Shu Thayu books and stories free download online pdf in Gujarati

શું થયું - ગુજરાતી ફિલ્મનો રિવ્યુ

શું થયું? – ખાસ કઈ નહીં...આપણે બધા ક્રિકેટ રમતા’તા... નિલિયો ચીટીંગ કરતો’તો...

ગુજરાતી ફિલ્મોનો ‘ઉદ્ધાર’ થવાની જ્યારથી શરૂઆત થઇ છે ત્યારથી ત્રણ-ચાર ભાઈબંધોની વાર્તા ધરાવતી ફિલ્મો આપણા મલ્ટીપ્લેક્સોમાં અનરાધાર વરસી ચૂકી છે. આ પ્રકારનો વરસાદ લાવનારી ફિલ્મોની શરૂઆત કદાચ ‘છેલ્લો દિવસ’ થી થઇ હતી. હવે એ જ ફિલ્મની સંપૂર્ણ ટીમ ફરીથી આવી છે ‘શું થયું?’ લઈને. તો એક ટ્રેન્ડ સેટર ટીમ આ નવી ફિલ્મમાં કશું નવું કરી શકી છે ખરી?

શું થયું?

કલાકારો: મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, આર્જવ ત્રિવેદી અને કિંજલ રાજપરીયા

સંગીત: કેદાર અને ભાર્ગવ

નિર્માતાઓ: મહેશ દનાન્નાવર અને વૈશલ શાહ

નિર્દેશક: કૃષ્ણદેવ યાજ્ઞિક

રન ટાઈમ: ૧૪૦ મિનીટ્સ (લગભગ)

કથાનક:

મનન ઉર્ફે મનીયો (મલ્હાર ઠાકર) ના બે દિવસ પછી લગ્ન થવાના છે. લગ્ન પહેલા બેચલર્સ પાર્ટી એટલેકે પોતાના મિત્રો નીલ ઉર્ફે નિલિયો (યશ સોની), ચિરાગ ઉર્ફે ચીકણો (મિત્ર ગઢવી) અને વિરલ ઉર્ફે વિરીયો (આર્જવ ત્રિવેદી) સાથે દારુ પીવાના આશયથી એ નીલના ઘરે જાય છે. દારૂ તો રાત્રે પીવાનો હોય છે પણ એની ડિલીવરી વહેલી થઇ જતા ટાઈમપાસ કરવા આ બધા મિત્રો ઘરની બહાર આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા જાય છે. શરૂઆતમાં નીલ મનનના છુપા આશિર્વાદથી અંચાઈ કરે છે અને ચિરાગને બોલિંગ કરતા રોકીને અને વારંવાર આઉટ થવા છતાં વિવિધ બહાનાઓ બતાવીને પોતાને નોટ આઉટ જાહેર કરીને તેને ખુબ ગુસ્સો અપાવે છે.

ચિરાગનો ગુસ્સો આસમાને પહોંચે છે અને તે એક બાઉન્સર ફેંકે છે જેને નીલ દ્વારા અપર કટ મારતા મનન જે વિકેટ કિપીંગ કરતો હોય છે તે પાછલા પગે તેને કેચ કરવા જાય છે. મનનની પાછળ કેટલીક ઇંટો પડી હોય છે એમાંથી એક ઈંટ મનનના પગમાં આવે છે આથી બેલેન્સ ચૂકી જતા મનન નીચે પડે છે અને તેના માથાનો સહુથી નાજુક હિસ્સો એટલેકે નાના મગજવાળો હિસ્સો એક બીજી ઈંટ સાથે અથડાય છે.

મનન બે ઘડી ત્યાંજ પડ્યો રહે છે, પરંતુ જ્યારે તે ઉભો થાય છે ત્યારે વારંવાર એકની એક વાત રિપીટ કરવાનું શરુ કરી દે છે. શરૂઆતમાં મનનની આ રિપીટ થતી વાતને મજાક ગણતા તેના ત્રણેય મિત્રોને ભાન થાય છે કે મનનને ખરેખર કોઈ તકલીફ થઇ છે. આથી આ મિત્રો મનનને હોસ્પિટલમાં લઇ જાય છે અને ત્યાં તેનો ઈલાજ શરુ કરાવે છે.

પરંતુ, ત્યાં અચાનકજ એમને ખ્યાલ આવે છે કે જો આ બાબતની ખબર મનનના માતાપિતા કે પછી જેની સાથે તેના લગ્ન થવાના છે તે દીપિકા ઉર્ફે દીપલી (કિંજલ રાજપરીયા) અને તેના માતાને ખબર પડી જશે તો મનને મહામહેનતે દીપિકાના માતાપિતાને જે લગ્ન માટે મનાવ્યા હતા, જે લગ્ન બે દિવસ પછી થવાના છે એ કદાચ તૂટી જશે અને પોતાના ખાસ મિત્રને એનો પ્રેમ કદાચ ક્યારેય નહીં મળી શકે!

આથી આ મિત્રો મનનના લગ્ન એની આ જ માનસિક હાલતમાં પૂર્ણ કરવાનું બીડું ઉપાડે છે અને પછી શરુ થાય છે હાસ્યની અનલિમિટેડ સફર!

ટ્રીટમેન્ટ

‘છેલ્લો દિવસ’ માટે ઘણા લોકોની ફરિયાદ હતી કે ફિલ્મમાં હ્યુમર તો ઘણું હતું પરંતુ સ્ટોરીનો અભાવ હતો. એ જ ટીમ જ્યારે પોતાની બીજી ફિલ્મ લઈને આવે ત્યારે શું એમાં પણ છેલ્લો દિવસ રિપીટ થશે એવો સવાલ દરેકને હોય, પરંતુ અહીં સ્ટોરી એટલેકે વાર્તાનું અસ્તિત્વ જરૂર છે એમ કહી શકાય. હા, આ સ્ટોરી માત્ર એક લીટીમાં જ કહી દેવામાં આવી છે અને બાકીની ફિલ્મ ફક્ત હસવાની અસંખ્ય પળોમાં જ વીતી જાય છે.

મનનને ક્રિકેટની જે રમતમાં ઈજા પહોંચે છે એ સીન ઘણો લાંબો છે, પરંતુ ચીકણા એટલેકે ચિરાગને ગુસ્સો અપાવવા અને એને બાઉન્સર નાખવા મજબુર કરી દેવા માટે કદાચ એ સીનની આટલી લંબાઈ જરૂરી હતી અને તો જ તેની ધારી અસર પડી શકી છે એમ કહીને ડિરેક્ટરને બેનિફિટ ઓફ ડાઉટ જરૂરથી આપી શકાય. બાકીની ફિલ્મમાં એવો કોઈજ લાંબો સીન નથી અને તેથીજ ફિલ્મ બસ વહેતી જાય છે.

ઈજા પામ્યા બાદ મનન દ્વારા જે સંવાદ વારંવાર કહેવામાં આવે છે એ એક માત્ર એવો સંવાદ નથી, પરંતુ મનનના રિસેપ્શનમાં પણ આ પ્રકારે એક અન્ય સંવાદ વારંવાર રિપીટ થાય છે એટલુંજ નહીં પરંતુ નીલ દ્વારા “દોસ્ત માટે આટલું નહીં કરે?” અને પછી તેનો મનન દ્વારા અપાતો જવાબ પણ વારેવારે બોલવામાં આવે છે. પરંતુ, તેની પણ એક મજા છે કારણકે આ તમામ સંવાદો દર વખતે કોઈ જુદા જ સૂરમાં બોલવામાં આવે છે.

ફિલ્મની વાર્તા જે માત્ર એક લીટીની છે એ ઈન્ટરવલ સુધી ખેંચાય છે પરંતુ ઈન્ટરવલ પછીની ઘટનાઓ અને ખાસકરીને મનનના રિસેપ્શનનો હિસ્સો ઘણું હસાવી જાય છે. આ ઉપરાંત મયુર ચૌહાણનું દ્રશ્ય જેમાં વચ્ચે મનનના પપ્પા અચાનક એન્ટ્રી મારે છે તે પણ મજા કરાવે છે. આમ ઈન્ટરવલ પછીના દ્રશ્યો મજા અપાવે છે.

અદાકારી, સંગીત, નિર્દેશન વગેરે...

આખેઆખી ફિલ્મ મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી અને આર્જવ ત્રિવેદી જ પોતપોતાના ખભે ઉપાડીને લઇ જાય છે. યશ સોનીએ પોતાની સાનભાન ગુમાવી દીધેલા મિત્ર મલ્હારના લગ્ન થાય એ માટે મલ્હારને જુદીજુદી રીતે સમજાવવાનો હોય છે અને એ માટે તેણે કોઈકવાર ગુસ્સો તો કોઈકવાર એને ફોસલાવવી લેવાની અદાકારી આપણને કન્વીન્સ કરાવી શકે છે. આર્જવ ત્રિવેદીએ વિરલ તરીકે ભૂલા 2.0 નું કેરેક્ટર નિભાવ્યું છે એમ કહી શકાય. અહીં આર્જવ ભલે ધીમી ગતિના સમાચારની રીતે ડાયલોગ બોલતો હોય પરંતુ ભૂલાની જેમજ તે દાદાગીરી પણ કરી જ રહ્યો છે. કિંજલ રાજપરીયા એને જેટલી થોડીઘણી તક મળી છે, ખાસકરીને રિસેપ્શનના દ્રશ્યમાં એણે એનું કામ કરી આપ્યું છે.

પરંતુ, જે અદાકારે સહુથી વધારે ઈમ્પ્રેસ કર્યા એ છે મિત્ર ગઢવી. એક અતિ સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતો વ્યક્તિ જેને આપણે મૂર્ખ તો ન કહીએ પરંતુ ભોળો છે એવા વ્યક્તિ એટલેકે ચિરાગ ઉર્ફે ચીકણાની છાપ ઉપસાવવામાં મિત્ર એકદમ સફળ રહ્યો છે. કોલેજમાં કે મિત્રવર્તુળમાં આ પ્રકારે એકાદો મિત્ર હોય અને બધા એનીજ મશ્કરી કરતા હોય કે એનેજ ટાર્ગેટ કરીને હેરાન કરતા હોય એવું આપણે બધાએ કોઇનેકોઇ વખત અનુભવ્યું હશે જ. મિત્ર ગઢવીએ પોતાની અદાકારી દ્વારા એ પ્રકારના વ્યક્તિ એટલેકે ચીકણાને આપણી સમક્ષ હાજરાહજૂર ઉભો કરી દીધો છે જે એની અદાકારીનો સહુથી મોટો એવોર્ડ છે!

મલ્હાર ઠાકર વિષે કાયમ કશું ખાસ કહેવાની જરૂર હોતી જ નથી. આ વ્યક્તિ કાયમ પોતાનું 150% આપતો જ હોય છે અને ‘શું થયું?’ નો મનન ઉર્ફે મનીયો પણ એમાંથી બાકાત નથી. કોમેડી કરવામાં મલ્હારની પોતાની એક સ્ટાઈલ છે જેને તે અહીં પણ વળગી રહ્યો છે. હા, ફિલ્મની શરૂઆતમાં મલ્હાર એના ફૂલ ફોર્મમાં છે પરંતુ ઈજાગ્રસ્ત થયા બાદ એ શાંત થાય છે પરંતુ રિસેપ્શનના દ્રશ્યમાં એ ફરીથી પોતાની ઓરિજિનલ સ્ટાઈલમાં પરત આવે છે.

ફિલ્મમાં બે થી ત્રણ ગીતો જ છે અને તમામ બેકગ્રાઉન્ડમાં વાગે છે અને કદાચ આખી ફિલ્મનું આ એક એવું પાસું છે જેની કોઈ નોંધ ન લેવાય તો પણ ચાલી જાય એવું છે.

આગળ ચર્ચા કરી એમ છેલ્લો દિવસના અને આ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે કદાચ તેમની હથોટી ચાર મિત્રોની સ્ટોરી કહેવામાં છે તેને ફરીથી સાબિત કરી આપી છે. ફિલ્મ ભલેને એક લીટીની વાર્તા પરથી બની હોય પરંતુ એ હકીકત યાજ્ઞિક સાહેબે ક્યાંય ફીલ કરવા દીધી નથી. આજકાલના સમયમાં ફિલ્મ કોમેડી હોય કે ન હોય પરંતુ સ્ક્રિન પર ફિલ્મ ચાલુ હોય ત્યારે તમને તમારા સેલફોનના નોટિફિકેશન જોવાની પણ ઈચ્છા ન થાય તો એ ફિલ્મની સફળતાનો માપદંડ છે, બસ એવુંજ કશુંક કૃષ્ણદેવ યાજ્ઞિકે શું થયું? માં પણ કરી બતાવ્યું છે.

છેવટે...

ગુજરાતી ફિલ્મોના રિવ્યુ લખતી વખતે ઘણીવાર પુનરાગમન કરી રહેલી ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા પણ જે-તે ફિલ્મો જોવી જોઈએ એવી અપીલો કરવી પડે છે કારણકે રિવ્યુકારને એ ફિલ્મ ગમી હોય છે અને અન્યો પણ એ ફિલ્મ જુએ એવી તેની અંગત ઈચ્છા પણ હોય છે. પરંતુ આ ફિલ્મ માટે એવી કોઈજ અપીલ કરવાની જરૂર નથી કારણકે, આ ફિલ્મ તમને આજની સ્ટ્રેસફૂલ લાઈફમાં ખૂબ જરૂરી એવો ટાઈમપાસ કરાવે છે અને લગભગ સવાબે કલાકના સમયમાં તમને ક્યાંય કંટાળો આવતો નથી.

જો તમે મલ્હાર ઠાકરના ફેન હોવ, જો તમે છેલ્લો દિવસની ટીમના ફેન હોવ, જો તમને છેલ્લો દિવસ ગમી હતી, જો તમને છેલ્લો દિવસ નહોતી ગમી તો પણ તમે શું થયું? જોવાનો એક ચાન્સ જરૂરથી લઇ શકો છો, ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે નહીં પરંતુ સવાબે કલાક બધીજ સામાજીક, આર્થિક અને રાજકીય ચિંતાઓ ભૂલી જવા માટે!

૨૫.૦૮.૨૦૧૮, શનિવાર

અમદાવાદ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED