રેવાની વાતને કૌશલ સારી રીતે સમજતો હતો. એટલે વધારે ભાર આપ્યો નહીં. માત્ર બોલ્યો " રેવા.. એકવાત યાદ રાખજે. તને આગળ કોઈપણ વાર એવું લાગે કે તારે કોઈ વાત કહેવી છે. તો હું છું. તું મને કહી શકે છે. હું સમજું છું. "
આજે પહેલીવાર કૌશલ અને રેવા ઝઘડો કર્યાં વગર શાંતિથી વાત કરી રહ્યા હતાં.
(થોડાં દિવસો પછી)
રચનાનાં લગ્નની ભાગદોડ પછી હવે ધીમે ધીમે બધાં પોતાનાં મુળ જીવનમાં પાછાં વળી રહ્યા હતાં. પોતપોતાના કામે પાછાં ફરી રહ્યા હતાં. દિવસો વીતતા ગયાં અને રચનાની ઉણપ ઘટવા લાગી .
એક દિવસ રેવા અને વંદિતા સાથે ફરવા નીકળ્યા.
રેવા: રચનાદીદીનાં જવાં પછી તો જાણે સમય જ પસાર નથી થતો.
વંદિતા: હા દીદી. કેટલી મજા કરી લગ્નમાં. ત્યારે કોને યાદ હતું કે તેમની વિદાય પછી આટલું એકલવાયું જીવન બની જશે.
રેવા: અરે પહેલાં તો ખબર નહીં ક્યાથી બધાં કામ નીકળી આવતાં હતાં. એક ક્ષણની પણ નવરાશ નહતી. પણ હવે તો જો. ખાલી સમય કેટલો છે!
વંદિતા: તમને ખબર દીદી. અમેં નાનાં હતાં ત્યારથી જ સાથે ને સાથે છીએ. બધાં એકબીજાના સ્વભાવને અને જીવનને એટલી સારી રીતે ઓળખી ગયાં છે ને કે ના પૂછો વાત. અને પહેલેથી જ રચનાદીદી જાણે અમારી માં ની ભુમીકા પુરી પાડતી આવી છે. એક વખત તો કૌશલભાઈ અને અનંતભાઈનો એટલો મોટો ઝઘડો થઈ ગયો હતો . અને કૌશલભાઈ તો પહેલેથી જ આટલાં જ ગરમ મિજાજનાં એટલે વાત થોડી વધું મોટી બની ગઈ હતી પણ રચનાદીદીની સમજશક્તિથી બધું કાબુમાં આવી ગયું.
ચાલતાં ચાલતાં રેવા અને વંદિતા મંદિરનાં પરિસરમાં પહોચી ગયાં. પણ ત્યાંથી કોઈ અજાણ્યા અવાજો સંભળાવા લાગ્યાં. એટલે રેવા બોલી " વંદિતા આ અવાજો?!... " " મંદિરની પાછળથો સંભળાય છે " વંદિતા એ ધ્યાન આપ્યું. " તો ચાલ જલદી જોવું પડશે " રેવા મંદિરની પાછળ તરફ દોડી. મંદિરનો પાછળનો ભાગ એટલે સાવ વેરાન મેદાન. જ્યાં ના કોઈની અવરજવર કે ના કોઈનો વસવાટ. વંદિતા અને રેવા ત્યાં પહોંચ્યા દુર ઉભાં ત્યાંનું દ્રશ્ય જોઈ તેઓ દંગ રહી ગયાં. વંદિતાને પરિસ્થિતિનો આભાસ હતો પણ રેવા માટે આ એક તદ્દન ભિન્ન મુદ્દો હતો. રેવાએ જોયું કે કેટલાક છોકરાંઓ જેમની ઉંમર લગભગ 8-10 વર્ષનો વચ્ચે હશે તે જોર જોરથી એક યુવાનને મારી રહ્યાં હતાં. પોતાનો પુરો જોશ લગાવી અને પોતાની બધી તાકાત વાપરી તે યુવાન પર વાર કરી રહ્યા હતાં. મોટી દિવાલ જેની ઉંચાઈ વધારે ના હોવાથી તેની પર ચઢી તે યુવાન પર કૂદી રહ્યાં હતાં. તે યુવાનની હાલત અધમૂઇ થઈ ગઈ હોવાં છતાં તે માર ખાય રહ્યો હતો. રેવાએ આ બધું જોઈ થોડું વધારે નજીક ગઈ અને જોતાં જ તેની આંખો પહોળી થઈ ગઈ. તે યુવાન બીજું કોઈ નહીં પણ કૌશલ હતો. જે માણસ પોતે એટલો તાકતવર છતાં માર ખાતો હતો! પણ કેમ? અને આવી અવાવરૂ વાતાવરણ બનાવીને કેમ? ઘણાં પ્રશ્નો રેવાનાં મનમાં ઉભરાઈ આવ્યાં. વંદિતા ગભરાઈ અને રેવાને કૌશલની પાસે જવામાં અટકાવી તેને દૂર ખસેડવા લાગી. આ જોઈ આશ્ચર્ય પામેલી રેવાએ પુછ્યું
" કેમ દૂર ખસેડે છે મને? તું જરાં કૌશલ તરફ જો. તે માર ખાય છે હાલત ખરાબ છે. તેને રોકવો પડશે. તને આ જોઈ કોઈ ફર્ક નથી પડી રહ્યો? " વંદિતાની આંખોમાં આંસુ હતાં. અને તેનું મુખ લાચારીમાં નીચું નમેલું હતું. ભાર દઈને પુછવા પર વંદિતા બોલી " દીદી મને પણ ફર્ક પડે છે. પણ આ કૌશલભાઈ સાથે પહેલીવાર નથી બની રહ્યું. અને જે પણ જોવો છો તે કૌશલભાઈની જ ઈચ્છાથી થાય છે. " "પણ કેમ?.... આટલી પીડા સહન કરવાની જરૂર કેમ?" રેવાએ અધીરી બની પુછ્યું. વંદિતાએ કોઈ કારણ કહ્યું નહીં એટલે રેવાને ગુસ્સો આવવા લાગ્યો. વંદિતા પર નહીં પણ આ સ્થિતિ પર. કૌશલની હરકત પર. વંદિતાએ ના કહ્યાં છતાં રેવા કૌશલ પાસે પહોંચી. દરેક એ દરેક બાળકને ત્યાંથી ભગાડી મૂક્યાં. રેવાની આંખોમાં ગુસ્સો હતો પણ કૌશલની ચિંતા રૂપી. કૌશલે નજર ઉઠાવી રેવા સામે જોયું એટલે રેવા તેની પર વરસી પડી " શું છે આ બધું કૌશલ! શરમ નથી આવતી તને આટલો મોટો થયો પણ એક ટકાની અક્કલ નથી. જાણતો જ ના હોય શું સારું છે શું ખોટું તેમ વર્તન કરતાં! " કૌશલ કશું બોલી નહતો શકતો એટલે રેવાએ વંદિતા ને કહ્યું " વંદિતા જલદી જા અને અનંતને બોલાવી લાવ. તેને કહેજે કૌશલની હાલત વિશે. જલદી આવજે.. જા..." વંદિતા દોડતા-ભાગતા અનંતને બોલાવવાં તેનાં ઘર તરફ ચાલી. રેવાનો ગુસ્સો ગાંડાતુર બની રહ્યો હતો. " ચુપ બેસવાથી શું થશે કૌશલ! બોલ તારી આ હરકતની પાછળનું કારણ. એવું તો શું બન્યું કે તું તારી જાતને જ નુકશાન પહોંચાડે છે!? તને બીજાં કોઈનો વિચાર ના આવ્યો? તારી માં નો પણ નહીં? તે એકલાં બિચારાં કેટલે પહોંચી વળે? તારું આવું વર્તન શોભનીય હતું?... અને મને ખબર છે આ પહેલીવાર નથી. તેં પહેલાં પણ આવું કર્યું હતું! શું કામ! " બોલતાં બોલતાં રેવાએ કૌશલનાં ખભે હાથ મુક્યો અને અડતાંની સાથે જ કૌશલની પીડાથી ભરેલી બુમ નીકળી ગઈ. એટલે રેવા અટકી ગઈ. પોતાને શાંત કરી કૌશલનાં ઘા જોવાં લાગી. પીઠ પર પડેલાં દરેક વારથી લોહી ગંઠાઈ રહ્યું હતું. જોતાં જોતાં તેની આખી પીઠ પર ઘાવ હોવાનાં અંદાજથી રેવાએ કહ્યું" કૌશલ તને તો દરેક જગ્યાએ ઘા લાગ્યો છે. જોવું પડશે હજું ક્યાં ક્યાં છે લોહી ગંઠાવાનાં નિશાન. શર્ટ ઉતાર તો ખબર પડે." કૌશલ ચમક્યો. " શું બોલે છે તું? ભાન છે તને?! તારી સામે શર્ટ ઉતારું? " માંડ માંડ કૌશલ બોલ્યો. રેવાને વધારે ગુસ્સો આવ્યો તેને ભાન નહતું કે તે શું કરી રહી હતી. કે તેને ચિંતા નહતી કે કોઈ શું વિચારશે. રેવાએ કહ્યું "હા એ જ કહ્યું .. શર્ટ ઉતાર. તારાં ઘા ક્યાં છે અને કેટલાં છે તે જોવું પડશે. અનંતને બોલાવ્યો છે તે આવે ત્યાં સુધી આમ નથી છોડી શકતી. " રેવાની ચિંતા એક અલગ પગથિયે ચડી રહી હતી. કૌશલ પ્રત્યેની આટલી ચિંતાની ધારણાં કૌશલને નહતી. રેવા કૌશલ પર એમ ચિંતા બતાવવાં લાગી જેમ કે તેની પુરો હક્ક છે કૌશલ પર. આ જોઈ કૌશલ પણ આશ્ચર્ય પામ્યો કે રેવાને થયું શું છે! જે છોકરી મારી સાથે બે મિનિટ વાત ના કરી શકે તે આજે મારી આટલી ચિંતા કેમ કરે છે! એટલામાં અનંત અને વંદિતા ત્યાં પહોંચ્યા. અનંતે કૌશલની સારી રીતે તપાસ કરી જરૂર પુરતી બધી દવાઓ કરી. કૌશલ પોતાનાં ઘેર જવાં નહતો માંગતો એટલે અનંત તેને પોતાનાં ઘેર લઈ ગયો. રેવા અને વંદિતા પણ અનંત સાથે તેનાં ઘેર પહોંચ્યાં. અનંતે કૌશલની હાલત જોઈ કહ્યું " સારું થયું રેવા તું આને રોકી શકી. નહીં તો એટલો માર મરાયો છે કે તે મરી પણ શકતો હતો. આ ગાંડાને ખબર જ નહતી કે તે કરી શું રહ્યો હતો." રેવાએ ધીમાં અવાજે કહ્યું " સારું અનંત, તું કૌશલનું ધ્યાન રાખજે. મોડું થયું છે હવે હું ને વંદિતા ઘેર નિકળીયે."
રેવા અને વંદિતા ત્યાથી ચાલવા માંડ્યા પણ રેવાની કૌશલ તરફની એ છેલ્લી નજર કૌશલને બેચેન કરી રહી હતી. કૌશલ વિચારવા લાગ્યો " થોડાં સમય પહેલાં તો મારી પર ગુસ્સામાં આટલું વરસી પડી અને હવે બધું ઠીક છે તો એકદમ ચુપ બની ચાલી ગઈ. એક પળમાં આટલી ચિંતા અને બીજા જ પળમાં સન્નાટો! રેવા.... હું તને ક્યારે સમજી શકીશ! અને એ તારી નજર... જાણે ઘણું બધું કહેવાં માંગતી હતી. " વિચારોમાં ને વિચારોમાં કૌશલની આંખ મીંચાઈ ગઈ.
બીજા દિવસે કૌશલની તબિયત સારી હોવાથી તે પોતાનાં કામ તરફ નિકળ્યો. રસ્તામાં રેવાને જોઈ એટલે પાછળથી રેવાને સાદ પાડી બોલાવી. રેવા કૌશલને જોઈ ઉભી રહી. તેનો હાલચાલ પુછવાં લાગી. પણ રેવાનાં અવાજમાં એ ઉત્સાહ કે દમ નહતો જે તેનાં અવાજમાં રણકતો હતો. કૌશલને રેવા થોડી ઉદાસ જણાય એટલે તેણે કારણ પુછતા કહ્યું " રેવા હું કાલથી જોઉં છું કે તું કંઈક અલગ વર્તન કરે છે. શું થયું છે? અને કાલે જે રીતે તું એક નજર જોઈને ગઈ અનંતનાં ઘેરથી , મને એવું લાગ્યું જાણે તારી આંખોને ઘણુંબધું કહેવું છે!..." રેવા માત્ર ચુપ ઉભી રહી. પછી ધીમેથી કશુંક વિચારીને કહ્યું " કોઈ જગ્યાએ બેસીને વાત કરીએ? "
કૌશલ અને રેવા એક જગ્યા બેઠાં એટલે રેવાએ પોતાની વાત સમજાવતાં કહ્યું " કાલે જે મેં જોયું એ ખરેખર મારાં માટે એક ઝટકો હતો. મને નથી સમજાતું કે તું પોતાની જાતને જ તકલીફ કેમ આપતો હતો. પણ જ્યાંથી હું જોઉં છું ને ત્યાંથી મને તારી દરેક હરકતો ખોટી જણાય છે.
તારી પાસે બધું જ છે. ઘર, પરિવાર, ગામ, રહેઠાણ અને મિત્રો જે તારાં માટે જીવ હથેળીમાં મુકીને રાખે છે. તને તારાં જીવનમાં આટલો પ્રેમ મળ્યો છે અને મળે છે તો પણ તારે આમ પોતાનાં શરીર પર ઘા કરવાની, સજા આપવાની જરૂર પડે છે. પણ તું મારું વિચાર. મારી પાસે તો ના પોતાનું ઘર છે, ના પરિવારની કોઈ ખબર, ના મારાં જીવનનાં કોઈ ઠેકાણાં. એ તો કદાચ કિસ્મત સારી હતી તો તમેં લોકો મળ્યાં. એક નવો પરિવાર બનાવ્યો. એમ નથી કે માંરાં જીવનમાં દુઃખ નથી પણ એ દુઃખોને હું મારી પર હાવી થવાં નથી દેતી. તારી મજબુરી મને નથી ખબર પણ મારી મજબુરી તો તને ખબર છે ને! જો તું તારાં દુઃખોને ઓછાં કરવાં પોતાને સજા આપતો હોય આટલી હદ્દ સુધી સહન કરતો હોય તો મારે તો આત્મહત્યા જ કરી લેવી જોઈએ ને!.." " એવું ના બોલીશ..." કૌશલ ઝપાટાભેર બોલ્યો. " જો કૌશલ તારી જે પણ તકલીફ હોય , જે મજબુરી હોય જો તને ક્યારેય પણ લાગે કે કોઈ સાથે વાત કરવી છે તો તું મારી સાથે વાત કરી શકે છે. હું તારું અંકન નહીં કરું. " રેવા ત્યાંથી ચાલવા લાગી. થોડે દૂર જઈ ફરીથી રેવાએ કહ્યું " અને ફરી આવું કરતો નહીં. જ્યારે તારું દુઃખ તારી પર ભારી થાય તો તું બીજાં કોઈની તકલીફોને યાદ કરજે જે તારાંથી પણ વધારે હોવાં છતાં પોતાનાં જીવનની ખુશીઓ ઝઘડીને પામે છે. કોશિશ કરતાં રહે છે.."
રેવાની વાતો કૌશલને અસર કરી રહી હતી. તેને પોતાનાં ખોટાં નિર્ણયનો આભાસ થવાં લાગ્યો હતો. રેવા તો ચાલી ગઈ પણ કૌશલ ત્યાં જ બેઠો ઉંડા વિચારોમાં ખોવાઈ ગયો. " તને નથી ખબર રેવા તું શું નથી જાણતી. મારાં જીવનનું એ સત્ય મારાં માટે યાદશક્તિ ગુમાવવા કરતાં પણ વધારે કષ્ટદાયક છે. તેનાં વિશે વિચારતાં જ મારાં ચેતનાનાં દરેક તંતુ ઉભાં થઈ જાય છે..." કૌશલની આંખો ભીની થઈ ગઈ. કૌશલ ગભરાવા લાગ્યો . કપાળે પરસેવો છૂટી ગયો અને શ્વાસોચ્છવાસની ગતિ વધી ગઈ.
આખરે શું સત્ય છુપાવે છે કૌશલ! શું છે તેની મજબુરી?
ક્રમશઃ