વન્સ અપોન અ ટાઈમ - 93 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 93

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 93

અરુણ ગવળી અને મુંબઈ પોલીસ વચ્ચે ઉંદર-બિલ્લી જેવી રમત ચાલુ હતી ત્યારે બીજી બાજુ દાઉદ ઈબ્રાહિમનો વિશ્વાસુ બની ગયેલો અબુ સાલેમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાછળ નહાઈ-ધોઈને પડી ગયો હતો એણે અગાઉ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નાના મોટા છમકલા કર્યા હતાં.

અબુ સાલેમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેરખાંઓ પાસેથી ખંડણી ઉઘરાવવા માંડી હતી. આ દરમિયાન અબુ સાલેમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સફળ ડિરેક્ટર પાસેથી દોઢ કરોડની ખંડણી માગી. એ ડિરેક્ટરની સસ્પેન્સ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી. એટલે અબુ સાલેમની નજર એના પર પડી હતી.

***

સફળ ફિલ્મ ડિરેક્ટર રાજીવ રાય મુંબઈમાં તારદેવ વિસ્તાર સ્થિત ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’ની ઓફિસમાં ચિંતિત વદને બેઠા હતા. એમને સવારે અબુ સાલેમનો ફોન આવ્યો હતો કે બપોર સુધીમાં મને રિઝલ્ટ (એટલે કે રૂપિયા દોઢ કરોડની ખંડણી) નહીં મળે તો આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે અને અબુ સાલેમ માત્ર કોરી ધમકી આપનારો ગેંગ લીડર નહોતો એ રાજીવ રાય સમજતા હતા. અગાઉ ફિલ્મ પ્રોડ્યુસર મુકેશ દુગ્ગલે એને ખંડણીની રકમ પહોંચતી કરી નહીં એટલે અબુ સાલેમે તેનું ડેથ વોરંટ ઈશ્યુ કરી દીધું હતું અને અબુ સાલેમના રીઢા શૂટરોએ મુકેશ દુગ્ગલની જિંદગી પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. રાજીવ રાયની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુપ્ત’ની સફળતાને પગલે અબુ સાલેમે રાજીવ રાય પાસે ખંડણીની માગણી કરી હતી. છેલ્લાં એક મહિનાથી અબુ સાલેમ ફોન પર ધમકી આપી રહ્યો હતો. રાજીવ રાયે મુંબઈ પોલીસ પાસેથી પ્રોટક્શન પણ મેળવ્યું હતું. પરંતુ એમ છતાં અબુ સાલેમની ધમકીઓ ચાલુ રહી હતી.

31 જુલાઈ, 1997ની બપોરે ચાર વાગે રાજીવ રાય પોતાની ઓફિસમાં બેઠા-બેઠા અબુ સાલેમની ધમકીના વિચારો કરી રહ્યા હતા ત્યારે એમને કલ્પના નહોતી કે અબુ સાલેમે પોતાના શૂટર્સને ઓર્ડર આપી દીધો હશે. રાજીવ રાયે પ્રયત્નપૂર્વક અબુ સાલેમની ધમકીના વિચારોને કોરાણે મૂકીને કામમાં ધ્યાન પોરવવાની કોશિશ કરી. બરાબર એ જ વખતે પાંચ યુવાન ચાઈનીઝ સ્ટાર પિસ્તોલ હાથમાં લઈને ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’ની ઓફિસમાં ધસી આવ્યા.

એમાંના એક શૂટરે રિસેપ્શન પર બેઠેલી ઓપરેટરના લમણા ઉપર પિસ્તોલ ધરી દીધી અને બીજા શૂટર્સ રાજીવ રાયની કેબિન તરફ ધસ્યા. પણ રાજીવ રાયની સિક્યુરિટી માટે મુંબઈ પોલીસે મૂકેલો જવાન મોહનસિંહ એ જ વખતે સ્ટેનગન સાથે ટોઈલેટમાંથી બહાર આવ્યો હતો. એનું ધ્યાન ઓપરેટર સામે પિસ્તોલ તાકીને ઊભેલા યુવાન પર પડ્યું હતું, અને એ સેકન્ડમાં ચોથા ભાગમાં ત્રાટક્યો હતો. એણે એ યુવાનના હાથમાંથી પિસ્તોલ ઝુંટવી લીધી. એને કારણે રાજીવ રાયની કેબિન તરફ આગળ વધી રહેલા શૂટર્સ અટકી ગયા હતા. એમણે સ્ટેનગન સાથે ધસી આવેલા પોલીસ જવાનને જોયો અને એમને ખતરાની ગંધ આવી એટલે તેઓ ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’ની ઓફિસમાંથી બહાર ભાગ્યા પણ પોલીસ જવાન મોહનસિંસે સ્ટેનગનમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અબુ સાલેમના શુટર્સ આ અણધાર્યા હુમલાથી ડઘાઈ ગયા. એમાના બે શૂટર્સે તો ડરના માર્યા ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’ની ઓફિસમાં પોતાની પિસ્તોલ ફેંકી દીધી અને પૂરી તાકાતથી તેઓ ભાગ્યા. આ દરમિયાન પોલીસ જવાન મોહનસિંહની સ્ટેનગનમાંથી છૂટેલી ગોળીઓમાંથી બે ગોળી બે શૂટરને વાગી હતી. એમાંથી એક શૂટર તો બીજા સાથીદારો સાથે નાસી છૂટવામાં સફળ થયો પણ બીજા શૂટર મોહમ્મદ આરીફ બીન મોહમ્મદ સાહેબને પગમાં ગોળી વાગી અને તે બેસી પડ્યો એટલે એ ઝડપાઈ ગયો.

આ આખો ખેલ ગણતરીની સેકન્ડોમાં પૂરો થઈ ગયો. મુંબઈના એક બહાદુર પોલીસ જવાને અબુ સાલેમ ગેંગને સણસણતો જવાબ આપીને ફિલ્મ ડિરેક્ટર રાજીવ રાયનો જીવ બચાવી લીધો હતો. રાજીવ રાય ધમાલ સાંભળીને પોતાની કેબિનમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ અવાચક બની ગયા હતા. મોત એમના સુધી આવીને પાછું જતું રહ્યું હતું, પણ રાજીવ રાય હેતબાઈ ગયા હતા. ગણતરીની મિનિટ્સમાં મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર (ક્રાઈમ) રણજિતસિંઘ સહિત અનેક અધિકારીઓ રાજીવ રાયની ઓફિસે ધસી આવ્યા. એમણે પોલીસ જવાન મોહનસિંહને શાબાશી આપી અને રાજીવ રાયને ધરપત આપી કે અમે તમારો વાળ સુદ્ધાં વાંકો થવા નહીં દઈએ. રાજીવ રાય પર હુમલો થયો હોવાના સમાચાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાયુવેગે પ્રસરી ગયા હતા અને એ સમાચાર સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી.

હિન્દી ફિલ્મની ભાષામાં કહીએ તો હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અંડરવર્લ્ડ વચ્ચેનો સંબંધ ચોલી-દામન જેવો છે. હાજી મસ્તાન અને કરીમલાલાના સમયથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અંડરવર્લ્ડ વચ્ચે સંબંધ ચાલ્યો આવે છે, ‘પપ્પુ ટકલાએ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવીને એક ઊંડો કશ ભરીને મોંમાંથી ધુમાડા બહાર કાઢતાં કહ્યું, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અંડરવર્લ્ડ વિશે આપણે અગાઉ ઘણી વાતો કરી ચૂક્યા છીએ પણ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંડરવર્લ્ડની ચુંગાલમાં પૂરેપૂરી કઈ રીતે ફસાઈ તેની વાતો પણ કહેવા જેવી છે. હાજી મસ્તાન અને કરીમલાલાના સમયમાં ફિલ્મ સ્ટાર્સ અને ડિરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સ માફિયા સરદારો સાથે સંબંધને કારણે કોલર ઊંચા રાખીને ફરતા હતા અને બીજી બાજુ કરીમલાલા અને હાજી મસ્તાન જેવા માફિયા સરદારો ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ સાથે સંબંધ રાખવામાં ગૌરવ અનુભવતા હતા. પણ એ વખતે ફિલ્મ પર્સનાલિટીઝ અને માફિયા સરદારો એકબીજાનો આદર કરતા હતા. હાજી મસ્તાન કે કરીમલાલા કોઈ ફિલ્મના નિર્માણમાં કોઈ પણ જાતનો ચંચૂપાત કરતા નહોતા. એ વખતે તેઓ પણ ફિલ્મ પ્રોડ્યુસર્સને ફિલ્મ બનાવવા માટે પૈસા આપતા હતા. પણ એમને ફિલ્મની સ્ક્રીપ્ટમાં કે સ્ટોરીમાં માથું મારવાની પણ આદત નહોતી. અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર્સને ગભરાવીને પૈસા પડાવવાનો કે એમની પાસે ફિલ્મોમાં મફત કામ કરાવવાનો તો વિચાર પણ હાજી મસ્તાન કે કરીમલાલાને ક્યારેય નહોતો આવ્યો.

એ સમયમાં દાઉદ ઈબ્રાહિમને પણ સ્ટાર્સ સાથે સંબંધ રાખવાનું ગમતું હતું, પણ દાઉદ ડોન બન્યો એ પછી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પિક્ચર બદલાયું. દાઉદ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટે પાયે પૈસા રોકવા માંડ્યો. અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા કેટલાક પ્રોડ્યુસર્સ અચાનક ટોચ તરફ જવા લાગ્યા એટલે બીજા ફિલ્મ પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર પણ ભાઈની (દાઉદ)ની મદદ લેવા આગળ આવ્યા. દાઉદ ઈબ્રાહિમના પૈસાથી હિંદી ફિલ્મો બનવા માંડી એટલે સ્વાભાવિક રીતે દાઉદનું વર્ચસ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધવા માંડ્યું. બીજી બાજુ શારજાહમાં ક્રિકેટ મેચ જોવા-માણવા માટે દાઉદ ફિલ્મ સ્ટાર્સને આમંત્રણ આપવા માંડ્યો અને ફિલ્મ સ્ટાર્સ પણ હોંશે હોંશે શારજાહ જઈને શર્ટનો કોલર ઊંચો કરીને દાઉદ સાથે ક્રિકેટ મેચ જોતા થઈ ગયા. દાઉદના કોઈ પણ કૌટુંબિક પ્રસંગમાં હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના ફિલ્મ સ્ટાર્સની હાજરી અચૂક જોવા મળે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ.

તમારે એક વાત વાચકોને ખાસ કહેવી જોઈએ કે દાઉદ ઈબ્રાહિમે એંસી અને નેવુંના દાયકામાં હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ ટોચના સ્ટાર્સને પોતાના મહેમાન બનાવ્યા છે. 1993 સુધી તો ગણ્યાગાંઠ્યા ફિલ્મ સ્ટાર્સને બાદ કરતા બાકીના તમામ ફિલ્મ સ્ટાર્સ દાઉદ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. દાઉદ વ્યક્તિગત રીતે પણ એમને દુબઈ બોલાવતો હતો. એમને દુબઈની રિટર્ન ટિકિટ, દુબઈમાં રહેવા માટે આલીશાન હોટલમાં બુકિંગ અને આટલું ઓછું હોય એમ જરૂર પડ્યે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હીરો-હિરોઈન્સ માટે દાઉદ ઈબ્રાહિમ પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સને ભલામણ પણ કરી દેતો. પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સે દાઉદ ઈબ્રાહિમની ભલામણ સ્વીકરવી પડે એવો વણલખ્યો નિયમ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બની ગયો હતો.

પપ્પુ ટકલાએ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોલ ખોલતાં વાત આગળ ધપાવી, ‘તમને યાદ હશે કે રાજકુમાર સંતોષી ‘ચાયના ગેટ’ ફિલ્મ બનાવી રહ્યાં હતા ત્યારે એમને ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણીના અભિનયથી સંતોષ થયો નહીં એટલે એમણે મમતાને ‘ચાયના ગેટ’માંથી પડતી મૂકી દીધી હતી, પણ એ પછી રાજકુમાર સંતોષીને મમતા કુલકર્ણીને ફરીવાર ‘ચાયના ગેટ’માં લેવી પડી હતી. આ કિસ્સો તો અખબારો સુધી પહોંચ્યો હતો એટલે એની આટલી ચર્ચા થઈ પણ હિંદી ઈન્ડસ્ટ્રીમાં આવા તો સેંકડો કિસ્સા બન્યા છે જેમાં ફિલ્મના લીડ રોલ માટે દુબઈથી ખાસ ભલામણ આવી હોય અને રાતોરાત ફિલ્મના હીરો કે હિરોઈન બદલાઈ ગયા હોય.

પપ્પુ ટકલા હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અંડરવર્લ્ડના કનેકશનની વાત કરી રહ્યો હતો ત્યારે જ એના સેલ્યુલર ફોનની રિંગ વાગી હતી. પપ્પુ ટકલા સેલ્યુલર ઉઠાવીને અંદરના રૂમમાં ગયો હતો. એ પાછો આવ્યો ત્યાં સુધીમાં અમે માનસિક રીતે તૈયાર થઈ ગયા હતા કે આની સાથે આજની મુલાકાતનો અંત આવી રહ્યો છે.

અને એવું જ બન્યું હતું. પપ્પુ ટકલાએ કહ્યું કે ‘મારે થોડું અરજન્ટ કામ આવી ગયુ છે. મારે જવું પડશે.’

(ક્રમશ:)