વન્સ અપોન અ ટાઈમ - 92 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 92

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 92

17 એપ્રિલ, 1997ના દિવસે સવારના સાડા દસ વાગ્યે મુંબઈના લોઅર પરેલ વિસ્તારની એક મિલમાં બે યુવાનો પ્રવેશ્યા. મિલનો માલિક આવી ગયો છે કે નહીં એ વિશે એમણે પૂછપરછ કરી. જવાબ નકારમાં મળ્યો એટલે એ યુવાનો મિલના કમ્પાઉન્ડની બહાર નીકળી ગયા. સાડા અગિયાર વાગ્યે મિલમાલિકની કાર આવતી જોઈને એ બંને સાબદા થઈ ગયા. મિલમાં જઈને એમણે ઉદ્યોગપતિને સંદેશો મોકલ્યો કે, ‘મામાએ તમને મળવા મોકલ્યા છે.’ ગુજરાતી મિલમાલિકે તરત જ એમને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. યુવાનો ચેમ્બરમાં આવ્યા એટલે મિલમાલિકે એમની સામે નિસ્તેજ સ્મિત કર્યું, પરંતુ તેમને સ્મિતનો જવાબ સ્મિતથી ન મળ્યો. એ યુવાનોમાંથી એકે કહ્યું, ‘મામાને આપ કો બુલાયા હૈ.’

ગુજરાતી મિલમાલિક પાસે એમની સાથે જવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. અરુણ ગવળીએ આપેલી ‘ડેડલાઈન’ વીતી ગઈ હતી અને પૈસાની વ્યવસ્થા થઈ શકી ન હતી, પરંતુ મામાને કહીને હજી થોડા દિવસની મુદત માગી શકશે એવી આશા ગુજરાતી ઉદ્યોગપતિને હતી. ‘મામા’ એટલે કે સદા પાવલેને કહીને અગાઉ પણ એમણે ગવળી પાસે થોડા દિવસની મુદ્દત મેળવી હતી.

ગુજરાતી ઉદ્યોગપતિ એમની મિલના મેનેજરની કારમાં પેલા યુવાનો સાથે જવા રવાના થયા. એમની કાર મિલની બહાર નીકળીને સેનાપતિ બાપટ રોડ પર આવી. કાર થોડે દૂર પહોંચી એટલે પેલા બે યુવાનોએ કારની બહાર નીકળીને પિસ્તાલ કાઢીને ગુજરાતી ઉદ્યોગપતિના લમણાં ઉપર ધરી દીધી. કાર ચલાવી રહેલો ડ્રાઈવર અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલા ગુજરાતી ઉદ્યોગપતિ કશું સમજે કે પ્રતિક્રિયા આપે એ અગાઉ તો તે અબજોપતિ ઉધ્યોગપતિના લમણાંના કુરચા ઊડી ગયા હતા! બારસો કરોડ રુપિયાના આસામી ગુજરાતી ઉદ્યોગપતિના જીવનનો ખોફનાક રીતે અંત આવી ગયો હતો.

***

‘મુંબઈના સેનાપતિ બાપટ માર્ગ ઉપર ધોળા દિવસે ગોળીએ દેવાયેલા એ ગુજરાતી ઉદ્યોગપતિનું નામ વલ્લભ ઠક્કર હતું,’ પપ્પુ ટકલાએ બ્લેક લેબલના નવા પેગમાંથી ઘૂંટ ભરીને વાત આગળ ધપાવી, ‘અરુણ ગવળીને ગેંગના શૂટર્સે ગુજરાતી ઉદ્યોગપતિ વલ્લભ ઠક્કરને જાહેરમાં ગોળીએ દીધા એથી મુંબઈ પોલીસ પર ફરી એકવાર પસ્તાળ પડી. અરુણ ગવળીએ જેલમાં બેઠા બેઠા ગુજરાતી ઉદ્યોગપતિ વલ્લભ ઠક્કરની હત્યા માટે ઓર્ડર છોડ્યો હતો. પરંતુ મુંબઈ પોલીસ ગવળી સામે કોઈ પગલાં લઈ શકે એ પહેલાં મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓને તમ્મર ચડી જાય એવી એક ઘટના બની.

લોકસભા ચૂંટણીઓ અગાઉ મુંબઈ પોલીસે ગવળીની ધરપકડ કરીને એને રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ જેલમાં ધકેલી દીધો એ પછી અરુણ ગવળીની પત્ની આશા ગવળીએ મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પોતાના પતિની રાજકીય હેતુથી ધરપકડ થઈ હોવાની ફરિયાદ આશા ગવળીએ મુંબઈ હાઈકોર્ટ સમક્ષ કરી હતી. એ વિષે ચુકાદો આપતા મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે 5 મે, 1997ના દિવસે મુંબઈના પોલીસ કમિશનર સુભાષ મલ્હોત્રા, મહારાષ્ટ્રના એડિશનલ ચીફ સેક્રેટરી પી.સુબ્રહ્મણ્યમ અને મહારાષ્ટ્રના જનરલ ઓફ પોલીસ (પ્રિઝન) એમ.જી. નરવણેની ધૂળ કાઢી નાખી.

મહારાષ્ટ્રના ઈતિહાસમાં અભૂતપૂર્વ ચુકાદો આપતાં મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ અશોક દેસાઈ અને એસ.વી.મ્હાસેએ અરુણ ગવળીની ધરપકડને ગેરકાનૂની ગણાવીને મુંબઈના પોલીસ કમિશનર સુભાષ મલ્હોત્રા, એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ), પી. સુબ્રહ્મણ્યમ અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (પ્રિઝન) એમ.જી.નરવણેને રૂપિયા 25-25 હજાર દંડ ફટકાર્યો અને એ સાથે જ ગવળીને જેલમાંથી છોડી મૂકવાનો ઓર્ડર આપ્યો! હાઈકોર્ટના આ ચુકાદાથી મુંબઈ પોલીસ સ્તબ્ધ બની ગઈ.

મુંબઈ પોલીસે હાઈકોર્ટને એવું સમજાવવાની કોશિશ કરી હતી કે ‘અરુણ ગવળી તો મોટો ડૉન છે અને એને જેલમાં પૂરી દેવાયો એ પછી એણે જેલમાં પણ પોતાના કારસ્તાન ચાલુ રાખ્યાં છે. અરુણ ગવળીએ જેલમાં બેઠા બેઠા જ 1996માં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના માનસ સંતાન સમા જયંત જાધવની હત્યા કરાવી હતી અને પછી રઘુવંશી મિલના ગુજરાતી માલિક વલ્લભ ઠક્કરને જેલમાં બોલાવીને એને ધમકાવ્યો હતો અને એમ છતાં એણે ગવળીએ માગેલી ખંડણીની રકમ ન આપતાં ગવળીએ જેલમાંથી જ ઓર્ડર આપીને એની હત્યા કરાવી નાખી હતી. ગવળીને જેલમાં મળવા આવનારા માણસોના નામ પણ જેલના રજિસ્ટરમાં નોંધાતા નથી.’

પરંતુ સરકારી વકીલની આવી દલીલો સાંભળીને હાઈકોર્ટ ગવળી ઉપર ગુસ્સે થવાને બદલે મહારાષ્ટ્ર સરકાર, પોલીસ અને જેલના અધિકારીઓ પર વધુ રોષે ભરાઈ. કોર્ટે કહ્યું કે ગવળી જેવો અઠંગ ગુનેગાર જેલમાં બેઠા બેઠા આવી પ્રવૃત્તિઓ કરતો હોય તો એના માટે જેલ અધિકારીઓની મિલીભગત જવાબદાર ગણાય. સરકારી વકીલની દલીલોને કારણે પૂણેની યરવડા સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડી.એમ.જાધવ અને ઔરંગાબાદની હરસુલ જેલના બે સુપ્રિન્ટેન્ડેન્ટ એમ.જે. ઘોરપડે અને એલ.ટી. સમુ પુવાર પણ હાઈકોર્ટની ઝપટમાં આવી ગયા. હાઈકોર્ટ એમને પણ રૂપિયા 15-15 હજારનો દંડ ફટકાર્યો અને એમની સામે ગુનાહિત વર્તન બદલ કાનૂની કાર્યવાહી કવાનો ઓર્ડર પણ મહારાષ્ટ્ર સરકારને આપ્યો. મુંબઈ હાઈકોર્ટે મુંબઈના પોલીસ કમિશનર સહિત આ તમામ અધિકારીઓના પગારમાંથી દંડની રકમ કાપી લેવાનો આદેશ આપ્યો મુંબઈ હાઈકોર્ટના એ ચુકાદાથી મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર ડઘાઈ ગયા તો બીજી બાજુ અરુણ ગવળીના અડ્ડા સમી દગડી ચાલમાં ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું.

મુંબઈ હાઈકોર્ટ અરુણ ગવળીને જેલમાંથી છોડી મૂકવાનો આદેશ આપ્યો એ પછી થોડા દિવસોમાં અરુણ ગવળીના ગોડફાધર રમા નાઈકના ગોડફાધર બાબુ રેશિમને મુંબઈ લોકઅપમાં મારી નાખનારા બે ગુંડા રવિન્દ્ર ગોહર અને કિશોર માહેસ્કરને કોર્ટો ફાંસીની સજા આપી અને બાકીના બે આરોપીઓ રાજેન્દ્ર સનક્ટ અને વિનોદ મારિયાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી દેવાયા. બાબુ રેશિમના હત્યારાઓને ફાંસીની સજા થતાં દગડી ચાલનો આનંદ બેવડાઈ ગયો દગડી ચાલમાં ઉન્માદનું વાતાવરણ સર્જાઈ ગયું હતું અને એ વાતાવરણમાં ગવળીના સાથીદારોએ જ ગવળીને ફરી એકવાર જેલમાં જવું પડે એવી સ્થિતિ ઊભી કરી. અને આ વખતે ગવળીની ધરપકડ માટે એક મહિલા પત્રકાર નિમિત્ત બની ગઈ.

અરુણ ગવળીએ શિવસેના ભાજપની સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા વિશાળ રેલી અને જાહેરસભાનું આયોજન કર્યું હતું એ વિશે મુંબઈના અંગ્રેજી દૈનિક ‘એશિયન એઈજ’માં આનંદિતા રામાસ્વામી નામની મહિલા પત્રકારે એક ચોંકાવનારો અહેવાલ લખ્યો. એ અહેવાલમાં આનંદિતા રામાસ્વામીએ એવો દાવો કર્યો હતો કે અરુણ ગવળીની જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવા માટે અરુણ ગવળીએ બેફામ પૈસા ખર્ચવા પડ્યા હતા અને એને કારણ અરુણ ગવળી પોતાની ગેંગના ગુંડાઓને બે મહિનાથી ‘પગાર’ આપી શકતો નહોતો. ગવળીના સાથીદારો આ અહેવાલથી ધૂંધવાઈ ગયા.

એવી સ્થિતિમાં ‘એશિયન એઈજ’ની પત્રકાર આનંદિતા રામાસ્વામી અરુણ ગવળીને મળવા દગડી ચાલમાં ગઈ. આનંદિતા રામાસ્વામીને દગડી ચાલમાં આવેલી જોઈને ગવળીના સાથીદારો ઉશ્કેરાઈ ગયા અને એના ઉપર હુમલો કર્યો. આ હુમલામાં આનંદિતા રામાસ્વામી ઈજા થઈ. મુંબઈ પોલીસ ગવળીને પાઠ ભણાવવા માટે આવી જ કોઈ તકની રાહ જોઈ રહી હતી. આનંદિતા રામાસ્વામી ઉપર હુમલાના આરોપ હેઠળ મુંબઈ પોલીસે અરુણ ગવળીની ફરી એકવાર ધરપકડ કરી. અરુણ ગવળીની ધરપકડ થતી અટકાવવા માટે દગડી ચાલની મહિલાઓએ ભારે ધમાલ કરી મૂકી. જો કે મુંબઈ પોલીસે એ મહિલાઓના વિરોધની પરવા કર્યા વિના ગવળીને લોકઅપમાં ધકેલી દીધો. અરુણ ગવળીની ફરીવાર ધરપકડ થવાથી ઉશ્કેરાયેલી આશા ગવળી અન્ય મહિલાઓ સાથે મુંબઈ પોલીસના હેડ ક્વાટરમાં પહોંચી ગઈ. ત્યાં ધૂંધવાયેલી આશા ગવળીએ પોલીસ અધિકારીઓના કાનમાંથી કીડા ખરી પડે એવી ગાળો આપી. જોકે આ વખતે પણ ગવળીના ગ્રહો વધુ પાવરફુલ પુરવાર થયા અને કોર્ટે એને જામીન પર છોડી દેવાનો આદેશ આપ્યો. ગવળી મગરૂરીપૂર્વક લોકઅપમાં દગડી ચાલમાં પાછો ફર્યો. પણ એ ઘટનાથી મુંબઈ પોલીસના અધિકારીઓનું ખુન્નસ બેવડાઈ ગયું. મુંબઈ પોલીસ ઝનૂનપૂર્વક અરુણ ગવળી વિરુદ્ધ પુરાવા એકઠા કરવા વળગી પડી.

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 5 દિવસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Manoj Joshi

Manoj Joshi 3 વર્ષ પહેલા

Suresh Shah

Suresh Shah 3 વર્ષ પહેલા

Bharatsinh K. Sindhav

Bharatsinh K. Sindhav 3 વર્ષ પહેલા