અંગારપથ. - ૨૩ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગારપથ. - ૨૩

અંગારપથ.

પ્રકરણ-૨૩.

પ્રવીણ પીઠડીયા.

ધૂઆંધાર ફાયરિંગ બંધ થયું એ સમય સુધીમાં તો કિલ્લામાં મોતનો ઓછાયો છવાઇ ચૂકયો હતો. સંજય બંડુ અને તેના તમામ સાથીદારોનો સોથ નીકળી ગયો હતો. પોલીસ પાર્ટીને કમિશનર સાહેબની ખૂલ્લી છૂટ મળતાં જ ભૂખ્યાં વરુનાં ટોળાઓ જેમ બકરીઓનાં સમુહ ઉપર ત્રાટકે એમ બંડુનાં માણસો ઉપર ત્રાટકી પડયાં હતા અને એક એક માણસને વિણી વિણીને સાફ કરી નાખ્યો હતો. પછી તેમના મૃતદેહોને કિલ્લાની વચ્ચે એક ખાલી જગ્યામાં લાવીને લાઇનસર ગોઠવ્યાં હતા. એ દરમ્યાન આ સમાચાર ગોવા પોલીસ હેડક્વાટરે પહોચ્યાં હતા અને ત્યાંથી મારંમાર કરતી પોલીસ જવાનોની ટૂકડીઓ કિલ્લા તરફ આવવાં નીકળી પડી.

કમિશનર અર્જૂન પવાર ખુદ ઘાયલ થયાં હતા. શેટ્ટીએ એમ્બ્યૂલન્સ તો મંગાવી હતી પરંતુ તેને અહી સુધી આવતાં સમય લાગવાનો હતો એટલે તાત્કાલીક ઘોરણે તેમને પોલીસ જીપમાં બેસાડીને ગોવાની જનરલ હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી. કમિશનર સાહેબને લઇને જીપ નીકળી પછી શેટ્ટી વિચારમાં પડયો હતો કે આ ઘટનાને મિડિયામાં કેવી રીતે જણાવવી? તે જાણતો હતો કે આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો ઉદભવશે અને મિડિયા તો પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર લગભગ તૂટી જ પડશે. તેને એ જ ડર હતો કે જો મિડિયા સમક્ષ નિવેદન આપવામાં સહેજે ચૂક થઇ તો..? તે થડકી ઉઠયો અને વિચારવાનું બંધ કરી દીધું. આ સવાલનો જવાબ તેને ખબર હતી અને તે ઇચ્છતો હતો કે એવું કંઇ ન થાય!

@@@

જંગલમાં પ્રસરતી આગની જેમ ગોવા પોલીસનાં એન્કાઉન્ટરની ખબર સમસ્ત રાજ્યમાં ફેલાઇ ગઇ. નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રેસ રિપોર્ટરોનાં ધાડે-ધાડા એ ખબરને કવર કરવા માટે કિલ્લા તરફ રીતરસનાં ધસી ગયાં. આટલા બધા વર્ષો સાવ અવાવરું અને એકાંતવાસમાં સડતો રહેલો કિલ્લો એકાએક જ અજીબ પ્રકારનાં માણસોનાં ઘસારાથી ઉભરાઇ ગયો હતો અને ત્યાં અફરા તફરીનો માહોલ જામ્યો હતો.

અભિમન્યુએ પણ એ સમાચાર સાંભળ્યાં હતા અને તેના ચહેરા ઉપર આશ્વર્યની રેખાઓ ઉપસી આવી હતી. લોકલ પોલીસખાતાનું આટલું ફાસ્ટ રિએકશન તેને હૈરત પમાડતું હતું અને વળી એ તમામનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે એ જાણીને તો તેના જેવો કાબેલ આદમી પણ વિચારમાં પડી ગયો હતો. નો ડાઉટ કે પોલીસ ક્વાટર્સ ઉપર હુમલો કરીને બંડુએ જાતે જ પોતાની કબર ખોદી હતી પરંતુ તેના બદલામાં જે થયું એ ઘણા ગંભીર પ્રશ્નો પેદા કરનારું હતું. તેણે તરત ડેરેન લોબોને ફોન લગાવ્યો.

“લોબો, શું છે આ બધું? તમે કોઇ જંગ લડવાની તૈયારીમાં તો નથી ને!”

“અભિ, આ તું મને પૂંછે છે? તને સહેજે અંદાજ છે કે તું શું કરી રહ્યો છે? તારાં કારણે જ તો આ બધું શરૂ થયું છે એટલે જવાબ તો તારે આપવો જોઇએ.” લોબોનાં શ્વરમાં એક ન સમજાય એવો ભાવ હતો. જાણે તે અભિને આ ઘટના માટે કસૂરવાર સમજતો હોય.

“ડોન્ટ સે મી લોબો. મેં ફકત મારી બહેનનો ઈન્સાફ માંગ્યો છે. અને એ નહી મળે તો….” તે અટકી ગયો.

“બોલ… બોલ. અટકી કેમ ગયો. કહે કે હું આખા રાજ્યમાં અરાજકતાં ફેલાવી દઇશ. ગોવાને રણભૂમીમાં તબદિલ કરી નાખીશ. અરે કરી શું નાંખીશ, ઓલરેડી તબદિલ થઇ જ ગયું છે. આજે તારા એકલાનાં કારણે જ ગોવાનો ઇતિહાસ કરવટ બદલી રહ્યો છે અને આટલાં વર્ષોમાં ક્યારેય ન જોઇ હોય કે ન અનૂભવી હોય એવી ભિષણ જંગની કગાર ઉપર તે ગોવાને લાવીને ઉભું રાખી દીધું છે.” લોબો એક જ શ્વાસે બોલી ગયો. જે થઇ રહ્યું હતું એ અંગત રીતે તો તેને ગમતી વાત હતી કારણ કે તેનાથી ગોવાનાં રાજકારણમાં અને સામાન્ય જીવનમાં જે સડો સદીઓથી ખદબદતો હતો એ સાફ થઇ રહ્યો હતો પરંતુ તેને એક ડર પણ લાગતો હતો કે ક્યાંક બાજી આખી ઉંધી ન વળી જાય અને ગોવાનાં ટૂરિઝમ ઉપર તેનાથી વીપરીત અસર પડે.

“તારે જે કહેવું હોય એ કહે પરંતુ હું મારું કામ કરીને જ રહીશ. રહી વાત અત્યારે તને ફોન કરવાની તો મારે જાણવું છે કે આમ… અચાનક એન્કાઉન્ટર કેમ કરવામાં આવ્યું? પોલીસ ધારત તો તેમને જીવતાં પણ પકડી શકી હોત.”

“એ એટલું સહેલું નહી બન્યું હોય. હું ત્યાં નહોતો એટલે મને પાક્કી ખબર નથી પરંતુ જે થયું એ એક રીતે તો યોગ્ય જ થયું છે. જોઇએ હવે આગળ શું નવીન ઉદભવે છે! તારે પણ આનો જવાબ આપવાનો થશે એટલે તૈયારી રાખજે.” લોબો એક ભયાનક નિસાસો નાંખતા કહ્યું.

“હું સંપૂર્ણપણે તૈયાર જ છું. મને ખબર છે મારે શું કરવાનું છે અને કેમ કરવાનું છે. અને એક વાત તને પણ આજે ક્લિયર કહી દઉં કે તું પણ તૈયાર રહેજે. મારા હાથમાં જે દારૂગોળો આવ્યો છે એ એટલો ભયાનક રીતે ફાટશે કે તું અને તારું ડિપાર્ટમેન્ટ… કે પછી સમગ્ર રાજ્યુંનું પોલીસ ખાતું તેનો સામનો નહી કરી શકે. આ ફક્ત મારી ખોખલી વાતો નથી પરંતુ એનો અનુભવ બહું જ જલદી તને થશે. અને એવા સમયે મને તારો સાથ જોઇશે. આ મામલો એમ જ ખતમ નહી થાય. આ તો હજું શરૂઆત છે. અંત આનાથી પણ ઘણો ભયાનક અને આઘાતજનક હશે.” અભિમન્યુ બોલ્યો. લોબો સહમી ગયો. તેને પોતાના આ માથાંફરેલ મિત્ર વિશે ખ્યાલ તો હતો જ પરંતુ હવે તેને ડર લાગવા માંડયો હતો. અભિમન્યુ રોકાય તેમ નહોતો અને સામા પક્ષે પોલીસ પણ કંઇ હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવાની નહોતી. જો અભિમન્યુ પોલીસખાતાનાં ચક્રવ્યુહમાં ફસાયો તો તેને બચાવવો મુશ્કેલ બની જવાનો હતો. અને જો અભિમન્યુ તેના ઇરાદામાં કામયાબ નિવડયો તો ગોવાની ભૂગોળ… ઇતિહાસ… ભવિષ્ય… બધું જ એક ઝટકે બદલી જવાનું હતું. તેણે ફરીવાર ભયાનક નિસાસો નાખ્યો અને ફોન મૂકયો.

@@@@

“હવે શું કરવાનું છે?” ચારુંએ તૈયાર થતાં પૂછયું. અભિએ હમણાં જ લોબોનો ફોન મૂકયો હતો અને તેમની વચ્ચે જે વાતો થઇ હતી એ સાંભળી હતી. તે પણ ડરી ગઇ હતી. સબ-ઈન્સ્પેકટર તરીકેની પહેલી જ પોસ્ટિંગમાં તે એક ભયંકર ઝમેલામાં તે ફસાઇ હતી અને પછી જે છે થયું હતું એ તેની કલ્પના બહારનું હતું. તે મરતાં મરતાં માંડ બચી હતી. અને હજું તો આ એક શરૂઆત થઇ હોય એવું જણાતું હતું. આવનારું ભવિષ્ય આનાથી પણ ખતરનાક હશે એવા ભણકારાં અત્યારથી જ તેને સંભળાવા લાગ્યાં હતા.

“થોડી રાહ જોવાની છે.” એકદમ ઠંડકથી અભિ બોલ્યો અને કમરામાં પડેલી ખુરશી ખેંચીને તેની ઉપર બેઠો.

“રાહ જોવાની છે? પણ કોની?” ચારુંને આશ્વર્ય થયું.

“લોકલ પોલીસ સ્ટેશનેથી ફોન આવવાની. લોબો કહેતો હતો કે પોલીસ આપણને, એટલે કે મને ચોકીમાં તેડાવી શકે તેમ છે. તું એક કામ કર, અત્યારે જ તારી ડ્યૂટી ઉપર લાગી જા. સવાલ-જવાબ તો તને પણ કરવામાં આવશે. એનો તને જે યોગ્ય લાગે એ જવાબ આપજે. બાકીનું હું મારી રીતે ફોડી લઇશ.”

“શું ફોડી લઇશ! મને ખબર છે કે તું બહું બહાદુર છે અને ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ ગભરાતો નથી. પરંતુ આ મામલો સામાન્ય નથી. આપણી ઉપર ચારેકોરથી દબાણ આવશે. એવા સમયે જો તારું અને મારું સ્ટેટમેન્ટ અલગ-અલગ આવશે તો આપણે બન્ને કોઇ ગંભીર મુસીબતમાં પડીશું. તું કંઇક વિચાર આ બાબતે.”

“વિચારવાનો સમય વિતિ ગયો છે. એ લોકોએ આપણી ઉપર હુમલો કરીને તેમનાં મોતને જાતે જ આમંત્રણ આપ્યું હતું. એ તો ગનિમત થયું કે મારી પહેલાં પોલીસ તેમના સુધી પહોંચી ગઇ અને તેમનો સફાયો કરી નાંખ્યો. પરંતુ હજું ઘણાં લોકો બાકી છે. હજું ઘણાં રહસ્યો ઉપરથી પડદો ઉઠવાનો છે. ગોલ્ડનબાર, આલમ કાદરી, બસ્તીમાંથી ગુમ થતાં બાળકો, દુર્જન રાયસંગા, મારી સિસ્ટર પર હુમલો કરનાર વ્યક્તિ, અને જૂલી… આ તમામની ખબર મેળવાની છે. આખરે શું મકસદ છે આ લોકોનો? એ હકીકત જાણ્યાં વગર હું જંપીને બેસીશ નહી અને કોઇને બેસવા પણ નહી દઉં.” અભિમન્યુએ દાંત ભિસ્યા હતા. ચારું થોડુક ચાલીને તેની નજીક પહોંચી. શું કરવું એ તેને સમજાતું નહોતું. દિલ કહેતું હતું કે તે અભિમન્યુનો સાથ નીભાવે, જ્યારે વાસ્તવિકતા કંઇક અલગ જ સૂચન આપતી હતી. તેને પણ વિચારવા માટે સમય જોઇતો હતો એટલે તે આભિની નજીક જઇને પલંગની ધારે બેસી ગઇ. પછી હળવેક રહીને તેણે અભિનો હાથ પોતાના હાથમાં લીધો અને તેની આંખોમાં ઝાંકયું. એ નજરોમાં સધીયારો હતો કે શંકા, એ અભિને સમજાયું નહી.

@@@@

કમિશનર વિક્રમ પવારને લઇને નીકળેલી પોલીસ જીપ હોસ્પિટલે આવી પહોંચી અને તેમને ફટાફટ એડમીટ કરીને તેમની સારવાર ચાલું કરવાં આવી. તેમનો કાન ફાટી ગયો હતો અને કાનની નીચેની બૂટ ઉડી ગઇ હતી. એક પોલીસમેન ક્યાંકથી એ બૂટનો ટૂકડો ઉઠાવીને પોતાની સાથે રૂમાલમાં લપેટીને લેતો આવ્યો હતો એટલે ડોકટરોએ તેને યોગ્ય જગ્યાએ સાંઘવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન પછી તેમને રક્ષા સૂર્યવંશીને જે ફ્લોર પર રખાઇ હતી એ ફ્લારનાં જ એક કમરામાં શિફ્ટ કરવામાં આવ્યાં હતા.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.