વન્સ અપોન અ ટાઈમ - 89 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 89

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 89

બારની અન્દર ધસી આવેલી પોલીસ ટીમમાં એક સબ-ઈન્સ્પેક્ટર હતો અને બાકીના ત્રણ કોન્સ્ટેબલ્સ હતા. પોલીસની એન્ટ્રી થઈ એ સાથે ડાન્સ કરતી છોકરીઓ અદ્રશ્ય થઈ ગઈ અને બધા ગ્રાહકો ઊભા થઈને બહાર નીકળી ગયા. બે મિનિટ પછી પોલીસ કર્મચારીઓ બારની બહાર નીકળ્યા અને અરવિંદ પટેલ સહિત બધા પાછા બારમાં આવીને પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા.

અરવિંદ પટેલને ખબર હતી કે આ તો માત્ર નાટક જ છે. પોલીસવાળા હપ્તો લેવા આવે એટલે એમની ‘આમન્યા’ જાળવવા ડાન્સર્સ અને ગ્રાહકોએ બહાર નીકળી જવાનું અને પોલીસ હપ્તો લઈને બહાર જાય એટલે પાછા આવી જવાનું! મુંબઈમાં જોકે બહુ ઓછા બાર આ રીતે રાતભર ચાલુ રહેતા હતા. ઘણા બાર્સના ગ્રાહકોએ તો આટલી ‘અગવડ’ પણ નહોતી ભોગવવી પડતી કેમ કે એમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ભાગીદાર રહેતા હતા! .

આખી રાત બિયર બારમાં ગાળ્યા પછી અરવિંદ પટેલ બારમાંથી બહાર નીકળ્યો. સવારના સાડા નવ વાગ્યે ગોરેગાંવ પશ્વિમમાં એ વે બ્રિજ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એક કાર ઊભી હતી. અરવિંદ પટેલે સિગ્નલ આપ્યુ એટલે એ કારમાંથી એક માણસ બહાર આવ્યો. એ નૂર મહમ્મદ ગાંધી હતો. બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા એટલે કોડવર્ડની આપ-લેની જરૂર નહોતી. પણ અંડરવર્લ્ડના નિયમ પ્રમાણે બંનેએ કોડવર્ડની આપ-લે કરી. એ બંને હેરોઈનની હેરફેર માટે ભેગા થયા હતા. માત્ર દોઢ મિનિટમાં બંને છૂટા પડી જવાના હતા. પણ એ બંને છૂટા પડે એ પહેલાં એક ભારેખમ અવાજ સંભળાયો: ‘હમને તુમ કો ચારોં ઓર સે ઘેર લિયા હૈ, ભાગનેકી કોશિશ મત કરના.’

ડ્રગ માફિયા નૂર મહમ્મદ ગાંધી અને અરવિંદ પટેલને સમજાઈ ગયું કે તેઓ મુંબઈ પોલીસની જાળમાં ફસાઈ ચૂક્યા છે. એમણે પિસ્તોલ કાઢીને પોલીસ અધિકારીઓ તરફ ગોળીબાર શરૂ કર્યો. મુંબઈ પોલીસની એન્ટિ નાર્કોટિક્સ સેલના ઑફિસર્સે પટેલ અને ગાંધીના ફાયરિંગનો જવાબ વાળ્યો અને ગણતરીની સેકન્ડોમાં નૂર મહમ્મદ ગાંધી અને અરવિંદ પટેલની લાશો મુંબઈના ગોરેગાંવ ઉપનગરના વે બ્રિજ પાસે પડી હતી!

***

‘તમને એવું કહેવાની જરૂર નથી કે છોટા રાજને જ મુંબઈ પોલીસ સુધી આ ડ્રગ માફિયાઓ વિશે માહિતી પહોંચાડી હતી,’ પપ્પુ ટકલાએ આ વાત કરવાની સ્ટાઈલ બદલાતા કહ્યું, ‘‘જો કે મુંબઈ પોલીસને સીબીઆઈએ પણ નૂર મહમ્મદ ગાંધી અને અરવિંદ પટેલના કારનામા વિશે જાણ કરી હતી. પરંતુ આ બંને ડ્રગ માફિયા મળવાના છે, એવી માહિતી ખબરી દ્વારા પોલીસ સુધી પહોંચાડવામાં તો છોટા રાજન ગેંગનો હાથ હતો. આ બંને ડ્રગ માફિયા ગોરેગાંવમાં મળવાના છે, એવી માહિતી ખબરી દ્વારા પોલીસ સુધી પહોચાડવાનું કામ છોટા રાજન ગેંગે કર્યું હતું. પણ એ સિવાય આડકતરી રીતે પણ છોટા રાજને મુંબઈ પોલીસ સુધી આ બંનેના કારનામાંની વિગતો પહોંચાડી હતી. છોટા રાજને દાઉદ ગેંગના ચાર ગુંડાને આરડીએક્સ સાથે દિલ્હીમાં પકડાવી દીધા હતા. એ ગુંડાઓ પાસેથી તમામ માહિતી ઓકાવીને પોલીસે સીબીઆઈને આપી હતી અને સીબીઆઈના તત્કાલીન ડિરેક્ટર જોગીન્દરસિંહે એ માહિતી સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર મુંબઈ પોલીસને આ માહિતી પહોંચાડી હતી. એ રીતે પણ મુંબઈ ગેંગ ગાંધી અને પટેલને ભારે પડી ગઈ હતી.

ગાંધી અને પટેલ દાઉદ ગેંગના એઝાઝ પઠાણના ઓર્ડર પ્રમાણે ડ્રગ સ્મગલિંગ નેટવર્કમાં ભાગ ભજવતા હતા. મુંબઈમાં એમણે ઘણા ડ્રગ કન્સાઈનમેન્ટ્સ હેમખેમ પાર પાડ્યા હતા. એમના કમોતથી ડ્રગ સ્મગલિંગ નેટવર્કને મુંબઈમાં આંચકો લાગ્યો.

દાઉદ ગેંગ ડ્રગ માફિયા નૂર મહમ્મદ ગાંધી અને અરવિંદ પટેલના કમોતનો જવાબ વળવા માટે મોકો શોધી રહી હતી. એ દરમિયાન અરૂણ ગવળી ગેંગ સામે પણ દાઉદ ગેંગના શૂટર્સે મોરચો માંડ્યો હતો.

છોટા રાજન અને અરૂણ ગવળી ગેંગ વચ્ચે સમજૂતી સધાયા પછી એક બાજુ છોટા રાજન દાઉદના ડ્રગ સ્મગલિંગ નેટવર્કને હચમચાવી રહ્યો હતો તો બીજી બાજુ મુંબઈમાં છોટા રાજન અને અરૂણ ગવળી ગેંગ મુંબઈમાં મોટે પાયે ખંડણી ઉઘરાવી રહી હતી એટલે દાઉદ ગેંગને બમણો આર્થિક માર પડી રહ્યો હતો. અગાઉ દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજન સાથે હતા ત્યારે મુંબઈમાંથી જેટલી ખંડણી વસૂલ થતી હતી એમાંથી 60 ટકા જેટલો હિસ્સો દાઉદ ગેંગને મળતો હતો. 25 ટકા જેટલો હિસ્સો અરૂણ ગવળી ગેંગને મળતો હતો અને 15 ટકા જેટલો હિસ્સો અમર નાઈક ગેંગ અને અન્ય ટપોરી ગેંગ્સ મેળવતી હતી. પણ અમર નાઈક પોલીસ સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો એટલે એની ગેંગ અશ્વિન નાઈકના નેજા હેઠળ અન્ય વિસ્તારોમાં પણ ખંડણી ઊઘરાવવા માંડી હતી. તો ચેમ્બુર અને આજુબાજુના વિસ્તારોમાં છોટા રાજને અડીંગો જમાવી દીધો હતો અને એ સિવાય મુંબઈના ટોચના બિલ્ડર્સ અને બિઝનેસમેન પાસેથી પણ છોટા રાજન મોટે પાયે ખંડણી ઊઘરાવવા માંડ્યો હતો. આ દરમિયાન મુંબઈના પૂર્વના છેવાડાના ઉપનગરોમાં અંડરવર્લ્ડના એક ખેલાડી ખંડણીની મોટી રકમ વસૂલ કરવા લાગ્યો એટલે દાઉદ ગેંગને ઓર ફટકો પડી રહ્યો હતો. અંડરવર્લ્ડના એ ખેલાડીનું નામ સુરેશ મંચેકર હતું.’

ખંડણી ઉઘરાણીની વાત કરતાં-કરતાં પપ્પુ ટકલાએ નાનકડો બ્રેક લીધો. બ્લેક લેબલનો નવો પેગ તૈયાર કરીને, નવી ફાઈવફાઈવફાઈવ સળગાવીને એણે વાત આગળ ધપાવી, ‘ સુરેશ મંચેકરની કરમકુંડળી તમને કહેતા અગાઉ મુંબઈમાંથી ખંડણીની ઊઘરાણીની રકમ વિશે તમને થોડી માહિતી આપી દઉં. 1996 સુધીમાં મુંબઈમાં ખંડણી ઉઘરાણીની રકમનો વાર્ષિક આંકડો 1000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો હતો. અગાઉ માત્ર દાઉદ ગેંગ દર વર્ષે કુલ ખંડણીની ઉઘરાણીમાંથી 60 ટકા હિસ્સો લઈ જતી હતી એમાં છોટા રાજન ભાગ પડાવવા માંડ્યો એટલે દાઉદ ઈબ્રાહિમને મળતી ખંડણીની ટકાવારી ઘટીને ત્રીસથી પાંત્રીસ ટકા સુધી પહોંચી ગઈ. એટલે કે મુંબઈમાંથી વર્ષે રૂપિયા 1000 કરોડની ખંડણી ઉઘરાવાય તો એમાંથી દાઉદ ગેંગને અગાઉની ટકાવારી પ્રમાણે 600 કરોડ રૂપિયા જેટલી મળતી હોત, પણ છોટા રાજનને કારણે દાઉદ ગેંગને ખંડણી ઉઘરાણીની આવકમાં ત્રણસો કરોડ રૂપિયા જેટલો ફટકો પડવા લાગ્યો. આ સ્થિતિમાં મુંબઈના અંડરવર્લ્ડની ગેંગવોર વધુ લોહિયાળ બનવા માંડી. અરૂણ ગવળી ગેંગ પણ વર્ષ રૂપિયા અઢીસો કરોડથી વધુ રકમની ખંડણી ઉઘરાવી રહી હતી. આ સ્થિતિમાં અરૂણ ગવળી અને છોટા રાજનનો કાંટો કાઢી નાખવામાં આવે તો ફરી વાર દાઉદ ગેંગની ખંડણી ઊઘરાણીનો ગ્રાફ ઊંચે જઈ શકે એમ હતો. પણ છોટા રાજન દાઉદ ગેંગના શૂટર્સના હાથમાં આવતો નહોતો. છોટા રાજનની હત્યા માટે વિદેશમાં થયેલા પ્રયાસ નિષ્ફળ સાબિત થયા હતા. એટલે દાઉદ ઈબ્રાહિમે મુંબઈમાં અરૂણ ગવળીનું કાટલું કાઢી નાખવાની દિશામાં વિચાર શરૂ કર્યો.’

(ક્રમશ:)