સમય ગોળ ફરે છે તમે કરો છો એવું જ પામો છો
પીરીયડ ફિલ્મ બનાવવી કદાચ ફિલ્મ મેકિંગનું સહુથી અઘરું પાસું છે. ભલેને તમારી પીરીયડ ફિલ્મ કોઈ કાલ્પનિક કથા પર આધારિત હોય, પરંતુ તેમ છતાં તમારાથી ઈતિહાસની તારીખો અને સમય સાથે ચેડાં કરી શકાતા નથી. લાલ કપ્તાન એક પીરીયડ ફિલ્મ છે જેની વાર્તા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત છે પરંતુ તે કાલ્પનિક છે.
કલાકારો: સૈફ અલી ખાન, માનવ વીજ, ઝોયા હુસૈન, સિમોન સિંગ અને દિપક ડોબરીયાલ
નિર્માતાઓ: સુનિલ લુલ્લા અને આનંદ એલ રાય
નિર્દેશક: નવદીપ સિંગ
રન ટાઈમ: ૧૩૫ મિનીટ્સ
કથાનક
ગોંસાઇ (સૈફ અલી ખાન) એક નાગા સાધુ છે અને તે વ્યક્તિગત બદલો લેવા માટે તડફડી રહ્યો છે. આ બદલો છે રેહમત ખાનને (માનવ વીજ) મોતને ઘાટ ઉતારવાનો. આ બદલો લેવાની પ્રક્રિયામાં ગોંસાઇને જે કોઈ પણ અનિષ્ટ તત્વોનો નાશ કરવા પડે તે તે કરે છે જેમાં એ સમયના કુખ્યાત ડાકુઓ પણ સામેલ છે.
આ સમય એવો છે જ્યારે દિલ્હીની મોગલ સલ્તનત નબળી પડી ચૂકી હતી અને મોગલોના રેઢા પડેલા વિશાળ પ્રદેશો જીતવા માટે અફઘાનો, મરાઠાઓ અને અંગ્રેજો એકસરખા પ્રયાસો કરી રહ્યા હતા. રેહમત ખાન જે રોહિલખંડનો સુબેદાર હતો તેણે મરાઠાઓનો ખજાનો લુંટી લીધો હતો અને હવે તે રોહિલખંડ છોડીને અવધ તરફ ભાગી રહ્યો હતો જ્યાં કંપની બહાદુરના અધિકારી મુનરો તેમની રાહ જોઈ રહ્યા હતા. ગોંસાઇને અને મરાઠાઓને રેહમત ખાનની આ યોજનાની ખબર પડી જાય છે, પરંતુ તે કયા રસ્તે અવધ જાય છે તેની જાણ આ બંનેમાંથી કોઈને પણ ન હતી.
આથી ગોંસાઇ તેનો બદલો લેવા જ્યારે મરાઠાઓ પોતાના લુંટાયેલા ખજાનાને પરત મેળવવા રેહમત ખાનનો પીછો શરુ કરે છે. ગોંસાઇને રેહમત ખાન સુધી પહોંચાડે છે એક બેનામી સ્ત્રી (ઝોયા હુસૈન) અને મરાઠાઓને મદદ કરવા તૈયાર થાય છે એક વિચિત્ર ભોમિયો (દિપક ડોબરીયાલ) જે હવા સુંઘીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની તાકાત ધરાવતો હોય છે.
રિવ્યુ
ઘણી ફિલ્મો એવી હોય છે જે ધીમી હોય છે અને દર્શકો સાથેનો સંપર્ક ગુમાવી બેસે તો તે બોરિંગ લાગવા લાગે છે અને દર્શકને ફિલ્મ ક્યારે પૂરી થશે તેવી ચિંતા થતી હોય છે. જ્યારે લાલ કપ્તાન જેવી પણ ફિલ્મો હોય છે જે ધીમી અને લાંબી તો હોય છે પરંતુ તે ધીરે ધીરે દર્શકોની સાથે સંબંધ કેળવે છે અને તેને મજબૂત બનાવતી જાય છે. આ ઉપરાંત લાલ કપ્તાનમાં એવી એક પણ પળ નથી જ્યારે તમને એવું લાગે કે “આ બધું શું થઇ રહ્યું છે?”
લાલ કપ્તાન ધીમી અને લાંબી હોવા છતાં તેને રસપ્રદ બનાવે છે તેનું સસ્પેન્સ ખુલવાની રીત. છેવટનું સસ્પેન્સ તો ફિલ્મની અંતિમ બે-ત્રણ મિનિટમાં જ ખુલે છે પરંતુ એ સ્થાન સુધી તમને લઇ જવા માટે પણ એક પછી એક આશ્ચર્યો આપવામાં આવે છે. આ ઉપરાંત ફિલ્મની સિનેમેટોગ્રાફી અથવાતો તેમાં દર્શાવવામાં આવેલા વિસ્તારો, જે મોટેભાગે મધ્ય પ્રદેશના બુંદેલખંડની આસપાસના હોય એવું લાગે છે, ત્યાં કાશ્મીર કે લદાખ જેવી સૌમ્ય સુંદરતા નથી પરંતુ બધુંજ પથરાળ છે અને ખરબચડું છે તેમ છતાં તેની અલગ સુંદરતા છે. આ બાબત પણ તમને ફિલ્મ કેવી છે તે સતત જણાવતી રહે છે.
આ પ્રકારની ફિલ્મો બહુ ઓછા લોકોને ગમતી હોય છે. એવું નથી કે લાલ કપ્તાન કોઈ ફિલોસોફી અથવાતો ગુઢાર્થ ધરાવતી ફિલ્મ છે પણ તેની વાર્તા કહેવાની પદ્ધતિ અનોખી છે. હા લાલ કપ્તાન સતત એ વાત જરૂર કરે છે જે આપણે ઘણીવાર સામાન્ય ચર્ચામાં પણ કરતા હોઈએ છીએ કે “સ્વર્ગ અને નર્ક બધું અહીં જ છે.” એટલેકે તમારે તમારા કરેલા કર્મોનું ફળ અહીં જ આપીને ઉપર જવાનું છે.
ફિલ્મમાં દરેક પાત્રનું પોતપોતાનું મહત્ત્વ છે ભલે સૈફ અલી ખાન ફિલ્મનો હીરો છે પરંતુ તેમ છતાં માનવ વીજ, દિપક ડોબરીયાલ, ઝોયા હુસૈન અને સિમોન સિંગના પણ અતિશય મહત્વના રોલ્સ છે અને આ બધા એકબીજાના પુરક છે. એક અલગ પ્રકારના હીરો એટલેકે નાગા સાધુ તરીકેની ભૂમિકા સ્વીકારી અને તેને યોગ્ય રીતે નિભાવવા માટે સૈફ અલી ખાનની પ્રશંસા થવી જોઈએ. તો આટલા ગંભીર વાતાવરણમાં સમયાંતરે ચહેરા પર સ્મિત લાવવા માટે બેનામી પાત્ર ભજવતા દિપક ડોબરીયાલ પણ વખાણવા લાયક છે.
ઝોયા હુસૈન અને સિમોન સિંગના પાત્રો સમાંતર ચાલે છે અને નોખનોખી છાપ છોડે છે. પરંતુ મેદાન મારે છે આંખોથી અદાકારી કરતા માનવ વીજ! ઉડતા પંજાબમાં જ આ પંજાબી અદાકારની ક્ષમતા પરખાઈ ગઈ હતી. અહીં પણ તે આંખોથી જ અદાકારી કરવા ઉપરાંત અત્યંત low tone માં બોલીને વિલન તરીકે છવાઈ જાય છે. જ્યાં ક્રુરતા દેખાડવાની છે ત્યાં અને જ્યાં થોડા અંશે પણ લાગણી દેખાડવાની તક મળી છે, માનવ ગીલ બધા પર ભારે પડે છે.
એક દ્રષ્ટિએ તો લાલ કપ્તાન એ બદલાની જ વાર્તા છે, પરંતુ તેની પૃષ્ઠભૂમિ તેમજ અલગ પ્રકારનું સેટિંગ, પાત્રો અને આગળ વાત કરી તેમ વાર્તા કહેવાની કળા તેને અન્ય બદલા સ્ટોરીઝથી અલગ પાડે છે. કોઈ નવા પ્રકારની ટ્રીટમેન્ટ ધરાવતી ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો લાલ કપ્તાન ખરેખર જોવા જેવી ફિલ્મ છે. આ ફિલ્મ કદાચ કમર્શિયલ સફળતા નહીં મેળવી શકે પરંતુ ફિલ્મ રસિયાઓને તેની ક્યાં કોઈ દિવસ પડી હોય છે? બરોબરને?
૧૯ નવેમ્બર ૨૦૧૯, શનિવાર
અમદાવાદ