ફન્ને ખાન: પુત્રીની સફળતા માટે પિતાના હિમાલય સંઘર્ષની મીઠડી વાર્તા
ઘણા સમયથી એક ફરિયાદ હતી કે બોલિવુડ હવે ભોળીભોળી ફિલ્મો ખાસ બનાવતું નથી. જવાબ એવો મળતો કે એવી ફિલ્મો જોવે કોણ? વેલ, ફરિયાદવાળો હિસ્સો તો ફન્ને ખાન દ્વારા સંતોષી લેવામાં આવ્યો છે હવે એના જવાબનો જવાબ તો પબ્લિક જ આપશે.
ફન્ને ખાન
કલાકારો: અનિલ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, રાજકુમાર રાવ, દિવ્યા દત્તા અને પીહુ સંદ
સંગીત: અમિત ત્રિવેદી અને તનિષ્ક બાગચી
નિર્માતાઓ: T-Series, અનિલ કપૂર અને અન્યો
નિર્દેશક: અતુલ માંજરેકર
રન ટાઈમ: 129 મિનીટ્સ
કથાનક
પ્રશાંત ઉર્ફે ફ્ન્ને ખાન (અનિલ કપૂર) પોતાના મહોલ્લામાં અને મુંબઈના લોઅર મિડલ ક્લાસના મહોલ્લામાં પ્રખ્યાત સિંગર છે. પ્રશાંતને મુહમ્મદ રફી થવું હતું પરંતુ પોતાનું સ્વપ્ન સાકાર ન થતા તેણે કોઇપણ હિસાબે પોતાની પુત્રી લતાને (પીહુ સંદ) લતા મંગેશકર બનાવવાનું નક્કી કરી લીધું. લતા પાસે ટેલેન્ટની જરાય કમી ન હતી, પરંતુ તેનું ભારેખમ શરીર તેનો સહુથી મોટો માઈનસ પોઈન્ટ બની જતો અને તે મજાકનું પાત્ર બની જતી.
પ્રશાંત ઘર ચલાવવા એક ફેક્ટરીમાં કામ કરતો જ્યાં તેનો સાથી કામદાર અધીર (રાજકુમાર રાવ) તેના સુખદુઃખનો સાથી બની રહેતો. નસીબે ટર્ન લીધો અને ફેક્ટરી માલિક બેન્કોને ચૂનો લગાવીને લંડન ભાગી જાય છે. બેકાર બનેલો પ્રશાંત ફરીથી પોતાના જૂના રોજગાર એટલેકે ટેક્સી ચલાવવા તરફ પાછો વળે છે પરંતુ પત્ની (દિવ્યા દત્તા)ને તેની જાણ કરતો નથી.
પુત્રીના ટેલેન્ટની ક્યાંક તો કદર થાય એ માટે હવે મરવા મારવા પર ઉતરી આવેલા પ્રશાંતની ટેક્સીમાં પોતાના મેનેજર કક્કડ (કરન સિંગ છાબડા) સાથે ઝઘડીને આવેલી પ્રખ્યાત સિંગર બેબી સિંગ (ઐશ્વર્યા રાય બચ્ચન) મુસાફર બનીને આવે છે અને પ્રશાંત એને કિડનેપ કરી લે છે, માત્ર પોતાની ટેલેન્ટેડ પુત્રીની કેરિયર બનાવવા ખાતર જ. પ્રશાંતના આ ‘સાહસ’માં તેનો મિત્ર અધીર પણ સાથ આપે છે...
ટ્રીટમેન્ટ
ફિલ્મ કોઇપણ હો-હલ્લા વગર શરુ થાય છે અને એજ રીતે આગળ વધતા પૂર્ણ પણ થાય છે. આજના સમયમાં આ રીતે કોઇપણ પ્રકારની મગરૂરી તરફ આકર્ષાયા વગર ફિલ્મની વાર્તાની નિર્દોષતા જાળવી રાખવી એ ઘણું અઘરું કામ છે પરંતુ ડિરેક્ટર અતુલ માંજરેકરને ધન્યવાદ આપવા પડે કે તેમણે આ કાર્ય બખૂબી નિભાવ્યું છે. ફિલ્મમાં એક પિતાની મજબૂરી અને એના ડેસ્પરેશનની વાત કરવાની હતી તે છેક સુધી જળવાઈ રહી છે.
આટલુંજ નહીં, રિયાલીટી શો પ્રકારની વાત કરતી હોવા છતાં આ ફિલ્મમાં ક્યાંય એ શોમાં જોવા મળતી રડારોળ દેખાડવામાં આવી નથી ઉલટું ફિલ્મની વાર્તા અત્યંત હળવાશથી કહેવામાં આવી છે. તમને ફિલ્મ જોતી વખતે સતત ફીલ ગૂડની લાગણી થતી રહે છે.
હા, એક સમયે એવું લાગે કે ઐશ્વર્યા રાયને હજી થોડી વધારે સ્પેસ આપી શકાઈ હોત કે પછી રાજકુમાર રાવ પાસેથી એકાદો સીન વધારે કરાવી શકાયો હોત, પરંતુ આ ફિલ્મ માત્ર અને માત્ર અનિલ કપૂરની જ બની રહેશે એ કદાચ માંજરેકર સાહેબે પહેલેથી જ નક્કી કરી દીધું હશે અને એટલેજ એક નક્કી સમયે ઐશ્વર્યા અને રાજકુમાર બંનેને ગાયબ કરી દેવામાં આવે છે અને ફિલ્મ આખી અનિલ કપૂર અને તેના મજબૂત ખભે આગળ વધતી પૂરી થઇ જાય છે.
અદાકારી, સંગીત, નિર્દેશન વગેરે...
આગળ ચર્ચા કરી તેમ ફિલ્મ માત્ર અને માત્ર અનિલ કપૂરની જ છે એટલે અહીં અનિલ કપૂર પહેલાથી છેલ્લા સીન સુધી છવાઈ જાય છે. હા, શરૂઆતમાં એવું લાગે કે જે લોઅર મિડલ ક્લાસની વાત અહીં કરવામાં આવી છે એ પ્રકારનું વ્યક્તિત્વ અનિલ કપૂરનું કેમ નથી લાગતું? કદાચ એટલે કારણકે આપણે ઘણા વખતથી અનિલ કપૂરને એ રીતે જોયો નથી. પણ જેમ જેમ ફિલ્મ વહેતી જાય છે એમએમ એ શંકા એની મેળે દૂર થઇ જાય છે.
અનિલ કપૂરે હળવા અને ઈમોશનલ એમ બંને પ્રકારની અદાકારીમાં પોતાના અનુભવનો ચિતાર આપી દીધો છે. એક નિષ્ફળ પિતાની લાગણી જ્યારે પોતાનીજ પુત્રી સામે ઉઘાડી પડી જાય ત્યારે શું થાય એ અનુભૂતિ અનિલ કપૂર પોતાના ચહેરાથી સમગ્ર ફિલ્મમાં વારંવાર દેખાડી આપે છે. પણ મેદાન મારી જાય છે છેલ્લા સીનનો અનિલ કપૂર. હવે એ સીન શું છે એ તો તમે ફિલ્મ જોશો ત્યારે જ ખ્યાલ આવશે.
સિનીયોરીટી અનુસાર વારો ઐશ્વર્યા રાય બચ્ચનનો આવે. આમ જોવા જઈએ તો ઐશ્વર્યાને બેબી સિંગની ફિલ્મમાં જેટલી જરૂરિયાત હતી એટલી એણે પૂર્ણ કરી છે. જ્યાં તેણે નખરા દેખાડવાના હતા ત્યાં તેણે દેખાડ્યા છે અને જ્યાં સિરિયસ રહેવાનું હતું ત્યાં એમ પણ દેખાડી બતાવ્યું છે અને એકાદા ગીતમાં ડાન્સ પણ કરી બતાવ્યો છે. ટૂંકમાં ઐશ્વર્યાનો રોલ આ ફિલ્મમાં સ્પોર્ટીંગ કાસ્ટ જેટલો જ છે.
રાજકુમાર રાવનું પણ ઐશ્વર્યા જેવું જ છે. શરૂમાં એવું લાગે કે કદાચ ફિલ્મ અનિલ કપૂર અને રાજકુમાર રાવ એમ બે ટ્રેક પર ચાલશે, પણ છેવટે રાજકુમાર રાવ પણ ઐશ્વર્યાની જેમ પોતાની જરૂરિયાત પૂર્ણ કરીને પેકઅપ કરી દે છે. હા, એક વાત અહીં જરૂર નોંધી લેવા જેવી છે કે રાજકુમાર રાવની આટલી ફિલ્મો જોયા પછી એમ જરૂર લાગે છે કે અમોલ પાલેકર પછી જો કોઈ યોગ્ય મધ્યમવર્ગીય ચહેરો બોલિવુડને મળ્યો છે તો કદાચ એ રાજકુમાર રાવ જ છે.
જેની કરિયર માટે અનિલ કપૂર આટલા બધા લમણાં લે છે એ એની પુત્રી લતાનો રોલ કરનાર પીહુ સંદ અને તેની પત્ની બનતી દિવ્યા દત્તા પોતપોતાની રીતે બરોબર કામ કરી જાય છે. પીહુએ નિષ્ફળ પિતાનું વારેવારે અપમાન કરતી પુત્રી તો દિવ્યા દત્તાએ ક્યારેક પતિનો ટેકો તો ક્યારેય તેની ટીકા કરતી મધ્યમવર્ગીય પત્નીને બરોબર ચરિતાર્થ કરી છે.
ફિલ્મનું સંગીત ‘ઓકે’ કહી શકાય, હા તેના બે ગીતો ગમે એવા છે. “મહોબ્બત” ફૂટ ટેપિંગ બન્યું છે તો “તેરે જૈસા તુ હૈ” ફિલ્મ જોતી વખતે તેના ફિલ્મીંગને લીધે આપણને ઈમોશનલ બનાવે છે, ખાસ કરીને ઇન્ટરલ્યુડમાં વાગતું ટ્રમ્પેટ, અદભુત ફીલિંગ આપે છે.
નિર્દેશનની વાત આપણે આગળ કરી એમ અતુલ માંજરેકર વાર્તાના પોત સાથે સતત વફાદાર રહ્યા છે એટલે ફિલ્મ બહુ ઓછી જગ્યાએ વીક પડે છે. ઓવરઓલ ફિલ્મને બાંધી રાખવામાં અને આપણને કંટાળો ન અપાવવામાં તેઓ સફળ રહ્યા છે.
છેવટે...
હિન્દી સિનેમામાં નિર્દોષતા ધીમેધીમે ઓછી થઇ રહી છે. આવા સમયમાં ફન્ને ખાન ઠંડી હવાની લહેરખી ટાઈપની ફીલિંગ કરાવે છે. ઘણાને બે અઢી કલાક સતત ફીલ ગૂડ કરાવતી ફિલ્મો બોરિંગ લાગતી હોય છે, પરંતુ જ્યારે આટલું બધું ટેન્શન આપણી લાઈફમાં હોય ત્યારે આવી મીઠડી ફિલ્મો જોવા જવામાં કોઈનેય કોઈજ વાંધો ન હોવો જોઈએ.
૦૩.૦૮.૨૦૧૮, શુક્રવાર
અમદાવાદ