જીવલેણ:એક સત્ય ઘટના
કોઈ ઈશ્વર કે કોઈ ખુદા ક્યાં દેખાઈ છે કોઈને?;
એ તો સાથે રહે છે મનુષ્ય રૂપી ફરિશ્તા બનીને.
તારીખ 21 સપ્ટેમ્બર 2019.
આજ 22 સપ્ટેમ્બર 2019..
કાલ રોજ સાંજના પાંચ વાગ્યા આજુબાજુ નક્કી થયું "ઢોસા" બનાવવા.મારે બજાર જવાનું નહોતું. ઘરમાંથી એક સભ્ય મારા સાસુ તેની દવા લેવા માટે જવાના છે તો નક્કી થયું કે એ જ ટામેટા, ઢોસાનું તૈયાર ખીરુ અને ચટણી લેતા આવશે.
પછી હું ટીવી જોવા બેસી ગઈ.સરસ ફિલ્મ આવતીતી "મોહરા". લગભગ એકાદ કલાક ટીવી જોયા બાદ ફરી એક નિર્ણય આવ્યો.દવા લેવા જવાનું કેન્સલ કરવું પડશે એટલે ઘટતી વસ્તુ બજારમાં મારે લેવા જવાની થઈ.....
હું ,ધ્રુવલ. મારો પાંચ વર્ષનો બાબો. અમે બંને બજાર જવા માટે નીકળ્યા. પહેલા અમે ઢોસા માટેનું તૈયાર ખીરુંને ચટણી લીધા અને પછી ટામેટા લેવા માટે માર્કેટ પહોંચ્યા. બીજી કોઈ વસ્તુ લેવાની નહોતી એટલે આડાઅવળું જોવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. માત્રને માત્ર ટમેટા લઈ અમે પરત ઘર બાજુ આવવા નીકળ્યા. આગળ ધ્રુવલ છે.મારી પાસે એકટીવા છે.મેં એક કાકાને બાજુ પર ઊભેલા દૂરથી જોયેલા. લગભગ તેની ઉંમર 40 થી 50 વચ્ચે આધેડ.
અમે લગભગ એની નજીક પહોંચ્યાને એ હાથ લાંબો કર્યોને બોલ્યા "એ બેન" .લગભગ મને એવું લાગ્યું એમણે મને જ કહ્યું. મારી ગાડી થોડી સ્પીડમાં. મતલબ 35 આજુબાજુ હશે. એ બોલ્યા ત્યાં તો અમે તેની સામેથી પસાર થઈ ગયા. પણ એ કાકાનું બોલવું અને મારા મનમાં વિચાર આવવો કે એમણે હાથ લાંબો કર્યો તો કશુંક કહેવા માંગે છે.
એ જ સેકન્ડે મેં ગાડી ની ડાબી બાજુ નજર કરી. નીચે જોઉં તો મારી ચુંદડીનો- દુપટ્ટાનો એક ભાગ મારી ગાડીની નીચે છે. મે બીજી જ સેકન્ડે મારો દુપટ્ટો ખેંચી અને મારા ખોળામાં મૂકી દીધો.મેં જોયું ત્યારે દુપટ્ટો એવી હાલતમાં હતો કે કદાચ બીજી સેકન્ડે જો એ ગાડીમાં ફસડાઈ પડ્યો હોત તો હું અને મારો ધ્રુવલ બંને રોડ ઉપર પડ્યા જ હોત અને સાંજનો સમય એટલે રોડ પણ ભરચક હતો.
એટલે કદાચ એવું પણ બને કે એકાદ વ્હીકલ અમારા ઉપરથી પણ પસાર થઈ શકે....જો પડ્યા હોત તો?પણ એ કાકાનો "એ બેન" એવો અવાજ મારાને મારા દીકરા માટે "આશીર્વાદ" રૂપ સાબિત થયો.
મેં જ્યારે કાકાને દૂરથી થોડા પહેલા જોયા ત્યારે પણ એના ચહેરા સામે મારી નજર નહોતી અને એ કાકાએ મને "એ બેન" એમ કહ્યું ત્યારે પણ મારી નજર એમના સામે ન પડી.. એટલે હું એમનો ચહેરો ન જોઈ શકી.પણ મારા દિલમાં નિર્મળ ભાવે બોલાય ગયું "એ કાકાનું સારું થજો"
જોકે મારી પણ એક આદત છે. હું પણ ક્યાંક બાઈક ઉપર કોઈ બે લેડીઝ જતી હોય કે આગળ ભાઈ અને પાછળ કોઈ બેન બેઠેલા હોય એની સાડી કે દુપટ્ટો સરખો ન હોય ત્યારે હું પોતે પણ એની બાજુમાં ગાડી લઈ જય કે થોડી દૂરથી એને ચોક્કસપણે કહું છું કે બેન તમારી સાડી યા દુપટ્ટો ગાડીમાં આવી જશે અને એ લોકો સરખો કરી લે.
મને એવું લાગ્યું કે મારા આ ઘણા સારા કર્મનું એક આજ સારું ફળ મને મળ્યું.હું એકલી હોત તો કદાચ મને એ કાકા નું કેવું મહત્વ નું ન લાગ્યું હોત પણ આગળ મારો બાબો છે અને દરેક માતાને પોતાનું સંતાન પોતાના કરતાં વધુ વ્હાલું હોય. મને એવો વિચાર ન આવ્યો કે હું પડી હોત તો મને વાગ્યું હોત પણ એમ થયું કે હું તો પડી હોત તો ભલે પડી જાત પણ ધ્રુવલનો હાથ પગ ભાંગ્યો હોત તો?
પાંચ વર્ષનું બાળક કેટલું તોફાની હોય?એ પણ આ એકવીસમી સદીનું... બધાને ખબર જ છે. એને સાચવવુ કેટલું મુશ્કેલ થઈ જાય. મે ઇશ્વર નો આભાર વ્યક્ત કર્યો...
આ ઘટના તારીખ 21 સપ્ટેમ્બર 2019 ના બની.લગભગ આઠ-દસ દિવસ પહેલા જ મે રસ્તા ઉપર એક માસી ને કહેલુ માસી તમારી સાડી ગાડીમાં આવી જશે અને એ ભાઈએ લગભગ આગળ એ માસીના દીકરાની ઉમરનો છોકરો ગાડી ચલાવતો હતો અને ગાડી ઉભી રાખી અને એ માસી ફરીવાર ગાડી પર વ્યવસ્થિત ગોઠવાયા.
આ બધું મેં મારી ગાડીના કાચ માંથી જોયેલું.અને બસ એના આઠ દસ દિવસ પછી મારાથી પણ એક ભૂલ પડી અને એ ભૂલનો અંત સારો આવ્યો.....
બસ એક કવિતા લખવાનું મન થતા...
ઈશ્વરને ખુદા જુદા પડે છે.
શ્રદ્ધા રાખવામાં ક્યાં પૈસા ચૂકવવા પડે છે?
હોય જો વિશ્વાસ, તો કાયમ સાથે રહે છે.
શ્રધ્ધાના પણ કેટલાક પ્રકાર પડે છે!!!
ઈશ્વરને પ્રેમમાં પણ ભાગ પડે છે.
સત્યને પ્રમાણિકતા જ સાચા છે
તો પણ ઈશ્વરને ખુદા જુદા પડે છે.
માણસાઇ સાચો ધર્મ છે એ સૌ જાણે
તો પણ અહી બીજાથી માણસ જુદા પડે છે
તાકત છે બધું જ મુઠ્ઠીમાં ભરી લેવાની
તો પણ "શ્વાસ માંગવા" ઈશ્વર જુદા પડે છે