Once Upon a Time - 91 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 91

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 91

‘ગવળીના જાની દુશ્મન દાઉદ અને અશ્વિન નાઈકે પોતપોતાની રીતે અરૂણ ગવળીને મારી નાખવા માટે જડબેસલાક તૈયારી કરી લીધી, પણ અરૂણ ગવળી વધુ એક વાર ચાલાક પુરવાર થયો. એણે મુંબઈ આવવા માટે નાગપુરથી ફલાઈટની ટિકિટ બુક કરાવીને નાઈક અને દાઉદ ગેંગને ઉલ્લુ બનાવ્યા. નાગપુરથી એ છૂપી રીતે મહારાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં થઈને મુંબઈ પહોંચી ગયો. ગવળીને મુંબઈ લાવવા માટે એના શાર્પ શૂટરો અડધો ડઝન કારમાં નાગપુર પહોંચી ગયા હતા. ગવળી સહીસલામત દગજી ચાલમાં પહોંચી ગયો અને દાઉદ ગેંગ તથા નાઈક ગેંગના શૂટર્સ હાથ ઘસતા રહી ગયા.

જેલમાંથી બહાર આવીને અરૂણ ગવળીને મુંબઈમાં રાજકીય ખેલ શરૂ કર્યો. એ દરમિયાન લોકસભાની ચૂંટણીઓ આવી એટલે ગવળીએ પોતાના અખિલ ભારતીય સેના પક્ષના ઉમેદવારોને ચૂંટણીઓમાં ઉતારવાનો નિર્ણય લીધો. ગવળીના આ પગલાંને શિવસેનાએ હાસ્યાસ્પદ ગણ્યું, પણ ગણતરીના દિવસોમાં જ શિવસેના ડઘાઈ જાય એવો ખેલ ગવળીએ કરી બતાવ્યો. ગવળીએ શિવસેનાના મતદારોને ધ્યાનમાં રાખીને ચૂંટણીપ્રચાર શરૂ કર્યો. આ દરમિયાન એણે મુંબઈમાં એક જાહેરસભાનું આયોજન કર્યું. એ જાહેરસભાની તૈયારીઓને પણ શિવસેના અને ભાજપના નેતાઓએ ગંભીરતાથી લીધી નહીં. મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહપ્રધાન ગોપીનાથ મુંડેને ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓએ એવો રિપોર્ટ આપ્યો કે અરુણ ગવળીના પક્ષની સભામાં દસ હજારથી વધુ માણસો ભેગા થાય એવી શક્યતા નથી. બીજી બાજુ અરુણ ગવળી ખુદ એ સભામાં હાજર રહેવાનો હોવાની વાત બહાર આવી એટલે વળી એકવાર દાઉદ અને નાઈક ગેંગના શૂટર્સ શસ્ત્રો સજાવીને તૈયાર થઈ ગયા. દાઉદને આ વખતે કોઈ કાળે નિષ્ફળતા ખપતી નહોતી. એણે મુન્ના ઝીંગાડા નામના શાર્પશૂટરની આગેવાની હેઠળ છ શાર્પશૂટર્સની ટીમ તૈયાર કરી અને ગવળીને જાહેરસભામાં ખતમ કરી દેવાનો આદેશ આપ્યો. મુન્ના ઝીંગાડા અને અન્ય શૂટર્સને ટેલિસ્કોપિક ગન સહિત અત્યંત અત્યાધુનિક શસ્ત્રો પૂરા પાડવામાં આવ્યા. ગવળીને ખતર કરી દેવાની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. બીજી તરફ મુંબઈ પોલીસને શંકા હતી કે ગવળી જાહેરમાં આવશે એટલે એની હત્યાની કોશિશ થયા વિના રહેશે નહીં. એટલે ગવળીની જાહેરસભાના દિવસે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની તૈયારી મુંબઈ પોલીસે કરી દીધી. દાઉદના શૂટર્સ ગવળીની જાહેરસભાના દિવસની રાહ જોઈ રહ્યા હતા. એ વખતે નાઈક ગેંગના શૂટર્સ પણ ગવળીને ઢાળી દેવા સાબદા થઈ ગયા હતા!

***

અરુણ ગવળીને જાહેરસભામાં જ ખતમ કરી દેવાનો કારસો દાઉદ ઈબ્રાહીમ ગેંગ દ્વારા ઘડવામાં આવ્યો હતો. પણ ફરી એક વાર અરુણ ગવળી વધુ ચાલાક પુરવાર થયો. એ પોતાના રાજકીય પક્ષની જાહેર સભામાં ડોકાયો જ નહીં. અખિલ ભારતીય સેનાની જાહેરસભાનું સુકાન અરુણ ગવળીની પત્ની આશાએ સંભાળ્યું. ગવળી જાહેરસભામાં આવ્યો નહીં એથી દાઉદ ઈબ્રાહીમ અને અશ્વિન નાઈક ગેંગના શાર્પશૂટર્સને નિરાશ થઈને પાછા જવું પડ્યું. તો બીજી બાજુ અરુણ ગવળીની જાહેરસભામાં જે મેદની ઉમટી પડી એથી મહારાષ્ટ્રની શિવસેના-ભાજપ સરકારને આંચકો લાગ્યો. ગવળીના પક્ષની જાહેરસભામાં એક લાખ જેટલા માણસો ઉમટી પડ્યા. ગવળીની જાહેરસભામાં આટલી મોટીસંખ્યામાં માણસો જોઈને શિવસેનાના નેતાઓ ઊંચા-નીચા થઈ ગયા. ગવળી પોતાના પક્ષની જાહેરસભામાં દરેક માણસને પૈસા આપીને ખેંચી લાવ્યો હોત તો પણ મહારાષ્ટ્રની સરકારે અને ખાસ તો શિવસેનાએ ગભરાવા જેવું હતું અને શિવસેનામાં ખરેખર ગભરાટ ફેલાયો હતો. કારણ કે ગવળીની સભામાં આવેલા માણસો શિવસેનાના મતદારો હતા.

એક બાજુ ગવળીના પક્ષની જંગી જાહેરસભા યોજાઈ તો બીજી બાજુ ગવળીએ બ્લડ ડોનેશન કેમ્પ અને એવા બીજા તિકડમ ઊભા કરીને પોતાની નવી ઈમેજ ઊભી કરવાના પ્રયાસ આદરી દીધા હતા. ગવળીએ પોતાના પક્ષના ઉમેદવારોને લોકસભા ચૂંટણીઓમાં ઉતાર્યા હતા. મુંબઈની છ લોકસભા બેઠકો સહિત મહારાષ્ટ્રની કુલ 14 લોકસભા બેઠક પર ગવળીના પક્ષના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં હતા. ગવળીના પક્ષના ઉમેદવારો ચૂંટાઈ ન આવે તો પણ શિવસેના અને ભાજપ યુતિ માટે જોખમી હતા. ગવળીના ઉમેદવારો શિવસેનાના ઉમેદવારોના મત ખેંચી જવામાં સફળ થાય તો કોંગ્રેસી ઉમેદવારોને જીતવાનું સહેલું થઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ હતી.

આ સ્થિતિમાં શિવસેનાના ઉમેદવારોએ પોલીસને ફરિયાદ કરી કે, અરુણ ગવળીના માણસો અમને અને અમારા ટેકેદારોને ધમકી આપી રહ્યા છે! ગવળી સામે આવી ફરિયાદો મળી એટલે મુંબઈ પોલીસે એની સામે પગલાં લેવામાં અસાધારણ ઝડપ બતાવી. 19 ફેબ્રુઆરી, 1997ના દિવસે અરુણ ગવળીની સામે મુંબઈ અગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં આવી પ્રથમ ફરિયાદ નોંધાઈ અને એ ફરિયાદ નોંધાયા પછી ચાર કલાકમાં તો મધરાતે અરુણ ગવળીની રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ ધરપકડ કરી લેવામાં આવી. અરુણ ગવળીને પકડીને અમરાવતી જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

અરુણ ગવળીની ધરપકડથી એના રાજકીય પક્ષ અખિલ ભારતીય સેનામાં ગભરાટ ફેલાયો. પણ ગવળીની પત્ની આશાએ કોર્ટને ફરિયાદ કરી કે શિવસેનાના દબાણ હેઠળ મારા પતિ અમારા પક્ષનો ચૂંટણી પ્રચાર ન કરી શકે માટે આ પગલું લેવાયું છે. આ કેસની સુનાવણી શરૂ થઈ. બીજી બાજુ અરુણ ગવળીએ આનંદી કાગડાની જેમ અમરાવતીની જેલમાં પોતાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી.’

‘અરુણ ગળવી જેલમાં પોતાનો દરબાર ચલાવતો હતો એ વિશે અગાઉ મેં તમને કહ્યું હતું. પણ એની હિંમત કેટલી હતી એનો અનુભવ 1997ના ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન મુંબઈના એક ગુજરાતી ઉદ્યોગપતિને થયો હતો,’ પપ્પુ ટકલાએ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવતા કહ્યું, પપ્પુ ટકલાએ વાતને વળાંક આપ્યો એટલે અમને લાગ્યું કે ફરી એકવાર એની અંદર કોઈ અવગતે ગયેલા સ્ક્રિપ્ટ રાઈટરના ભૂતનો પ્રવેશ થયો છે.

અને અમારી ધારણા સાચી પડી હતી. પપ્પુ ટકલાએ વધુ એકવાર સ્ક્રિપ્ટ રાઈટરની સ્ટાઈલથી વાત માંડી હતી અને તેણે ફ્લેશબેકનું ગતકડું અજમાવ્યું હતું!

***

‘અરુણભાઈ માર્કેટ બહોત ડાઉન હૈ, અભી મૈં ઈતના હી પૈસા દે પાઉંગા.’

મુંબઈના એક ખમતીધર ગુજરાતી ઉદ્યોગપતિ અમરાવતીની જેલમાં અરુણ ગવળીને આજીજીના સૂરમાં રહી રહ્યા હતા. એ ગુજરાતી ઉદ્યોગપતિ પણ પહોંચલા હતા. એમની પાસે મુંબઈમાં બે મિલ હતી અને કરોડો રૂપિયાની જમીનમાંની એક જમીન માટે એ ઉદ્યોગપતિએ અરુણ ગવળીની મદદ લીધી હતી. ગવળીએ એમનું કામ કરી આપ્યું હતું, પણ પછી એ ઉદ્યોગપતિ પાસે રૂપિયા ચાર કરોડની ખંડણી માગી હતી.

‘મૈંને ‘મામા’ કો મેરી પરેશાની કે બારે મેં બતાયા થા, તો ભી આપ કા ઓર્ડર આયા તો મૈંને ઈતના પૈસા બહુત મુશ્કિલ સે જમા કિયા હૈ.’ ગુજરાતી ઉદ્યોગપતિએ કહ્યું. એ ઉદ્યોગપતિ રૂપિયા 75 લાખ લાવ્યા હતા. જો કે ગુજરાતી ઉદ્યોગપતિની કાકલૂદીની અરુણ ગવળી પર અસર ન થઈ.

મુંબઈના શ્રીમંતો જ્યારે પૈસા આપવાની વાત આવે ત્યારે અચાનક જ રોદણા રડવા માંડતા હોય છે. એવું ગવળી માનતો હતો.

‘દેખો તુમ ને હમ સે હેલ્પ લે કે 50 કરોડ કા ફાયદા કિયા ના? તો અબ હમારા છોટા સા પેમેન્ટ કરને મેં તુમ્હે ક્યા તકલીફ હોની ચાહિયે?’ ગવળીએ ઠંડે કલેજે પૂછ્યું.

‘લેકિન ભાઈ, મેરી બાત તો સુનો,’ ગુજરાતી ઉદ્યોપતિએ ગવળીને સમજાવવા માટે કોશિશ કરી જોઈ.

‘લેકિન-વેકિન કુછ નહીં, એક હપ્તે મેં હમે પૈસા મિલ જાના ચાહિયે, મામા બોલતે હૈ તો ઈતના ટાઈમ દેતા હું,’ ગવળીએ ઓર્ડર છોડ્યો.

અરુણ ગવળીએ ‘આંખની શરમ’ ન રાખી એટલે ગુજરાતી ઉદ્યોગપતિ નિરાશ થઈને વીલા મોંએ મુંબઈ પાછા ફર્યા.

તેમના ગયા પછી અરુણ ગવળીએ તેના એક ખાસ સાથીદારને જે સૂચના આપી એ તે ગુજરાતી ઉદ્યોગપતિએ સાંભળી હોત તો તેઓ ધ્રૂજી ઊઠ્યા હોત!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED