Movie Review - Housefull 4 books and stories free download online pdf in Gujarati

મુવી રિવ્યુ – હાઉસફુલ 4

જ્યારે પાછલો જન્મ આ જન્મને હેરાન કરે...

હાઉસફુલ ફ્રેન્ચાઈઝ ભારતની બે સહુથી સફળ ફ્રેન્ચાઈઝમાંથી એક છે. નવાઈની વાત એ છે કે બીજી સહુથી સફળતમ ફ્રેન્ચાઈઝ પણ કોમેડી ફિલ્મોની જ છે જેને આપણે ગોલમાલ ફ્રેન્ચાઈઝ તરીકે ઓળખીએ છીએ. નવાઈની વાત એ પણ છે કે આ પ્રકારની મગજ વગરની કોમેડી ફિલ્મોને વખોડનારા સ્માર્ટ વ્યક્તિઓ પણ આપણે ત્યાં મોટી સંખ્યામાં જોવા મળે છે તેમ છતાં આ બંને ફ્રેન્ચાઈઝ ખૂબ લોકપ્રિય છે.

મુવી રિવ્યુ – હાઉસફુલ 4

કલાકારો: અક્ષય કુમાર, રીતેશ દેશમુખ, બોબી દેઓલ, ક્રિતી સેનન, પૂજા હેગડે, ક્રિતી ખરબંદા, ચંકી પાંડે, રણજીત, જ્હોની લિવર, શરદ કેળકર, નવાઝુદ્દીન સિદ્દીકી (સ્પેશિયલ અપેરીયન્સ) અને રાણા દગ્ગુબાટી

નિર્માતાઓ: ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ અને નડીયાદવાલા ગ્રેંડસન એન્ટરટેઈનમેન્ટ

નિર્દેશક: ફરહાદ શામજી

રન ટાઈમ: ૧૪૫ મિનીટ

કથાનક

હેરી (અક્ષય કુમાર), રોય (રીતેશ દેશમુખ) અને મેક્સ (બોબી દેઓલ) ત્રણેય ભાઈઓ છે અને લંડનમાં હેર કટિંગ સલૂન ચલાવે છે. હેરીને એક બીમારી છે. તેની સામે જ્યારે પણ મોટો અવાજ થાય છે ત્યારે તે અમુક સેકન્ડ માટે બધું ભૂલી જાય છે. આ ત્રણેયે માઈકલ ભાઈના એક મિલિયન પાઉન્ડ ક્યાંક ખોઈ નાખ્યા હોય છે. હવે આ રકમ ભેગી કરવા માટે તેમણે લંડનના સહુથી શ્રીમંત વ્યક્તિ ઠકરાલ (રણજીત) ની ત્રણ પુત્રીઓ ક્રિતી (ક્રિતી સેનન), પૂજા (પૂજા હેગડે) અને નેહા (ક્રિતી ખરબંદા)ને પટાવવી પડે એમ છે જેમાં તેઓ સફળ પણ થાય છે.

હેરીને વારંવાર સપનાઓ આવે છે જેમાં રાજા-મહારાજાઓનો સમય તેને જોવા મળે છે પરંતુ તેને ખબર નથી પડતી હોતી કે તેને આ સપનાઓ કેમ આવતા હોય છે. એક ‘અઘરી પરીક્ષા’ પસાર કરીને આ ત્રણેય ભાઈઓ ઠકરાલનું દિલ જીતી લે છે અને ઠકરાલ અને તેમની પુત્રીઓ ભારતમાં આવેલા સિતમગઢ ખાતે ડેસ્ટીનેશન વેડિંગ ગોઠવવાનું પ્લાનિંગ કરે છે.

જેવા આ તમામ સિતમગઢના પેલેસમાં પહોંચે છે કે અહીં તેમને આખરી પાસ્તા (ચંકી પાંડે) મળે છે જે આ તમામને ઓળખી જાય છે અને તેમને કહે છે કે લગભગ છસ્સો વર્ષ પહેલા આ બધા બે રાજપરિવારના સભ્યો હતા. બધા આ વાતથી નવાઈ પામે છે પરંતુ હેરીને આ મહેલમાં એક પછી એક બધીજ ઘટનાઓ યાદ આવવા લાગે છે જે ગયા તેના ગયા જન્મ સાથે સંકળાયેલી છે. હવે હેરી સમક્ષ બે તકલીફ ઉભી છે એક તો એ કે પૂર્વ જન્મમાં જે જોડી બની હતી તે આ જન્મમાં સાવ બદલાઈ ગઈ છે અને બીજી તકલીફ કે આ પ્રકારે અહીં હાજર તમામનો એક પૂર્વ જન્મ પણ હતો એવું તે પોતાના ભાઈઓ તેમજ ઠકરાલ અને તેની પુત્રીઓને કેવી રીતે સમજાવે!

રિવ્યુ

જ્યારે એક સફળ ફ્રેન્ચાઈઝને તમે આગળ વધારતા હોવ ત્યારે લોકોની એ ફિલ્મ પ્રત્યેની અપેક્ષા વધી જતી હોય છે. હાઉસફુલ 4 એ તેની આગળના ત્રણ સંસ્કરણ કરતા સહેજ નબળી જરૂર પડે છે પરંતુ મનોરંજનની ઓછપ તમને ક્યાંય નથી લાગતી. અમુક જગ્યાએ એવું લાગે કે અહીં આપણને પરાણે હસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ઉદાહરણ તરીકે જ્હોની લિવરને જ્યારે પોતાનો આગલો જન્મ યાદ આવે છે ત્યાર પછીની તેની સિક્વન્સ. પરંતુ તેમ છતાં ફિલ્મમાં દર બીજી કે ત્રીજી મીનીટે હાસ્ય જરૂર જન્મે છે.

હાઉસફૂલ 4ને બાહુબલી ટાઈપ ભવ્યતા અપાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. બાહુબલીમાં પણ અમુક જગ્યાએ થોડા નબળા ગ્રાફિક્સ પકડાઈ જતા હતા જ્યારે અહીં જે રીતે સિતમગઢની ભવ્યતા દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે તે પહેલી, બીજી અને બધીજ નજરે ફેક દેખાય જ છે. તેમ છતાં તે ફિલ્મના ફ્લોને કોઈજ અસર નથી કરતું તે રાહતની વાત છે.

પુનર્જન્મની વાર્તાઓ ઘણીવખત ગેરમાર્ગે દોરાઈ જતી હોય છે, પરંતુ આ એક માઈન્ડલેસ કોમેડી હોવા છતાં અહીં પુનર્જન્મને લોજીકલી ન્યાય આપવામાં આવ્યો છે ખાસકરીને ફિલ્મનો અંત આ લોજીક આપણા ગળે ઉતારી શકવામાં સફળ થાય છે.

આ ફ્રેન્ચાઈઝની ગત ફિલ્મોમાં વાર્તાનું તત્વ નહીવત અથવાતો બહુ ઓછું હતું. આ વખતે એક પ્રોપર પ્લોટ બનાવીને ફિલ્મને રજુ કરવામાં આવી છે અને તમામ મુખ્ય પાત્રોને સરખું વજન મળ્યું છે સિવાયકે હિરોઇન્સ. અક્ષય કુમારની હિરોઈન હોવાને નાતે ક્રિતી સેનનને વધુ એક્સપોઝર મળ્યું છે જ્યારે બાકીની બે હિરોઇન્સ ખાનાપૂર્તિ કરતી જોવા મળે છે, જો કે એમાં તેમનો પણ વાંક નથી.

હાઉસફૂલ સિરીઝમાં જે રીતે જોવા મળે છે તેમ આ વખતે ત્રણ મિત્રોમાં ત્રીજો મિત્ર બદલાયો છે અને એ જવાબદારી બોબી દેઓલને મળી છે. આમ પણ બોબી દેઓલ તેની અદાકારી માટે ખાસ જાણીતો નથી પરંતુ તેમ છતાં તેને જ્યાં જ્યાં મોકો મળ્યો છે ત્યાં ત્યાં તે જરૂરી કામ કરી જાય છે. રીતેશ દેશમુખ તો જાણેકે હાઉસફૂલ સિરીઝ કે આ પ્રકારની કોમિક ફિલ્મો માટે જ બન્યો છે એટલે એનું કામ એઝ યુઝવલ ટોપ ક્લાસ છે અને તે અક્ષય કુમારને બરોબર સપોર્ટ પણ કરે છે.

સહયોગી પાત્રોમાં રણજીતનો રોલ સહુથી લાંબો છે અને તે હાઉસફૂલ સિરીઝમાં મેન્ડેટરી થઇ ગયેલું તેનું “એય...” વારેવારે બોલીને મજા કરાવે છે. ચંકી પાંડે આખરી પાસ્તા તરીકે સ્ટીરિયોટાઇપ થઇ ગયો છે એટલે વિવિધતાનો અભાવ છે. જ્હોની લિવર જેમ અગાઉ કહ્યું તેમ તેને તેના પુનર્જન્મની યાદ આવ્યા પછીના રોલમાં થોડો અણગમો ઉભો કરે છે કારણકે તે પ્રકારનું પાત્ર મારીમચડીને ઉભું કરવામાં આવ્યું હોય એવું લાગે છે અને તેની કોમેડી પણ ચીપ લાગે છે.

રાણા દગ્ગુબાટી જેટલો ગામાના રોલમાં ઈમ્પ્રેસ કરે છે તેટલો... રહેવા દઈએ સ્પોઈલર નથી કહેવું. તો બીજી તરફ એક નાનકડા પરંતુ અતિશય મહત્ત્વના રોલમાં શરદ કેળકર સહુથી વધુ ઈમ્પ્રેસ કરી જાય છે. શરદ કેળકરનો લૂક તેના પુનર્જન્મમાં વધુ માભો પાડતો જોવા મળે છે.

હાઉસફૂલ સિરીઝ બની છે જ અક્ષય કુમાર માટે અને તે એક પછી એક ફિલ્મો પછી તે કોમેડી હોય કે નહીં પોતાની અદાકારીનું સ્તર ઊંચું લઇ જતો જોવા મળે છે. જો કે અહીં તેણે કોમેડી માટે પોતાની ટીપીકલ સ્ટાઈલનો જ ઉપયોગ કર્યો છે પરંતુ હાઉસફૂલ ફ્રેન્ચાઈઝની ફિલ્મ હોય અને અક્ષય કુમારને જોવાની અને તેના અદાકારીના નખરાં જોતા જોતા ફિલ્મ માણવાની મજા ન આવે એવું બને જ નહીં!

નિર્દેશક ફરહાદ શામજીની એક ખાસ ક્વોલીટી છે એમના સંવાદો. આ ફિલ્મમાં પણ આ જમાનાના લોકપ્રિય ગીતોને લગભગ છસ્સો વર્ષ પહેલાના લોકો બોલતા હોય અને પછી એમ કહે કે “આ શબ્દોને તો સંગીતમાં પરોવવા જોઈએ” તે આ ફિલ્મમાં થોડુંક નાવીન્ય લાવે છે. આ ઉપરાંત મુરબ્બી અદાકાર પરીક્ષિત સહાની પોતાના સમયમાં જે રીતે ડાયલોગ બોલતા તેને અહીં તેમની પાસે અને અક્ષય કુમાર પાસે બોલાવડાવીને પણ ઘણી મજા કરાવી છે. તો, બાહુબલીના ટાઈટલ સોંગની પેરોડી ખૂબ હસાવે છે.

જ્યારે માઈન્ડલેસ કોમેડીની વાત કરતા હોઈએ ત્યારે તેમાં લોજીક કે પછી વાર્તાની ખામીઓ જોવા ન જવાય. જો કે અહીં તો વાર્તા પણ છે તેમ છતાં અમુક જગ્યાએ જ્યાં અગાઉ આપણે ચર્ચા કરી તેમ પરાણે હસાવવાનો જ્યાં પ્રયાસ કરવામાં આવ્યો છે તેને જો છોડી દઈએ તો આ દિવાળીમાં હાઉસફૂલ 4 તહેવારોનો તમારો આનંદ બેવડાવી શકવા માટે સમર્થ છે.

૨૬ ઓક્ટોબર, શનિવાર (કાળી ચૌદશ)

અમદાવાદ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED