ્યો, બર્થ તપાસી. નથી. પાછો નીચે ઊતર્યો. ફરીથી બેગમાં તપાસ કરી. બર્થની નીચે તપાસ કરી. ફોન ગયો ક્યાં? અરે....... પેલી છોકરી....
એ ચોર હતી. તે તેનાં શિકારની રાહ જોતી ત્યાં ઊભી હશે. હું ત્યાં ગયો અને તેનો શિકાર બની ગયો. પણ મારી પાસે તો મોંઘી વસ્તુ નહોતી. મોબાઈલથી સંતોષ માનીને તે ચાલી ગઈ હશે. ટ્રેન ધીમી પડી રહી છે.
એ ખરેખર ચોર જ હતી? કોઈ ચોર આ રીતે ચોરી કરે? કેટલું જોખમી કામ હતું એ? જો તે ચોરી કરવા માટે જ આવી હતી તો પછી તેણે મને મારી બર્થ પર પાછો કેમ મૂક્યો? મારા ચહેરા પર બેન્ડ-એઈડ્સ લગાવવાનું તેને કેમ સૂઝ્યું? કોઈ ચોર આવું કરે? પહેલી વાત તો એ છે કે કોઈ ચોર આ રીતે, ટ્રેનના દરવાજા પાસે કોઈને બેભાન કરીને, ચોરી ન જ કરે. ચાલો, એક ક્ષણ માટે માની લઈએ કે એ છોકરી આ રીતે ચોરી કરે છે. તો, ચોરી કર્યા પછી તે શક્ય તેટલી ઝડપથી ફરાર થઈ જાય. મારી સારવાર કરવા ન રોકાય. મને બર્થ સુધી મૂકવા તો ન જ આવે. એ પણ માની લઈએ કે તે મને બર્થ સુધી મૂકવા આવી હતી. તો, તેણે મુસાફરોને શું સમજાવ્યું હશે? જેમ વધુ વિચારું છું એમ પ્રશ્નો વધતાં જાય છે. હવે કશું વિચારવું જ નથી. અવનીને અને આ છોકરીને સમજવામાં હું કાચો પડું છું!
ટ્રેન ઊભી રહી.
કયું સ્ટેશન આવ્યું?
બારીની બહાર નજર કરું તે પહેલાં જ એક લઘરવઘર છોકરો મારી સામે આવ્યો. તે મારી બર્થને અડીને ઊભો રહ્યો. જીંથરાં જેવા તેના વાળ, તેનો ચીકાશયુક્ત ચહેરો અને મૂળ રંગ ઢંકાઈ જાય તેટલી હદે મેલાં થયેલા તેના કપડાં એ સૂચવે છે કે આ ભાઈ મહિનાઓથી નાહ્યો નથી. હું કંઈ પૂછું એ પહેલાં જ તેણે મારી બૅગ ઉઠાવી અને દોડ્યો. દોડવાનું શરૂ કરતી વખતે તેણે મારાં શૂઝ પણ હાથમાં પકડી લીધાં. કાલે રાત્રે જે છેડા તરફ ધમાલ થઈ હતી તે છેડા તરફ તે દોડ્યો છે. હું તેની પાછળ દોડી રહ્યો છું. આ સ્ટેશન પર ઉતરવાનું હોય એ મુસાફરો દરવાજા તરફ જઈ રહ્યાં છે. પેલો છોકરો એ બધાની વચ્ચેથી દોડી રહ્યો છે. હું એક મુસાફરને અથડાયો.
“અબે ઓય.....” બૂમ પાડીને તેણે મને ગાળો ભાંડી.
હું તેને સાંભળ્યું ન સાંભળ્યું કરીને દોડી રહ્યો છું. જો આ બેગ પણ ચોરાઈ ગઈ તો મારું આવી બનવાનું છે. હું જીવ પર આવીને દોડી રહ્યો છું. ડબ્બાનો અંત આવ્યો. વોશ-બેઝિનની શું સ્થિતિ છે એ જોયાં વિના હું દરવાજા તરફ ફરી ગયો. મેં એને ઉતરતો જોયો. હું ઝડપથી દરવાજે આવ્યો.... પણ......
એ છોકરાએ નીચે ઊતરીને બૅગ અને શૂઝ જમણી બાજુ ફેંક્યા અને પોતે ડાબી બાજુ દોડ્યો. સ્ટેશન પરની ભીડમાં એ અલોપ થઈ ગયો. મારે એ છોકરાનું કોઈ કામ નથી. હું બેગ અને શૂઝ તરફ દોડ્યો. મોટી ફાંદવાળા એક કાકા મારી બેગ પાસે ઊભાં છે. હું ત્યાં પહોંચ્યો કે તરત જ તેઓ મારા પર તાડૂક્યા-
“તેરા હૈ યે સામાન?”
“જી.”
“ સામાન ઐસે ફેંકતે હૈ? તેરે જુતે મુઝે પેટમેં લગે! અચ્છા હુઆ બેગ-”
“સોરી, અંકલ!” મેં કહ્યું.
“આજકલ કે લડકે, કોઈ તમીજ હી નહિ હૈ!” બોલતાં બોલતાં તેઓ ચાલતા થયા.
મેં સામાન હાથમાં લીધો. ટ્રેન આવી ચૂકી છે એની જાહેરાત સ્પીકર્સમાં થવા માંડી છે. પ્લૅટફોર્મ પર ભીડ સારી એવી છે. કયું સ્ટેશન છે આ? મેં બોર્ડ વાચ્યું...........
ब्योहारी
ઘળિયાળ સમય દેખાડી રહી છે- ૧૦.૦૨
આ શું.......
કેવી રીતે..........
કેમ......
હેં? કેવી રીતે........
ટ્રેન હજી ઊભી છે. ટ્રેન બ્યોહારી આવી કઈ રીતે? ટ્રેનના ડબ્બા પર લગાવેલું પીળું પાટિયું જોયું. અરેરે! આ એ ટ્રેન નથી, જેમાં હું વિરમગામથી બેઠો હતો. મેં બૅગની ચેઈન ખોલી. ટ્રેનની ટિકિટ કાઢી. ભારે કરી! ટિકિટ પણ બદલાઈ ગઈ!
બાજુના બાંકડા પર મારાથી બેસી જવાયું. નજર ભોંય પર સ્થિર થઈ ગઈ છે. હું જાણે મૂર્તિ બની ગયો છું. શૂઝ પગની બાજુમાં મૂક્યાં છે અને બેગ ખોળામાં. બંને હાથની કોણીઓ બેગ પર ટેકવી છે અને હથેળીઓ કપાળ પર.
તે ચોર નહોતી. હા, મને બેભાન કરવા આવી હતી તે ચોર નહોતી. તેણે મને એક ટ્રેનમાંથી ઉઠાવીને બીજી ટ્રેનમાં મૂકી દીધો હતો. તે હતી કોણ? તેણે મારી મદદ કેમ કરી? તેની સાથે બીજું કોણ હતું? એ લોકો મારો મોબાઈલ કેમ લઈ ગયાં? અને જો ફક્ત ટ્રેન બદલવાની હતી તો એમાં મને બેભાન કરવાની શુ જરૂર હતી?...... કશું જ વિચારવું નથી........
મમ્મી-પપ્પાને ‘શુભરાત્રિ’ કહીને ભગવાનના નામસ્મરણ સાથે શાંતિથી સૂઈ જનાર ડાહ્યો છોકરો જો કોઈ રાત્રે પોતાનું માથું આખા શરીરના વજન સાથે અથડાવીને ટ્રેનનું વોશ-બેઝિન તોડી નાંખે, અજાણી છોકરીની બે-ત્રણ લાત ખાય અને પછી ક્લોરોફોર્મની અસરથી બેભાન થઈ જાય તો એ કેટલી હદે વાજબી છે?
સવાર પડતાં ઉત્સાહથી પથારી છોડીને ઉગતા સૂર્ય સામે, શુભ વિચારો સાથે, બ્રશ કરતાં કરતાં દિવસની શરૂઆત કરનાર વ્યક્તિ જો કોઈક સવારે, આગળની રાત્રે ખાધેલ મારને કારણે, બગાસુ પણ ન ખાઈ શકે, બેન્ડ-એઈડ્સથી સજાવેલાં પોતાના ચહેરાને અરીસામાં જોતો રહે, બ્રશ દાંત પર ઘસતો રહે અને રહસ્યમય વિચારો તેના મગજમાં ઘૂમરતાં હોય તો એ કેટલી હદે વાજબી છે?
ફક્ત સો કિલોમીટર દૂર જવામાં પણ પાટિયું, વચ્ચે આવનારાં ગામડાંની યાદી સહિત, બે વખત વાંચીને બસમાં ચડનાર વ્યક્તિ જો ક્યારેક ચૌદસો કિલોમીટર દૂર જવા, એક અનામી પત્રને ભરોસે, નીકળી પડે અને તેની સાથે ‘આવું બધું’ થાય તો એ કેટલી હદે વાજબી છે?
કશું જ વાજબી નથી. હવે આમાં માણસ ગાંડો ન થાય તો બીજું શું થાય?
હું શાંતિપૂર્ણ જીવનની અપેક્ષા રાખનારો માણસ છું. જો ઘરમાં ચાલતાં ચાલતાં સહેજ ઠેસ વાગી જાય તો પણ ‘જો, વાગ્યું નથી ને?’, ‘સંભાળીને ચાલ’, ‘ક્યાંક પગ ભગાવીશ તો?’ જેવાં ઉદ્‌ગારો વરસાવનારા પરિવારનું સંતાન છું. ને અહીં તો ‘સાચવજે’ કહેવા માટે પણ કોઈ નથી! ઘરથી ચૌદસો કિલોમીટર દૂર આવી ગયો છું..... એકલો. મારી સાથે જે કંઈ થઈ રહ્યું છે ને, એ પ્રકારની ફિલ્મો પણ મને નથી ગમતી!
આ તો બ્યોહારી છે. અર્થાત્, હું હજી શહેરમાં છું. કદાચ, બ્યોહારી તાલુકામથક છે. પરંતુ, મારે તો હજી ભમરાહ જવાનું છે...... ત્યાં શું થશે?
ગઈ કાલ સાંજ સુધી હું એક સામાન્ય જિંદગી જીવતો હતો. સાંજે સાડા પાંચે પરબીડીયું ખોલ્યું..... અત્યારે અહીં છું! ને એ પણ..... કઈ રીતે પહોંચ્યો?..... ખબર જ નથી!
હાસ્યાસ્પદ વાત તો એ છે કે કોઈ મને રમાડી રહ્યું છે! હું કોઈકનું રમકડું બની ગયો છું. એ મસ્તીથી રમત કર્યે રાખે છે મારી સાથે! એવું જ તો થઈ રહ્યું છે. હું તેની મરજી પ્રમાણે આમથી તેમ ફેંકાયે રાખું છું. તેનું આયોજન છે પરફેક્ટ! કેટલી ખૂબીથી તેણે મને અહિં સુધી પહોંચાડ્યો! હમણાં જે છોકરો આવ્યો હતો તે તેનાં આયોજનનો ભાગ હતો. છોકરાને એ કામ કરવા બદલ થોડાં રૂપિયા આપી દીધા હશે. અપ્રતિમ આયોજન! બધું તેની ઈચ્છા મુજબ જ થયું. આવી ગયો બ્યોહારી..... દશ વાગ્યે!
પરંતુ, મને અહીં સુધી લાવવાનું આયોજન જ આટલું ભયાનક હતું, તો વૈદેહીની સમસ્યા અને તેનું સમાધાન તો...... ઓહોહો! ના, મારે ભમરાહ જવું જ નથી. હજી વધારે ફટકાં મારાથી નહિ સહેવાય. હું આવા કામ કરવા માટે નથી જનમ્યો. હું શાંતિપ્રિય પરિવારનું સંતાન છું. આ બધું મારી સાથે ન થવું જોઈએ.
યાર, અહીં હૉલીવુડની કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે? હું એ ફિલ્મનો સુપરહિરો છું, તે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી રમતાં રમતાં પસાર થઈ જઉં? આ કોઈ નવલકથાનાં દ્રશ્યો છે? હું એ નવલકથાનો નાયક છું? નહિં તો હું કોઈ ઈન્ટેલિજન્ટ ડિટેક્ટિવ છું? ના રે, ના. હું વેદ છું. આ કોઈ ફિલ્મ કે પછી કોઈ નવલકથા નથી. આ વાસ્તવિક દુનિયા છે. અરે, મારું જીવન હજી શરૂ જ થાય છે. મેં હજી ફિઝિક્સમાં માસ્ટર્સ નથી કર્યું. હજી તો મારી સગાઈ પણ નથી થઈ! મારે ઘણું જીવવાનું છે. મારે પોતાનો પરિવાર રચવાનો છે, આદર્શ પરિવાર. માબાપનો એકનો એક દીકરો છું. તેમની વૃદ્ધાવસ્થા વખતે તેમની સેવા કરવાની છે, હૂંફ આપવાની છે તેમને. આવાં ને આવાં કામ કરીશ તો ક્યારે શરીર છૂટી ગયું એ ખબરેય નહિ પડે!
ટૂંકમાં, મારે આગળ નથી જવું. હું નથી ઈચ્છતો કે મારો મૃતદેહ ઘરે જાય. તો, મમ્મી, હું આવી રહ્યો છું..... તારો વેદ ઘરે પાછો આવી રહ્યો છે.....
“ગજબ થૈ ગ્યો!” મારી બાજુમાંથી કોઈક બોલ્યું.
મેં બાજુમાં જોયું. મને ભાન જ નહોતું રહ્યું કે મારી બાજું કોઈક આવી બેઠું છે. ઉંમરલાયક માણસ છે. તેઓ મારી સામે ફરીને બોલ્યા-
“ખરેખર, ગજબ થૈ ગ્યો......”
આ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના વંશજ છે? તેમનો ચહેરો જોઈને કોઈને પણ આ જ પ્રશ્ન થાય! તેમનાં વાળ આઈન્સ્ટાઈનના વાળ જેવા જ છે. ચહેરો પણ ખાસ્સો મળતો આવે છે. હા, આઈન્સ્ટાઈનને ચશ્મા નહોતા, આમને છે. ચશ્માનાં જાડા કાચ પાછળ તેમની મોટી આંખો સહેજ વધુ પહોળી લાગી રહી છે. તેઓ એકદમ ટટ્ટાર બેઠા છે. એક હાથ ઘુંટણ પર ફરતો જાય છે. અમુક સમયાંતરે હાથ ઊંચો ઊઠે છે અને ‘પટાક’ અવાજ ઉદ્ભવે તે રીતે પછડાઈને ફરીથી ઘુંટણ પર ફરવા લાગે છે. તેઓ માથું સહેજ સહેજ ડોલાવી રહ્યાં છે.
તેમની નજર મારા પરથી ખસીને ક્યાંક બીજે સ્થિર થઈ. મેં તેમનું વધુ અવલોકન કર્યું. આખી બાંયનો, આસમાની રંગનો શર્ટ તેમણે પહેર્યો છે. ડાબા હાથમાં ઘડિયાળ છે. ડાબો હાથ ઘુંટણ ફરી રહ્યો છે અને જમણો હાથ જમણા ઘુંટણ પર સ્થિર છે. તે હાથના અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે બેન્ડ-એઈડ લગાવેલી છે. ફાંદ સહેજ નીકળી આવેલી છે. કથ્થાઈ રંગનું પેન્ટ મેલું થયું છે. પ્રોફેશનલ બૂટ પણ ચમક ખોઈ બેઠાં છે. શર્ટની બાંયની કિનાર પણ મેલી થયેલી છે. તેઓ પંચાવન-સાઠના હશે.
મારી તરફ ફરીને તેઓ બોલ્યા-
“મગજ ફરી જાય એવો ગજબ થઈ ગ્યો....”
આ ધૂની માણસ સામે હું એમ જ તાકી રહ્યો છું. તેઓ બે ઘડી મારી સામે જોઈ રહ્યા. કંઈક ખૂંચ્યું હોય એમ તેઓ ચમક્યા. ઘુંટણ પર જોરથી હાથ પછાડ્યો અને બોલ્યા-
“હું કમ્પ્લેટ ગાંડો થઈ ગયો છું. આ બ્યોહારી છે. અહીં કોને ગુજરાતી આવડે? હું ક્યારનો-”
મને છેક હવે ધ્યાનમાં આવ્યું કે આ માણસ ગુજરાતી બોલી રહ્યો છે.....
“તમે ગુજરાતના છો?” મારાથી પૂછાઈ ગયું.
“લે..... તું ય ગુજરાતી?” તેઓ ચમક્યા.
અમે બંને એકબીજાને વળગી પડ્યાં. જાણે વર્ષો પછી મળ્યાં હોય એમ અમે ભેટ્યાં. મારી ખુશીનો કોઈ પાર નથી! તેમનું પણ એવું જ છે. તેઓ આનંદમાં આવીને જોરજોરથી મારી પીઠ થપથપાવી રહ્યા છે! મારા ખોળામાંથી બૅગ નીચે પડી ગઈ છે. લગભગ અડધી મિનિટ પછી અમે છૂટાં પડ્યાં.
“અરે, મને તો આવી આશા જ નહોતી.” તેઓ ગેલમાં આવીને બોલી રહ્યાં છે.
“મને પણ...” મેં કહ્યું- “બે-ત્રણ વાર બોલીને ગોખવા પડે એવાં ગામોની સફરમાં કોઈ ગુજરાતી મળી જાય એવી અપેક્ષા ક્યાંથી હોય?”
“ઘણું સારું થયું આપણે મળ્યાં.”
“હા...” મેં કહ્યું- “રણમાં પાણી મળ્યું હોય એવું લાગ્યું!”
થોડી ક્ષણો અમે એકમેકને જોઈ રહ્યાં. આવું કેમ થાય છે? હું ભાષાના આધારે માણસોને પોતાનાં કે પારકાં કેમ માનવા લાગું છું? આવું થવું જોઇએ? ના. માણસ તો માણસ જ હોય ને! ભાષાના કારણે તેના માનવત્વમાં શું ફરક પડે?
“તને ભૂખ નથી લાગી?” તેમણે મને પૂછ્યું.
“લાગી છે.”
“ચાલ.” તેઓ ઊભા થઈને બોલ્યા- “બહાર જઈને-”
“પણ....” હું વચ્ચે બોલ્યો- “હું તો પાછો જઉં છું.”
“ક્યાં?”
“ક્યાં એટલે શું? ઘરે!”
“પણ કેમ?”
“બસ...... સફર પૂરી.”
“હવે હાલ ને આમ, છાનીમાની!” કહીને તેમણે મારો હાથ પકડ્યો અને ખેંચ્યો. આ રીતે મને ઊભો કરીને તેઓ બોલ્યા- “ચાલ મારી સાથે.”
“અરે!” હું ખેંચાઈને ઊભો થઈ ગયો- “પણ નથી આવવું મારે. મારે ઘરે જવું છે.”
“અલ્યા, શું એકની એક લપ લઈને બેઠો છે? ખોટી જીદ કરે છે તું!”
“હું ખોટી જીદ કરું છું કે તમે?”
“જો છોકરા, હું આટલે દૂર હવાફેર માટે નથી આવ્યો, સમજ્યો?”
“તો?”
તેમણે બે વખત આજુબાજુ જોયું અને કોઈ અમારી વાતચીત સાંભળતું નથી એની ખાતરી કરી. મારી છેક નજીક આવ્યાં અને ધીમા પણ ઘેરા અવાજે બોલ્યા-
“હું અહીં એક સોલ્લિડ કામ કરવા આવ્યો છું.”
“કેવું કામ?”
“સોલ્લિડ!” હાથની મુઠ્ઠી વાળીને તેઓ ફરી બોલ્યા- “સોલ્લિડ!”
“હા, સોલિડ તો મેં સાંભળ્યું! પણ શું કામ કરવાના છો?”
“એ બધું પછી કહું, જો તું એ કામમાં મારો સાથ આપવાનો હોય તો.” તેઓ થોડા દૂર ખસીને સામાન્ય અવાજે બોલ્યા- “પહેલાં પેટનો ખાડો પૂરવો પડશે, ભાઈ!”
“તમે શું કરવાના છો એ જાણ્યા વિના હું ઝંપલાવવાનો નથી.” મેં સ્પષ્ટપણે કહ્યું.
“પહેલાં તું ખાવાનું કર ને!” તેઓ મારો હાથ ખેંચીને ચાલતા થયા!
“અરે, મારી બૅગ તો લેવા દો, કાકા!”
મેં બૅગ લીધી. શૂઝ પહેર્યાં.
ભૂખ તો મને પણ લાગી છે! આ ધૂની માણસ સાથે નાસ્તો કરવા હું તૈયાર થયો એના અમુક કારણો છે. પહેલું અને સરળ કારણ તો એ જ, મનેય ભૂખ લાગી છે! ઘરે જવાની ટિકિટ કઢાવવી પડશે. આજની જ ટિકિટમાં રિઝર્વેશન કન્ફર્મ થાય તેનો એક જ ઉપાય છે- તત્કાલ કોટા. ‘તત્કાલ’ ટિકિટનું બૂકિંગ શરૂ થવામાં હજી અડધો કલાક લાગશે. ત્યાં સુધી આ માણસ સાથે નાસ્તો કરી લઉં. એમને પણ થોડા સમય માટે એક ‘ગુજરાતી’નો સાથ મળે! વત્તા, એ માણસનું ‘સોલિડ’ કામ શું છે એ પણ જાણવા મળે. જો એમના કામનો હેતુ શુભ હશે અને મારી મદદથી એ કામ વધારે સરળતાથી થઈ શકતું હશે તો હું એમની મદદ કરવા રોકાઈ જઈશ. બ્યોહારી સુધીનો ધક્કો સાવ નકામો તો ન જાય!
અમે રેલવે-સ્ટેશનના દરવાજે આવ્યા. મેં પૂછ્યું-
“તમારું નામ શું?”
“દશ છવ્વીસ.”
“હેં?”
“સમય એટલો થયો!” તેઓ પોતાની ધૂનમાં જ બોલ્યે જાય છે- “અગિયાર વાગ્યાની બસ છે.”
તેઓ ઝડપથી પગથિયાં ઊતર્યા.
રેલવે-સ્ટેશન પૂર્વાભિમુખ છે. ક્ષિતિજ સાથે પાંત્રીસ-ચાળીસનો ખૂણો બનાવતો સૂર્ય મારા મુખ પર તેજ વરસાવી રહ્યો છે. જમણી બાજુએ રેલવે-સ્ટેશનનું પાર્કિંગ છે. ડાબી બાજુ વિવિધ બેંકના એ.ટી.એમ. છે. અહીંથી લગભગ ત્રીસ ડગલાં આગળ જઈએ એટલે એક રૉડ પર પહોંચી જવાય. એ રોડ જરા સાંકડો છે અને વાહનો તથા ચાલતાં માણસોની સંખ્યા વધારે છે. ઉપરથી, રૉડની બંને બાજુએ વિવિધ ચીજવસ્તુઓની લારીઓ ગોઠવાયેલી છે. પરિણામે, રોડ પર ગીચતા ઘણી વધારે છે. દુકાનો પર હિન્દીમાં બોર્ડ મારેલાં છે. અહીંના લોકોનો પહેરવેશ ખાસ અલગ નથી. પુરુષોએ પોતપોતાના ‘સ્ટેટસ’ મુજબ પેન્ટ-શર્ટ પહેર્યાં છે. સ્ત્રીઓએ, એમની માન્યતાઓ કેટલી હદે ‘મોડર્ન’ છે એની સાબિતી મળે એ મુજબ, સાડી અથવા સલવાર-કમીઝ અથવા લેગીંગ્સ-કુર્તી અથવા જિન્સ-ટોપ પહેર્યાં છે. યુવાન છોકરાં-છોકરીઓએ દેશ અને દુનિયા અંગેના તેમનાં ‘વિચારો’ને અનુરૂપ કપડાં પહેર્યાં છે. અમદાવાદ કે પછી ગુજરાતનાં કોઈપણ શહેરમાં આ જ પ્રકારની વેશભૂષા જોવા મળે છે. ઠંડીને કારણે મોટાભાગનાં લોકો શાલ કે સ્વેટરમાં લપેટાયેલાં છે. મેં પણ જૅકેટ પહેર્યું છે. અહીં જરા અલગ આબોહવા છે. ખરેખર એવું છે કે પછી મને એવું લાગી રહ્યું છે? શ્વાસમાં કંઈક..... આમ... અલગ જ ઊર્જા અનુભવાય છે. આ નાવીન્ય મને ઉત્સાહવર્ધક લાગે છે.
“અલ્યા, એ......ય...”
છેક રૉડ પહોંચેલા પેલા ધૂની માણસે બૂમ મારી- “ચાલને, ભાઈ!”
હું થોડું દોડીને તેમની પાસે પહોંચી ગયો. થોડું ચાલીને અમે એક કીટલી પર પહોંચ્યા. બે ચાનો ઓર્ડર અને રૂપિયા આપીને અમે સ્ટૂલ પર ગોઠવાયાં. સામે જોઈને તેઓ બોલ્યા-
“ફટાફટ ચા-નાસ્તો કરી લઈએ. એટલાંથી પેટ નહિ ભરાય. કાલ રાતનો ભૂખ્યો છું. સામે જે દુકાન છે તેમાંથી થોડો નાસ્તો ખરીદી લઈશું. બસ-સ્ટેન્ડ પણ સામે જ છે.”
ચા આવી. અમે બંને એ એકએક પ્યાલીઓ ઉઠાવી. ચા થોડી ઠંડી થાય એની રાહ જોતાં મેં પૂછ્યું-
“તમારું નામ શું?”
“શું?” તેઓ જાણે ઊંઘમાંથી જાગ્યા હોય એમ મારી સામે જોઈ રહ્યાં.
“તમારું નામ?”
“મને લોકો એક જ નામથી ઓળખે છે- ડૉક્ટર પાઠક.”
“ઠીક.”
“તારું નામ?”
“વેદ.”
એક ઘૂંટડો ચા પીને મેં પૂછ્યું-
“તમે કયું કામ કરવાના છો?”
“હા, એ તને કહું.”
ચાનો બીજો ઘૂંટ ભરીને તેમણે વાત શરૂ કરી-
“કાલે બપોરે તો હું ઘરે બેઠો હતો. ટપાલી આવ્યો. ટપાલી એટલે? પોસ્ટમૅન.”
“હા, મને એવી ખબર પડે!”
“ના, આ તો મને એમ કે આજના યુવાનિયાંને જૂના ગુજરાતી શબ્દો..... હેંહેંહેં......”
“કાકા, જો તમે આમ વચ્ચે-વચ્ચે શબ્દોનું વિવેચન કરશો કે હાહા-હીહી કરશો તો વાત પૂરી નહિ થાય.”
“તે આપણે ક્યાં ઉતાવળ છે, યાર? તને કંઈ ઉતાવળ છે? ફ્લાઈટ પકડાવાની છે?”
“મારે ફ્લાઈટ નથી પકડવાની, તમારે બસ પકડવાની છે!” હું જરા ચિડાયો- “ખરા માણસ છો તમે!”
“અરે, હા! હું ઝટ વાત પતાવું.” વધેલી ચા એક જ સડાકે પૂરી કરીને તેમણે વાતની પુનઃશરૂઆત કરી- “કાલે બપોરે હું ઘરે બેઠો હતો અને ટપાલી આવ્યો હતો. તે મને એક મોટું પરબીડિયું આપી ગયો. મેં પરબીડિયું ખોલ્યું. અંદરથી પાંચ વસ્તુઓ નીકળી. કેટલી?........ કેટલી?”
“પાંચ.”
“હં, સરસ! તેમાં ત્રણ પત્રો હતાં. ત્રણેયનો સારાંશ એમ નીકળતો હતો કે વૈદેહી નામની છોકરી મરવા પડી છે. એને મારી મદદની જરૂર છે.”
હું ચમક્યો.
(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED