નટસમ્રાટ - ગુજરાતી ફિલ્મનો રિવ્યુ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નટસમ્રાટ - ગુજરાતી ફિલ્મનો રિવ્યુ

નટસમ્રાટ – ગુજરાતીઓ અને ગુજરાતી ફિલ્મો માટે આશાનું કિરણ

લગભગ બે મહિના પહેલા જબરો યોગાનુયોગ થયો હતો. નેટફ્લિક્સ પર એક રવિવારે નાના પાટેકર અને વિક્રમ ગોખલેની મરાઠી ફિલ્મ નટસમ્રાટ જોવાની લગભગ બેથી અઢીવર્ષ જૂની ઈચ્છા પૂરી કરી અને એના બીજા કે ત્રીજા જ દિવસે સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના ફેસબુક પેઈજ પર એજ ફિલ્મના ગુજરાતી એડોપ્શનની જાહેરાત કરી. બસ તે દિવસથી જ નક્કી કરી લીધું કે ગમેતે થાય આ ફિલ્મ તો જોવી જ જોવી!

નટસમ્રાટ

કલાકારો: સિદ્ધાર્થ રાંદેરિયા, દીપિકા ચિખલીયા ટોપીવાલા, મનોજ જોષી, વિક્રમ મહેતા, તસનીમ શેખ, હેમાંગ શાહ, સંવેદના સુવાકલા અને સ્મિત પંડ્યા

સંગીત: આલાપ દેસાઈ

નિર્માતાઓ: રાહુલ સુગંદ, જુગલ સુગંદ, રવિન્દ્ર તેંદુલકર, અજય બગડાઈ અને જયંત ગિલાતર

નિર્દેશક: જયંત ગિલાતર

રન ટાઈમ: 130 મિનીટ્સ

કથાનક

હરીન્દ્ર પાઠક (સિદ્ધાર્થ રાંદેરિયા) ગુજરાતી તખ્તાનો જબરદસ્ત કલાકાર છે અને તે નટસમ્રાટના નામે પ્રસિદ્ધ છે. હરીન્દ્ર પાઠક એટલેકે નટસમ્રાટ પોતાની કારકિર્દીની ઉંચાઈએ નિવૃત્તિ લેવાનો નિર્ણય તો કરે છે પરંતુ નિવૃત્તિના દિવસેજ પોતાનું સઘળું પોતાના પુત્ર અને પુત્રીના નામે કરી દે છે. આ પાછળ હરીન્દ્ર પાઠકનો હેતુ બાકીનું જીવન પત્ની મંગળા (દીપિકા ચીખલીયા ટોપીવાલા) સાથે શાંતિથી વિતાવવાનો હતો.

જો કે મંગળા અને હરીન્દ્રના ખાસ મિત્ર માધવને (મનોજ જોશી) કદાચ ભવિષ્યના એંધાણ આવી ગયા હશે એટલે તેમણે એ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. મંગળા અને માધવનો અંદાજો ત્યારે સાચો પડે છે જ્યારે વહુ જીજ્ઞા અને પુત્ર અમર સહુથી પહેલા માતાપિતાનું વાતેવાતે અપમાન કરવાનું શરુ કરે છે. તેમના અપમાન વધુ સહન ન કરી શકતા હરીન્દ્ર અને મંગળા ચૂપચાપ પુત્રનું ઘર છોડી પુત્રીને ઘરે ચાલ્યા જાય છે.

જો કે અહીં પણ સમય જતા હરીન્દ્ર અને મંગળાને પુત્રી સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે એટલુંજ નહીં પુત્રી જાતે પોતાના માતાપિતા પર ચોરીનું આળ લગાડે છે અને ફરીથી હરીન્દ્ર અને મંગળાને રાતોરાત ઘર છોડવાનો વખત આવે છે...

ટ્રીટમેન્ટ

ફિલ્મ જોતા સમયે સતત મરાઠી નટસમ્રાટની યાદ આવતી હતી. જો કે ફિલ્મ જોવા ગયા અગાઉ કોઇપણ સરખામણી ન કરવાનું મનમાં નક્કી તો કર્યું હતું પરંતુ ફિલ્મ જોતી વખતે એમ કરવું શક્ય ન બન્યું. ઘણીવાર કોઈ અન્ય ભાષાની ફિલ્મને હિન્દી અથવાતો અન્ય પ્રાદેશિક ભાષાઓમાં રૂપાંતરિત કરવામાં આવે ત્યારે ત્યાંના દર્શકોના સ્વભાવને અનુલક્ષીને તેમાં ફેરફાર કરવામાં આવતા હોય છે.

મરાઠી દર્શકો અને ગુજરાતી દર્શકોની ફિલ્મ જોવાની આદતો ભલે પડોશી રાજ્યો હોવા છતાં આસમાન-જમીન જેટલો ફરક ધરાવે છે. ગુજરાતી નટસમ્રાટ જોતી વખતે એવું સતત લાગ્યું કે ફિલ્મને ‘to the point’ બનાવવામાં આવી છે. એટલેકે મરાઠી દર્શકો માટે જે બાબતો અપીલ કરતી હોય પરંતુ ગુજરાતી દર્શક કદાચ એ બધું જોઇને કંટાળે એ વિચાર સાથે એ પ્રકારના દ્રશ્યો અહીં સદંતર અવોઇડ કર્યા છે. અમુક દ્રશ્યો કદાચ મરાઠી નટસમ્રાટના ચાહકને મીસીંગ લાગે પરંતુ ગુજરાતી દર્શક અતિશય મેલોડ્રામા રિજેક્ટ કરે એ દ્રષ્ટિએથી જોવામાં આવે તો ફિલ્મની પટકથા લખનાર ધુરંધર ગુજરાતી નાટ્યકાર પ્રવિણ સોલંકી અને નિર્દેશક જયંત ગિલાતરનો એ નિર્ણય યોગ્ય પણ લાગે.

બીજું, ગુજરાતી દર્શક કદાચ કોમેડી વધારે પસંદ કરે છે એવી એની છાપ પણ ખરી, એટલે અહીં સિદ્ધાર્થભાઈ પાસે પણ અમુક કોમિક સંવાદો બોલવડાવવામાં આવ્યા છે અને મરાઠી ફિલ્મમાં દીકરીના ઘરના શાંત નોકર કરતા સાવ વિરુદ્ધ અહીં બાબુ બોલિવુડ એટલેકે સ્મિત પંડ્યા (કિશોરકાકા) પાસે ખાસીએવી કોમેડી કરાવવામાં આવી છે.

બંને ફિલ્મો વચ્ચે ઉડીને આંખે વળગે એવા આ બે જ ફરક નોંધી શકાયા છે, જે આગળ ચર્ચા કરી તેમ કદાચ ગુજરાતી ફિલ્મના દર્શકને કંટાળો ન અપાવવાનો લેખક-નિર્દેશકનો આ પ્રમાણિક પ્રયાસ હોઈ શકે છે.

અદાકારી...નિર્દેશન વગેરે...

ફિલ્મના ત્રણ મુખ્ય પાત્રો એટલેકે હરીન્દ્ર પાઠક, મંગળા અને માધવ સિવાય પુત્ર-પત્ની કે પછી પુત્રી-જમાઈના પાત્રો મહત્ત્વના જરૂર છે પરંતુ ફિલ્મ આખી પેલા ત્રણની આસપાસ જ ફરે છે એટલે આપણે એ ત્રણ વિષે જ ચર્ચા કરીશું અને શરુઆત કરીશું ઉંધેથી એટલેકે માધવથી.

માધવ એટલેકે મનોજ જોશી ફિલ્મમાં જેટલીવાર આવે છે એટલીવાર છવાઈ જાય છે. ખાસકરીને પત્નીના અવસાન સમયના દ્રશ્યમાં અને જ્યારે પુત્રીને ઘેરથી હરીન્દ્ર એમને મળવા આવે છે અને દારૂના નશામાં એ હરીન્દ્રને લાફો મારી દે છે એ દ્રશ્યમાં મનોજ જોશીની અદાકારી જોઈએ તો જ એનો અનુભવ થાય એમ છે. પરંતુ, ફરીથી જો સરખામણી કરવાનું મન થાય તો મરાઠી સંસ્કરણમાં જે રીતે નાના પાટેકર અને રામની ભૂમિકા ભજવનાર વિક્રમ ગોખલેની ભાઈબંધીની કેમિસ્ટ્રી સમયાંતરે રંગ લાવે છે એનો અહીં અભાવ લાગે છે.

મનોજભાઈ અને સિદ્ધાર્થભાઈ બેશક જબરદસ્ત કલાકારો છે પરંતુ એમને પણ એ કેમિસ્ટ્રીને સામે લાવવા સબળા દ્રશ્યોની જરૂર હતી જેનો અહીં અભાવ છે. ફિલ્મ શરુ થઇ તે પહેલાથી જ જેમ મરાઠી નટસમ્રાટમાં હોસ્પિટલના બિછાને રામ અને ગણપત વચ્ચે એમણે ભૂતકાળમાં કરેલા કોઈ નાટકના મહાભારતના કૃષ્ણ અને અર્જુનના દ્રશ્યને એ બંને ભજવે છે છે એની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો પરંતુ બદનસીબે અહીં એ આખું દ્રશ્ય જ ગાયબ છે. જો એ દ્રશ્ય અહીં હાજર હોત હોત તો મનોજ જોશીની અદાકારીની રેન્જ તેના ફૂલ ફોર્મમાં જોઈ શકાત.

દીપિકા ચિખલીયા ટોપીવાલા વર્ષો પછી ગુજરાતી ફિલ્મોમાં પરત થયા છે. એમના તરફથી જે પ્રમાણે અપેક્ષા હતી એ મુજબની જ અદાકારી અથવાતો તેનાથી વિશેષ અદાકારી તેમણે કરી બતાવી છે. ખાસકરીને જ્યારે એમણે મોટાભાગનો સ્ક્રિન સમય સિદ્ધાર્થ રાંદેરિયા સાથે શેર કરવાનો હતો ત્યારે અમુક દ્રશ્યોમાં, જ્યારે દીકરા અને દીકરીને ત્યાં પોતાના પતિના થયેલા અપમાનનો જવાબ આપવા તેઓ મોરચો સંભાળે છે તેમાં તેઓએ સિદ્ધાર્થભાઈને બેકગ્રાઉન્ડમાં ધકેલી દીધા છે.

નટસમ્રાટનું પોત સિરિયસ છે પરંતુ ગુજરાતી દર્શકને કંટાળો ન આવે એટલે સ્મિત પંડ્યા ઉર્ફે કિશોર કાકાને એ જવાબદારી સોંપવામાં આવી છે. વિવિધ અદાકારોની મિમિક્રી ઉપરાંત પોતાની કોમિક ટાઈમિંગ દ્વારા સ્મિત જરૂરના સમયે હસાવીને રાહત આપે છે એટલે એમની હાજરીની અહીં ખાસ નોંધ લેવી પડી છે.

હવે આવીએ ખુદ ગબ્બર એટલેકે નટસમ્રાટ એટલેકે સિદ્ધાર્થ રાંદેરિયા પર. ફિલ્મના પ્રમોશન માટે જ્યારે સિદ્ધાર્થભાઈ અમદાવાદ આવ્યા હતા ત્યારે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેં જ એમને સવાલ પૂછ્યો હતો કે એમની ગુજ્જુભાઈ બ્રાન્ડ દર્શકોને નટસમ્રાટમાં એમનું અલગ રૂપ સ્વીકારી શકવામાં વિઘ્ન બનશે ખરું? ત્યારે સિદ્ધાર્થભાઈનો જવાબ હતો કે પોતે એક અદાકાર છે અને એમણે વિવિધ ભૂમિકા ભજવવી એ એમની ફરજ છે, બાકીનું બધું તેઓ દર્શક પર છોડી દે છે.

નટસમ્રાટનું ગુજરાતી વર્ઝન જોયા પછી અને એમાં પણ સિદ્ધાર્થ રાંદેરિયાની અદાકારી જોયા પછી એવું બિલકુલ લાગ્યું કે જો ગુજરાતીમાં આ ફિલ્મ બનાવી છે તો નટસમ્રાટ તરીકે સિદ્ધાર્થભાઈનો કદાચ કોઈજ વિકલ્પ નથી. સિદ્ધાર્થ રાંદેરિયા ગુજ્જુભાઈ નાટકની સિરીઝ પહેલા સિરિયસ નાટકો વધુ કરતા હતા એટલે એમની એ ક્ષમતા વિષે કોઈને પણ પ્રશ્ન ન જ હોય. એમની એ જ કળા તેઓ જ્યારે તખ્તા પરના સંવાદો અહીં બોલે છે એ દેખાઈ આવે છે. બાકી, ભાવનાત્મક દ્રશ્યોમાં તેઓ છવાઈ જાય છે. એમના વિષે વધુ તો શું લખવું? સૂર્યને અરીસો થોડો બતાવાય?

ફિલ્મનું નિર્દેશન જયંત ગિલાતરે અગાઉ ચર્ચા કરી તેમ એક નક્કી કરેલી રણનીતિ અનુસાર કર્યું છે. હા, જેમ ચર્ચા થઇ એમ મરાઠી ફિલ્મ જોનારને અમુક મહત્ત્વના દ્રશ્યો અહીં મીસીંગ લાગે પરંતુ જયંતીભાઈને છેવટે તો ફિલ્મને ગુજરાતી દર્શકોમાં લોકપ્રિય બનાવવાની છે જે એમનું કાર્ય પણ છે અને ફરજ પણ એટલે એમણે એમને જે મહત્ત્વની બાબતો ફિલ્મની વાર્તામાં લાગી એને જ વળગી રહ્યા અને કદાચ એને લીધેજ આટલીબધી ભાવનાત્મક વાર્તા હોવા છતાં ફિલ્મ બે કલાક અને દસ મિનીટ સુધી એક સેકન્ડ પણ કંટાળો આપતી નથી.

ભૂતકાળમાં જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધમધોકાર ચાલતી હતી ત્યારે પણ અર્બન બેકગ્રાઉન્ડ ધરાવતી સામાજીક ફિલ્મો આવતી, તેમાં પ્રચૂર માત્રામાં રહેલો મેલોડ્રામા બિનજરૂરી લાગતો, અહીં જયંતીભાઈએ એમ નથી થવા દીધું અને સમયસર બાબુ બોલિવુડ તરીકે સ્મિત પંડ્યાને કોમિક રીલીફ અપાવવા મોકલી દીધા છે. આ ઉપરાંત ઈમોશનલ દ્રશ્યો પણ બિનજરૂરી રીતે બિલકુલ લાંબા થવા દીધા નથી.

છેવટે...

કદાચ આજના ‘પ્રેક્ટિકલ’ થઇ રહેલા સમાજમાં લોકોને નટસમ્રાટનો વિષય ગઈ સદીનો કે ગયા દશકનો લાગી શકે, પરંતુ હજીપણ આપણે ત્યાં આ પ્રકારની ઘટનાઓ બને છે તે હકીકત છે. ગુજરાતી ફિલ્મોના સ્તરની ચિંતા કરનારાઓ માટે કદાચ નટસમ્રાટ ફરિયાદનો કોઈજ મોકો નહીં આપે. ફિલ્મનું નિર્માણનું સ્તર અને અદાકારો તેમજ નિર્દેશનની કક્ષા કોઇપણ ભાષામાં બનેલી સારી કોઈપણ ફિલ્મ જેવું જ છે. એટલે ગુજરાતી ફિલ્મ જોવી છે તેમ વિચારવા કરતા એક સારી ફિલ્મ જોવાની ઈચ્છા હોય તેને નટસમ્રાટ જેવી ગંભીર ફિલ્મ જરૂર ગમશે,

૩૧.૦૮.૨૦૧૮, શુક્રવાર (નાગપંચમી)

અમદાવાદ.