અદ્ધરતાલ રાશિભવિષ્ય..! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદ્ધરતાલ રાશિભવિષ્ય..!

અદ્ધરતાલ રાશિભવિષ્ય

પ્લીઝ..! બેસતાં વરસે મઝાક-મસ્તી કરતાં જ નહિ. કરતાં. અટકી જ જજો. અબ મેગોમ્બો ખુશ નહિ હૈ..! બગડેલી દિવાળીના ખાટા ઓડકાર હજી આવે છે. આંગણા કરતાં આકાશમાં ધડાકા વધારે થયાં. મેઘ ગર્જનાના..! ઊંઘમાં પણ કોઈ બોલતું નહિ, કે રમેશિયા.. happy new year..! ગયા વરસની શુભેચ્છાનો સ્ટોક હજી વણવપરાયેલો પડ્યો જ છે. શુભેચ્છાઓને શું ધોઈ પીવાની? એના કપાળમાં કાંદા ફોડું, દિવાળીમાં વરસાદના ઝાપટાંએ ભીંજવેલા લેંઘા હજી રસ તરબોળ છે. સુકાયાજ નથી. સેલમાંથી ઉપાડેલા લેંઘા ભિંજાયને એવાં ટૂંકા પડી ગયાં કે, છોકરાના છોકરાની ચડ્ડી માટે પણ ટૂંકા પડે યાર..! નવાનકોર લેંઘા જો બેસતાં વરસે નિચોવવા પડતાં હોય તો, શુભેચ્છાઓનો મારે શું વઘાર કરવાનો..?

વાંક તમારો નથી, હું પેલાં “ ખુશ્બુ ગુજરાતકી” બોલવાવાળાને શોધું છે. એવી મલમલી જાહેરાત કરતાં હતાં કે, મેઘરાજાને પણ ઉપડી કે, ‘લાવને ગુજરાત જઈને લેવા તો દે કે, કેવીક ખુશ્બેદાર ખુશ્બુ છે ? આવીને મેઘરાજાને પણ એવી મૌજ આવી ગઈ કે, દેવદિવાળી આવી છતાં, મેદાન છોડવાનું નામ નથી લેતાં. ગુજરાતમાં ધરાઈ ને દિવાળી કાઢી. મેઘલીને પણ યાદ કરતાં નથી..! મહેરબાની કરીને કોઈ એવી સળી તો કરતાં જ નહિ કે, ‘ સાચી ખુશ્બુ તો ઉંબાડિયું ખાયને જાવ તો મળશે..! આવ્યાં જ છો તો, ઉબાડીયાની સીઝન સુધી રોકાય જ જાવ. જો એવું કહેવા ગયાં, તો શિયાળામાં રજાઈને બદલે, રેઈનકોટ ઓઢીને આડા પડવાનો વખત આવશે.,,! જાય તો જવા જ દેજો. વેવાઈની માફક આગ્રહ કરતાં જ નહિ.

નામદાર કુંવારાઓને એટલું જ કહેવાનું કે, આભ, ગાભ ને લાભ, આ ત્રણનો ભરોસો નહિ. કોઈ જગ્યાએ વાત ચાલતી હોય તો ગોઠવાય જ જજો. મૌસમના ભરોસે રહેવા ગયાં તો, હોડીમાં માહ્યરું બાંધીને પૈણવાનો વખત આવશે. પૈણું પૈણું થતું હોય તો, આકાશ સામે નહિ, વાગ્દત્તા સામે જ ડોકિયાં કરજો. તમારું હવામાન ભલે વાસંતી હોય, બાકી આકાશી હવામાનનો કોઈ ભરોસો નહિ. એના ભરોસે રહેશો તો, હોડીમાં પણ જાન નહિ નીકળે..! વસંતઋતુ ની પણ વરસી કરી નાંખે. એવી આ ચૂડેલ જેવી મૌસમ છે. બિલકુલ ચૂંટણીના ઈવીએમ મશીન જેવું. સાલા મત આપીએ શિયાળાને, ને મતપેટીમાંથી ચોમાસા નીકળે યાર..! જાણે કે,

આંસુનું એક બુંદ ગાલ ઉપર શું પડ્યું

ને વરસાદે રમેશ વસાહત બાંધી દીધી

આવો, આપણે સંવત ૨૦૭૬ નું રાશી-ભવિષ્ય ( એને રાશી ભવિષ્ય જ કહેવાય, રાશિ-ભવિષ્ય નહિ કહેવાય ) જોઈ જ નાંખીએ..! બોલો અંબે માતકી...જય !

મેષ:- ( અલઈ)

આ રાશિવાળા માટે વર્ષ ‘માથાભારે’ છે. જે ઝાડ ઉપર કાગડાઓએ માળા બાંધ્યા હોય, એની નીચે ઝાઝું ઉભા રહેવું સલાહભર્યું નથી. માથું ભારી થઇ જશે. નવમે કેતુ હોવાથી દાળ વગરનો જ ભાત ખાવો. કારણ કે શ્વેત અને પીળા રંગની યુતિ જાતક માટે આરોગ્યપ્રદ નથી. સાસુ દર્શન કર્યા વગર લાંબી મુસાફરી કરવી નહિ. ઘરના બારણે લીંબુ-મરચું ને બદલે દુધી લટકાવવી હિતાવહ છે. એકાદ અગિયારસે ૧૧ હાસ્ય કલાકારને જમાડવાથી, કલાકારને ઇચ્છામોક્ષ મળતાં, આપના સૌ સારા વાના થશે. દર પૂનમે ભાત સાથે આઈસ્ક્રીમ ભેળવીને ખાવાથી ઘરમાં શાંતિ જળવાશે. ને પાડોશી સાથે પણ સુંવાળા સંબંધો બંધાશે. બહેનોએ આ વર્ષમાં જમણા કાંડે જ ઘડિયાળ બાંધવી.

વૃષભ : (બવઉ)

આપની રાશિ વૃષભ હોવાથી, બળદિયા તોફાન તો કરવાના. સુરજ ઉગતા પહેલાં. મહોલ્લાની રખડતી ગાયોને ઘરે લાવી તેનું પૂજન કરવું. સૌને માનસિક શાંતિ રહેશે. પાચન ક્રિયા મંદ રહેવાની શક્યતા હોવાથી, જમવા પહેલા ‘ ઔમ આખલાય નમ: ‘ ના ૧૦૮ જાપ કરવા. પાચન શક્તિમાં તત્ત્કાલ સુધારો થશે. બને તો દિવસમાં બે વાર શિર્ષાસન કરવા. શીર્ષાસન નહિ જ ફાવે, તો ખુદનો ફોટો ખિસ્સામાં ઉંધો મુકવાથી પણ તેનું ફળ મળશે. રવિવારે દમણની દિશા પકડવી નહિ. અકસ્માતના યોગ છે .વાઈફના પડછાયાને બદલે, એની છાયામાં રહેવું હિતકારી છે. બહેનોએ દર પૂનમે પંચરંગી સાડી પહેરવી.

મિથુન : ( કછઘ)

જાતકની કુંડળીમા ત્રણ ગ્રહો ભેગા થાય છે. માટે કમર ઘૂંટણ અને માથાની બીમારીથી સંભાળવું. આ રાશિવાળી બહેનોને લગનના પૂરા યોગ છે. જે મુરતિયાને ડાબા ગાલે કાળો તલ હોય, એવા ઉમેદવારને બને ત્યાં સુધી પસંદ કરવો નહિ. કારણ કે, આખું વર્ષ તમારા ઉપર અમાસની છાયા છે. મુરતિયો ગમે એટલો ગુણીયલ હોય તો પણ, કાળું પાટલુન પહેરીને જોવા આવે તો ધરાર ના પાડી દેવી. સોમવારે સફરજન, મંગળવારે મેથી, બુધવારે દુધી, ગુરુવારે ગુવારફરી, શુક્રવારે સેકેલા પાપડ, શનિવારે તેલ વગરનું બાફેલું, ને રવિવારે રતાળું ખાવો હિતકર નથી. બહેનોએ શનિવારે માત્ર હળદરનો ચાંદલો કરવો.

કર્ક :- (ડહ)

વર્ષ ફળદાયી હોવાથી, છાલ સાથે જ ફળો ખાવા. પપૈયું ખાવાથી પૈસામાં વધારો થશે. હેર સ્ટાઈલ ગમે એટલી મોંઘી હોય, છતાં દ્રિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય ધારણ કરવી. કાનટોપી પહેરીને નીકળવું નહિ. પતિ સાથે ફોટો પડાવે ત્યારે, પોતાનું સ્થાન પતિની આગળ ને જમણી બાજુ રાખવું. આખો ફોટો આવશે. વરિષ્ઠ નાગરિકે કણસવાને બદલે, પથારીમાં ‘ ઔમ યંગેસ્ટાય નમ: “ ના જાપ કરવા. શનિવારે ‘બ્યુટીફૂલ કાંડ’ આઈ મીન...સુંદરકાંડ વાંચવો લાભદાયી છે..!

સિંહ :- ( મટ )

સિનીયર સીટીઝન માટે આ વર્ષ મધ્યમ છે. રાતે સૂરણના મુઠીયા ખાવાથી ગ્રહો ગબડવા કરતાં બગડવાની વધારે શક્યતા છે. શુક્રવારે વાનરનું મોઢું ભૂલમાં પણ નહિ જોવાય એની તકેદારી રાખવી. વાઈફનો ફોટો પેન્ટના પાછલા ખિસ્સામાં નહિ રખાય જાય, એની તકેદારી રાખવી. નાહકના ઝઘડા મટવાને બદલે વધશે. ને હિમાલયવાળી દિશામાં બેસી ભોજન ગ્રહણ કરવું નહિ. આઈસ્ક્રીમનું દાન કરવાથી મગજે ટાઢક મળશે. રોજ પ્રથમ દક્ષીણ દિશામાં દશ ડગલાં ચાલ્યા પછી જ બાકીની દિશામાં ચાલવાનું સાહસ કરવું. બહેનોએ કોઈપણ પ્રકારના સેલમાં જવું હિતાવહ નથી.

કન્યા :- (પઠણ)

સાસુઓ માટે આ વર્ષ ઉત્તમ છે. માન સન્માન વધશે. સુતા પહેલાં હેડકીઓ જો આવે તો, મોબાઈલ તરત જ સ્વીચ ઓફ કરીને સુવું. શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ વધારે કરવો. બને તો ચાહમાં પણ એ જ મસાલો વાપરવો. વૃદ્ધોએ ચૌદશને દિવસે ‘ હેરડાય ‘ કરવી નહિ. અને કરવી જ પડે એવું હોય તો, ચૌદસના દિવસે એકટાણાનો ઉપવાસ કરવો. કુતરાને રોટલી ખવડાવ્યા વગર પોતે જમવું નહિ. ભૂલમાં કુતરાને બદલે કુતરી નહિ આવી જાય એની તકેદારી રાખવી. નહિ તો બ્લડ પ્રેસર વધશે.

તુલા:- (રત)

આ રાશિના જાતકોને આકરી ગ્રહદશા ચાલે છે. વાળ ધોળા હોય તો, કાળા વસ્ત્રો ધારણ કરવા. ને કાળા વાળ હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરવા. જેનાં માથે વાળ જ નથી, એમણે સ્વચ્છંદ બનવું નહિ. ડાબા ખિસ્સામાં રાવણનો ફોટો રાખવો. પત્નીને રક્ષા કવચ રહેશે. રોજ અડધો કલાક સ્ટુલ ઉપર શીર્ષાસન કરવું. ને હીંગની ફાંકી લીધા વગર સુવું નહિ. બહેનોએ રસોઈ કરતાં પહેલાં સંતોષી માતાનું સ્મરણ કરવું. જમતી વખતે પરિવારમાં સંતોષની માત્રા વધશે,

વૃશ્ચિક :- ( ન ય )

આ વર્ષ આપના જીવન માટે ભાગ્યશાળી છે. પણ કબજીયાતના પ્રોબ્લેમ વધવાના છે. રોજ સવારે વોશરૂમમાં હિમેશ રેશમિયાનું ‘ તેરી..મેરી’ વાળું ગીત જોર લગાવીને ગાવું. કબજિયાતમાં રાહત રહેશે. બે પટીની ચંપલ જ પગમાં પહેરવી . ગરબા ગાવા જાવ તો ત્રણ તાળીના ગરબાનો ત્યાગ કરવો. પાછલા ખિસ્સામાં કાંસકી રાખવાથી વાળ ખરવાની શક્યતાઓ છે. કાંસકો રાખવાથી વાળ વધશે.

ધન :- (ભ ધ ઢ ફ )

આ રાશિના જાતકો ધન રાશિના હોવાથી, બેંકના કારભારથી ચેતેલા રહેવું. શક્ય હોય તો ધર્મ પરિવર્તન, જાતિ પરિવર્તન, હૃદય પરિવર્તનની માફક રાશિ પરિવર્તન કરી શકાતું હોય તો જોઈ લેવું. ઉડતા વિમાન સામે જોવું શુકનિયાળ નથી. વૃધ્ધો માટે વર્ષ સારું છે. છતાં બારણામાં કુતરું રડે તો ચેતેલા રહેવું. ઘરના બારણે ‘ભલે પધારો’ નું પાટિયું લગાવ્યું હોય તો ઉતારી લેવું. યમરાજાના પાડા કદાચ ભણેલા પણ હોય. ભૂલમાં આવી પડે બીજું કંઈ નહિ..

મકર : ( ખ જ )

નાના મોટા નેતાની અડફટમાં આવવાના યોગ છે, માટે ખેસને બદલે ગળામાં મફલર નાંખીને બહાર નીકળવું. ભાઈઓને, ગાયનેક પ્રોબ્લેમ થવાની સંભવના છે. આઈ મીન...ગાયના શિંગડાથી હાથે પગે ઈજા થવાના યોગ છે. તેથી ગૌમાતા જ્યાં પણ મળે, ત્યાં જઈને સાષ્ટાંગ પ્રણામ કરવા. ને પિતાને પણ વ્હાલથી ઘાસ ખવડાવવું. પાન ખાતા હોય તો ચૂનો ચોપડ્યા વગરનું જ ખાવું, નહિ તો ગમે ત્યારે ચૂનો લાગી જવાની શક્યતા છે. પાનની પિચકારી સાસરીની દિશામાં મારવી નહિ. બહેનોએ બુધવારે કાળા રંગની લીપ્સ્ટીક લગાવવી નહિ. મુખવાસમાં સફેદ તલ ખાવા.

કુંભ :- (ગ શ સ ષ )

આ વર્ષમાં પાડોશી સાથે બહુ વાટકી વ્યવહાર કરતાં જ નહિ. સંબંધ વધુ ઠંડા અને સ્વાદિષ્ટ બનશે. શનિની સાડાસાતી હવે પૂરી થવાની તૈયારીમાં છે. ગોળના ખાલી માટલામાં ગુલાબનો છોડ રોપી પૂર્વ દિશામાં માટલું મુકવાથી ચિત્તની પ્રસન્નતા વધશે. બહેનોએ દર પૂનમે પતિ પાસે જ પોતાનું મંગલસૂત્ર ધોવડાવવું. ને તેનું પૂજન પણ કરવું. બંનેની આવરદા વધશે. કે વાત હમેશ યાદ રાખવી. માત્ર મંગળસૂત્ર જ નહિ સાચવવું. આ વર્ષમાં ધણી ઉપર પણ નજર રાખવી. કારણ કે, શુક્રની મેલી અસએ એમના ઉપર પડી શકે છે ચેતતી નારી સદા સુખી....! .

મીન : ( ડ ચ ઝ થ )

આ વરસે ખાડામાં પગ નહિ પડે તેની કાળજી રાખવી. કોઈપણ ખાડો ક્યારે હાડકાંતોડ બને એ નક્કી નથી. અકસ્માતથી ઉગરવા માટે ચાલતી વખતે ઊંધા હાથે પાછળ જુવારના દાણા નાંખવાથી રાહત થશે. ભાત અને ખીચડીના ભેદ આ વરસે સમઝાવાના છે. આ ભવિષ્ય વાંચતા તમને જો છીંક આવે, તો માનવું કે તમારું વર્ષ સારું જવાનું. જાતે જ ગલગલીયાં કરીને હસવાની કુટેવ ગઈ એમ માની લેવું. રોજ રાત્રે નવ મુખી રુદ્રાક્ષ, દુધમાં બોળીને સવારે તેના કોગળા કરવાથી તંદુરસ્તી જળવાશે. બહેનોએ ધણીને નામથી બોલાવવામાં કોઈ હરકત નથી. પણ ‘સાંભળો કે’ કહીને બહેરા નહિ સમજવા...!

----------------------------------------------------------------------------------------------------

શુક્રવાર, 08 નવેમ્બર 2019