રુદ્ર ની પ્રેમકહાની
અધ્યાય - 12
પોતાનાં પુત્રમાં યોગ્ય સંસ્કારો નું સિંચન થાય એ હેતુથી નિર્વા અને દેવદત્ત રુદ્ર ને ગેબીનાથ નાં આશ્રમમાં મૂકી આવ્યાં.. રુદ્ર નાં આગમનથી પરેશાન આશ્રમમાં વસતાં બે નિમ બાળકો શતાયુ અને ઈશાન રુદ્ર ત્યાંથી ચાલ્યો જાય એ હેતુથી રારા નામનાં એક ભયાનક અજગરથી ડરાવી એને ત્યાંથી ભગાવવાની યોજના બનાવે છે જે ગુરુ ગેબીનાથ સાંભળી જાય છે.. આમ છતાં ગેબીનાથ શતાયુ અને ઈશાનની સાથે જ રુદ્ર ને જંગલમાં મોકલે છે.. રુદ્ર ગુફામાં તો જાય છે પણ ત્યાં એવાં સંજોગો નિર્માણ પામે છે કે રારા નું હૃદય પરિવર્તન થઈ જાય છે. આશ્રમમાં પહોંચતાં જ રુદ્ર શતાયુ અને ઈશાનને જણાવે છે કે એ બંને એ જાણીજોઈને પોતાને ગુફામાં મોકલ્યો એની પોતાને ખબર છે.
રુદ્ર તરફથી જ્યારે એવું કથન કરવામાં આવ્યું કે શતાયુ અને ઈશાન દ્વારા જાણીજોઈને પોતાને રારા ની ગુફામાં મોકલવામાં આવ્યો હતો ત્યારે એ બંને ની હાલત તો કાપો તો પણ લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી.. એ બંને પોતાનાં આ કૃત્ય ની રુદ્ર જોડે માફી માંગવા જ જતાં જતાં પણ ગુરુ ગેબીનાથ ને સામેથી આવતાં જોઈને એમની મનની વાત મનમાં જ રહી ગઈ.
"આવી ગયાં તમે..? "રુદ્ર, શતાયુ અને ઈશાન ની નજીક પહોંચતાં જ મૃદુ સ્મિત સાથે ગેબીનાથે કહ્યું.
સૌપ્રથમ એ ત્રણેયે ગુરુજીનાં ચરણ સ્પર્શ કરી એમનાં આશીર્વાદ મેળવ્યાં અને એ ત્રણેય વતી શતાયુ એ ગુરુજીનાં પ્રશ્નનો હકારમાં ઉત્તર આપતાં કહ્યું.
"હા, ગુરુવર.. તમે કહ્યાં મુજબ અમે ફૂલો અને ફળ વીણી લાવ્યાં છીએ અને સાથે-સાથે અમુક ઔષધિઓ અને મધ પણ લેતાં આવ્યાં છીએ. "
"શતાયુ તું અને ઈશાન જઈને એ બધું એનાં યોગ્ય સ્થાને રાખી દો.. ત્યાં સુધી હું રુદ્ર ને એની પ્રથમ અરણ્ય યાત્રા વિશે અમુક સવાલો કરી લઉં.. "શતાયુ અને ઈશાન ને ઉદ્દેશતાં ગેબીનાથે કહ્યું.
ગુરુજીની વાત સાંભળતાં જ એ બંને ની આંખો ચકળવકળ થઈ ગઈ.. રુદ્ર નક્કી એ બંનેની કરતૂત વિશે જણાવી દેશે એમ વિચારી શતાયુ અને ઈશાન નાં તો મોતીયા જ મરી ગયાં.. ગુરુજી નો આદેશ માથે ચડાવી એ બંનેએ ત્યાંથી પ્રસ્થાન તો કર્યું પણ આવતી ક્ષણો માં શું બનશે એ અંગે વિચારી એમનું હૃદય બમણી ગતિમાં ધબકવા લાગ્યું.
એમનાં જતાં જ ગુરુ ગેબીનાથે રુદ્ર ને પૂછ્યું.
"તો રુદ્ર કેવી રહી તારી જંગલની પ્રથમ સફર. ? "
"ગુરુવર.. મને તો ખૂબ મજા આવી.. મારો જંગલમાં જવાનો આ પ્રથમ અનુભવ હતો છતાં શતાયુ અને ઈશાનનાં કારણે મને થોડી પણ તકલીફ ના પડી.. "ગુરુ ગેબીનાથ ની ગણતરી થી વિપરીત જવાબ આપતાં રુદ્ર બોલ્યો.
ગેબીનાથ નું જ્ઞાન અને સમજશક્તિ એમને સાફ-સાફ કહી રહી હતી કે રુદ્ર અસત્ય બોલી રહ્યો છે.. એટલે એમને રુદ્રની તરફ જોઈ ધીરેથી કહ્યું.
"રુદ્ર, મને ખબર છે કે શતાયુ અને ઈશાન કેવી મંછા સાથે તારી સાથે જંગલમાં આવ્યાં હતાં.. અને હું એ પણ જાણું છું કે એ બંને એ તને રારા ની ગુફામાં મોકલ્યો હશે..? "
ગુરુ ગેબીનાથ આ બધું કઈ રીતે જાણતાં હતાં એ અંગે રુદ્ર ને આશ્ચર્ય થયું.. એને આ સાંભળતાં જ ગેબીનાથ ને કહ્યું.
"ગુરુજી તમને આ બધું કઈ રીતે જ્ઞાત છે..? "
રુદ્ર નાં આ સવાલનાં જવાબમાં ગેબીનાથે ગતરાતે પોતે શતાયુ અને ઈશાન વચ્ચે થયેલી વાતચીતને સાંભળી જવાની વાત જણાવી.. જે સાંભળી રુદ્ર નું આશ્ચર્ય એ વિચારી બેવડાયું કે આ બધું જાણતાં હોવાં છતાં ગુરુજી એ જાણીજોઈને ઈશાન અને શતાયુ સાથે જ પોતાને કેમ મોકલ્યો.. હજુ રુદ્ર એ અંગે કોઈ સવાલ કરે એ પહેલાં ગુરુ ગેબીનાથે રુદ્ર તરફ જોઈને કહ્યું.
"પુત્ર, તું એવું વિચારે છે ને કે આ બધું જાણતો હોવાં છતાં મેં તને કેમ એ બંને ની સાથે જંગલમાં મોકલ્યો.. "
પોતાની વાત નાં પ્રતિભાવમાં રુદ્ર એ હકારમાં ગરદન ઉપર-નીચે કરી એટલે ગુરુ ગેબીનાથે કહ્યું.
"જો એ પાછળ બે કારણ મુખ્ય હતાં.. પ્રથમ કારણ હતું કે હું જોવાં માંગતો હતો કે જેની ઉપર આ પાતાળલોકનું ભાવિ નિર્ધારિત થવાનું છે એ કેટલો સક્ષમ છે આગળ આવનારી મુસીબતો માટે.. અને બીજું કારણ હતું તારી ઉપર રહેલો મારો વિશ્વાસ.. જ્યારે મેં તારું નામકરણ કર્યું ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે તું કોઈ સામાન્ય બાળક નથી.. "
"રુદ્ર, સોનાં ને જો યોગ્ય આકારમાં પરિવર્તિત થવું હોય તો આગમાં તપવું પડે છે.. માટીમાંથી નિર્માણ પામતાં પાત્રો પણ કુંભાર નાં ચાકડે ઘડાયાં બાદ આગમાં શેકાય છે ત્યારે જ યોગ્ય રૂપમાં ઘડતર પામે છે.. તારાં માતા-પિતાની ઈચ્છા હતી કે એમનો દીકરો આગળ જતાં અહીં વસતાં લાખો લોકોની જીંદગી ને સુખદાયી બનાવે એ હેતુથી એનું પૂર્ણતઃ જીવન ઘડતર અત્યારથી જ થવું જોઈએ.. તને મારી છત્રછાયા માં આશ્રમમાં મૂકી જવાનું એક કારણ એ પણ છે.. મેં જેવી શતાયુ અને ઈશાન ની યોજના સાંભળી એ સાથે મેં નક્કી કરી લીધું હતું કે તારી સાચી પરીક્ષા રારા ની ગુફામાં જ લેવાશે. "
ગુરુ ગેબીનાથની વાત સાંભળતાં જ રુદ્ર એ પ્રસન્ન ચહેરે ગુરુજીની તરફ જોઈને કહ્યું.
"તમે મને પોતાનો શિષ્ય બનાવીને મારી ઉપર ઉપકાર કર્યો છે ગુરુવર.. આપની છત્રછાયા માં મારું સંપૂર્ણ જીવન ઘડતર થઈ જશે એનો મને વિશ્વાસ છે. "
"તો હવે એ જણાવીશ કે રારા નામનાં એ મહાકાય અજગરની ગુફામાં શું થયું હતું..? "રુદ્ર ભણી જોઈ ગેબીનાથે સવાલ કર્યો.
ગુરુ ગેબીનાથ નાં સવાલનાં જવાબમાં રુદ્રએ ગુફામાં જે કંઈપણ બન્યું એ વિશે શબ્દશઃ જણાવ્યું.. આ સાંભળી ગુરુ ગેબીનાથે ખુશ થઈને રુદ્ર ને ગળે લગાવીને ગર્વ સાથે કહ્યું.
"રુદ્ર, આગળ જતાં તું નક્કી આ પીડાતાં અને દુઃખમાં જીવતાં નિમ લોકોનો અવશ્ય ઉદ્ધાર કરીશ.. "
"ગુરુજી.. મારી એક વિનંતી છે એ તમે માનશો..? "રુદ્ર એ આજીજીભર્યા સુરમાં ગેબીનાથને ઉદ્દેશીને કહ્યું.
"અવશ્ય.. "ગુરુજીએ કહ્યું.
"તમે શતાયુ અને ઈશાન ને કોઈ જાતની શિક્ષા ના કરતાં કે એમને આ વિષયમાં કંઈ જણાવતાં નહીં.. એ બંને એ જે કર્યું એ બદલ એમનાં મનમાં દુઃખ અને પસ્તાવો બંને છે અને જો કોઈને પોતાનાં કરેલાં કાર્ય નો પસ્તાવો થાય તો એથી મોટી સજા બીજી શું હોય.. "શાલીનતા સાથે રુદ્ર બોલ્યો.
"ઉત્તમ.. અતિ ઉત્તમ વિચાર.. સાચેમાં રાજકુમાર તમને શીખવાડતાં હું સ્વંય ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરીશ એ નક્કી છે.. હું શતાયુ કે ઈશાન ને આ વિષયમાં કંઈપણ નહીં કહું એનું વચન આપું છું.. "ગુરુ ગેબીનાથ રુદ્ર ની વાત સાંભળી બોલ્યાં.
"આભાર.. ગુરુવર, તો હવે હું અહીંથી જવાની રજા લઉં.. જેથી પાકશાળા માં જઈને ભીમા કાકા ની મદદ કરી શકું. "રુદ્ર શીશ ઝુકાવી બોલ્યો.
"અવશ્ય.. "રુદ્ર નાં માથે હાથ મૂકી ગુરુ ગેબીનાથે કહ્યું.
ગુરુજીની સહમતી મળતાં જ રુદ્ર ચાલી નીકળ્યો પાકશાળા ની તરફ જ્યાં આશ્રમમાં રહીને ગુરુ ગેબીનાથ ની સહાયતા કરતો ભીમા ભોજન બનાવી રહ્યો હતો. !
******
ગુરુ ગેબીનાથ દ્વારા પોતાને કોઈ જાતની શિક્ષા ના મળતાં કે પછી એમને રુદ્ર જોડે જે કંઈપણ કર્યું એ વિષયમાં કોઈ ચર્ચા ના કરતાં શતાયુ અને ઈશાન એટલું તો સમજી ગયાં હતાં કે રુદ્રએ એ બંને ની કોઈ ફરિયાદ ગુરુજીને નથી કરી.. આ વાતનાં લીધે એ બંનેનાં મનમાં રુદ્ર તરફની જે ઈર્ષા હતી એ દૂર થઈ ચૂકી હતી.
શતાયુ અને ઈશાને રુદ્ર ની પોતે કરેલાં કૃત્ય બદલ માફી માંગી અને સાથે-સાથે એ બંને એ પોતાનાં આ કરેલાં કાર્ય નો પસ્તાવો હોવાની વાત પણ રુદ્ર ને કરી.. જેનાં પ્રતિભાવમાં રુદ્ર એ કહ્યું કે પોતે એ બંને ને માફ ત્યારે જ કરશે જ્યારે એ બંને રુદ્ર સાથે આજીવન મિત્રતા નિભાવવાનું વચન આપશે.
રુદ્ર નાં આમ બોલતાં જ શતાયુ અને ઈશાન રડી પડ્યાં અને રુદ્ર ને ગળે લગાવી એ બંને એ રડમસ સ્વરે કહ્યું કે આજથી રુદ્ર એમનો રાજકુમાર નહીં પણ રાજા છે અને પોતે એક સેવક, એક મિત્ર, એક દાસ બધું જ બની જીવનનાં છેલ્લાં શ્વાસ સુધી રુદ્રનો સાથ આપશે.
આ સાથે જ એક એવી અતૂટ મિત્રતા ની શરૂવાત થઈ ગઈ જેનું ઉદાહરણ સદીઓ સુધી પાતાળલોકની સાથે પૃથ્વીલોક અને સર્વગલોકમાં પણ બધા ભવિષ્યમાં વર્ષો સુધી આપવાનાં હતાં. સમય ની સાથે રુદ્ર હવે આશ્રમમાં વસતાં સૌનો લાડકવાયો બની ગયો હતો.. એ પાછળનું કારણ એવું નહોતું કે એ પાતાળલોકનો રાજકુમાર છે.. પણ એ પાછળ રહેલ હતાં રુદ્ર નાં સંસ્કારો, દરેક ને એકસમાન સમજવાની વિચારધારા, દરેક ની મદદ માટે મનમાં રહેલી તત્પરતા અને એક રાજકુમાર હોવાં છતાં પોતાને અન્ય નિમ બાળકોની માફક ફક્ત ગુરુ ગેબીનાથ નો શિષ્ય કહેવું.
આમને આમ બીજાં સાત વર્ષો વીતી ગયાં.. આ સાત વર્ષોમાં ગુરુ ગેબીનાથની છત્રછાયામાં રહીને રુદ્ર ને વેદો, પુરાણો, ઉપનિષદો બધાં નું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું.. આમ છતાં દરેક દિવસે કંઈક નવું શીખવાની રુદ્ર ની જિજ્ઞાસા જોઈ ગુરુ ગેબીનાથ ને ઘણો આનંદ થતો.. કેમકે એમનું માનવું હતું કે કોઈપણ સજીવ ગમે એટલું શીખી લે છતાં સંસારમાં જે જ્ઞાન રૂપી સાગર છે એનું તો એ બુંદ માત્ર જ હોય છે.. માટે નવું જાણવાની અને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખ શાંત ના થવી જોઈએ.
રાજા દેવદત્ત અને મહારાણી નિર્વા નિયત સમયગાળામાં આશ્રમમાં આવી રુદ્રની મુલાકાત લેતાં ત્યારે રુદ્ર ની અંદર જે પરિપક્વતા આવી ગઈ હતી એ જોઈ એમનું હૈયું હરખાઈ જતું.. ઉમા પણ પોતાનાં ભાઈનું જે રીતે ઘડતર થઈ રહ્યું હતું એ જોઈ મનોમન પોતાનાં આરાધ્ય દેવ એવાં દેવાધિદેવ મહાદેવ નો આભાર માનતી.
રુદ્ર બાર વર્ષનો થઈ ચૂક્યો હતો એટલે હવે પોતે અન્ય નિમ બાળકોને જે જ્ઞાન સોળ વર્ષની આયુ પછી આપતાં એ જ્ઞાન એટલે કે યુદ્ધકળા ચાર વર્ષ પહેલાં આપવાનું મન ગુરુ ગેબીનાથ બનાવી ચુક્યાં હતાં. આ પાછળનો એમનો સ્પષ્ટ આશય હતો કે એ રુદ્ર ને ફક્ત યોદ્ધા બનાવવાં નહોતાં ઈચ્છતાં પણ રુદ્ર આગળ જતાં પરમવીર અને મહાયોદ્ધા બને એવી એમની મહેચ્છા હતી.. અને આ મહેચ્છા ને પુરી કરવાં રુદ્ર ને નાની ઉંમરથી જ યુદ્ધકળા અને યુદ્ધનીતિમાં નિપુણ બનાવવો આવશ્યક હતો.
આ કારણોસર ગુરુ ગેબીનાથે યુદ્ધકળા, શસ્ત્ર વિદ્યા અને યુદ્ધનીતિ માટે પોતાનાં અન્ય શિષ્યો ની સાથે રુદ્ર ને પણ તૈયાર કરવાનું નક્કી કરી લીધું.. અને આની શરૂવાત કરવાં ગુરુ ગેબીનાથે શતાયુ, ઈશાન, રુદ્ર અને અન્ય પાંચ શિષ્યો ને આશ્રમની જોડે આવેલાં એક મેદાનમાં એકઠાં કર્યાં.
"આપ સૌ ને અહીં એટલાં માટે એકઠાં કર્યાં છે કે હવે તમારો યુદ્ધ મેદાનમાં આગળ જતાં મહારથ પ્રાપ્ત કરવાં જે કંઈપણ તૈયારી કરવાની છે એનો સમય આવી ચુક્યો છે.. "ગુરુ ગેબીનાથે પોતાનાં શિષ્યોને ઉદ્દેશતાં કહ્યું.
ગુરુ ગેબીનાથ ની વાત સાંભળી ત્યાં હાજર દરેક શિષ્યગણ નાં મનમાં રોમાંચ પ્રસરી ગયો.. આશ્રમમાં રહીને વેદો-પુરાણો નું જ્ઞાન પ્રાપ્ત કરી લીધાં બાદ કંઈક નવું શીખવા ની જિજ્ઞાસા એ એમનાં રોમરોમમાં એક નવો જ રોમાંચ પાથરી દીધો હતો.. પોતાની યુદ્ધકળાની શિક્ષામાં પ્રથમ દિવસે ગુરુ ગેબીનાથ શું કરવાં માટે કહેવાનાં હતાં એ જાણવાની બેતાબી દરેકનાં મનમાં હતી.
"તો આજે તમારાં યુદ્ધ અભ્યાસ નો પ્રારંભ કરીશું ઘોડેસવારીથી.. "આટલું કહી ગુરુ ગેબીનાથે આંખો બંધ કરી કોઈ મંત્રનું સ્મરણ કર્યું એ સાથે જ શ્વેત રંગનો એક ઘોડો ત્યાં પ્રગટ થયો.
"આ અશ્વ મને મારાં જન્મદાતા અને મારાં ગુરુ પરશુરામ ભગવાને આપ્યો હતો.. આ અશ્વનું નામ છે મેઘદૂત.. "ત્યાં જે અશ્વ પ્રગટ થયો હતો એનો પરિચય આપતાં ગુરુ ગેબીનાથે કહ્યું.
★★★
વધુ નવાં અધ્યાયમાં.
મેઘદૂત ને લઈને ગુરુ ગેબીનાથ પોતાનાં શિષ્યોને શું કાર્ય કરવાનો આદેશ આપવાનાં હતાં....? રુદ્ર જોડે આગળ જતાં કેવાં નવાં પ્રશ્નો આવશે..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન
The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન. આર. પટેલ (શિવાય)
***