Rudra ni Premkahani - 13 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 13

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 13

ગેબીનાથ શતાયુ અને ઈશાનની યોજના વિશે જાણતાં હોવાં છતાં એ બંનેની સાથે જ રુદ્ર ને જંગલમાં મોકલે છે.. રુદ્ર ગુફામાં તો જાય છે પણ ત્યાં એવાં સંજોગો નિર્માણ પામે છે કે રારા નું હૃદય પરિવર્તન થઈ જાય છે. આશ્રમમાં પહોંચતાં જ રુદ્ર શતાયુ અને ઈશાનને જણાવે છે કે એ બંને એ જાણીજોઈને પોતાને ગુફામાં મોકલ્યો એની પોતાને ખબર છે.. રુદ્ર ગુરુજી ને જંગલમાં જે ઘટિત થયું એનાં વિશે તો જણાવે છે પણ શતાયુ અને ઈશાનને માફ કરવાની અરજ પણ ગેબીનાથ ને કરે છે.. રુદ્ર નું આમ કરવું શતાયુ અને ઈશાન ને એનાં ગાઢ મિત્ર બનાવી દે છે.

રુદ્ર, શતાયુ અને ઈશાન ની સાથે પોતાનાં અન્ય શિષ્યોની સાથે ગેબીનાથ યુદ્ધ વિદ્યા નો પ્રારંભ કરે છે.. જે માટે પ્રથમ જે અભ્યાસ શીખવાનો હોય છે એ હોય છે અશ્વરોહણ.. આ માટે ગેબીનાથ એક અશ્વ એમની સમક્ષ પ્રગટ કરે છે જેનું નામ હોય છે મેઘદૂત.

"ગુરુજી.. અમારે આ અશ્વ ની સવારી કરવાની છે..? "મેઘદૂત નો પરિચય જેવો જ ગુરુ ગેબીનાથે આપ્યો એ સાથે જ શતાયુ એ પ્રશ્ન કર્યો.

"હા.. તમારે સૌ એ એક પછી એક આ પવનવેગી અશ્વ ની સવારી કરવાની છે અને પછી સામે રહેલી ધ્વજા ને દંડ સહિત અહીં લઈને પાછું આવવાનું છે.. "ગુરુ ગેબીનાથે એ લોકો મોજુદ હતાં એ મેદાનનાં છેડે આવેલાં એક ધ્વજદંડ તરફ આંગળી ચીંધતાં કહ્યું.

"અરે આટલું સરળ કાર્ય.. આતો હું ડાબા હાથે કરી દઈશ.. "ઈશાન ગુરુ ગેબીનાથને ના સંભળાય એમ શતાયુ અને રુદ્ર નાં કાનમાં બોલ્યો.. આમ છતાં શાંત વાતાવરણમાં ઈશાન ની વાત ગુરુ ગેબીનાથ સાંભળી ગયાં એટલે એમને ઈશાન ને ઉદ્દેશતાં કહ્યું.

"તને લાગે છે કે મેઘદૂત પર સવારી કરી ત્યાં સામે દેખાતો ધ્વજદંડ લઈને અહીં આવવું સરળ છે..? "

ગુરુ ગેબીનાથ નો આ સવાલ સાંભળી ઈશાન ઝંખવાણો પડી ગયો.. પણ હવે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે એમ હોવાથી ઈશાને કંઈ બોલ્યાં વગર હકારમાં ગરદન હલાવી.. ઈશાન નાં આમ કરતાં જ ગુરુ ગેબીનાથે કહ્યું.

"ખૂબ સરસ.. તો પછી આજની તૈયારી નો પ્રારંભ તમારાથી જ કરીશું.. "

આ સાથે જ ગુરુ ગેબીનાથ ઈશાન ને મેઘદૂત જોડે દોરીને લઈ ગયાં.. ત્યાં પહોંચી ગેબીનાથે ઈશાન ને કહ્યું.

"તો હવે તમે આ લગામ વગરનાં અશ્વની સવારી કરી એને સામે ધ્વજદંડ સુધી લઈ જાઓ અને પુનઃ અહીં આવો એ સાથે જ હું તમને અશ્વરોહણ ની તૈયારીમાં પરિપૂર્ણ માનીશ.. "

ગેબીનાથનાં આમ બોલતાં જ ઈશાને શીશ ઝુકાવી એમને પ્રણામ કર્યાં અને પછી પોતાનાં ત્યાં ઉભેલાં મિત્રો તરફ જોઈ મેઘદૂત નામનાં એ અશ્વ તરફ આગળ વધ્યો.. સફેદ વર્ણ અને સામાન્ય અશ્વ કરતાં ઘણી સારી એવી કદકાઠી ધરાવતાં મેઘદૂત ને ગળા ઉપર રહેલી કેશવાળી અતિ સુંદર બનાવતી હતી.

ઈશાન ને હતું કે કોઈ અશ્વની સવારી કરવી એ કોઈ મોટી બાબત નહોતી.. એમાં પણ આશ્રમમાં મોજુદ જે અશ્વ હતાં એની સવારી પોતે ઘણી વખત કરી ચુક્યો હતો.. માટે એને મેઘદૂત ની સવારી કરવી પણ આસાન હશે એમ માની ઈશાને મેઘદૂત પર કૂદકો લગાવી દીધો.. પણ મેઘદૂત ને આ મંજુર નહીં હોય અને એ પાછલા પગે જોરથી કુદયો જેનાં કારણે ઈશાનને પોતાનું સંતુલન ગુમાવ્યું અને ધડામ દઈને નીચે જમીન પર આવી પડ્યો.

ઈશાન જોડે આમ થતાં ત્યાં ઉભેલાં દરેકનાં ચહેરા પર હાસ્ય ફરી વળ્યું.. ગુરુ ગેબીનાથે ઈશાન ને ઉભો કર્યો અને કટાક્ષ કરતાં બોલ્યાં.

"શું થયું..? બહુ સરળ રહ્યું ને આ અશ્વ પર સવારી કરવું..? "

ગુરુ ગેબીનાથનાં આ સવાલનાં પ્રતિભાવમાં કંઈપણ બોલ્યાં વગર ઈશાન મસ્તક નીચું નમાવી એમની સામે અદબભેર ઉભો રહ્યો.. આ જોઈ ગુરુજી એ ઈશાન અને પોતાનાં અન્ય શિષ્યોને ઉદ્દેશીને કહ્યું.

"દુનિયામાં તમારો સૌથી મોટો દુશ્મન કોઈ હોય તો એ છે તમારું ખુદનું અભિમાન.. જે દિવસે તમારાં મનમાં કોઈ બાબતને લઈને અભિમાન આવી જશે એ દિવસથી તમારું પતન થવાનું શરૂ થઈ જશે.. જે રીતે અશ્વરોહણ ને સરળ સમજતાં આ ઈશાન નું થયું.. "

ગુરુ ગેબીનાથ જે કંઈપણ કહેતાં એ પાછળ કંઈક ઉપદેશ સમાયેલો હોવાનું જાણતાં એમનાં દરેક શિષ્ય એમની બોલાયેલી વાતને હૃદયમાં ઉતારવાની કોશિશ કરતાં.

"તો હવે કોણ પ્રયત્ન કરશે આ પવનવેગી અશ્વ ની સવારી કરવાનો..? "ઈશાન પોતાનાં પ્રયત્નમાં વિફળ જતાં ગેબીનાથે પોતાનાં બીજાં શિષ્યોની તરફ જોતાં કહ્યું.

આ સાથે જ એકપછી એક આશ્રમબાળ આવીને મેઘદૂત નામનાં એ અશ્વ ની સવારી કરવાની કોશિશ કરવાં લાગ્યાં.. મોટાં ભાગનાં શિષ્યો તો મેઘદૂત પર સવારી જ ના કરી શક્યાં.. અને જે છાત્રો સવારી કરવામાં સફળ રહ્યાં એ માંડ ત્રણ-ચાર ડગલાં આગળ વધ્યાં બાદ મેઘદૂત ને કાબુમાં નહીં કરવાનાં લીધે નીચે પડી ગયાં.

છેલ્લે શતાયુ અને રુદ્ર બે જ વધ્યાં.. એ બંને નો ક્રમ આવ્યો ત્યાં સુધી ધ્વજદંડ સુધી પહોંચવાનું તો દુરની વાત રહી પણ હજુ સુધી બીજો કોઈ છાત્ર તો પચ્ચીસ-ત્રીસ ડગલાં સુધી પણ આગળ નહોતો વધી શક્યો.. ગુરુ ગેબીનાથે શતાયુ ને આગળ વધી પોતાનું સોંપેલું કાર્ય પૂરું કરવાં નો સંકેત કર્યો.

ગુરુ ગેબીનાથની આજ્ઞાને માથે ચડાવી શતાયુ એમને નમન કરી મેઘદૂત ની તરફ આગળ વધ્યો.. અત્યાર સુધી દરેક છાત્રો સાથે જે કંઈપણ ઘટિત થયું હતું એનો શતાયુ એ નીરખીને અભ્યાસ કર્યો હતો.. અને આજ કારણથી એને કંઈપણ ઉતાવળ ના કરી અને ખૂબ ધીરજથી મેઘદૂત પર સવાર થઈ ગયો.. બીજાં છાત્રો કરતાં શતાયુ ની અશ્વ પર સવાર થવાની નિપુણતા જોઈ ગુરુ ગેબીનાથ પ્રભાવિત થઈ ગયાં.

શતાયુ એ મેઘદૂત ની ઉપર સવાર થતાં જ પોતાનાં હાથનાં સ્પર્શ વડે એને આગળ વધવાનો ઈશારો કર્યો.. આ સાથે જ પવન સાથે વાત કરતાં-કરતાં મેઘદૂત ચાલી પડ્યો.. મેઘદૂતનાં ગળે કોઈ લગામ કે પકડવાની કોઈ વ્યવસ્થા ના હોવાથી જેવો જ મેઘદૂત પૂર્ણ ગતિમાં આવ્યો એ સાથે જ શતાયુ મેઘદૂત પરથી પોતાનું બધું જ સંતુલન ગુમાવી બેઠો.. અને જોરથી નીચે પટકાયો.

આમ થતાં જ શતાયુ ને પગમાં ઘણી ઈજા પહોંચી હતી.. ઈશાન અને બીજાં બે છાત્રો એ જઈને શતાયુ ને ટેકો આપી ઉભો કર્યો અને સાચવીને અન્ય છાત્રો તથા ગુરુ ગેબીનાથ ઉભાં હતાં ત્યાં લેતાં આવ્યાં.. ગુરુ ગેબીનાથે શતાયુ નાં પગમાં પડેલો ઘાવ જોયો અને શતાયુ ની તરફ જોઈને બોલ્યાં.

"વધુ ગંભીર ઈજા નથી.. હું આશ્રમમાં જઈને લેપ લગાવી દઈશ એટલે બે દિવસમાં સારું થઈ જશે.. પણ પ્રયત્ન ઉત્તમ હતો તારો શતાયુ.. "

ગુરુ ગેબીનાથ નાં મુખેથી પોતાનાં વખાણ સાંભળી શતાયુ પોતાની ઈજાનું દર્દ ભૂલી ગયો.. કેમકે ગુરુ ગેબીનાથ જો તમારાં વખાણ કરે એનો મતલબ હતો કે તમે સાચેમાં ઉત્તમ પ્રયત્ન કર્યો હતો.

"રુદ્ર, હવે છેલ્લો વારો તારો છે.. આ અશ્વ કોઈ સામાન્ય અશ્વ નથી એતો તે આ બધાં ની હાલત જોઈને જાણી લીધું જ હશે.. તો હવે એ તારાં ઉપર આધાર રાખે છે કે તારે આ માટે પ્રયત્ન કરવો કે નહીં..? "રુદ્ર ને ઉદ્દેશીને ગુરુ ગેબીનાથે કહ્યું.

"પ્રયત્ન કર્યાં વીનાં હાર સ્વીકારવી એ મારે મન કદાપિ સ્વીકાર્ય નથી.. ભલે સામે મોત હોય છતાં હું એકવાર તો એને પણ હંફાવવાની કોશિશ અવશ્ય કરું.. "મક્કમ સ્વરે રુદ્ર એ કહ્યું.

"તો પછી અગ્રેસર થાઓ મેઘદૂત તરફ.. "રુદ્ર નાં અવાજમાં રહેલો જોશ જોઈ ગેબીનાથ બોલ્યાં.

આ સાથે જ રુદ્ર એ ગેબીનાથ નાં ચરણ સ્પર્શ કર્યાં અને મેઘદૂત ની તરફ પ્રસ્થાન કર્યું.. બીજાં છાત્રો જ્યાં ઉતાવળ કરી મેઘદૂત પર અસવાર થવાં પ્રયત્ન કરી ચુક્યાં હતાં ત્યાં રુદ્ર એ ધીરેથી મેઘદૂત નામનાં એ પવનવેગી અશ્વની કેશવાળી પર હાથ ફેરવ્યો... આમ કરતાં કરતાં રુદ્રએ એક ધ્યાને મેઘદૂત ની આંખોમાં જોયું.. અમુક સમય સુધી જાણે રુદ્ર આંખોથી વાતો કરતો હોય એમ મેઘદૂત ની સમક્ષ ઉભો રહ્યો.

રુદ્ર શું કરી રહ્યો હતો એ ઈશાન, શતાયુ કે અન્ય છાત્રોને સમજાઈ નહોતું રહ્યું.. પણ ગુરુ ગેબીનાથ નો પ્રસન્ન ચહેરો એ દર્શાવી રહ્યો હતો કે રુદ્ર જે કંઈપણ કરી રહ્યો હતો એ એમને સમજાતું હતું.

રુદ્ર એ ધીરેથી મેઘદૂત નાં પીઠ પર હાથ ફેરવ્યો અને મેઘદૂત પર સવાર થઈ ગયો.. અન્ય છાત્રો જ્યારે મેઘદૂત પર સવાર થયાં હતાં ત્યારે એ પવનવેગી અશ્વ જે રીતે હરકતમાં આવ્યો હતો એનાંથી વિપરીત રુદ્રનાં સવાર થતી વખતે એ શાંત જ ઉભો રહ્યો.. રુદ્ર એ મેઘદૂત પર સવાર થતાં જ એની ગરદન પર હળવેકથી હાથ ફેરવ્યો.

રુદ્ર એ જાણે ગરદન પર હાથ ફેરવી મેઘદૂત ને ધ્વજદંડ તરફ વધવાનું કહ્યું હોય એમ મેઘદૂત ધ્વજદંડ તરફ અગ્રેસર થયો.. એકધારી ગતિમાં મેઘદૂત થોડી ક્ષણોમાં તો રુદ્રને ધ્વજદંડ જોડે લઈ આવ્યો.. રુદ્ર એ જેવો જ ધ્વજદંડ હાથમાં લીધો અને 'હર હર મહાદેવ' નો જયનાદ કર્યો એ સાથે જ મેઘદૂત ત્યાંથી પાછો વળીને પુનઃ ગુરુ ગેબીનાથ જ્યાં અન્ય છાત્રો સાથે હજાર હતાં એ તરફ દોડવા લાગ્યો.

રુદ્રને નિયત કરેલી જગ્યાએ પહોંચાડી મેઘદૂત અટકી ગયો અને પોતાની ગરદન હલાવવાં લાગ્યો.. રુદ્ર હાથમાં ધ્વજદંડ લઈને મેઘદૂત પરથી નીચે ઉતર્યો અને ગુરુ ગેબીનાથ ને પ્રણામ કરીને ધ્વજદંડ એમને સુપ્રત કરતાં બોલ્યો.

"ગુરુવર, આ રહ્યો ધ્વજદંડ.. અને આ સાથે જ આપશ્રી એ આપેલી કસોટી ને મેં પૂર્ણ કરી.. "

"અત્યોત્તમ.. ખૂબ સુંદર.. "આટલું બોલી ગુરુ ગેબીનાથે રુદ્ર ને ગળે લગાવી લીધો.

શતાયુ, ઈશાન અને અન્ય છાત્રો રુદ્ર દ્વારા આખરે ગુરુ ગેબીનાથ દ્વારા સોંપવામાં આવેલું કાર્ય પૂરું કરવામાં સફળ રહ્યો એ બદલ ખુશ જણાતાં હતાં.. પણ રુદ્ર આ કાર્ય કઈ રીતે સરળતાથી અને સકુશળતાથી પૂર્ણ કરી શક્યો એ જાણવાની બેતાબી પણ એ બધાંનાં ચહેરા પરથી જણાઈ રહી હતી.

"રુદ્ર, મને તો ખબર છે કે તું કઈ રીતે આ કાર્ય ને સરળતાથી પૂર્ણ કરવામાં સફળ રહ્યો.. પણ તારાં આ મિત્રોને જણાવ કે તું મેઘદૂત પર અસવાર થઈને ધ્વજદંડ લઈ આવવાનું કાર્ય સહજતાથી કઈ રીતે સિદ્ધ કરી શક્યો.. "રુદ્ર તરફ જોઈ ગુરુ ગેબીનાથે ઉચ્ચાર્યું.

ગુરુ ગેબીનાથનાં આમ બોલતાં જ રુદ્ર એ પોતાનાં સાથી શિષ્યોને ઉદ્દેશી કહ્યું.

"મિત્રો, મેં જે કંઈપણ કર્યું એ બહુ સામાન્ય બાબત હતી.. આ સંસારમાં વસતાં દરેક જીવને લાગણી હોય છે.. એ ભલે દેવ હોય, દાનવ હોય, મનુષ્ય હોય, નિમ હોય, પશુ હોય કે પક્ષી.. આપ સર્વે એ ફક્ત ગુરુજી દ્વારા બતાવેલાં ધ્વજદંડ તરફ જોયું કેમકે તમને ત્યાં તમારી મંજીલ, તમારી જય દેખાતી હતી.. પણ તમારાંમાંથી કોઈએ અશ્વરાજ ની આંખોમાં જોવાનો જરા અમથો પણ પ્રયત્ન ના કર્યો. "

"મેં સૌપ્રથમ અશ્વરાજ ની આંખોમાં જોયું અને મુક ભાષામાં એમની જોડે એ આજ્ઞા માંગી કે હું એમની ઉપર સવાર થઈ શકું.. એક અબોલ પશુ હોવાં છતાં એમને મારી વાત નો આંખોથી જ હકારમાં જવાબ આપ્યો અને એક અશ્વ તરીકે પોતાનાં અસવાર ને એની યોગ્ય મંજીલ સુધી લઈ જવાની ફરજ સ્વરૂપે એમને મને ગુરુવર દ્વારા સોંપાયેલું કાર્ય સહજતાથી અને સરળતાથી સિદ્ધ કરવામાં મદદ કરી. "

રુદ્ર ની વાત સાંભળી ત્યાં હાજર દરેક છાત્રોને પોતાની ભૂલ સમજાઈ અને એમને મેઘદૂત તરફ જોઈને પોતાની ભૂલની ક્ષમા ની યાચના કરી.. જેને ગરદન હલાવી અને મોં વડે અવાજ કરી અશ્વરાજ મેઘદૂતે સ્વીકારી લીધી.

આ સાથે જ યુદ્ધકળામાં શિક્ષા પ્રાપ્ત કરવાનો પ્રથમ દિવસ એક નવાં જ સ્તર સુધી લઈ જતી શિક્ષા સાથે પૂર્ણ થયો.

સતત ત્રણ વર્ષ સુધી ગુરુ ગેબીનાથ દ્વારા રુદ્ર સમેતનાં પોતાનાં છાત્રો ને યુદ્ધકળામાં નિપુણ બનાવવાનું કાર્ય અવિરત પણે ચાલુ રહ્યું. રુદ્ર દરેક વિદ્યામાં પારંગત બની ગયો.. ભલે એ ધનુરવિદ્યા હોય, મલ્લ યુદ્ધ હોય, ઘોડેસવારી હોય કે પછી અન્ય અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા કેમ ના હોય.

બધું પોતાની રીતે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું હતું પણ કુદરત ને કંઈક અલગ જ મંજુર હતું.. એક એવી ઘટના પાતાળલોકમાં બની જેને રુદ્ર ની સાથે અન્ય નિમ લોકોનાં જીવનમાં પાયાનો ફેરફાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.

એક દિવસ બન્યું એવું કે પાતાળલોકમાં રાતનો સમય તો વીતી ગયો પણ સવાર ના થઈ.. પૃથ્વીલોક નાં રાજાઓએ સૂર્ય નો અજવાસ આવતો રોકી પાતાળલોકમાં જે અરાજકતા ફેલાવી હતી એનાં ઉપાય તરીકે ગુરુ ગેબીનાથે માં ભૈરવીનાં મંદિર નાં શિખર પર એક સૂર્ય ની જેમ વર્તતો સૂર્યદંડ સ્થાપિત કર્યો હતો. જેનાં કારણે પાતાળલોકમાં પૃથ્વીની જેમજ દિન-રાત નો નિરંતર ક્રમ છેલ્લાં સત્તરેક વર્ષોથી ચાલુ હતો.

પણ આમ અચાનક રાત પછી દિવસ ના થવાંની વિચિત્ર ઘટનાએ પાતાળમાં વસતાં નિમ લોકોનાં હૈયામાં બહુ મોટી ફાળ પાડી મુકી હતી. !!

★★★

વધુ નવાં અધ્યાયમાં.

પાતાળલોકમાં દિવસ ના થવાની ઘટના પાછળનું રહસ્ય શુ હતું...? રુદ્ર નિમ લોકો પર આવેલી આ સમસ્યા નું નિવારણ કરી શકશે..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED