અંગારપથ. - ૨૨ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અંગારપથ. - ૨૨

અંગારપથ.

પ્રકરણ-૨૨.

પ્રવીણ પીઠડીયા.

દક્ષિણ ગોવાનો એ અવાવરૂં કિલ્લો ભયાવહ ધમાકાઓથી એકધારો ગુંજી રહ્યો હતો. પોલીસ પાર્ટીએ સંજય બંડુની ગેંગ ફરતે બરાબરનો ઘેરો ઘાલ્યો હતો અને તેમની ઉપર ધીરે ધીરે પોતાના સકંજો કસતાં જતાં હતા. શેટ્ટી પાછળ તરફથી ગોળ ચકરાવો કાપીને કિલ્લામાં ઘૂસ્યો હતો. હવે તે બંડુનાં માણસોની એકદમ પાછળ હતો. બંડુનાં માણસો તેમની પાછળથી આવતાં ખતરાંથી બેખબર હતા અને તેઓ આગળની તરફ ગોળીબારી ચલાવી રહ્યાં હતા. એ કુલ ચાર માણસો હતા. શેટ્ટીને તેમની પીઠ દેખાતી હતી. તેણે પોતાનાં સાથીદારોને ઇશારો કર્યો અને ઇશારાથી જ રણનિતિ સમજાવી હતી. એ સીધો જ હુમલો કરવાનો ઇશારો હતો એટલે તેઓ રીતસરનાં તેમની ઉપર તૂટી પડયા. પહેલી ગોળી શેટ્ટીએ ચલાવી અને બંડુનાં એક માણસની પીઠ સોંસરવી ગોળી નીકળી ગઇ. એ ત્યાંનો ત્યાં જ ઢેર થઇ ગયો. અચાનક પોતાની પાછળથી થયેલાં હુમલાને કારણે બીજા માણસો ચોંકયાં હતા અને ગભરાઇને પાછળ ફર્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચૂકયું હતું. તેઓ કોઇ રિએકશન આપે એ પહેલાં તો એ તમામ માણસો પોલીસની ગોળીઓથી વિંધાઇને જમીન ઉપર ઢળી પડયાં હતા. એક સાથે ચાર-ચાર માણસોનો સોથ વળી ગયો હતો. તેમને કદાચ સ્વપ્નેય ખ્યાલ નહી હોય કે તેમનો આટલો ભયાનક અંત આવશે.

શેટ્ટીની આંખોમાં ચમક ઉભરી આવી. તેણે હાથનો અંગૂઠો ’થમ્સઅપ’ની સંજ્ઞામાં ઉંચો કર્યો અને પોતાના માણસોની કામગીરી બિરદાવી. પછી તેઓ આગળ વધી ગયાં.

પવારે એ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો અને તે ચોંકયો હતો. તેને ખબર હતી કે શેટ્ટી પાછળની તરફ ગયો છે. પરંતુ તે શ્યોર નહોતો કે આ ફાયરિંગ તેણે કર્યું હતું કે બંડુનાં માણસોએ! તે ઘડીભર ખામોશ બેઠો રહ્યો. બંડુ સામેની તરફથી ગોળીબાર કરતો હતો એ પણ એકાએક ખામોશ થઇ ગયો હતો. બરાબર એ સમયે જ તેની પીઠ પાછળ કશોક સળવળાટ થયો હોય એવું લાગ્યું. એકાદ પથ્થર કોઇનાં પગ તળેથી છટકવાનો એ અવાજ હતો. તેણે એકદમ જ પાછળ ફરીને જોયું અને તેના મોતિયા મરી ગયાં. તેની સામે બંડુ ઉભો હતો અને તેના હાથમાં ગન હતી. તેના કપાળની બરાબર મધ્યમાં એક લાંબા નાળચાવાળી ગન તકાઇ ચૂકી હતી. એકાએક તે બંડુના નિશાના ઉપર આવી હતો. આ ઘટના વિજળીવેગે ઘટી હતી. બંડુ ઓટલાને ગોળ ફરીને પવાર જ્યાંથી ફાયરિંગ કરતો હતો એ તરફ આવી પહોંચ્યો હતો. પવાર હજુંપણ આગળ જ જોઇ રહ્યો હતો એનો તેણે ભરપુર ફાયદો ઉઠાવ્યો અને તે કોઇ હરકત કરે એ પહેલા તેની નજદિક જઇને ગન તાકી દીધી હતી.

પવાર એકાએક બંડુની અડફેટે ચડી ગયો હતો. એક હરકત અને તેનો ખેલ ખતમ થઇ જવાનો હતો.

@@@

શેટ્ટી એકાએક જ અટકી ગયો. તે અને તેના માણસો સાવધાનીથી આગળ વધતાં હતા કે અચાનક જ તેની ધડકનોમાં ભુકંપ પ્રસરી ગયો. સામે દેખાતો નજારો દિલ ધડકાવનારો હતો. બંડુની ગન કમિશનર સાહેબનાં માથે તોળાતી હતી અને કમિશનરનો જીવ તેમનાં તાળવે આવીને ચોંટયો હતો. શેટ્ટી થડકી ગયો. ઈશારાથી જ તેણે સાથીઓને થોભી જવાનો હુકમ કર્યો અને પોઝિશન લીધી. બધાની ધડકનો એકદમ ખામોશ બની ગઇ હતી અને આવનારી ક્ષણની પ્રતિક્ષા કરતી હતી. કિલ્લાનાં આ ભાગમાં એકાએક જ ગજબનાક શાંતી પ્રસરી ગઇ હતી. એક જરાક નાની અમથી હરકત કે હલચલ ગોવાનાં પોલીસ કમિશનર માટે જોખમી સાબિત થવાની હતી. શેટ્ટી શ્વાસ રોકીને એક દિવાલ સાથે ચીપકીને ઉભો હતો. તેના હાથમાં ગન હતી જે બંડુ તરફ તકાઇ હતી. પોલીસ બેડામાં શેટ્ટી એક અચ્છા નિશાનેબાજ તરીકે પ્રખ્યાત હતો. તેના જેટલું સચોટ અને એક્યુરેટ નિશાન ગોવામાં તો લગભગ કોઇનું જ નહોતું. એનું શેટ્ટીને જો કે અભિમાન પણ હતું. તે ઘારત તો આ સમયે જ બંડુ ઉપર ફાયર કરીને તેને પરાસ્ત કરી શકે તેમ હતો પરંતુ બંડુનાં નિશાને કમિશનર સાહેબનો જીવ બંધાયેલો હતો એટલે તે એટલું મોટું જોખમ ઉઠાવી શકે તેમ નહોતો. તેની નજરો એકધારી બંડુ તરફ જ તકાયેલી હતી અને તેને આશ્વર્ય ઉદભવતું હતું કે કેમ બંડુ કોઇ હરકત કરતો નથી? તે ખામોશ કેમ ઉભો છે?

@@@

કિલ્લાની દિવાલોમાં પડેલા બાકોરાઓમાંથી સૂસવાટાભેર પવન વાતો હતો. બંડુ લગભગ દસેક મિનિટથી પવાર ઉપર ગન તાકીને ઉભો હતો. તેની આંગળીનાં હલ્લા-સા એક ઇશારે પવારનું રામ નામ સત્ય થઇ જવાનું હતું પરંતુ તે અટકયો હતો. તેના મનમાં કંઇક અલગ જ ગણતરી ચાલતી હતી. તે પવારને ઢાલ તરીકે ઉપયોગ કરીને અહીથી છટકવાં માંગતો હતો. તે જાણતો હતો કે પવાર પૂરતી તૈયારી સાથે જ આવ્યો હશે એટલે જો જીવીત બચવું હોય તો તેને મારી નાંખવા કરતા જીવતો રાખવો વધું ફાયદેમંદ સાબિત થાય તેમ હતું અને એટલે જ તે અટકયો હતો.

“ડ્રોપ યોર ગન ઓર આઇ વીલ શૂટ યુ મિ. પવાર.” બંડુ દાંત ભિંસતાં બોલ્યો. પવારે અસહાય નજરે બંડુ સામું જોયું અને પોતાની ગન જમીન ઉપર મૂકી. “ગુડ. હવે ઉભો થા અને મારી સાથે ચાલ.” તેણે ખતરનાક અંદાજમાં કહ્યું. પવાર પાસે તેની વાત માનવા સીવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. તેણે આજૂબાજૂ નજર ફેરવી. તેનો કોઇ માણસ આટલામાં દેખાતો નહોતો. મતલબ, કમસેકમ બંડુ અત્યારે ફાવી ગયો હતો. તે હળવેક રહીને ઉભો થયો. બરાબર એ સમયે જ તેણે બંડુની પાછળ આવી પહોંચેલા શેટ્ટીને જોયો. શેટ્ટી એક દિવાલની આડાશે છૂપાયેલો હતો. તેની ગન બંડુ તરફ જ તકાયેલી હતી. તેની અને શેટ્ટીની નજરો અલપ-ઝલપ મળી અને આટલે દૂરથી પણ આપસમાં ઇશારાઓની બખૂબીથી આપ-લે થઇ. અને… એ સાથે જ બે ત્રણ ઘટનાઓ એક સાથે બની ગઇ.

સૌથી પહેલાં બંડુ ચોંકયો હતો. પવારની આંખોનો ઉલાળો તેણે અનાયાસે જ નોંધ્યો હતો અને સહસા ચોંકીને પાછળ ગરદન ઘૂમાવીને જોવાની ચેષ્ટા કરી. તેમાં તેનો ગન પકડેલો હાથ થોડો હલી ગયો હતો. શેટ્ટીની તિક્ષ્ણ નજરોએ એ હરકત નોંધી. તેના માટે તો એ ગોલ્ડન ચાંન્સ હતો. તેણે પોતાનું નિશાન પાક્કું કર્યું અને સહેજે સમય ગુમાવ્યાં વગર તેણે બંડુ ઉપર ફાયર કરી દીધો. અને બરાબર એ સમયે જ પવાર નીચો નમ્યો હતો. શેટ્ટી ખરેખર કાબેલ ખેલાડી હતો. તેણે ક્ષણનાં ચોથા ભાગમાં ગોળી ચલાવી દીધી હતી અને એ ગોળી સીધી જ બંડુની ખોપરીમાં... કપાળ અને માથાનાં વચ્ચેનાં ભાગે વાગી હતી. બંડુનાં ચહેરા ઉપર ભયંકર આઘાતનાં ભાવ છવાયાં. એક ક્ષણ પૂરતું લાગ્યું કે કોઇકે તેની ખોપરીમાં ગરમા-ગરમ શીશુ ભરી દીધું છે. ભયાનક આશ્વર્યથી તેની આંખો પહોળી થઇ અને માથેથી લોહીનો રગેડો વહીને કાન સુધી રેળાયો. તે કોઇ કપાયેલા ઝાડની જેમ નીચે પડયો પરંતુ એ પહેલાં તેની આંગળી તેણે પકડેલી ગનનાં ટ્રિગર ઉપર ભિંસાઇ ચૂકી હતી અને ગનમાંથી ગોળી છૂટી. એ ગોળી સીધી જ પવારને વાગી. એક સેકન્ડ પૂરતું પવારને લાગ્યું કે તેનું જડબું તેના ચહેરા ઉપરથી નોખું પડી ગયું છે. એકાએક તેની ગરદને કશુક ગરમ અનુભવાયું અને અનાયાસે તેનો હાથ ગરદન તરફ વળ્યો. તેની આંગળિઓનાં ટેરવાં ગરમ ચીકાશથી ભીના થયા.

પવારને લાગ્યું કે તે મરી રહ્યો છે. પરંતુ એવું નહોતું. બંડુની ગનમાંથી છૂટેલી ગોળી તેનો ડાબો કાન ઉડાડતી ગઇ હતી. જો બરાબર અણીનાં સમયે જ તે નીચો નમ્યો ન હોત તો અત્યારે તેની ખોપરીનાં ફૂરચા ઉડી ગયા હોત પરંતુ એક સેકન્ડ પૂરતાં સમય માટે તે મરતાં મરતાં બચ્યો હતો. બંડુની ગોળીથી તેની ડાબી બાજુંના કાનની બૂટ છૂટી પડીને હવામાં ઉડી ગઇ હતી. ત્યાથી લોહીનો ફૂવારો છૂટયો હતો અને કમિશનર પોતાના કાન પકડીને નીચે બેસી ગયો હતો.

શેટ્ટી ત્યાં દોડી આવ્યો. તેણે જમીન ઉપર પથરાઇને પડેલાં બંડુ ઉપર નજર નાંખી. તે મરી ચૂકયો હતો. એક જ ગોળીએ ગોવાનાં સૌથી મોટા ડોનનાં જમણાં હાથ સમાન માણસનો ખાત્મો બોલાવી દીધો હતો. શેટ્ટીનાં ચહેરા ઉપર ગર્વ ભરી મુસ્કાન ઉભરાઇ આવી કારણ કે આ ઘટના કંઈ નાની-સૂની નહોતી. બંડુના મોતથી ગોવાનાં કલંકિત ઇતીહાસનો એક અધ્યાય સમાપ્ત થયો હતો. અને… તેનો રસ્તો પણ ક્લિયર થયો હતો એ ખ્યાલે શેટ્ટી હસ્યો. પછી તે કમિશનર તરફ લપકયો. તેને ફડક પેસી હતી કે ક્યાંક કમિશનર પણ ઉકલી ન ગયો હોય તો સારું. પરંતુ કમિશનર પવાર જીવિત હતો. તે અત્યંત પીડા અને આઘાતથી ટૂંટિયું વાળી ગયો હતો. આજે જીંદગીમાં પહેલીવાર તેણે પોતાના મોતને આટલી નજદિકથી નીહાળ્યું હતું. તેનું જીગર ભયંકર ડરથી ફફડતું હતું. શેટ્ટીએ તેની પાસે જઇને તેમને ઉભા કર્યા.

“આર યુ ઓલરાઈટ સર?” કાન પાસેથી ઉભરાતું લોહી તેને દેખાતું હતું છતાં તેણે પૂછયું અને પછી આગળ વધીને તેમનો કાન તપાસ્યો. કમિશનરનો અડધો કાન ઉડી ગયો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવા પડે તેમ હતાં. તેણે તુરંત વોકીટોકી દ્વારા એમ્બ્યૂંલન્સને મેસેજ પાસ કર્યો અને પોતાના ગજવામાંથી રૂમાલ કાઢીને કમિશનરને આપ્યો. તેના માટે તો કમિશનર બચ્યો હતો એ જ રાહતનાં સમાચાર હતાં.

“એક એક સૂવ્વરને વિણી વિણીને સાફ કરી નાંખ. પછી જે થશે એ જોયું જશે.” કમિશનરે દાંત ભિંસતા કહ્યું અને ખતરનાક અંદાજથી શેટ્ટી સામું જોયું. શેટ્ટી તરત કામે વળગ્યો. તેણે તમામ પોલીસ જવાનોને આદેશ આપ્યો અને તેઓ રીતસરનાં બંડુનાં માણસો ઉપર તૂટી પડયાં. તેઓ જ્યાં જ્યાં સંતાયા હતા ત્યાં ત્યાંથી શોધીને બધાનો સફાયો બોલાવી દીધો અને તેમની બોડીને ઉંચકી લાવીને એક જગ્યાએ એકઠા કર્યાં. એ ઘણું ભયાવહ દ્રશ્ય હતું.

ગોવાનાં દક્ષિણ દરીયાકાંઠાની જમીન ઉપર પથરાયેલો આ વિશાળ કિલ્લો આજે એક એવી ઘટનાનો સાક્ષી બન્યો હતો જેના પડઘા ઘણાં લાંબા સમય સુધી સંભળાવાનાં હતા.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

maya shelat

maya shelat 9 માસ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા

Narendrbhai M Patel

Narendrbhai M Patel 2 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા