મુવી રિવ્યુ – મેઈડ ઇન ચાઈના Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુવી રિવ્યુ – મેઈડ ઇન ચાઈના

ખાધું પીધું અને કન્ફયુઝ કર્યું

ટ્રેલર રિલીઝ થયું એ સમયે મેઈડ ઇન ચાઈના ફિલ્મને એડલ્ટ કોમેડી તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ જ્યારે ફિલ્મ જોઈએ ત્યારે તેમાં છેવટે મુખ્ય ભાર ભારતમાં યોગ્ય સેક્સ એજ્યુકેશનની કમી હોવા પર મુકવામાં આવ્યો હોય એવું લાગે છે. પરંતુ આ બધું સમજાવવામાં ક્યાંક ફિલ્મ જે ઘટનાથી શરુ થાય છે તેને કોરાણે મૂકી દેવામાં આવી હોવાનું સ્પષ્ટ લાગે છે.

કલાકારો: રાજકુમાર રાવ, બમન ઈરાની, મૌની રોય, સંજય ગોરડીયા, અમ્યારા દસ્તુર, સુમિત વ્યાસ, મનોજ જોશી, ગજરાજ રાવ અને પરેશ રાવલ

નિર્માતાઓ: દિનેશ વિજન અને શારદા કર્કી જલોટા

નિર્દેશક: મીખીલ મુસળે

રન ટાઈમ: ૧૨૮ મિનીટ

કથાનક

અમદાવાદમાં ઇન્ડો-ચાઈના કોન્ફરન્સ દરમ્યાન ચાઇનીઝ જનરલનું અપમૃત્યુ થાય છે. CBI આ કેસની તપાસ હાથમાં લે છે અને તેને ખ્યાલ આવે છે કે ટાઈગર સૂપ જે વાજીકરણ અંગેનું કોઈ ટોનિક છે તેને પીવાથી જનરલનું મૃત્યુ થયું છે. CBI આ સૂપના ઉત્પાદકો એટલેકે રઘુવીર મહેતા (રાજકુમાર રાવ) અને ડૉ. પુરષોત્તમ વર્ધી (બમન ઈરાની) સુધી પહોંચે છે અને તેમની ઉલટતપાસ શરુ કરે છે. આ ઉલટતપાસ દરમ્યાન રઘુવીર અને ડૉ. વર્ધી આ સૂપ બનાવવાનો આઈડિયા તેમને ક્યાંથી આવ્યો અને તે ખરેખર એક નિર્દોષ ટોનિક છે એ CBIના અધિકારીઓને સમજાવવાની કોશિશ કરે છે.

આ કથા દરમ્યાન રઘુવીર કેવી રીતે પોતે ચાઈના ગયો અને ત્યાંથી આ સૂપ બનાવવાની રીત સમજી આવ્યો અને પછી તેણે કેવી રીતે માર્કેટિંગ ગુરુ તન્મય શાહ (પરેશ રાવલ) ના માર્ગદર્શન હેઠળ ડૉ. વર્ધીને પોતાની સાથે જોડ્યા અને ત્યારબાદ તેને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે સમગ્ર વાત પણ કહે છે. પરંતુ CBIના અધિકારીઓ રઘુવીર તેમજ ડૉ વર્ધીના નિવેદનોથી સંતોષ પામતા નથી. છેવટે ભારત અને ચાઇનીઝ સરકાર એક સંયુક્ત ઇન્ક્વાયરી કમીશન બેસાડે છે જેમાં રઘુવીર અને ડૉ વર્ધી પોતાનો કેસ રજુ કરવા માટે હાજર થાય છે.

રિવ્યુ

ફિલ્મ દર્શકને પોતાની સાથે જોડે તો છે કારણકે ફિલ્મની ટ્રીટમેન્ટ હળવી છે, પરંતુ તેની વાર્તામાં ઊંડાણનો સદંતર અભાવ છે. એટલે રાજકુમાર રાવ અને બમન ઈરાની સિવાય બીજું બધું જ ઉભડક લાગે છે. ફિલ્મની કથા કોઈ એક વિષય પર ટકી શકતી નથી આ પણ તેનો સહુથી મોટો માઈનસ પોઈન્ટ છે. શરૂઆત ચીની જનરલના અપમૃત્યુથી શરુ થાય છે પછી તે ટાઈગર સૂપના આઈડિયાથી માંડીને તેના માર્કેટિંગ સુધી જાય છે અને પછી અચાનક જ છેલ્લે ભારતમાં સેક્સ એજ્યુકેશનની ઉણપ પર આવીને પૂરી થાય છે.

આમ વાર્તા ન ઘરની કે ન ઘાટની રહે છે. જો વાર્તા રઘુવીર મહેતાની અસંખ્ય નિષ્ફળતાઓ પછી તેની મહેનત અને લગન તેમજ હાથમાં લીધેલું કામ પડતું ન મુકવાના ઝનૂન પૂરતી જ મર્યાદિત રાખી હોત તો પણ સમજાય તેમ હતું. પરંતુ છેવટે જ્યારે સંયુક્ત ઇન્ક્વાયરી પેનલ સામે ટાઈગર સૂપ પાછળનું રહસ્ય છતું થાય છે ત્યારે દર્શકોને છેતરાઈ ગયા હોવાની લાગણી અથવાતો “આ તો અમને ખબર જ હતી” એવું તેને ફિલ થાય છે.

આટલું ઓછું હોય તેમ પોતાના સૂપની યોગ્યતા ઠેરવવા માટે ભારતમાં સેક્સ વિષે લોકો ખુલીને ચર્ચા નથી કરતા એના પર ઓળીયો ઘોળીયો નાખી દેવામાં આવ્યો છે અને મૂળ વાત એ કે શરૂઆતમાં ચીની જનરલનું સૂપ પીધા પછી જે અપમૃત્યુ થાય છે એનું પછી શું થયું તે તો જણાવવામાં જ આવ્યું નથી! તો પછી બે કલાક અને આઠ મિનીટ સુધી ચાલેલો આ બધો હોબાળો શેના માટે? નિર્દેશક મીખીલ મુસળેની ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુમાં પણ અંત આ રીતે જ કાચોપાકો પીરસીને દર્શકના ગળામાં પરાણે ઉતારી દેવાની કોશિશ કરવામાં આવી હતી એ કદાચ સંયોગ માત્ર હોઈ શકે.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ફિલ્મની લાજ માત્રને માત્ર રાજકુમાર રાવ અને બમન ઈરાની તેમજ થોડેક અંશે પરેશ રાવલે રાખી છે. રાજકુમાર રાવ આ પ્રકારના રોલમાં કાયમ ફિટ બેસે છે અને તે હવે આવા ભલાભોળા, મધ્યમવર્ગીય, સંઘર્ષ કરતા પુરુષ તરીકે દર્શકોના દિમાગમાં ફિટ બેસી ગયો છે એટલે તે રઘુવીર યાદવને આસાનીથી નિભાવી જાય છે. બમન ઈરાની મોટી ઉંમરના ડોક્ટર તરીકે જબરું પરફોર્મન્સ દેખાડે છે. ખાસકરીને એ ઉંમરના વ્યક્તિના હાવભાવ અને ચાલવાની લઢણ વગેરે આત્મસાત કરવા માટે બમન ઈરાનીએ કરેલી મહેનત દેખાઈ આવે છે.

સહાયક કલાકારોમાં મૌની રોયને તેની પાછલી ફિલ્મો કરતા વધુ દ્રશ્યો મળ્યા છે પરંતુ તે પાછલી ફિલ્મોની જેમજ ગ્લેમર ડોલ સિવાય બીજું કશું બની શકી નથી. પરેશ રાવલ માર્કેટિંગ ગુરુ તરીકે તેમજ ગજરાજ રાવ મોટીવેશનલ સ્પિકર તરીકે એકદમ પરફેક્ટ કાસ્ટિંગના ઉદાહરણો છે. અહીં પણ એક નટુકાકા છે જેને સંજય ગોરડિયાએ ભજવ્યા છે અને તેમને મળેલી ગણતરીની તકમાં તેમણે કાયમ દર્શકોને હસાવ્યા છે. આ ઉપરાંત રાજકુમાર રાવના અભિમાની કાકા તરીકે મનોજ જોશી બરોબર લાગે છે. એક હિન્દી ફિલ્મમાં ગુજરાતી નિર્દેશક હોવાથી મોટી સંખ્યામાં ગુજરાતી કલાકારો જોઇને તેમજ સ્ક્રિન પર અમદાવાદને જોઇને હૈયે ટાઢક થાય છે.

ફિલ્મના ‘સનેડો’ અને ‘ઓઢણી’ ગીતો ઓલરેડી હીટ થઇ ચૂક્યા છે પરંતુ ફિલ્મમાં આ બંને ગીતોની ખાસ જરૂર નથી તેમ છતાં સનેડોને ફિલ્મમાં સમાવવામાં આવ્યું છે જ્યારે ઓઢણી છેલ્લે ક્રેડીટ વખતે દેખાડવામાં આવ્યું છે જેથી તેનું મહત્ત્વ શું છે એ સમજાઈ જાય છે.

મેઈડ ઇન ચાઈનાને રસપ્રદ બનાવવા માટે નિર્દેશક અને પટકથાકાર પાસે ઘણી તકો હતી પરંતુ દર્શકોના બદનસીબે તેઓ આ તકને બંને હાથે ઝડપી શક્યા નથી. પરિણામે ફિલ્મ નીરસ નથી પરંતુ ઊંડાણનો અનુભવ પણ નથી કરાવતી એટલે દર્શકને પૈસા પડી ગયાની ભાવના જરૂર થાય છે.

૨૭ ઓક્ટોબર ૨૦૧૯, શનિવાર (દિવાળી)

અમદાવાદ