Rudra ni Premkahani - 11 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 11

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 11

પોતાનાં પુત્રમાં યોગ્ય સંસ્કારો નું સિંચન થાય એ હેતુથી નિર્વા અને દેવદત્ત રુદ્ર ને ગેબીનાથ નાં આશ્રમમાં મૂકી આવ્યાં.. રુદ્ર નાં આગમનથી પરેશાન આશ્રમમાં વસતાં બે નિમ બાળકો શતાયુ અને ઈશાન રુદ્ર ત્યાંથી ચાલ્યો જાય એ હેતુથી રારા નામનાં એક ભયાનક અજગરથી ડરાવી એને ત્યાંથી ભગાવવાની યોજના બનાવે છે જે ગુરુ ગેબીનાથ સાંભળી જાય છે.. આમ છતાં ગેબીનાથ શતાયુ અને ઈશાનની સાથે જ રુદ્ર ને જંગલમાં મોકલે છે.

શતાયુ અને ઈશાન ગુરુજી ની આજ્ઞા મળતાં રાજકુમાર રુદ્ર ને પોતાની સાથે લઈને જંગલમાં જાય છે.. શતાયુ ની યોજના મુજબ એ લોકો રુદ્ર ને રારા નું નિવાસસ્થાન હોય છે એ ગુફા આગળ લઈને આવે છે.. ક્યારેય આટલું ચાલ્યો ના હોવાં છતાં રુદ્ર આટલી નાની ઉંમરે પણ શતાયુ અને ઈશાન સાથે કદમ થી કદમ મિલાવીને ચાલી રહ્યો હતો.. આ જોઈ શતાયુ અને ઈશાન ને પણ મનોમન એવું લાગી રહ્યું હતું કે પોતાની જોડે જે બાળક છે એ ખાસ છે.

"અરે.. આહ, ઈશાન... "પોતાની યોજનાને અમલમાં મુકવાની શરુવાત કરતાં શતાયુ પગ પકડીને બેસી ગયો.

"શું થયું ભાઈ..? "ઈશાને નાટક આગળ વધારતાં શતાયુ ને પૂછ્યું.

"લાગે છે પગમાં મચકોડ આવી ગઈ લાગે છે.. મારાંથી હવે આગળ નહીં ચલાય.. "ચહેરા પર બનાવટી પીડાનાં ભાવ લાવી શતાયુ બોલ્યો.

"પણ ભાઈ.. હજુ તો સામે ગુફામાં જઈને ફળ વીણવા નાં છે.. "રારા ની ગુફા તરફ આંગળી ચીંધતાં ઈશાન બોલ્યો.

ઈશાન અને શતાયુ વચ્ચે થઈ રહેલી આ વાતચીત ને માસુમ રુદ્ર સત્ય માની બેઠો.. રુદ્ર શતાયુ ની નજીક આવ્યો અને કહ્યું.

"જો તમને પગમાં સારું ના હોય તો અહીં થોડો સમય બેસો.. મને કપડાંની પોટલી આપી દો.. હું ત્યાં ગુફામાં જઈને ફળ વીણી આવીશ.. "

રુદ્ર નાં આમ બોલતાં જ શતાયુ અને ઈશાન નાં ચહેરા પર વિજયસુચક સ્મિત ફરી વળ્યું.. રુદ્ર એ સામે ચાલીને ગુફામાં જવાની તૈયારી બતાવી હતી એ સાંભળી એ બંને ને એ બાબતની નિરાંત થઈ કે ગુફામાં રુદ્ર એની ઈચ્છાથી જાય તો આગળ જતાં કંઈપણ અનિચ્છનીય બને તો પણ એમનો વાંક ના આવે.

"પણ રાજકુમાર તમે એકલાં..? અરે તમને કંઈ થઈ ગયું તો ગુરુજી અમને વઢશે..? "ઈશાન નાટક કરતાં બોલ્યો.

"અરે મને કંઈ નહીં થાય.. તમે નાહક ની ચિંતા ના કરશો અને શતાયુ ની પાસે રહીને એનું ધ્યાન રાખો.. "ઈશાન નાં હાથમાંથી કપડાનો ટુકડો લેતાં રુદ્ર બોલ્યો.

"સારું હવે તમે ગુફામાં એકલાં જવાની જીદ જ કરી રહ્યાં છો તો પછી અમે તમને રોકી પણ ના શકીએ.. "પોતાનો પગ પકડીને બેસેલાં શતાયુ એ મનમાં ચાલતી મેલી મુરાદ ને આગળ ધપાવતાં કહ્યું.

"સારું ત્યારે હવે હું ગુફા તરફ પ્રયાણ કરું.. હર મહાદેવ.. "આટલું કહી રુદ્ર ગુફાની તરફ ચાલી નીકળ્યો.. રુદ્ર એ વાતથી બેખબર હતો કે આ ગુફામાં પાતાળલોકનાં સૌથી વિશાળ સર્પ રારા નો વાસ છે.

રુદ્ર જેવો ગુફામાં પ્રવેશ્યો એ સાથે જ એનાં કાને કંઈક વિચિત્ર ધ્વનિ પડ્યો.. આ ધ્વનિ હતો રારા નાં શ્વાસોશ્વાસનાં લીધે એનાં શરીરમાં થતી હલનચલનનાં લીધે પેદા થતો ધ્વનિ.. આ ધ્વનિ ને માનવ શ્રવણશક્તિ દ્વારા જે રૂપે સાંભળવામાં આવતો એ સ્વર હતાં.

"રા.. રા.. રા.. રા... રા.. "

આજ કારણોથી એ વિશાળકાય અજગરને રારા તરીકે ઓળખવામાં આવતો હતો.. આ ધ્વનિ શેનો હતો એનો ખ્યાલ ના આવતાં રુદ્ર ગુફામાં આગળ વધે જતો હતો.. થોડે દુર ગયાં બાદ રુદ્ર એ જોયું તો ગુફામાં ઘણાં બધાં ફળનાં વૃક્ષો હતાં. સફરજન, જાંબુ, સીતાફળ, દાડમ નાં વૃક્ષો પર મોજુદ અઢળક ફળો ને જોઈ રુદ્ર ઉતાવળાં ડગલે ચાલીને વૃક્ષોની હરોળ તરફ અગ્રેસર થયો.

પોતાની જોડે રહેલી પોટલીમાં રુદ્ર એ નીચે પડેલાં ફળ આ સાથે જ ભરવાનું શરૂ કરી દીધું.. રુદ્ર જેવી પોટલી ભરીને એની ગાંઠ વાળવા જતો હતો ત્યાં એક વિશાળકાય આકૃતિ એની પાછળ આવીને સ્થિર થઈ ગઈ.. બે મોટી ચમકતી આંખો રુદ્ર ની તરફ એકધાર્યું નિહાળી રહી હતી.. એ રારા હતો.. રારા નાં શ્વાસોશ્વાસ થી રુદ્રની આસપાસની જમીન પર જાણે ધરતીકંપ આવ્યો હોય એમ ધ્રુજી રહી હતી.

આ સાથે જ રારા નાં શ્વાસોશ્વાસથી પેદા થતો ધ્વનિ રુદ્ર નાં કાને પડ્યો એટલે એને પોતાની પાછળ કોઈ વિશાળકાય જીવ હાજર છે એવો અણસાર તો આવી ગયો હતો.

"કોણ છે તું..? મારી રજા વગર મારી ગુફામાં પ્રવેશવાનું દુઃસાહસ..? "રારા એક ચમત્કારી સર્પ હતો જે માનવો ની માફક વાચા પણ ધરાવતો હતો.

રારા નો કકર્ષ અને ક્રોધિત સ્વર સાંભળીને રુદ્ર ઘૂમીને રારા ની ની તરફ જોતો ઉભો રહી ગયો.. રુદ્ર એ જોયું તો લગભગ ત્રણસો હાથ લાંબો અજગર કુંડળી મારીને એની સંમુખ હાજર હતો.. જેની બે મોટી-મોટી આંખો એકધાર્યું પોતાની તરફ જોઈ રહી હતી.. આ સિવાય એ અજગર ની જિહ્વા પણ વારેઘડીએ અંદર-બહાર થઈ રહી હતી. પાંચ વર્ષની આયુ અને અંધારી ગુફામાં એક વિશાળકાય અજગર ની સંમુખ હોવાં છતાં રુદ્ર નાં ચહેરા પર જરા અમથો પણ ડર નહોતો.

"સર્પરાજ, મારું નામ રુદ્ર છે.. અને હું ગુરુ ગેબીનાથ નો શિષ્ય છું.. "પોતાનું મસ્તક રારા ની તરફ ઝુકાવી રુદ્ર વિનમ્રતા સાથે બોલ્યો.

"તને કોઈએ જણાવ્યું નહીં કે આ ગુફા મારી અમાનત છે.. અને આજ સુધી મારી હાજરીમાં જે કોઈપણ આ ગુફામાં આવ્યું એ જીવિત બહાર નથી ગયું.. "રારા એક બાળક ને નિર્ભય બની પોતાની સામે ઉભેલો જોઈ ક્રોધાવેશ બોલ્યો.

"ના સર્પરાજ.. મને કોઈએ નથી જણાવ્યું કે આ ગુફા તમારી અમાનત છે.. અને જો જણાવ્યું હોત તો પણ હું તો અવશ્ય આ ગુફામાં ફળ વીણવા પ્રવેશ કરત.. "વિચલિત થયાં વીનાં શાંતિથી રારા ની વાતનો પ્રત્યુત્તર આપતાં રુદ્ર બોલ્યો.

"લાગે છે તને મારો ડર નથી લાગતો.. "રુદ્ર ની નજીક સરકતાં રારા બોલ્યો.

"આ દુનિયામાં ડર જેવી કોઈ વસ્તુ ત્યાં સુધી અસ્તિત્વ જ નથી ધરાવતી જ્યાં સુધી તમે એને ડર ના સમજો અને આ ગુફામાં મોજુદ ફળ નાં વૃક્ષો કોઈની અમાનત નથી કે કોઈનો એની ઉપર હક નથી.. જીવ માત્ર પોતાની ભૂખ સંતોષવા આ વૃક્ષો પરથી ફળ તોડી શકે છે.. તો હું પણ એ હેતુથી અહીં આવ્યો હતો.. મને ગમ્યું એ મેં કર્યું તમને ગમે એ તમે કરો. "રુદ્ર નાં અવાજમાં શાલીનતા ની સાથે નિર્ભયતા ની આછેરી ઝલક દેખાઈ રહી હતી.

"તો પછી તું તૈયાર થઈ જા મારુ ભોજન બનવા માટે.. "પોતાનાં ચહેરા ને રુદ્ર ની નજીક લાવીને રારા કકર્ષ સ્વરે બોલ્યો.. આ દરમિયાન એની જિહ્વા સતત અંદર-બહાર થતી હતી.

"જો એવું કરીને તમારી ભૂખ શાંત થતી હોય અને તમારાં મનને શાંતિ મળતી હોય તો હું તૈયાર છું તમારું ભોજન બનવા માટે.. "નતમસ્તક થઈને રુદ્ર કોઈ ખચકાટ વીનાં બોલ્યો.

એક પાંચ વર્ષનું બાળક અત્યારે નિર્ભય બનીને પોતાની સામે ઉભું હતું અને વળી ખુશી ખુશી પોતાનું ભક્ષણ થાય એ માટે પણ તૈયાર હતું એ જોઈ એ મહાકાય સર્પ રારા ને એટલું તો સમજાઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય બાળક નહોતું.. છતાં પોતાની જે ધાક અને ડર આ જંગલમાં કાયમ હતો એને બરકરાર રાખવાં આ નિર્દોષ બાળકનું મારણ કરવું જરૂરી હતું.. રુદ્ર ને પોતાનું મારણ બનાવ્યાં પહેલાં રારા એને ભયભીત જોવાં માંગતો હતો એટલે રારા એ પોતાની પૂંછડીનો ઉપયોગ કરી રુદ્ર ની ફરતે મજબૂત પકડ બનાવી દીધી.

આમ થતાં સહેજ પણ ડર ચહેરા પર દેખાડ્યા વીનાં રુદ્ર ધીરેથી મહાદેવ નાં નામ નું રટણ કરી રહ્યો હતો.. હજુપણ એક નાનું સરખું બાળક પોતાનાંથી નહોતું ડરી રહ્યું એ રારા માટે અવિશ્વસનીય હતું.. રારા ધીરેથી રુદ્ર ની તરફ સરકયો અને પોતાની જીભ ધીરેથી રુદ્ર નાં ચહેરા ઉપર ફેરવી.

અચાનક રારા ની નજર રુદ્ર નાં હાથ ઉપર મોજુદ સર્પનાં નિશાન પર પડી.. આ સર્પ નાં નિશાનની સાથે સર્પ નાં મસ્તક ની લગોલગ બનેલાં સૂર્ય નું નિશાન પણ રારા એ પોતાની મોટી-મોટી આંખોથી જોયું. આ નિશાન જોતાં જ રારા એ રુદ્ર પર બનાવેલી પોતાની પકડ ઢીલી કરી દીધી અને બોલી પડ્યો.

"ક્ષમા.. ક્ષમા... મને આ અક્ષમ્ય ભૂલ માટે માફ કરો રાજકુમાર.. "

રારા નું આ બદલાયેલું વર્તન જોઈ રુદ્ર એ ધીરેથી આંખ ખોલી અને રારા નો ચહેરો જોયો.. રુદ્ર એ જોયું કે રારા નાં ચહેરા પર પસ્તાવો સાફ-સાફ દેખાઈ રહ્યો હતો.. પણ આવું અચાનક કેમ થયું એ જાણવાંનાં હેતુથી રુદ્ર એ રારા ને કહ્યું.

"સર્પરાજ.. તમે કોઈ ભૂલ કરી જ નથી તો તમે શેની ક્ષમા માંગો છો..? "

"તમે આ રાજ્યનાં રાજકુમાર છો એવું તમે મને જણાવ્યું હોત તો હું આ ભૂલ કરત જ નહીં.. આ તો સારું થયું કે યોગ્ય સમયે મારી નજર તમારાં હાથ પર પડેલાં રાજચિહ્નન પર પડી.. નહીં તો મારાંથી બહુ મોટું પાપ થઈ જાત.. "અવાજમાં નરમાશ સાથે રારા બોલ્યો.

"ઓહ.. તો એ કારણ છે તમારાં વર્તનમાં આવેલાં પરિવર્તન નું.. સર્પરાજ તમે મને મારો પરિચય પૂછ્યો હતો ત્યારે મેં એટલે એમ જણાવ્યું કે હું ગુરુ ગેબીનાથ નો શિષ્ય છું કેમકે અત્યારે હું સાચેમાં રાજકુમાર નહીં પણ ગુરુજીનાં આશ્રમમાં રહેતાં મારાં રાજ્યનાં અન્ય બાળકો ની માફક એમનો શિષ્ય જ છું.. મારાં અને એમની વચ્ચે કોઈ ભેદ નથી.. "રુદ્ર એ કહ્યું.. રુદ્ર જ્યારે આ કહી રહ્યો હતો ત્યારે ગુફામાં પહોંચવામાં મોડાં પડેલાં શતાયુ અને ઈશાન પણ આ બધું સાંભળી રહ્યાં હતાં.

"છતાં પણ રાજકુમાર જો મને ખબર હોત કે હું એ વ્યક્તિનું ભક્ષણ કરવાં જઈ રહ્યો હતો જેની ઉપર પાતાળલોકમાં વસવાટ કરતાં લાખો મનુષ્યો ઉપરાંત લાખો-કરોડો અન્ય જીવોનું પણ ભાવિ ટકેલું છે.. જેનાં થકી જ અહીંના સર્વે જીવોનું કલ્યાણ થવાનું છે એ રાજકુમાર ને હું મારું ભોજન સમજી બેઠો.. ખરેખર મને આનો દંડ મળવો જોઈએ.. "ગ્લાનિ સાથે રારા એ કહ્યું.

"સર્પરાજ.. જો તમે ઇચ્છો છો કે તમને કોઈ દંડ મળે તો મારું કહ્યું માનશો..? "રુદ્ર એ રારા ની તરફ જોતાં પૂછ્યું.

"તમે જે કહેશો એ બધું જ તમારો આ દાસ કરવાં તૈયાર છે.. "રારા નાં અવાજમાં રહેલી કકર્ષતા હવે મધુરતા માં પરિવર્તન પામી ચુકી હતી.

"જો એવું હોય તો તમે આજ પછી આ જંગલમાં આવતાં કોઈપણ મનુષ્ય નું કે કોઈપણ નિર્દોષ પશુ નું ભક્ષણ નહીં કરો.. હું મહાદેવ નું નામ લઈને તમને વરદાન આપું છું કે તમને ક્યારેય ભૂખ નહીં લાગે.. મહાદેવ નું નામ માત્ર જ તમારાં શરીરની ઉર્જા ટકાવી રાખશે.. "રુદ્ર એ કહ્યું.

"મને તમારું કહ્યું મંજુર છે રાજકુમાર.. હું વચન આપું છું કે આજ પછી હું ક્યારેય કોઈપણ મનુષ્ય કે અન્ય સજીવ નું ભક્ષણ નહીં કરું.. "રારા બોલ્યો.

"સારું તો હવે હું અહીંથી આશ્રમ તરફ પ્રયાણ કરું.. મારાં બે સખા પણ બહાર મારી વાટ જોતાં હશે.. "નીચે પડેલાં ફળોને પુનઃ પોટલીમાં મુકતાં રુદ્ર બોલ્યો.

"અવશ્ય.. હર મહાદેવ.. "રારા એ ઊંચા અવાજે કહ્યું.

"હર હર મહાદેવ.. "આટલું કહી રુદ્ર ગુફાની બહાર ની તરફ ચાલી નીકળ્યો.

ગુફામાં જે કંઈપણ ઘટિત થયું હતું એ પોતાની નજરે નિહાળનાર શતાયુ અને ઈશાન એટલું તો સમજી ચુક્યાં હતાં કે રુદ્ર કોઈ સામાન્ય બાળક નહોતો.. અને સાથે-સાથે સમગ્ર પાતાળલોકનું ભાવિ એની ઉપર આધારિત છે.. રુદ્ર નાં ગુફામાંથી બહાર આવ્યાં પહેલાં એ બંને ઉતાવળાં દોડીને પુનઃ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં.

"રુદ્ર, તું આવી ગયો.. ચાલ ત્યારે હવે વધુ મોડું કર્યાં વીનાં આશ્રમ તરફ પ્રસ્થાન કરીએ.. "રુદ્ર નાં પોતાની નજીક આવતાં જ શતાયુ બોલ્યો.. રુદ્ર તરફ શતાયુનાં મનમાં રહેલો જે ક્રોધ અને ઈર્ષા હતી એનું સ્થાન રુદ્ર નું અહિત વિચારવાનાં કારણે થઈ રહેલાં ગ્લાનિ અને પસ્તાવા એ લઈ લીધું હતું.

"હા.. ચલો.. "રુદ્ર ચહેરા પર સ્મિત સાથે બોલ્યો.. રુદ્ર ની મુખમુદ્રા પરથી એ જાણવું અશક્ય હતું કે એની જોડે ગુફાની અંદર શું ઘટના બની હતી.

આખરે રુદ્ર, ઈશાન અને શતાયુ આશ્રમ સુધી આવી પહોંચ્યાં ત્યારે સૂર્યદંડ પણ સૂર્ય ની માફક જ વર્તતો હોવાથી સાંજ થવાં આવી હતી.

આશ્રમનાં પટાંગણમાં પગ મુકતાં ની સાથે જ રુદ્ર એ શતાયુ અને ઈશાન તરફ જોઈને સ્મિત સાથે કહ્યું.

"મને ખબર છે કે તમે એવું ઈચ્છતા હતાં કે હું રારા નામનાં અજગર નાં રહેણાંક એવી ગુફાની અંદર પ્રવેશું.. "

★★★

વધુ નવાં અધ્યાયમાં.

રાજકુમાર રુદ્ર ગુરુજી ને શતાયુ અને ઈશાન નાં નિંદનીય કાર્ય વિશે જણાવશે...? શતાયુ અને ઈશાન નાં રુદ્ર સાથેનાં સંબંધો આગળ જતાં કઈ દિશામાં આગળ વધશે..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED