બધાઈ હો - ફિલ્મ રિવ્યુ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બધાઈ હો - ફિલ્મ રિવ્યુ

બધાઈ હો – જ્યારે દાદી બનવાની ઉંમરે મમ્મી બનવાનો વારો આવે...

ભારતીય કોમેડી ફિલ્મોમાંથી નિર્દોષ હાસ્ય ગુમ થઇ ગયું છે એવું જો કોઈ કહેતું હોય તો તેને ‘બધાઈ હો’ ફિલ્મ જરૂરથી દેખાડવી જોઈએ. છેલ્લે આવી ફીલિંગ ક્યારે આવી હતી એ યાદ કરવા જઈએ તો કદાચ અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણની ‘પિકુ’ સુધી આપણે આપણી યાદશક્તિ લંબાવવી પડે એવું બની શકે.

કલાકારો: આયુષ્માન ખુરાના, નીના ગુપ્તા, ગજરાજ રાવ, સુરેખા સિકરી અને સાન્યા મલ્હોત્રા

સંગીત: તનિષ્ક બાગચી, રોચક કોહલી અને JAM8

નિર્માતાઓ: વિનીત જૈન, આલેયા સેન અને અન્યો

નિર્દેશક: અમિત રવિન્દરનાથ શર્મા

રન ટાઈમ: ૧૨૫ મિનીટ્સ

કથાનક:

જીતેન્દર (ગજરાજ રાવ) અને પ્રિયમવદા કૌશિક (નીના ગુપ્તા) ના બે સંતાનો નકુલ (આયુષ્માન ખુરાના) અને ગુલ્લર (શાર્દુલ રાણા) છે અને આ ચારેય સાથે જીતેન્દરની માતા અને સંતાનોની દાદી (સુરેખા સિકરી) પણ રહે છે. નકુલ એની ઓફિસમાં જ કામ કરતી અને પૈસેટકે સુખી એવી રેને (સાન્યા મલ્હોત્રા)ને પ્રેમ કરે છે અને જો બધુંજ સરખું થાય તો થોડા સમયમાં નકુલ કદાચ એની સાથે લગ્ન કરવાનો પણ પ્લાન બનાવી રહ્યો છે.

પરંતુ એક દિવસ અચાનક જ્યારે પ્રિયમવદાની તબિયત ખરાબ થાય છે અને તે ફેમિલી ફિઝીશીયન ડોક્ટર બગ્ગાને દેખાડવા જાય છે ત્યારે ધમાકો થાય છે. ખબર પડે છે કે પ્રિયમવદા આટલી મોટી ઉંમરે માતા બનવાની છે! શરૂઆતમાં જીતેન્દર આ પરિસ્થિતિને સ્વિકારી નથી શકતો પરંતુ પત્નીની જીદ આગળ ઝુકી જાય છે અને બાળકને જન્મ અપાવવા માટે તૈયાર થઇ જાય છે.

આમ જુઓ તો આ મામલામાં મિયાં બીવી રાઝી જેવું જ હોવું જોઈએ પરંતુ પોતાની લગ્નની ઉંમરે જ્યારે માતા પ્રેગ્નન્ટ થાય ત્યારે મિત્રો અને સમાજમાં અન્ય જગ્યાઓએ કેવું લાગે એ વિચારીને નકુલ ગુસ્સે થાય છે, જ્યારે દાદીને તો અમસ્તોય પ્રિયમવદા સાથે છત્રીસનો આંકડો હોય જ છે એટલે એ પણ તેના વિરુદ્ધ ગમેતેમ બોલવા લાગે છે.

ત્યાંજ મેરઠમાં જીતેન્દરની બહેનની દિકરીના લગ્ન અગાઉથી જ ગોઠવાયા હોય છે એટલે જીતેન્દર, પ્રિયમવદા અને દાદી તો લગ્નમાં ભાગ લેવા જાય છે પરંતુ નકુલ ઓફિસના કામના બહાને અને ગુલ્લર દસમાની પરીક્ષાના બહાને લગ્નમાં ઉભી થનારી શરમજનક પરિસ્થિતિમાંથી બચવા માટે સાથે જવાની ના પાડી દે છે. પરંતુ છેવટે તો જે થવાનું હતું એ થઈને જ રહે છે.

લગ્નમાં પ્રિયમવદાને સગા-સંબંધીઓના મેણાટોણા સાંભળવા પડે છે, એટલુંજ નહીં પરંતુ લોકોની છુપી મશ્કરી પણ સહન કરવી પડે છે. આ તરફ નકુલ ભલે કુટુંબ સાથે મેરઠ નથી જતો પરંતુ તેના અને રેનેના સંબંધોમાં પણ પોતાની માતાની પ્રેગનન્સીને લીધે ઓટ આવે છે. પરંતુ મેરઠમાં એક ઘટના એવી બને છે કે...

ટ્રીટમેન્ટ

ફિલ્મ ઈન્ટરવલ સુધી હળવી રહે છે. તમને દરેક બે કે ત્રણ મિનિટે સિચ્યુએશનને લીધે કે પછી કોઈ ડાયલોગને લીધે હસવું આવી જ જાય છે. એવું નથી કે ઈન્ટરવલ બાદ ફિલ્મ નબળી પડે છે કે પછી સિરિયસ થઇ જાય છે, પરંતુ ઈન્ટરવલ બાદ ફિલ્મમાં ઈમોશન્સ વધુ છે અને કોમેડી થોડીક પડદા પાછળ જતી રહે છે.

પ્રેગનન્સી આમ તો આનંદનો વિષય છે અને તેની પણ એક ઉંમર આપણે ત્યાં નક્કી હોય છે, પરંતુ પચાસનો દાયકો વટાવી ચૂકેલા કે એની નજીક પહોંચી ચૂકેલા પતિ-પત્ની જ્યારે માતાપિતા બને ત્યારે એમાંથી જે કોમેડી સર્જાય એ આસપાસના લોકો માટે સર્જાતી હોય છે, નહીં કે એ દંપત્તિ માટે. આ કુદરતી સિચ્યુએશનને અત્યંત વ્યવસ્થિતપણે ફિલ્મમાં દેખાડવામાં આવી છે.

છેવટે તો દુનિયા આખી જખ મારે છે પરંતુ પરિવાર જ પરિવારના કામમાં આવતું હોય છે એવો કોઈ છૂપો સંદેશ પણ ફિલ્મમાં આપવામાં આવ્યો છે. બધાઈ હો માં દિલ્હીની કોઈ મિડલ ક્લાસ કોલોની અને એમાં રહેતો કોઈ પરિવાર કેવો હોય એ પરફેક્ટ દર્શાવ્યું છે. અંગત જીવનમાં દિલ્હીની આ પ્રકારની કોઈ કોલોનીમાં જવાનું બન્યું છે એટલે ફિલ્મમાં જે રીતનો પરિવાર અને કોલોની દર્શાવવામાં આવી છે તેની સાથે બિલકુલ સંકળાઈ જવાય છે.

આ ઉપરાંત, દિલ્હીની બોલી પણ ફિલ્મનો મહત્ત્વનો ભાગ છે. દરેક કેરેક્ટર પાસે દિલ્હીની બોલી સાચી રીતે બોલાવીને પણ નિર્દેશકે કમાલ કરી દીધી છે.

અદાકારી, સંગીત, નિર્દેશન વગેરે...

અદાકારી માત્ર શરીરની યોગ્ય હિલચાલથી કે પછી સંવાદો બોલવાની લઢણ માત્રથી નથી થતી, અદાકારીમાં મોટો હિસ્સો અદાકારના ચહેરા પરના હાવભાવનો પણ હોય છે. બધાઈ હોમાં દરેક મુખ્ય કલાકાર ચાહે એનો રોલ નાનો હોય કો મોટો તેણે ઓછામાં ઓછી એક મોમેન્ટ તો એવી આપી જ છે જ્યાં તેણે પોતાના ચહેરાના હાવભાવ વડે ઘણું બધું કહી દીધું છે.

આયુષ્માન ખુરાના કદાચ આ પ્રકારના રોલ્સ માટે બરોબર ફીટ બેસે છે. ફિલ્મમાં જો કોઈને હિરો કહેવો હોય, જો એટલા માટે કારણકે ફિલ્મ આખી નીના ગુપ્તા પર આધારિત છે પરંતુ તેમ છતાં આયુષ્માન ખુરાનાએ હિરો તરીકે પોતાની હાજરી બરોબર પુરાવી છે. પહેલા માતાના પ્રેગનેન્ટ થવા પર આવતી શરમ, પછી આવતો ગુસ્સો અને છેલ્લે જ્યારે પરિવારના હિસ્સા હોવાનું ભાન થાય છે ત્યારે ભાઈને મદદ કરવા માટે દોડી જવાની અદાકારી, આયુષ્માન વ્યવસ્થિતપણે નિભાવી જાય છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ ફિલ્મ એક કલાકારની આસપાસ ફરતી હોય પણ તેમ છતાં તેના પર લોકોનું ધ્યાન ઓછું જાય, જેમકે એક સમયે રાહુલ દ્રવિડની આસપાસ આપણી ટીમ ઇન્ડિયાની બેટિંગ ફરતી અને પ્રશંસા બીજાઓ લઇ જતા, તો સાફ શબ્દોમાં કહીએ તો નીના ગુપ્તા આ ફિલ્મની રાહુલ દ્રવિડ છે! ભલે ફિલ્મનો વિષય તેના કેરેક્ટર પર કેન્દ્રિત છે પરંતુ તેણે માત્ર જરૂરી ભૂમિકા જ ભજવી છે અને જ્યારે જરૂર પડી છે ત્યારેજ, પણ બોસ!! નીના ગુપ્તાને લીધેજ અન્ય કલાકારો પોતાની કલાકારી દેખાડી શક્યા છે એ પણ એટલુંજ સત્ય છે.

મારા માટે આ ફિલ્મનો મેન ઓફ ધ મેચ ગજરાજ રાવ છે. ખરેખર આ પ્રકારના છુપાયેલા હિરા જેવા કલાકારો ત્યારેજ ઝળકે છે જ્યારે એમને છવાઈ જવાનો મોકો તેમના ડિરેક્ટર દ્વારા આપવામાં આવે. ગજરાજ રાવે પૂરેપૂરો અન્ડર પ્લે કર્યો છે આ ફિલ્મમાં. માતા અને પત્ની બંનેથી ગભરાતા પુરુષના હાવભાવ કેવા હોય અને બંનેને પાછું એકજ સમયે ખુશ રાખવાના પ્રયાસો કોઈ પુરુષ કેમ કરતો હોય એ જોવું હોય તો આ ફિલ્મમાં ગજરાજ રાવને જોઈ લેવા.

મેન ઓફ ધ મેચ ભલે ગજરાજ રાવ હોય પણ સુરેખા સિકરી જેવી ફટકાબાજી તમે કદાચ જ હાલના સમયમાં જોઈ હશે. પેલું કહેવાય છે ને કે “કેરેક્ટરમાં ઘુસી જવું?” બસ! દાદીના કેરેક્ટરમાં સુરેખા સિકરી બરોબરના ઘુસી ગયા છે. મજાની વાત એ છે કે સિક્સરો મારતા મોટાભાગના ડાયલોગ્સ પણ એમના ભાગે જ આવ્યા છે અને એમણે એકપણ મોકો છોડ્યો નથી, પછી એ વહુને ગાળો આપવામાં હોય કે પછી જ્યારે... ચલો જવાદો એ તમે ફિલ્મમાં જ જોઈ લેજો મારે તમારો મૂડ આ બીજું વાક્ય ઉમેરીને બગાડવો નથી.

આ ફિલ્મમાં મ્યુઝિક અને ગીતોનું એટલુંજ મહત્ત્વ છે જેટલું વેજ મંચુરિયનમાં મંચુરિયાનું છે એટલે એના વિષે કોઈ ચર્ચા કરવી તમારો અને મારો સમય બગાડવા બરોબર છે.

વાત કરીએ ડિરેક્ટર અમિત રવિન્દરનાથ શર્માની, આપણે એમને હવે અમિત શર્મા જ કહીશું. તો અમિત શર્માએ આ અગાઉ અર્જુન કપૂર, સોનાક્ષી સિન્હા અને મનોજ વાજપેયીની તેવરનું ડીરેક્શન કર્યું હતું. તેવર ફિલ્મ જોનારાઓને ખબર જ હશે કે એ ફિલ્મ કેવી હતી. પરંતુ બધાઈ હો માં જો કોઈને ખરેખર બધાઈ આપવાની હોય તો એ અમિત શર્માને જ આપવી જોઈએ.

જેમ અગાઉ વાત કરી એમ આજકાલ નિર્દોષ અને નિર્ભેળ હાસ્ય આપણી ફિલ્મોમાં ક્યારેક જ જોવા મળે છે અને બધાઈ હો માં એક ‘ટચી’ વિષયને શાલીનતાની બોર્ડર બિલકુલ પસાર ન કરાવીને પણ કુદરતી રીતે સતત દર્શકને હસાવતા કે સ્મિત કરાવતા રહેવાનું અઘરું કામ અમિતભાઈએ કર્યું છે જેના માટે એ ખરેખર બધાઈને પાત્ર છે.

માત્ર કોમિક મોમેન્ટ્સ જ નહીં પરંતુ ફિલ્મના બીજા હિસ્સામાં જ્યારે ઈમોશન્સનું અમીટ ઝરણું વહેવાનું શરુ થાય છે ત્યારે પણ એનો ઓવરડોઝ થતો રોકવામાં અમિત શર્મા સફળ રહ્યા છે. આ રિવ્યુ વાંચ્યા બાદ ફિલ્મ જોવા જનાર ફિલ્મના બીજા હિસ્સામાં નકુલ અને ગુલ્લરનો અગાસીવાળો સીન ધ્યાનથી જરૂર જુએ, કારણકે એ એવા પ્રકારનો સીન છે જેમાં નિર્દેશકની છાપ સ્પષ્ટ ઉભરાઈને આવતી હોય છે.

છેવટે...

કોમેડી, અદાકારી, ઈમોશન્સ, સરળતા અને નિર્દોષતા એકસાથે માણવાની જો ઈચ્છા હોય અને જો બે કલાક અને પાંચ મિનીટનો સમય તમારા માટે અતિશય કિંમતી હોય તો એ સમય અન્ય કોઈ જગ્યાએ વેડફવા કરતા બધાઈ હો પર ખર્ચ કરવો વધુ યોગ્ય રહેશે.

૧૯.૧૦.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ