વન્સ અપોન અ ટાઈમ - 90 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 90

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 90

‘એકબાજુ દાઉદ, રાજન અને ગવળી વચ્ચે ખંડણી ઊઘરાણી માટે હરિફાઈ ચાલી રહી હતી ત્યારે બીજી બાજુ આ કલ્યાણ-ડોંબિવલી તેમ જ એની આજુબાજુના ઉપનગરોમાં સુરેશ મંચેકર ગજું કાઢી રહ્યો હતો. સુરેશ મંચેકરે પોતાની આગવી ગેંગ ઊભી કરી હતી અને એ બિલ્ડર્સ અને બિઝનેસમેનની સાથે સફળ ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને અન્ય પ્રોફેશનલ્સ પાસેથી પણ ખંડણી ઊઘરાવવા માંડ્યો હતો. દાઉદ ઈબ્રાહિમની જેમ સુરેશ મંચેકરે પણ પોતાની ગેંગમાં યુવતીઓની ભરતી કરવા માંડી હતી. સુરેશ મંચેકરે તો દાઉદ ગેંગથી એક ડગલું આગળ વધીને મુંબઈની કોલેજિયન યુવતીઓનો ખંડણી ઉઘરાણી માટે ઉપયોગ કરવા માંડ્યો. સુરેશ મંચેકર ગેંગની કોલેજિયન યુવતીઓમાંથી મોટાભાગની યુવતીઓ મોજશોખ કરવા અંડરવર્લ્ડ તરફ વળી હતી. એમાંથી ઘણી યુવતીઓ તો સારા કુંટુંબોમાંથી આવતી હતી. એમના ચહેરા જોઈને કોઈને કલ્પના પણ ન આવી શકે કે આ યુવતીઓ અંડરવર્લ્ડની કોઈ ગેંગ માટે ખંડણી ઉઘરાણીનું કામ કરતી હશે!’

સુરેશ મંચેકર સ્માર્ટ અને રૂપાળી કોલેજિયન યુવતીઓને પોતાની ગેંગમાં પગાર પર રાખવા માંડ્યો હતો. બીજી બાજુ એણે ઈન્કમટેક્સ, સેલ્સટેક્સ અને ટેલિફોન ડિપાર્ટમેન્ટના ઘણા ઑફિસર્સને પણ પોતાની ગેંગમાં સામેલ કરવા માંડ્યા હતાં. થાણે અને આજુબાજુના ઉપનગરોના વેપારીઓ કે બિલ્ડરો સેલ્સટેક્સ કે ઈન્ક્મટેક્સ પેટે મોટી રકમ ચૂકવે એની ખબર સુરેશ મંચેકરને પડી જતી હતી અને તરત જ એના માણસો ખંડણી વસૂલવા માટે એવા બિલ્ડર્સ અને વેપારીઓ પાસે પહોંચી જતા હતા. કોઈ વેપારી કે બિલ્ડર પોલીસને ફરિયાદ કરીને સુરેશ મંચેકર ગેંગના ગુંડાઓને પકડાવવાની કોશિશ કરે તો એ વિશે પણ મંચેકરને તરત ખબર પડી જતી હતી, કારણે કે એણે ટેલિફોન ડિપાર્ટમેન્ટના ઘણા ઑફિસર્સને સાધી લીધા હતા. મંચેકર ગેંગ દ્વારા ખંડણી માટે આવતા ટેલિફોન ટેપ કરવાની વ્યવસ્થા પોલીસ ઑફિસર્સ કરે તો એ વશે પણ ટેલિફોન ડિપાર્ટમેન્ટના લાંચિયા ઑફિસર્સ મંચેકરને તરત જ એ વિશે જાણ કરી દેતા અને પછી આવી ધૃષ્ટતા કરનાર વેપારી કે બિલ્ડરનું આવી બનતું. આ સ્થિતિમાં પોલીસે મંચેકર ગેંગ તરફ રિવોલ્વર નાળચાં ફેરવવા પડ્યા અને મંચેકર ગેંગના શૂટર્સને એન્કાઉન્ટરમાં ખતમ કરવા માંડ્યા.

1990 સુધી સરેશ મંચેકર સામાન્ય ટપોરી હતો,’ પપ્પુ ટકલાએ સુરેશ મંચેકરની કરમકંડળી અમારી સામે મૂકતાં કહ્યું, ‘સુરેશ મંચેકર મુંબઈના પરેલ વિસ્તારમાં ખિસ્સા કાપવાનું અને નાના-નાના વેપારીઓ પાસેથી હપ્તા વસૂલવાનું કામ કરતો હતો. એ દરમિયાન એને ગુરુ સાટમ જેવા ગુંડાની ઓથ મળી એટલે એની હિંમત ખૂલી ગઈ. સુરેશ મંચેકરના પિતા ધનાજી મંચેકર સામાન્ય મિલ મજૂર હતા. મિલ મજૂર પિતાએ આ કપૂતને એસ.એસ.સી. સુધી ભણાવ્યો, પણ પછી ભણતર છોડીને સુરેશ મંચેકર ગુંડાગિરી તરફ વળી ગયો. પરેલના લાલ ઔટા મેદાન સામે હીરાજી ભોજરાજ ચાલીમાં રહેતા સુરેશ મંચેકરે મુંબઈ વડાલા વિસ્તારમાં પપ્પુ નાયર નામના માણસનું ખૂન કરી નાખ્યું પછી એ રીઢો ગુનેગાર બની ગયો. તે વડાલા અને શિવરી વિસ્તારની જમીનો પર કબજો જમાવવા માંડ્યો.

મંચેકરે ગુરુ સાટમ માટે થોડો સમય કામ કર્યું, પણ એની મહત્વાકાંક્ષા અમાપ હતી એટલે એને ગુરુ સાટમ સાથે ફાવ્યું નહીં. એને દાઉદ ઈબ્રાહિમની જેમ ડોન બનવું હતું, પણ મુંબઈમાં દાઉદ, ગવળી અને નાઈક ગેંગ વચ્ચે પોતાનો ગજ નહીં વાગે એવું લાગતા એણે થાણે અને આજુબાજુના ઉપનગરોમાં નજર દોડાવી. 1992માં એણે પોતાની આગવી ગેંગ ઊભી કરી અને 1997 સુધીમાં તો એની ગેંગનું સંખ્યાબળ 200થી ઉપર પહોંચી ગયું. સૌપ્રથમ એણે કલ્યાણ અને ડોંબિવલી ઉપનગરોના બિલ્ડરોમાં પાસેથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું. કલ્યાણ અને ડોંબિવલીના બિલ્ડર્સમાં એણે પોતાના નામની ધાક બેસાડી દીધી. મંચેકરે ડોંબિવલી અને કલ્યાણમાં ‘ધંધો’ શરૂ કર્યો ત્યારે એ ઉપનગરોમાં નવનાથ ગેંગ, શેલગાર ગેંગ, કાશીનાથ મારુ ગેંગ અને ધરી ગેંગ નાના-મોટા ‘ખેલ’ કરતી હતી, પણ બે વર્ષમાં એ તમામ ગેંગલીડર્સ એના શરણે આવી ગયા.

1993 સુધીમાં તો એવી સ્થિતિ થઈ ગઈ હતી કે કલ્યાણ અને ડોંબિવલીમાં કોઈ પણ બિલ્ડર નવી ઈમારત બનાવે તો એમણે મંચેકરને એક ફ્લેટ અને રૂપિયા એક લાખ રોકડા આપી દેવા પડતા હતા. સુરેશ મંચેકરે 1992મા મુંબઈના શિવરી વિસ્તારના એક નગરસેવક વિનાયક બાબલેની હત્યા કરી હતી. એ કેસમાં પોલીસે એની ધરપકડ કરીને એને ‘ટાડા’ હેઠળ જેલમાં ધકેલી દીધો એ પછી મંચેકર પણ અરૂણ ગવળીની જેમ જેલમાં બેઠા બેઠા પોતાની ગેંગ ચલાવવા માંડ્યો હતો. અધૂરામાં પૂરું, એને કલ્યાણની આધારવાડી જેલમાં ખસેડવામાં આવ્યો એટલે એના માટે તો મોસાળમાં જમવાનું ને મા પીરસવાવાળી જેવો ઘાટ થયો. આધારવાડી જેલમાં બીજા યુવાન કેદીઓ સાથે દોસ્તી કરીને એણે એમને પોતાની ગેંગમાં સામેલ કરવા માંડ્યા.

1996 સુધીમાં મંચેકર ગેંગ એટલી મજબૂત બની ગઈ કે દાઉદ અને બીજી ગેંગોના હાથમાંથી થાણે અને આજુબાજુના ઉપનગરો સરકી ગયા. મંચેકર ગેંગના નામે ડઝનબંધ હત્યાઓ પોલીસ ચોપડે ચડી ગઈ. આ દરમિયાન મંચેકર જેલમાંથી બહાર આવી ગયો હતો. સુરેશ મંચેકરની આ વિસ્તારમાં જે ધાક જામી હતી એ જોઈને છોટા રાજન અને દાઉદ ઈબ્રાહિમે એને પોતાની સાથે લેવા માટે કોશિશ કરી, પણ એમાં એમની કારી ફાવી નહોતી. છોટા રાજનના જમણા હાથ સમા ગુરુ સાટમે સુરેશ મંચેકરને સમજાવવાની કોશિશ કરી, પણ સુરેશ મંચેકરને એના એક સમયના ‘ગુરુ’ની આંખની શરમ પણ નડી નહીં.

સુરેશ મંચેકર ગેંગ થાણે પોલીસ માટે માથાના દુખાવા સમી બની ગઈ એટલે પોલીસે એન્કાઉન્ટરનો સહારો લીધો. પોલીસે મંચેકર ગેંગના શૂટરોને ધડાધડ ગોળીએ દેવા માંડ્યા એટલે મંચેકર ગોવા જતો રહ્યો, પણ ત્યાં બેઠા બેઠા એણે કલ્યાણ, ડોંબિવલી અને પૂર્વના અન્ય ઉપનગરોમાં પોતાની પ્રવૃત્તિ તો ચાલુ જ રાખી. મુંબઈના અંડરવર્લ્ડનું નામ પડે એટલે લોકોની નજર સામે દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન અને અરૂણ ગવળીના ચહેરા તરવરવા માંડે છે. પણ મુંબઈ બહારના બહુ ઓછા લોકોને ખબર છે કે સુરેશ મંચેકર નામનું પણ મુંબઈના અંડરવર્લ્ડમાં એક તબક્કે વજન પડતું હતું.’ પપ્પુ ટકલાએ સુરેશ મંચેકર વિશે વાત પૂરી કરતા કહ્યું.

ટકલાએ વળી એક નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી. ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ ખેંચીને મોંમાંથી ધૂમ્રસેર હવામાં છોડ્યા બાદ એણે વાત આગળ ધપાવી: ‘મુંબઈના અને આજુબાજુના ઉપનગરોમાંથી અબજો રૂપિયાની કમાણીમાંથી મોટો હિસ્સો પડાવી લેવા માટે દાઉદ, ગવળી, રાજન, નાઈક અને મંચેકર ગેંગ આક્રમક બની રહી હતી એ દરમિયાન અરૂણ ગવળીને ટાડામાંથી મુક્ત કરવાનો આદેશ કોર્ટે આપ્યો. 1990માં અરૂણ ગવળીને ટાડા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો એ પછી સાડા-સાત વર્ષ સુધી ગવળી મહારાષ્ટ્રની જુદી જુદી જેલમાં પુરાયેલો રહ્યો હતો. એને કોર્ટે ટાડામાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો ત્યારે એ નાગપુરની સેન્ટ્રલ જેલમાં હતો. કોર્ટે ગવળીને મુક્ત કરવાનો આદેશ આપ્યો એ સમાચાર તરત જ દાઉદ ઈબ્રાહિમ અને અશ્વિન નાઈકને મળી ગયા હતા અને ગવળીના જાની દુશ્મન દાઉદ અને અશ્વિન નાઈકે પોતપોતાની રીતે અરૂણ ગવળીને કાયમી ‘મુક્તિ’ આપવા માટે માણસો દોડાવ્યા.

અરૂણ ગવળીને નાગપુરથી મુંબઈ લાવવા માટે નાગપુરથી મુંબઈની ફ્લાઈટ બુક થઈ હોવાની માહિતી મળી એટલે દાઉદ અને નાઈક ગેંગના શૂટર્સ નાગપુર અને મુંબઈના એરપોર્ટ બહાર ગોઠવાઈ ગયા. નાગપુર એરપોર્ટ બહાર ગવળીને મારવામાં નિષ્ફળતા મળે તો મુંબઈના સાન્તાક્રુઝ એરપોર્ટ બહાર એનો ઘડોલાડવો કરી નાખવાની જડબેસલાક તૈયારી નાઈક અને દાઉદ ગેંગ દ્વારા કરી દેવામાં આવી.’

(ક્રમશ:)